આમ પણ મેહુલો મને ખૂબ ગમે . ઝરમર ઝરમર વરસતો હોય અને હું છત્રી વગર રસ્તા પર ચાલતી હોંઉ. મમ્મી બૂમો પાડતી રહે, ‘બેટા પલળે છે ને તો શરદી થઈ જશે. પછી તાવ આવશે’.
મમ્મીની વાત ગણકારે એ બીજા. .’ આવા વરસાદમાં નાચવાનું મન થાય, હું તો માત્ર પલળીને આનંદ માણતી હતી’.
અષાઢ મહીનો આવે ને બારે મેઘ ખાંગા થાય. સ્લેટર રોડ ઉપર પાણી ઘુંટણ સમાણા ભરાઈ જાય. હવે અંધેરી જવાનું હોય, ઝડપથી પહોંચવાનો એક જ રસ્તો .મુંબઈની લોકલ ટ્રેન. ગાડી પકડવાની ગ્રાન્ટ રોડથી, સ્લેટર રોડ પર ગયા વગર છૂટકો ન થાય. ચાલુ દિવસોમાં વાંધો ન આવે. ઉનાળાની બાફ મારતી ગરમી અને શિયાળાની ખુશનુમા સવાર ,ટ્રેનમાં જવાની મસ્તી કાંઈ ઔર હોય. આ તો પેલો મેઘ માથું ખાઈ જાય. કોઈક વાર ગમે પણ જ્યારે વરસાદની ઝડી અઠવાડિયા સુધી અટકે નહી તો ભારે થાય.
બે દિવસથી વરસાદ થંભ્યો ન હતો પણ ગાંડાની જેમ વરસ્યો પણ ન હતો. એટલે ચાલ્યું. સવારે મમ્મીએ બનાવેલું ટિફિન લઈને નિકળી, ગ્રાંટરોડથી ફાસ્ટ ટ્રેન મળી ખૂબ આનંદ થયો. સમયસર પહોંચી ગઈ. મુસિબત તો ત્યારે થઈ જ્યારે પાછા આવવાનું હતું. અંધેરીથી ટ્રેનમાં બેઠી હજુ તો વાંદરા સ્ટેશન આવે ત્યાં વરસાદ ટૂટી પડ્યો. ટ્રેનનો ડ્રાઈવર, ઝાઝુ દેખાતું નહી એટલે કાન ફાડી નાખે તેવો ભોંપું વગાડતો. બધા મુસાફરો પરેશાન થઈ ગયા.
.
મુંબઈની પરાની ગાડીમાં મુસાફરી કરી હોય તો ખબર પડે કેટલી ગિર્દી હોય છે. ખિચોખીચ ડબ્બો ભરેલો હતો. વરસાદને કારણે બારણા બંધ કરવા પડ્યા. અંદાઝ પણ નહી આવે માણસો કેટલી ગિર્દીમાં ઉભા હતા. ભલેને તમે ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતા હો. ગિર્દીમાં ભાગ્યે બહુ ફરક પડે. સાંજના છ વાગી ગયા હતા. મેઘલી રાત બરાબર જામતી જતી હતી. ચાર જણાની બેસવાની જગ્યા પર આઠ જણા બેઠા હતા. ઉભેલાઓ એકબીજાની અડોઅડ મરજી ન હોવા છતાં દબાઈને ઉભા હતા.
હું અંધેરીથી ગાડીમાં બેઠી હતી. ત્યાંથી ખાલી ઉપડી હતી એટલે બારી પાસે બેસવાની જગ્યા મળી હતી. આજે જ પરિક્ષા પૂરી થઈ હતી એટલે મગજ પર કોઈ ભાર ન હતો. બેઠાં બેઠાં ડબ્બાની અંદર ચાલતા જાતજાતના ખેલનું નિરિક્ષણ કરી રહી.
