‘અંતરની આરસી”

આ શું માંડ્યું છે ? મને તો સમજ નથી પડતી કે, ઘરમાં આવું ત્યારે રોજ એની એ જ રામાયણ ?

” મમ્મી , તેં મારા લગ્ન શામાટે કરાવ્યા” ?

‘બેટા, તારી પસંદગીની છોકરી હતી’!

માથુ ખંજવાળતા, ‘હા, એ વાત તારી સાચી છે’.

‘સોનલ, તેં મને નહોતું કહ્યં કે, લગ્ન પછી આપણે મમ્મી અને પપ્પાની સાથે રહીશું’.

‘હા’ !

‘તો પછી આ શું ચાલે છે’?

‘કોના ?’ એ વાત ચોખ્ખી કરી ન હતી ‘.

હવે ચમકવાનો વારો શીલ નો આવ્યો.

સોનલના પ્રેમમાં ભાન ભૂલેલા શીલને આવો વિચાર કેવી રીતે આવે. શીલના મમ્મી ખૂબ સાલસ હતા. પિતાજી તેમના કામમાં ડૂબેલા હોય. સોનલને કોને ખબર કેમ શીલ ઉપર માલિકી હક જમાવવો હતો. શીલ કાંઇ તેના પપ્પાની જાગિર ન હતી !

શીલે હવે દિમાગ ઠંડુ રાખી ગુંચવાયેલું કોકડું કેમ ઉકેલવું તેના વિચારમાં ખોવાયેલો રહેતો હતો. શીલને ખબર હતી તેના પિતાજી ખૂબ હોંશિયાર છે. એક રવીવારે સોનલ તેના મમ્મી અને પપ્પા સાથે લોનાવાલા ગઈ હતી. આ તકનો લાભ લઈ શીલે પપ્પાજી સાથે શાંતિથી વેચાર કરવાનું વિચાર્યું. સવારે ચા અને નાસ્તો કરી બન્ને જણા વાતે વળગ્યા. દર રવીવારે શીલના મમ્મી સવારના બે કલાક આશ્રમમાં જતા. વિદ્વાન સ્વામીજીનું પ્રવચન સાંભળે અને આશ્રમમાં કામકાજમાં સહાય આપે.

પિતાજી આજે તમારી સાથે જરા વાત કરવી છે.

‘બોલ બેટા’.

પપ્પા, સોનલે આવી વાત કરી, તમે કહો હવે કેવી રીતે તેને સમજાવું”?

પપ્પા હસવા લાગ્યા, ‘બેટા પ્રેમ કર્યો ત્યારે મને પૂછ્યું હતું ? હવે કેમ આમાંથી નિકળવાનો માર્ગ નથી શોધતો?’

‘પપ્પા, તમે મારી મશ્કરી ન કરો’.

જો, સાંભળ થોડો વખત તું અને સોનલ બીજે ગામ જુદા રહેવા જાવ. તારા એકલાના પગારમાં ઘર ચલાવવા તેને મજબૂર કરજે. ન ચાલે તો કહેવાનું ,’જા તારા પપ્પા પાસેથી પૈસા લઈ આવ’. ત્યાં તેને આદરપૂર્વક સહારો નહી મળે એટલે તને કહેશે,’જા, તારા પપ્પાને કહે આપે’.

‘તું ટસનો મસ થતો નહી. આપણે પપ્પા અને મમ્મીથી દૂર થઈ ગયા છીએ. હવે હું પૈસા નહી માગું’.

જરા છ થી બાર મહિના સંભાળી લેજે. આપોઆપ ઠેકાણે આવી જશે. સોનલના ભાઈ અને ભાભી ઘરમાં છે. તેની ભાભી સોનલની શાન ઠેકાણે લાવશે. તે ખૂબ સંસ્કારી છે. પોતાના ઘરમાં શાંતિથી સમાણી છે. બસ આનાથી વધારેની શીલને જરૂર ન હતી.

સોનલ પાછી આવી. ફરીથી જ્યારે સ્વર્ગ જેવા વાતાવરણમાં સોનલે દખલ દીધી ત્યારે શીલે કહ્યું આપણે જુદા રહેવા જઈએ. ઘરનું વાતાવરણ કલુષિત થાય તે મને પસંદ નથી. સોનલને તો ભાવતું તું ને વૈદે કીધું, જેવા હાલ થયા.

