આજે પરિણામ આવવાનું હતું. ઘરમાં બધાના જીવ અદ્ધર હતાં. જેનું પરિણામ આવવાનું
હતું એ શાંતીથી બગિચામાં લટાર મારી રહી હતી. તેના પેટનું પાણી પણ હાલતું ન હતું.
મમ્મી અને પપ્પા તેને બારીમાંથી નિરખી રહ્યા. તેમને નવાઈ લાગી ‘શાન’ જરા પણ
વિચલિત કેમ નથી ? શું પાસ થશે કે નહી તેનો પણ ડર નથી કે પછી પ્રથમ આવશે તેનો
પૂરો ભરોસો છે.
શાન જીવનમાં ક્યારે પણ બીજો નંબર લાવી ન હતી. તેને વિશ્વાસ હતો કે તે પ્રથમ આવશે.
શિષ્યવૃત્તિ મળશે અને અમેરિકા ભણવા જશે. નાપાસ થવાનો તો પ્રશ્ન જ ઊભો થતો ન હતો.
શાને, અમેરિકાની કોલેજ અને રહેવાની બધી તપાસ કરી લીધી હતી. ત્યાં જઈને નોકરી કરવા
નહી મળે તેનો પણ તેને ખ્યાલ હતો. તેના મનમાં પાકો નિર્ણય કર્યો હતો કે સાથે ભણતા છોકરા
કે છોકરીઓને સહાય કરીશ અને થોડા પૈસા બનાવીશ. આમ જેણે બધો બંદોબસ્ત કર્યો હોય
એ શામાટે બીજા આડાઅવળા વિચાર કરે ?
શાન સાથે ભણતો વિવેક તેનો મિત્ર હતો. શાન અને વિવેક સાથે એક વર્ગમાં હતા. વિવેક પ્રયત્નો
કરવા છતાં પણ શાનથી આગળ નિકળી શકતો ન હતો. છેવટે એણે સ્વીકારી લીધું ભલે ‘શાન’
પ્રથમ આવે. વિવેક આવી પહોંચ્યો. બંને જણા સાથે પિઝા ખાવા બેઠા. હજુ બે કલાકની વાર હતી.
કમપ્યુટર પર પરિણામ આવવાનું હતું. વિવેક પણ પોતાનું આઈ. પેડ સાથે લઈને આવ્યો હતો.
વિવેક ‘તને શું લાગે છે ?’
‘પ્રથમ તો તું આવવાની’.
જવાબ સાંભળીને શાન મલકાઈ.
‘તારા મમ્મી અને પપ્પા ફિકર કરતા લાગે છે .’
‘ મેં તેમને સમજાવ્યા પણ માનતા નથી.’
ખેર, ચાલને આપણે અમેરિકાની ગોઠવણ ઉપર વિચાર કરીએ. શાન અને વિવેક કમપ્યુટર ચાલુ
કરીને બેઠા. બન્નેને સાથે અમેરિકા જવું હતું. વિવેક માલેતુજારનો દીકરો હતો. કોઈ ફિકર હતી નહી.
શાનના, સ્વપના સાચા પાડવાનો સમય આવી ગયો હતો. બાળપણથી હંમેશા સજાગ અને સતર્ક
રહેતી હતી. મહેનત કરવામાં ક્યરે પણ બેદરકારી બતાવી ન હતી. આભમાં ઉડતું વિમાન જુએ
અને તેને પાયલટ બનવું હોય. કલ્પના ચાવલાના અકસ્માત પછી તો તેણે નિર્ધાર કર્યો હતો.
‘એસ્ટ્રોનેટ’ બનવાનો ઈરાદો પાક્કો કરી લીધો હતો.
શાન જાણતી હતી સ્વપના સાચા કરવા ખૂબ મહેનત કરવી પડે. પપ્પાની એવી પરિસ્થિતિ ન હતી
કે શાનનો બધો ખર્ચ ઉઠાવી શકે. જો પૈસા ઉધાર લે તો વ્યાજના દર મારી નાખે. જેને કારણે શાન
બાળપણથી પોતાની મહેનત પર મુસ્તાક હતી. મમ્મી પપ્પા જાણતા હતાં. પોતાનાથી બનતી બધી
સગવડ સાચવતા અને ઉત્સાહ વધારતા. શાનને એક નાની બહેનને ભાઈ પણ હતાં જેમનું શાળામાં
ભણવાનું ધ્યાન શાન રાખતી. શાન મોટી બહેન તરફની બધી ફરજ પ્રેમથી નિભાવતી. પ્યારથી નહી
કે કોઈના કહેવાથી !
‘વિવેક હજુ એક કલાક બાકી છે.’
‘હા, સમય કેટલો ધીરે ધીરે ચાલે છે.’
‘ચાલ બાજુની ગલીમાં નાનું ‘ક્લબ હાઉસ’ છે. પીંગ પોંગ રમવા જઈએ. સમય જલ્દી પૂરો થઈ જશે.
વિવેક સ્કૂટર લઈને આવ્યો હતો. પાંચ મિનિટમાં ત્યાં આવી ગયા. પીંગ પોંગ રમવામાં ગુલતાન થઈ
ગયા. સમયનું ભાન ન રહ્યું. અચાનક વિવેક બોલ્યો, ‘શાન ઘડિયાળ જો’.
બંને જણા મારતે સ્કૂટરે ઘરે આવ્યા. પરિણામ જોઈને દંગ થઈ ગયા.
વિવેક પહેલો આવ્યો હતો. શાન બીજા નંબરે. શાન પૂતળાની માફક ઉભી હતી. વિવેકે હલાવી
‘શાન’. કોઈ પણ જવાબ આપ્યા વગર મૌન રહી. વિવેક આ સહન ન કરી શક્યો. શાનને પોતાનું
ભવિષ્ય ધુંધળું જણાયું. શાનને જોઈ વિવેકના દિલને ઠેસ પહોંચી. શું બોલવું તેની ખબર ન પડી.
ઘરે જઈને આખી રાત ખાટલા પર પડખું ફેરવતો રહ્યો. વહેલી સવારે ઉંઘ આવી. ઉઠ્યો ત્યારે
મનમાં શાંતિ હતી. સવારની મીઠી નિંદમાં તેને જે માર્ગ જણાયો તેનાથી તે ખુશ મિજાજમાં હતો.
શાનને મળવાની કોઈ કોશીશ ન કરી. શાન તો સાનભાન ભૂલેલી હતી. સાવ મુંગી થઈ ગઈ હતી.
અઠવાડિયા પછી અમેરિકા કોણ જશે તેનું નામ બોલાવાનું હતું. શાનનો તે કાર્યક્રમમાં જવાનો
કોઈ ઈરાદો ન હતો. વિવેક યાદ આવતો પણ તેનું તો મુખડું પણ જોવા મળ્યું ન હતું.
વિવેક ભૂગર્ભમાં ચાલ્યો ગયો. જ્યારે નામ જાહેર થયું ત્યારે તે ત્યાં ન હોવાને કારણે બીજે નંબરે
આવનાર શાનનું નામ બોલાયું. શાનની બહેનપણીનો ફોન આવ્યો. શાન ટેક્સી કરીને પહોંચી
ગઈ. ખુશ હતી. ટેક્સીમાં બેસીને ઘરે જવા બહાર આવી, વિવેક તેની ગાડી લઈને રાહ જોતો ઉભો
હતો.