વિચારીને જરૂર જવાબ લખજો

8 10 2017

ઉત્તરની પ્રતિક્ષા કરવી પડશે !

 

એક વખત હું ગાડીમાં પસાર થતી હતી. વરસાદ મન મૂકીને વરસી રહ્યો હતો.

રસ્તામાં બસ સ્ટોપ પર ત્રણ જણા ઉભા હતાં. મારી ગાડી’ બે જણ’ બેસે તેવી

હતી.

૧. બુઢ્ઢી મા.

૨. ખૂબ સૂરત જુવાન .

૩. મારો પ્યારો મિત્ર.

હવે ત્રણ જણાને ન્યાય આપવું મુશ્કેલ હતું.  હવે બે જણાની ગાડી ચલાવનાર હું જુવાન હતી એ કહેવું

જરૂરી નથી !

મારે ત્રણેયને ન્યાય આપવો છે.

મારી મદદ કરો !

 

Advertisements
મરવાના વાંકે જીવો

4 10 2017

મરવાના વાંકે જીવો

******************

 

નવાઈ લાગે છે ને ? કૉઈ મરવાને વાંકે જીવતું હશે ?  જરા શાંતિથી વિચારો, ‘શું આપણે ખરેખર જીવીએ છીએ’ ? હા, પેલા ગાય, બકરી, ભેંસ અને ડુક્કરની માફક જીવાતાં જીવનને જીવન કહેવાય ? જી ના! જીવન ખુલ્લા દિલે જીવવું, મસ્તી પૂર્વક માણવું, ન નડવું , ન કોઈની દખલ ચલાવી લેવી. જો કમનસિબે સંજોગો પ્રતિકૂળ હોય તો મૌનં પરમ ભૂષણમની નીતિ અખત્યાર કરવી.

વસુકી ગયેલી છે. કોઈ ગોવાળ કે ગૌશાળા તેને રાખવા તૈયાર નથી. તેનો છૂટકો સહ્રદયી કસાઈને આંગણે છે.   આપણે પણ હવે ૬૫ થી ૭૦ નો આંકડો વટાવી ચૂક્યા છીએ. નોકરી ધંધામાંથી તિલાંજલી પામી ચૂક્યા છીએ. જો સરખી મૂડી જમા કરી હશે તો સ્વાભિમાન પૂર્વક જીવવાની  સ્વતંત્રતા હશે ! જો તેમાં સદભાગ્ય ન સાંપડ્યું હોય તો જે હોય તેમાં સાદાઈ અને સંતોષપૂર્વક જીવન જીવી લહાવો માણવો. બાકી ” મરવાને વાંકે જીવન જીવવાનું ‘હોય તો બીજું સુંદર નામ શું આપી શકીએ ?”

યાદ છે ને બાળપણમાં પહેલી રોટલી ગાય ને નિરવામાં આવતી. કેમ ? તે દૂધ આપતી, તેનાં છાણા થાપવામાં કામ લાગતાં, તેનો દીકરો ‘બળદ’ ખેતીમાં કામ લાગતો. તમારી પણ જુવાની હતી. બાળકોને જન્મ આપી , પ્યાર અને સંસ્કારા આપી લાગણીથી ઉછેર્યા. તેમની સઘળી જરૂરિયાતો તમારી આવકમાંથી પૂરી કરી. તમારી જાતને ક્યારેય મહત્વ ન આપતાં બાળકોને બધી સગવડો આપી. આજે એ બાળકોનો સુખી સંસાર તમારી આંખડી તેમજ હ્રદય ઠારે છે. તમારી પાસે જે છે તે તમારી મહેનતની જીવનભરની કમાણી છે. જીવો અને મરણ આવે ત્યારે વિદાય થાવ. જીવનનો આ અવિરત ક્રમ છે.

પેલી બકરી, બેં બેંકરતી જાય ને આંગણામાં લવારા સાથે કૂદતી જાય. ‘ઉંટ મૂકે આંકડો ને બકરી મૂકે કાંકરો’. ઘડપણમાં આંકડો કે કાંકરો તો નહી પણ જે પ્રાપ્ત થાય તેમાં રકઝક નહી કરવાની. લવારા જોઈને કૂદતી બકરી આજે બાળકો જોઈને પરમ શાંતિનો અહેસાસ કરે. બેં બેં કરવાને બદલે, શ્રી ક્રિષ્ણ શરણં મમનું સુમિરન કરે. બકરી જેવો નરમ સ્વભાવ અને પ્રેમ જીવનને સુખદાયી બનાવે. માનવ દેહ અતિ મૂલ્યવાન છે. મરણ ટાણે માત્ર જૂનાં વસ્ત્ર ત્યજી નવા ધારણ કરવાના છે.

ભેંસ, રંગે અને રૂપે પૂરી પણ કોઈને કનડે નહી. દુધ આપીને શાંતિથી ઘાંસ આરોગે. ઘડપણમાં શાંતિ રાખવાની જે મળે તેમાં આનંદ માણવાનો. અનુભવ, કાર્યદક્ષતા અને વિચક્ષ્ણતા જીવનમાં જરૂર પડે અને માગે ત્યારે બક્ષ્વાના. જેમ દૂધ પીધે હૈયે ટાઢક થાય, તેમ તમારી વર્ષોદ્વારા એકત્ર કરેલી મૂડી વાપરી સહુને શાંતિનું પ્રદાન કરવું. જીવનને આળસથી ભરવાને બદલે કાર્યથી મઘમઘતું બનાવો.

પરિણામ જો જો જીવન હર્યુંભર્યું બની જશે. મરણ અનિવાર્ય છે. આવશ્યક પણ છે. કેવું ,એ પ્રશ્નાર્થ છે ? જેનો ઉકેલ કોઈની પાસે નથી. સાચું કહું એ મંગલ પ્રસંગ જ્યારે પણ આવે ત્યારે પરમ શાંતિ પ્રસરી રહેશે. બાકી, ‘મરવાને વાંકે’ જીવન જીવવું એ નરી કાયરતા છે.

પેલું ડુક્કર જે કઈ રીતે જીવન જીવે છે , સહુને તેની જાણ છે. ભલેને તે શું ખાય છે તે જોવું તેના કરતાં તેના શરીરમાં તે ખોરાક દ્વારા પરિવર્તન પામેલું ‘માંસ’ લોકો કેટલા પ્રેમથી ખાય છે, તે અદભૂત છે. ડુક્કરને વિચાર કરવાની શક્તિ નથી. માનવને ઈશ્વરે, ‘મન અને બુદ્ધિ’ આપ્યા છે. હા, સાથે અહંકાર પણ આપ્યો છે. જીવનના ઉત્તરાર્ધમાં આ ત્રણેનો સુમેળ કરી ,બાકીનું જીવન સુખ શાંતિ પામીએ તેવી પ્રાર્થના.

યાદ રહે , આ મનખા દેહનો ઉત્તમ પ્રકારે ઉપયોગ કરી અંતિમ વર્ષોને સોહાવીએ.

પ્રભુનું અર્પિત આ જીવન કેમ વેડફી દેવાય

એ છે પ્રસાદી ઈશની રે કેમ વેડફી દેવાય

 

 

૨જી ઓક્ટોબર ૨૦૧૭, મહાત્મા ગાંધી જયંતિ

1 10 2017

પૂ. ગાંધી બાપુ

અરે ગાંધીજી જેવા ગાંધીજીના પણ અનેક દુશ્મન હતાં ! એટલે તો ગોળીથી વિંધાયા. જર્મનીમાં ‘હિટલર’ની પૂજા કરનારા હજુ હયાત છે. માનવીનું અકળ મન અદભૂત છે તેમાં શંકાને સ્થાન નથી. જે તને આજે તાજ પહેરાવશે તે વ્યક્તિઓ તને હડધૂત કરતાં પળનો પણ વિલંબ નહી કરે !

પ્રણામ. આજે તમારી ૧૪૮મી વર્ષગાંઠ નિમિત્તે ખાસ પત્ર લખવાનું મન થયું.તમે ક્ષેમ કુશળ હશો ? જો કે પત્ર લખવો કે મેળવવો એ એક દુઃસ્વપ્ન છે. આઝાદ ભારતની પ્રજાની હાલતના સમાચાર તમને પહોંચે છે કે નહી? હું તેનાથી અનજાણ છું ! તમે જે સ્વતંત્ર ભારતની કલ્પના કરી હતી તેનો તો ‘ક’ પણ નજરે પડતો નથી ! બાપુ દુઃખી ન થશો. ઉપવાસ પર ન ઉતરશો.

બાપુ ૨૧મી સદીમાં તમારા વિચારોને કેટલું મહત્વ આપવું અને કેટલું આચરણમાં ઉતારવું એ ગહન પ્રશ્નનો ઉકેલ શોધું છું. તમે ભારતની ધરતી પર વિહર્યા હતા એ એક સ્વપ્ન લાગે છે. હા, એ હકિકત છે તેમાં શંકાને સ્થાન નથી.  અસહકાર, સ્વદેશીની હલચલ, મીઠાનો સત્યાગ્રહ, સત્યની ઉપાસના, પ્રાર્થનાનું મહત્વ બાપુ આ બધા શબ્દો શબ્દકોષની બહાર જણાતા નથી.

આપણા દેશની પ્રજા બુદ્ધિશાળી છે  તેમાં બે મત નથી. તમારી જેમ પરદેશ જઈ ભણીને બેસુમાર કમાય છે. તે આનંદ તેમજ ગૌરવવંતા સમાચાર છે.હેં બાપુ, તમે પણ પરદેશ ખેડ્યું હતું.  બેરિસ્ટર થયા હતા. તમારામાં દેશ પ્રત્યે ભાવના જાગવાનું મૂળ હું શોધીને થાકી. ક્યાંય નરી આંખે દેખાતું  નથી ?

આજની ભારતની પ્રજા શામાટે દેશ પ્રત્યે પોતાનો પ્રેમ  વ્યક્ત કરતા અચકાય છે? તેમના બધિર કાને દેશની પ્રજાનો સાદ કદી ટકરાતો નથી ? શું   તેમને કદી પોતાના બાળપણના દિવસોની યાદ સતાવતી નથી ? હમેશા પરદેશનું બધું સારું અને ભારત પ્રત્યે ઓરમાયો વ્યવહાર ! જ્યારે એ સઘળાં ભારતમાતાની ધરતી પર આળોટી મોટા થયા છે.

હા, આપણા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જુદી માટીના ઘડાયા છે. તેમની રગોમાં ભારત માતા પ્રત્યે પ્રેમ જણાય છે. પહેલું તો તે ગુજરાતી છે. ગુજરાતી ભારે મુત્સદી હોય છે. તમારાથી વધારે  આ વાત  સારી રીતે  કોણ જાણે ? બીજું એમનામા દેશદાઝ ઠાંસીઠાંસીને  ભરેલી છે. ભ્રષ્ટાચારના સખત વિરોધી છે. યાદ છે ને, સ્વામી વિવેકાનંદનું નામ પણ નરેન્દ્ર હતું ? સરદાર વલ્લભભાઈ પટેલ ,’લોખંડી પુરૂષ’ હતા. વડાપ્રધાન  નરેન્દ્ર મોદી ‘ અડગ પુરૂષ’ લાગે છે. બાપુ, ટુંક સમય માટે ભારતનું સુકાન  વડાપ્રધાન પદ દ્વારા સદગત લાલબહાદુર શાસ્ત્રીએ શોભાવ્યું હતું તેમને પણ આજે સ્મરી વંદન કરું છું.

વર્ષોથી સડેલું આપણું તંત્ર અને બેકાબુ બનેલી લાંચરૂશ્વતની બદીને કાઢવી સહેલી તેમજ સરળ નથી. ઉપરથી કુદકે અને ભૂસકે વધતી જતી મોંઘવારી, પ્રજાની હાડમારી કેવી રીતે ઓછી કરવી.સળગતો પ્રશ્ન છે વસ્તી વધારો, સ્ત્રીની અસલમતતા, દીકરીઓ પ્રત્યે બેહુદું વર્તન. બાપુ આજે માત્ર ફરિયાદ નથી કરવી ! બાપુ શું કરું ? ચૂપ રહેવાતું નથી. દિલ માનતું નથી. હૈયું હાથ રહેતું નથી.

દેશે અને પ્રજાએ ઘણી પ્રગતિ પણ કરી છે. જ્યાં ન પહોંચે કવિ ત્યાં આપણી પ્રજા પહોંચી છે. આપણા દેશની  પ્રજા ખૂબ મહેનતુ છે. ઈમાનદારીનું પ્રમાણ ઘટી ગયું છે. તેનું મુખ્ય કારણ જડબેસલાક મોંઘવારી છે. તેમાં શંકાને સ્થાન નથી ? દરેક વ્યક્તિનો સહુથી પહેલો ધર્મ ‘પેટ’ છે. પરિવારના સહુની સામાન્ય માગ ‘રોટી,કપડા અને મકાન’ જેવી  ક્ષુલ્લક વસ્તુઓનો  અભાવ હોય તો કોઈ પણ વ્યક્તિ આ પથ પરથી ચળી જાય. બાપુ છતાં ગૌરવ સાથે કહીશ , સામાન્ય પ્રજાને નેકી પસંદ છે. તેમના જીવનમાં સ્મિત ભર્યો વહેવાર ઉમંગ અને આનંદ ફેલાવે છે. નાની નાની ખુશી તેમના મુખ પર ચમક લાવે છે.

મનુષ્ય નામનું પ્રાણી સ્વર્થથી ભરેલો હોય તે જગજાહેર છે. કિંતુ સ્વાર્થની માત્રા જ્યારે માઝા મૂકી માર્ગના દરેક જીવજંતુ યા માનવને કચડે ત્યારે હ્રદયમાં વેદનાની ટીસ
ઉઠે છે ! બાપુ ૨૧મી સદીમાં માનવ ‘પૈસાને’ કેમ આટલું બધું મહત્વ આપતો હશે ? આ ગહન પ્રશ્નનો ઉકેલ પામવો સહેલો નથી !બાપુ ભારતની પ્રજાએ ઘણી પ્રગતિ સાધી છે. પણ આપણાં ગામડામાંથી અંધશ્રદ્ધા અને નિરક્ષરતા જોઇએ તેટલા ક્યારે વિદાય લેશે.  ઘણીવાર પશ્ચિમનું આંધળુ અનુકરણ નજરે પડે છે. ત્યારે દર્દ થાય છે. બાપુ એક ખાનગી વાત, વર્ષોથી પશ્ચિમમાં રહેવાને કારણે તેમના દિલ વાંચવાનો પ્રયત્ન કર્યો છે. તેમને આપણી ભાવના અને વિચાર ધારા ખૂબ ગમે છે.