શીલને નોકરી પર બદલી મળી ગઈ. સોનલની ખુશીનો પાર ન હતો. શીલના મમ્મીએ સોનલને મનગમતું બધું અપાવ્યું અને સરસ રીતે ઘર ગોઠવવામાં મદદ કરી. શરુ શરુમાં સોનલને ખૂબ આનંદ આવ્યો. મન ગમતું કરતી. પરણ્યાને લાંબો સમય થયો ન હતો એટલે બાળક ન હતું. નવા શહેરમાં નોકરી મળતા વાર લાગે તે સમજતી હતી. બેફામ ખરીદી કરતી. પછી જ્યારે બીલ આપવાનો સમય આવે ત્યારે ઘરમાં થતું, ‘મહાભારત’.

મમ્મી અને પપ્પાની સાથે હતા ત્યારે ઘરખર્ચની કોઈ જવાબદારી ન હતી. ન વિજળીનું બીલ આવે કે ન ભાડાની ચિંતા.  ટેલિફોનનું બિલ. દર મહિને કરિયાણું ખરીદવાનું, દુધવાળો, છાપાવાળો આમ યાદી લાંબી ને લાંબી થતી. છ મહિનામાં તો ત્રાહિમામ પોકારી ગઈ. કયા મોઢે કહે કે મમ્મીને પપ્પાના રાજમાં જલસા હતા.   

સોનલના મમ્મીને ત્યાં દીકરા અને વહુનું સામ્રાજ્ય હતું.  એના પિતા નિવૃત્ત જીંદગી ગાળતા હતા. મમ્મી, વહુને ઘરકામમા મદદ કરતી હતી.  એકલા રહેતાં સોનલને ખબર પડી ગઈ,’ કેટલી વીસે સો થાય છે’. પિયર જઈ રોદણાં રડવાનો કોઈ અર્થ ન હતો. ભાભી પાસે માન સાચવવાનું હતું.

શીલ બધું જોતો હતો. સોનલને ખૂબ ચાહતો હતો. પણ તેની સાન ઠેકાણે લાવવાની તાતી જરુર હતી. સોનલ બોલતી નહી પણ આડકતરી રીતે બતાવતી ખરી.  તેના પ્પા નિવૃત્ત જીવન ગાળતા હતા. ક્યા મોઢે ત્યાં પૈસા માગવા જાય ?  શીલને કહ્યું તો કહે, ‘હવે કયે મોઢે હું પપ્પા પાસે પૈસા માગવા જાંઉ’?

સોનલની હાલત ,’સાપે છછુંદર ગળ્યા’ જેવી હતી.  શીલને કયે મોઢે કશી પણ ફરિયાદ કરે. પિયરમાં તો હવે જવું પણ ગમતું નહી. શીલના માતા અને પિતા પ્યાર આપતા હતા ત્યારે બહેનબાને જોર ચડ્યું હતું. હવે શું બોલે ?

અધુરામાં પુરું સોનલ મા બનવાની તૈયારીમાં હતી. રોજ સવારે ઉલ્ટી થતી. નબળાઈ પુષ્કળ લાગતી. શીલ પોતાનાથી બનતી બધી મદદ કરતો. શીલના મમ્મી અને પપ્પા  આવા શુભ સમાચાર જાણી ખૂબ ખુશ હતા. સોનલની તબિયત નરમ ગરમ રહેતી હતી જેને કારણે મમ્મી અને પપ્પા મળવા આવ્યા. ઘરની હાલત જોઈ તેમને દુઃખ થયું. સોનલથી કામકાજ થતું નહી. પૈસાની તંગી તેમની નજરથી છુપી ન રહી શકી.

મમ્મીથી રહેવાયું નહી, ‘સોનલ બેટા, આવા સમયે સાથે રહેવા આવો, તમારી તબિયત સચવાશે. હું તમારું મનગમતું બનાવીને ખવડાવીશ’. હજુ મમ્મી વાક્ય પુરું કરે તે પહેલા ઉઠીને સોનલ સાસુમાને ગળે વળગી પડી !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: