આખરે

door

આખરે દરવાજા સુધી આવી. ખુલ્લો દરવાજો ખોલીને અંદર પ્રવેશવાની હિંમત ન હતી ! દરવાજો ખોલ્યા પછી જે દૃશ્ય નજરે પડશે, પછી શું હાલત થશે એ કલ્પના કરવી પણ તેના હાથની વાત ન હતી. ભાઈના સ્વપના સાકાર થવા જઈ રહ્યા હતા. પિતાજી આ સમાચાર સાંભળી ખુશીના માર્યા પાગલ ન થાય તો સારું ! મા, દિલથી પુત્રને આશિષ વરસાવશે.

માનસી દ્વિધામાં હતી. નાના ભાઈ માટે અથાગ પ્રયત્ન કરી રહી હતી. ઘર સંસારમાં ગુંથાયેલી હોવાને કારણે માનસી છેલ્લા કેટલા દિવસોથી પિયર ગઈ ન હતી. ભાઈ અવકાશમાં ઉડવાની તમન્ના ધરાવતો હતો. તેનું સ્વપન પાર પડવાનું હતું. નાસામાંથી એને ટપાલ આવી ગઈ હતી. હવે આ કમપ્યુટરના યુગમાં બધું એની ઉપર જ થાય છે.

મેહુલનો આગ્રહ હતો કે બધુ પેપર દ્વારા થાય તો ખાટલે પડેલા પિતાજીને વાંચી સંભળાવાય અને એ કાગળ તેમના હાથમાં પકડાવી શકાય. મેહુલના પિતાજી કમપ્યુટરથી પણ અજાણ હતા. પુત્રના સમાચાર કાગળ દ્વારા મળે તે જોઈને ખુશ થતાં. ભાંગ્યું ટૂટ્યું અંગ્રેજી વાંચતા અને સમજતા. મેહુલ બધુ વિગતવાર વાંચીને સમજાવતો.

મેહુલ બાળપણથી તેજસ્વી વિદ્યાર્થી રહ્યો હતો. ભલે નાના શહેરમાં રહેતો હતો પણ સ્વપના આકાશને આંબવાના સેવતો. જ્યારે વિમાનનો અવાજ ઘરમાં સંભળાતો ત્યારે દોડીને તેને દેખાય ત્યાંસુધી જોઈ રહેતો. મનમાં થતું આમાં “હું એક દિવસ બેસી ફરીશ અને ઉડાવીશ”. આવા વિચાર એના દિમાગમાં દસ વર્ષની ઉંમરે ઘુમતા. માનસી વર્ષોથી ભાઈની ઈચ્છા જાણતી હતી. લગ્ન પછી તો પતિની સહાયથી એને બધી રીતે સહાય કરતી. મોટી બહેન પોતાની ફરજ માનતી. મેહુલ દીદીને ખૂબ સ્નેહ કરતો.

જ્યારે તેને આઈ.આઈ.ટી. મુંબઈમાં એરોનોટીક્સ એન્જીનયરિંગમાં દાખલો મળ્યો ત્યારે મેહુલ દીદી સાથે નાચી રહ્યો હતો. માનસીના પતિએ તેની વિડિઓ ઉતારી હતી. મેહુલના પિતાજી સરકારી દફ્તરમા સારી નોકરી કરતા હતા. એક વાર ઓફિસમાં આગ લાગી, બીજા મિત્રોને અને સહકર્મચારીઓ બચાવતા ખૂબ દયનિય રીતે દાઝી ગયા હતા. જેને કારણે પરવશ બન્યા. સરકારી નોકરી હતી માટે પૈસા મળ્યા પણ પાછા પગભર ન બની શક્યા. મેહુલ પોતાની હોંશિયારી અને આવડતને કારણે જીવનમાં આગળ વધી રહ્યો હતો.

દીદી અને જીજાજી બધી રીતે તેને પ્રોત્સાહન આપતા. મેહુલની મમ્મી પ્યાર અને હિંમત આપતી. પતિ અને દીકરા વચ્ચે સમતુલા જાળવી જીવનની મધુરતા જાળવતી. મેહુલ માને ખૂબ પ્યાર આપતો. જાણતો હતો તેની હાલત. પિતાજીને જરા પણ ઓછું આવવા ન દેતો. જે પરિસ્થિતિ હતી તેમાં કોઈ બદલાવ આવવાની શક્યતા જણાતી નહી.સાથે પોતાના સ્વપના પણ સેવતો.

દીદીને જ્યારે જાણ થઈ કે મેહુલ આઈ. આઈ.ટી. માં પોતાના વર્ગમાં પ્રથમ આવ્યો છે.ખુશીથી પાગલ થઈ ગઈ. એને ક્યાં ખબર હતી કે સમાચાર તો આનાથી પણ વધુ સુંદર હવે સાંભળવાના છે.

માનસી પતિની સાથે પોતાના ભાઈને આશીર્વાદ અને મનગમતી ભેટ લઈને નિકળી. ઉતાવળ ખૂબ હતી. હજુ પહોંચતા બીજા બે કલાક થવાના હતા. એમાં જાણવા મળ્યું કે ટ્રેનના પાટા પર કામ ચાલે છે. ટ્રેન બીજા બે કલાક મોડી પડશે. કલાક બે કેવી રીતે પસાર કરીશ. મનમાં દ્વંદ યુદ્ધ ચાલતું હતું. પતિ સાથે પાના રમવા બેઠી.

સમય ભલે ધીમી ગતિએ ચાલે પણ હંમેશની જેમ આગળ વધે છે. સ્ટેશને ઉતર્યા. ગાડીની વ્યવસ્થા પહેલેથી કરી રાખી હતી. દસ માઈલ દૂર ઘર હતું. માનસી મુંગી મુંગી બેઠી હતી. માનવ પણ એક શબ્દ બોલતો નહી. માનસીના દિલની હાલત જાણતો હતો. માનસીને હર પલ એક યુગ જેટલી લાગતી હતી.

આખરે ઘરના આંગણે ગાડી ઉભી રહી. બારણું અધ ખુલ્લું હતું. બેલ વગાડવાની જરૂર ન જણાઈ. આખરે બારણું ખોલ્યું અને માનસીના પગ દરવાજામાં જડાઈ ગયા !

પિતાજીના હાથમાં કાગળ ફરફરી રહ્યો હતો !!!!!!

2 thoughts on “આખરે

 1. આખરે…………………
  ‘આખરે’ વાર્તા વાંચવા મળી
  અણકલ્પ્યો અંત
  માનસીના પગ દરવાજામાં જડાઈ ગયા !
  પિતાજીના હાથમાં કાગળ ફરફરી રહ્યો હતો !

  સાથે દરેક પોતાની કલ્પના પ્રમાણે અંતનો વિસ્તાર અને અર્થ કરવાની વાચકને છૂટ

  1. આપની વાર્તા સ રસ છે.લગભગ દરેક વાર્તામાં સસ્પેન્સ હોય છે અને ખાસ કરીને અંત માણવાની મજા હોય છે. આ વાર્તાના સ રસ અંત બાદ વિચારવમળે વાર્તાનો કરુણ અંત વધારે હ્રદયદ્વાવક રહી અંતે વિગલત થઇ આનંદ થાય.’પિતાના હાથમાં કાગળ ફરફરી રહ્યા હતા !,વાતે
   ૧ પિતા મરણને શરણ કે
   ૨ કાગળ ફરફરી રહ્યા તેમા શુભ સમાચાર હતા તે વાંચી આનંદથી
   સુઇ રહ્યા હતા
   ૩ માનસીના પગ દરવાજામાં જડાઈ ગયા ! તેણે પિતાને મળવા પહેલા કઇ કલ્પનાઓ કરી હતી? ઇત્યાદી અનેક અંતનો પણ વિચારાય !
   ૪ કોઇએ કલ્પ્યો ન હોય ત્તેવો ચમત્કાર પણ વિચારાય.. આતો મને આવેલ વિચારે પ્રતિભાવ લખ્યો.. આ સાથે અમારા દીકરાની બે અનુવાદિત વાર્તાઓ મોકલુ છું.દીકરી યામિનીની વાર્તાઓ પણ મોકલીશુ. હું તો જે વિચાર આવે તે લખવા પ્રયત્ન કરું છુ !
   નવી સદી અર્થાત્ એકવીસમી સદીમાં વળી વાર્તા કરવટ બદલે છે. વીતેલી સદીના છેલ્લા દાયકાના વાર્તાકારો તો વાર્તાલેખનમાં પ્રવૃત્ત જ છે તો અન્ય નવા વાર્તાકારો પણ આવ્યા છે. કિરીટ દૂધાત, પરેશ નાયક, યોગેશ જોષી, ધરમાભાઈ શ્રીમાળી, રાજેન્દ્ર પટેલ, દીના પંડ્યા, પ્રફુલ્લ રાવલ, પૂજા તત્સત્, સંજય ચૌહાણ, અનિલ વાઘેલા, દક્ષા પટેલ, સતીશ વૈષ્ણવ ઇત્યાદિ દ્વારા ગુજરાતી વાર્તા જુદી જુદી રીતિએ લખાતી રહી છે. અલગ અલગ પ્રવાહો વચ્ચે ભાવસભર કથાવસ્તુ તરફનો લગાવ હજુય વાર્તાકારોમાં જોવા મળે છે.
   વાર્તા વિશ્વ .
   – એટ આર્મ્સ વિથ મોર્ફિયસ
   – મૂળ સર્જક – ઓ. હેન્રી રજૂઆત-પરેશ વ્યાસ
   – ટોમને આ રીતે બોલતો જોઈ મને આ ખોટું નાટક કરવા બદલ ચોક્કસપણે અફસોસ થયો. પણ આ બધું મેં ટોમને બચાવવા માટે કર્યું હતું. એ જાગતો રહે એટલા માટે.
   ગુજરાતી ભાષામાં પ્રથમ વખત ‘વાર્તા’નું સર્જન થયું તેને ગયા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે ‘ગુજરાત સમાચાર’માં ગુજરાતના વિખ્યાત સર્જકોની ક્લાસિક વાર્તાઓ પ્રસિદ્ધ કરીને અનોખી ઉજવણી થઈ હતી. ગુજરાતી વાર્તાઓના એ ખજાનાને વાચકોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી હવે ‘ગુજરાત સમાચાર’ના વાચકો માટે પ્રસ્તુત છે-જગતના પહેલી હરોળના વાર્તાકારોની કૃતિઓનો વૈભવ…
   (ઉત્તરાર્ધ)
   (વહી ગયેલી વાર્તા : મેડિકલ કોલેજનાં બે વિદ્યાર્થી મિત્રોની વાત છે. એકનું નામ ટોમ હોપકિન્સ છે. એની આથક સ્થિતિ આમ તો સામાન્ય હતી પણ એની માસીની અખૂટ સંપત્તિ તાજેતરમાં જ એને વારસામાં મળી હોવાનો ઉલ્લેખ પહેલા પેરેગ્રાફમાં જ થઈ જાય છે. આખી વાર્તા એનાં સહાધ્યાયી મિત્ર દ્વારા કહેવાયેલી છે. ટોમ એનાં મિત્રની હોસ્ટેલ રૂમમાં આવ્યો હોય છે ત્યારે એને તાવ જેવું લાગતું હતું એટલે એને ક્વિનાઇન દવા લેવી હતી. પણ દવાનાં કબાટમાં ક્વિનાઇનની બાજુમાં મૂકેલી મોફન દવા એ ભૂલમાં ને ભૂલમાં લઈ લે છે અને બેહોશ થઈને ઢળી પડે છે. સિનિયર ડોક્ટર વિઝિટ કરે છે, તપાસીને દવાઓ આપે છે. અને જતાં જતાં કહેતા જાય છે કે હવે એની સ્થિતિ સ્ટેબલ છે પરંતુ તમે એની સાથે વાત કરતા રહેજો અને અવારનવાર એને ઢંઢોળતા રહેજો. એ જાગૃત રહેવો જોઈએ. અને કહે છે કે જ્યારે એના શ્વાસ અને હૃદયનાં ધબકારા સામાન્ય થઈ જાય ત્યાર પછી તમે એને સૂવા દેજો. એનો મિત્ર એને જાગૃત રાખવા માટે એને ગુસ્સો આવે એવી વાતો કરવાનું નાટક કરે છે. એને લાગે છે કે ટોમનું મન ઉત્તેજિત રહે તો હોશમાં રહેશે. અને પછી એ એવી અપમાનજનક વાતો કરે છે, જેથી ટોમને ગુસ્સો આવે. હવે આગળ…)
   ‘હોપકિન્સ, મને ધ્યાનથી સાંભળ.’ મેં કંઈક જુદા જ, સ્પષ્ટ અને તીવ્ર અવાજમાં કહ્યું. ‘તું અને હું સારા મિત્રો હતા, પણ હવે નથી. અને તારે એ સમજી લેવું જોઈએ કે ભવિષ્યમાં મારા દરવાજા એવા કોઈપણ માણસ માટે બંધ છે કે જે એક હરામખોરની જેમ વર્તતો હોય, એ રીતે કે જે રીતે તું વર્તી રહ્યો છે.’
   પણ ટોમને મારી આ વાતમાં જરા પણ રસ પડયો હોય તેમ લાગ્યું નહીં.
   ‘શું વાત છે… વીલી?’ એ ધીરે રહીને ગણગણ્યો, ‘તારા કપડા તને ફિટ નથી થ..થતાં કે શું?’
   ‘હું જો તારી જગ્યાએ હોઉં..’ મેં નાટકને આગળ ચલાવ્યું, ‘… ભગવાનનો મોટો ઉપકાર છે કે એમ નથી, પણ માની લો કે હું તારી જગ્યાએ હોઉં તો.. તો હું આ મારી આંખો બંધ કરતા પણ ગભરાઉ. એ છોકરી કે જેને દક્ષિણનાં પાઈનવૃક્ષનાં જંગલોમાં એકલી મૂકીને તું અહીં આવી ગયો છે. એ છોકરી જે તને ચાહે છે. તને પ્રેમ કરે છે. હવે તારી પાસે અઢળક દોલત આવી અને તું એને ભૂલી ગયો. ઓહ ! હું જાણું છું, હું સારી રીતે જાણું છું કે હું શું બોલી રહ્યો છું, કોના વિષે બોલી રહ્યો છું, મિ. ટોમ હોપકિન્સ. એક એ સમય હતો જ્યારે તું મેડિકલ કોલેજમાં ભણતો એક ગરીબ વિદ્યાર્થી હતો. અને ત્યારે તે છોકરી તારા માટે સારી હતી. હવે તું કરોડાધિપતિ થઈ ગયો એટલે હવે એ કોઈ બીજી જ થઈ ગઈ? તારો હવે મોભો પડે છે. તારો માનમરતબો છે. પણ તું એ તો વિચાર કે સમાજનાં તારા જેવા પ્રતિષ્ઠિત લોકો વિષે એ છોકરી શું વિચારશે, એવા વર્ગના લોકો વિષે કે જે વંદનીય છે, તેવું એને શીખવાડવામાં આવ્યું છે મારા દક્ષિણનાં સદગૃહસ્થ ! મને માફ કરજે, હોપકિન્સ, મારે આ વાત નાછૂટકે તને કહેવી પડે છે. પણ.. આ વાતને તેં એવી તો લૂચ્ચાઇથી છુપાવી છે કે વાત જ જવા દો. અને તેં તારો અભિનય એવી સરસ રીતે કર્યો છે કે તારી ચાલાકી બીજું કોઈ પકડી શક્યું નથી’.
   બિચ્ચારો ટોમ! એને અફીણના નશામાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરતો જોઈને મારું હસવાનું હું માંડ માંડ રોકી શકયો. એ દેખીતી રીતે ગુસ્સામાં હતો અને એમાં એનો વાંક નહોતો. ટોમનો ગુસ્સો પણ દક્ષિણનાં રાજ્યોનાં લોકોનાં ગુસ્સા જેવો જ હતો. હવે એની આંખો પૂરેપૂરી ખુલ્લી હતી, જેમાં આગની એક બે ચિનગારી દેખાતી હતી. પણ મોફનની અસર હજી એના દિમાગ ઉપર છવાયેલી હતી અને તે કારણે તેની જીભનાં હજી લોચા વળતા હતા.
   ‘..ખો..ખોટું બોલે છે’ એણે થોથરાતા અવાજે કહ્યું, ‘હું તારો ભૂ..ભૂ..ભૂક્કો બોલાવી દઈશ.’ એણે પથારીમાંથી ઊભા થવાની કોશિશ કરી. એક તો એનું વજનદાર શરીર અને ઉપરથી દવાની અસર. એ ઘણો જ નબળો પડી ગયો હતો. મેં એને એક હાથથી ધક્કો માર્યો અને એને પથારીમાં સૂવડાવી દીધો. એ ત્યાં સૂતો રહ્યો, એક જાળમાં ફસાયેલા સિંહની માફક એની આંખો તગતગી રહી હતી.
   ‘થોડો સમય આ વાત તને હોશમાં રાખશે, મારા પાગલ દોસ્ત.’ મેં મારી જાતને કહ્યું. હું ઊભો થયો. મને ધુમ્રપાન કરવાની તલપ લાગી હતી. મેં પાઈપ સળગાવી. મને આવેલા આવા શાનદાર વિચાર માટે હું મારી જાતને ધન્યવાદ આપી રહ્યો હતો.
   મેં એનાં ઘોરવાનો અવાજ સાંભળ્યો. ટોમ ફરીથી સૂઈ ગયો હતો. હું એની પથારી પાસે ગયો અને મેં એના જડબા ઉપર મુક્કો માર્યો. એ એક બેવકૂફની જેમ મારી સામે આનંદિત નજરથી જોતો રહ્યો. એની નજરમાં કોઈ રોષ કે દ્વેષ નહોતો. કોઈ ખીજ નહોતી.