બાપુ, ખાત્રી કેવી રીતે આપું, પણ આશા છે  કે ભારતમાતાના પ્રજાજન નજીકના વર્ષોમાં થોડી રાહત પામશે ? તમારા જોયેલાં સ્વપના સાકાર થાય એવી ઢાઢસ બંધાઈ છે. બાકી તો સમય આવ્યે ખબર પડશે ! બાપુ તમને વંદન. તમારી અમી ભરી નજરોની અપેક્ષા. સહુના દિલમાં રામ વસે તેવી શુભ કામના.
હ્યુસ્ટન, ટેક્સાસ

તમે પરણો ને !

9 09 2017

‘પપ્પા, મારાથી તમારું આવું નિરાશા ભર્યું મુખ નથી જોઈ શકાતું’.

‘પપ્પા કોઈ સારી મિત્ર કે સ્ત્રી મળે તો તમે પરણી જાવ’.

રોજ સવાર પડે કે શિખા પપ્પાને ફોન કરે. બાળકો શાળાએ જાય. પતિદેવ પોતાની બાદશાહી નોકરી પર જાય. શિખા નસિબવાળી હતી. ૧૦થી ૨ ની નોકરી કરે. આટલું બધું ભણી હતી. શામાટે તેનો સદ ઉપયોગ ન કરે. નોકરી માત્ર પૈસા ખાતર નહતી કરતી. તેને ખબર હતી પતિની ધુમ કમાણી છે. પોતાનું દિમાગ કાટ ન ખાઈ જાય તેનું ધ્યાન રાખતી. ઘરનું કોઈ કામ એવું ન હોય કે જેના પ્રત્યે તે બેદરકાર રહે.

પપ્પાને કહી કહીને થાકી,’ તમે અમારી સાથે રહેવા આવી જાવ’. પણ પપ્પા માને તો ને ?

પપ્પાને ખબર હતી શિખા તેના પરિવાર સાથે સુખી છે, વ્યસ્ત છે. વરસમાં બે વાર તેને ત્યાં બેંગ્લોર જતા. સહુને પ્રેમ આપી માનભેર ત્યાં મહિનો પસાર કરી પાછા આવતા. શિખાના પૂજ્ય સાસુ અને સસરા બરાબર બાજુના ફ્લેટમાં રહેતા. તેમનું ખૂબ પ્રેમથી ધ્યાન રાખતી. જેને કારને સાહિલ તેના પર આફ્રિન હતો.  કલકત્તામા શિખાના પપ્પાનું  બહોળું મિત્ર મંડળ હતું. ઘરમાં નોકર ,ચાકર, રસોઈઓ અને ડ્રાઈવર ખૂબ જૂના અને વફાદાર હતા.

જ્યારથી સલોનીએ સાથ છોડ્યો ત્યારથી શ્રી સાવ નંખાઈ ગયો હતો. તેને કશું ગમતું ન હતું. કરે પણ શું ? જીંદગી અને મોત એક માત્ર સર્જનહારના હાથમાં છે. શિખા જ્યારે નોકરી પર જવા તૈયાર થતી હોય ત્યારે સ્પીકર ફોન પર દરરોજ પપ્પાને ભલામણ કરે.

‘બેટા હવે મારી ઉમર ૬૦ ઉપરની થઈ ગઈ’.

‘ પપ્પા. તમે ટી.વી. પર  જોતા નથી અમેરિકામાં તો ૭૦ વર્ષે પણ સ્ત્રી અને પુરૂષ પરણે છે. ‘

‘હા, બેટા તે અમેરિકા છે. ‘

‘તો શું થઈ ગયું’?

શ્રી, આજે ખૂબ વિચારમાં હતો. પથ્થર પર રોજ પાણીની સતત ધાર પડૅ તો વર્ષો પછી ત્યાં ખાડો જણાય છે. શ્રી તો પુરૂષ હતો. તાજો તાજો ઘરભંગ થયો હતો. સલોનીની યાદ તેને કોરી ખાતી હતી.  અધુરામાં પુરું સલોની આજે સ્વપનામાં આવીને વહાલથી સમજાવી રહી હતી.

‘શ્રી, મને ખબર છે તું મને ખૂબ પ્રેમ કરે છે. આપણું ૩૫ વર્ષનું દાંપત્ય જીવન કોઈને પણ ઈર્ષ્યા આવે એવું સુંદર હતું. શ્રી, દો હંસોકા જોડા બિછડ ગયો રે, ગજબ ભયો રામા જુલમ ભયો રે. પણ મારું માન , તને યાદ છે પેલો તારો દોસ્ત વિનય શું કહે તો હતો ?  તું ૧૦૦ વર્ષ જીવવાનો છે. એકલા જીંદગી કાઢવી દુષ્કર છે. મારા આત્માની શાંતિને ખાતર તું યોગ્ય વ્યક્તિને જીવનમાં પ્રવેશ આપ’.

શ્રી એકદમ સફાળો ખાટલામાં બેઠો થઈ ગયો. ‘સલોની, સલોની સ્વપનામાં સતાવે છે. આંખ ખોલું ત્યારે ગાયબ”!

આજે જ્યારે સવારના સાડા આઠ વાગે શિખાનો ફોન આવ્યો ત્યારે શ્રીએ ચાર રિંગ પછી ફોન ઉપાડ્યો.

‘પપ્પા તમે  હજુ ઉઠ્યા નથી’?

‘ના, બેટા સવારના જરા આંખ લાગી ગઈ હતી’.

‘તમે તો રોજ પાંચ વાગે ઉઠો છો પપ્પા’.

‘હા, બેટા કાલે રાતના ઉંઘ ખૂબ મોડી આવી’.

‘પપ્પા, તમને મમ્મી સ્વપનામાં આવી હતી ?’

‘હા’.

કેટલી લાગણી પપ્પા અને મમ્મી કાજે ? શિખાનો ભાઈ સાહિલ તો પરણીને અમેરિકા ગયો હતો. મમ્મીના દુઃખદ સમાચાર સાંભળી ચાર દિવસ આવીને પાછો જતો રહ્યો. ત્યાં તેને પણ બાળકો હતા. તેની ભાભી, સીમીના માતા અને પિતા તેમની સાથે જ રહેતા હતા. બન્ને જણા નોકરી પર જાય તો બાળકોનું ધ્યાન કોણ રાખે? સીમીએ પોતાના માતા અને પિતાને ભારતથી કાયમને માટે અમેરિકા બોલાવી લીધા.

સીમીને ક્યારેય એક પળ પણ વિચાર ન આવ્યો કે સાહિલના પપ્પાજી એકલા છે ! તેમને સ્થળની ફેરબદલી કરાવવા અમેરિકા બોલાવીએ. શ્રી અને સલોની ત્રણેક વાર આવી ચૂક્યા હતા. સીમીના લુખા વર્તનને કારણે માંડ મહિનો માસ રોકાઈને પાછા જતા. સાહિલને તો પોતાની નોકરી પરથી બહુ સમય મળતો નહી. શનીવાર અને રવીવાર સીમી અને બાળકો માટે . તેમાં પપ્પા અને મમ્મી માટે સમય ક્યાંથી લાવે ?

બિચારો સાહિલ, મરજી હોય તો પણ કરવું નામુમકિન !

શ્રી આજે મોડો ઉઠ્યો હતો. સવારના પહોરમાં બાગમાં ફરવા જવાને બદલે જીમમાં ગયો. મોડો ગયો હોવાથી રોજના મિત્રો નિકળી ગયા હતા. ટ્રેડમીલ પર ચાલતા તેની નજર બાજુમાં ગઈ.

‘અરે, સુહાની તું અંહી ક્યાંથી?’

‘હું તો દરરોજ આ સમયે આવું છું.  ઉમર થઈ એટલે બધું કામ ધીરે પતાવીને નિરાંતે આવું. હવે એકલી છું. ઘરમાં ખાસ કામ હોતું નથી .બે કલાક આરામથી જીમમાં પસાર કરી ઘરે જાંઉ, ત્યારે સરલાએ રસોઈ કરી રાખી હોય’. પતિ ગુમાવ્યા પછી સરલા એકલી હોવાને કારણે સુહાનીની સાથે રહેતી. તેનું બધું ધ્યાન રાખતી

નાના એવા સવાલનો આવો લાંબો જવાબ સાંભળી, શ્રીને મનમાં હસવું આવ્યું. શ્રીને યાદદાસ્ત તાજી કરવી પડી. સુહાનીએ ચાર વર્ષ પહેલાં પતિનો સાથ ગુમાવ્યો હતો. અચાનક કેન્સરની ગાંઠને કારણે બે મહિનામાં તેનો પતિ વિદાય થયો હતો. અચાનક દીકરીનો અવાજ કાનમાં ગુંજી ઉઠ્યો,

” પપ્પા યોગ્ય સાથી મળે તો પરણી જાવ”.

.

 

 

હાર્વીએ સર્જી તારાજી, ૨૦૧૭ ઓગસ્ટ

7 09 2017

આજે સવારના પહોરમાં મારી બાજુવાળા ( જજ) ન્યાયાધિશની પત્ની મને મળી. મોટે ભાગે દરરોજ સવારે સાથે ચાલવા જતા હોઈએ. ખૂબ ઓછું બોલે. કોને ખબર કેમ મારાથી પૂછ્યા વગર ન રહેવાયું .

‘કેમ આજે એકદમ ઉદાસ લાગે છે’ ?

‘બસ, એમ જ’.

‘રાતના ઉંઘ આવી ન હતી’?

અચાનક આવો સવાલ સાંભળીને રડી પડી. મારો શક સાચો નિકળ્યો. એ  અમેરિકન અને હું ભારતિય , અમેરિકનો આમ જલ્દી દિલ ખોલીને વાત ન કરે, ત્યાં રડવાનું ,હું એકદમ નવાઈ પામી ગઈ.

ધીરે રહીને પૂછ્યું,’ શું થયું’ ?

‘મારા દીકરાનું ઘર આખું પાણીમાં તારાજ થઈ ગયું. ‘હાર્વી’એ  (વાવાઝોડું) કાળો કેર વર્તાવ્યો. એટલું નહી ચાર બાળકો અને પત્ની સાથે મારે ત્યાં બે મહિના રહેવાનો છે. ‘

મારા માનવામાં ન આવ્યું કે બે બેડરૂમવાળા ઓનરશીપના ફ્લેટમાં આઠ જણા કેવી રીતે રહેતા હશે. આજે પંદર દિવસ થઈ ગયા. કોઈ દિવસ એક પણ શબ્દ બહાર ચાલીમાં સંભળાયો નથી.

નિવૃત્તિના સમય દરમ્યાન આ બન્ને પતિ પત્ની ખૂબ સાલસતાપૂર્વક પોતાનું જીવન ગુજારી રહ્યા છે. ન્યાયાધિશના મુખ પર હમેશા મંદ સ્મિત રેલાતું હોય. હાથમાં પાઈપ રાખીને મોજ માણતા બાગમાં બાંકડા પર બેઠા હોય. તેમનો પ્યારો કૂતરો,’ચા ચા’ હમેશા તેમની સાથે હોય. તેમની પત્ની સવારના પહોરમાં ચાલવાનું પતાવીને તૈયાર થઈને ચર્ચમાં જવા રવાના થાય. ચાર બાળકો સાથે કોઈ પણ જાતના રંજ વગર અઢીથી ત્રણ મહિના રહેવાનું છે. સહુથી નાની ત્રણ વર્ષની છે. આજે બરાબર બે અઠવાડિયા થયા.

મને મનમાં વિચાર આવ્યો, આપણે ભારતિય હમેશા ફાંકો રાખતા હોઈએ છીએ કે અમે અમારા માતા અને પિતાનું ધ્યાન રાખીએ છીએ. બાળકો, માતા અને પિતાની આમન્યા રાખે છે. જરા જાતને પૂછી જોઈએ તેમાં કેટલું સત્ય છે ? દંભ કરવામાં માનવીને કોઈ ન પહોંચી શકે. તેનો દીકરો ૪૫ વર્ષનો છે. વાવાઝોડાને કારણે ચિક્કાર નુક્શાન થયું છે.

એવા સુંદર લત્તામાં રહેતો હતો તેથી ,’પૂર આવે તેનો’ વિમો લીધો ન હતો. વિમા કંપની પાસેથી એક ફદિયુ મળવાની આશા નથી.

આવા સમયે મારી બાજુના મકાનમાં એક પંજાબી સ્ત્રી એકલી રહે છે. દીકરાની વહુ સાસુ સાથે બોલતી પણ નથી. દીકરો બોલે તે તેને ગમે પણ નહી. પોતાના માતા અને પિતા ભારતથી આવીને ચાર મહિના રહી જાય. કોઈ વાંધો નહી !

તેને દિલમાં કાંઈ નહિ થતું હોય કે. આ મારા પ્રાણથી પ્રિય પતિની જનેતા છે !

મારી પાડોશણને મેં વાત કરી, ‘હું એક મહિનો બહારગામ જવાની છું, મારો મહેમાનનો રૂમ તું વાપર’. તે એકદમ ગળગળી થઈ ગઈ.

મને કહે, ‘મારા પતિને નહી ગમે’.

અમેરિકામાં ૪૦ વર્ષ ગાળ્યા. વિશ્વભરનું સનાતન  સત્ય છે.

“માનવી માત્ર સરખાં. પછી તે ભારતના હોય, લંડનના, ચીન, જાપાન   કે રશિયાના યા અમેરિકાના. માત્ર ચામડીના રંગ અલગ છે. થોડા રીતરિવાજ જુદા છે. રહેણી કરણિ અલગ હોઈ શકે. ખાણીપીણી એકદમ ભિન્ન હોય. બાકી લાગણી, પ્રેમ, ક્રોધ સહુમાં સમાન છે. તેમના લોહીનો રંગ પણ લાલ છે ,જેવો આપણો છે’.

કેરોલિનને ચાવી આપીને હું રજા પર ગઈ. કદાચ તેનું મન બદલાય અને તે મારા મહેમાનના રૂમનો ઉપયોગ કરે .

 

હાર્વી

1 09 2017

 

 

 

કેવું શિર્ષક છે. ધડ અને માથા વગરનું. શું લખું અને શું ન લખું. જેણે હ્યુસ્ટન શહેરને તારાજ કર્યું. છેલ્લા છ દિવસથી શહેરને તોબા પોકારાવ્યું છે.  તમને થશે હું આ શું લખું છું

‘હાર્વી’ નામનું વાવાઝોડું આખા શહેરમાં નહી, સમગ્ર રાજ્યને ઘેરી વળ્યું છે. તારાજી સર્જવમાં પાછું વળીને જોયું નથી. જોરદાર પવન અને સાથે વર્ષાની ઝડી બસ ગાંડાની જેમ જણાય છે. આખા શહેરમાં જ્યાં જુઓ ત્યાં પૂર આવ્યા. ઘરોને તારાજ કર્યા. માનવીને ઘરબાર વગરના કર્યા. કોઈ પણ વાંક ગુના વગર લોકોએ જાન ગુમાવ્યા. વરસાદ , વરસાદ ને વરસાદ સાથે પવનનું તોફાન. જે ઝાડની ડાળી હલાવવી મુશ્કેલ હોય તે ઝાડ પવનમાં ડાબેથી જમણે અને જમણેથી ડાબે આખે આખું ઝુલતું જણાય .

બારીમાથી કે વરંડામાંથી આ દ્રશ્ય જોવાની મઝા પડે. પવન સંગે ડોલતાં ઉંચ અને ભરાવદાર ઝાડ. કલ્પના પણ કેટલી રોમાંચિત લાગે. અનુભવમાં ખૂબ કપરી છે. લાખો લોકો ઘરબાર વગરના થઈ ગયા. ઘર અને ગાડીઓ પાણીમાં તણાવા લાગી. નાના ભુલકાં માતા અને પિતાને વળગી પડે.

સારા નસિબે કેટ કેટલાં રાહત કેંદ્રો ખૂલ્યાં. ઉદાર દિલે લોકો મફતમાં ખાવાનું આપવા લાગ્યા. સરકારે રાહતકેંદ્રો ખોલી પ્રજાની સગવડો સાચવી. કટોકટીના સમયે લોકો ભેદભાવ ભૂલી એકબીજાને સહાય કરવા તત્પર બન્યા.

સરકારી સ્થળો. પોલિસ, બંબાવાળા, ઈમરજન્સી રૂમો. એમબ્યુલન્સ દરેક વ્યક્તિ અને સંસ્થા સજાગ બની. મદદે દોડી સહુને ઉગાર્યા. ૨૪ કલાક ટી,વી. ઉપર સમાચાર પ્રસરણ થયા.

જેવી ખબર પડી કે ‘હાર્વી’ આવે છે. ગ્રોસરી સ્ટોર ઉપર સહુનો ધસારો. ચારેક કલાકમાં તો  ગ્રોસરી સ્ટોરની બધી ચીઝ વસ્તુઓ ખતમ થઈ ગઈ. આંખ કહ્યું ન માને કે આવું પણ થઈ શકે. તોતિંગ ગ્રોસરૉ સ્ટોરોનો માલ ખતમ.

અંતે જ્યારે ‘હાર્વી’ શાંત બન્યું  ત્યારે નવી મુશ્કેલી. સ્ટોર થોડા વખત માટે ખુલ્યા. સ્ટોરની બહાર લાંબી લાઈન. દસ જણાને જવા દે.  છતાં  સ્ટોરમાં સામાન પૂરતો ન હતો. અમેરિકામાં ૪૦ વર્ષ થયા. પહેલીવાર આમ બહાર લાઈનમાં ઉભા રહેવાનો લહાવો માણો.

બૂરી દશાતો તેમની થઈ જ્યાં પાણી ભરાઈ ગયા હતા. ઘરોની અંદર બધો સરસામાન તરતો જણાય. બાળકો ને લઈને નિરાધાર દશામાં માતા અને પિતા ઉભા હોય. આવા સમયે માનવીની માનવતા જાગે. લોકો એક બીજાને સહાય કરે. હોડિઓ લઈ લઈને બધા નિકળી પડૅ. બંબાવાળા આવીને સહુને સુરક્ષિત જગ્યાએ લઈ જાય. શહેરમાં જ્યાં જુઓ ત્યા રાહત કેંદ્રો ખુલી જાય.

મ્ટી મોટી હોટલો વાળા ખાવાનું મફતમાં આપે. સાલ્વેશન આર્મી એ રેડ ક્રોસ જેવી સંસ્થા ખડે પગે મદદ આપે. શહેરનો મેયર, કોસ્ટ્ગાર્ડ દરેક જણ રાહત કાર્યમાં જાનને જોખમે અસરગ્ર્સ્તોને સહાય કરે.  ાઅજે જ્યારે ઉપર ઉપરથી બધું રાબેતા મુજબનું લાગે છે. પણ જ્યાં વરસાદના પાણીથી ત્રાહીમામ થયેલા લોકોનો ચિતાર દેખાય છે ત્યાં એમ થાય ક્યારે બધું ઠેકાણે પડશે ?

સરકાર બનતી બધી મદદ કરે છે.

 

લગ્નનો લયઃ– પ્રકરણ ૧

26 08 2017

‘લગ્ન’ કેવો સુંદર શબ્દ ! કેવી સુંદર તેની ભાવના ! છતાં કહેવું પડશે શું ખરેખર આપણે તેનો અર્થ સમજ્યા છીએ ? સમજ્યા હોઈએ તો તેને આચરણમાં ઉતારીએ છીએ. “લગ્ન” જેવા પવિત્ર શબ્દની આજે ખુલ્લે આમ હાંસી ઉડાવીએ છીએ. હિંદુ સંસ્કાર પ્રમાણે આ પવિત્ર બંધન ,સાત જન્મ સુધી પતિ અને પત્ની વચ્ચે બંધાયેલું છે. ચાલો આપણે રહ્યા ૨૧મી સદીના માનવી, એટલું બધું લાંબુ ન વિચારીએ તો પણ આ જન્મનો સાથ પ્રેમ પૂર્વક નિભાવીએ તો પણ ઘણું .

તમે સહમત થશો આ રિશ્તો ખૂબ પવિત્ર છે. આ રિશ્તાની  ગાંઠ ક્યારે ખૂલે જ્યારે બેમાંથી એક સાથ ત્યજી વિદાય થાય. શું તે આજે બની રહ્યું છે ? જવાબ આપવાની જરૂર નથી. તેમ બધા એ રિશ્તો નિભાવતા નથી એ કહેવું પણ સત્ય નથી. લગ્નના પવિત્ર બંધન દ્વારા સ્ત્રી અને પુરૂષ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ સાથે કરે છે. લગ્ન બાદ સ્ત્રી અને પુરૂષનું મધુરું મિલન સર્જાય છે. પતિ અને પત્ની બને છે. તન અને મનની ઐક્યતાનો અનેરો અનુભવ પામે છે. જેને કાયદો પણ મહોર મારે છે.

૨૧મી સદીમાં આ જરા વધારે પડતું લાગે  કિંતુ શાંત ચિત્તે વિચારશો તો તેમાં રહેલી અગત્યતા સમજાશે. આ કાંઇ ઢીંગલા અને ઢીંગલીનો ખેલ નથી. આજીવન  સાથ નિભાવવાનો છે. એક બીજાને સમજવા, તેમની લાગણીઓને મહત્વ આપવું, બન્ને એ આપસમાં પ્યાર અને આદર ભર્યો વહેવાર કરવો. આ બધું લગ્નજીવન દરમ્યાન આવશ્યક છે. લગ્નના પવિત્ર બંધનમાં બંધાયેલી બે વ્યક્તિ સર્જન પ્રક્રિયા દ્વારા તેમની નિશાનીઓને આ ધરતી પર લાવવાને શક્તિમાન બને છે.

સર્જન કરવાની આ પવિત્ર પ્રક્રિયાનું મહત્વ આલેખવું સંભવ નથી બાકી તો આડાતેડા ઘણા રસ્તા છે. ૨૧મી સદીમાં પ્રવર્તી રહેલા પ્રચલિત માર્ગથી નાના મોટા સૌ પરિચિત પણ  છે. જેના ભયસ્થાનો અગણિત છે.

આપણા પુરાણ અને ઈતિહાસમાં આવા કેટલા દાખલા છે. રામાયણ અને મહાભારત લગ્ન જીવન, પતિ તથા પત્નીના  રિશ્તાની ગવાહી આપે છે. પુરાણકાળમાં રજપૂતાણીઓ પતિ રણ સંગ્રામમાં માર્યો જાય ત્યાર પછી જૌહર કરતી હતી. એમાં અતિશયોક્તિ હતી. તેથી તો રાજા રામમોહન રૉયે તે પ્રથા નાબૂદ કરી. આ બધું જણાવવાનો એક માત્ર હેતુ છે, આ રિશ્તાની પવિત્રતા દર્શાવવાનો.

ત્યાર પછી ઘણા ફેરફાર થયા. માનવીની વિચાર શક્તિ, વર્તન, સમાજ, આધુનિકતાના નામ હેઠળ ‘લગ્ન’ શબ્દની લાજ લુંટાઈ ગઈ. તેનામાં રહેલી પવિત્રતાની ભાવના લુપ્ત થઈ ગઈ. ‘લગ્ન’ના નામ હેઠળ ગોલમાલ શરૂ થઈ. વફાદારી જેવી ચીજ વિદાય થઈ. પવિત્ર ‘કામ’ની જગ્યાએ કામુકતા એ પ્રવેશ કર્યો. કામુકતાએ એવી આંધાધુંધી ફેલાવી કે સમાજ ત્રાહીમામ પોકારી ઉઠ્યો.

પહેલા પ્રકરણ દ્વારા લગ્ન વિષે માહિતી આપવાનો ઈરાદો હતો. હવે તે પ્રથામાં ધીરે ધીરે આપણા ભારતમા અને દુનિયામાં કેવો બદલાવ આવ્યો તે જોઈશું.

ક્રમશઃ

**********************************************************************************************************************