વિરહની વેદના

dirty

“રામ બાણ વાગ્યા હોય તે જાણે. વિરહની વેદના અનુભવીને જ ખબર હોય. બાકી

વાતો તો ઘણી કરી શકાય. જે ઘરમાં પવન પણ પૂછીને આવતો હોય તે ઘરમાં વાવાઝોડું

ઘુસી જાય તો કેવી હાલત થાય ? એવી હાલત થઈ હતી.

સઘળું વેર વિખેર થઈ ગયું હતું. બાળકોએ પણ સુધબુધ ગુમાવી હતી. આ શું થઈ ગયું ? 

સમજ ન પડી. ઘર પરથી અચાનક છત ઊડી ગઈ. જેનો હાથ ઝાલી અમેરિકા આવી હતી

એ અચાનક હાથ છોડાવી જીંદગીમાં થી વિદાય થઈ ગયો. 

ખેર, એ ઈતિહાસ ઉકેલવામાં હવે કોઈ ફાયદો નથી ! તારા વિના હવે જિંદગી પૂરી કર્યા

વગર છૂટકો પણ નથી. કુટુંબ અને મિત્ર મંડળ ની સહાયથી કટોકટીના એ વર્ષો ગુજાર્યા.

જીવનમાં પ્રભુને મોતની પણ યાચના કરી હતી. તારી સાથેના સુંદર વર્ષોની ભીની ભીની

મહેક આજે પણ જીવનમાં વરતાય છે. જે બાકીની જિંદગી જીવવા માટે પૂરતા છે.

ઈશ્વરનું અર્પિત આ જીવન લાંબુ છે તો તેની પાછળ સર્જનહારનું કોઈ પ્રયોજન જરૂર

હશે.

કહેવાય છે જીંદગી ચાર દિવસની છે, તો પછી તારા વિના ૨૫ વર્ષ કેવી રીતે ગુજાર્યા. હામ

જીવનમાં ફરિયાદ નથી. તારો સાથ નથી એનો કોઈ ઈલાજ નથી.  બાકી આપણા બાળકોને સંસાર 

હર્યોભર્યો છે. શ્રીજી બાવાની કૃપા અપરંપાર છે. 

જો  આજે હોત તો તને મારા પર ગર્વ જરૂર થાય.  યાદ છે જુવાનીના દિવસો ૨૪ કલાક નો દિવસ

ટૂંકો પડતો હતો.  બાળકો અને મહેમાનો પાછળ દોડધામ કરતી, ‘પમી’, આજે પ્રવૃત્તિમાં રમમાણ છે.

ઈશ્વરકૃપાથી ઘણી બધી પ્રવૃત્તિ દ્વારા સમય સરસ રીતે પસાર કરું છું. સરસ્વતી દેવી ના આશીર્વાદ 

મળ્યા છે. અઠવાડિયામાં પાંચ દિવસ યોગ ના વર્ગ ચલાવું છું. લોકો નો નિર્વ્યાજ પ્રેમ માણું છું. 

અમેરિકા એ આપણને ખૂબ આપ્યું છે. સમય આવે વ્યાજ સાથે પાછું વાળવું એવો નિર્ધાર કર્યો છે. 

આજની જિંદગી એકદમ અલગ છે. એક જિંદગી જીવવાની છે. વ્યર્થ શું કામ જવા દેવાની ?

એ સુનહરા દિવસો, બાળકોથી ઘરમાં થતો કલબલાટ આજે પણ કાનમાં ગુંજે છે. તારો

સદા વરસ તો પ્રેમ અને લાગણી ની ગંગામાં ભરપૂર સ્નાન કર્યું હતું. ખબર નહી કયા ગુનાની

સજા પામી અને એકલતામાં જિંદગી ગુજરી રહી છે. સારું છે બાળકો ખૂબ સંસ્કારી અને

લાગણીશીલ છે. તેમનો હર્યોભર્યો સંસાર જોઈ જીવાય છે.

