તમન્ના

12 12 2019

સામાન્ય જનની જેમ જીંદગી ગુજારી,  અસામાન્ય કરવાની તમન્ના

*

પુરૂષાર્થમાં ગરકાવ થઈ, આખરે શિખરને આંબવાની તમન્ના

*

ભગિરથ કર્મ દ્વારા,  આ અણમોલ જન્મ સફળ કરવાની તમન્ના

*

સમયનો સદઉપયોગ કરી, કશું ક અવનવું કરવાની તમન્ના

*

શ્રીજીનો હાથ ઝાલી, ભક્તિમાર્ગે મંઝિલ કાપવાની તમન્ના

*

ઘરમાં શાંતિ દ્વારા સહુનો યોગક્ષેમ જાળવવાની તમન્ના

*

કળાની અભિવ્યક્તિ દ્વારા, જીવને રસ ટકાવવાની તમન્ના

*

દિલને શાતા મળે, એવી પ્રવૃત્તિઓમાં ગુંથાવાની તમન્ના

*

મનવી છું માનવને સહાય રૂપ બનું તેવી ભાવનાની તમન્ના

*

બિંદુમાં સિંધુની કલ્પના,  દ્વારા જગે વિહરવાની તમન્ના

*

સાહ્યબાની સંગે, સાહ્યબીના માહોલમાં રાચવાની તમન્ના

*

વર્તમાનકાળમાં રાચી, ફરિયાદ બેબુનિયાદ માનવાની તમન્ના

*

ઉગતા સૂરજને નિહાળી, જીવનમાં સંતોષ રેલાય તેવી તમન્ના

*

વાણિયણ લેખિકા બની મલકી, પ્રભુ પ્રસન્ન રહે તેવી તમન્ના

*

સાહિત્ય સરિતા, ઉન્નતિના શિખરે બિરાજે દિલ પૂર્વક તમન્ના

*

અંતિમ ક્ષણો પહેલા, કરેલ ભૂલોની ક્ષમા પામવાની તમન્ના

*

 

“નારી ” ૨૧મી સદીની

12 04 2018

 

“નર” અને “નારી”

‘હું’ નરને ‘તું ‘નારી’

મારા વિના તું અધુરી

સંગે જિંદગી કિલ કિલ ભરી !

બન્ને પોત પોતાને સ્થાને યોગ્ય છે !

જીવનમાં એક બીજાના પૂરક છે !

બે ચોપડી ભણ્યા તેનું “ગુમાન” અસ્થાને છે !

જ્ઞાન ‘પુસ્તકમાં ‘ નહી સ્વના ‘આચરણમાં ‘ છે !

વર્તનમાં ભેદભાવ, શબ્દોમાં અસભ્યતા, અહંકાર, ઈર્ષ્યા આજે નહી કાલે ફળ આપશે !

મેરૂ ડગે પણ મન ન ડગે, જો ‘સત્ય’ સમક્ષ હોય !

‘ નગ્ન’ સત્ય સ્વિકારીને જ પ્રગતિના સોપાન સર કરવા આસાન થશે.

‘જો બચપનમાં પામેલા વિચારો સાથે સંમત ન હોઈએ તો  તેમાં સુધારા કરતા અચકાવું નહી !’

*********************

અબળા નારી, કહી મુજને વતાવશો મા

૨૧મી સદીની હું ‘સ્ત્રી’

તમારા સંગે કરી પ્રીત!

*

મારાથી છે તમારી હસ્તી

મારા વિના તમે છો પસ્તી !

*

તમે શું મારું રક્ષણ કરવાના ?

‘ટાયક્વાન ડો”માં તમને પછાડવાના

*

હું સીતા  નથી જે અગ્નિ પરીક્ષા આપીશ

તમને શંકા હોય તો હું ચાલતી પકડીશ

*

દ્રૌપદીને દુઃશાસન ચોટલો ઝાલી લાવ્યો હતો

મારા અંગ યા વાળને હાથ અડાડી તો જુઓ

તમારી ખેર નથી !

*

તમારી જેમ માના ગર્ભમાં ‘૯’ મહીના  મેં પણ ગાળ્યા છે

એ પોષણ અને દૂધની લાજ રાખીશ

*

તમે મને શું રક્ષણ અને રહેઠાણ આપવાના ?

મારી આમદની પર, આપણે મોજ કરવાના.

*

સંગે કદમ મિલાવીશ, તમારી થઈને રહીશ

આવો તમને હું સ્વર્ગનું સુખ આપીશ

*

આજે રોકેટમાં ચાંદ પર પહોંચી

કાલે મંગળ પર પદાર્પણ કરીશ

*

કોલેજની ડીગ્રીઓનો અહં તમારો ઘવાશે

જ્યારે જોશો કાગળિયાનો મારો ખજાનો

*

જલ બીન મછલી .

પાની બિન ગગરી

તુમ બીન રહું અધુરી

*

એનો અર્થ એ “હું” છું તમારી

“હું” અને “તું” ચલાવીએ સંસારની ગાડી.

*

હું અબળા યા કાયર નથી

તમારી ધમકીઓથી ડરતી નથી

*

બહુ થયું, મને ખૂબ પંપાળી

આવો ધરું છાયા  શીળી

*

પ્રેમે સંવારો, સુંદર પરિવાર સર્જીશ

સનમાનો, ધરતી પર સ્વર્ગ ઉતારીશ

*

જાહાન્નમ અને જન્નત અંહી છે, દેખાડીશ

અબળા, બિચારી શબ્દોની ધજીયા ઉડાડીશ

*

નથી કોઈ આગળ નથી કોઈ પાછળ

હાથમાં હાથ,  માણીશું સવારી વાદળ

************************************************

રક્ષા બંધન****

6 08 2017

‘રાખી ધાગોંકા ત્યોહાર.’ આ ધાગો શેનો બનેલો છે ? શું કામ એના માટે આટલો બધો પ્રેમ છે? બસ એક કારણ છે. ભાઈ  બહેનનો અણમોલ પ્રેમ તેમાં વણાયેલો છે. રક્ષાબંધનનો તહેવાર આવે એટલે નાના બાળક બની જવાનું મન થઈ જાય.કોઈ જાતની રોકટોક નહી. ઘુઘરીવાળા ચણિયા ચોળી પહેરવાના. ઢિંગલીની જેમ ભાઈને રાખડી બાંધવા તૈયાર થઈ જવાનું. પેંડો ભાઈલાને ખવડાવી, બીજો પોતે ખાવાનો.  જે થવું શક્ય નથી.

મનમાં થાય છે હવે કાળા, ગયાને ધોળાં આવી ગયા. ભાઈ અને બહેન ૭૦ ઉપરનો આંકડો ક્યારના વટાવી ગયા. પછી આ શેની તાલાવેલી. ખરું પૂછો તો ભાઈ અને બહેન ના પ્રેમને અંતર (દિલ) અને અંતર (માઈલમાં) નડતા નથી. તે પ્રેમ સદા વસંતની યાદ અપાવે. તેને પાનખર સ્પર્શ પણ  ન કરી શકે.  કોઈ પણ બહેનને કે તેના ભાઈને પૂછશો તો આ જવાબ મળશે.

ચાલો બહુ આડી વાત થઈ ગઈ. હવે ગાડી પાટા પર લાવું. વર્ષો થયા ભાઈની કલાઈ પર રાખડી બાંધે પણ હા, ફોન ઉપર વાત કરી લહાવો લેવાનો. ભવિષ્યમાં ક્યારે તે પ્રસંગ સાંપડશે તેની કોઈ જાણકારી નથી. ખેર, હવે તેનાથી પણ ટેવાઈ ગયા છીએ.

બાર મહિને આવતો આ મંગળ દિવસ ભાઈ ‘હેમખેમ’  રહે તેવી અંતરની ઈચ્છા હોય છે. કહેવાય છે જીવનમાં બધા સંબંધ સ્વાર્થ ઉપર ટક્યા છે. આ એક એવો દિવસ છે. જે નિર્મળ, પવિત્ર અને સ્વાર્થ વગરનો છે. કદાચ ભાઇ આ પ્રસંગે બહેનને કાંઇ આપી ન શકે તો પણ બહેન તેનું શુભ ચિંતવામાં કરકસર નહી કરે. ભાઈ ધનના ઢગલા કરે તેનો મતલબ એ ન સમજવો કે ભાઈ બહેનને ખૂબ પ્રેમ કરે છે. ભાઈ, બહેનનો પ્રેમ કોઈ અન્ય વ્યક્તિ સમજી નહી શકે.

આ એક દિવસ એવો છે કે જ્યારે કોઈ બેનડીને ભાઈ ન હોય તો, તે તેના માટે તરસે છે. ખેર  જે હોય તેમાં આનંદ માણવો. બાળકો તો ઈશ્વરનો પ્રસાદ છે. જે ને જે પ્રાપ્ત થાય. ઈતિહાસ સાક્ષી પૂરે છે એવા પ્રસંગોથી કે જો બહેન રાખડી મોકલે તો ભાઈ તેની કુમકે દોડી આવે. પછી તે ભાઈ મુસલમાન હોય કે હિંદુ. કોઈ ભેદભાવ ન હતો. આજના ૨૧મી સદીના સ્પુટનિકના જમાનામાં પણ “રાખડી” એ પોતાનું મહત્વ જાળવી રાખ્યું છે.

ગયા વર્ષે ભાઈને ‘વૉટ્સ અપ’ પર રાખડી મોકલાવી. ભાઈએ લાખ રૂપિયાનો ચેક ‘વૉટ્સ અપ’ પર ભેટમાં મોકલ્યો. હજુ પણ મારી પર્સમાં તેની કોપી  સાથે ફરે છે. આ થઈ ૨૧મી સદીની વાત. એક જમાનામાં ૨૧ રૂપિયા મળે તો પણ જલસો પડતો. આ વર્ષે ફેસટાઇમ પર રાખડી બાંધવાનો વિચાર છે !

ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને આલેખતો આજનો મંગળમય દિવસ સહુને શુભ નિવડે.