આવા સુંદર વિષય ઉપર લખવાનો પ્રસંગ સાંપડ્યો એ આનંદની વાત છે. દરેકના જીવનમાં ક્યારેક
એવી પરિસ્થિતિ આવીને દ્વાર ખખડાવે છે ,જ્યારે માનવી વિચારોના સાગરમાં ડુબકી લગાવી નક્કી
કરે છે, ” આ પાર કે પેલે પાર ” ! જે ઘડીને સમજુ લોકો વધાવી મક્કમ મને નિર્ણય કરે છે. આવી
સોનેરી તક હાથમાંથી સરી જવા દેવી ન જોઈએ. ઈશ્વર અર્પિત આ જીવનનો કશો તો મતલબ હશે ?
જીવનના આ તબક્કામાં સાચા માર્ગ પર પગલું ભરવામાં કોઈ ભય નથી !
દરેક વ્યક્તિને જીવનમાં કશુંક કરવાની તમન્ના હોય છે. સ્વપના જોવાનો અધિકાર સહુને એક
સરખો હોય છે. પ્રસંગ દ્વારા એ સંદેશો સ્પષ્ટ જણાવે છે, ‘આ એ જ તક છે જેનો તને ઈંતજાર હતો” !
પરિસ્થિતિ, સંજોગ અને અનુકૂળતાના ત્રિભેટા પર આવી ઉભેલી વ્યક્તિને સમજતા વાર નથી
લાગતી કે ‘અંહી જીવનમાં વળાંક” આવશ્યક છે. જો કે બહાના બનાવવા એ મનુષ્યનો સ્વભાવ છે.
આવેલી તકને ઝડપી લેવામાં અને જીવનને પ્રગતિના સોપાન સર કરવામાં ખરી ખુમારી છે. જીવન
તબક્કઓમાં વહેંચાયેલું છે.
ભોળપણ ભરેલું બાળપણ,
થનગનતું શૈશવ,
સ્વપનોથી ઉભરાતી યુવાની,
ધમધમતી આધેડ વય
આખરે જીવનની યથાર્થતા વિચારતી સંધ્યા !
” લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મ્હોં ધોવા ન જવું”. આ ઉક્તિ માત્ર પૈસા પૂરતી મર્યાદિત નથી.
જીવન જીવવા માટેનું ઉત્તમ ઉદાહરણ છે. જીવનમાં જ્યારે પણ ફેંસલો કરવાનો હોય ત્યારે તમારે
‘વિવેકબુદ્ધિ’ વાપરવી જરૂરી છે ! એકધારું, ગાડરિયા પ્રવાહ જેવું જીવન, શું માનવ માટે નિર્મિત
છે ?
વિવેકાનંદ, ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે આવું વિચાર્યું હોત તો ? જીવનમાં બધા એ પદ
ન પામી શકે, તેથી તો કહેવાય છે, ‘હું માનવી માનવ થાંઉ તો ઘણું’. બસ આ વાક્યએ સલોનીની
ઉંઘ ઉડાડી. એક જીવન જીવવાનું છે . શામાટે એળે જવા દેવું ?
સલોનીએ પતિ લગભગ ૫૫ વર્ષની ઉમરે ગુમાવ્યા. તેના સદમમાંથી નિકળતા દસ વર્ષ લાગ્યા !
એ સમયે તેને ઘણા પ્રતિકુળ અનુભવો થયા. જેણે જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો. આજે
યાદ કરે છે ત્યારે ને સઘળાં અંગમાંથી એક લખલખું પસાર થઈ જાય છે. કિંતુ ભૂતકાળની ભુતાવળ
હવે તેને જરા પણ સતાવતી નથી. યાદ આવે તો પતિ સાથેના સુહાના વર્ષો. તે પણ માત્ર મન
બહેલાવવા માટે. એ દસ વર્ષના ગાળામાં ચિંતન કરવાનો સમય મળ્યો. જેણે જીવનને સાચે માર્ગે
વાળવા માટે શક્તિ આપી.
