સમય બડા બલવાન

time

જુઓ તો ખરા કેવી સુંદર સંધ્યા ખીલી છે.  આકાશમાં જાણે રંગોળી ન પૂરી હોય. સૂરજ પણ ઘડી ભર ડૂબવાનું વિસરી ગયો. કુદરતી દૃશ્યના શોખીનને પૃથ્વી પરના જીવો જોવામાં તેને પણ મઝા આવી. વનરાજી હળવા પવનમાં મસ્ત બની લહેરાઈ ઉઠી હતી. તમે કેમ  આમ  બગીચામાં  કે અગાસી પરથી આ દૃશ્યનું પાન નથી કરી રહ્યા. અરે, કુદરતને પણ ટાપટીપ કરવી ગમે છે.  જો રોજ વાદળ પાછળ સૂર્ય ઢંકાયેલો રહે તો જીવ ગભરાય છે. ક્યારે સૂર્યના દર્શન થશે? માનવ જીવન અમૂલ્ય છે. સાદાગી અને તેની સાથે થોડો ઉઠાવ દરેકને ગમે એ સ્વાભાવિક છે. પરિવર્તન એ હરદમ જગતનિયંતાનું નિર્માણ છે.  અરે કુદરત પણ વરણાગી બનવાનો અપૂર્વ લહાવો માણે છે. વસંતમા કુદરત કેવી ખીલે છે. ગ્રિષ્મ અને વર્ષાના રૂપની વાત ક્યાં કરવી ! પનખરમાં વૃક્ષો એ જે રંગોળી પૂરી હોય છે તેનું પાન કરતાં આપણી આંખ થાકતી નથી. શિયાળામાં હિમાચ્છાદિત રસ્તા અને સારી નગરી કેવી સુહાનીલાગે છે.

એ વરણાગીવેડા જ્યારે માઝા મૂકે છે ત્યારે તારાજી પણ સર્જે છે. અતિ વર્ષામાં પૂર આવે ત્યારે ગામોના ગામ તણાઈ જાય છે. ઉભા મોલ ધોવાઈ જાય છે. બરફની આંધી કરોડોનું નુકશાન કરીને ઝંપે છે. દરેક વસ્તુને એક મર્યાદા હોય છે. જીવનમાં સાદગી  અપનાવવી અને ‘વરણાગી’ બનવું પ્રસંગોપાત ઉચિત છે. આજે આપણે થોડા વિચારોની આપલે કરીશું ‘વરણાગી’ શબ્દનું જીવનમાં શું સ્થાન છે?

તમે થોડા, થોડા હો તમે થોડા, થોડા થાવ વરણાગી

ઓ ભાભી તમે થોડા, થોડા થાવ વરણાગી’

ખૂબ નાની હતી ત્યારે ઘરમાં ભાભી આવી.  નાચતી જાંઉ અને આ  ગરબો ગાતી જાંઉ. ઘુઘરીવાળા ચણિયા ચોળી અને પગમાં ઝાંઝર આખા ઘરમાં ફરતી હોંઉ.  આજે તો હસવું આવે છે. એ માસુમિયત, એ અલ્લડપણ અને એ મસ્તી ક્યાંય ખૂણામાં લપાઈ ગયા. વરણાગી શબ્દના અર્થથી પણ અનજાણ હતી. એવું લાગતું કે ભાભીએ ભાઈ આવે ત્યારે સરસ તૈયાર થવાનું, તેમને પણીનો પ્યાલો આપવાનો. સિનેમા જોવા જાય ત્યારે ઉંચી એડીના સેંડલ પહેરી ટપ ટપ માથે ઓઢીને ઘરની બહાર ભાઈ સાથે જવાનું !

૨૧મી સદીમાં ‘તમે થોડા થાવ વરણાગી’ ઉક્તિ સહુ કોઈને  લાગુ પડે છે. સદી બદલાઈ ગઈ. માણસોના વિચાર બદલાયા. વિજ્ઞાન હવે કૂદકે ને ભૂસકે આગળ વધી ગયું.  જે વાત ૨૦મી સદીમાં નવલી  હતી, ૨૧મી સદીમાં જરૂરિયાતમાં ફેરવાઈ ગઈ.  સાદગીમાં સુંદરતા છે. ઈન્કાર નથી કરતી. છતાં આજે આંખોને સુંદર , સુઘડ અને આકર્ષે તેવું નિહાળવાની આદત પડી ગઈ છે. જ્યાં જોઈએ ત્યાં, દરેક ક્ષેત્રમાં નવીનતા અને વૈવિધ્યતા જણાશે. આંખોને આનંદ આપે તેવું સઘળે ફેલાયેલું છે. બાગ બગિચાથી માંડીને રજા માણવાના સુંદર સ્થળો.  આ આકર્ષણમાં અષ્લિલતા હોવી જરૂરી નથી. જે પગપસેરો કરી રહ્યું છે. સાચા અર્થમાં બિન જરૂરી છે

