
વર્ષો થયા તને કાગળ લખ્યો નથી. આજે વિચાર આવ્યો મા, તને હૈયુ ખોલીને બતાવું
‘તું મારા માટે શું છે ? તારું નામ મારા હૈયે કોતરાયેલું છે. તારા પ્રતાપે આજે આ સ્થાને
પહોંચી છું”.
જન્મ ધરી આ જગમાં આણી
કૃપા દ્રષ્ટિ તારી પ્રેમે માણી
ઉપકાર તારા દિલમાં ભારી
મા તું મારી પ્યારી પ્યારી
આજે તું નહી તારી યાદો છે
કદી વિસરીશ નહી વાદો છે
પ્રેમે જતન કરીશ ઈરાદો છે
આ જગે ના તેનો જોટો છે !
મમ્મા, ક્યાંથી શરૂ કરું સમગ્ર જીવન ચલચિત્રની માફક મારી નજર સામેથી પસાર
થઈ રહ્યું છે. અરે બે વર્ષની હતી ને નાનીમાને ઓટલે બેસી સાબુ ઘસ ઘસ કરતી.
ગોરી થવા માટે. તું મને પ્યાર ભરી નજરોંથી નિહાળતી.સાબુની ગોટી ખલાસ થતી
પણ તું મને વઢતી ન હતી. આ ઉમરે પણ એ સ્થળ મારી નજર સમક્ષ છે.
સાત વર્ષની થઈ અને પરાક્રમ કર્યું. જોગેશ્વરી શાળાના પર્યટન પર ગઈ . ગુફાઓની
સેર કરવાને બદલે બન્ને પગે દાઝીને આવી. આ તારી, ‘તુફાન મેલ’ જરાય સખણી
બેસતી નહી. છ મહિનાનો ખાટલો. તારા મુ્ખારવિંદ પર ચિંતા દેખાય. એક ક્ષણ
માટે પણ અણગમો નહી. તારા પ્રેમની નિર્મળતાનું પાન કરતા થાકતી નહી. તને
મેં કેટલી સતાવી હતી.
મમ્મી, ચોપડીઓના સંગમાં હું રાતના સૂવા ટેવાયેલી. આજે આ ઉમરે પણ એ
ટેવ ચાલુ છે. તારું મુખ ગર્વથી છલકાતું મેં નિહાળ્યું છે. તું હમેશા મારા શાળાના
પુસ્તકો ગોઠવતી. જ્યારે વર્ગમાં સારા નંબર લાવતી ત્યારે ખુશ થતા મેં તને જોઈ
છે. નૃત્ય નાટિકા, રાસ અને ગરબામાં ભાગ લઈ ઈનામ લાવતી ત્યારે તું પોરસાતી.
મમ્મી મારા ભેજામાં ‘પાણીની ટાંકી ભરી છે’ કહી મને હસાવતી. મારી વાતે વાતે
રડવાની આદતથી ઘરમાં સઘળા પરિચિત હતા.જ્યારે ડુસકા ભરી રડતી ત્યારે
વહાલથી હાથ ફેરવી મને શાંત કરતી. સમજાવતી અને જીવનમાં સારા કાર્ય કરવા
પ્રેરતી. મમ્મી આપણે ત્યાં હમેશા મહેમાનોનો ધસારો રહેતો, તે મને એવી સુંદર
કેળવી હતી કે તને હમેશા સાથ આપતી. સાચું કહું મને ત્યારે નહોતું ગમતું. પણ
તું એકલી કામ કરે એ પણ નહોતું જચતું.
ખૂબીની વાત તો એ છે કે તેં મને મારા દરેક શોખ પૂરા કરવા દિલથી સંમતિ આપી
હતી. જાણે ‘ના’ શબ્દ તારા શબ્દ કોષમાં ન હતો. તેથી તો આજે હું વિવિધ પ્રવૃત્તિઓ
દ્વારા જીવન સુંદર રીતે જીવી રહી છું. મમ્મી યાદ છે એક વખત સહેલીઓની ચડવણીથી
ખોટું બોલી હતી. તું મારા પર ખૂબ નારાજ થઈ હતી. મને અંતરમાં દુઃખ થયું. રાતના
તારા પડખામાં ભરાઈને વચન આપ્યું ,’હવે કદી ખોટું નહી બોલું’.
મા, આજે લખવા બેસીશ તો આખો દિવસ પણ ઓછો પડશે. વાનપ્રસ્થ આશ્રમમાં
પ્રવેશ પામેલી તારી આ દીકરીની બાકી જીવનયાત્રા સરળ રહે તેવી પ્રાર્થના.
તું મુજમાં છે, હું તુજમાં છું
તું અને હું ભિન્ન નથી
તને મળવાને તને પામવાને
આથી સરળ મંજીલ નથી
માને યાદ કરતા…
‘તું મુજમાં છે, હું તુજમાં છું
તું અને હું ભિન્ન નથી
તને મળવાને તને પામવાને
આથી સરળ મંજીલ નથી’
વાત ખૂબ ગમી.
માતાનો દિવસ નથી હોતો, માતાનો દરેક દિવસ હોય છે. માતા અને તેના બાળકના પ્રેમને દુનિયામાં કોઈ પણ માપદંડમાં તોલી શકાય નહીં. એક માતા પોતાના બાળક માટે દરેક દુ:ખ, દર્દ, મુસીબતમાંથી પસાર થાય છે જેથી તેનું બાળક ખુશ રહે, તેને કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે.કહેવાય છે કે ભગવાન બધે ન હોઈ શકે, એટલા માટે તેણે એક માતા બનાવી છે, જે દરેક સમયે તેની સાથે રહે છે.
વાહ! લેખ છે કે મમ્મા સાથે વાતો કરી? ખૂબ સુંદર શૈલી!