
પ્યાર થયો ત્યારે અવનવી લાગણીઓ ઉદભવી હતી. જીવનમાં પહેલીવાર થયો
હોય તેની મજા કંઈ ઔર છે. તેમાં ઉંડા ઉતરવાને બદલે રાચવાની મજા આવતી
હતી. જેની સાથે લગ્ન થવાના હતા એનો પ્યાર એ આનંદની વાત હતી. ૨૦ વર્ષની
ઉમર અને પ્રેમનું પાંગરવું. જોગાનું જોગ કહેવાય.
આજે માધવી ભૂતકાળમાં ડૂબી, તેમાં ડચકાં ખાઈ રહી હતી. હવે રહી નથી તે
ઉમર કે પ્રેમી ! શું પામવા માટે તડપી રહી હતી. સાચું પૂછો તો કદાચ તેની
પાસે પણ ઉત્તર નહી હોય. મનોજને ગયે ૧૨ વર્ષ થઈ ગયા હતા. એકલા રહેવાની
આદત પડી ગઈ હતી. એકલી હતી પણ ‘એકલતા’ કદી સતાવતી નહી.
અચાનક બારણું કોઈએ ખટખટાવ્યું. ખોલવાનું મન ન હતું પણ ખોલવું તો પડશે !
‘કદાચ સરિતા હશે ?’
‘ પણ તેની પાસે તો ચાવી છે’.
તો આ સમયે કોણ હશે ?
દરવાજે જે પણ હોય બારણું ખોલ્યા વગર છૂટકો ન હતો. સરિતા સવારે ૧૦ વાગે આવતી.
સાંજના માધવી અને સરિતા સાથે જમતા પછી રસોડું અને વાસણ સાફ કરી તે ઘરે જતી.
જો માધવીની તબિયત નરમ ગરમ હોય તો ફોન કરીને ઘરે જણાવતી કે તે રાતના ઘરે નહી
આવે. અંહી શેઠાણીને ત્યાં રાત રહેશે.
સામે મયૂર હસતો, હસતો ઊભો હતો. માધવીના માન્યમાં ન આવ્યું કે આ સત્ય છે યા સ્વપનું.
મયૂર તેની સાથે વિલ્સન કોલેજમાં ભણતો હતો. શાળાના સમયે તેને મયૂર ખૂબ ગમતો. બન્નેની
ન્યાત અલગ હતી એટલે પરણવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો ન હતો. પણ તેથી કાંઇ ગમતું ન
ગમતું તો ન થાય !
“ પહેલાં હું , ઘરમાં આવું’ ?
‘અરે આવ, આવ તેમાં પૂછવાનું શું હોય. અંહી સુધી તો આજે ૨૦ વર્ષે આવીને ઊભો છે.
અંદર આવવા માટે પૂછે છે ?’ માધવી હસતાં બોલી.’
ઘર સજાવટમાં માધવીનું કૌશલ્ય જોઈ મયૂર ખુશ થયો.
માધવીના મોઢા પરથી આશ્ચર્યના ભાવ ખસતાં ન હતા. ‘તને મારું સરનામું કેવી રીતે મળ્યું ?
ફોન તો કરવો હતો ? હું તો હજુ ઊઠી અને ચા પી રહી છું. ‘
મયૂર ,’આ સમયે તું ઘરમાં જ હોય એટલે કોઈ તસ્દી ન લીધી. તારા સમાચાર મને રેણુએ
આપ્યા.
‘તને ખબર છે, રેણુ મારી માસીની દીકરી બહેન છે.’
‘ઓહ’, એમ વાત છે.’ રેણુ માધવીની દિલોજાન બહેનપણી હતી.
‘ચાલ આજે આ મુલાકાત પાછળ શું ઈરાદો છે ?’
‘અરે, તેં તો સીધો પ્રશ્ન પૂછી મને દ્વિધામાં મૂકી દીધો’.
‘પહેલા સરસ મજાની ચા પિવડાવીશ’ ?
હા, મને પણ બીજો કપ ચાલશે. પંદર મિનિટમાં સવિતા આવશે ત્યાં સુધીમાં તું હાથ મોં
ધોઈને જરા તાજો થા. એ તો બતાવ તું આવ્યો ક્યાંથી. મુંબઈમાં તો તું ક્યારે પણ રહેતો
ન હતો.
થોડા વખત પહેલા અમેરિકા ધંધા માટે ગયો હતો. તારા સમાચાર મળ્યા એટલે હજુ તો
જેટ લેગ પણ પુરું નથી થયું. ત્યાં તને મળવા દોડી આવ્યો.
માધુરી વિચારમાં પડી ગઈ, મયૂરના મનમાં શું ચાલે છે ? એને અચાનક મારી યાદ કેવી રીતે
આવી ગઈ. મનોજના ગયા પછી માધુરીએ ‘પુરુષ’ નામનું પુસ્તક બંધ કરી દીધું હતું. આજે
મયૂરને જોઈને થોડી દિલની ધડકન વધી ગઈ હતી. માધુરી નક્કી ન કરી શકી કે આ પ્રકારની
લાગણી સારી કે ખોટી ? બાર વર્ષની એકલતા આજે સળવળી રહી. મયૂરને જોઈને કોલેજના
દિવસો યાદ આવી ગયા. સાથે ભણતા, સિનેમા જોવા જતા. શરતમાં જે હારી જાય તેણે સહુને
આઈસક્રિમ ખવડાવવાનો હોય. મયૂર હંમેશા માધવીને જીતવા દેતો. પછી તેના મોઢા પરના
હાવભાવ નિરખતો.
મયૂર અને માધુરી કોલેજના સમય દરમિયાન નાટકમાં ભાગ લેતા. રાસ ગરબાની હરિફાઈમાં
તેમની જોડી પંકાતી. બન્નેના નામ ‘મ’થી શરુ થતા પરીક્ષામાં પણ આગળ પાછળ આવતા.
મયૂરને જોઈને માધુરીના મનનો મોરલિયો આટલા વર્ષો પછી થનગની રહ્યો હતો. તેને સમજ
પડતી ન હતી કે આટલા અર્ષો પછી આજે અચાનક આવવા પાછળ મયૂરનો ઈરાદો શું છે ?
સવિતા આવી, ‘ જરા બે કપ આદુ અને કેસરવાળી મસ્ત ચા બનાવ.’
સવિતા ઘરમાં અજાણ્યા આંગતુકને જોઈ નવાઈ પામી.
‘સાથે ગાંઠિયા અને ચેવડો પણ લાવજે’.
માધવી અને મયૂર વરંડામાં બેઠાં. મયૂર તિરછી નજરે માધવીનું હલન ચલન નિહાળી રહ્યો હતો.
મનમાં ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો, ‘હે પ્રભુ મારો ફેરો સફળ થશે ને ” ?
માધવી, મયૂરના આવવાનું કારણ સમજી શકતી ન હતી.
સવિતા ચા અને નાસ્તો લઈને આવી. બંને જણા તેને ન્યાય આપવા લાગ્યા. કોલેજ કાળની વાતો
ચાલી રહી હતી. મયૂર પોતાના ધંધાની વાત કરી રહ્યો હતો. માધવી પતિનો ધંધા ઘરે બેસી ચલાવતી.
મનોજ તેને બધી વાતોથી માહિતગાર રાખતો હતો. જેને કારણે ધંધાનો પૈસાને લગતો બધો કારભાર
માધવી સરસ રીતે ચલાવતી.
બન્ને દીકરીઓ પરણીને સાસરે ગઈ હતી. અવારનવાર મમ્મી પાસે આવતી. આખરે મયૂરે પોતાના
આગમન વિશે ફોડ પાડ્યો.
“માધવી, બે વર્ષ પહેલાં હું અને મીના યુરોપ ફરવા ગયા હતાં. મીનાને હેલિકોપટરની રાઈડનો
શોખ હતો. મને મન ન હતું. એના હેલિકોપટરનો અકસ્માત થયો અને મેં તેને કાયમ માટે ગુમાવી.’
રેણુ દ્વારા મને ખબર હતી કે તું પણ સાથીના સાથ વગર જીવી રહી છે. ખૂબ હિંમત કરીને તારી
પાસે આવ્યો છું. આપણે બન્ને હજુ ૬૦ના પણ નથી થયા.”
મયૂર આગળ કાંઈ બોલે અને કહે એ પહેલાં માધવીના મ્હોંમાંથી ઉદગાર નિકળી ગયા.
” ઓહ. એમ વાત છે ” !
‘પ્યાર થયો ત્યારે અવનવી લાગણીઓ ઉદભવી હતી. જીવનમાં પહેલીવાર થયો
હોય તેની મજા કંઈ ઔર છે.’
“ભૂલી જવાશે કો અભાગિયાં, ભૂલી જવાશે પ્રીતની રીત;
નહીં રે ભુલાય એક આટલું કોક દન કરી ‘તી પ્રીત”
–તમે તમને જે જોઈએ તે મેળવી શકો છો,
તમારો અભિગમ હકારાત્મક હોવો જોઈએ!