ભલે ઉગ્યો ભાણ , ૩૧મી ઓક્ટોબર ૨૦૧૯.

31 10 2019

રોજ ઉગે છે. આજે શું નવું છે ? અરે આજે તો મારા મનના મોરલાને નાચવાનો અધિકાર છે. જેમની યાદોના સહારે આ જીંદગી ગુજારી રહી છું, તેમનો “જન્મ દિવસ” છે. ભલેને  વરસોના વહાણા વાયા, હજુ કેટલા ? તે પણ એક પ્રશ્ન છે ? જેનો ઉત્તર પામવો મુશ્કેલ છે !

ખેર એક , જીંદગી જીવવાની છે. જીવ્યા વગર છૂટકો પણ નથી ! તો ફરિયાદ શાને ?

જૂની યાદોનો મેળો ઉમટ્યો. નવી ધીરે ધીરે પ્રવેશી રહી. જૂની જિંદગીની  તોલે નવીનું શું ગજું ?

છતાં, બન્નેની વચ્ચે સુમેળ સાધવો રહ્યો.

“આંધળો ચાલે લંગડો દોરે મુકામે પહોંચે છે

*
સુંદર સુમેળની જુઓ કમાલ એ તો ધર્મ છે” !

*

સંગે જીવ્યા હતા, એકલતા સદી ગઈ છે.

*

જ્યાં હો ત્યાં, શુભેચ્છા પહોંચી ગઈ છે !

દશેરા ૨૦૧૯

8 10 2019

‘અરે મમ્મી ગયે વર્ષે,’રાવણ દહન’ જોવા ગયા હતા. પાછું આ વર્ષે રાવણ દહન જોવા જવાનું ?’

ટીકલુનો આ સવાલ સાંભળી મમ્મીને ખૂબ નવાઈ લાગી. કઈ રીતે આ બાળકને સમજાવવું કે ‘રાવણ દહન’ તો માત્ર પ્રતિક રૂપે દર્શાવવા માટે છે. એનો ગર્ભિત અર્થ જાણવો જરૂરી છે. વાર્તાના સ્વરૂપે સમજાવવામં મમ્મી સફળ થઈ.

‘બેટા, યાદ છે ને રામાયણ સાંભળ્યું હતું ત્યારે રાવણ, સિતાનું હરણ કરી ગયો હતો’.

‘મમ્મી સિતા સ્ત્રી છે તેનું હરણ કેવી રીતે થાય ?’

મમ્મી હસવું ન રોકી શકી. ‘બેટા હરણ એટલે પ્રાણી નહી, હરણ એટલે તેને ઉપાડીને લઈ જવું.’

‘હાં, હાં મમ્મી હવે યાદ આવ્યું’.

એ રાવણને હરાવીને લંકાથી, જ્યારે રાજા રામ હનુમાન લક્ષ્મણ અને વાનર સેનાની સહાય વડે સિતાને છોડાવીને લાવ્યા હતા. તે આજનો દિવસ છે’. રાવણ ખૂબ તેજસ્વી અને બુદ્ધિશાળી હોવા છતાં તેને કુમતિ સુજી અને

સિતાને ઉઠાવી લંકા લઈ આવ્યો.’

એ રાવણ જેને દસ મસ્તક હતા, હવે આ મસ્તક તેનામાં રહેલા દસ અવગુણોનું પ્રતિક સમજીને તેનું દહન કરવાનું. લંકાનું રાજ્ય રાવણના ભાઈ વિભિષણને આપી રામ, લક્ષ્મણ અને સિતા અયોધ્યા આવ્યા.

હવે આ રવણનું દર વર્ષે દહન કરી આપણે નક્કી કરવાનું કે મારામાં જે કુવિચાર છે તેનો ત્યાગ કરવાનો. ‘સત્યનો અસત્ય’પર વિજય એ સનાતન સત્ય છે. એનું પુનરાવર્તન સહુ માનવ માટે જરૂરી છે.

આજના માનવને દેખાવનું મસ્તક એક જ  છે! સત્ય કહેજો, રાવણના દસ મસ્તક કરતાં તે ભારી છે ? કાવાદાવા કરવામાં પ્રથમ છે. કોઈનું અપમાન કરવામાં યા તો તેને કાજે મુસિબત ખડી કરવામાં પાછું વળીને જોતાં નથી !

વર્તન તો એટલું બધું બેહુદું હોય છે કે તે સમયે મૌન ધારણ કરવું ઉચિત છે. છતાંય અંતરાત્મા સત્ય કહેવાને તલપાપડ હોય છે. અહંકાર અને સમાજની ભીતી તે પગલું ભરવા દેતી નથી.  ‘પાગલ યુવાની’માં ખ્યાલ નથી રહેતો કે

શામાટે કોઈની પરિસ્થિતિનો ઉપહાસ કરવો?

ઘણી વખત એવું વર્તન  કરનારની ક્ષુલ્લકતા દર્શાવે છે.હા, ભલે ગમે તે કહીએ આજની તારિખમાં રામ, સિતા, કૌશ્લ્યા, ભરત કે લક્ષ્મણ નામ જોવા મળશે. રાવણ, કૈકેયી કે મંથરા મળવા અશક્ય છે.  નામ કરતાં તે પાછળના

કર્મ અને ભાવના અગત્યતા ધરાવે છે. દશેરાના દિવસે ઘણિ વાત જો મનમાં વિચારીએ તો સંસારની અડધી ઉપાધિઓનું તારણ મળી જશે. કિંતુ આજના આધુનિક જમાનામાં કોની પાસે સમય છે, “પોતાની જાતની કાપકૂપ

વગર ઓજારે કરી સત્યનું તારણ કાઢવા કાજે ” ? અંતરમાં વસેલ રાવણનો સંહાર કરી, પ્રેમ, મૃદુતા અને પાવનતાને અપનાવવા.

આ ત્રણે ગુણ સીતામાતા ધરાવતા હતાં. યાદ છે ને, સોનાના મૃગના લોભે ખેંચાઈ સીતાએ જાતે સંકટ વહોર્યું.  લોભને હમેેશા વિવેક વાપરી તોલવો. ‘લાભ કે હાનિ’, ઉત્તર  અંતરમાંથી   ઉઠશે. શરીર રૂપી અયોધ્યા

નગરીમાં સત્ય સભર આચરણ હશે તો સીતાને રામે ઢુંઢવા દૂર નહી જવું પડે ! દશેરાની ખૂબ ખૂબ વધાઈ. રામ અને સીતા અયોધ્યામાં પગ મૂ્કશે. રાજા રામના રાજ્યાભિષેકમાં પધારી શોભામાં  અભિવૃદ્ધિ જરૂર કરશો !

ભરતની તપસ્યાનું ફળ મળશે. ઉર્મિલા અને લક્ષમણને મળેલી સજાની મુદતનો અંત જણાશે. ત્રણે માતાઓ રામ, સિતા અને લક્ષમણને જોઈ હરખશે !

દશેરાની શુભ મંગલ કામના.
નવરાત્રીના નવ દિવસ (૨૦૧૯)

29 09 2019

નવરાત્રી આવે એટલે યાદ આવે વચ્ચે મૂકાતો ગરબો. ગરબો બ્રહ્માંડનું પ્રતિક છે. ગરબામાં ૨૭ છિદ્ર હોય છે. ૯ છિદ્રની ૩ લાઈન. એટલે ૨૭ છિદ્ર, તે ૨૭ નક્ષત્ર છે.  દરેક નક્ષત્રને ચાર ચરણ હોય છે. ૨૭ ને ૪ વડૅ ગુણીએ એટલે થાય ૧૦૮. નવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખી ૧૦૮ વખત ગરબી રમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે.

નવ દિવસના અપવાસ દ્વારા સંયમ અને સાત્વિકતા કેળવાય છે. દિલમાં ભક્તિનું પદાર્પણ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. માને રિઝવવા ગરબે ઘુમવાની મોજ મણાશે.

નવધા ભક્તિના નવ પગથિયા ચડવાની સરળતા કરી આપશે. મંગલતા પ્રસરશે. શ્રદ્ધા અને વિશ્વાસ રાખી કરેલી ભક્તિ રંગ લાવશે. આપણા દરેક તહેવારો પાછળનો ગુઢાર્થ સમજી તેનું આચરણ કરવાથી સમગ્ર તન અને બદનમાં એક અનોખી લહેરખી ફરી વળે છે.

ઘણા લોકોને ફરિયાદ કરતાં સાંભળ્યા છે. આ બધું દર વર્ષે આવે છે. ‘ઓ મારા બુધ્ધિજીવી ભાઈઓ અને બહેનો માત્ર એટલું જ કહીશ, ‘દર વર્ષે નહી તો શું દર મહિને આવે ?

‘તેથી તો આપણા ઉત્સવો, તહેવારોનું ગૌરવ જળવાઈ રહ્યું છે.