   ‘હું ઈચ્છું છું કે તું સાજો થઈ જા અને જેમ બને એમ જલદીથી મારા રૂમમાંથી હાલતીનો થા,’ મેં એને અપમાનિત કરતા કહ્યું, ‘મેં તને કહી તો દીધું કે તારા વિષે હું શું માનુ છું. જો તારી પાસે જરા પણ સમ્માન અને પ્રામાણિકતા બચી હશે તો તું કોઈ પણ સજજન સાથે દોસ્તી કરતાં પહેલા બે વાર વિચારશે… એ ગરીબ છોકરી હતી. હતીને? વધારે પડતી સીધી સાદી, જરાય ફેશનેબલ નહીં. અને હવે તને એ ગમતી નથી કારણ કે હવે તારી પાસે ખૂબ ડૉલર્સ આવી ગયા છે.’ મેં મોં મચકોડતા કહ્યું, ‘હવે તું મેનહટનનાં મોંઘાદાટ ફિકથ એવન્યૂ પર જાય અને એ તારી સાથે હોય તો તને શરમ આવે. આવે કે નહીં? તું એક હલકટ માણસ કરતા ય સાડી સુડતાલીસ વાર બદતર છે. તારા ડૉલર્સની કોને પડી છે? પડી છે જ કોને?… મને તો નથી જ અને હું શરત લગાવવા તૈયાર છું કે એ છોકરીને પણ કાંઇ પડી નથી. કદાચ તારી પાસે ડૉલર્સ ન હોત તો તું સારો માણસ હોત. અત્યારની સ્થિતિમાં તો તે તારી જાતને રખડતા કૂતરા જેવી કરી દીધી છે અને…….’ મેં અત્યંત નાટકીય ઢબે કહ્યું, ‘કદાચ એક અત્યંત વફાદાર છોકરીનું તેં દિલ તોડયું છે. તું મારો દોસ્ત બનવાને લાયક જ નથી. મારે, જેમ બને એમ વહેલી, તારાથી મુક્તિ મેળવવી પડશે’.
   મેં નાટકીય રીતે ટોમ સામેથી પીઠ ફેરવી લીધી અને સામેનાં આયનામાં મારી જાતની સામે જોઈને આંખ મીચકારી અને મનોમન મારા પોતાના જ વખાણ કર્યા. ટોમ ઊભો થવા કોશિશ કરી રહ્યો હોય તેવો અવાજ આવ્યો. હું તરત જ ફર્યો કારણ કે હું નહોતો ઈચ્છતો કે તેની ૯૦ કિલોની કાયા મારી પીઠ ઉપર પડે. પણ મેં જોયું કે ટોમ ફક્ત અડધો આડો ફર્યો હતો અને એનો એક હાથ એના ચહેરા ઉપર હતો. એ પહેલા કરતા વધારે સ્પષ્ટ રીતે થોડા શબ્દો બોલ્યો.
   ‘તારે મારી સાથે…… આ રીતે વાત……. નહોતી કરવી, બીલી, લોકો તારા વિષે…… મને ખો-ખોટું કહેતા….. પણ નહીં…….પણ હું જ્યારે મારા… જ્યા.. જ્યારે મારા પગ પર ઊભો થઈશ….ત્યારે તારું માથું ભાંગી નાખીશ- ભુ… ભૂલતો નહીં’.
   ટોમને આ રીતે બોલતો જોઈ મને આ ખોટું નાટક કરવા બદલ ચોક્કસપણે અફસોસ થયો. પણ આ બધું મેં ટોમને બચાવવા માટે કર્યું હતું. એ જાગતો રહે એટલા માટે. કાલે સવારે હું એને બધી વાતનો ફોડ પાડીશ અને પછી આજની ઘટના ઉપર અમે બંને દિલ ખોલીને હસી શકીશું.
   વીસેક મિનીટમાં તો ટોમ ગાઢ પરંતુ આમ સરળ નિંદ્રામાં પોઢી ગયો. મેં એનાં ધબકારા માપ્યા. એનાં શ્વાસોશ્વાસને ધ્યાનથી સાંભળ્યા અને પછી એને ઊંઘવા દીધો. હવે વાંધો નહોતો. હવે બધું સામાન્ય થઈ ગયું હતું. ટોમ હવે સુરક્ષિત હતો. હું બીજા રૂમમાં ગયો અને પથારીમાં સૂઈ ગયો.
   બીજે દિવસે સવારે હું જાગ્યો ત્યારે ટોમ જાગીને તૈયાર થઈ ગયો હતો. એ બિલકુલ સામાન્ય હતો. ફકત થોડી બેચેની હતી અને એની જીભ સફેદ ઓકનાં ઝાડ જેવી ધોળીધફ હતી.
   ‘હું કેવો બેવકૂફ હતો,’ એણે કંઈક વિચારતા વિચારતા કહ્યું. ‘જયારે હું ડોઝ લેતો હતો ત્યારે મને લાગ્યું તો હતું કે ક્વિનાઈનની બોટલ કંઈક જુદી તો લાગે છે પણ….મને સાજો કરવામાં તને બહુ મુશ્કેલી પડી હશે, નહીં?’
   મેં એને કહ્યું કે ખાસ કંઈ મુશ્કેલી પડી નથી. આખ્ખી ઘટના એને કંઈ ખાસ યાદ હોય એવું જણાતું નહોતું અને મેં નક્કી કર્યું કે આ બાબતે હવે એને અત્યારે વધારે કંઈ કહેવું નથી. બીજી કોઈ વાર કહીશ, મેં વિચાર્યું. ટોમ જવા માટે તૈયાર હતો. દરવાજા પાસે એ થોભ્યો. દરવાજો ખુલ્લો હતો. એણે મારી સાથે હાથ મિલાવ્યા.
   ‘તારો મારી ઉપર મોટો ઉપકાર રહેશે, મારા દોસ્ત.’ એણે શાંતિથી કહ્યું, ‘મારા માટે આટલી બધી મુશ્કેલી વેઠવા બદલ અને તેં જે મને કહ્યું એ માટે ….. હું હમણાં જ નીચે જાઉં છું, પેલી ગરીબડી છોકરીને ટેલીગ્રામ કરવા’!!!
   (સમાપ્ત)

