“થેપલા”,ના નામથી ભારતની કોઈ પણ વ્યક્તિ અજાણી નથી. કપિલ શર્માના શોમાં
ભારતી કહેતી હતી કે એના વરે ભૂલથી ‘થેપલા’ ને પાસપોર્ટ સમજી થપ્પો મારવા મૂક્યો.
હા, એ ‘પાસપોર્ટ’ ન બની શકે પણ દરેક ભારતિયનો ‘આધાર કાર્ડ’ બનવા સક્ષમ છે.
તેના પ્રકાર અને બનાવવાની રીત જણાવીશ તો કદાચ ‘ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ’માં
આ ખાવાની વાનગી સ્થાન પામે તેમાં મને શંકા જણાતી નથી.
‘એક ગુજરાતી દેશ ચલાવે’ બાકી બધા ગુજરાતી સમગ્ર વિશ્વમાં દેશની ‘આન, બાન અને
શાન’ વધારે એમાં જરા પણ અતિશયોક્તિ જણાતી નથી.
ગુજરાતીઓની ખાવાની વાનગી પર શું ટિપ્પણી કરું ? સમગ્ર ભારતમાં અને હવે તો
પરદેશમાં પણ તે ખુલ્લેઆમ ચર્ચાય છે.
” ઢોકળા, પાંતરા, હાંડવો, મુઠિયા, ઉંધિયું ,સુખડી, શીરો અને મગસ’ કોના વિશે વાત કરું?
એક એકથી ચડિયાતી વાનગી છે. તેમનો સ્વાદ, એક વાર ચાખી જુઓ તમારા દિલને ડોલાવી
જશે.
“રસોડું’ એ મારું મનગમતું સ્થળ નથી. કિંતુ ‘રાંધવું એ એક કળા છે’. તેમાં બે મત નથી. જેમ
આઈ.ટી.વાળા કમપ્યુટરમાં હોંશિયાર. ડોક્ટર દર્દીની સેવામાં પારંગત,રાજકારણીઓ
કાવાદાવામાં કુશલ અને વકીલો સાચું જુઠું કરીને રોટલા રળે. તેમ રસોઈ કળાને, નૃત્ય કળા
યા ચિત્ર કળાથી ઓછી ન આંકશો.
ભગવાને એક મહાન યંત્ર આપ્યું છે. ખબર છે, ક્યારેય ખોટવાતું નથી ! ખોટવાય ત્યારે શું
હાલત થાય એ પેલા અમીરોને પૂછી જો જો. એ યંત્ર ક્યારે ભરાતું પણ નથી. તેને ચાલુ રાખવા
ખાસ મહેનત નહી થોડો પરિશ્રમ આવશ્યક છે.
વાત હતી ‘થેપલાની’ અને ગાડી આડા પાટા પર ચડી ગઈ. થેપલાના વિધવિધ પ્રકાર છે.
આમ જ બને એવો કોઈ જડ નિયમ નથી. કિંતુ માનવ સ્વભાવથી આપણે સહુ પરિચિત
છીએ. ” હું કરું એ જ રીત સાચી’ . જરા પણ ભરમાશો નહી. જ્યાં સુધી તમારા બનાવેલાં
થેપલા બાળકો અને કુટુંબીજનો પ્રેમ પૂર્વક આરોગે છે. બસ તમે મસ્ત છો !
સાચું કહું, અમેરિકામાં પણ બાળકો થેપલા ખાઈને રાચે છે. જો તમારો દીકરો યા દીકરી
ગોરા, કાલા, ચાઈનિઝ કે મેક્સિકનને પરણ્યા હોય તો તેમના દાદી યા નાની થેપલા પહોંચાડે
છે અને બાળકો નાચતાં નાચતાં તેમની મોજ માણે છે.
આઈસલેંડ કે જાપાન ફરવા જાય ત્યારે ગુજરાતીઓ ભૂલ્યા વગર થેપલાંનો ડબ્બો લઈ જાય
છે. ગમે ત્યારે ચાલે. હોટલમાં રૂમમાં કોફી મશિન હોય છે. ઉઠતાંની સાથે બે થેપલાં આરોગે.
થેપલાને સંપૂર્ણ ખોરાક પણ કહી શકાય. જ્યારે ઘઉંના લોટમાં ભારોભાર લીલા શાકભાજી
ઉમેરાય ત્યારે થેપલા બને. ઘીમાં તળો તો વધારે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને. ઘી મોંઘું છે,
તેલમાં પણ તળી શકાય.
જો તમે થેપલા ન બનાવતા હો તો જરૂર બનાવશો. દાઢમાં તેનો સ્વાદ રહી જશે. એક ખાનગી
વાત કહું, જ્યારે બાળકો નાના હતા ત્યારે ગરમા ગરમ થેપલા ખાવાની મોજ માણતા. નાનો
દીકરો શાળાએથી આવે અને જો મા, થેપલા બનાવતી હોય તો પાંચથી છ થેપલા ખાઈ જાય.
