

ખોટા ભ્રમમાં ન રહેવું કે પરણ્યા એટલે ગંગા નાહ્યા. જી, ના ! પરણ્યા એટલે ફસાયા.
કહેવાય છે ‘પરણેલાને એમ છે કે વગર પરણેલા સુખી છે. જ્યારે વગર પરણેલા રાહ
જુએ છે ક્યારે તેમનો વારો આવશે ?’
તમારી સ્વતંત્રતા ગુમાવી એ નક્કી છે. તમારી દિનચર્યામાં ઉઠો ત્યારથી ધરખમ ફેરફાર.
આ બધું સ્વીકારવાની તૈયારી હોય તો પરણજો. વરના એકલા શું દુઃખ છે ?
કુટુંબીઓની હાજરી અને ગોરબાપાના મંત્રોચ્ચારથી તો માત્ર લગ્ન થાય છે. મજા તો
ત્યારે આવે જ્યારે બે વ્યક્તિ વચ્ચે પ્રેમ કેટલો છે તેની જાણ થાય. ત્યાગની ભાવના છે
કે શૂન્ય ! ‘સમજ’ નામની કોઈ ચીજની હાજરી છે કે ગેરહાજરી !
કુણાલની સ્વતંત્રતા પર ધાડ પડી. સવારે ઉઠે એટલે સહુ પહેલા, ‘ચાદર સરખી કરીને
ઉઠજો . ‘
“હું તમારાથી પહેલી ઉઠી ગઈ હતી, એટલે આ કામ તો તમારે કરવું પડશે.”
ઉઠાતાંની સાથે સહુ પહેલા ચા પીનાર કુણાલને આ ન ગમ્યું, પણ વાદ કરવો નહોતો.
કુણાલને તૈયાર થઈને મોટલના ગલ્લા પર બેસવાનું હતું. આખી રાતના થયેલા આવકનો
હિસાબ લેવાનો હતો. ભણેલી મુંબઈની કેતકી ને પરણીને લાવ્યો તો ખરો પણ હવે જે
હાલ થશે એ જો જો.
કેતકીને એમ કે કુણાલ તેની સાથે બેસીને ચા પીશે. નિરાશા સાંપડી. અમેરિકા વિશે ખૂબ
વાતો સાંભળી હતી. પણ આ તો મોટલવાળા પટેલ હતા. લાટસાહેબના દીકરા પૈસા કમાઈ
જાણે. સારું છે કે કુણાલ પાન નહોતો ખાતો, નહી તો કેતકી તેને કદી ન પરણત !
કેતકી ભલે ચાલીમાં રહીને મોટી થઈ હતી પણ સ્વપના તો ખૂબ સેવ્યા હતા. નવી હતી
એટલે બોલે કાંઇ નહિ. મનમાં સમસમીને બેસી રહે. કુણાલના મમ્મીએ રસોઈવાળા બહેન
રાખ્યા હતા એટલે થોડી શાંતિ હતી.
મુંબઈમાં કુકિંગના વર્ગમાં ગઈ હતી એટલે નવી વાનગી બનાવવાનું મન થાય. કિંતુ હજુ
સહુ પ્રથમ ગાડી ચલાવતા શીખી ડ્રાઈવિંગ લાઈસન્સ લેવાનું હતું. રાતના કુણાલને વાત
કરી. બીજા દિવસથી ડ્રાઈવર ગાડી લઈને આવી ગયો. અંગ્રેજી સમજતા વાર લાગતી હતી.
ચબરાક કેતકી થોડા વખતમાં શીખી ગઈ.
પહેલી વારમાં ડ્રાઈવિંગની પરીક્ષામાં પાસ થઈ ગઈ. કુણાલ, કેતકીને ચીડવવા બોલ્યો,’ શું
૫૦ ડોલર પકડાવ્યા હતા. ‘
કેતકીનો પારો આસમાન પર પહોંચી ગયો. ‘ શું તું મને ગામડાની ગમાર માને છે’ ?
કુણાલ ચેતી ગયો. બે હાથ જોડીને માફી માગી લીધી. મુંબઈના પાણી વિશે કુણાલને કશી
ખબર ન હતી. એણે વિચાર કર્યો, ઘી વાંકી આંગળીથી નિકળે. કેતકીને કાંઇ પણ પૂછતાં કે
કહેતાં પહેલા પ્રેમના બે શબ્દો બોલી ઓગાળવી. પછી ધીરેથી કહેવું.
કોઈ પણ પતિ યા પત્નીને એક બીજા સાથે કેવી રીતે વર્તવું તેનો ખ્યાલ હોતો નથી. તેના
કોઈ વર્ગ પણ ચાલતા નથી. કિંતુ પ્યારની ભાષા અને સભ્યતા પૂર્વકનું વર્તન એકબીજાની
નજીક સરવા માટે પૂરતાં છે.
કેતકીના અમેરિકા વિષેના સપના અને હકિકત બંને અલગ હતા. ખેર ધીરજ ધરવા સિવાય
બીજો કોઈ ઈલાજ ન હતો.
કેતકી અને કુણાલ મળ્યા, એક અઠવાડિયાનો સમય સાથે ગાળવા મળ્યો. આજના સમય
પ્રમાણે એ પૂરતો નથી કિંતુ સ્વભાવની આછી પાતળી રૂપ રેખા મળે ખરી. પછી તો છ
મહિના યા બે વર્ષ સુધી એકબીજાને જાણનાર, પરણીને છ મહિનામાં છૂટાછેડા લેતા જોયા
છે.
કુણાલ છેલછબીલો હતો. કેતકીને હસાવતો અને પ્રેમ પણ કરતો. માત્ર તેની રીતભાત ‘પટેલ’
જેવી હોય તેમાં શું નવાઈ. આખરે હતો તો પટેલ ને ? પાછો અમેરિકામાં મોટલવાળો !
કેતકીને થયું કુણાલને કેળવવો તો પડશે. માત્ર પૈસાથી માનવી નથી ઓળખાતો. કોલેજ
ગ્રેજ્યુએટ હતો પણ દોસ્ત બધા મોટલવાળા. અમેરિકાના સામાન્ય વ્યવહારથી પણ અપરિચિત.
શરુના દિવસો હતા. કેતકી તેની સાથે મોટલ પર જવા તૈયાર થઈ ગઈ. મોટલમાં કામ કરવાવાળા
સાથે ખૂબ સલૂકાઈથી વાત કરતી. કુણાલ જોઈ રહ્યો. નવો ગ્રાહક આવે ત્યારે પણ કેતકીનું વર્તન
સ્નેહાળ જણાયું. કુણાલને થયું વાતમાં દમ છે. અસભ્ય વર્તનથી કામ કરાવવું તેના કરતા બે શબ્દો
પ્રેમના બોલવા સારા. માણસો આદર આપે અને ગ્રાહક હસીને વિદાય થાય.
બસ વાંચતા રહેજો, હજુ તો હાથની મહેંદીનો રંગ પણ નથી ઉતર્યો. ****
”અસભ્ય વર્તનથી કામ કરાવવું તેના કરતા બે શબ્દો પ્રેમના બોલવા સારા. માણસો આદર આપે અને ગ્રાહક હસીને વિદાય થાય.’ખૂબ સ રસ અંત