કાવ્યા, જાણતી હતી કેયુર તેના પર જાન છિડકે છે. કેયુર હતો પણ કરોડપતિનો
નબીરો. કાવ્યા માટે મોંઘા દાટ ઉપહાર લાવી તેને રિઝવતો. જુવાની ફુટી હોય,
શરીરમાં આવી રહેલા પરિવર્તનની સંવેદના માણતી હોય ત્યારે આવો મિત્ર ખૂબ
ગમે. આટલા બધા ઉપહારોથી નવાજે એટલે ‘જાન છિડકે” છે એવું માનવું સહજ
બની જાય.
કાવ્યા પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગી. આગળ કશું પણ સમજતી
ન હતી. તે સમજવા માટે બુદ્ધિ તેમજ દિમાગ હજુ પરિપક્વ થયા ન હતા. એને
એમ થતું કે ‘રૂપ અને ગુણ’ જોઈ આ ધનવાન મારા પર મરે છે. કિંતુ જેમ ભમરાને
સુગંધી ફૂલ પર બેસવું ગમે ,એવું જ કંઈક આને જાણી શકાય.
છોકરાઓમાં એ સમજ થોડી વહેલી આવે છે. સાથે સાથે બેદરકારી પણ. કેયુર
પણ કંઇ એવો કહી શકાય. જે પણ છોકરી ગમતી તેના બેધડક વખાણ કાવ્યા
સામે કરતો. શરૂ શરૂમાં કાવ્યાને તેની વાત ગાતી. કારણ ઉપહાર મન પસંદ
પામતી.
જ્યારે કોલેજના છેલ્લા વર્ષમાં આવી ત્યારે કાવ્યાને જરા અજુગતું લાગતું હતું.
તે કેયૂરને વિના સંકોચે પૂછી બેઠી, ‘ કેયૂર તું મને ચાહે છે ” ?
કેયૂર તો આવો સીધો સવાલ સાંભલીને ત ત પ પ, થઈ ગયો. શું બોલવું તેનું ભાન
ન રહ્યું. તેનો મિત્ર કેતુલ તેની સામે જોવા લાગ્યો. છેલ્લા કેટલા દિવસોથી કાવ્યા જોઈ
રહી હતી કે કેતુલ અલગ પ્રકારનો છે. જ્યારે પણ કેયૂર ગુંચવાયો હોય ત્યારે કેતૂલ તેની
મદદે આવી જતો. કાવ્યા તેને ખૂબ ગમતી હતી.
કેયૂરને ખાતર કેતૂલ કાંઈ બોલતો નહી. બસ ,કાવ્યાને નિહાળતો . કેતૂલ કેયૂર જેવો
ધનવાન ન હતો પણ દિલનો સાચો અને સંયમી જણાતો. કાવ્યા, કેયૂરનું દિલ વાંચવામાં
નિષ્ફળ નિવડી. માત્ર મિત્ર તરિકે માનતી હતી. હા, આકર્ષક ઉપહાર ઘડીભર માટે તેને
કેયૂરની નજી ખેંચતા. તેનો દિલથી આભાર માનતી. જુવાની દિવાની હોય છે. કોને આવા
સુંદર ઉપહાર ન ગમે ?
કોલેજના છેલ્લા વર્ષમાં ત્રણે જણ આવ્યા. કાવ્યાની વિચાર શક્તિ ખીલતી જતી હતી.
કેયૂર તો એ નો એ અલ્લડ જુવાન જ રહ્યો. એને મન કોલેજમાં ભણતી છોકરીઓ રમકડાંની
ઢિંગલી જેવી હતી. જાણે મોંઘી દાટ વસ્તુઓ જીવનમાં શાંતિ લાવવા માટે પૂરતી ન હોય ?
કાવ્યા ધીરે ધીરે કેતૂલનું નિરિક્ષણ કરી રહી હતી. કેયૂરને બહાને કેતૂલને, કાવ્યાની નજીક
સરવાનો મોકો મળતો.
કાવ્યા માત્ર ઉપહાર પામવા માટે જ કેયૂરની નજીક ન રહેતી. છતાં પણ કેયૂર તે સમજવામાં
નિષ્ફળ નિવડ્યો. કાવ્યાની લાગણી ન દુભાય તેનું કેતૂલ ધ્યાન રાખતો. કાવ્યા, કેતૂલના આ
ગુણને નિરખી રહી. કેતૂલ આદર અને સ્નેહ સહિત તેને મિત્ર માની રહ્યો હતો . કેયૂર બેફિકર,
બિન જીમ્મેદાર અને રંગીલો જુવાન રહ્યો.
કાવ્યા હવે નાદાન રહી ન હતી. બસ થોડા વખતમાં કોલેજકાળ સમાપ્ત થશે. સહુ પોત પોતાનું
કાર્ય ક્ષેત્ર સંભાળવા અલગ થઈ જશે. મિત્રતાનો દોર હવે વિશ્વાસ અને આદર ને તાંતણે બંધાશે.
કેયૂરમાં કાવ્યાને બેમાંથી કાંઇ નજર ન પડ્યું. કેતૂલ તેની આંખોમાં વસી ગયો. પ્યારના અંકુર
હજુ ફૂટ્યા ન હતા.
તે જાણતી હતી. ‘પૂછીને પ્યાર ન થાય’ ! એ તો સહજ છે. પરિક્ષાનું પરિણામ આવી ગયું. બધા
પાસ તો થઈ ગયા. છેલ્લે દિવસે કેતૂલ કહ્યા વગર રહી ન શક્યો, ‘કાવ્યા મારી મિત્રતાને ફાલવા
દેજે ‘!
કાવ્યા, ચોંકી ગઈ. કેતૂલના શબ્દોનો ભાવ ન પારખી શકે તેવી તે નાદાન ન હતી. તેના શબ્દોમાં
રહેલી ઉષ્મા કાવ્યાના હ્રદયને સ્પર્શી ગઈ. કાવ્યા એ ઉત્તર આપવાને બદલે માત્ર આંખ નીચી કરી.
કેયૂર, કાવ્યાને અને બીજી બે છોકરીઓને કહી રહ્યો હતો, ‘ક્યારે મળશું ખબર નથી પણ હોટલ અને
પાર્ટીમાં જવું હશે ત્યારે ફોન કરીશ.’
કાવ્યાને કેયૂરની બેદરકારી પસંદ ન આવી તેને થયું ખોટો સમય બરબાદ કર્યો.
‘આ ધનિકને, ન તો માણસની કિંમત છે ન વ્યક્તિની પહેચાન છે’.
‘શું તે છોકરીઓ સાથે ઘર ઘર રમે છે’ ?
‘ સમય પસાર કરવા માટે તેને મિત્રતા કેળવવી છે’.
જ્યારે કેતૂલ, એનો જ મિત્ર છે પણ આસમાન જમીનનો ફરક છે. કાવ્યાને કેતૂલ સમય મળ્યે ફોન કરતો.
બન્ને જણા સાથે રવીવારને દિવસે ફરવા પણ જતા. ક્યારે પ્રેમના અંકુર ફૂટ્યા અને કેતૂલે એકરાર કર્યો.
‘ કાવ્યા હું તને પહેલાં દિવસથી દિલ દઈ ચૂક્યો હતો. પણ એક બાજુનો પ્રેમ પૂરતો નથી. મારે રાહ જોવી
હતી. શું મારું દિલ વાંચવામાં તું સફળ થઈશ’?
કાવ્યાએ વળતો જવાબ ખૂબ સુંદર આપ્યો. ‘ હા, મને કેયૂર આપતો એ ઉપહાર ગમતા હતા. જ્યારથી
હકિકત આંખ સામે જણાઈ ત્યારથી તને હું બારિકાઈથી નિરખી રહી હતી. મને પૈસાની નહી પ્યારની
અપેક્ષા હતી. જે મને તારામાં જણાઈ’.
આજે લગ્નના દસ વર્ષ પછી પણ તેની સુગંધ મને ‘બાવરી’ બનાવે છે.