મારી બાજુમાં બે જણાની વચ્ચે બેઠેલી ,મીઠીબાઈ કોલેજની છોકરી , બેઠાં બેઠાં સ્કર્ટ તાણતી જણાઇ. એટલો ટુંકો હતો કે ક્યાંથી ખેંચે તે પણ નવાઈ લાગે. મને ઘણીવાર ટ્રેનમાં ભેગી થતી એટલે હલ્લો કેહેવાનો સંબંધ હતો.
ત્યાં વળી પેલા ધોતિયાવાળાભાઈએ જોરથી છિંક ખાધી. આખા ડબ્બામાં જાણે ધરતિકંપ થયો હોય તેવું લાગ્યું.. હવે આપણે ત્યાં છિંક આવે ત્યારે આડો હાથ દઈએ એટલું પણ એ કાકાને જરૂરી ન લાગ્યું. ચારે બાજુ વરસાદની છાંટ ઉડી. લોકોના મોઢા વિચિત્ર થયા. બસ ખેલ ખતમ. ગાડી ખૂબ ધીરે ચાલતી હતી. લોકોને બફારો થતો હતો પણ નાઈલાજ હતા.
ત્યાં તો એક બહેનના હાથમાં નાનું બાળક હતું. મારી નજર પડીકે તરત મેં કહ્યું ,’અંહી આવીને મારી જગ્યાએ બેસો. મને ઈશારતથી કહે,’ત્યાં આવું કેવી રીતે’ ? એમની નજીક એક ભાઈએ આ ઈશારા જોયા. તેમના હ્રદયમાં રામ વસ્યા. ઉભા થઈને કહે, ‘બહેન આવો અંહી બેસો. ‘ અમારા બન્નેની આંખમાંથી તેમણે આભાર નિતરતો જણાયો. બહેન શાંતિથી બેઠા ત્યાં બાળકે બે હાથે બહેનને પકડ્યાં. મા સમજી ગઈ દીકરીને ભૂખ લાગી છે. એક વસ્તુ કહેવી પડશે, બધા મુસાફરોએ મ્હોં ફેરવી લીધું જેથી મા દીકરીને અમરતનું પાન સરળતાથી કરાવી શકે. આ સભ્યતા જોઈને મારું શીશ નમી ગયું. ૧૯ વર્ષની એંન્જીનયરિંગમાં ભણતી મને દુનિયાનો અનુભવ ન હતો .
આજે મને આ બધું નિરિક્ષણ કરવાનો લહાવો મળ્યો. ત્યાં થોડે દૂર એક ચોકલેટ વેચતો નાનો પંદરેક વર્ષનો છોકરો દેખાયો. બિચારો ઠંડીમાં ધ્રુજતો હતો. તેનું ખમીસ પણ ફાટેલું લાગ્યું. જો કે ફર્સ્ટ ક્લાસમાં આવા ફેરિયાની બંધી હોય છે. પણ ઝરમર વરસાદ વરસતો હતો એક જુવાનિયાએ તેને ગાડીની સાથે દોડતો હતો તેથી ઉપર ડબ્બામાં ખેંચી લીધો. ઉપર આવીને તેને મફતમાં કેડબરી આપવા ગયો તો પેલા કોલેજના વિદ્યાર્થીએ પૈસા આપીને લીધી. પેલા ફેરિયાના મુખ પરે પ્રસરેલી ખુશીની ઝલક જોઈને મેં પણ તેને નજીક બોલાવ્યો. ચપળતાથી ઘુસ મારીને મારી પાસે આવીને ઉભો. મેં બે ચોકલેટ લીધી અમે મારી પર્સમાંથી નાની શાલ હતી તે તેને ઓઢવા આપી દીધી.