એક પળ એવી નથી કે તું યાદ ન આવતો હોય. ના ઈલાજ છું. શાંતિથી જીવું છું. કશામાં આસક્તિ

રાખી નથી. મુસાફર છું, કોઈ પળે સઘળું મૂકીને ચાલી નીકળવાની તૈયારી છે. પરમ શાંતિ છે, કોઈ 

સામાન સાથે લઈ જવાનો નથી. બસ આંખ મીંચાઈ જશે,અને ખેલ ખતમ ! જીવનમાં સત્કર્મ નું ભાથું 

બાંધી રહી છું. સ્વાર્થને વેગળો કર્યો. કોઈ અપેક્ષા,  ઈચ્છા બાકી નથી. 

બસ, બાળકો સલાહ સંપથી રહે અને  તેમની વચ્ચે પ્રેમ ના સેતુ ઝૂલતા રહે. ઈશ્વર  સન્માર્ગે ચાલવા

આંગળી ઝાલી રાહ ચીંધે. 

તારા વિના સંસારની મધુર બગિયા, ફુલોની સુગંધ પામું છું. સુંદર ફળ પ્રભુની પ્રસાદી

સમજીને માણું છું. સમય જતા વિરહની વેદના હળવી થઈ છે. કિંતુ હ્રદયમાં એક ટીસ કાયમને

માટે અનુભવું છું.

તને મળવાની પ્રતીક્ષામાં દિવસો ગુજરે છે. ક્યારેક તો એ પાવન ઘડી આવશે ?

