તિલાંજલી

28 06 2017

 

 

“અરે, પણ ડોક્ટર ક્યાં છે ?”

‘ઘરેથી નિકળી ગયા છે. તમને તો ખબર છે, મુંબઈનો ટ્રાફિક. ડોક્ટર ઉડી ને તો ન આવે ને?’ આવો જવાબ જ્યારે નર્સે આપ્યો ત્યારે સ્તુતિ ખૂબ નારાજ થઈ. પૂ.મમ્મીને શ્વાસ લેવામાં તકલિફ પડતી હતી. સ્તુતિને મનનની મમ્મી ખૂબ વહાલી હતી.

સ્તુતિ ખૂબ ગભરાઈ ગઈ હતી. મમ્મીની સાથે બેસીને ચા પીતી હતી. પપ્પા તો તેના લગ્ન પછી બે વર્ષમાં જતા રહ્યા હતાં. બસ ત્યારથી સ્તુતિ મમ્મીની દીકરી બની ગઈ હતી.  હા, તેને પોતાની મમ્મી હતી. પણ મનનના પ્યારમાં મસ્તાની સ્તુતિને ક્યારેય કોઈ ફરક લાગ્યો ન હતો. દયાને ક્યારેય એવું નહોતું લાગ્યું કે સ્તુતિ દીકરી નહી વહુ છે. કારણ સહજ હતું. સ્તુતિ, મમ્મીની ખૂબ ઈજ્જત કરતી. દયાને યાદ નથી ક્યારેય સ્તુતિ તેની સામે ઉંચ અવાજે બોલી હોય. સ્તુતિનો ઉછેર ખૂબ સંસ્કારી કુટું બમાં થયો હતો.

લગ્ન પહેલાં તેના દાદા અને દાદીની છત્રછાયામાં તે મોટી થઈ હતી. દાદી હોય કે નાની બન્ને ને સ્તુતિ ખૂબ વહાલી. સ્તુતિનો ભાઇ રમતિયાળ હતો. સ્તુતિ એક વર્ષ નાની હતી છતાં ભાઈલાને સીધોદોર રાખતી.  દયા બીજા સંબંધીને ત્યાં અને સગાને ત્યાં જોતી, તેમની વહુઓ ધાણીની જેમ ફૂટે. બાપના ઘરનો પૈસો દિમાગમાં ભરીને આવી હતી.  સ્તુતિના પિતા ખૂબ ધનાઢ્ય હતાં પણ દયા બહેનની મમતા પાસે સ્તુતિ કશું યાદ ન રાખતી. તેના પગલે  ભણેલો  પતિ ખૂબ  ખ્યાતિ  પામ્યો હતો. બે બાળકોની માતા સ્તુતિ સંતોષી અને સુખી હતી.

રોજ બપોરે ચાર વાગે તેમનો નિયમ કે મમ્મી સાથે બેસીને ચા પિવાની અને રાતના શું રસોઈ કરવી તે નક્કી કરવાનું. સ્તુતિ  એમ. બી.એ. ભણેલી હતી. બાળકોના ઉછેરમાં પુરતું ધ્યાન અપાય એટલે બાળકો થયા પછી નોકરીને તિલાંજલી આપી. શરૂઆતના સાત વર્ષ જ્યાં સુધી બાળકો ન હતાં ત્યાં સુધી ઘરનો કારોબાર દયાબહેને સંભાળી લીધો હતો. દયા બહેન કરે એ વસ્તુ કોઈ સ્તુતિને ન ગમે તો સુંદર રીતે સમજાવીને કહેતી. નહી કે પોતાનો તૌર બતાવીને. સ્તુતિ ક્યારે ધાણિની જેમ ફૂટી ન હતી. જો કદાચ કાંઈ કહેવાઈ જાય તો તરત દીકરીની જેમ આવીને માફી માગી લેતી.

‘બેટા, એમાં માફી માગવાની ન હોય. મા દીકરીને પણ બોલાચાલી થાય છે. તું જુએ છે ને મારો મનન કાંઈ પણ બોલે તે અમે બન્ને ભૂલી જઈએ છીએ. તારા માટે હું કશું દિલમાં સંગ્રહ કરીને રાખતી નથી.’

આમ સુખી કુટુંબ હતું. આજે અચાનક દયાબહેને ચા પીવા કપ મોઢે માંડ્યોને હાથમાંથી છૂટી ગયો. બાળકો શાળાએથી આવ્યા ન હતાં. સ્તુતિ ગભરાઈ ગઈ. દયાબહેન હોશ હવાસ ગુમાવ્યા હતાં.  ડ્રાઈવર પાસે ગાડી કઢાવી સ્તુતિ તેમને લઈને ઈમરજન્સી રૂમમાં આવી. ગાડીમાંથી મનનને ફોન કર્યો. જલ્દી પુરંદર હોસ્પિટલમાં આવ. મમ્મીની તબિયત ઠીક નથી. મનન આવી ગયો. ડોક્ટરના કોઈ ઠેકાણા ન હતાં. ડોક્ટર રહે વરલી અને હોસ્પિટલ ચોપાટી પર.

‘હજુ અડધો કલાક લાગશે’. નર્સે કહ્યું. ત્યાં સુધીમાં ઈમરજ્ન્સી સારવાર ચાલુ થઈ ગઈ હતી. મમ્મીને જરા પણ ભાન ન હતું. મનન આવી ગયો એટલે સ્તુતિને હૈયે ટાઢક હતી. દયા બહેન એમના જમાનામાં ‘માસ્ટર્સ’ હતાં. રાજકારણનો વિષય લઈને ભણ્યા હતાં. આટલા હોંશિયાર હોવા છતાં દિલમાં જાણતા કે ‘એકલતા’નું દર્દ કેવું છે. તેમને બીજી કશી ચિંતા પણ ન હતી. પતિ ગુમાવ્યાનું દર્દ જેણે ભોગવ્યું હોય તે જાણે. કોઈ તેમને સમજે કે ન સમજે જરા પણ ચિંતા કરતાં નહી. નસિબ સારા હતાં કે વહુ દુધમાં સાકર ભળે તેમ કુટુંબમાં સમાઈ ગઈ હતી.

સ્તુતિ રૂદન થંભાવી શકતી નહી. મનન સાંત્વના આપતો પણ તેનું હ્રદય કાબૂમાં રહેતું નહી. તેને મમ્મી પ્રત્યે ખૂબ લાગણી હતી.  દયા બહેને પતિના અકાળે અવસાન પછી દિલનો ઉભરો ઠાલવવા સાહિત્યમાં મન પરોવ્યું.  પતિ ગયા પછી તેમણે એક નવલકથા લખી ,પહેલીવાર જીવનમાં.  નામ પણ કેટલું સુંદર, “વિકલ્પ”. જે ભલે બેસ્ટ સેલર્સ ન થઈ પણ તેની ઘણી પ્રતો વેચાઈ. પહેલી વાર ૨૦૦ છપાવી હતી. એક મહિનામાં વેચાઈ ગઈ. બીજી વાર ૫૦૦ છપાવી. નવલકથામાં પતિના ગયા પછીની એકલતા અને તેની હયાતિમાં હતી ,”હૈયા ધારણા” વિષે ખૂબ સુંદર લખાણ હતું. સ્તુતિને મમ્મીની લેખનકળા પર ગર્વ હતો.

આખરે ડોક્ટર આવ્યા. દયા બહેનને તપાસી , હળવો હાર્ટ એટેક હતો એટલે આઈ.સી.યુ.માં રાખ્યા. ઓક્સિજન આપ્યો અને જરૂરી બધી કાર્યવાહી કરી. ચિંતાનું કારણ નથી એમ કહ્યું એટલે સ્તુતિ અને મનનનો જીવ હેઠો બેઠો. પરિસ્થિતિ કાબૂમાં હતી. સારવાર માટે ૨૪ કલાક નર્સ હોય. ભાન હતું નહી. ડોક્ટરે મનન અને સ્તુતિને ઘરે જવાનું કહ્યું. મનનનું દિલ માનતું ન હતું.

સ્તુતિએ મનાવ્યો, ‘ઘરે ચાલ , નાહીને જમ્યા પછી પાછો આવજે. ઘરે બાળકો પણ તારી અને મારી રાહ જુએ છે.  બન્ને ઘરે આવ્યા. બાળકો જમીને બેઠા હતાં. બીજે દિવસે શાળાએ જવાનું હોય એટલે ઘરકામ કરવામાં વ્યસ્ત હતાં. દાદીની તબિયત સારી છે જાણી ખુશ થયા.

મનન જમીને પાછો હોસ્પિટલ પહોંચી ગયો. મનન વિચારે ચડ્યો. બાળપણમાં પપ્પા અને મમ્મીએ કેટલી મહેનત કરી હતી. પપ્પાને તો તેમના મમ્મીએ ઉછેર્યા હતાં. પોતાની ત્રેવડ ઉપર જીંદગીમાં આગળ આવ્યા હતાં.   મનના પપા અને મમ્મીએ દાદીની ખૂબ સેવા કરી હતી. મનન આ બધું જોઈને મોટો થયો હતો.  તેથી તો સ્તુતિને પરણતા પહેલાં ચોખવટ કરી હતી.  ‘મારી માની ક્ષતિઓ પણ સહન કરવી પડશે’. હું માથી અલગ નહી થાંઉ’.

સ્તુતિએ સ્વિકાર્યું હતું કે,’ એ પાપ હું નહી કરું’.

નસિબ સારાં કે સ્તુતિ જેવી સુંદર પત્ની મળી. મારાં કરતા મમ્મી હવે સ્તુતિની વાતો કરતાં થાકતી નથી. સ્તુતિ ક્યારેય મમ્મીમાં અવગુણ ન જોતી. હા, ઉમરને કારણે વિચાર જુદા હોય તો શું થઈ ગયું. તેને ખબર હતી, જો મારામાં આવદત હોય તો દુનિયામાં કાંઈક કરી બતાવવાનું. મનન અને મમ્મી તો મને જાણે છે. ખેર મનને વિચાર ખંખેર્યા. મનમાં થયું , ‘મમ્મી તું જલ્દી સાજી થઈ જા. ‘

દયા બહેનને અઠવાડિયામાં તો ઘરે લઈ જવામાં આવ્યા. સ્તુતિ ના કહે, છતાં બધી મદદ તેને કરે. પાછાં પગભર થયા. બાળકો ધીરે ધીરે મોટા થતાં ગયા. સ્તુતિને પાછો નોકરી પર જવા આગ્રહ કર્યો. ઘરમાં રાંધવાવાળી બાઈ પણ રાખી લીધી હતી. દાદીની નિગરાની હેઠળ બાળકો મોટા થઈ રહ્યા.

તેમને ખબર હતી સ્તુતિ ખૂબ હોંશિયાર છે. બાળકોને કારણે શામાટે પોતાની આવી સરસ કારકિર્દીને તિલાંજલી આપે ?

 

 

 

 

 

 

 

Advertisements
યાદ

13 04 2017

 

 

 

 

 

 

 

*************************************************************************************

આજે અચાનક પાછી યાદ ઉભરાઈ ગઈ. ગરમા ગરમ થેપલાં બનાવતી હતી. મારા દીકરાનો દીકરો સીધો શાળાએથી આવવાનો હતો. એક સમય હતો બાળકોને અને પતિદેવને ગરમાગરમ ખવડાવી આનંદ માણતી હતી. તેમના મુખ પરનો સંતોષ મારો આખા દિવસનો થાક ઉતારવા સફળ થતો.

મારો નાનકો જે આજે હવે જીંદગીમાં ખુબ તરક્કી કરી આગળ નિકળી ગયો છે. એ તો જ્યારે સ્કૂલેથી આવતો ત્યારે ખાસ થેપલા બનાવું. તમે નહી માનો એક પણ થેપલું બચે નહી. હજુ તો તૈયાર થઈને થાળીમાં મૂકું ત્યાં ઉપડી જાય. પાંચથી છ ક્યાંય પેટના ખૂણામાં સંતાઈ જાય. જ્યારે દુધનો ગ્લાસ મોઢે માંડે ત્યારે સમજાય.

‘મમ્મી હવે રાતના જમવાનું નહી. ‘

મને ખબર જ હોય. હવે એ વાત ક્યાં રહી જીંદગીમાં ?. જો કે હું પણ ૭૦ ઉપર પહોંચી ગઈ. છતાં હજુ બાળકો માટે કામ કરવાની આ કાયા ના નથી પાડતી. બાળકો એમની જીંદગીમાં પરિવાર સાથે સ્થાયી થયા. પતિદેવને તબિયતે યારી ન આપી એટલે વિદાય થયા. હજુ કેટલા બાકી ? આ પ્રશ્ન મ્હોં ફાડીને ઉભો છે. જવાબ ક્યાં મળે છે.

આમ જ્યારે સોનલ વિચારી રહી હતી ત્યાં બારણાનો બેલ વાગ્યો. કોઈ અજાણ્યો છોકરો બારણે મોટી મસ એનસાઈક્લોપિડિયા વેચવા આવીને ઉભો હતો. તેની ખૂબી વિષે વાત કરી રહ્યો હતો. મારે હવે એનું શું કામ ? તેની વાણીનું માધુર્ય અને વેચવાનો પાકો નિરધાર ,મને આકર્ષી ગયો. મારા બધા સવાલના જવાબ  કુશળતાપૂર્વક આપતો. મારી ઇંતજારી વધી. મારે જરૂર ન હતી છતાં લેવા લલચાઈ. અચાનક મને યાદ આવ્યું.

‘તું સ્કૂલેથી છુટીને આ કામ કરે છે’.

‘જી’.

‘તારા પપ્પા’ ?

તેઓ નથી. મારી મમ્મી, મને અને મારી નાની બહેનને ભણાવે છે. તેને પૈસાની અગવડ ન પડે એટલે થોડા પૈસા કમાવામાં તેને મદદ કરું છું.

મને અચાનક યાદ આવ્યું.  ‘બેટા તેં કાંઈ ખધું’.

‘ના, મારી મમ્મી ઘરે આવશે પછી બનાવશે ત્યારે અમે ત્રણે સાથે ખાઈશું.

ઘરમાં હજુ પણ થેપલાંની સુગંધ રેલાઈ રહી હતી. મેં તેને આગ્રહ કરીને બે થેપલા અને દુધ આપ્યા. ખુબ ખુશ થઈ તેણે ખાધાં.

‘લે આ બાકીના તારી બહેન અને મમ્મી માટે લઈ જા’.

મારી તરફ આભારથી તાકી રહ્યો. તેના માનવામાં આવતું ન હતું. તેના મુખ પર સ્પષ્ટ હતું કે તેને ગરમા ગરમ થેપલાં ખુબ ભાવ્યા હતાં.

તેની પાસેથી બે વોલ્યુમ ખરીદ્યા. મને હતું લાયબ્રેરીમાં આપી દઈશ. મારા બાળકો પાસે કમપ્યુટર અને બીજી બધી સગવડ છે.

સોનલ તેના લાડલા પૌત્રને થેપલા, છુંદો અને દહી ખાતાં જોઈ ખુશ થઈ રહી હતી. તે તો પછી રૂમમાં ભરાયો. ઘરકામ પુષ્કળ હતું.

આજે  સોનલ પાછી  યુવાનીમાં પહોંચી ગઈ હતી. વિચારી રહી, વિત્યા વર્ષોની મધુરી યાદ આવે પણ કોઈ ફરિયાદ નથી. કોણ જાણે ટેલીપથી પહોંચી ગઈ  હોય તેમ સોનલ રાતે ટી.વી. જોતી હતી. ત્યાં બારણું ઠોકાવાનો અવાજ સંભળાયો. ઉભી થઈને દરવાજો ખોલ્યો તો સામે ,’મારા પૌત્રને લેવા દીકરો વહુ આવ્યા હતા’.