મારી સામે ટગર ટગર જોઈ રહ્યો. મેં તેને વહાલથી કહ્યું, ‘છોટે ભૈયા રખ લો.’ તેની આંખમાં ધસી આવતા આંસુ હું જોઈ શકી. હજુ તો ટ્રેન માંડ માંડ માટુંગા આવી હતી. તડામાર વરસાદને કારણે પાટા પાણીમાં ડૂબી ગયા હતા. કાળું ડિબાંગ આકાશ હતું. ત્યાં એક મોટી ઉમરના બહેને રામ નામની ધુન લગાવી. રામ એક એવા ભગવાન છે જે સહુ કોઈને પ્યારા છે. બધા મુસાફરો ઘડી ભર ભૂલી ગયા કે કલાકથી ટ્રેન ખોડાયેલી છે. જાણે રામ સહાય માટે આવવાના ન હોય. ખેર બધા થાક્યા, દિવસભરના થાકેલા થોડા તો ઉંઘવા લાગ્યા.
મારી ઉંઘતો ગચ્છન્તી કરી ગઈ હતી. કોને ખબર ડબ્બામાં ચાલતી ચહલ પહલ જોઈને મારા મનમાં વિચારોનું પૂર ઉમટ્યું હતું. દરેક વ્યક્તિ અલગ, દરેકની પ્રતિભા અલગ, દરેકના ચહેરા પરના ભાવ અલગ. કોઈ દિવસ આવો વિચાર આવ્યો ન હતો. આજની મેઘલી સંધ્યા હવે રાત્રીનું રૂપ ધારણ કરી રહી હતી. અચાનક યાદ આવ્યું મમ્મી ચિંતા કરતી હશે. મમ્મીના સેલ ફોન પર ટેક્સ્ટ કર્યોને ટુંકમાં પરિસ્થિતિ જણાવી.
મમ્મીનો જવાબ આવી ગયો, ‘બેટા, સાચવીને ઘરે આવજે’.
ત્યાં બીજો ટેક્સ્ટ આવ્યો,’ પપ્પા ઘરે આવશે પછી તને ગાડી લેવા સ્ટેશને આવશે’.
ત્યાં તો મારી સામેની સીટ પર બેઠેલાં બે જુવાનિયા કાનમાં ગુસપુસ કરી રહ્યા હતા. મને તેમનો ચહેરો જોવાની મઝા આવી. લાગતું હતું તાજા પરણેલા છે. છોકરી પેલાની સોડમાં ભરાતી હતી. મને લાગ્યું તેને ઠંડી લાગે છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. એમાં પાછા ડબ્બામાં પંખા ચાલે . હવે એનો પતિ હતો કે મિત્ર કળવું મુશ્કેલ હતું. જે પણ હોય તે મારે શું કામ ચિંતા કરવાની ? ધીરે રહીને પર્સમાંથી બટાકાની વિફરનું પેકેટ કાઢી બન્ને જણા ખાવા લાગ્યા.
ત્યાં તો મારી જ કતારમાં બીજી તરફની બારી પાસે બેઠેલાં ભાઈ કમપ્યુટરમાં મોઢું ખોસીને કામ કરી રહ્યા હતાં. જેને કારણે ઘરે જઈને જમી પરવારી સીધા સૂવા જવાય. આ તો મારું અનુમાન હતું, કદાચ કોઈ બહેનપણી સાથે યા પત્ની સાથે ‘ચેટ’ કરતાં હોય તો નવાઇ નહી. તેમના મોઢાના ભાવ ચાડી ખાતા હતાં કે તેમને મઝા આવતી હતી. નક્કી બહેનપણી હશે ! પત્ની સાથે તો પતિદેવોને બે મીઠ બોલ બોલતા પહેલાં પેટમાં ચુંક આવે. ઘણી પત્નીઓ પણ જાણે પતિદેવ પર ઉપકાર ન કરતી હોય તેમ જમવાનું પિરસે. ભૂલી જાય કે આ ચમન પતિ દેવની કમાણી પર છે!’