રેડિયોના જમાનામાં જીવતો માનવી આજે  ટેલિવિઝન, કમપ્યુટર, આઈ ફૉન, આઈ પેડ, ફેસ ટાઇમ,   વિ.વિ ના જમાનાનો સાક્ષી બની ગયો છે. અંતર જેવો શબ્દ હવે વામણો લાગે છે. સવારે અમેરિકા ,બપોર પેરિસ અને રાતની નિંદર માનવી ભારતમાં ગુજારી શકવા સમર્થ બન્યો છે. દુનિયા ખૂબ નાની થતી જાય છે. ફેશનના નામ પર અબજોની લેવડદેવડ દરરોજ થતી જોવામાં આવે છે. અતિશયોક્તિ નથી કરતી કદાચ આજની તારિખમાં ફેશન ઈંડસ્ટ્રી સહુથી વધુ નફો કરતી ઈંડસ્ટ્રી છે. રફ્તાર એટલી તેજ છે કે સામાન્ય માણસ તો તેમાં જોડાઈ ન શકે. જે  આ  આંધળી રેસમાં દોટ મૂકે છે, તે ક્યાંયના રહેતા નથી. ફેશનનું આંધળું અનુકરણ યુવા પેઢીને ગેરમાર્ગે દોરે છે. જેને કારણે ‘ફેશન’ના નામ પર ‘ડિઝાઈનરો’ ધોળે દિવસે લુંટ ચલાવે છે. જેમની પાસે બે નંબરના અથવા તો વગર મહેનતના પૈસાના ઢગ છે એ લોકો બેફામ પૈસા ઉડાવે છે. તેમાં ખુવાર થતા લોકો પણ નિહાળ્યા છે.

દરેક વસ્તુને એક મર્યાદા હોય છે.  જે મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તે તેની ભારે કિમત ચૂકવે છે. જમાના સાથે કદમ મિલાવવા એ મુશ્કેલ કાર્ય નથી. માત્ર તેમાં સમજણ મિલાવવાની અને પછી તેની રફ્તારમાં ચાલવાની કોશિશ કરવાની. વરણાગી વેડા સહુને માફક ન પણ આવે. તેમાં નાસીપાસ થવાની જરૂર નથી ખોટી ટાપટીપ અને મેકાપના લપેડા સુંદરતાને બદલે કદરૂપતા બક્ષે છે.

વરણાગીવેડામાં વહેતો આજનો સમાજ અને સુંદરી તેની પાછળ ધુમ ફાલતુ પૈસા વેડફે છે. અરે, હજુ ગયા અઠવાડિયે મારી સખી કહે તેની પાંચ વર્ષની દીકરીની દીકરીને બ્યુટીપાર્લરમાં નખ રંગવા અને ‘થ્રેડિંગ’ કરવા લઈ ગયા હતા. આ બાળકી હજુ પહેલા ધોરણમા પણ નથી. કારણ જાણવા એક સાદો પ્રશ્ન કર્યો, શું હજુ તે નાની નથી ? હસીને કહે,’ અરે, એને ટી.વી.ની સિરિયલમાં કામ કરવાની ઓફર આવીને એટલે’!  મેં મૌન ધારણ કરવામાં ડહાપણ માન્યું.

જેટની ઝડપેચાલતા જમાનામાં રોજ નવું નવું જોવા તથા જાણવા મળે છે. માનવ ધારે તો પણ તેની દોડમાં પાછળ જ રહેવાનો. અંહી દોડ જમાના સાથેની નથી. માત્ર યોગ્ય અને અયોગ્યની પહેચાન જરૂરી છે.   થોડા વખત પહેલા બે લગ્નમાં ગઈ હતી. જોઈને એમ લાગે કે આ વરણાગીવેડા ક્યાં જઈ અટકશે ? પૈસાનું બેહુદું પ્રદર્શન ! અમે ‘અલ્ટ્રા મૉર્ડન” છીએ તેવા દંભના આંચળા હેઠણ પૈસાની બરબાદી.

