કચોરીવાળી દાળઢોકળી– યમ યમ

30 06 2017

મિત્રો ખાવ અને મઝા માણો.

સામગ્રી.

૧.  ૧ કપ તુવેરનીદાળ પ્રેશર કુકરમાં ચડવવાની.

૨.  ૧ કપ વટાણાનો સાંજો

૩.  મીઠું સ્વાદ પ્રમાણે

૪.  લીલા મરચા વટેલાં

૫.  આદુનોટુકડો  વાટેલો

૬.  લાલ મરચું

૭.  હળદર

૮. ધાણા જીરુ

૯.  વઘારના મરચાં, રાઈ, હિંગ અને મેથી

૧૦.  પાંચ કોકમ

૧૧.  સ્વાદ પ્રમાણે ગોળ

૧૨. ૨ કપ ઘંઉનો લોટ

૧૩.  ૨  મોટા ચમચા તેલ

૧૪.  અજમો

૧૫.  ખમણેલું કોપરુ

૧૬  તજ લવિંગનો ભૂકો

૧૭.  કાપેલું લીંબુ

૧૮.  મીથો લિમડો.

૧૯. શિંગદાણા

બનાવવાની રીત

૧. સહુ પ્રથમ લોટમાં ૨ ચમચા મોણ નાખી પૂરી જેવો બાંધવો.

૨.  લોટની અંદર સ્વાદ પ્રમાણે મીઠુ, હળદર થોડું લાલ મરચું અને અજમો નાખવો.

૩. ૧/૩ લોટના નાના લુઆ કરી પૂરી વણવી.

૪.  ક્રશ કરેલા વટાણામાં,  કોપરું, કોથમરી, મીઠુ, લીલુ મરચુ, લીંબુ, તજ અને લવિંગનો ભૂકો નાખી સાંજો તૈયાર કરવો.

૫. વણેલી પુરીમાં સાંજો ભરી કચોરી તૈયાર કરવી.

૬. દાળમાં સંચો ફેરવી લગભગ પાંચ કપ પાણી નાખવું. તેમાં બધો મસાલો નાખી ઉકાળવું,

૭. શિંગદાણા પણ અંદર નાખવા.

૮. વઘારિયામાં ૧ ચમઈ તેલ લઈ તેમાં  વઘારના મરચા, મેથી અને રાઈ નાખવા.

૯. તડ તડ બોલે એટલે હિંગ નાખી વઘાર દાળમાં કરવો. મીઠો લિમડો પણ નાખી દેવો. ઉકળે તેથી તેની સુગંધ બેસે.

૧૦. બાકીના લોટના સપ્રમાણ લુઆ કરી તેને મોટી રોટલીની જેમ વણવી.

૧૧. બધી રોટલી વણાઈ જાય ત્યારે તેને કાપીને તેના  સક્કરપારા જેવા ટુકડા કરવા.

૧૨. દાળ લગભગ પાંચેક મિનિટ ઉકળે એટલે તેમાં બનાવેલી કચોરી નાખવી તેને લગભગ ધીરી આંચે દસ મિનિટ ચડવા દેવી.

૧૩. ત્યાર પછી ઉકળતી દાળમાં સક્કરપારા જેવી કાપેલી ઢોકળી નાખવી. ઢાંકીને ધીમી આંચે સાતથી આઠ મિનિટ ચડવા દેવી.

૧૪. ગેસ બંધ કર્યા પછી પાંચેક મિનિટ બંધ રાખવી.

૧૫. તેમાં બે ચમચ ઘી નાખવું.

૧૬. જમવા બેસતી વખતે તેમાં કોથમીરર અને કોપરું ઉપર ભભરાવવું. સાથે લીંબુ નીચોવવું

ખૂબ સ્વાદિષ્ટ ખાવાનું છે.

ગુજરાતીઓની મનભાવન ‘કચોરીવાળી દાળઢોકળી.’

( સાથે ભાત અને પાપડ કે ખિચિયા હોય તો લિજ્જત આવી જાય)

“ઠંડીમાં ગરમી “

15 01 2015

” શિયાળુ પાક ”

સહેલો, સરળ, સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ.