ત્યાં ગાડીની ચીસ સંભળાઇ, લાગ્યું ગાડી ધીમે ધીમે ચાલી રહી છે. ડ્રાઈવર ખૂબ સાવધ લાગ્યો. વરસાદ તો ખમા કરવાનું નામ જ લેતો ન હતો. મને પણ થોડો કંટાળો આવતો હતો. બધાનું અવલોકન કરીને મારી આંખો અને દિમાગ થાક્યા હોય એવું લાગ્યું. ત્યાં તો ભીડમાંથી એક બહેને બૂમ મારી,
‘સાલા હાથ લગાતા હૈ’?
પેલો માણસ ડઘાઈ ગયો.
‘નહી બહેનજી, ઐસા કુછ નહી હૈ, ગાડી અચાનક ખડી રહ ગઈ તો મૈં અપનેકો સંભાલ નહી પાયા’. માણસ સજ્જન લાગતો હતો એટલે બહેને ઉદારતા દાખવી,
‘જરા ઠીકસે ખડા રહો, દુબારા ઐસા નહી હોના ચાહિએ’.
‘જી’ પેલામાં આંખ ઉંચી કરવાની હિમત ન હતી. હવે એ, સાચું બોલ્યો કે જુઠું એ કોણ જોવા ગયું છે ?
બારી બહાર નજર કરી તો એલફિન્સટન રોડ સ્ટેશન પસાર થયું. હજુ,’ લોઅર પરેલ ‘અને ‘મહાલક્ષમી’ બે પસાર થવાના હતા.
મનોમન પ્રાર્થના કરી રહી, ‘હે ભગવાન જલ્દી કરને. પપ્પાએ ગાડી ગ્રાન્ટરોડ સ્ટેશન પર મોકલી છે. વિચારોમાં ગાડીમાં બેસીને ઘરે પહોંચી ગઈ’. મુખ પર સ્મિત આવી ગયું, ‘બચ્ચા અભી દિલ્હી દૂર હૈ”.
લોઅર પરેલ ગયું અને મહાલક્ષ્મી સ્ટેશનની ઝગમગતી લાઈટો દેખાવા લાગી. ત્યાં ટ્રેનમાં જાહેર કરવામાં આવ્યું, ‘અબ યે ટ્રેન આગે નહી જાએગી, રાસ્તા દિખતા નહી હૈ’. મારા તો બાર વાગી ગયા. બધા મુસાફરો ધીરે ધીરે બે સ્ટેશનની વચ્ચે ઉતરવા લાગ્યા. ત્યાં મારી નજર સમક્ષ મારા વર્ગનો અને બાજુની ગલીમાં રહેતો સાહિલ દેખાયો. જાણે ડૂબતાંને સહારો મળી ગયો.
‘સાહિલ હું સલોની, તેણે નજર ફેરવી’.
‘ચાલ આપણે સાથે જઈશું.’ સાહિલ મને બરાબર ઓળખતો લાગ્યો.
ટ્રેનમાંથૂ ઉતરતાં ભુસ્કો મારવાનો હતો સાહિલે મને સાચવીને નીચે ઉતારી. વરસાદે ખમૈયા કર્યા હતા. પણ પાણીમાં બન્ને પગ આખા ડૂબી ગયા હતા. પાટા પર ચાલવાનું તેથી જુતા કાઢવાનો વિચાર આવ્યો તેવો ખંખેરી નાખ્યો. પગમાં પત્થર વાગે તે સહન ન થાય.
સાહિલે મારો હાથ પકડ્યો અને મારી બેક પેક પણ લઈ લીધી. સાહિલ હતો પાંચ ફૂટ અગિયાર ઈંચ . ખૂબ સંભાળીને મારી સાથે ચાલતો હતો. રસ્તામાં મને હસાવવાની કોશિશ પણ કરી. મારું મોઢું જોઈ ઈરાદો બદલી નાખ્યો.