‘કેમ બે દિવસ વહેલા આવ્યા.

વહુ બોલી, ‘મમ્મી તેના વગર ઘરમાં સુનું લાગતું હતું ‘.

‘મમ્મી, ઘરમાં જાણિતી સુગંધ આવે છે’.

‘બોલ તું કહી આપે તો ખબર પડે’.

‘એક મિનિટ મમ્મી, તેં આજે થેપલા બનાવ્યા હતાં’?

સોનલના કાન માની ન શક્યા કે એના દીકરાને હજુ એ બાળપણની સુગંધ યાદ છે. તેમના ગયા પછી હરખભેર પલંગ પર સૂવા ગઈ, ક્યારે નીંદ આવી ગઈ તેનું તેને ભાન પણ ન રહ્યું.

પાછી ફરી

22 03 2017

 

 

 

 

 

 

***********************************************************************************************************************************************

પાછી ફરી

**********

 

દેશ વિદેશની યાત્રા કરીને મનગમતા માણસોને મળીને આજે સલોની પાછી ભારત આવવા ન્યૂયોર્કથી વિમાનમાં બેઠી. વતનથી દૂર વતનવાસીઓને મળીને ખૂબ આનંદ થયો. તેના અંતરમાં ઉમંગ સમાતો ન હતો. આટલો બધો પ્રેમ તેને મળશે તેવી આશા ન હતી. અરે, અમેરિકા જઈ આવેલાંના અનુભવ સાંભળી એક વખત એવો હતો કે તેણે  ટિકિટ કઢાવવાનો વિચાર માંડવાળ કર્યો હતો. આ તો સાજન હોય નહી અને તે અમેરિકા સહુને મળવા આવે નહી. તેના પતિ સાજને પ્રેમ પૂર્વક સમજાવી.

‘આવી ઉમદા તક મળે છે. હાથમાંથી સરી જવા દેવી નથી.’

ન્યૂયોર્કના ગુજરાતીઓએ તેના મનમાં મોટો સમારંભ રાખ્યો હતો. તેની નવી નવલકથા,” દિલદાર દીકરો” બેસ્ટ સેલરનો ખિતાબ પામી હતી. તેની બીજી આવૃત્તિ પણ વેચાઈ જવા પામી હતી. તેનું બહુમાન કરવા માટે ખાસ આમંત્રણ મળ્યું હતું.

‘અમેરિકાના લોકો મોઢે મીઠું બોલે છે. મહેમાનોને ઈજ્જત આપી સાચવતાં નથી. ‘ આ વાક્ય તેને સાંભળવા મળતું. માત્ર તેની ટિકિટ લેવાનો તેમનો આગ્રહ નકારી ન શકી. પૈસાની તેને કોઈ અછત ન હતી. પણ શ્રી નિરંજન મહેતાના આગ્રહ પાસે તેણે નમતું જોખવું પડ્યું હતું.

સાજનનો આગ્રહ હતો, સલોનીને માન સનમાન મળવાના છે, તો તે એકલી જઈ આવે. ફરવા તો બીજી વાર સાથે જાવનો વિચાર હતો. સલોની એરપોર્ટ પર આવી. નિરંજન અને નેહા બન્ને લેવા આવ્યા હતાં. પ્લેનમાંથી ઉતરી, કસ્ટમમાંથી બહાર આવી તેનું  સુંદર બુકે આપી સ્વાગત કર્યું. સલોની ખુશ થઈ ગઈ.

ગાડીમાં વાતો ચાલતી હતી કે તામારો ઉતારો ઘરથી નજીકની ફાઈવ સ્ટાર હોટલમાં છે.

સલોની ચમકી. ખૂબ પ્રેમથી બોલી, ‘મારા મનની વાત કહું’.

‘બેશક’!

‘તમને વાંધો ન હોય તો હું, તમારે ત્યાં જ રહીશ’. નિરંજન અને નેહા બન્ને ચમક્યા.

‘અરે, ભારતથી આવનાર મહેમાન હમેશા મોટી હોટલનો આગ્રહ રાખે છે. તમે તો મહાગજાના લેખિકા છો, તમારે માટે ખાસ ફાઈવ સ્ટાર હોટલનો બંદોબસ્ત કર્યો છે.’

સલોની વધારે આગ્રહ પૂર્વક બોલી, ‘મારી મરજી તમારી સાથે રહેવાની છે. તમારી રહેણી કરણીથી વાકેફ થવું છે. અંહીના ભારતિયોનો પ્રેમ પામવો છે.’

નિરંજન અને નેહા બન્ને એકબીજાની સામે જોઈ રહ્યા. આંખોથી વાત થઈ ગઈ. તેમનું ઘર, જેને અંહી ‘હાઉસ’ કહે છે. ખૂબ સુંદર વિસ્તારમાં હતું . પાંચ બેડરૂમનું ઘર અને ્સ્વિમિંગ પુલ તથા થ્રી કાર ગરાજ હતાં. નિરંજન પોતે સર્જન હતો, સાહિત્યનો રસિયો. નેહા એમ.બી.એ. ભણેલી હતી. બે બાળકો હાઈસ્કૂલમાં હતા. પતિ અને પત્ની બન્ને પ્રોફેશનલ હોવાને કારણે ઘરમાં દરરોજ સવારથી મેઈડ આવતી. અડધી રસોઈ પણ કરતી અને ઘરનું બધું કામકાજ સાચવતી. તેમને ત્યાં બે ગેસ્ટ રૂમ પણ હતાં. બાજુમાં નાનું કોટેજ હતું.

સલોનીની બધી સગવડ સાચવવામાં કોઈ અડચણ હતી નહી.

સલોનીના આગ્રહને માન આપી બન્ને તેને લઈને ઘરે આવ્યા. તે મનમાં રાજી થઈકે તેણે ઘરે રહેવાનો આગ્રહ સેવ્યો. બે દિવસ જરા આરામ અને જેટ લેગમાં ગયા. શની અને રવીવારે બે દિવસનો કાર્યક્રમ હતો. સલોનીને જરા પણ અતડું ન લાગ્યું. ઘરનું વાતાવરણ સહજ હતું. બાળકો ભલે અમેરિકામાં જનમ્યા હતાં પણ ઘરના સંસ્કારી વાતાવરણને કારણે ભારતથી આવેલા મહેમાન સાથે સુંદર વહેવાર કરી રહ્યા હતાં.

શનીવારે સવારે ‘સાહિત્ય સરિતા’ના મિત્રો સાથે બ્રન્ચ લેવા ‘જીન્જર કાફે’માં ગયા. સુંદર વાતાવરણ અને મનગમતા માનવીઓ. સલોની બધાને પહેલીવાર મળી રહી હતી. હસમુખા સ્વભાવને કારણે સહુની સાથે હસીખુશીની વાતો કરી. બીજા દિવસના કાર્યક્રમની ચર્ચા કરી.

કાર્યક્રમમાં ગુજરાતી સમાજ અને બીજી સંસ્થાઓના વ્યક્તિઓએ હાજરી આપી. સલોનીએ પોતાના પુસ્તક વિષે રસપ્રદ માહિતી પૂરી પાડી. જેમાં માતા, પિતા અને દીકરાના પ્રેમ તથા તેના પરિવાર સાથેના પ્રસંગો વણી લીધા હતા. સુંદર સંસ્કાર પામી આવેલી વહુ ઘરમાં એવી તો ભળી ગઈ કે કોઈના માન્યમાં પણ ન આવે. હાસ્યના પ્રસંગોની છણાવટ કરી ત્યારે પ્રેક્ષકો પેટ પકડીને હસી રહ્યા હતાં. આપણા ભારતમાં બાળપણથી દીકરીને કહેવામાં આવે છે.

‘આમ કર, આમ ન કર’ મોટા થઈને સાસરે જવાનું છે.

સલોની કહે સાસરું જાણે જેલખાનું ન હોય એમ ચીતરવામાં આપણે સહુ એક્કા છીએ.

આમ તેણે જૂના, પ્રચલિત અને નવા જાત જાતના તુક્કઓની હાંસી ઉડાવી હતી.  બાળકો પરણે ત્યાર પછી થતી ગેરસમજને રમૂજી રીતે રજૂ કર્યા હતાં. દિલના ભાવ ઠાલવી વાર્તાને ઉચ્ચ કોટીની બનાવવામાં તે સફળ  પૂરવાર થઈ હતી. કાર્યક્રમ ધાર્યા કરતાં વધારે આનંદમય રહ્યો અંતે છેલ્લે જ્યારે આભાર વિધિ માનવાનો સમય આવ્યો ત્યારે , નિરંજનભાઈએ એક પરબિડિયું સલોનીના હાથમાં મૂક્યું.

જાણે દાઝી હોય તેમ તેણે હાથ પાછા ખેંચી લીધા.

સલોની ગદગદ થઈને બોલી રહી ,’મારા મિત્રો, સ્નેહીજનો. તમે મને અંહી બોલાવી. મારો આદર સત્કાર કર્યો. આટલો બધો પ્રેમ આપ્યો. તમે શું માનો છો હું ,અંહી પૈસા લેવા આવી હતી. તમે સહુ ભિંત ભૂલો છો.  હું તો મારા ભારતિય ,ગુજરાતીઓને મળવા આવી છું. અમેરિકાની ભૂમિ ઉપર તમે સહુ જે સુંદર કાર્ય કરી રહ્યા છો તે નિહાળવા આવી છું. ગુજરાતની બહાર ગુજરાતી ભાષા વિષેનો તમારો પ્રેમ ખરેખર સરાહનિય છે. મારી નવલકથાને પ્રેમ ભર્યો આવકાર આપ્યો તે બદલ તમારી ઋણી છું.”

” મુ. નિરંજન ભાઈ આ પૈસાના પરબિડિયા દ્વારા મારી હાંસી ન ઉડાવશો. ”

સભાખંડમાં બેઠેલાં સહુ દંગ થઈ ગયા. હજુ તો ૪૦ પણ નથી વટાવ્યા એવી આ જાજવલ્યમાન યુવતીના મુખેથી આવી સરસ વાણી સાંભળી સહુને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. અત્યાર સુધી ભારતથી આવેલા દરેક અતિથિઓ વિષેનો અનુભવ વાગોળવા લાગ્યા.

આ સ્વપનું નથી, હકિકત છે.

પ્રસિધ્ધ http://opinionmagazine.co.uk/details/2563/paachhee-faree

પંક્તિ અને ભક્તિ ====

6 02 2017

twins

*************************************************************************************************************

પંક્તિ અને ભક્તિ

*************

જ્યારે તુલસીને લગ્ન પછી દસ વર્ષે સારા દિવસ રહ્યા ત્યારે કનૈયો ખૂબ ખુશ થયો. જસુમતિનો પતિ, કનૈયો ગર્ભમાં હતો ત્યારે સીડી પરથી પડ્યો હતો. આખી ખોપરી ફાટી ગઈ. લોહીલુહાણ દેવાને જસુમતિ જોઈ પણ ન શકી. એણે ગર્ભના બાળકનું પણ ધ્યાન રાખવાનું હતું. દેવાના અને તેના પ્રેમનું એ ફુલ હતું. દેવો વર્ષોથી મકાન રંગવાના કામ કરતો. પૈસા સારા મળતાં.  આ વખતે વાંસ બરાબર બાંધ્યા નહિ હોય કે પેલી સૂતરી જૂની હતી તેથી ઘસાઈ ગઈ હતી. વાંસ ટૂટી પડ્યા અને રંગના ડબ્બા સહિત તે જમીન પર પટકાયો.

રૂપિયાના ત્રણ અડધા લાવે તેવી જસુમતિ હતી. ્તેના પૂજ્ય સાસુમાએ તેને પાંખમાં ઘાલી. દુખી બધા થઈ ગયા હતાં. પણ આવનાર પારેવડાંની ચિંતામાં પે્લું દુખ અડધું થઈ ગયું. તેમાંય જ્યારે કનૈયા કુંવર જેવો દીકરો આવ્યો ત્યારે સાસુ તેમજ વહુએ મળીને તેનું નામ જ કનૈયો રાખી દીધું. કનૈયાને થતું હું ,કોને મા કહું ? ‘માને કે દાદીને’? માએ જનમ આપી દાદીને ખોળે મૂક્યો. જસુમતિ પતિનો જામેલો ધંધો ચલાવવામાં પ્રવૃત્ત થઈ, મનમાં વિચાર્યું ,જો ધંધો ચાલુ નહી રાખું તો કનૈયાની સારસંભાળ કેવી રીતે કરશે ? માએ વહુની મરજીને માન્ય રાખી. ‘દીકરા કરતાં વ્યાજ વધારે વહાલું હોય.

તેને તો કનૈયામાં, દેવલો દેખાતો. દાદી હતી, લાડ પણ કરે અને સંસ્કાર, વિનય અને વિચાર સારા આપે. કનૈયો હતો નટખટ પણ ભણવામાં હોંશિયાર.   જેમ જેમ મોટો થતો ગયો તેમ સમજી શક્યો કે પિતા નથી. મા અને દાદી તેના માટે પ્રાણ પાથરે છે. દાદી તો કનૈયો પરણીને તુલસી સાથે ઘરે આવ્યો તેના હરખમાં ગાંડા જેવી થઈ ગઈ.  તુલસી પણ હતી એવી કે બન્ને ‘મા’ને ખૂબ પ્રેમ આપતી. ઉમર થઈ હતી.  દીકરાનો દીકરો પરણીને ઘરમાં સુંદર વહુ લાવ્યો, એ તો એના માટે ખૂબ આનંદના સમાચાર હતાં. તુલસી પણ સંયુક્ત કુટુંબમાં ઉછરી હોવાથી, દાદીનો પ્રેમ સમજી શકતી.  દાદીએ સારા દિવસો જોયા અને એક દિવસ ઉંઘમાં આંખ મિંચાઈ ગઈ.

કનૈયાને અને તેની માને અતિશય દુખ થયુ. દુખનું ઓસડ દહાડા. જસુમતિ હવે રાહ જોતી ક્યારે તુલસી શુભ સમાચાર આપે. દસ વર્ષે જ્યારે શુભ સમાચાર સાંપડ્યા ત્યારે જસુમતિનો હરખ ન માયો. પૂરા દિવસે તુલસીએ બે દીકરીઓને જન્મ આપ્યો. ભક્તિ નામ બધાને ગમ્યું હતું . બે આવી એટલે બીજીનું નામ પંક્તિ પાડ્યું.

નામ એવા સુંદર હતાં કે સાંભળનારને કાનમાં સંગીત જેવું લાગે. સુંદર પંક્તિ અને લાગણીશીલ ભક્તિ. કનૈયો અને તુલસી બન્ને જણા ‘ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ’ હતાં. બન્ને જણાએ ખૂબ મહેનત કરી નામના મેળવી હતી. બે સુંદર દીકરીઓને જન્મ આપીને થોડો વખત તુલસી વ્યસ્ત થઈ ગઈ. એ ચાર મહિનામાં બે આયા રાખી લીધી બન્ને જણા દાદીમાની હાજરીમાં બાળકીઓનું ધ્યાન રાખતાં.  દાદી પણ તેમના ઉછેરમાં ખૂબ ધ્યાન આપતી. સુંદર પંક્તિઓ દ્વારા ભક્તિ રસ બન્નેમાં રેડતી. આજના જમાના પ્રમાણે તેમને ઉછેરવાના હતાં.

તેને યાદ હતું કનૈયો દાદીના રાજમાં મોટો થયો હતો. બે હતાં એટલે એકલી ન રાખી શકે. તેને ઘડપણ પણ ધાર્યા કરતાં વહેલું આવી ગયું હતું. કેટલી નાની ઉમરમાં પતિ ખોયો, ઘર ગૃહસ્થી સંભાળી દીકરો યોગ્ય બનાવ્યો. એ માને કનૈયો ભગવાન કરતાં પણ વધારે પ્રેમથી રાખતો.

તુલસીએ ખૂબ પ્રગતિ કરી હતી. તેની વાણીના પ્રભાવથી તેને બહારગામ જવાનું પણ રહેતું. બીજા શહેરોમાં તેને ‘આમંત્રિત મહેમાન તરિકે ‘ બોલાવતાં . માગે તેટલી મોટી રકમ લોકો આપવા તૈયાર હતાં. તેણે પોતાના ક્ષેત્રમાં પ્રભુત્વ પ્રાપ્ત થયું હતું. તેના અનુભવો દ્વારા લોકોને ખૂબ જાણવા મળતું. ધંધામાં કેવી રીતે આગળ વધવું તેની બધી ‘ટેકનિક’ તે બતાવતી.

પંક્તિ અને ભક્તિ પોતાની મા વગર ઘણીવાર નારાજ થતાં. કનૈયો અને દાદી સમજાવતાં. બન્ને માની પણ જતાં. હવે તો તેમણે પણ સ્વિકારી લીધું કે મમ્મી, પોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ વધવાની તમન્ના સેવે છે. ઘણિ વાર કનૈયો નારાજ થતો. સફળતાનો નશો એવો છે કે માનવીને એક વાર ચડૅ પછી તે ઉતારવો નામુમકિન છે.

પંક્તિ અને ભક્તિ વાણી, વર્તન અને હોશિયારીની મિશાલ હતાં. દિલમાં હમેશા ચિનગારી જલતી કે ,’મમ્મી નથી”.

જસુમતિ દીકરા અને વહુની બાબતમાં કશું બોલતી નહી. મનમાં સમજતી. કનૈયાએ પણ તુલસીને કશું કહેવાનું છોડી દીધું.

તુલસીને અમેરિકાથી એક સારી ,’ઓફર ‘આવી. તુલસી ના ન પાડી શકી. સેમિનાર પંદર દિવસ માટે લેવાનો હતો. અમેરિકા જવાની તૈયારીમાં તુલસી વ્યસ્ત થઈ ગઈ.  આવી સુનહરી તક છોડવા તુલસી તૈયાર ન હતી. ઘરે આવીને વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે, એ દરમ્યાન બન્ને દીકરીઓને બેંગ્લોર કોલેજમાં ભણવા જવાનું છે.

‘મમ્મી તમે અને કનૈયો  ભક્તિ અને પંક્તિને મૂકવા જજો. આવ્યા પછી હું તેમને મળવા બેંગ્લોર જઈશ’.

કનૈયો અને જસુમતિ દીકરીઓને બેંગ્લોર મૂકવા ગયા. બન્નેને સાથે જ કોલેજમાં એડમિશન મળ્યું હતું. જસુમતિ એ ખૂબ કાળજીથી તેમને ,’હોસ્ટેલમાં’  સગવડ કરાવી આપી.  દીકરીઓને દુઃખ થયું મમ્મી મૂકવા ન આવી શકી. દાદી અને પિતાના પ્યારમાં એ વાત હળવી બની ગઈ. પૈસાતો ખૂબ હતાં . મમ્મીનો પ્રેમ ખાલી ખૂટતો હતો. આખી જીંદગી બન્ને બહેનો મમ્મીની છાંવ અને વહાલના તરસ્યા રહ્યા.

બન્ને જણા ગયા, ઘર ખાલી થઈ ગયું. દાદીને ખૂબ એકલું લાગતું. અચૂક રોજ ફોન ઉપર વાત કરતી. તેમને કોઈ વસ્તુની જરૂર હોય તો વ્યવસ્થા કરી આપતી.   કનૈયો અને તુલસી પોતાના વ્યવસાયમાં ગળાડૂબ  રહેતાં. જસુમતિ , દીકરીઓનું ધ્યાન રાખતી. પોતાનો સમય ભગવત ધ્યાન તથા સેવાપૂજામાં પરોવતી. હવે તો રસોઈ માટે પણ બાઈ રાખી હતી.   જસુમતિ એકલી આ બધા કાર્ય કરી શકે એમ ન હતી. દીકરીઓ ભણી ને ઘરે પાછી આવી.

ઘરમાં આનંદ મંગલ છવાઈ ગયો.  દીકરીઓ મોટી થાય એટલે સાસરે તો જવાની. મન પસંદ સાથી મેળવી બન્ને ખુશ હતાં.   લગ્નની શરણાઈ વાગી. બે મહિનામાં બન્ને ને પરણાવી વિદાય કરવાની ઘડી આવી ગઈ.  મોટી અમેરિકા જવાની હતી અને નાની સિંગાપોર .લગ્ન મંડપમાં કન્યાદાન દેવાના સમયે જ્યારે ગોરમહારાજે માતા અને પિતાને બોલાવવા કહ્યું ત્યારે, પંક્તિ કહે,” મારું કન્યાદાન મારી દાદી કરશે”.

અનોખી અદા

31 01 2017

 

great

 

 

 

 

 

 

 

*************************************************************************************************************************************************

‘અરે, તમે રહેવા દો હું કરીશ’. આ વાક્ય દિવસમાં પંદરેક વાર સાંભળવા મળતું . અમેરિકા આવ્યા પછી નયનાને આખો દિવસ કામ કરતી જોઈ નિખિલ રહી શકતો નહી. હંમેશા તેને કામમા સહાય રૂપ થતો.

નયના કામેકાજે ખુબ ઝડપી અને હોંશિયાર હતી. બાળપણથી માતાને મદદ કરતી હોવાથી રસોઈનું કામ તેને મન ડાબા હાથની વાત હતી.

એક દીકરો સાથે લઈને ભારતથી આવી ત્યારે ચપળ આંખોએ નોંધી લીધું હવે’ મધુ રજની’ ખતમ. નવા નવા આવ્યા છીએ કામ કરીને બે પૈસા બચાવીશું તો બાળકને સારું ભણતર આપી. શકાશે. તેમાં વળી બીજી વાર મહિના રહ્યા. પોતે ભણેલી હતી અને નીલ પાંચમાં ધોરણમાં હતો તેથી અંહીની જીંદગીની રીતભાત અપનાવતા વાર ન લાગી. નીલ આખોદિવસ સ્કૂલમાં હોય તેથી ઘરનું કામ અને રસોઈ સરળતા પૂર્વક પતાવી ઓન લાઈન કામ કરી પૈસા બનાવતી.

નવી દુનિયા, નવા રીત રસમ નયના બરાબર અમેરિકાની લાઈફમાં ફિટ થઈ ગઈ. કમપ્યુટરમાં માસ્ટર્સ કર્યું હતું. ઘરે રહીને કામકાજ કરી શકતી. નીલ પણ સચવાતો અને નીનાના આગમનની તૈયારી સાવધાનીથી કરતી.

નિખિલ નોકરી પરથી આવીને સીધો નીલને રાખતો જેથી નયનાને રસોઈ કરવામાં અગવડ ન પડે. રસોઈ કર્યા પછીનું બધું કામ નિખિલે ઉપાડી લીધું હતું. અરે ઘણી વખતતો રાતના નીલને સ્નાન કરાવી તેના રૂમમાં પણ સુવાડી આવતો. નયના જોતી અને તે મનોમન ઈશ્વરનો આભાર માનતી આવો સુંદર સમજુ પતિ પામવા બદલ.

ચારે તરફ છૂટાછેડાના સમાચાર સંભળાતા ત્યારે તે વિચારમાં પડી જતી આ જુવાનિયા જરા પણ વિચાર કરતાં હોય છે ખરાં? લગ્નની પવિત્રતા અને તેમાં રહેલી સુગંધ તેમને સ્પર્શે છે ખરી? બસ હંમેશા હું, મને, મારું ત્રિકોણની બહાર કાંઈ તેમને્ દેખાય છે?

નયનાના કિસ્સામાં સાવ જુદું હતું. બીજા બાળકના જન્મ પછી અનુકૂળ પરિસ્થિતિ હોવાને કારણે ઘરમાં એક માજી રાખ્યા હતાં જે રસોઈ કરે અને સમય મળ્યે કપડાં ધોવાનું તથા ઈસ્ત્રીનું કામ પણ કરે. ભારતમાં જરૂર પડ્યે કામવાળા રાખી શકાય તો અંહી કેમ નહી? નિખિલ અને નયના આપણા સંસ્કાર સાથે લઈને આવ્યા હતાં.

ગયે અઠવાડ્યે મિત્રને ત્યાં લગ્નમાં ગયા ત્યારે ખબર પડી કે તેમના દીકરાએ બધી લગ્નની તૈયારી કરી હતી. તેના માતા પિતા પણ આમંત્રિત મહેમાન હતાં. દીકરા અને વહુએ ખૂબ નાનું પણ ભવ્ય લગ્ન અને રિસેપ્શન ગોઠવ્યું હતું.

નયના અને નિખિલ પ્રભાવિત થયા.નવજુવાનોની કુશળતા તેમને ગમી.
ખુલ્લા દિલે અને મને આવેલો નવો અભિગમ વખાણ્યો.તેમાં રહેલાં ફાયદા જણાયા. ‘બીજું નવ પરણિત યુગલે ‘નો બો્ક્સ ગિફ્ટ’ લખ્યું હતું તેથી આવેલાં ગિ્ફ્ટના જેટલા પૈસા હતાં તેમા પોતાના એટલા ઉમેરી જરૂરિયાતવાળા બાળકોને ભારત પોતાની ગામની શાળામાં મોકલવાનો ફેંસલો સંભળાવ્યો.’

આજકાલના જુવાનિયા લગ્નની મહત્વતા ઓછી સમજતાં નથી ! માત્ર તેમની અદા અનોખી છે————–

ક્યાં ગઈ ?====

12 01 2017

where

 

 

 

 

 

 

******************************************************************************************************************

મુશળધાર વર્ષા થંભવાનું નામ લેતી નહી. ચારે તરફ જળબંબાકાર. હિંચકે ઝુલતી હું વિચારોમાં ખોવાઈ ગઈ. ઉનાળો. શિયાળો અને ચોમાસું, કઈ ઋતુ વધારે સારી. ઉનાળામાં ગરમી ભલે લાગે, પંખો ચલાવો, એ.સી. ચલાવો કે જૂનાં છાપાં યા પુસ્તકથી પોતાની જાતને ઠંડક પહોંચાડવાનો પ્રયત્ન કરો. ઠંડીમાં ઠુંઠવાતાં હોઈએ ત્યારે સ્વેટર પહેરીએ કે તાપણાં કરીએ. ગરીબોની દયા આવે તો તેમને ધાબળા લાવી આપીએ. પણ આ ચોમાસું.

મારી કામવાળી સવારે આવી,’ બહેન આખાં ઘરમાં પાણી ભરાયું છે.  દસ ઠેકાણેથી પાણી ટપકે છે’.

‘તો ચોમાસું આવતાં પહેલાં ડામર કેમ નહોતો નખાવ્યો.’? અત્યારે શું કરી શકાય?

‘બેન, મારા વરને કહી કહીને થાકી. પૈસા હોય ત્યારે દારૂ ઢીંચી આવે. હવે એ પણ પસ્તાય છે.’

જસુ વર્ષોથી કામ કરતી હતી. ખરું પૂછો તો એ ઘરની સદસ્ય હતી. ઘરમાં શું ખુટ્યું, શું લાવવાનું કે કઈ વસ્તુ ક્યાં છે તે બધી ને ખબર. બે વર્ષ પહેલાં મારા પતિનો સાથ ગુમાવ્યો હતો.  બાળકો તો યુવાન થયા, પાંખ આવી પોતાનો માળો વસાવી સ્થાયી થઈ ગયા. આજે આ વરસાદ ખમા કરતો ન હતો.

મન ભૂતકાળમાં સરી પડ્યું. લગ્નની શરણાઈ વાગી રહી હતી. જાન બસ દરવાજે આવી પહોંચવાની તૈયારીમાં હતી. મારી માવડી આવી.

“બેટા સાસરીમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી જજે. માતા અને પિતાનું નામ રોશન કરજે. સાસરીમાં જો તું સહુને શરૂઆતમાં સુખી કરીશ તો યાદ રાખજે આખી જીંદગી એ લોકો તને સુખી કરવામાં વ્યસ્ત રહેશે. ”

આ બે વાક્યો મારા હૈયે જડાઈ ગયા. પરણીને નવા ગૃહે પ્રવેશતી કન્યા , સ્થળ અલગ, વાતાવરણ અલગ, દરેકના સ્વભાવ અલગ માની લીધું ,સ્વીકારી લીધું. તો પછી થોડો વખત તો લાગે ને  બરાબર ગોઠવાતાં. આજે જ્યારે જસુ ઘરમાં આવી વરસાદની કથા સંભળાવી રહી હતી, ત્યારે મેં તેને પૂછ્યું,’ બહેન ,તારો પતિ દારૂની લતે ચડ્યો તેનું કારણ હશે”?

હા.’ બહેન, હું લગ્ન કરીને આવી ત્યારે ઘરમાં ધમાલ મચાવતી. મને એમ લાગતું મારું ધાર્યું આ ઘરમાં થવું જોઈએ. માતા અને પિતાનું એકનું એક સંતાન હતી. મોઢે ચડાવેલી પણ ખરી. સાસરીમાં તોફાન કરી ઘરે આવું તો મા પંપાળે અને પિતા એમનો વાંક કાઢે. આવું લગભગ બે વર્ષ ચાલ્યું. શરૂ શરૂમાં તો તેઓ વચ્ચે ન પડતાં. હું, તેમની માનું અપમાન કરતી તે તેમનાથી સહન ન થયું.   એ સમયમાં ત્રણ બાળકો થઈ ગયાં. પિતાઅ તો આવા વાતાવરણથી અકળાઈ ગયા હતાં.  મને છુટ્ટો દોર મળી ગયો. માબાપ પંપાળે તેનું પરિણામ ભોગવી રહી છું.

જવાબદારી સમજવાને બદલે મારું વર્તન અસહ્ય થતું ચાલ્યું. મારા પતિની આવી હાલત કરવા માટે હું જવાબદાર છું. હવે તો ‘ સાસુમા’ પણ નથી રહ્યાં. મને જ્યારે મારા વર્તનનું ભાન થયું ત્યારે તેમણે મને દિલથી માફ કરી હતી. ધીરે ધીરે મારા પતિને સમજાવતાં. દીકરો હોવા છતાં ,માની વાત મારા પતિ અવગણતાં.

તેઓ મારાથી અળગાં થતા ગયા. પીવાનું ચાલુ કર્યું. સારું હતું કે ગમે તેટલું પીને ઘરે આવે પણ મારા પર કદી હાથ ઉપાડ્યો ન હતો. મા બધું જુએ અને દિવસે દિવસે ગળતી જાય. જુવાનીમાં અંધ બનેલી હું આ કશું જોઈ ન શકી. મા ગઈ અને પતિએ પીવામાં નોકરી ગુમાવી. સારું થયું બાળકો ભણી ગણીને તેમને રસ્તે પડી ગયા. કોઈનામાં તાકાત ન હતી મને મારા ગુન્હા બતાવવાની. અંતે તેમની તબિયત લથડી અને મારે ઘરકામ કરવાનો વારો આવ્યો. માતા અને પિતા પાસે પૈસા માગવામાં મને નાનમ જણાઈ. હવે ભૂલ સમજાઈ ત્યારે ખૂબ મોડું થઈ ગયું છે.

ગયા વર્ષે મારા માતા અને પિતા બદ્રીનાથની જાત્રા કરવા ગયા હતાં. તેમની બસ ને અકસ્માત નડ્યો અને બન્ને જતા રહ્યા.

ભલું થજો મારી દીકરીમાં ,’સાસુમા’ના ગુણ ઉતર્યા છે. સાસરીમાં દુધમાં સાકરની જેમ ભળી ગઈ છે.  દીકરાઓ , પિતાની હાલત જોઈ ખૂબ દુખી થાય છે. મારા તો,’ હાથના કર્યાં હૈયે વાગ્યા’ જેવા હાલ છે. મને ઘણીવાર થાય છે, ‘શામાટે મારી માતાએ મને લગ્ન પહેલાં કશું કેમ ન કહ્યું’. જો કે બધો દોષ માતા યા પિતાને આપવો એ સત્ય નથી.’

જસુ તેના પતિને ખૂબ ચાહતી હતી, હજુ પણ ચાહે છે.  કોને ખબર એની આંખે શેના ચશ્મા હતાં ?  જસુની વાતો મારા કાનમાં ઘુમરાઈ રહી. એક પળ શ્વાસ લેવા પણ જસુ રોકાતી નહી. એકધારી, વણથંભે તેની વાણી વહી રહી હતી. તેની વાણી જાણે હ્રદયમાંથી નિકળતી હોય એમ લાગતું હતું.જસુ હવે માત્ર કામવાળી ન હતી. સંજોગોની મારી હોવાથી કામ કરી રહી હતી. મારે ત્યાં વધારે વખત ગાળતી અને દિલથી કામ કરતી. તેનો પગાર પણ સારો હતો. ધીરે ધીરે બીજાં બધા કામ છોડી દીધાં.  મને પણ તેનો સ્વભાવ અને કામ કરવાની આવડત ગમી ગયા હતાં.

હું એકલી હતી. જસુ મારી ખૂબ કાળજી કરતી. એક મોટી બહેનની જેમ મારું બધું સાચવતી. તેને કારણે મારાં બાળકો હવે ચિંતા કરતાં નહી. જસુએ ઘરની બધી જવાબદારી ઉપાડી લીધી. જાણે પહેલાંની જસુ જ ન હોય. તેને કેળવવામાં તેની સાસુએ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

એક દિવસ સવારે ઘરમાં આવીને રડવા લાગી. મેં એને પાણી આપી પૂછ્યું,’કેમ શું થયું”?

‘બહેન મારા પતિને કેન્સર છે’.

મારા હાથમાંથી પાણીનો ગ્લાસ પડતાં પડતાં રહી ગયો. તેને ધીરજ બંધાવી, સરખી ડોક્ટરી તપાસ કરવાની સલાહ આપી.

‘પૈસાની ફિકર કરતી નહી’. જસુએ મન મૂકીને તેની સાર સંભાળ લીધી. શરૂઆતના તબક્કામાં કેન્સર હોવાથી જસુનો પતિ રોગ મુક્ત થઈ ગયો. ચાકરી દરમ્યાન તેણે પત્નીને ઓળખી.  તેની આંખો ખૂલી ગઈ. જસુનો પ્યાર તેણે અનુભવ્યો. પોતાના બેહુદા વર્તન માટે અફસોસ અને પસ્તાવો થયો.

થોડો વખત બીજી બાઈનો બંદોબસ્ત જસુએ કરી આપ્યો હતો. તરત નિદાન થયું હતું તેથી તેના પતિને રોગ મુક્ત થતાં વાર ન લાગી. જસુએ ખૂબ પ્રેમથી તેની સારવાર કરી. ત્યારે તેની આંખ ઉઘડી. જ્યારે તેણે ફરીથી નોકરી કરવાનું ચાલુ કર્યું, ત્યારે પહેલાં દિવસની રાતે જસુને પડખામાં ઘાલતાં બોલ્યો. “તું ક્યાં ગઈ હતી”?

“ઉપલો માળ”

27 11 2016

floor

*****************ઉપલો માળ

 

 

 

 

માતા અને પિતાની છત્રછાયા વગર સોમો ઉછર્યો હતો. બે ભાઈઓમાં સોમો નાનો. સોમાને મોટોભાઈ ખૂબ ચાહતો અને હરખાતો. બન્ને વચ્ચે ઉમરમાં ઝાઝો ફરક હતો. ઘણાં વર્ષે સોમાની માને દિવસ ચડ્યાં  હતાં. તેથી  માએ મુખ ભાળ્યું ન ભાળ્યું ત્યાં તો ગામતરે ગઈ.

“આ સોમો છે ને તેનો ઉપલો માળ ખાલી છે.”  નાનપણથી આ વાક્ય સાંભળીને સોમો મોટો થયો હતો.  પિતાને  રાજ રોગ થયો હતો . સોમાના જન્મ  પહેલાંજ પિતા આ ફાની દુનિયા છોડી જતા રહ્યા હતાં. માને આ ઘા કાળજે લાગ્યો હતો. સોમાને જન્મ આપી, મોટાભાઈને હવાલો સોંપ્યો . પિતા સારા એવા પૈસા મૂકીને ગયા હતાં. પ્રેમાળ ભાઈએ તેનો એક પણ પૈસો દબાવ્યો નહી.

ભાભી નવી પરણેલી હતી. લગ્નને બે વર્ષ માંડ થયા હતાં ત્યાં, દિયર મોટો કરવાનો આવ્યો. વેઠ ઉતારે, સોમાનો ભાઈ બધું સમજે પણ શું કરે? નવી પરણેતરને નારાજ કરવાનું પાલવે તેમ ન હતું. સોમો ધૂળમાં રમી મોટો થયો. જ્યારે ભાભીને પોતાના બાળકો થયા ત્યારે વગર પૈસાનો નોકર,’ દિયર’ મળી ગયો. જે નાના ભત્રીજા અને ભત્રીજીનું ધ્યાન રાખતો . તે ભણે કે નહી તેની ભાભીને કોઈ ચિંતા ન હતી. આ જીવનામાં જે્નું કોઈ ન હોય તેનો બેલી ભગવાન . સોમો વગર માસ્તરે પહેલે કે બીજે નંબરે ઉત્તિર્ણ થતો. જ્યારે ભત્રીજા અને ભત્રીજી બબ્બે માસ્તર ભણાવવા આવે તો પણ માંડ માંડ ધક્કા મારીને પાસ થતાં.

ગમે તેટલી હોશિયારી સોમામાં હોય છતાં પણ ,’તેનો ઉપલો માળ ખાલી છે ‘એવું ભાભીએ તેના મગજમાં ઠસાવી આપ્યું હતું. હા, સોમા ને કોઈ અવળચંડાઈ ગમતી નહી. ભાભીની સામું બોલતો નહી. ભાભી કહે તે બધાં કામ કરી આપતો. બને ત્યાં સુધી શાંત રહેતો. જાણે તેના મોઢામાં મગ ન ભર્યા હોય ! કાવાદાવાથી સો જોજન દૂર સોમો ભણવામાં પાવરધો નિવડ્યો. નવરાશની પળમાં માળિયે ચડીને ચોપડીઓનો થોથાં વાંચતો હોય.

મોટાભાઈના નસિબ સારાં, ધંધામાં બરકત આવી ખૂબ કમાયા. સોમો ભણ્યો પણ ઘણું. નાનપણથી ભાભીને જોઈ હતી. ભાભી તો તેની મા હતી. પોતાની ઉપેક્ષા પણ અનુભવી હતી છતાં ભાભીમાને પ્યાર કરે.  મોટાભાઈને વંદન કરે. કદી તેમણે સોમાને ખસ કહ્યું ન હતું. ભાભી ભલે ગમે તે કરે, ભાઈ સોમાને લાડ કરવામાં કમી ન રાખતો.

એક વાત તેના મગજમાં જડબેસલાક બેસી ગઈ હતી. ‘સ્ત્રી’ પ્રત્યે  કોઈ સંવેદના અનુભવતો નહી. ભણીગણીને કમાતો થયો. નોકરી પર તેની સાથે કામ કરતી શીલાને તે ખૂબ ગમતો. શીલાને તેના સંસારિક બાબતની કાંઇ ખબર ન હતી.  સોમાના શાંત સ્વભાવને કારણે ખૂબ કુણી લાગણી બતાવતી. બન્ને સાથે એક કેબિનમાં બેસતાં. કામકાજ હોય ત્યારે સાથે કરતાં. સોમો સ્ત્રીઓ પ્રત્યે ઉદાસ કેમ છે તે જાણવા મથતી.

સોમો વિચારતો બધી સ્ત્રીઓ,’ ભાભી જેવી ન હોય’. છતાં પણ કામ પૂરતી વાત. એક વખત સાથે ચા પીતાં ,શીલા બોલી, ‘મારી ઓરમાન મા કેમે કરી રાજી નથી થતી. બધો પગાર પણ લઈ લે છે. પિતાજી તેને કશું કહી શકતાં નથી’. સોમો હવે નાનો ન હતો, કે આ વાક્યનો અર્થ ન સમજે. તેને શીલા પ્રત્યે લાગણી થઈ.  કામ પર ઘણાં સ્ત્રી મિત્રો તેની આજુબાજુ આંટા મારે પણ તેને કોઈ ફરક ન પડતો.  હમણાંથી શીલા તેના વિચારોમાં ડોકિયા કરી જતી. શીલાને અંદાઝ આવી ગયો હતો, આશા બાંધીને બેઠી હતી.

એક વખત તો  બન્ને ભાઈ કામ માટે બહાર ગયા હતાં ત્યારે પ્રેમથી મોટાભાઈએ વાત છેડી. ‘સોમા, શું તું ક્યારેય ઘરસંસાર નહી માંડે”?

‘મોટાભાઈ મને તમે પિતા કરતાં વધારે પૂજ્ય છો. હવે હું નાનો કીકલો પણ નથી. આદરથી કહું છું, આપણે આ વાત ન કરીએ તો કેવું”? શીલા વિષે અત્યારે કાંઈ કહેવું તેને યોગ્ય ન લાગ્યું.

મોટોભાઇ સમજી ગયો. તેના નાના ભાઇ સોમાનું જીગર, ખૂબ આળું થઈ ગયું છે. મા વગરનો ઉછર્યો છે. તે બાળપણ વિસારી શકતો નથી. હા, તેની જીંદગી ખૂબ સોહામણી છે. ભલેને બન્ને ભાઈ એક ઘરમાં તો સાથે રહે છે. તેને તેના નસિબ પર છોડી દેવો જોઈએ. ત્યાર પછી તેમણે આ વાતનો ઉલ્લેખ કયારેય ન કર્યો.

પૈસાનો વરસાદ ચારે તરફથી હતો. ક્યારેય પૈસો તેના દિમાગ પર બેસી રાજ ન કરતો. હવે તેને ઘરકામ યા બાળકોનું કોઈ કામ કરવું ન પડતું. મોટાભાઈએ બંગલમાં,’ ઉપલો માળ’ તેને માટે ફાળવ્યો હતો. હવે તે બરાબર સમજતો થઈ ગયો હતો, ‘ઉપલો માળ ખાલી છે’. તેનો અર્થ પણ જાણતો હતો. છતાં તેણે કોઈ અસંતોષ ન દર્શાવ્યો. તેને થતું ભાભી એ તેને ભણવા તરફ પ્રેર્યો હતો.  જો કદાચ ભાભીએ પ્યાર આપ્યો હોત ,તો તે આજે આ સ્થાને કદાચ ન હોત.   તેના આંસુ પુસ્તકોએ લુછ્યા હતાં. મોટાભાઈના બાળકોમાંથી નવરો પડતો ત્યારે ચોપડાં લઈ કાતરિયામાં ભરાતો.

મોટાભાઈના બન્ને બાળકો પરણી ઠરીઠામ થયા. દીકરો લાખ મનાવ્યા છતાં પિતા સાથે ધંધામાં ન બેઠો. પ્રેમ લગ્ન કરીને ,પત્નીનો ચડાવ્યો અમેરિકા ભેગો થઈ ગયો. બન્ને બહુ કમાતાં નહી પણ ગુજરાન ચાલતું. તેની પત્ની  થોડું ભણેલી હતી તેથી બેંકમાં નોકરી કરતી.

ભાભી ને હવે દિયરની કિમત સમજાઈ. સોમા એ પોતાના સૂવાના રૂમમાં મકાનનું પેઈંન્ટીંગ ભિંત ઉપર મઢાવીને મૂક્યું હતું.  જેમાં ત્રણ માળ સુંદર સજાવેલા હતાં અને ઉપલો માળ માત્ર બારી બારણા દર્શાવતાં. આમ પણ પોતે મકાનના ઉપલા માળ પર ખૂબ શાંતિથી રહેતો. ઓછામાં ઓછી જરૂરિયાત સાથે. સાદગી તેનો જીવન મંત્ર હતો.

એક વાર ચોમાસામાં મુશળધાર વરસાદ પડ્યો. સોમો બિમારીનો ભોગ બન્યો. ત્રણ દિવસથી નીચે ઉતરી ઘરની બહાર ગયો ન હતો. નોકર આવીને ખાવાનું કે ચા આપી જતાં. ભાભી તો દીકરો ગયા પછી ઠંડી થઈ ગઈ હતી. દીકરી પણ પરણીને સાસરે ગઈ. ઘરમાં ત્રણ મોટાં રહેતાં. કોણ કેટલામે માળે છે તે ફોન ઉપરથી જાણી લેતાં. મોટોભાઈ બે દિવસ ખબર કાઢવા આવ્યો. પછી ફોન કરી સોમાની તબિયતની ભાળ રાખતો. ગઈ કાલે રાતના બારે મેઘ ખાંગા થયા હતાં. આખી રાત વરસાદ ધુમ વરસ્યો. જાણે વાદળમાં કાણું ન પડ્યું હોય !

સોમાને તો ઘેનમાં કાંઈ ખબર ન પડી. મકાનમાં પાણી ભરાણાં . પહેલો માળ આખો પાણીમાં ભાઈ અને ભાભી ને તરતાં ન આવડતું. ઉંઘમાં ખલેલ ન પડીકે શું બન્ને જણા નિંદરમાં કાયમ માટે પોઢી ગયાં. સવારના પાંચ વાગે સોમા ને મકાન ઉપર હેલિકોપ્ટર આંટા મારતું જણાયું.  માંડ માંડ ઉભો થઈને પોતાના ઉપલા માળની નાની અગાસિ પર બહાર આવ્યો.

હેલિકોપ્ટર વાળાએ કહ્યું, ‘હમ સીડી ડાલતે હૈ, તુમ ઉસે પકડર ઉપર આ જાઓ. તુમ્હારા  પૂરા મકાન પાનીમેં ડૂબ રહા હૈ. અપની જાન બચાલો.’

‘સોમો કહે, મારા ભાઈ અને ભાભી નીચે પહેલે માળે સૂતાં છે’.

‘વો લોગોંકે બચનેકી કોઈ ઉમ્મીદ નહી હૈ”.’

છેલ્લી નજર મકાનના’ ઉપલા માળ’ પર નાખીને સીડી ચડી હેલિકોપ્ટરમાં આવી ગયો.