હરએક વ્યક્તિના ખિસાને પરવડે તેવો.
***************************

સામગ્રી:-

શિંગદાણાઃ ૧ કપ

તલ:- 1 કપ

ગોળ-1 કપ

ખજૂર સમારેલી – ૧૦ નંગ

ગંઠોડા પાવડર – 1 ચમચો

સુંઠ પા્વડર -1 ચમચો

બદામ ની ભૂકો -2 ચમચા

નારિયેલનું ખમણ – ૩ ચમચા

ઘીઃ બે ચમચી

શિયાળુ પાક બનાવવાની રીત

*****************

* શિંગદાણાને શેકી તેનો ભૂકો કરવો.

* બદામનો અને ભૂકો કરવો.

* કોપરાનું છીણ બજારમાં તૈયાર મળશે.

* સુંઠનો પાવડર અને ગંઠોડાનો પાવડર તૈયાર મળે છે.

* ઘરે આખા લાવીને ખાંડી શકાય.

* ગોળ એકદમ ઝીણો સમારવો. છીણીથી છીણી પણ શકાય.

* તલને શેકી, વાટવા

* ખજૂરના બારીક ટુકડા કરવા, યા મિક્સરમાં તેને છુંદી નાખવા. ( બ્લેન્ડ કરવા)

એક પેણીમાં ઘી ગરમ મૂકવું . સહુ પ્રથમ સુંઠ અને ગંઠોડા નાખવા.

પછી તલનો ભૂકો, શિંગદાણાનો ભૂકો, કોપરાનું છીણ, અને ખજૂરની પેસ્ટ નાખવી.

બધું બરાબર ગરમ થાય અને મેળવાય પછી છીણેલો ગોળ નાખવો. ગરમ હોવાને

કારણે ગોળ ઓગળી જશે. બરાબર હલાવતા રહેવું. જરાક ઠંડુ પડે પછી હાથેથી બધું

મિશ્રણ ભેગું કરવું.

અંતે તેને થાળીમાં ઠારી ચકતા કરવા.

ગમે તો નાના લડુ બનાવવા.

સુંદર સજાવવા હોય તો કપકેકના ફોઈલમાં સરસ રીતે ગોઠવી ઉપર ઝીણી પિપર

કે દ્રાક્ષ ચોંટાડવી.

બનાવો ત્યારે ચાખવા જરૂરથી બોલાવશો.
હા, હા, હા

ચાલો રસોડામાં ———–

25 10 2013
confused

confused

નવી પરણેલી ખુશી  આજે પહેલી વાર રસોડામાં પ્રવેશી.

ઉમંગ જોઈ રહ્યો.  ખુશી, નાખુશ થાય તે એને પસંદ ન હતું.

નાસ્તાની તૈયારી કરી ખુશી કપડાં બદલવા રૂમમા ગઈ.

મમ્મીએ પણ એ બધી વાનગી બનાવી હતી.  ઉમંગે મમ્મીને બધું

સમજાવી દીધું  હતું.  સર્વિંગ બાઉલમાં ભરી ડાઈનિંગ ટેબલની ફરતે

બધા ગોઠવાયા.  સહુ ખાતા  જાય અને વખાણ કરતાં જાય.

ખુશી, બોલી કાંઈ નહી પણ દાળમાં કંઈક કાળું છે તેમ અનુભવ્યું.

ઉપમા સજાવીને બધાની ડિશમાં ખુશીએ પિરસ્યો.  શણગાવેલા

મગ ઉપર કોથમીર ભભરાવી.  મસાલાની પુરી બધી દડા જેવી ફુલેલી હતી.

પપ્પા આવો સરસ નાસ્તો જોઈ ખુશ થયા. ઓફિસે જવા નિકળ્યા. મમ્મી બજારે

જવા પપ્પા સાથે ગાડીમાં ગઈ.

ખુશી, ઉમંગની નજીક આવી . બોલ તેં શું કારસ્તાન કર્યા હતા.

સાચું કહું કે ખોટું બોલું.

ખોટું તું મારી આગળ બોલીશ નહી મને વિશ્વાસ છે.

જો, ખુશી તું પહેલી વાર નાસ્તો બનાવી બધાને રિઝવવાની હતી.  મને ખબર

છે, ઉપમા તને ભાવે છે ખાતા આવડે છે બનાવતાં નહી ! શણગાવેલાં મગ તેં

પ્રેશર કુકરમાં મૂક્યા, ખલાસ બફાઈને લોંદો થાય તેની ૧૦૦ ટકાની ગેરંટી.

તું પૂરી બનાવે તો નાક, કાન નિકળે યા ભારત અને ચીન નો નકશો જણાય.

મેં મારી મમ્મીને સાનમાં સમજાવી દીધું હતું. તું તૈયાર થવા ગઈ .

ખુશી તું જાણે છે પોણો કલાક થયો. તને તૈયાર થતાં ઓછામાં ઓછો એટલો

સમય તો લાગે ,એ સમયમાં મમ્મીએ બધું બનાવી સર્વિંગ બાઉલમાં મૂક્યું.

ડીશમાં ગોઠવી સહુને ખવડાવી વિદાય કર્યા.

મમ્મીએ મને ચેતવણી આપી હતી. ખુશીને શું જવાબ આપીશ !

ઉમંગ હસતાં બોલ્યો ખુશીની  આંખમાં આંસુ આવે એના કરતાં તે મારા પર નારાજ થાય

એ હું ચલાવી લઈશ.

મમ્મીએ કહ્યું,’ ધીરે ધીરે હું ખુશીને બધું શિખવી દઈશ, ઉમંગ તું જોતો રહી જઈશ. ખુશી મારા

કરતાં પણ સુંદર અને સ્વાદિષ્ટ બનાવશે’ !

બોલ મારી રાણી, તું જે સજા આપે તે ભોગવવા તૈયાર છું.’

ઉમંગને ભેટી જોરદાર ચુંબન ચોંટાડી દીધું !

મીની હાંડવો

8 09 2012

હાંડવો બનાવતાં તો આપણે ગુજરાતીઓને આવડે.

તમે કહેશો એમાં શું ધાડ મારી!

અરે, પણ મથાળું તો વાંચો.

“મીની હાંડવો”

આજ કાલ જ્યારે મિજબાની હોય છે ત્યારે શરૂઆતમાં ,જમતાં પહેલાં

નાસ્તાની ‘ફેશન’ છે. તેમાં જાતજાતની અને ભાતભાતની વાનગીઓ

માણવા મળે છે. એમાંય કાપેલાં શાકભાજી, ફળફળાદી, સુકો મેવો

અને ફરસાણ. હવે ફરસાણ તળેલું હોય તેથી લોકો ‘કમરનો’ ઘેરાવો

સાચવવા ઓછું ખાય. તેવે સમયે ખાડવી યા હાંડવો ગમે.

હાંડવામાં જાતજાતના શાકભાજી નાખી તેને સ્વાદિષ્ટ તેમજ સહુને

પચવામાં હલકો હોય છે.

હવે એ હાંડવો નાના ‘મફીન’ના ‘મોલ્ડમાં બનાવીએ તો નહી તોડવાની

ઝંઝટ યા તો નહી હાથ બગાડવાની.. બે ચાર ખવાઈ જાય તો અફસોસ

પણ ન થાય.બનાવી જોજો. મિજબાનીમાં ખાવ ત્યારે મને યાદ કરી બે

વધારે ખાજો

ચાલો ત્યારે—— આવજો.—-

હાંડવા માટે

૩\૪ કપ ચોખા

૧\૨ કપ તુવેરની  દાળ

૧\૨  કપ  ચણાની દાળ

૩ ટે.સ્પુન સંભારનો મસાલો

મીંઠું સ્વાદ પ્રમાણે

લીલા મરચાં વાટેલા

આદુનો ટુકડો વાટેલો

૪ કળી લસણ

૧૪ કપ ખાટું દહી

હીંગ, વઘારનાં મરચાં

રાઈ, તલ-,હીંગ

બનાવવાની રીતઃ

દાળ અને ચોખા સવારે પલાળવા.

સાંજના થો્ડું મીઠું દહીં નાખી વાટવું.

બધો મસાલો કરી લેવો.

ગળપણ જે રીતે ખાતાં હો તે પ્રમાણે નાખી આખી રાત રાત ઢાંકી રાખવું.

સવારે તેલમાં વઘારના મરચાં, રાઈ, હિંગ અને તલ નાખી બરાબ્ર હલાવવું.

“અવન” ૩૫૦ ડીગ્રી ફે.પર ગરમ કરી મફીન મિક્સની પેનમાં પેપેરના કપ મૂકવી

બેક થવા દેવું. સાત મિનિટમાં થઈ જશે.

પેનમાંથી કાઢી નવા પેપરના કપમાં બીજી વાર મૂકવું.

ખૂબ સ્વાદિષ્ટ વાનગી ખાવાની મઝા આવશે.

આજકાલ કેલરી ગણનાર પણ પ્રેમથી ખાશે.

રસોઈ ટિપ્સ—-૨

16 03 2012

[૧]  ચકરી બનાવતી વખતે ૨ કપ લોટમાં ૨’ ટીસ્પુન’ અડદની દાળનો લોટ

નાખીએ તો ઓછા મોણમા પણ ચકરી ફરસી થાય છે.

[૨] ડ્યાબિટિસ થઈ હોય એવી વ્યક્તિ માટે બાજરીનો લોટ હિતાવહ છે.

[૩] પુડલા સ્વદિષ્ટ અને પૌષ્ટિક બનાવવા તેમાં શાક્ભાજી ‘મિક્સર’માં

ક્ર્શ કરીને નાખવાથી પચવામાં હલકાં બને છે.

[૪]  જો બાધ ન હોય તો રસોઈમાં છૂટથી આદુ, કાંદા અને લસણનો ઉપયોગ

કરવો. જેથી ‘ગેસ’ થવાની શક્યતા ઘટે છે. ખાંડને ગોળનો વપરાશ નહિવત.

[૫] દુધપૌંઆ સહુને ભાવે છે.(અપવાદ બાદ કરતાં)  કદીક છાશમાં  પ્રયત્ન કરી જોજો.

ખાંડ ખાવાનું પ્રમાણ ઘટશે. ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

જય જય શિવ શંકર

18 02 2012

સહુને મહા શિવરાત્રીની શુભ કામના

ભોલેનાથ સહુનું કલ્યાણ કરે.

આજના દિવસે આપણને સહુને ભાવે ભાંગ.

ભાંગઃ

સામગ્રીઃ

૧.  એક કપ બદામનો ભૂકો.

૨.   એક કપ વરિયાળીનો ભૂકો

૩.  ત્રણ ‘ટી સ્પુન” એલચીનો ભૂકો

૪.  ૧/૪  કપ મરીનો ભૂકો

૫.  ૧/૨  કપ  ખસખસ

૬.   અડધું વાટેલું  જાયફળ

રીત

બધો મસાલો ભેગો કરી એકદમ જીણો વાટવો.

મેંદાની ચાળણીથી ચાળવો.

રાતના  મસાલો ડૂબે તેવા પાણીમાં પલાળવો.

આઠ ઔંસના ગ્લાસમાં એક ‘ટી સ્પુન” ના હિસાબે દુધમાં

મેળવી મીક્સરમાં હલાવવું. એક ગ્લાસ દીઠ પાંચ ‘ટીસ્પુન’

ખાંડ નખવી.  જેટલું વધારે હલાવશું તેટલું સ્વાદિષ્ટ

લાગશે.

ચાલો ત્યારે  મહાશિવરાત્રી પર ભાંગની મઝા માણીએ.

શિવરાત્રીને દિવસે પીવા માટે તૈયાર કરવાનો પૂરતો

સમય આપ્યો છે. બાનાવો અને આસ્વાદ  માણો .

શણગાવેલાં મગ અને બટાકાનાં વડા

18 04 2011

ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી.

સામગ્રીઃ

૧.    કપ શણગાવેલાં મગ

૨.     ૩  મોટાં બાફેલા બટાકા

૩.  મીઠું સ્વાદ પ્રમાણે.

૪.  લીલા મરચાં , આદુ  પીસેલા

૫.  ઝીણી સમારેલી કોથમરી

૬.  આમચુરનો ભૂકો

૭. ૧/૨ ચમચી ગરમ મસાલો

૮.  કોર્ન સ્ટાર્ચ ૧ ટે. સ્પૂન

રીતઃ

    મગને વરાળમાં ૫ મિનિટ બાફવા.

   બટાકા બાફીને માવો કરવો

   વાટેલાં આદુ મરચાં, મીઠું, કોર્ન સ્ટાર્ચ,

   કોથમરી, આમચુરનો  ભુકો. બધુ નાખી ભેગું

  કરવું.

  નાના, ગોળા કરી તેને વડાનો આકાર આપવો.

  તવા પર તળવા યા લોયામાં તેલ મૂકી તળવા.

 ગરમ ગરમ ગળી તથા તીખી ચટની સાથે સ્વાદિષ્ટ લાગે છે.

  મગને હિસાબે ખાવામાં અને પચવામા હલકા છે.