થોડીવાર બન્ને મુંગા મંતર થઈને ચાલી રહ્યા. મનમાં વિચાર્યું એક માઈલ જેટલું ચાલવાનું બાકી છે. ગ્રાન્ટરોડ પાસે પાણી ભરાયા હશે તો ગાડી ‘ભારતિય વિદ્યા ભવન’ પાસે ઉભી હશે. સાહિલ કોઈ સારા જોક્સ કહે આ તો રસ્તો કાપતા ખૂબ વાર લાગવાની છે’
સાહિલ મૂછમાં હસ્યો, ‘બહેનબાની શાન ઠેકાણે આવી’.
આજે કોલેજમાં પ્રોફેસરને કેવા સંકજામાં લીધા હતા તેની વાત કરી રહ્યો. સાહિલ , ખૂબ હોંશિયાર હતો એવું સાંભળ્યું હતું. સલોનીને ભણવા સિવાય બીજામાં અત્યારે રસ ન હતો. આજે કોને ખબર તેને સાહિલનો સાથ ગમ્યો. સારું હતું શુક્લ પક્ષ હતો એટલે ચાંદા મામા અજવાળું પાથરી રહ્યા હતા. સલોનીની મમ્મી અગિયારસ કરે તેટલે તેને ખબર હતી આજે સુદની તેરસ છે.
લગભગ કલાક પાટા પર ચાલીને બન્ને ગ્રાન્ટરોડ સ્ટેશન પર પહોંચ્યા. સાહિલ, ‘મારા પપ્પાએ ગાડી મોકલાવી છે. જોઈએ ડ્રાઈવરે ક્યાં ઉભી રાખી છે’?
ત્યાં ડ્રાઈવરનો ફોન આવ્યો, ‘બેબીજી શેટ્ટીકે સામને ગાડી ખડી હૈ’.
સાહિલ ગાડી બહુ દૂર નથી. સ્ટેશન પાસે ખૂબ પાણી ભરાયા હતા. મારી ઉંચાઇ ઓછી એટલે લગભગ તરતી હોંઉ એવું લાગે. કોઈક વાર તો સાહિલ મને કેડેથી ઉંચકીને આગળ ચાલતો હતો. મુંબઈમાં અષાઢ મહિનામાં મેહુલો મન મૂકીને વરસે છે ,તેનો પાકો અનુભવ આજે થયો. આમ તો ઘરે છ કે સાડા છની વચ્ચે પહોચી જાંઉ.
આજે આ મેઘલી રાતે અવનવા અનુભવ કરાવ્યા. ડ્રાઈવર પહેલે .’સાહિલ કો છોડના હૈ, બાદમેં હમે છોડના’. સાહિલ સલોનીની વાત કરવાની ઢબ જોઈને ખુશ થયો. મનમાં તો તેને પણ લડ્ડુ ફુટતાં હતા. સલોની મનોમન ગમતી હતી. આજે મેઘલી રાતે તેના મનની મુરાદ પૂરી થઈ.
આભારવશ તેની સામે જોઈ રહેલી સલોનીનો રૂપાની ઘંટડી જેવો મદુર અવાજ સંભળાયો. ‘સાહિલ આજે આ ‘અષાઢની મેઘલી રાતે’, તું ન મળ્યો હોત તો મારા શું હાલ થાત”?
મુંબઈનો વરસાદ અને મ્યંબઈની ટ્રેન બન્ને યાદ આવી ગયા. હું ને મારી મિત્ર અમે મલાડથી પાર્લા કોલેજ અને ત્યાંથી સાયન અંગ્રેજી ફિલ્મ જોવા ગયા. વરસાદ શરૂ થયો હતો પણ મુવી જોઈ બહાર આવ્યા ત્યારે જળબંબાકાર. પાણીમાં અડધા ડુબતાં સ્ટેશન પહોંચ્યા.બે કલાક બેસી રહ્યા એ બધું યાદ આવી ગયું.