
કાગળ અને કલમ !
ભલે તારી મારી રાશી એક મિથુન .
આપણા બન્નેના કામમાં આસમાન જમીનનો ફરક !
ભલેને તું ગમે તે કહે પણ મારા વગર તારી શું કિમત ?
મારે ને તારે કરવા કામ સંગે .
તારીને મારી જોડી કેવી સુહાની !
આપણ બંનેની અમર કહાની !
કાગળ અને કલમ વચ્ચેનો સંવાદ ગમ્યો ?
હજુ ધરાયા નથી ને ?
“તું અને હું સદા સંગે, એક બીજા વગર આપણો કોઈ મોલ નહી. તને મારા
વગર ન ચાલે મને તારા વગર નીંદ ન આવે. કુદરતે તારી અને મારી અણમોલ
જોડી બનાવી હાથ ધોઈ નાખ્યા. પોતાની શિરે કોઈ જવાબદારી ન રાખી, કે
આપણું શું થશે ? એ તો લાંબી તાણીને સૂઈ ગયો.
વાત તો સાચી છે. કલમ અને કાગળની જોડી સુંદર, સુહાની અને અજર અમર છે.
કલમ કાગળ ઉપર શું લખશે એનો આધાર કોના હાથમાં કલમ છે તેન પર હોય.
કોઈ અટકળ ન ચાલે.
જો મા, હશે તો બાળકને શિખામણ અથવા સાચી સલાહ આપશે.
પ્રેમી હશે તો પોતાની પ્રેમિકાને અંતરના ભાવ ઉંડેલશે.
રાજકરણીના હાથમાં કલમ હોય તો શું આશા રાખવી ગંદી રાજ રમત !
વિદ્યાર્થી ગણિતના દાખલા કરશે યા નિબંધ લખતો હશે. કદાચ ચબરખી લખી તેને કોઈ
છોકરી પર ફેંકતો જણાય.
પેલા વકીલથી તો તોબા, કોઈનું ઘર ભાંગવા છૂટાછેડા અથવાતો કોઈનું ઘર ઉજાડવા માં વ્યસ્ત.
મિલકતના સોદા. જેમાંથી એ માલદાર થાય.
ભગવાનનો ભક્ત હશે, પ્રાર્થના કે ભજન લખશે.
તમે કલમ દ્વારા જે પણ કાંઈ લખશો એ તમારું વ્યક્તિત્વ કાગળ ઉપર છતું કરશે. તેમાં નથી કાગળનું
ચાલતું કે કલમનું .
કાગળ ઉપર શેનાથી લખો છો એ અગત્યનું છે. પેન્સિલ હશે તો ભુંસાશે. પણ જો પેન હશે તો ફરીથી
બધું લખવું પડશે. અયોગ્ય હશે તો જરૂર તમે કાગળ ફાડી નાખવાના.
મિત્રો, કાગળ અને કલમ વિષે , નવલકથા લખાઈ જાય. મને ખબર છે તમે થોડામાં સમજી જાવ તેવા છો.
આજની દોડતી જીંદગીમાં એટલો સમય કોની પાસે છે ?
સવારનો સમય છે. મને પણ ચા યાદ આવે છે. એટલે કલમને આરામ આપું છું. કાગળ પણ ભરાઈ ગયો છે.
દિમાગ હવે કશું વિચારી નહી શકે. જો વિચારીશ નહી તો લખીશ શું ?
વાહ
ખૂબ સ રસ
કાગળ અને કલમ વચ્ચે કોઈવાર તો ઝગડો થઈ જાય છે
રડતી હોય છે કલમ ભલે પણ ત્યારે કાગળ પણ ભીનો થાય છે …
યાદ આવે
– બરકત વિરાણી ‘બેફામ’ની રચનાનો મક્તા
બીજો સામાન તો ક્યાં છે કવિ બેફામના ઘરમાં,
કે લૂંટવા જાઓ તો થોડાક કાગળ ને કલમ નીકળે
આખિ ગઝલ
ચાહું તો છું કે આ પરદો ઉઠે ને એ સનમ નીકળે,
મગર ડર છે, ન નીકળે કોઇ ને મારો ભરમ નીકળે…
તો નક્કી માનજો, મેં રાતો એનું ખ્વાબ જોયું છે,
સવારે આંખ હું ખોલું અને એ આંખ નમ નીકળે…
બધા પર્વત સમા છે, બોજ દિલનો થઇ રહ્યો છે એ,
નદી જેવો નથી કે આંસુ વાટે મારા ગમ નીકળે…
ત્રણે ત્રણ કાળને ભૂલવા હું આવ્યો છું સુરાલયમાં,
ન એવું થાય સાકી, જામ મારો જામે જમ નીકળે…
પ્રણયને પાપ કહેનારા, થશે તારી દશા કેવી,
કદાચ અલ્લાહને ત્યાં એ જ જો દિલનો ધરમ નીકળે…
જગત જો ગોળ છે તો ચાલવામાં રસ પડે ક્યાંથી,
ગણું છું જેને આગેકૂચ એ પીછે કદમ નીકળે…
બધાના હાથમાં લીટા જ દોર્યા છે વિધાતાએ,
પછી ક્યાંથી કોઇ વાંચી શકે એવાં કરમ નીકળે…
ફક્ત એથી જ કોઇની મદદ માગી નથી શકતો,
શરમથી હાથ લંબાવું અને એ બેશરમ નીકળે…
કદી મારા જીગરમાં એ રીતે ના આવશો કોઇ,
તમે જ્યાં છાપ પાડી હોય ત્યાં મારા જખમ નીકળે…
બીજો સામાન તો ક્યાં છે કવિ બેફામના ઘરમાં,
કે લૂંટવા જાઓ તો થોડાક કાગળ ને કલમ નીકળે…
“બીજો સામાન તો ક્યાં છે કવિ બેફામના ઘરમાં,
કે લૂંટવા જાઓ તો થોડાક કાગળ ને કલમ નીકળે…”