‘મમ્મી મારું ડીનર થઈ ગયું.’ હવે તમને ખાત્રી થવી જોઈએ કે થેપલા એક સ્વાદિષ્ટ વાનગી છે.
જે ગુજરાતીઓનો પ્રિય ખોરાક છે.
તમે બનાવો, તમારા અભિપ્રાયનો ઈંતજાર રહેશે !
થેપલા બનાવવાની રીત
***************
૨ કપ ઘઉંના લોટમાં શાકભાજીનું છીણ યા ઝીણા સમારેલા ઉમેરવા
૨ ટેબલ સ્પુન તેલ મોણ માટે ઉમેરો
૨ ટેબલ સ્પુન દહી ( પોચા અને નરમ બનાવવા )
મીઠું, હળદર, ૧ નાની ચમચી સાકર, થોડી હિંગ, લાલ મરચું, મેથીનો પાવડર
બધું બરાબર મેળવી પાણીથી લોટ બાંધવો
દસ મિનિટ પછી નાના ગોરણા કરી ૯જાડા પતળા) જેવા ગમે તેવા વણી ત્વી પર શેકવા
બંને બાજુ ઘી યા તેલ મૂકી તળવા. ( વધારે પડતું ન નાખવું)
ગરમા ગરમ દહી યા ચા સાથે ખાવાની મોજ માણો.
થેપલાં, ઢેબરાં અને વડાં અનેક જાતનાં બને છે. ખમણ ઢોકળાં અને હાંડવો બનાવવા એ પણ એક કળા છે. ઘઉંના ફાડાનો ખીચડો … આ બધી એવી વાનગીઓ છે કે જો કલાકાર બનાવે તો એવી બને કે આપણે ખાધા જ કરીએ … ખાધા જ કરીએ … ખાધા જ કરીએ … ખાધા જ કરીએ ……………………………………………………..
અમે સૌને ગમતા આ થેપલા બનાવીએ છીએ
કારેલાના થેપલા સુગરને કરશે કંટ્રોલ,જાણો તેને બનાવવાની રીત
કારેલા ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે.ભલે તેનો સ્વાદ કડવો હોય, પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.તેનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. જો તમે પણ ડાયાબિટીસની સમસ્યાથી પરેશાન છો, તો તમે કારેલાના થેપલા બનાવીને ખાઈ શકો છો.તો આવો જાણીએ તેને બનાવવાની રીત વિશે…
સામગ્રી
કારેલાની છાલ – 2 કપ
બાજરીનો લોટ – 1/2 કપ
ઘઉંનો લોટ – 2 કપ
લસણ – 1 ચમચી
લાલ મરચું પાવડર – 1/2 ચમચી
હળદર – 2 ચમચી
ધાણા પાવડર – 1/2 ચમચી
લીલા મરચા – 2
કોથમીર – 1 કપ
તેલ – જરૂર મુજબ
સ્વાદ માટે મીઠું
ઘઉંનો લોટ – 2 કપ
બનાવવાની રીત
1. સૌથી પહેલા કારેલાની છાલ કાઢીને તેને બારીક સમારી લો.
2. પછી એક મિક્સિંગ બાઉલમાં બાજરીનો લોટ અને ઘઉંનો લોટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
3. આ પછી મિશ્રણમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, લસણ, ધાણા પાવડર અને બારીક સમારેલી કોથમીર ઉમેરો.
4. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને તેમાં મીઠું ઉમેરો.
5. પાણી ઉમેરીને મિશ્રણમાંથી લોટ તૈયાર કરો.
6. લોટ તૈયાર કર્યા પછી તેમાંથી બોલ્સ તૈયાર કરો.
7. આ પછી તમે બોલ્સને ગોળ આકારમાં બનાવો.
8. ગોળ આકારમાં બનાવતી વખતે તેમાંથી થેપલાની સાઈઝની રોટલી બનાવો.
9. એક પેનમાં તેલ ગરમ કરો અને તેના પર થેપલાં સેકી લો.
10. થેપલાને બંને બાજુ ત્યાં સુધી શેકો જ્યાં સુધી થેપલાં બ્રાઉન ન થાય
11. એ જ રીતે બાકીના લોટ સાથે થેપલાં બનાવો અને તેને તેલમાં નાખીને સેકી લો.
12. થેપલાં બ્રાઉન થાય એટલે ગેસ પરથી ઉતારી લો.
13. તમારા કારેલા થેપલા તૈયાર છે.
14ગરમાગરમ સર્વ કરો.