One thought on “વિરહની વેદના

 1. આજની વિરહની વેદના વાચતા આંખ નમ થઇ. અમે તો ૬૪ વર્ષોથી જંગલોમા આદિવાસી વિસ્તારમા અને કાંઠાગાળાના ગામડાઓમા જ્યાં નળ ,લાઇટ,પાકા રસ્તા ન હોય છતાં સમય આનંદથી પસાર થતો.છેલ્લા ૨૫ વર્ષથી અમેરીકામા સાથે જ છીએ
  કેટલાય જીવન મરણના પ્રસંગો સહજતાથી લેતા.પણ અમદાવાદના ૧૯૮૮ના પ્લેન ક્રેશમા મારી નાનીબેન વિધવા થઇ અને ૨૨ વર્ષોની તેની વેદના અમે અનુભવી છે.તેની યાદ–
  ૨૨મી સપ્ટેમ્બર ૨૦૨૧એ મારી નાનીબેન ચિ મૃણાલિનીનીના મૃત્યુને ૧૦ વર્ષ થશે .
  તેની સ્મૃતિ ભૂલાતી નથી.નાનપણ થી છેવટ સુધીના પ્રસંગો યાદ આવ્યા કરે છે.શરુઆત તેણે વારંવાર કહેલી વાતથી કરીએ . બધા ધર્મો એક અવાજે કહે છે. ચિત્તની પ્રસન્નતા આવે ત્યારે બધા દુઃખોની નિવૃત્તિ થઈ જાય છે.પ્રસન્નચિત્તવાળાની બુદ્ધિ બહુ જલદી સ્થિર થઈ જાય છે.પોતાના સત્કર્મ થકી જે ધન મળે તેનાથી રાજી રહેવાનો ગુણ કેળવવો પડે.ઈશ્વરેચ્છાથી જે કંઈ બને એનો સ્વીકાર કરતાં પણ શીખવું પડે.દયા અને કરુણા વિના તો ધર્મના માર્ગ પર એક ડગલું પણ ના ભરાય.
  એટલે જ કહ્યું છે- ‘દયા ધરમકા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન…દયા ધર્મનું મૂળ છે અને અભિમાન પાપનું મૂળ છે.’એટલે જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી દયા કરવાનું છોડવું નહીં.’
  અમારી યાદમાં …
  દાહોદ ફ્રી લૅન્ડગંજના રેલ્વેના કર્મચારીઓના નિવાસ સ્થાનમાં સવાર સાંજ સંગીતના સૂરો લહેરાતા.સવારે પૂ.બા ભજન ગાતા ગાતા સવારના કામો આટોપતી . પૂ પપ્પા નિત્યક્રમ પતાવી ભગવાનની પ્રાર્થના કરી નોકરીએ નીકળતા ત્યારે પૂ દાદાજી,પૂ બા અને હું તેમને વિદાય કરવા આંગણામા નીકળતા.સાંજે વાળુ કરી સાંજની સંગીત સભાની તૈયારી થતી.
  આવા મધુરા વાતાવરણમા ૧૯૪૩ની ૧૨મી ફેબ્રુઆરીએ અમારી નાની બેન મૃણાલિનીનોનો જન્મ થયો. આઝાદી પહેલાના ,૧૯૪૭મા આઝાદી મળી ત્યારે અને ત્યારબાદના રાષ્ટિય પ્રસંગો અને વાર તહેવારની ઊજવણી થતી.ત્યારબાદ ૧૯૪૮-૪૯મા અમે ગઢેચી આવ્યા ત્યારે હું આઠમા ધોરણમા અને ચિ મૃણાલ ચોથા ધોરણમા હતી.નાનપણથી જ તે ભણવામા હોંશિયાર હતી અને તે સંગીત,રાસ,ગરબામા કાર્યક્રમમા ભાગ લેતી.કોઇક વાર નાટકમા પણ ભાગ લેતી. બચપણનો સમય એવો હતો જ્યારે અમને સંગીત – સિનેમા વિશે સમજ આવી હતી. દાહોદ ભાવનગરમાં ચલચિત્રો આવતા, તે જોવા જતા પણ પૂ પપ્પા અમને સૌને સાયગલનાં ‘દેવદાસ’, ‘દુશ્મન’ જેવા ચલચિત્રો જોવા સાથે લઇ જતા હતા. તે જોઇને સાયગલ સાહેબના અવાજ અને અભિનય પ્રત્યે અપાર સ્નેહ થઇ ગયો!
  પૂ પપ્પા-પૂ.બા સંગીત રસિયાઓને અબ્દુલ કરીમખાં સાહેબ, હિરાબાઇ બરોડેકર, ફૈયાઝખાં સાહેબનો અવાજ અને સંગીત સાંભળતા. કોઇ વાર મન થાય ત્યારે તેમના હારમોનિયમ કાઢી એકાદ રાગ વગાડતા. એક દિવસ અમે રમીને બહારથી આવ્યા ત્યારે બાલમ આયે બસો મોરે મનમેં સંભળાવ્યું.મુખડાના શબ્દો પૂરા થયા ત્યારે તેમણે કહ્યું,”હવે અંતરા પર ધ્યાન આપો. એક એવું પરિવર્તન નજર આવશે…” અને અંતરો શરૂ થયો.“સૂરતિયા જાકી મતવારી/પતરી કમરીયા ઉમરીયા બાલી…”
  ગીત પૂરૂં થયા બાદ તેમણે અમને કહ્યું, “હવે આ ગીતની તમને ખુબી સમજાવું!” અંતરો શું તે સમજાવ્યું, અને કહ્યું, “શરૂઆતના વિલંબિતમાં ગાયેલા મુખડા પછી સાયગલે ગાયેલ દ્રુત ગતના અંતરામાં તેઓ હૃદયનો આંતરીક આનંદ વ્યક્ત કરતા હોય તેવું લાગશે.” અમને આ બધું સમજાયું નહિ, પણ મારી બાલબુદ્ધીની સમજ પ્રમાણે પહેલી કડી અને બીજી કડીમાં જે ફેરફાર હતો તે સમજમાં આવ્યો અને ખરે જ, ‘બીજી કડી’માં સાયગલના અવાજમાં થયેલું ભાવપ્રદર્શન સ્પષ્ટ જોવા મળ્યું! અમારો આનંદ જોઇ તેઓ સંગીતના કાર્યક્રમમા અમને પણ સાથે રાખતા.અત્યારે પૂબા,પૂપપ્પા અને મારી બેન નથી ત્યારે.લાગે છે
  આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?
  આ સપના છે આપના કે સપનાઓમાં આપ છો ?
  અને આ સમયે આ યાદ ભૂલાતી નથી તે ૧૯૪૯મા સાયગલસાહેબને છેલ્લી વિદાય વખતે વાગતું તેમનું જ ગાયેલું
  ફિલ્મ:- સ્ટ્રીટ સિંગરનું ગીત…બાબુલ મોરા નૈહર છૂટો જાય ૨
  મોરા નૈહર છૂટો હી જાય

  ચાર કહાર મિલ મોરી ડોલિયા સજાવો
  મોરા અપના બેગાના છૂટો જાયે
  મોરા નૈહર છૂટો જાય

  અંગના તો પરબસ ભયો
  ઔર દેરી ભઈ બિદેસ
  લે ઘર બાબુલ આપનો
  મૈં ચલી પિયા કે દેસ………..
  અને તે નાની હતી ત્યારે બનેલા બનાવમાં તેના ગુણોના ખ્યાલ આવે.
  મુંબાઇથી અમારા ફુવાજી આવ્યા હતા.તેમને પાલીતાણા પગે ચાલીને જાત્રા કરી ત્યાં તેમને હાર્ટ એટેક આવ્યો અને સારવાર થાય તે પહેલા ગુજરી ગયા. ઘેર તેમની લાશ આવી ત્યારે આ ઊંમરે ચિ મૃણાલિનીએ જે રીતે પરિસ્થિતી સંભાળી ત્યારે તેના અભય વિ.ગુણોનો ખ્યાલ આવ્યો…ગઢેચી વિસ્તારમા રેલ્વે કોલોનીમાંથી અમે અમારી સહેલીઓ જૂલી,ગુલશન સાથે ટ્રેનમા કે કોકવાર એન્જીનમા કે તેજ સ્પીડે સાયકલ પર ભાવનગર માજીરાજ સ્કુલમા અને કોલેજમા જતા..ત્યાં અમારી અભ્યાસ સહેલીઓ હંસા ગઢવી,નલિની અને આ શ્રી ઝવેરચંદ મેઘાણીની દિકરીઓ મુરલી અને પદ્મલા અને અનેક જુદા જુદા કાર્યક્રમોની સહેલીઓ યાદ આવે.જત જાતના ગરબા,રાસ,નત્ય,સંગીતના કાર્યક્રમોમા ભાગ લેતી.એકવાર તો પ્રસિધ્ધ અભિનેત્રી આશા પારેખ સાથે પણ કામ કરેલું! તેનો મિજાજ એવો તેજ કે કોઈ મશ્કરી ન કરી શકતું ..સત્ય માટે પણ તે ભારે વગવાળા સાથે પણ લડી લેતી!
  તે સમયનો એક પ્રસંગ ખાસ યાદ આવે છે.અમારા દિકરા ચિ પરેશનું અપહરણ થયેલું અને આવા પ્રસંગે કાંઇ પણ થઇ શકે તે જાણતી હોવા છતાં તેણે હિંમતભેર તે ચિ પરેશને છોડાવી લાવી હતી.આ વખતે પણ તે અભય અને તેની ચતુરાઇપૂર્વક પ્રશ્ન હલ કરવાની શક્તી માટે સૌને માન થયું હતું.
  બીજા તબક્કાની જીંદગીમાં, તેના લગ્ન બાદ મુંબાઇ,સૂરત,પુના એમ જુદા જુદા સ્થળોએ રહેવાનું થયું.બધે સામાજીક તથા કળાની પ્રવતિમા પણ ભાગ લેતી.અને ઘણાને મદદ કરેલી ..તે ઘણાએ શ્રધ્ધાંજલીમા વર્ણવી છે.તેણે દિકરી જાસ્મિનના લગ્ન કરી તેને વળાવી…
  સંઘર્ષપૂર્ણ છતા વ્યવસ્થિત જીવનમા ૧૯૮૮મા અમદાવાદનાં પ્લેનક્રેશે મૉટા આઘાતમા મૂકી દીધી.થોડા સમયમા તેણે પોતાને સંભાળી લઇ દિકરાને ન કેવળ ભારતમા ભણાવ્યો પણ વધુ અભ્યાસ માટે અમેરિકા મોકલી તેને સ્થિર કર્યો.અને આ સંઘર્ષને લીધે તેને આવેલી સમજમા ઘણાના જીવન બદલી શકી.ઘણા બધાના શ્રધ્ધાંજલીના સંદેશાઓ બાદ આ વાત ખબર પડી!
  ત્રીજા તબક્કામાં વિરહના ઓછાયામાં પોતાના મૃત્યુના ઓછાયા પણ જણાવવા માંડ્યા. હાઇ બ્લડપ્રેશર સાથે નાડીના ધબકાર અનિયમિત જણાયા.વધુ તપાસમા બન્ને કીડની પોલીસીસ્ટીક જણાઇ.ખૂબ કાળજીપૂર્વકની સારવાર શરુ કરી.૧૯૯૦માં એક નાના ઓપરેશનમાં બ્લુ કોડ જાહેર થયો! તેને સાઇનોસીસ થયો પણ હાર્ટ સ્પેશિયાલીસ્ટે સ્થિતી સંભાળી લીધી સૌને આશ્ચર્ય એ વાતનું હતું કે મોતને બારણે દસ્તક દઇ આવી છતા તેને પહેલાની જેમ મોતની કદી બીક રહી નથી. ત્યાર બાદ ખૂબ કાળજીપૂર્વકની સારવાર છતાં શારીરિક સ્થિતી કથળવા માંડી.દિકરા સાથે અમેરિકામા સ્થાઇ થવાનું થયું .૨૦૦૧ બાદ અવારનવાર ડાયાલેસીસ કરાવવું પડતુ.૨૦૦૨મા કીડની ટ્રાન્સપ્લાંટ કરાવી અને તબિયત સુધરતી હોય તેમ લાગ્યું પણ આ વ્યાધિની સારવાર બાદ બીજી ઘણી વ્યાધિઓની સારવાર કરવી પડી.ઓરિક્યુલર ફીબ્રીલેશનમા હ્રુદયના ધબકારા ઘણા વધી જાય તેમા પણ સ્વસ્થ ચિતે ગભરાયા વગર સારવાર લઈ ઘેર આવતી.રોજ નિયમિત બ્લડપ્રેશર માપવું,૩થી ૫ વાર બ્લડ શ્યુગર માપવી અને સૂચવ્યા પ્રમાણે સારવાર લેવી.અઠવાડિયે વજન તથા બ્લડથીનર નું પ્રમાણ માપવુ અને સારવાર નક્કી કરી લેવી.અવાર નવાર હોસ્પિટાલમા દાખલ થવું.કોઇકવાર મારે પણ તેની સાથે જવાનું થતું તો જે સ્વસ્થતાથી તે વાત કરતી તે જોઈ બધા આશ્ચર્યચકિત થતાં. આ મહિનાની શરુઆતમા તબિયતના એંધાણ બરોબર ન લાગ્ય છતા તેને અને અમને બધાને લાગ્યું કે દર વખતની જેમ સારું થઇ જશે.પણ ત્રીજા અઠવાડિયે ન્યુમોનિયા બાદ વૅન્ટિલેટર પર મૂકવાનું નક્કી થયું.તેણે સ્વસ્થતાપૂર્વક મહામૃત્યુંજયના જાપ કર્યા બાદ ડીપ સીડેશન અપાયું અને વેન્ટિલેટર પર મૂકતા તો જાણે તદન સ્વસ્થ! પણ આ ૨૨મીની સવારે પતિની ૨૨મી મૃત્યુ તિથીએ તેમણે સાથે સફર શરુ કરી દીધી………………આપણા કરતા ઊંમરમા નાનાને ,તેની ભાષામા કહીએ તો પાંચમી પુત્રીને શ્રધ્ધાંજલી આપવાનું વધુ દુઃખદ છે પણ
  આ પ્ર્રસંગે એક સંતોષ છે.
  जन्म जन्म मुनि जतनु कराहीं। अंत राम कहि आवत नाहीं॥
  जासु नाम बल संकर कासी। देत सबहि सम गति अबिनासी॥
  ચિ મૃણાલિનીના અંતકાળે પરમ શાંતી પૂર્વક રામ તત્વ સ્મરણ કરતા અવિનાશિની ગતિ પામી.
  પોસ્ટ કરતા પ્રતિસાદ લંબાઇ ગયો વિચારવમળે—-અસ્તુ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: