
સ્નેહનું બંધન સૂતરને તાંતણેથી હોય કે પ્લાસ્ટિકની દોરીથી તેની ઘનિષ્ઠતા પરખાય આ માનવીના મનમૌજી મનથી. મન તું તારે અને મન તું બંધનને મનમાન્યું બનાવે. એ બંધનમાં જ્યારે સ્નેહનું સિંચન થાય ત્યારે એ મહેકી ઉઠે. શિતલ, સરલ અને સહજ સ્નેહ, નસિબદાર હોય તેને પ્રાપ્ત થાય.
સંબંધના બંધ બાંધ્યા પછી તેને સુરક્ષિત રાખવા કાયમ ઉદ્યમી રહેવું પડે . આ એ બંધ છે જેને નથી સિમેન્ટ જોઈતો યા નથી ટાઢ કે તડકો. સ્નેહનું ખળખળ વહેતું ઝરણું તેમાં અમીનું સિંચન કરવા માટે કામિયાબ પુરવાર થયું છે. જરા વિચાર કરીશું તો કંપારી છૂટશે, ‘જો આ જીવનમાં સ્નેહનો અભાવ હોત તો?’
વણ માગ્યે જ્યારે આપણે આ પૃથ્વી પર પગરણ કર્યું ત્યારે અનેક સ્નેહ સંબંધથી આપણે ગુંથાયા. માતા, પિતા , દાદા, દાદી, નાના, નાની, ભાઈ, બહેન અને બીજા અગણિત પરિવારના સભ્યો. કોણે આ સંબંધને તૈયાર ભાણે આપણને પિરસ્યા. એક જ જવાબ છે.
‘સર્જનહારે, માતા દ્વારા’.
વખત જતાં ભલે એ સંબંધમાં ભરતી કે ઓટ આવે પણ તેનું નામોનિશાન ભુંસવું અશક્ય છે. યથા સમયે એ સ્નેહ સપાટી પર આવી તેનું અસ્તિત્વ આપણી સમક્ષ જાહેર કરે, ત્યારે આંખો પહોળી થઈ જાય છે. તેથી તો કહ્યું છે ,’ડાંગે માર્યા પાણી જુદા ન થાય’. ડાંગ અને પાણી આમાં સ્નેહ કોને કહીશું અને પાણી કોને, જેમ’ પહેલાં મરઘી કે પહેલાં ઈંડુ’, તેના જેવો આ પ્રશ્ન છે.
આ સ્થળે શંકરાચાર્યના જીવનમાં બનેલી હકિકત આંખ સમક્ષ તરવરી ઊઠે છે. શંકરાચાર્યને સન્યાસ લેવો હતો. માતા આજ્ઞા આપતી ન હતી. વિધવા માતાનો લાડલો, મા કોને સહારે જીવન ગુજારે ? આખરે મગરે પગ પકડ્યો છે એમ કહું ત્યારે માતાએ આજ્ઞા આપી અને મગરે તરત શંકરાચાર્યનો પગ છોડી દીધો. તે સમયે તેઓ સાત વર્ષના બાળક હતાં. માતાએ એક વચન માગ્યું.
‘મારું મૃત્યુ થાય ત્યારે અગ્નિદાહ દેવા તારે આવવું પડશે.’
હવે, સંસારનો ત્યાગ કર્યા પછી આવા લૌકિક સંબંધો નિભાવાય નહી. છતાં પણ સ્નેહના સંબંધે બંધાયેલા શંકરે માતાને વચન આપ્યું ,
‘મા હું, જ્યાં પણ હોઈશ તારા અંતિમ સમયે હું, જરૂર આવીશ”.
સ્નેહના બંધનની આ પરાકાષ્ઠા અદ્વિતિય છે. ભલે આ સન્યાસીની વાત હતી. આપણા જેવા સામાન્ય માનવીઓ તો સંસારમાં રચ્યાપચ્યા હોઈએ છીએ. આપણે તો રોજ નવા બંધનમાં બંધાઈએ છીએ. આમાંથી કેટલા નિભાવીએ છીએ તેનો હિસાબ પણ રાખતા નથી. જેમાં સ્નેહ કેન્દ્રમાં ન હોય તે સંબંધ હોવો ન હોવા બરાબર છે. પામર માનવી હમેશા સ્વાર્થની ધૂરી પર પોતાનો સંસાર રથ ચલાવે છે. રથની મુસાફરી દરમ્યાન જ્યાં મધ ભાળે છે ત્યાં સંબંધ બાંધી નિષ્ફિકર બને છે. જ્યારે મધ ખતમ થઈ જાય ત્યારે પેલા ભમરાની માફક બીજા ફુલને ચૂસવામાં તલ્લિન બને છે.
જ્યારે મારા પાડોશી અનિકેતભાઈ નાની ઉમરમાં શ્રીજી ચરણ પામ્યા ત્યારે બે બાળકોને તથા જુવાન પત્નીને મધદરિયે સામી બાજુએ તરવા છોડી ગયા. તેમનો મોટો દીકરો ઠરેલ હતો. નાનાને એવો સખત આઘાત લાગ્યો હતો કે તેને કળ વળતા સમય લાગ્યો. અરુણિમા તેમની પત્ની સાવ ભાન સાન ગુમાવી બેઠી હતી. કુટુંબ અને મિત્રોએ તેને જાળવી. મોટા દીકરાએ ઘરની જવાબદારી ઉઠાવી. સમય, સહુથી મોટો ગુરૂ છે. પિતાની કેળવણી અને માતાના સંસ્કારે જીવન જીવી રહ્યા હતા. બન્ને ભાઈઓ ભણ્યા, પરણ્યા અને ઠેકાણે પડ્યા. સ્નેહને તાંતણે બંધાયેલો તેમનો પરિવાર સંબંધને ગાઢ કરતા જીવન જીવી રહ્યા. ઘણી વાર આડંબર અને અહંકાર જ્યારે સ્નેહમાં મિશ્રિત થાય છે ત્યારે એ સંબંધની જડ હલબલી જાય છે. જ્યાં સ્નેહનું સિંચન છે, તે ટસનું મસ થતું નથી. જ્યાં ઉપર છલ્લો સ્નેહ છે, દેખાડો છે તે જીવનમાં ઝંઝાવાત ઉતપન્ન કરી શકે છે.
અરુણિમા પોતાના સ્નેહમાં જરાપણ બાંધછોડ કરતી નહી. તેને મન તો પરિવાર એટલે વટવૃક્ષ. એ વટવૃક્ષની જડ એટલે અરુણિમા અને અનિકેત. અનિકેતના સહારા વગર મુશ્કેલી પાર કરવાની જવાબદારી તેના શિરે આવી. તેણે વિચાર્યું, અનિકેત લગ્ન મંડંપમાં હાથ ઝાલી સાથ નિભાવવાની કસમ ખાઈ ફરી ગયો. તો હવે સર્જનહારને ભરોસે મુશ્કેલીઓને અર્પણ કરો. જો સ્નેહનું અટૂટ બંધન મજબૂત હશે તો સંબંધમાં ઉની આંચ પણ પેલો આવવા નહી દે . અરે તિરાડની પણ શક્યતા નથી. આમ સંબંધમાં, ચડ ઉતર એનું નામ તો જીંદગી છે !
નદી પર બંધ બાંધવા કેટલો વિચાર કરવો પડે. માલ સામાન જોઈએ, કારીગરોની, એન્જીનિયરોની જરૂર પડે. તેમાં જો કાચુ કામકાજ થાય તો બંધ ટૂટી પણ પડે. આમ જોઈએ તો સંબંધનો બંધ માત્ર સ્નેહના સૂતરે બંધાયેલો હોય છે. તેને સ્નેહનું સિંચન અને આદરનું ખાતર નિયમિત મળવું જોઈએ. એક બનેલો પ્રસંગ માનસ પટ પર ઝબકી ગયો. મારી એક મિત્ર છે. હવે કુટુંબમાં કાંઇ ને કાંઈ ખટપટ કહો તો ખટપટ યા કાવાદાવા ચાલતા હોય. તેને માટે જેને પૂર્વાગ્રહ હતો એ મને સમજાવવા આવ્યો. તેની અસલિયત બતાવી ગયો. મને મારા ,મિત્ર વિષે કશું પણ જાણવામાં રસ ન હતો. તેનો પીછો કઈ રીતે છોડાવવો. હવે તેના કુટુંબમાં કોઈ પણ પ્રશ્ન હોય તેમાં મારી મિત્રતામાં શું વાંધો આવે ?
એક સાંજે અમે બન્ને એકલા હતાં. મેં કહ્યું ,’તમને વાંધો ન હોય તો એક વાત કહું. તમે જે મારા મિત્ર વિષે વાત કરો છો એના વિષે સાંભળવામાં મને જરા પણ રસ નથી. મને મારા મિત્ર ઉપર ગળા સુધીની ખાત્રી છે. જો હું તેના ખોળામાં માથુ મૂકીને સૂતી હોંઉ અને એ મારું ગળું કાપે તો પણ મને થશે. તેમાં મારું કાંઈ ભલું જ હશે’. પેલી વ્યક્તિ તરત વિદાય થઈ. આજની ઘડી અને કાલનો દિવસ મારા મિત્ર વિષે એક શબ્દ ત્યાર પછી સાંભળવા મળ્યો નથી. આ થઈ સંબંધની ગુરૂ ચાવી.
“વિશ્વાસ અને શ્રદ્ધા”.
સ્નેહ ખૂબ પવિત્ર છે. તે નથી પુલિંગ કે નથી સ્ત્રીલિંગ. તેને જાત પાતના ભેદભાવની ખબર નથી. તે ખૂબ નિષ્કામ છે. સ્નેહમાં સ્વાર્થ ભળે ત્યારે તે દુષિત થાય છે. સ્નેહને ઉમરનો બાધ નડતો નથી. સ્નેહ ગંગાજળ જેવો પવિત્ર છે. જ્યારે તેમાં સ્વાર્થ, અહંકાર અને મલિન દૃષ્ટીની મિલાવટ થાય છે ત્યારે ભલભલા ચમરબંધી તેની ચુંગલમાં ફસાય છે. જે સ્નેહનો પુલ હતો તે કડડડ ભૂસ થઈને ટૂટી પડે છે. સ્નેહને અંતરની આરસીમાં નિહાળવો. જો તેના પર ધુળ બાઝી ગઈ હોય તો સાફ કરો. અણીશુદ્ધ પવિત્રતાની ઝાંખી થશે. સ્નેહથી ઉપજેલો નયનોનો મેળાવડો, વેરાન ન થઈ જાય તેને માટે સદા જાગ્રત રહેવું.
એક વખત બગિચામાં બેઠી હતી. મારી પડોશનો એક બાળક દોડતો આવીને બીજા બાંકડા પર બેઠો. તેની મમ્મી મારી સહેલી હતી. દરરોજ બગિચાના એક બાંકડા પર બેસવાની મારી આદત મને જીવનમાં પ્રેરણા પ્રેરતી. એકાંત અને એકલતા મારા ગાઢ મિત્રો છે. એ બાળક શાળાએ ચાલીને જતો. આજે વહેલો હશે એટલે બાંકડા પર બેઠો. શાળા બરાબર સામે જ હતી. દફતરમાંથી મમ્મીનો આપેલો નાસ્તો ખાવાની તૈયારી કરતો હતો, ત્યાં બાજુમાં એક વૃદ્ધા,( ગરીબ અને ભૂખી) તેની સામે તાકી રહી હતી. નિઃસ્વાર્થ બાળકે તેને અડધું ખાવાનું આપ્યું. જ્યારે પાણી પીવા જતો હતો તો પોતાની પાણીની બાટલીથી અધ્ધર પીધું અને તેને પણ આપ્યું.
તેની આ ચેષ્ટામાં કોઈ કૃત્રિમતા ન હતી. માત્ર સ્નેહ છલકતો જણાયો. કામ પુરું થયું એટલે દોડીને શાળાએ ગયો.
રાતના તેની મમ્મી મને મળી. ‘અરે પમી, આજે મારો દીકરો બહુ ખુશ હતો. મને કહે મમ્મી મને ભગવાન મળ્યા’.
‘હું, સાંભળી રહી. ‘
બગિચામાં બનેલી બધી વાત મને કરી જેની હું સાક્ષી હતી.
પેલા બાળકના ગયા પછી જે સ્ત્રી બેઠી હતી તેની બાજુમાં તેના જેવી બીજી સ્ત્રી આવીને બેઠી. જે મેં કાનોકાન સાંભળ્યું હતું.
જેના મુખ પર હાસ્ય અને સંતોષ ફરકતા હતાં એ સ્ત્રી બીજીને કહે , ‘આજે મેં ભગવાન જોયા’!
બીજીની આંખો પહોળી થઈ ગઈ.
‘ક્યાં”.
‘અરે તું આવી તે પહેલા અંહી જ બેઠા હતાં. નાના દસ વર્ષના બાળક જેવા. તેમના નયનોમાંથી સ્નેહ ટપકતો હતો. મુખ પર હાસ્ય હતું. ‘
આ છે પ્રતાપ, સ્નેહ દ્વારા બંધાયેલા બંધનનો. જીવન ખૂબ થોડું છે. જીવન જીવવા જેવું છે. નાના મોટા અવરોધો અને તોફાન આવ્યા કરે. જે માત્ર જવા માટે આવતા હોય છે. બની શકે તો જીવી જાણો. ઉદાર દિલ અને નિર્મળ સ્નેહની લ્હાણી કરો. પાણીમાં દોરેલી લીટી કેટલી પળ ટકશે તમને અને મને બન્નેને ખબર છે. સ્નેહ અને સંબંધ ને વિશ્વાસની સાંકળથી બાંધો.
તાજેતરની ટિપ્પણીઓ