તરાના આજે ખૂબ ખુશ હતી. મમ્મીએ મનગમતા ઉંચી એડીના  બહુ મોંઘા નહી એવા સેંડલ અપાવ્યા. તેને બહુ મન હતું કે સુંદર પંજાબી સાથે ઉંચી એડીવાળા સેંડલ પહેરે. ખરું જોતા તરાનાને બનાવવામાં સર્જનહારે કશી કમી રાખી ન હતી. તે જે પણ પહેરીને નિકળે એ ‘ફેશન’માં  ખપી જતું. મિત્રો તેની પ્રસંશા કરતા્  થાકતા નહી. હા, સહેલીઓ વખાણતી પણ તેમના અંતરમાં ક્યાંક ઈર્ષ્યાની ચિનગારી સળગતી. હવે જ્યાં કુદરતે ખોબલા ભરી ભરીને સૌંદર્ય ઠાલવ્યું હોય ત્યાં ‘વરણાગી’ શબ્દ વામણો લાગે. કુદરત બધા પર સરખી મહેરબાન હોતી નથી. તેવા સંજોગમાં રંગ રૂપ નિખારવા એ ગુનો નથી. સહુ સુંદરતાના પુજારી છીએ. સત્ય એ છે કે,’સુંદરતા માનવીની આંખમાં વસે છે’!

ભલેને બાળક લુલુ કે લંગડું હોય તેની માને પૂછી જો જો , તો કહેશે ‘મારું બાળક સહુથી સુંદર આ જગે છે’!

સવારથી મમ્મી સાંજની ગડમથલમાં  હતી. આવ્યા પછી બધાને ભૂખ લાગીહોય. તેણે છોલે અને પૂરી કરવાનો વિચાર કર્યો. ‘નીલ તારા મિત્ર રાજને ફૉન કર આપણે બધા સાથે ગાડીમાં જઈશું.’ પાંચ મિનિટ પછી નીલ આવ્યો. ‘મમ્મી રાજ રડે છે’.  ‘કેમ શું થયું’? લાવ હું એની મમ્મી સાથે વાત કરું.

‘હલો હું નીલની મમ્મી. કેમ છો? અમે તમને શાળાએ  લેતાં જઈશું.’

‘શું વાત કરું  બહેન, રાજ ચૂપ નથી રહેતો. કારણ કહેતાં મને શરમ આવે છે’.

‘એવું  શું રાજ કહી રહ્યો છે. કહો તો તેનો ઉપાય શોધીએ’.

જો કહીશ તો તમે સાચું નહી માનો.’ તમારી સાથે શાળામાં નહી આવું, મને નીલના મમ્મી અને પપ્પા જેવા માતા પિતા જોઈએ’. વાત એમ હતી કે રાજના પપ્પા બીજી વખતના હતા. તેઓ મોટી ઉમરે ઘરભંગ થયા હતા. ફરી જ્યારે રાજની મમ્મી સાથે લગ્ન થયા અને પછી દીકરો આવ્યો. હવે તેઓના વાળ સફેદ અને ધંધાદારી  થોડા સીધા સાદા.

નીલની મમ્મી અને પપ્પા હજુ ૩૦માં માંડ  પ્રવેશ્યા હતા. આ ઉમર વરણાગીની. જુવાન, સુંદર! નાનું બાળક પણ આંખને ગમે એવું સ્પષ્ટ તારવી શકે! કુદરતનો નિયમ છે, પ્રથમ માનવ બાહ્ય જોઈ આકર્ષાય. ગુણનો નંબર પહેલો આવે કિંતુ એ થોડા સમય પછી પ્રદર્શિત થાય. આપણા સહુનો અનુભવ છે.  રૂપ હમેશા છેતરામણું રહ્યું છે. છતાં તેમાં ભલભલા ઋષિ મુનિઓ પણ ફસાયા છે. ઈતિહાસ ગવાહ છે. પુરાણો અને આપણા ગ્રંથો સાક્ષી પૂરે છે.

એક નાટકનો ડાયલોગ યાદ આવી ગયો. ખબર નથી વર્ષો પહેલાં મુંબઈના બિરલા સભા ગૃહમાં જોયો હતો. પતિ, પત્ની અને દીકરી વાતો કરી રહ્યા હતા. લગભગ ૪૦ વર્ષ પહેલાંની આ વાત છે. નાટક ખૂબ સુંદર હતું.  બાપ અને દીકરી વચ્ચે આગળ ભણવા વિષે વાર્તાલાપ ચાલતો હતો. ત્યાં અચાનક બારણાની ઘંટડી વાગી. માતાએ બારણું ખોલ્યું. હજુ તો આવનાર આંગતુક પોતાના આગમનનું કારણ જણાવે તે પહેલાંજ ,દીકરીનું સૌંદર્ય  જોઈ બોલી ઉઠ્યો,” આ માદરપાટની મીલમાં મલમલ ક્યાંથી”. સમજુકો ઈશારા કાફી. મધ્યમ વર્ગના માતા અને પિતા સાધારણ વેશમાં હોય. દીકરી હતી, ‘ફટકો’. જ્યાં  કુદરત બે હાથે રૂપ અને ગુણ બક્ષે  ત્યાં ‘વરણાગી’ બનવાનો પ્રશ્ન ઉભો થતો નથી.