નવરાત્રી દિવાળી આવવાનું રણશિંગુ ફૂંકે છે. મુખ્ય ત્રણ દેવીનું અધિષ્ઠાન થાય છે. ‘દુર્ગામાતા,લક્ષ્મીજી અને સરસ્વતિ’.દુર્ગામાતા જીવનમાંથી દુર્ગતિ દૂર કરે છે. મનને પાવન કરે છે.લક્ષ્મીજી ઐશ્વર્ય પ્રદાન કરે છે.સરસ્વતિ વિદ્યાની દેનાર છે. વિદ્યા એટલે માત્ર ધન કમાવા કાજે વિદ્યાપિઠનું જ્ઞાન નહી.પોતાના અંતરાત્માને ઓળખી તેને સતનો માર્ગ ચિંધનાર.

નવરાત્રી દરમ્યાન નવ રિપુ હણવાની કોશિશ કરવી
૧.અહંકાર , ૨.ક્રોધ,  ૩.નિરાશા,   ૪.ઈર્ષ્યા,    ૫.સ્વાર્થ,    ૬.લોભ,    ૭.મોહ,   ૮.મદ,   ૯. મત્સર

આમ કરવાથી ” વિજયા દશમી” એ રાવણ હણાશે! રામ રાજ્યનું સ્થાપન થશે. ભલે આ વાત પૌરાણિક લાગે. કિંતુ તેમાં આજની તવારિખનું સનાતન સત્ય છુપાયું છે!

પિતા વિના માતા બનવું અસંભવ છે !

નવરાત્રીના ટાણે માતા પૂજનિય છે.

તેની સરાહના અને ઉત્સવ ૯ દિવસ મનાવતા પરમ પિતા પરમેશ્વરને સદા યાદ કરવા !.

નવરાત્રીનો તહેવાર આજે ૨૧મી સદીમાં ખૂબ આદર પામી રહ્યો છે. આ દિવસો દરમ્યાન પૂજન સાથે, અબાલ, વૃદ્ધ, જુવાન સહુને ગરબે ઘુમતા જોવા એ લહાવો છે. આ તહેવારના દિવસો હવે આપણ ભારત પૂરતા જ મર્યાદિત નથી રહ્યા. પરદેશમાં પણ તેની બોલબાલા છે. વળી ભારતિય ઉપરાંત વિશ્વની પ્રજા જોડાઈને આ ગરબા તેમજ રાસની રમઝટ માણે છે.

જુવાનિયાઓને ગરબે ફરતા, હિંચ  લેતા, ગરબીમાં ઘુમતા અને રાસ રમતા જોઈ એક વાર દિલ કહે છે,” ચાલને પાછાં જુવાન થઈ જઈએ ‘ !

“અ” આગગાડીનો “અ” !

27 09 2019

 

અણમોલ’ અક્ષરની સવારી શરૂ થઈ.

****

‘આગગાડી’ ઉપડી ‘અછતના’ પ્રદેશમાં આવીને ઉભી રહી.

****

‘અભાવા’ને કારણે આજુબાજુનું વાતાવરણ ગમગીન હતું.

****

‘અરાજકતા’ સઘળે ફેલાઈ અઈ !

********

‘અણગમો’ વ્યક્ત કરવાનો સમય ન સાંપડ્યો !

****

‘અચાનક’ કોઈ કાનમાં સંદેશો કહી ગયું.

****

‘અણધાર્યા’ સમાચારે હવાનો રૂખ બદલાઈ ગયો !

****

અંધશ્રદ્ધા ન પ્રવેશે, સજાગ બની.

****

‘આશ’ પર અભિષેક  કર્યો.

***’

‘અભૂતપૂર્વ’ શાંતિ છાવાઈ ગઈ.

****

‘અવસર’ ની રાહ તકતી હતી , તે સાંપડ્યો !

****

‘આનંદ’ મંગળ પ્રસરી રહ્યો..

****

”અંગ,” અંગમાંથી આવકાર સ્પષ્ટ નિતરી રહ્યો.

****

‘અલકલટ’ હવા સંગે ગેલ કરી રહી.

***

‘અવલોકન’ નયનને પ્યારું લાગ્યું

****

‘આંગતુક’ ખુશીના માર્યો ઝુમી ઉઠ્યો

****

‘આંગણ’ ની શોભામાં અભિવૃદ્ધિ થઈ.

*****

‘અલૌકિક’તાના દર્શન થયા.

***

‘અરમાન’ સૂર છેડી રહ્યા

***

‘આગગાડી’ની મુસાફરી રસપ્રદ રહી !

 

 

 

શ્રાધ્ધ (એકાદશી)

25 09 2019

 

આજના પવિત્ર દિવસે વિરહીજનોના ગુણોનું ગાન કરી, તેમને સમરીએ.

કોઈ પણ જાતના પુણ્યની આશા રાખવી નિર્થક છે.

માત્ર, જીવનમાં યાદની “જ્યોત” જલાવી, તેમની સાથે માણેલા સમયની “જ્યોત” ઝળહળતી રાખવી.

આપણે સહુ એ પથના પ્રવાસી છીએ.

એકાદશીના પવિત્ર દિવસે સહુ વિદાય પામેલને  “હ્રદય પૂર્વક અંજલિ’.

અનુષ્કા- અમલના પપ્પા

13 09 2019

મમ્મી, આજે સાંજે હું ઘરે જમવાની નથી .’

‘બેટા ગઈ કાલે રાતના પણ તું જમી ન હતી’.

‘મમ્મી, મેં તને એટલે જણાવ્યું કે, તું મારી ભાવતી રસોઈ બનાવવાની મહેનત કરે ને હું જમું નહી’.

મમ્મી, હવે ટેવાઈ ગઈ હતી. આમ તો તેની દીકરી ખૂબ ડાહી હતી. બસ એક વસ્તુ ન ગમે , તેને કશું કહેવાનું નહી ! તેની હા માં હા ભરવાની. જો કે આ એકલી અનુષ્કાની વાત નથી. ૨૧મી સદીની પ્રજા.’સહુને બધું આવડે છે’. આવા સંજોગોમાં એકલે હાથે અનુષ્કા અને તેનો ભાઈ અમલ બન્નેનું ધ્યાન રાખવાનું હીનાને ભારે પડતું.

જ્યારે હરેશે, હીના નો સાથ છોડ્યો ત્યારે અમલ ૧૨ નો અને અનુષ્કા ૧૬ની હતી. બન્ને ભાઈ બહેન પિતા વગર નોંધારા થઈ ગયા હતા. હીનાને ક્યારેય પોતાનું દુઃખ જતાવવાનો સમય મળ્યો ન હતો. તેને માથે મમ્મી, તેમજ પપ્પાની બેવડી જવાબદારી આવીને ઉભી હતી.

ભલું થજો કે હરેશ હમેશા હીનાને કહેતો, ‘બન્ને બાળકો આખો દિવસ શાળાએ જાય છે. તું મારી સાથે ઓફિસે આવ અને થોડું ઘણું શીખ . હીનાએ હરેશની વાત માની અને દરરોજ પાંચ કલાક ઓફિસે જતી હતી.  જે આજે તેને ઘણી મદદ રૂપ થઈ ગઈ. ધંધાની ખબર રાખતી અને હરેશ પાસેથી હિસાબ, કિતાબ રાખવાનું પણ શીખી હતી. જ્યારે બધું એક સાથે માથાપર આવ્યું ત્યારે ઓફિસના સહુથી જૂના વ્યક્તિઓએ હીનાને સાથ અને સહકાર આપ્યો.

બાલકો શાળાએ જાય એટલે તે નિકળી પડતી. તેમના આવવાના સમય પહેલાં હાજર. ઘરમાં આખા દિવસની બાઈ રાખી હતી. તે હીનાને રસોડામાં મદદ પણ કરતી અને ઘરનું ધ્યાન રાખતી. આજે હીનાને સંતોષ હતો કે હરેશની ગેરહાજરીમાં બધું સંભાળી શકે છે.

શ્રાદ્ધના દિવસો આવે ત્યારે હીના ખૂબ ઉદાસ રહેતી. હરેશ, તેના માતા અને પિતા તેમજ પોતાના માતા અને પિતા સર્વેની યાદોનો મેળો ઉભરાતો. અનુષ્કા અને અમલને આવું બધું યાદ રહેતું નહી. વળી તેમના ભણવામાં ખૂબ મશગુલ હોવાથી આવા આપણા પ્રસંગ પ્રત્યે ઉદાસી દાખવતા.

કહેવાય છે, ‘એકલા આવ્યા એકલા જવાના’. સત્ય છે. કિંતુ વિરહીજનોની યાદને દિલમાંથી વિદાય આપવી સહેલી નથી .આજે અનુષ્કા અને અમલને ઘરે વહેલા પહોંચવાનું હતું. આપણે જે ધારીએ છીએ તે બનવું હમેશા શક્ય નથી હોતું. અનુષ્કાને કોલેજમાં ‘ટ્યુટોરિયલ’ લેવો પડ્યો અને અમલને શાળામાં વૉલિબોલની મેચ હતી.  મેચ સમયસર પૂરી ન થઈ. અમલનું સ્થાન એવું હતું કે તેનાથી ના ન પડાઈ. મેચ જીતી ગયાનો આનંદ અમલના મુખ પર તરવરતો હતો. મમ્મી નારાજ થશે તેની ખબર હતી પણ મેચ જીત્યાના આનંદમાં મમ્મીને ભાગિદાર બનાવી મનાવી લેવાનું નક્કી કર્યું.

અનુષ્કાને ટ્યુટોરિયલ પછી ઘરે આવવાની બસ ન મળી. અમલ દોઢ કલાક મોડો પડ્યો, જ્યારે અનુષ્કા બે કલાક. હીના વાટ જોઈને થાકી ગઈ હતી. આજે હરેશના શ્રાદ્ધનો દિવસ હતો. એણે આજે રજા લીધી હતી. સવારે નાહી ધોઈને સેવા કરી.

ઠાકોરજી પાસે માત્ર હિંમત માગી. ખુલ્લા દિલે તેમનું શરણું સ્વિકાર્યું. બપોરે રાજભોગના દર્શન કરવા ગઈ. પાછાં આવતા રસ્તામાં અનાથ આશ્રમના બાળકો માટે મિઠાઈ અને નવા ટીશર્ટ ખરીદ્યા હતા તે લઈને આવી પહોંચી. બાળકોના મુખ પર આનંદ દોડી આવ્યો. હીના ગયા અઠવાડિયે આવીને, બાળકોના માપ તેમ જ કેટલા નંગ જોઈએ છે તે બધું સંસ્થાની બહેન સાથે નક્કી કરીને ગઈ હતી.

લગભગ દોઢ કલાક નિકળી ગયો. ત્યાંથી બે માઈલ દૂર ઘરડાં ઘર હતું. જ્યાં હીના, દર શનિવારે જતી. તેઓને પ્રેમ તેમજ જોઈતી વસ્તુઓ આપતી. આજના ખાસ દિવસે કુટુંબની બધી વ્યક્તિઓની યાદમાં  સરસ ભોજન કરાવવાનું હતું. ઘરડા ઘરમાં ૬૦ જણા રહેતા હતા. તેમના જમવાના સમયે ભોજન વ્યવસ્થા પ્રમાણે સહુને પિરસવામાં આવ્યું.

હીનાને જાણતી હતી ,’જો જગમાં સહુથી વહાલી વ્યક્તિ કોઈ પણ હોય તો તેનો પતિ હરેશ’ !

કિંતુ નસિબ બે ડગલાં આગળ હોય તેની પાસે કોઈનું કશું ઉપજતું નથી. જેને કારણે બાલકો મોડા વહેલા આવે તો તેણે નારાજ ન થવું એ મનોમન નક્કી કર્યું. કારણ પણ વ્યાજબી હતા. હવે હીનાને દરેક પરિસ્થિતિમાં રહેતા આવડી ગયું હતું. તે માનતી હતી દુનિયામાં સહુને ખુશ ન કરી શકાય ! તેમજ પોતાની ખુશીનો આધાર અન્ય ન હોઈ શકે !

શ્રાદ્ધના દિવસોમાં ગ્લાનિ છવાયેલી હોવા છતાં મુખ પરથી સ્મિત ગાયબ નહોતું કર્યું. સહુને હસતા ચહેરા ગમતા હોય છે. પછી એ પોતાના બાળકો પણ કેમ ન હોય ? પિતા નથી તેનો ગમ તેમના દિલમાં પણ ઉંડૅ ઉંડૅ ધરબાયો હતો. હકિકતનો સ્વિકાર કર્યા વગર છૂટકો ન હતો.

અનુષ્કા અને અમલ આવ્યા. અનુષ્કા ખાસ યાદ રાખીને ‘ફુલોનો ગુલદસ્તો તેમ જ હાર’ લઈને  આવી હતી. મમ્મીની સંવેદનાને ઠેસ ન પહોંચે તેને માટે સદા જાગ્રત રહેતી. અમલ પણ પપ્પાના વહાલાં ‘રસગુલ્લા’ લઈને આવ્યો હતો.

હીનાના મુખ પર સ્મિત ફરકી રહ્યું. તેને હતું કે બાળકોને યાદ નથી, પણ તે ખોટી પુરવાર થઈ. જેનો આનંદ તેના મુખ પર ચમકી રહ્યો. રાતના મોડેથી સહુ જમવા બેઠા. પપ્પા કરાવતા હતાં તે પ્રાર્થના ગાઈને જમવાનું શરુ કર્યું. દાદા અને દાદી, નાના અને નાનીને યાદ કરી તેમને સાથે ગુજારેલ વહાલના દિવસો યાદ કર્યા. દાદા અને નાના પાસેથી બન્ને જણા કેવી રીતે પૈસા પડાવતા તે યાદ કરી ,ઘરમાં હાસ્યની છોળૉ ઉડાડી રહ્યા.

પપ્પાને યાદ કરતાં ગમગીની છવાઈ ગઈ, ત્યારે અનુષ્કા બોલી ઉઠી,.’ પાપા તમને બહુ દુખ સહન ન કરવું પડ્યું એ ગમ્યું હતું. અમારી મમ્મી તમને યાદ કરીને ઝુરે છે પણ તમારી મીઠી અને પ્રેમાળ યાદો અમારા ત્રણેના અંતરના ખજાનામાં અકબંધ છે.

“જનાર તો જતા રહે પણ પાછળ મીઠી મધુરી યાદો છોડતા જાય” એ ઘણિવાર જીવવા માટે પૂરતી હોય છે. અમલ અને અનુષ્કા આજે પણ પપ્પાના પ્યાર માટે ઝઘડી પડ્યા.

‘પપ્પાને, હું વધારે વહાલો હતો ! હું તેમના જેવો દેખાંઉ છું ને એટલે ‘.

‘અરે, જા જા હું વધારે વહાલી હતી. સનાતન સત્ય છે, બાપને દીકરી સહુથી વધારે વહાલી હોય’ !

બન્ને સાથે બોલી ઉઠ્યા ,’ખરી વાતને મમ્મા’?

હીના બન્નેને વહાલ કરતા બોલી,’ તમે બન્ને પપ્પાને ખૂબ વહાલા હતા’.

આમ આજ પૂરતો ઝઘડો આટોપાઈ ગયો. ભીંત પર ટિંગાડેલી તસ્વીર પર નજર ગઈ તો ‘ચાર જણાના હસતા ચહેરાં જણાયા’.

ગેરહાજરીમાં પણ પપ્પાનિ હાજરી ઘરને ખૂણે ખૂણે ઉપસી આવી. હીનાના મુખ પર સંપોષની વિજળી ઝબૂકી ઉઠી.

બદ્રિનાથ અને કેદારનાથની યાત્રા****૧

30 08 2019

 

મિત્રો જે સ્થળના નામ રોમાંચક હોય એ સ્થળની યાત્રા કેટલી ભવ્ય હોઈ શકે. ૪થી જૂન , ૨૦૧૯ મિત્રનો ફોન આવ્યો.

‘પ્રવિણાજી હમ બદ્રિનાથ ઔર કેદારનાથ જા રહે હૈ, આપકો સાથ ચલના હૈ. સબ તૈયારિયાં હો ગઈ હૈ, માત્ર આપ ટિકિટ ખરીદલો’.

આવી સુંદર રજૂઆત, જે સ્થળે જવાનું સ્વપનું પણ નહોતું આવ્યું. હા, પંદરેક વર્ષ પહેલાં બેથી ત્રણ વાર આમંત્રણ મળ્યું હતું પણ તે ભારતથી. એટલે ક્યારેય તેના પર વિચાર કર્યો ન હતો. આ તો ઘેર બેઠાં ગંગા હતી. હ્યુસ્ટનથી જવાનું અને સીધા હ્યુસ્ટન પાછાં આવવાનું.

હરખ સમાતો ન હતો. ઉમર પણ ઢળતી હતી. છતાં મારાથી બોલાઈ ગયું ,’મુઝે તીન યા ચાર ઘંટેકા સમય દિજીએ મૈં આપકો સોચ કે બતાતી હું”.

આમ પણ એકલી હોવાથી બાળકોને બધી વાત જણાવવી એ મારો સ્વભાવ થઈ ગયો હતો. ખૂબ પ્રેમાળ પરિવાર એ માત્ર શ્રીનાથજીની કૃપા છે.

‘મમ્મી, તારી મરજી હોય તો જઈ આવ”.

આમ લીલી ઝંડી મળી ગઈ. હવે વાટ કોની જોવાની હતી ?

મેં ફોન કરીને જવાબ ‘હા’ માં આપ્યો.

ટિકિટ બુક કરાવી. ૧૨મી જૂને બેગ ભરીને બે સખીઓ સાથે જવા રવાના થઈ ગઈ. આજે ૪૩ વર્ષ અમેરિકામાં થયા આટલું જલ્દી ક્યારેય ભારત જવાનું નક્કી થયું ન હતું. હજુ માર્ચની ૧૫મીએ તો ભારતથી પાછી ફરી હતી. જેવી શ્રીનાથજીની કૃપા

ચાલો ત્યારે આ પ્રવાસનું વર્ણન વાંચીએ અને દર્શન કરીએ.

૧૪મી જૂન, ૨૦૧૯

એમરેટ્સમાં પહેલી વાર મુસાફરી કરી રહી હતી. વિમાન દુબઈ થઈને જવાનું હતું. હ્યુસ્ટનથી દુબઈની મુસાફરી ૧૫ કલાકની છે. દુબઈથી દિલ્હી માત્ર સાડાચાર કલાક છે. સવારના પહોરમાં દિલ્હી આપણી રાજધાનીમાં પગ મૂક્યો. સમગ્ર અસ્તિત્વમાં ભારત પ્રત્યેની લાગણિ છલકાઈ ઉઠી. ગાડી સ્ટેશન પર અમારી રાહ જોઈને ઉભી હતી. અમે ત્રણ જણા અને છ બેગ, ગાડી હતી રમકડા જેવી. માંડ માંડ સામાન ઉપર બાંધ્યો. આ ગાડીમાં કોઈ હિસાબે મુસાફરી ન થઈ શકે. ડ્રાઈવર તેના અડ્ડા ઉપર લઈ ગયો. મોટી ગાડીની વ્યવસ્થા કરતાં ત્રણેક કલાક નિકળી ગયા. આખરે વ્યવસ્થા થઈ ગઈ. અમારા ત્રણેયના જીવમાં જીવ આવ્યો.

દિલ્હીથી ગાડી સીધી વૃદાવનના આશ્રમમાં આવી, જ્યાં ‘વીની બહેનની’ ઓળખાણ હતી. હું, વીની અને ઉમા ત્રણ જણા સાથે યાત્રામાં ગયા હતા, વૃંદાવન આવતાં આવતાં  બપોરના ત્રણ વાગી ગયા. નાહી ધોઈને પરવાર્યા. આશ્રમનું સરસ મજાનું સાદુ અને સાત્વિક ખાવાનું ખાધું. સાંજ પડી ગઈ હતી. ગોકુળ જવાનું નક્કી કર્યું.

એક વાત કહેવાની વિસરાઈ ગઈ. ૧૪મીએ સવારે દિલ્હી પહોંચ્યા એ દિવસે મારી વર્ષગાંઠ હતી. આખો દિવસ વાતવાતમાં એ યાદ કરીને રમૂજ ચાલી રહી.

ગોકુળ એટલે બાળ કૃષ્ણનું ધામ. જ્યાં નહી નહી તો હું દસેક વાર ગઈ હોઈશ. પૂ. મમ્મીના વિદાય થયા પછી જવાનો મોકો મળ્યો ન હતો. રમણગોર તો હતા નહી પણ રાત થઈ ગઈ હતી એટલે કશું સુઝતું ન હતું.હા, ચાંદીવાળાની ધર્મશાળા જોઈ. ‘તોતારામની દુકાનેથી’  બે કિલો પેંડા લીધા.  ગોકુળની ગલીઓમાં જ્યાં દિવસે કાનો ન દેખાય તે રાતના અંધારામાં ક્યાંથી જણાય?  છતાં તેને યાદ કર્યો. મંદિરની પાછળ વહેતી યમુના મહારાણીને વિચારોમાં યાદ કર્યા. માનસી યમુનાના પાન કર્યા. આ બધી બાળપણથી ચાલી આવતી પ્રણાલી હતી. ત્યાંથી પાછા વળતાં ગોવર્ધન પર્વતના દર્શન કર્યા.

ગોકુળમાં જ્યાંને ત્યાં ‘બાળ કનૈયાને શોધવા મથી રહી’ ! એક તો અંધારું અને બીજી ગોકુળની ગલીઓ કોને ખબર કાનો કોના ઘરમાં ભરાયો હતો .”

રાતના વૃંદાવન આવ્યા .બીજે દિવસે સવારના પહોરમાં હરે કૃષ્ણના મંદિરમાં મંગળાની ભવ્ય આરતી કરી,  બરસાના ધામ આવ્યા. રાધા રાણીનું મંદિર જોઈ આનંદ થયો. બપોરે બાંકે બિહારીના દર્શન કર્યા.   ગોકુળની ગરમીનો પ્રત્યક્ષ અનુભવ કર્યો.

“રાધા તુઝે મિલને મૈં દોડી દૌડી આઈ

દૌડી દૌડી આઈ પ્યાસ અખિયોંકી બુઝાઈ

હો રાધા તેરા ઠુમકા,હો રાધા તેરી ચુન્ની

મેરે દિલકો બહોત ભાઈ.”

બરસાના ધામમાં રાધાજીનું મંદીર જોઈ દિલ ખુશ થઈ ગયું

એક વાગી ગયો. આશ્રામમા જે ભાઇ હતા, તેમનું સ્વરૂપ જોઈને ‘વામનજી’ યાદ આવી જાય. તેમણે બનાવેલાં સરસ આલુ પરાઠા અને દહી ખાધા.

૧૫મી જૂન, ૨૦૧૯

જમ્યા પછી વીની, બધા માટે સુંદર ભેટ લાવી હતી તે આપવાનો લહાવો લીધો લગભગ ૫૦ જેટલા આશ્રમના બાળકો અને દસેક કાર્યકર્તા હતા. બે કલાક આ વિધિ ચાલી સાંજના પાંચ વાગે નિકળીને અમારી ગાડી દિલહી રાજુભાઈ અને રીટુના બંગલે આવી ઉભી રહી. રસ્તામાં ફુલવાળાની દુકાન જોઈ ગાડી ઉભી રખાવી. વીનીની ભાભી માટે સુંદર ફુલોનો ગુલદસ્તો ખરીદ્યો. અજાણ્યાને ઘરે પહેલી વાર જતી હોવાથી તેમના મુખ પર હાસ્ય અને આનંદ લાવવાની સુનહરી તક મારે ગુમાવવી ન હતી.

વીનીના, નાના ભાઈ અને ભાભીની મહેમાનગતિ માણી.   જમીને ઉઠ્યા અને રાજુભાઈ અમને દિલ્હીની સેર કરવા માટે લઈ ગયા.  તેમનું ઘર દિલ્હીની ખુબ સુંદર જગ્યા પર હતું. રાતના સમયે દિલ્હી નગરીમાં ફરવાની મજા કંઈ ઔર જ હોય છે. જે રાજુભાઈ અને રીટુભાભીને કારણે મુમકીન બન્યું. ઈન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિ ભવન,જનપથ અને આપણા વડાપ્રધાનનું ઘર બધું નિહાળ્યું. દિલમાં આનંદ પ્રસરી ગયો.

બીજે દિવસે સવારે એરપોર્ટ જવા નિકળ્યા. રસ્તા પર ગાડીમાં બારીને લગાવવાના શેડ વેચતો છોકરો નજરે પડ્યો. આ પ્રસંગ યાદ આવે છે ને આંખોમાં આંસુ ઉભરાઈ આવે છે. એ નાના સોળેક વર્ષના બાળકને મેં ત્રણ વખત કહ્યું ,

‘બેટે પૈસે પહલે લેલો’.

ગાડી સિગ્નલમાં ઉભી હતી. એ મને શેડ અને તેની સાથે આવતાં પ્લાસ્ટિકના બુચ આપવામાં તલ્લીન હતો. પૈસા એણે પકડ્યા નહી અને સિગ્નલ ચાલુ થઈ ગાડી નિકળી ગઈ.  પૈસા મારા હાથમાં રહી ગયા. ડ્રાઈવરને ખાસ સલાહ આપી પાછા જતા ગાડી ત્યાંથી લે જે અને એ છોકરાને શોધી પૈસા આપી દે જે. એણે શું કર્યું તે એ જાણે ! ડ્રાઈવર તો  અમને એરપોર્ટ પર મૂકી ગાડી પાછી લઈ ગયો. હજુ વાત અંહી ખતમ થતી નથી. રાજુભાઈએ પૂછ્યું કેટલો સામાન છે.

ઉમા કહે મારી એક બેગ, મારી બે અને વીનીની બે. આમ પાંચ કહ્યું. હવે ઉમાની બે બેગ હતી. મારી નાની બેગ રાજુભાઈને ત્યાં રહી ગઈ. રાજુભાઇ મારતી ગાડીએ બેગ આપવા એરપોર્ટ આવ્યા, આમ પ્રથમ ગ્રાસે મક્ષિકા અને અમારી મુસાફરી શરૂ થઈ. વિમાનની મુસાફરી માત્ર ૩૦ મિનિટની હતી. દિલ્હીથી વિમાન ઉડ્યું અને અમે દેહરાદૂન આવી ગયા.