   સર્જકનો પરિચય

   ઓ. હેન્રી

   જન્મ : ૧૧ સપ્ટેમ્બર, ૧૮૬૨

   મૃત્યુ : ૫ જુન, ૧૯૧૦

   પોતાનાં વાર્તાઓમાં આશ્ચર્યજનક અંત માટે જાણીતા ટૂંકી વાર્તાઓનાં વિખ્યાત લેખકનું મૂળ નામ વિલિયમ સિડની પોર્ટર. ઓ. હેન્રી એમનું ઉપનામ. પ્રસ્તુત વાર્તાનો નાયક મેડિકલ સ્ટુડન્ટ છે. પોતાને તાવ જેવું લાગતા ‘ક્વિનાઇન’ની જગ્યાએ ભૂલથી ‘મોફન’ લઈ લે છે અને બેહોશ થઈ જાય છે. વિલિયમ સિડની પોર્ટર ઉર્ફે ઓ. હેન્રી પોતે લાઇસન્સડ ફાર્માસિસ્ટ હતા એટલે એમને દવાઓ વિષે તો જ્ઞાાન હતું જ. પ્રસ્તુત વાર્તામાં એમનું એ જ્ઞાાન તો મદદરૂપ થયું જ છે.

   ઓ. હેન્રી સિવાય એમણે આમ તો ઘણાં ઉપનામથી વાર્તાઓ લખી. જેમ્સ એલ. બ્લિસ, ટી.બી. ડોડ, હાવર્ડ ક્લાર્ક વગેરે. પ્રસ્તુત વાર્તા એમણે એસ. એચ. પીટર્સનાં નામે લખી હતી. એમનું સૌથી લોકપ્રિય ઉપનામ ‘ઓ. હેન્રી’નાં નામકરણ વિષે પણ ઘણી મઝાની વાતો છે. વર્ષ ૧૯૦૯માં ન્યૂયોર્ક ટાઈમ્સમાં ઓ. હેન્રીનો એક ઇન્ટરવ્યૂ છપાયો હતો. એમાં એમણે કહેલી વાત મુજબ એક વાર તેઓએ એક મિત્રની મદદ માંગી, પોતાનું પેન-નેઇમ (ઉપનામ) પસંદ કરવા માટે. મિત્રએ સૂચન કર્યું કે છાપામાં નોંધપાત્ર લોકોનાં નામ છપાતા હોય છે, એમાંથી કોઈ નામ પસંદ કરીએ. એક ફેશનેબલ બોલ (નૃત્યનો જલસો અથવા નૃત્યોત્સવ)નાં અહેવાલમાં ઘણાં નામાંકિત નામોનો ઉલ્લેખ હતો.

   એમાં ‘હેન્રી’ નામ વાંચતાની સાથે ચમકારો થયો. પણ હેન્રી તો ઉપનામનો બીજો ભાગ થયો. પહેલું શું હોઈ શકે? એમણે ઇંગ્લિશ અક્ષર ‘ઓ’ પસંદ કર્યો. લખવામાં સૌથી સરળ, નહીં ખૂણો, નહીં ખાંચો. એકદમ સરળ અક્ષર. જો કે ઓ. હેન્રી એમના ઉપનામ વિષે કોઈ પણ વાતો કરતાં. જેમ કે એક અખબારનાં તંત્રીએ એમને પૂછયું કે ‘ઓ’ એટલે? એમણે કહ્યું કે ઓ એટલે ‘ઓલિવિયર’ કે જે ઇંગ્લિશ નામ ઓલિવરનું ફ્રેંચ રૂપ છે. એમણે ‘ઓલિવિયર હેન્રી’ ઉપનામથી પણ ઘણી વાર્તાઓ લખી હતી.

   એ વાત પણ હવે આપણે જાણીએ છીએ કે તેઓ બેંકમાં નોકરી કરતાં હતા ત્યારે જે ઉચાપત એમણે કરી નહોતી એ કેસમાં, કસૂરવાર ઠરાવીને એમને જેલની સજા થઈ હતી. તે સમયે એમનું દવાનું જ્ઞાાન અને લાયસન્સ ફાર્માસિસ્ટ તરીકે એમનું પ્રમાણપત્ર કામ લાગ્યું. એમને જેલમાં રહીને દવા આપવાનું કામ સોપવામાં આવ્યું, જે પ્રમાણમાં હળવું કામ હતું. દવા આપવાનાં કામનાં કારણે ઘણાં બધા કેદીઓનાં સંપર્કમાં તેઓ આવ્યા. જે બધા કેદીઓ એમની ઘણી વાર્તાઓનાં પાત્રો પણ બન્યા. પ્રિઝન ફાર્મસી મેન્યુઅલમાં એક ફ્રેંચ ફાર્માસિસ્ટનું નામ હતું, જેનો આધાર લઈને ઓ. હેન્રી દવાઓ આપતા. એ ફ્રેંચ ફાર્માસિસ્ટનું નામ ‘ઓસિયન હેન્રી’ હતું. કહે છે કે એ નામ પરથી એમણે એમનું ઉપનામ ઓ. હેન્રી રાખ્યું હતું. એવું પણ કહે છે કે જેલમાં એક એક સંત્રી હતો, જેનું નામ ઓરન હેન્રી હતું એના પરથી ઓ. હેન્રી ઉપનામ રાખ્યું.

   જેલમાં જ રહીને ટૂંકી વાર્તાઓ લખવાની એમણે શરૂઆત કરી હતી. એમનાં પત્ની ત્યારે મૃત્યુ પામ્યા હતા. એમની વહાલસોયી દીકરીનો ઉછેર મોસાળમાં થઈ રહ્યો હતો. વાર્તાઓનાં પુરસ્કારની રકમથી દીકરીનાં અભ્યાસ ખર્ચમાં મદદરૂપ થવાની એમની નેમ હતી. પોતે જેલમાં છે એવી વાત દીકરીને ખબર ન પડે એની કાળજી તેઓએ લીધી હતી. વાર્તાઓ એટલે જ એમનાં મૂળ નામનાં સ્થાને ઉપનામ કે તખલ્લુસથી છપાઇ હતી.

   એમનાં ઉપનામ ઘણાં હતા પણ મૂળ નામથી એમની કોઈ પણ વાર્તા છપાઇ નહોતી. એવું કહી શકાય કે જેલમાં વિલિયમ સિડની પોર્ટર એક નવા અવતારમાં, ટૂંકી વાર્તાઓનાં લેખક તરીકે જન્મ્યા. તેઓ જે જેલમાં હતા એનું નામ ‘ઓહાયો પૅનિટેન્શરી’ (Ohio Penitentiary) હતું. ઓહાયો તો શહેરનું નામ છે. ‘પૅનિટેન્શરી’ એટલે ગુનેગારો માટે સુધારણા ગૃહ, જેલ અથવા કેદખાનું. કહે છે કે જેલનાં નામનાં પ્રથમ અને આખરી અક્ષરોથી O. Henry ઉપનામ બન્યું હતું.

   એમનાં ઉપનામમાં પણ એમની વાર્તાઓમાં હોય છે એવી જ આશ્ચર્યજનક અને અનપેક્ષિત રસપ્રદ વાતો છે.

   – વિશ્વના શ્રેષ્ઠ સર્જકોની વાર્તાનો વૈભવ…

   – મૂળ સર્જક – ઓ. હેન્ર્રી રજૂઆત-પરેશ વ્યાસ

   – ‘એ સારો માણસ છે, પણ ધંધામાં પાકો છે. અને આર્થિક રીતે એ મારો સરખો હિસ્સેદાર છે. હું એન્ડી જોડે વાત કરી લઇશ,’ મેં કહ્યું, ‘અને જોઉં છું કે આ બાબતે શું થઈ શકે.’

   – ગુજરાતી ભાષામાં પ્રથમ વખત ‘વાર્તા’નું સર્જન થયું તેને ગયા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે ‘ગુજરાત સમાચાર’માં ગુજરાતના વિખ્યાત સર્જકોની ક્લાસિક વાર્તાઓ પ્રસિદ્ધ કરીને અનોખી ઉજવણી થઈ હતી. ગુજરાતી વાર્તાઓના એ ખજાનાને વાચકોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી હવે ‘ગુજરાત સમાચાર’ના વાચકો માટે પ્રસ્તુત છે-જગતના પહેલી હરોળના વાર્તાકારોની કૃતિઓનો વૈભવ…

   (વહી ગયેલી વાર્તા : બે મિત્રો, એન્ડી ટકર અને જેફ પીટર્સ લગ્ન વિષયક બાબતમાં કેદા’ડાનાં પરણું પરણું કરતાં પુરુષોને છેતરીને ધન કમાવવાનાં નિર્દોષ (!) ધંધાની સ્કીમ ઘડે છે. એમ કે એક આર્થિક રીતે સુખીસંપન્ન વિધવા સ્ત્રીનાં પુન:લગ્ન માટે જાહેરાત આપવી અને એમાંથી કમાણી કરવી. એવું પણ નક્કી થાય છે વાત આમ સાવ હવામાં ન હોવી જોઈએ. મતલબ કે એવી કોઈ સ્ત્રી પણ હોવી જોઈએ. એવી એક સ્ત્રી મિસિસ ટ્રોટર હતી, જે જેફ પીટર્સનાં મૃત મિત્રની વિધવા હતી. પીટર્સ એની પાસે જાય છે અને એને આખી સ્કીમ સમજાવે છે. મિસિસ ટ્રોટર તૈયાર થઈ જાય છે. સ્કીમની વિશ્વનીયતા વધે એ માટે મિસિસ ટ્રોટરનું બેન્ક એકાઉન્ટ ખોલાવી એમાં ૨૦૦૦ ડોલર્સ પણ જમા કરાવવામાં આવે છે. પછી તો જાહેરાતનાં સંદર્ભે ઘણાં પરણોત્સુક પુરુષો અરજી કરે છે અને દરેક અરજી સાથે બે ડોલર્સની હેન્ડલીગ ફી મળવા માંડે છે. કોઈ ઉમેદવાર રૂબરૂ મળવાનો આગ્રહ રાખે તો એને મળીને,અગાઉથી નક્કી થયા મુજબ,મિસિસ ટ્રોટર ના પાડી દે છે. પણ એક દિવસ સરકારી તપાસ આવે છે. એક ચાલક દેખાતો માણસ એની હોટલ ઉપર આવે છે. હવે આગળ .. )

   ભાગ ૩ અને અંતિમ

   ‘..અને દીવાલો ઉપર નજર ફેરવીને એ જોવા લાગ્યો જાણે કે ગેઇન્સબોરોનાં ગૂમાઈ ગયેલા એકાદ બે પેન્ટિંગ્સની તપાસ માટે એ આવ્યો છે. જેવો મેં એને જોયો કે મને ગર્વની લાગણીનો અનુભવ થયો કારણ કે મને લાગ્યું કે અમે અમારા ધંધાને એટલી ઊંચી કક્ષાએ લઈ ગયા છીએ.

   ‘હું જોઈ રહ્યો છું કે આજે તમને ખૂબ મોટી સંખ્યામાં ટપાલ મળી રહી છે,’ એ માણસે કહ્યું.

   ‘મેં મારી હેટ તરફ હાથ લંબાવ્યો અને એને હાથમાં લીધી.

   ‘ચાલો હવે’ મેં કહ્યું. ‘તમે આવશો એ તો અપેક્ષિત જ હતું. ચાલો, હું તમને અમારા ધંધાનો પરિચય કરાઉં. તમે વોશિંગ્ટન છોડયું ત્યારે ટેડી કેમ હતા, મઝામાં?

   ‘હું એમને રીવરવ્યૂ હોટલ પર લઈ ગયો અને મિસિસ ટ્રોેટર સાથે ઓળખાણ કરાવી, હસ્તધૂનન કરાવ્યું. પછી એની બેન્ક પાસબૂક બતાવી જેમાં ૨૦૦૦ ડોલર્સ જમા ખાતે બોલતા હતા.

   ”એવું દેખાઈ રહ્યું છે કે બધું બરાબર છે.’ સીક્રેેટ સર્વિસનાં માણસે કહ્યું.