ટાપટીપના અ જમાનામાં બાહ્યરૂપ એક આગવું સ્થાન પામી ગયું છે. પેલી કહેવત યાદ આવી ગઈ. “પુસ્તકની કિમત મુખ પૃષ્ઠ જોઈને ન આંકશો”. ઘણી વખત તે વાત ખોટી પુરવાર થાય છે. ભાવનગર જવાનો લહાવો માણ્યો હતો. મેઘાણીના પુસ્તકાલયમાં સારા પુ્સ્તકની તલાશમાં એક કિતાબના શિર્ષકે મારું ધ્યાન ખેંચ્યું. પુસ્તકનું નામ હતું,’ Who will cry when you die’. આવા સુંદર મથાળા વાળુ પુસ્તક હું ન ખરીદું તો પાગલ કહેવાંઉ. ખરીદીને ઘરે જઈ વાંચવા બેઠી. ખરેખર તે પુસ્તકમાં જે લખાણ હતું તે સચ્ચાઈની ખૂબ નજદિક લાગ્યું.

‘એક નૂર આદમી હજાર નૂર કપડા’ . તેનો અર્થ એવો તો નથી કે મોંઘા કપડા, ઘણી વખત ૫૦ હજારની સાડી પહેરેલી સ્ત્રી કરતાં હજાર રૂપિયાની સાડી પહેરીને આવેલી સ્ત્રી વધુ સુંદર દેખાય છે. તેમાં પહેરવાની કલામય ઢબ, શરીરની સુડોળતા બધાનો સમાવેશ થાય છે.

વૈવિધ્યતાથી ભરેલું આ જીવન અણમોલ છે. ‘વરણાગી’ થઈને જીવવાથી તેમાં સુગંધ પ્રસરે છે. જમાનાની રફતારમાં પાછળ ન રહેશો. પહેલાં કહેવાતું લખતા વાંચતા ન આવડે તે અભણ. આજે ૨૧મી સદીમાં કમપ્યુટર ચલાવતા ન આવડે એ અભણ. આ છે સમયની માગ. જ્યારે ૮૦ અને ૯૦ વર્ષની સ્ત્રીઓ પણ કમપ્યુટર પર આપણી ગૌરવવંતી ગુજરાતી ભાષામાં લેખ લખી પોતાના સર્જનનું પ્રકાશન કરે છે. મસ્તક ગર્વથી ઉંચુ થઈ તેમના કદમોમાં ઝુકી જાય છે.

હા, આપણે તેમાં કાબેલિયાત ન કેળવી શકીએ કિંતુ આપણું કાર્ય સફળતા પૂર્વક જરૂર કરી શકીશું. વિચારો નિર્ભય બની દર્શાવી શકીશું. આટલા અનુભવોનું નવનીત પિરસી શકીશું. ‘વરણાગી’ થવાને ઉંમરનો બાધ નડતો નથી .

2 thoughts on “સમય બડા બલવાન

 1. આદિકાળથી કહેવાતુ
  સમય સમય બલવાન હૈ…,નહિ પુરુષ બળવાન,
  કાબે અર્જુન લૂંટયો,વોહી પુરુષ ને વોહી બાણ
  અને
  ‘ઊંચી નીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ
  ભરતી તેવી ઓટ છે ઓટ પછી જ જુવાળ’! દરેકના જીવનમાં સતત પરિવર્તન આવતું જ રહે…કારણકે પરિવર્તન એ સંસારનો એક અનિવાર્ય ભાગ છે.વ્યક્તિને મળતાં માનપાન, આવકારો,એ મોટેભાગે સામા વાળાને તેમની જરૂરિયાત,અને શક્તિને ધ્યાને લઈને મળે છે.”ખાસકરીને ઉંમર લાયક લોકો,જે શક્તિશાળી હતા, પણ હવે એ પરાધીન થઈ ગયા છે એવાને, એટલે “બાપા! તમે ચૂપ રહો,એવું તો ઘણા જુવાનીયાઓને બોલતાં સાભળ્યા હશે..
  નવા જમાનાને સ્વિકારી -તેમા સારા તત્વોને સ્વીકારી કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી,કે તેના વગર નાચાલે..જેવા જેના વિચારો હોય છે .

  આપની વાત-‘આપણે તેમાં કાબેલિયાત ન કેળવી શકીએ કિંતુ આપણું કાર્ય સફળતા પૂર્વક જરૂર કરી શકીશું. વિચારો નિર્ભય બની દર્શાવી શકીશું. આટલા અનુભવોનું નવનીત પિરસી શકીશું’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: