શબ્દ એક છે. માત્ર પહેલાં શબ્દમાં સા અને બુ પછી પૂર્ણ વિરામનું ચિન્હ છે.
સાબુથી આપણે સહુ પરિચિત છીએ. દરરોજ સવારે તેના વગર તાજા અને
ચોખ્ખા થવાતું નથી. પછી ભલેને તમે ‘લક્સ’ વાપરો.
‘મોતી’ વાપરો.
‘પિયર્સ’ વાપરો.
અરે ‘હમામ કે લાઈફ બોય’ પણ ચાલે.
શિયાળો હોય તો સાબુને બદલે ચણાનો લોટ લગાવી મોઢું સાફ કરો. તમને થશે આ કેવો
વિષય પસંદ કર્યો છે.
તેની પાછળ કારણ છે. બાળપણમાં અમારી શાળાના શિક્ષક પ્રભુદાસ પટેલ હંમેશા સા. બુ.નો
ઉપયોગ કરો એમ કહેતાં. એમણે અમને આનો અર્થ ખૂબ પ્રેમથી સમજાવ્યો હતો. જેને કારણે
જીવનમાં આવતી અડચણો સામે લડવાની શક્તિ પ્રાપ્ત થાય છે. પ્રભુદાસ સર માત્ર ગણિત અને
વિજ્ઞાન ન શિખવતાં, જીવનમાં ક્યાં કઈ રીતે સહજતા આવે એ દાખલા દલીલ સહિત સમજાવતાં.
આ સા. બુ. એટલે સામાન્ય બુદ્ધિ. જે આપણા દરેકમાં છે પણ તેનો સાચો ઉપયોગ કેટલા કરે છે ?
તે કહેવું અશક્ય છે. હોવું અને વાપરવું ,છે તો બન્ને ક્રિયા પણ તેનો સાચી જગ્યા પર પ્રયોગ કરવો
આવશ્યક છે. ઘણી વ્યક્તિઓ ખૂબ ભણેલી હોય, તેમના મત પ્રમાણે સારી આવક હોય. બસ જીવન
જંગ જીતી ગયા. તમે નહી માનો જ્યાં સા. બુ. વાપરવાની હોય ત્યાં મોટું મસ મીંડુ ધરાવતા હોય.
ભગવાન જ્યારે બુદ્ધિનું વિતરણ કરતા હતાં ત્યારે અમુક લોકો કાણાંવાળા પાત્ર લઈને ગયા હતાં. જેને
કારણે બુદ્ધિ પ્રાપ્ત થઈ પણ જાડી અને અવળચંડી. ઝીણી અને સારી કાણામાંથી સરકી ગઈ. જેઓ
યોગ્ય પાત્ર લઈને ગયા હતા તેમને બુદ્ધિ મળી સાથે તેને યોગ્ય સમયે કઈ રીતે વાપરવી તેનું માર્ગદર્શન
પણ મળ્યું.
હવે માનવી નો શત્રુછે આળસ. જેને કારણે હોવા છતાં સા. બુ. દરેક જણ ઉપયોગમાં લેતા નથી.
પછી વાંક કાઢે મને ખબર ન હતી. જે એકદમ ગેરવ્યાજબી બહાનું છે. મુખ્ય વાંક આળસનો છે.
પાણી વહી ગયા પછી પાળ બાંધવી નકામી. તે પ્રમાણે ટાને એનો ઉપયોગ ન કરીએ અને પછી બહાનું
બનાવીએ એનો કોઈ અર્થ ખરો ?
સામાન્ય વાત કરું, આજે ૨૦ જણાને જમવા તેડ્યા. લાગ્યું કે ભાત ઓછા પડશે. જાતે પિરસવા ઊભા થવું.
પૂછીને જોઈતા હોય તે પ્રમાણે પિરસવા. તેવું મિઠાઈનું પણ છે. મહેમાનને આદત હોય છે ખાવી હોય
તેના કરતા વધારે લે પછી પડતું મૂકે !
આ તો સામન્ય વાત થઈ. ખરીદી કરવા નિકળ્યા હોઈએ ત્યારે પણ કઈ રીતે પૈસા વાપરવા તે કળા છે.
યાદ રહે કંજૂસાઈ નથી. બેફામ વાપરીને તમે કોને પ્રસન્ન કરી શકો. એના કરતા જરુરિયાત મંદને આપી
સંતોષ પામો.
વ્યક્તિ પાસે જ્યારે અઢળક પૈસો યા વસ્તુઓ હોય છે ત્યારે તે સા. બુ.ને ગીરવે મૂકે છે. બીજા પર સારી
છાપ પાડવાનો પ્રયાસ કરે છે. તે ભૂલી જાય છે સામે વાળી વ્યક્તિને કોઈ ફરક પડતો નથી. ઉપરથી
તમારી મૂર્ખાઈ યા અણઆવડતનું પ્રદર્શન થાય છે. વિચારી જો જો તથ્ય સમજાશે.
જેમ સાબુથી ચોખ્ખાઈ પ્રાપ્ત થાય છે, તેમ સા. બુ. દ્વારા જીવનમાં કુશળતા મેળવાય છે. મારો મિત્ર
આવવાનો હતો. મને ખબર છે એ સમયે હું ઘરે નહી પહોંચી શકું. છતાં પણ તેને કાંઇ કહેતી નથી .
પોતાનું કામ અડધું છોડી તે આવી પહોંચ્યો. મને આવતા મોડું થયું. શું મારે તેને કહેવું જોઈતું હતું,
ભાઇ અડધો કલાક મોડો તારું કામ પતાવીને આવજે .
આમા બંનેનું કામ સરસ રીતે પાર પડે.
‘સા. બુ. એટલે સામાન્ય બુદ્ધિ.
વાહ !