પતિ ગુમાવ્યો એનાથી વધારે કયો આંચકો જીવનને લાગી શકે ? સલોની મક્કમ મનની હતી. તેણે
મન મનાવ્યું બસ હવે જીવન જીવવાની દિશામાં ધરમૂળથી ફેરફાર કરવા આવશ્યક છે. વિચાર કરીને
આગળનું જીવન જીવવા માટે કટિબદ્ધ થઈ.
સલોની લેખન તરફ વળી. ચાંદ કે સિતારાની મેળવવાની ઉંડે ઉંડૅ પણ કોઈ આશા યા અભિલાષા
નથી. માત્ર ‘માનવ’ બનવાનો નમ્ર પ્રયાસ છે. આ જીવન શું છે ? પાણીનો પરપોટો ! ક્યારે ફુટી જશે
અને તેનું અસ્તિત્વ બ્રહ્મમાં વિલિન થઈ જશે. પાણી પર દોરેલી લકીર જેટલું તેનું અસ્તિત્વ છે. જેને
કારણે જીવનમાં જે વળાંક પામી તેનો છૂટથી ઉપયોગ કરી સાચી દિશામાં કૂચ કરી રહી છે.
એક વસ્તુ પર ધ્યાન જરૂર દોરીશ, જીવનમાં આવેલા વળાંકે કેટલી બધી બાધાઓને લુપ્ત કરી છે.
દરેક વ્યક્તિ કે પરિસ્થિતિને જોવાનો આખો અભિગમ બદલાઈ ગયો છે. હા, સામાન્ય માનવી
હોવાને કારણે ક્યારેક મનને દુઃખ અથવા નિરાશાનો અનુભવ જરૂર થાય !કિંતુ એક જ મિનિટમાં
એ વિચાર ખંખેરી દિલ પર કાબૂ મેળવવાનો પ્રયાસ જારી રાખવાનો. એ વિચાર વધારે દૄઢ કરી રહી
છે.
બહોળું, સુખી અને સમૃદ્ધ કુટુંબ એ સર્જનહારની કૃપા છે. જીવનમાં સુખ અને શાંતિ, ગુફામાં કે
અલગારી બનવાથી નથી પ્રાપ્ત થતાં ? એ તો મળે છે ,અંતરના ઓજસથી. જેની ચાવી સહુની પાસે
છે. જેને કારણે જીવનના હર મુસિબતના તાળાં ખુલી જાય છે. બસ એ ચાવીને વાપરતા આવડે એ
કળા છે. પછી એ ચાવી ભલે સોનાની, ચાંદીની, પિત્તળની કે તાંબાની કેમ ન હોય ? જીવનમાં જ્યારે
‘વળાંક’ આવે છે ત્યારે જીવનની આખી બાજી પલટાઈ જાય છે. જીવનની મહત્વતા સમજાય છે.
તમારો દૃષ્ટિકોણ આખે આખો અલગ નજારો જુએ છે. જીવનમાં મારું, તારું અને સ્વાર્થ ગૌણ બની
જાય છે.
કુદરત સાથે ગાઢ મૈત્રીનો રોમાંચક અનુભવ થાય છે. પ્રકૃતિનું કણ કણ તેમાં છુપાયેલું મધુર સંગિત
કર્ણ પ્રિય બને છે. દૃષ્ટિની મલિનતા, પાવનતામાં બદલાઈ જાય છે. સંસારમાં પડતી બાધાઓ પ્રગતિની
સીડીના પગથિયા ભાસે છે. નાની નાની વાતો તથ્ય વિનાની લાગે છે. મનોમન સર્જનહારનો આભાર
માનીએ છીએ કે, ‘વણ માગ્યે તેં કેટલું બધું આપ્યું છે, ઉપરથી સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ સમજાવ્યો.’
તારી ઋણી છું. જેના ઈશારા પર સંસારનું ચક્ર ચાલે છે, વસંત અને પાનખર તેની મરજી મુજબ દેખા દે છે.
કોની તાકાત છે કુદરત સામે માથુ ઉંચકવાની ? એ કુદરત જ્યારે જીવનમાં વળાંક આપે ત્યારે એ ઈશારા
ઝિલવા દરેકે પ્રયત્નશિલ રહેવું આવશ્યક છે ! જે હમેશા સાચી દિશા તરફ જ પ્રયાણ આદરે છે. બાકી
હજાર રસ્તા છે જીવતરને વેડફવા માટે !
સલોનીમાં આવેલું આ પરિવર્તન દિલનું અને વિચાર શૈલીનું હતું. માત્ર આંખોથી જોનાર વ્યક્તિને આનો
અંદાઝ નહી લગાવી શકે ! બહારથી તો તમે હો, એ જ જણાવ. એમાં મિનમેખ થવાનો નથી. તમારો
અંતરાત્મા તમને હમેશા સત્ય જણાવશે. તેની પરવા કરવાની પણ જરૂર નથી. દેખાડો તો બિલકુલ નહી.
આ બધાથી પર થવું એ વિરલા જ કરી શકે. જે હિમત સલોનીએ બતાવી એ પ્રસંશનિય છે. ઉમંગ તો એ
વાતનો છે એ દિશામાં આગળ ને આગળ ધપી રહી છે.
પ્રગતિ કેટલી સાધી એ કહેવાની સલોનીને જરા પણ જરૂર જણાતી નથી. બાકી તેના દિલને સંતોષ છે.
એમાં લેશમાત્ર શંકા નથી. સાહિલ જોડે વિતાવેલાં મધુરા વર્ષોની સોડમ હજુ તેના જીવનમાં પ્રસરી રહી
છે. જેને કારણે જીવનનો બાગ મઘમઘી ઉઠ્યો છે. માયા અને મમતા ઓછા કરવાના સાતત પ્રયત્નોમાં
સલોની ઝૂઝી રહી છે.
સલોની ઝાઝી વાત કરવામાં માનતી નથી. “તમે ન બોલો તમારું વર્તન બોલશે”. એ પ્રમાણે એને નજીકથી
જાણનાર બરાબર સમજે છે. મારું, તારું શું કામનું. હા, જીવન છે જીવવા માટેની આવશ્યક્તાઓ હોવી
જરૂરી છે. સંસાર છોડવો એના કરતા સંસારમાં રહી વિરક્ત બનવાનો પ્રયાસ સતત ચાલુ રાખ્યો છે.
એક સામાન્ય વાત,સલોની બહુ સુંદર રીતે સમજાવે છે. ‘ તમે જે છો તે મનાવવાની કોઈને પણ જરાયે જરૂર
નથી. કારણ સામાન્ય છે ,સામે વાળી વ્યક્તિના મનનો પૂર્વાગ્રહ તમે કાઢી ન શકો. તો શામાટે ખોટો સમય
બરબાદ કરવો’ !
સલોની પોતાની ધુનમાં મસ્ત રહે છે. જે સાચો રાહ સાંપડ્યો છે તેના પર હળવે હળવે ડગ ભરતી રહી. મુસાફરી
ચાલુ રાખી. એક દિવસ નિયત સ્થળે પહોંચવાની તે નક્કી છે. સલોનીની અંતરની ઈચ્છા આ જગેથી શાંતિ પૂર્વક
જવાની છે. એને ખબર છે, ઈશ્વર તેની આ ઈચ્છાને માન્ય રાખશે !
તારી જો હાક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે !
‘ તમે જે છો તે મનાવવાની કોઈને પણ જરાયે જરૂર
નથી. કારણ સામાન્ય છે ,સામે વાળી વ્યક્તિના મનનો પૂર્વાગ્રહ તમે કાઢી ન શકો. તો શામાટે ખોટો સમય
બરબાદ કરવો’ !
મનને મનાવતો…સમજાવતો…..સુંદર ચિંતન લેખ!