   ‘એ તો છે જ.’ મેં કહ્યું, ‘અને જો તમે પરણેલાં ન હો અને આ સન્નારી સાથે તમારું પોતાનું ગોઠવવા ઇચ્છુક હો તો હું આપને વાતને આગળ વધારવા માટે અહીં જ છોડી જાઉં. અને તમારે તો બે ડોલર્સની ફી પણ નહીં આપવી પડે.’

   ‘આભાર,’ એણે કહ્યું. ‘જો હું પરણ્યો ન હોત તો કદાચ રોકાઈ ય જાત. ગૂડ ડે મિસિસ ટ્રોટર્સ.’

   ‘ત્રણ મહિનાનો સમયગાળો વીતવા પર હતો અને અમે ૫૦૦૦ ડાલર્સની કમાણી કરી લીધી હતી અને હવે અમને લાગ્યું હતું કે સમય થઈ ગયો છે, આ ધંધો હવે અમારે સમેટી લેવો જોઈએ. હવે ઘણી ફરિયાદો પણ અમારી તરફ આવવા લાગી હતીત અને મિસિસ ટ્રોટર પણ આ કામથી હવે કંટાળી ગઈ હતી. ઘણાં બધા મૂરતિયાઓ એને રૂબરૂ મળવા આવવા લાગ્યા હતા અને એ બધી વિધિ એને ગમતી ન હોય, એવું લાગી રહ્યું હતું.

   ‘એટલે અમે નક્કી કર્યું કે હવે આ સ્કીમમાંથી બહાર નીકળી જવું અને એટલે હું મિસિસ ટ્રોટરની હોટલ પર પહોંચ્યો, એને એનાં છેલ્લાં અઠવાડિયાનો પગાર આપવા અને ગૂડબાય કહેવા, અને અમે જે ૨૦૦૦ ડોલર્સનો ચેક એનાં ખાતામાં જમા કરાવ્યો હતો, એની સામે એટલી જ રકમનો ચેક પાછો લેવા.

   ‘જ્યારે હું ત્યાં ગયો ત્યારે એ રડી રહી હતી, એક બાળકની જેમ, એ બાળક જે નિશાળે જવા ન માંગતું હોય.

   ‘હવે, હવે,’ મેં કહ્યું, ‘આ બધું શું છે? શા માટે? કોઈએ તમારી સાથે ખરાબ વર્તન કર્યું કે પછી તમને હવે ઘરઝુરાપો સતાવી રહ્યો છે?’

   ‘ના, મિ. પીટર્સ, એ બોલી. ‘હું તમને કહું. તમે હંમેશા મારા પતિ ઝેકનાં મિત્ર રહ્યા છો અને આ વાત તમને કહેવામાં મને વાંધો નથી. મિ. પીટર્સ, હું પ્રેમમાં છું. હું એ માણસને એટલો બધો પ્રેેમ કરું છું કે એ મારો ન થાય એ વાત જ હું સહી ન શકું. પતિ તરીકે એ મારા માટે આદર્શ છે, એવો જ જેવો હું કાયમ વિચારતી હતી.’

   ‘તો પછી એને પરણી જાઓ.’ મેં કહ્યું. ‘અલબત્ત જો આ લાગણી પરસ્પર હોય. શું એ પણ આવી જ લાગણીથી તમને પ્રતિસાદ આપે છે? આ જ વિસ્તૃત વર્ણન અને પીડાદાયકતા સાથે કે જે તમે વર્ણવી રહ્યા છો?

   ‘હા, એમ જ છે,’ એણે જવાબ આપ્યો. ‘પણ તેઓ એ સજ્જનો પૈકીનાં એક છે જે જાહેરાતનાં પ્રતિભાવ રૂપે મને મળવા આવતા રહ્યા છે. પણ તેઓ મારી સાથે લગ્ન નહીં જ કરે, જો હું તેમને ૨૦૦૦ ડોલર્સ નહીં આપું. એનું નામ વિલિયમ વિલ્કિન્સન છે.’ અને ફરીથી એના તથાકથિત અદ્ભુત પ્રેમનાં ઉશ્કેરાટ અને ઉન્માદમાં એ હીબકાં લઈને રડવા માંડી.

   ‘મિસિસ ટ્રોટર,’ મેં કહ્યું, ‘આ દુનિયામાં એવો કોઈ બીજો માણસ જ નથી, જે એક સ્ત્રીની પ્રેેમ લાગણી પ્રત્યે મારાથી વધારે હમદર્દી દાખવતો હોય. આ ઉપરાંત તમે મારા શ્રે મિત્રો પૈકી એકનાં જીવનસાથી રહી ચૂક્યા છો. જો મારે જ નક્કી કરવાનું હોત તો હું કહું કે આ લ્યો ૨૦૦૦ ડોલર્સ અને એને પામી લો,જે તમને પસંદ છે અને ખુશ રહો.

   ‘અમને એમ કરવું પોષાય એમ પણ છે કારણ કે અમે એ બધા, તમને પરણવા ઘેલાં થયેલા મૂરતિયાઓ પાસે ૫૦૦૦ ડોલર્સ ખંખેરી ચૂક્યા છીએ. પણ,’ મેં કહયું, ‘મારે એન્ડી ટકરને પૂછવું પડશે.

   ‘એ સારો માણસ છે, પણ ધંધામાં પાકો છે. અને આર્થિક રીતે એ મારો સરખો હિસ્સેદાર છે. હું એન્ડી જોડે વાત કરી લઇશ,’ મેં કહ્યું, ‘અને જોઉં છું કે આ બાબતે શું થઈ શકે.’

   હું અમારી હોટલ પર પાછો ફર્યો અને એન્ડી સમક્ષ મેં આખો કેસ રજૂ કર્યો.

   ‘આ આખા સમયગાળા દરમ્યાન કશુંક આવું થશે એવું મને હંમેશા લાગી રહ્યું હતું, એન્ડીએ કહ્યું. ‘તમે કોઈ સ્ત્રી ઉપર વિશ્વાસ ન જ મૂકી શકો કે એ તમારી સાથે છેલ્લે સુધી જોડાયેલી રહે, એવી સ્કીમમાં કે જેમાં એની લાગણીઓ અને પસંદગીની બાબતો સંડોવાયેલી હોય.’

   ‘એ દુ:ખદ બાબત છે, એન્ડી,’ મેં કહ્યું, ‘એવુંવિચારવું કે આપણે એક સ્ત્રીનું દિલ તૂટવા માટેનાં કારણ માટે નિમિત બન્યા.’

   ‘હા, એવું જ છે,’ એન્ડીએ કહ્યું, ‘અને હું તને કહું, હું આ બાબતે શું કરવા માટે રાજી છું, જેફ. તું ખરેખર એક કોમળ અને ઉદાર દિલનો માલિક છે, તારો એ મૂળ સ્વભાવ છે. કદાચ હું વધારે પડતો કડક અને આ દુનિયાદારીનો માણસ રહ્યો છું. સ્વભાવે શંકાશીલ પણ હું છું. ચાલ, આ એક વખત હું તારી સાથે અર્ધો સહમત થાઉં. તું મિસિસ ટ્રોટર પાસે જા અને એને કહે કે આપણે એનાં ખાતામાં જે જમા કરાવ્યા છે એ ૨૦૦૦ ડોલર્સ ઉપાડી લેય અને જેનાં પ્રેમમાં એ પાગલ થઈ છે એ પુરુષને એ આપી દેય અને.. ખુશ રહે.’

   ‘હું ખુશીથી કૂદી ઊઠયો અને એન્ડી સાથે હાથ મેળવતો રહ્યો, પાંચ મિનિટ્સ સુધી, અને પછી મિસિસ ટ્રોટર પાસે હું ગયો, એને આ વાત કહેવા માટે. અને મારી વાત સાંભળીને ખુશીનાં માર્યા એટલું જ હીબકાં લઈને રડી પડી, જેટલું એ દુ:ખી હતી ત્યારે રડી હતી.

   બે દિવસ પછી હું અને એન્ડીએ સામાન બાંધી દીધો, જવા માટે.

   ‘આપણે જઈએ તે પહેલાં એક વાર તને ઈચ્છા થાય છે કે આપણે ત્યાં જઈને મિસિસ ટ્રોટરને મળીએ? મેં એને પૂછયું. ‘તને જાણવાની, તને મળવાની એને ઈચ્છા તો હશે જ. તને મળીને તારી પ્રશંસામાં બે બોલ કહેવાની અને આભારની લાગણી પ્રગટ કરવાની એને ઈચ્છા તો હશે જ.’

   ‘શા માટે? મને લાગે છે એની કોઈ જરૂર નથી,’ એન્ડીએ કહ્યું. ‘મને લાગે છે કે આપણે હવે ઉતાવળ કરીએ અને ટ્રેન પકડી લઈએ.’

   ‘હું ચામડાનાં પટ્ટામાં અમારી રોકડ રકમ ખોસી રહ્યો હતો, એ પટ્ટા જે અમે હંમેશા સાથે રાખતા હતા અને ત્યારે એન્ડીએ એનાં ખિસ્સામાંથી મોટી રકમની ચલણી નોટ્સનું ભૂંગળું કાઢયું અને મને કહ્યું કે આ પણ એની સાથે જ મૂકી દે.

   ‘આ શું છે?’ મેં કહ્યું.

   ‘તારી પાસે આ રકમ ક્યાંથી આવી?’ મેં પૂછયું.

   ‘પેલીએ મને આપી,’ એન્ડીએ કહ્યું. ‘હું એને એક મહિનાથી પણ વધારે સમયથી અઠવાડિયામાં ત્રણ દિવસોએ સાંજે સાંજે મળતો રહ્યો હતો.

   ‘તો પછી વિલિયમ વિલ્કિન્સન તું જ છે?’ મેં પૂછયું.

   ‘ હા, હું હતો,’ એન્ડીએ કહ્યું.

   (નોંધ : ઓ. હેન્રીની વાર્તાનો અંત એટલે પૂછડે ડંખ. કશુંક ટ્વીસ્ટ, કશુંક ટર્ન, કશુંક ટર્ન એરાઉન્ડ. અને આહા!!! અને જ્યારે લાગણી અને પસંદગીની વાત હોય ત્યારે છેતરપીંડીનાં પ્રામાણિક(!) ધંધામા સ્ત્રી ભરોસાપાત્ર હોતી નથી, એ પૂરવાર થયું. આ અંતિમ ભાગની શરૂઆતમાં સરકારી તપાસ આવે છે ત્યારે વાર્તાનાં નાયકો ઉર્ફે છેતરપીંડીથી નાણાં કમાવવાનો ધંધો કરાનારાઓ સરકારી તપાસનીસ અધિકારીને પૂછે છે કે ‘તમે વોશિંગ્ટન છોડયું ત્યારે ટેડી કેમ હતા, મઝામાં?’ આ સંદર્ભ તત્કાલીન અમેરિકી પ્રેસિડન્ટ થિયોડેર રૂઝવેલ્ટનો છે કે જેઓ ઓ. હેન્રીનાં વાર્તા સર્જનકાળ દરમ્યાન સને ૨૦૦૧ થી ૨૦૦૯ સુધી અમેરિકાનાં પ્રેસિડન્ટ રહ્યા હતા. તેઓનું નામ એટલે કે’થિયોડેર’નું ટૂંકું ‘ટેડી’જાણીતું બન્યું હતું.એમના નામ પરથી જ ટેડી બેર (ટેડી નામનું ભૂંસા ભરેલું રીંછનું રમકડું) આજે પણ મશહૂર છે. ઇતિ.)
   મુ. બહેન
   આખરે…………………
   ‘આખરે’ વાર્તા વાંચવા મળી
   અકલ્પ્ય અંત
   માનસીના પગ દરવાજામાં જડાઈ ગયા !
   પિતાના હાથમાં કાગળ ફરફરી રહ્યા હતા !
   સાથે દરેક પોતાની કલ્પના પ્રમાણે અંતનો વિસ્તાર અને અર્થ કરવાની વાચકને છૂટ
   જવાબ આપો
   આ વાર્તાની ખૂબી છે. જેને જે અંત લાવવો હોય તે લાવી શકે
   આભાર
   પ્રણામ
   પ્રવિણા
   પ્રતિસાદ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: