માધવીએ મોટી દીકરીનું નામ મધુ રાખ્યું. નાની દીકરીનું નામ રાખ્યું
સુધા. સુધીર અને માધવીએ પ્રેમ લગ્ન કર્યા હતાં. બન્ને એ નક્કી કર્યું
હતું જો દીકરી આવે તો કયા નામ રાખવા અને દીકરો આવે તો કયા
નામ રાખવા. કહેવાય છે,’ પ્રેમ લગ્ન માત્ર આંધળુકિયા હોય છે. ‘
એ વાત સો ટકા સાચી નથી. આમ તો માતા અને પિતાની પસંદગીના
પાત્ર સાથે લગ્ન સફળ જ થાય તેની શું ખાત્રી ? જો લગ્નના પાયામાં
સમજ અને સંજોગનું ખાતર નાખ્યું હોય અને પ્રેમના પાણીથી સિંચ્યું
હોય તો મૃત્યુ પર્યંત આ લગ્ન ટકે એમાં મને કોઈ શંકા જણાતી નથી.
ખેર, એ દરેકનો પોતાનો મામલો છે. કહેવાય છે ને ‘ગોર મહારાજ પરણાવી
દે, ‘સંસાર તો વર અને કન્યાએ ચલાવવાનો હોય છે’.
મધુ બાળપણથી ગોળમટોળ હતી. સુધા દેખાવડી અને એકવડિયા બાંધાની.
દાદી કાયમ કહેતી ‘આ મારી મધુ માટે વર ક્યાંથી લાવીશ’ ? દાદી ખૂબ શિખ
આપતી, મમ્મી અને પપ્પા પણ ધ્યાન રાખતા.
સાંભળે તે બીજા. મધુ બહેન મસ્તરામ હતા. ભણવામાં હોંશિયાર, કામકાજમાં
પણ મમ્મી પલોટતી. ઘરનું કામકાજ કદી ન કરતી. હા માત્ર પોતાના રુમ સુંદર
સજાવેલો રાખતી. ક્યાંય ચોપડી આડી અવળી ન હોય. કસરત કરવાનું કે દોડવા
જવાનું કહો તો ભાગી જતી. જમવા ટાણે, સહુથી પહેલી જમવા બેસે અને છેલ્લે
જમીને ઊઠે. રોજ કટ કટ કરવાનું સહુએ છોડી દીધું. દાદી તો સમય આવ્યો
એટલે વિદાય થઈ. મધુને દુખ તો થયું પણ કોઈ ટોકનાર રહ્યું નહી.
સુધાને ડોક્ટર થવું હતું. સમય આવે ઘરથી દૂર ચાલી ગઈ. મધુ બહેનને તો
મમ્મીના હાથની રસોઈ ખાવાની આદત હતી. માસ્ટર્સ કરતી હતી છતાં ઘરે
રહીને ભણી.
તેની સાથે એક મેક્સિકન છોકરો હતો.ભણવામાં જ્યારે તકલિફ આવે ત્યારે
મધુનું માર્ગદર્શન મેળવે. એ પણ જરા જાડો હતો. એને મધુ ગમવા લાગી.ભલે
સહેજ જાડી હતી બાકી તેનામાં કોઈ અવગુણ યા ખોટ ન હતાં.
સાથે ભણતા ક્યારે પ્રેમ થઈ ગયો ખબર ન પડી. માધવી મનોમન વિચારી રહી,
‘ આ માઈકને મારી મધુ કેવી રીતે ગમી ગઈ’ ?
જો કે મનમાં તો રાજી થઈ હતી. માઈક જરા જાડો પણ સોહામણો હતો. મધુની
સાથે ભણતો હતો. બંને એકબીજાથી પરિચિત હતાં. બંને હટ્ટા કટ્ટા જોડી શોભતી
હતી.
અચાનક માધવીને યાદ આવ્યું, એ જ્યારે બેંકમાં નોકરી કરતી હતી ત્યારે એની
બહેનપણી શેનને એકવાર તેને કહ્યું હતું,’ માધવી , અવર મેક્સિકન ગાયઝ લવ
ફેટ વુમન’.
ત્યારે તો માધવી ખડખડાટ હસી હતી. પણ આજે તેને સત્ય સમજાયું. મધુની
મદદથી માઈકે માસ્ટર્સ પુરું કર્યું અને પછી ‘હિસ્ટરી’ માં પી. એચ. ડી. પણ કર્યું.
સારી કોલેજમાં પ્રોફેસર થયો અને મધુ સાથે લગ્ન ગ્રંથીથી જોડાઈ જીંદગીની
મોજ માણી રહ્યો.
તમારા માનવામાં નહી આવે, સુધા ડોક્ટર થઈ ગઈ. હજુ સુધી જીવન સાથીની
શોધમાં છે !
‘સરસ વાર્તા
તમારા માનવામાં નહી આવે, સુધા ડોક્ટર થઈ ગઈ. હજુ સુધી જીવન સાથીની
શોધમાં છે !’
.સાંપ્રત સમયનું સત્ય !
્વાંધો નહીં, સુધાબેનને પણ યોગ્ય સાથી મળી જશે.