ગાંડુ કોણ ?

me

સોમો આખા ગામમાં ગાંડા તરિકે પંકાતો. ઘણિ વખત સારા મિજાજમાં હોય

તો એમ લાગે , શું સોમો ખરેખર ગાંડો છે કે ગાંડા હોવાનું નાટક કરે છે. જો કે

નાટક જેવો શબ્દ એને માટે વાપરવો અયોગ્ય છે. સાવ ભોળો લાગતો સોમો

આવું કરી ન શકે. સોમો આમ તો કુટુંબી હતો. પાંચમી પેઢીએ સગાઈ થતી એ

નાતે ઘણિવાર આવીને મારી દુકાન પર બેસતો. એ આવે એટલે તેના માટે ખાસ

ચા અને ગ્લુકોઝના બિસ્કિટ મંગાવું.

એવા પ્રેમથી ખાય કે જાણે એને સ્વર્ગ ન સાંપડ્યું હોય. જ્યાં જાય ત્યાં બધે ઠેકાણે

એને હડધૂત થતો, મેં જોયો છે. શું કોઈ વ્યક્તિ સામાન્ય ન હોય તો તેની ઈજ્જત

નહી કરવાની ? મને હંમેશા તેના પ્રત્યે કૂણી લાગણી રહી છે. જેને કારણે આવે

ત્યારે શાંતિથી બેસીને વાત કરે. કોઈ તોફાની બારકસ જેવો છોકરો તેને સળી

કરે તો પછી એ પણ એલફેલ બોલવા માંડે. મારું પણ ન સાંભળે.

કાકીએ ભોળપણને કારણે સોમાને પરણાવ્યો પણ ન હતો. ગાંડી પ્રજા પેદા થાય તો ?

બાકી કાકીના ઘરની ગણત્રી પૈસાદારમાં થતી. જુવાન સોમાને સારા ઘરની કન્યા

આવતી પણ ખરી.

ખરું પૂછો તો આવી વ્યક્તિને માન યા અપમાન વિષે જાણ કશી હોતી નથી. પછી તે

ગરીબ હોય કે તવંગર, ડાહ્યો હોય કે સોમા જેવો થોડો પાગલ. એની સાથે પ્રેમ પૂર્વક

બોલો, તમારા માનવામાં નહી આવે કે સોમો આટલો હોંશિયાર છે.

આજે મારે ગાડી લઈને ૧૫૦ માઈલ દૂર જવું પડે તેમ હતું. પત્ની બાળકોમાં વ્યસ્ત

હોય એટલે સાથ ન આપી શકે. ડ્રાઈવર આજે માંદો પડ્યો હતો. પાછાં આવતા

અંધારું થઈ જવાની શક્યતા હતી એટલે કોઈ સાથે હોય એવું મન ઈચ્છતું હતું.

દુકાનમાંથી કોઈને લઈ જાંઉ તો કામ ન થઈ શકે. સોમો મસ્ત રીતે ચા પીતો હતો.

એને કોઈ ઝંઝાળ હતી નહી. ધીર રહીને પૂછ્યું ,’ સોમા મારી સાથે ગાડીમાં આવીશ ?’

સોમાને નવાઈ લાગી, આજુબાજુ જોવા લાગ્યો, ‘ભાઈ તમે મને પૂછ્યું’?

‘હા, કેમ’ ?

‘મારે ગામ છોડ્યે દસ વરસ થયા હશે. હું ક્યાંય ગયો નથી. તમે મને ખરેખર તમારી

નવી ગાડીમાં બેસાડી લઈ જશો. તમારી ગાડી ગંદી નહી થાય ?’

‘હા, લઈ જઈશ’.

‘હું આવીશ કહીને’, ખુશ ખુશાલ થઈ ગયો.

સમયસર નિકળ્યા હતા. સાંજના અંધારું થાયે પહેલા ઘરે આવવાનો ઈરાદો હતો.

કામ પતાવ્યું. બંને જણા બહાર સરસ ધાબામાં જમ્યા. આખે રસ્તે સોમો ખાસ

બોલતો નહી. એને આજુબાજુ જોવામાં મજા આવી ગઈ. સારું ભોજન જમ્યાની તૃપ્તિ

એના મુખ પર જણાઈ. પાછા વળતી વખતે ગાડીમાં પેટ્રોલ ભરાવી લીધું જેથી ઘરે

રસ્તામાં રોકાયા વગર પહોંચી જવાય. સાથે સીંગ, ચણા અને ખારા પિસ્તા લીધા

હતા. મોઢું ચાલતું હોય તો ઉંઘ ન આવે. પાણી પણ સાથે રાખ્યું હતું. વિચાર હતો જો

રસ્તામાં બાથરુમ જવા ઉભા ન રહેવું પડે તો સાંજના સાત વાગે ઘર ભેગા થઈ જશું.

લગભગ અડધો રસ્તો કપાઈ ગયો. હવે બે માઈલ કાચો રસ્તો હતો.સાચવીને ગાડી

ચલાવતો હતો. ત્યાં અચાનક ગાડી ઉભી રહી ગઈ. ઉતરીને જોયું તો આગળની બાજુ

જમણા પૈડામાં પંક્ચર હતું.

મારા તો હાંજા ગગડી ગયા. કોઈ દિવસ ટાયર બદલ્યું ન હતું. કોઈ હરીનો લાલ મળે

તેવી આશા રાખવી નકામી હતી. સોમાએ કહ્યું , ‘હું તમને મદદ કરીશ’.

મને મારા કાન પર ભરોસો ન આવ્યો, ‘આ ગાંડાને ગાડીના ‘ગ’ ની પણ ખબર નથી’.

ખેર એને કોઈ ઉત્તર ન આપ્યો. વીસ મિનિટનું કામ કરતા બે કલાક નિકળી ગયા.

ટાયર પાછું ચડાવ્યું.

મારા હોશકોશ ઉડી ગયા. ટાયરને લગાડવાના બોલ્ટ ક્યાં મૂક્યા હતા, રામ જાણે !

હવે ટાયરને બોલ્ટ લગાડ્યા વગર આગળ કેવી રીતે જવાય ? હાથ કાચા રસ્તામાં

ફેરવ્યા, એક પણ બોલ્ટ નજરે પડ્યો નહી.

માથે હાથ મૂકીને બેઠો હતો. સોમો કહે ‘ભાઈ શું થયું ? ટાયર તો લાગી ગયું છે. ‘

‘અરે, પાગલ બોલ્ટ ક્યાં મૂકાઈ ગયા મળતા નથી. ટાયર કેવી રીતે ફીટ કરું. ‘

‘પાગલ શબ્દ સાંભળીને એ વિફર્યો. કાબૂમાં લાવવો મુશ્કેલ હતો. અચાનક શાંત થઈ

ને બોલ્યો , આ બાકીના ત્રણ ટાયરમાંથી એક એક બોલ્ટ કાઢીને લગાવી દો. ઘર સુધી

ગાડી પહોંચશે.’ ભગવાને આવી બુદ્ધિ એને કેવી રીતે આપી ! ‘હું મોઢું વકાસીને એની

સામે જોઈ રહ્યો.’

ઘર હવે માત્ર બીજા પચાસ માઈલ દૂર હતું .

7 thoughts on “ગાંડુ કોણ ?

 1. ગાંડા પણ કમાલ કરતા હોય !
  સ રસ વાર્તા
  મનમા ગુંજાય …
  ગાંડા ની વણઝાર, એનો ગણતા ના આવે પાર

  જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
  એનો ગણતા ના આવે પાર

  શુક ગાંડો, ધ્રુવ ગાંડો, અને ગાંડો ત્યાં ભૂપ કુમાર.. જી
  નારદજી તો એવા ગાંડા, જેણે બાંધ્યા નહિ ઘર બાર
  જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

  ગાંડા હનુમંત, ગાંડા વિભીષણ, ગાંડી શબરી નાર.. જી
  ગાંડા ગુહ્ય હે પગ ધોઈ ને, પ્રભુ ઉતાર્યા પાર
  જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

  ગોકુળ ગામની ગોપીઓ ગાંડી, ભૂલી ઘર વ્યવહાર.. જી
  બંસી નાદે ચાલી નીકળી, સુતા મેલી ભરથાર
  જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

  સુદામા ના ગાંડપણે તો વેઠયા ભૂખ અંગાર.. જી
  પાંચ પાંડવ એવા ગાંડા, જેણે છોડ્યા નહિ કિરતાર
  જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

  વિદુર પત્ની ગાંડી થઈને, રટે નંદ કુમાર.. જી
  છબિલાને એ છોતરા આપ્યા, ગર્ભ ફેંક્યા બહાર
  જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

  બોડાણા નાં ગાંડપણે તો કામ કર્યું હદપાર..જી
  દ્વારિકા નો ઠાકોર આવ્યા, ડાકોર ગામ મોજાર
  જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

  કબીર, તુલસી, સુર ગાંડો અને રોહિદાસ ચમાર..જી
  મોરાંદે તો ગાંડા થઈ ને, ગાંડો કીધો સંસાર
  જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

  ધનો ગાંડો, આ ધીરો ગાંડો અને ગાંડો પ્રીતમ પ્યાર..જી
  સખુ મીરાં કર મા ગાંડી, જેણે છોડ્યા જગ થી તાર
  જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

  દાદુ ગાંડો, પીપો ગાંડો અને અખૈ યો એ સોનાર..જી
  પંઢર પૂર માં, ગોરો ગાંડો, ઈતો ઘડા નો ઘડનાર
  જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

  નામો , ગામો, સૂકો, ગાંડો અને મૂળદાસ લોહાર ..જી
  જલારામ ની વાત શું કરવી, જેણે વળાવી ઘરની નાર
  જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

  જુનાગઢ નો નાગર ગાંડો, ઈ તો નાચ્યો થૈ થૈ કાર..જી
  બાવન કામ, કર્યા પ્રભુ એ, એના છતાં આવ્યો નહિ અંહકાર
  જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

  થયા ઘણા અને હાલમાં પણ છે, અને ભવિષ્યે પણ થનાર ..જી
  ભક્ત કુળનો નાશ નથી, એ બોલ્યા જગત આધાર
  જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

  દુનિયા એ જેને ગાંડા ગણ્યા પણ હરિ ને મન હોંશિયાર..જી
  ગોવિંદ ગાંડો, એનું ગીત ગાંડુ, ને ગાંડા સાંભળ નાર
  જો જો તમે આ ગાંડાની વણઝાર….જી

  ગાંડા ની વણઝાર, એનો ગણતા ના આવે પાર
  જો જો તમે આ ગાંડાની વણઝાર

 2. Suresh Jaani wrote:

  દિવાના, પાગલ ….. શબ્દો વાળા શેર, પંક્તિ ભેગા કરવા છે.

  સૌને મદદ કરવા વિનંતિ

  કેમ છો ? આ રહ્યા !

  એક ગુજરાતીની ઓળખ એટલે – ‘કેમ છો? ‘ – આપણી ભાષામાં કદાચ સહુથી વધારે વપરાતું વાક્ય! મળતાંની સાથે જ આવી પૂછપરછ ન થાય તો એ બે જણ ગુજરાતી કહેવાય?! કવિઓએ પણ આની નોંધ લીધી છે.

  અહીં પ્રયત્ન છે – કવિતા કે ગઝલમાં ‘કેમ છો?’ અથવા ‘કેમ છે?’ વાક્ય ક્યાં ક્યાં વપરાયું છે? આમ તો આ શોધ સાવ સરળ બની જશે એમ લાગતું હતું. પણ ધાર્યા મુજબ એ શોધ આ વાક્ય જેવી સરળ ન રહી. માત્ર આટલી પંક્તિઓ જ શોધી શકાઈ –

  ૧) કોણ જાણે હતી કેવી વર્ષો જૂની

  જિંદગીમાં અસર એક તનહાઈની

  કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું ‘કેમ છો?’

  એને આખી કહાણી સુણાવી દીધી

  – બેફામ

  ૨) હો ભીડમાં જ સારૂં, બધામાં ભળી જવાય,
  એકાંતમાં તો જાતને સામે મળી જવાય;
  સામે મળી જવાય તો બીજું તો કંઈ નહીં,
  પણ ‘કેમ છો?’ કહીને ન પાછા વળી જવાય.

  – મુકુલ ચોકસી

  ૩) મારાં પહેલાં કોણ આવીને ગયું,

  એશ-ટ્રે ને કપરકાબી કેમ છે?

  -ખલીલ ધનતેજવી

  ૪) હેમન્તનો શેડકઢો તડકો સવારનો
  પીતાં હતાં પુષ્પ.
  પીતાં હતાં ઘાસતૃણો
  હીરાકણીશાં હિમચક્ષુએ મૃદુ
  પુષ્પો ફોરે સૌરભપ્રશ્ન મૂક :
  પૃથ્વીજાયાં તોય પ્રસન્ન શાં અમે !
  કેમ છો તમે ?

  – ઉમાશંકર જોશી

  ૫) દર્પણમાં જોએલા ચહેરાને રોજ રોજ
  આમ જ પૂછવાનું કામ મારું છે?
  કેમ છો ? સારું છે ?

  – ચિનુ મોદી

  ૬) કેટલા વરસે મળી ગ્યા ‘કેમ છો?’
  સાવ બસ ભૂલી ગયા’તા ‘કેમ છો?’

  અર્થ એના કેટલા એ કાઢશે?
  કોકને પૂછ્યું’તું અમથા, ‘કેમ છો?’

  – કૈલાસ પંડિત

  ૭) મુખ પર ઢંકાયેલી
  મૃત્યુની ચાદરને સહેજ આઘી કરીને
  તમે માત્ર ‘કેમ છો?’ એટલું જ પૂછ્યું હોત
  તો હું જીવી ગયો હોત.

  – જયંત પાઠક

  ૮) આકાશે આમ ક્યાંક ઝુકી લીધું
  ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
  પણ મૂંગી આ વેદનાનું શું?

  – જગદીશ જોષી

  ૯) મળે જો કોઈ રસ્તામાં મુંઝાયેલું ને રત ખુદમાં
  કશું નહિ તોય એને ‘કેમ છો?’ પૂછાય ને, એમ જ

  ઘણું છે તોય, ‘અહિંયા કેમ ?’ પૂછે કોઈ’ને સામે
  હસીને આપણાથી એટલું કહેવાય ને – ‘એમ જ !’

  – ડૉ. નીરજ મહેતા

  ૧૦) આ નકાબો ને ફગાવી સાદ દેજો, ‘કેમ છે?’,
  પ્રેમને સંતાડતા અમને કહેજો, ‘વ્હેમ છે’.

  – મનીષ દેસાઈ

  On Tue, Aug 2, 2022 at 11:57 PM wrote:
  આપ સર્વે ને રામગાંડીયા વિનોદ ના વંદન,

  તમે બધા એ ભક્તિ ના નશા ની સરસ રમઝટ બોલાવી હોં.
  અમારે ત્યાં, ઉમરેઠ માં, સારા માઠા પ્રસંગે બધા કામે લાગેલા હોય, ત્યારે ધણી વાર ધૂની માણસ ને ગાંડો નહીં પણ રામગાંડીયો કહેતા (રામગાંડીયો મતલબ બધા ને સાંભળ્યા વિના મંડાયો રહે 😊).

  આ સાથે ગુજરાતી સાહિત્યના અદભુત શેર નું મોકલ્યું છે, જે ધણા એ વોટ્સએપ યુનિવર્સિટી માં વાંચ્યું હશે. મારી વાત કરું તો હું વારે વારે, આમાં ની ૪-૬ શાયરી વાગોળું છું.

  ============================
  મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
  આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
  – ઓજસ પાલનપુરી

  અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
  તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?
  – અનિલ ચાવડા

  દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
  મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
  – મરીઝ

  જીવ હજી તો જભ્ભામાં છે,
  ફાટી ગઈ છે જાત કબીરા.
  – ચંદ્રેશ મકવાણા

  તારું કશું ન હોય તો છોડીને આવ તું,
  તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
  – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

  આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,
  અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી.
  – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

  આ અહીં પ્હોંચ્યા પછીથી એટલું સમજાય છે,
  કોઈ કંઈ કરતું નથી બસ આ બધું તો થાય છે.
  – રાજેન્દ્ર શુક્લ

  હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને,
  કોક દરવાજો કરી દે બંધ તો!
  – ચિનુ મોદી

  જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર,
  પાંપણ કદીયે રહી શકે મટકું ભર્યા વગર?
  – મનહર મોદી

  પાનખર વીતી છતાં ખરતાં રહે છે
  પાંદડાને લાગી આવ્યું પાંદડાનું.
  -ઉદયન ઠક્કર

  શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
  ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!
  -અનિલ ચાવડા

  કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
  નીજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
  – જલન માતરી

  ઘર સુધી તું આવવાની જીદ ન કર,
  ઘર નથી નહીંતર હું ના પાડું તને?
  – ખલીલ ધનતેજવી

  મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
  ચરણ લઈ દોડવા બેસું તો વરસોના વરસ લાગે.
  -મનોજ ખંડેરિયા

  ક્રોધ મારો જોઈને ડરશો નહીં,
  પુષ્પના ડાઘા કદી પડતા નથી.
  – ચિનુ મોદી

  ભૂલ જો થાય મિત્રોની તો માફ કર,
  જીભ કચડાય તો દાંત તોડાય નૈં.
  – અનિલ ચાવડા

  ચિંતા કરવાની મેં છોડી,
  જેવું પાણી એવી હોડી.
  – ભાવેશ ભટ્ટ

  સિગારેટને રસ્તા ઉપર આ રીતથી ન ફેંક ભાઈ,
  આ દેશમાં ચંપલ ઘણાં તળિયેથી કાણા હોય છે.
  – ભાવિન ગોપાણી

  અફસોસ કેટલાય મને આગવા મળ્યા,
  ગાલીબને મારા શેર નથી વાંચવા મળ્યા.
  – ભરત વીંઝુડા

  સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,
  ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ.
  – અનિલ ચાવડા

  શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર?
  કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.
  – જલન માતરી

  બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
  મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ.
  – મરીઝ

  જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,
  જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.
  – મરીઝ

  કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ?
  કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ?
  – ઉદયન ઠક્કર

  હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
  પગરખાં નહીં બસ અભરખા ઉતારો.
  – ગૌરાંગ ઠાકર

  જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ,
  એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ.
  – રાજેન્દ્ર શુક્લ

  તમને સમય નથી અને મારો સમય નથી,
  કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.
  – બાપુભાઈ ગઢવી

  રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એજ કારણથી,
  હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.
  – બરકત વિરાણી ‘બેફામ’

  તફાવત એ જ છે,તારા અને મારા વિષે, જાહિદ!
  વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું
  – અમૃત ઘાયલ

  જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
  બહુ ઓછાં પાનાં જોઈ શકયો બહુ અંગત અંગત નામ હતાં.
  – સૅફ પાલનપુરી

  તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે,
  હું કહું છું જિંદગી ધોવાય છે.
  – શયદા

  વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
  અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
  – આદિલ મન્સૂરી

  બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
  જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.
  – મરીઝ

  જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
  એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
  – મરીઝ

  સમયની શોધ થઈ તેની આગલી સાંજે
  મેં ઈંતજારને શોધ્યો હતો ખબર છે તને?
  – મુકુલ ચોક્સી

  હસ્તરેખા જોઈને સૂરજની કૂકડાએ કહ્યું,
  આપના પ્રારબ્ધમાં બહુ ચડ-ઉતર દેખાય છે.
  – ઉદયન ઠક્કર

  મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
  હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
  – મરીઝ

  Vinodchandra Bhatt (M) 99250 10858

 3. હું ગાંડો નથી રે હું ઘેલો નથી રે ,
  કોઈનો છેતર્યો છેતરાઉં એવો ભોળો નથી રે.

  ચાર પાંચ ફૂલો લઈ મંદીરે આવે, લક્ષ્મી મેળવવાને માનતાઓ રાખે,

  એવા પાંચ ફૂલે પાંચ લાખ દેતો નથી રે. હું ગાંડો નથી રે .

  ચપટી ચોખા લઈ મંદીરે આવે , દુર ઊભીને ફદિયા ફગાવે ,

  એવા ખીચડીયા કોઈ ના લેતો નથી રે . હું ગાંડો નથી રે.

  સાચી ખોટી મારી ફિલ્મો ઉતારે , ભોળા ભક્તો ને જોવા લલચાવે ,

  એવા બાર આના ના ભાવ માં હું વેચાતો નથી રે . હું ગાંડો નથી રે.

  મારા બનાવેલા મુજને બનાવતા , ગર્ભ માં દીધેલ કોલ ને ભૂલાવતા,

  પણ વખત આવે હું કોઈ ને છોડતો નથી રે. હું ગાંડો નથી રે.

  કલીયુગ ના કાળ માં હું ભક્તો ની સાથ છું ,ભક્તો ની પુકારે દોડી જાઉં છું

  પણ મારી ઓળખાણ કોઈ ને દેતો નથી રે . હું ગાંડો નથી રે.
  હું ગાંડો નથી રે , હું ઘેલો નથી રે…..

  પવિત્ર શ્રાવણ માસ ચાલે છે. ભક્તો ભગવાનની પૂજા કરે છે. તે વેળા
  ભક્તોના મન જાણી ભગવાન શું કહે છે તે અંગેનું ભજન …

  ————————————————————————

  અમેરિકાના હાસ્યકાર લેખક માર્ક ટ્વેઇનનું એક વિધાન યાદ આવી ગયું.
  એણે કહ્યું છે: ‘કહેવાતો ડાહ્યો માણસ બીજા માણસને નથી ઓળખી શકતો, પણ ગાંડો તો..!’
  ગાંડા માણસને અંગ્રેજીમાં ‘મૅડ’ કહેવાય, તો ગાંડી સ્ત્રીને શું કહેવાય?’ ગાંડાને મૅડ કહેવાય, તો ગાંડીને મૅડમ કહેવાય!’ ગાંડા માત્ર મૅન્ટલ હૉસ્પિટલમાં જ હોય એવું નથી. બહાર પણ હોય છે!’ હવે તો ગાંડા લોકો પોતાનો પરિચય પણ ડાહ્યા લોકોને આ રીતે આપતા થઈ ગયા છે . આજના ગાંડાઓ પહેલાંના ગાંડા જેવા નથી. એમને ડાહ્યા હોવાનો પૂરો વહેમ હોય છે.’
  …………………………………………………………………………………………………………….

 4. આ ગાંડાઓએ તો ગાંડા કાઢ્યા

  ગાંડા ના કાંઈ ગામ વસતા નથી !

  ગામમાં ગાંડા વસે છે !

  ગાંડો, ગાંડો શું કરો છો

  અરિસામાં જોઈ સહુ ગાંડા કાઢે છે.

  ગાંડાની હોસ્પિટલમાં ડોક્ટર સહુ ગાંડાને, સહુથી વધારે ગાંડા લાગ્યા !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: