“વજૂદ” ૧. (why)

16 03 2019

 

 

શ્રી કૃષ્ણાય નમઃ

જ્યાં સુધી આ દિમાગ લખવામાં તલ્લિનતા નહી અનુભવે ત્યાં સુધી “કશુંક” અદભૂત લખાય તે કાજે પ્રયત્નો જારી રહેશે ! એકલતામાં ‘લેખન પ્રવૃત્તિ’ આજે પ્રાણવાયુ બનીને જીવનની ગાડી તેજ રફતારથી ચલાવી રહી છે. સર્જન એ સામાન્ય કાર્ય નથી. ઉંડી સાધના, મનની એકાગ્રતા અને તનની સ્ફૂર્તિ આવશ્યક છે. ૨૦ વર્ષનો મહાવરો આજે અંદરથી બંડ પોકારી ઉઠ્યો છે.

” તારા કોઈ પણ કાર્યમાં ભલિવાર નથી ” !

” અંતર હલબલી ગયું,, ક્યાં ગોથું ખાઈ ગઈ? અભ્યાસ અધૂરો રહ્યો ? વૈરાગ્યની તો જોડણીમાં પણ ભૂલ છે ! સુંદર વિષયની પ્રસવ વેદના અનુભવી. બસ હવે એક જ માર્ગ બાકી રહ્યો. , ‘શ્રી કૃષ્ણનું શરણું’ ! જેના વગર ઉદ્ધાર શક્ય નથી. “હું કરું ” એ વાતમાં રતિભર તથ્ય નથી. ‘એ કરાવે ને હું કરું’ એ મંત્ર લાધ્યો છે. મંત્ર લાધ્યે કાંઈ કામ થાય નહી. તેની પાછળ આરાધના અને સતત પ્રયત્ન જારી રહેવા જોઈએ. બંને વફાદારીથી કરવા કમર કસી.

જીવન કેટલું સુંદર છે ! આ પૃથ્વી પર આવવાનું, લાંબુ આયુષ્ય ભોગવવાનું, સારા કર્મો કરવાનું ,કોણે કહ્યું હતું ? કહ્યું તો કોઈએ પણ ન હતુ! માત્ર જીવન દરમ્યાન પ્રાપ્ત કરેલા અનુભવોની ગઠરી જોતા થતું હતું, ‘બસ જન્મ ધરીને વિદાય થઈશ’ ? પ્રભુએ આ પૃથ્વી પર મનખા દેહ આપ્યો તે તેની પાછળ કાંઇ ઉદ્દેશ તો હશે ને ? બાકી આવ્યા, ખાધું, પીધું, બાળકો ને દુનિયામાં લાવી જીવન પુરું કર્યું ?

ના, ના પ્રભુ એવું જીવન જીવવા, તેં મને નહોતી મોકલી. સમાજનું ઋણ ઘણું છે, માતા અને પિતા હવે હયાત નથી એટલે વાત કરવી વ્યર્થ છે. બાળકો પ્રત્યેની ફરજ હવે સંપૂર્ણપણે અદા થઈ ગઈ છે. તો રહ્યું, બાકી, જીવનની યથાર્થતા ને હકિકતમાં બદલવાની ! આળસ કરે કામ નહી થાય. સતત જાગ્રતતા આવશ્યક છે. સમય ઘટતો જાય છે. હર  પળ ખૂબ કિમતી છે.

જ્યાં જ્યાં નજર ઠરે ત્યાં રમખાણો દેખાય છે. આતંકવાદના ઓળા ચારે તરફ ફેલાયા છે. શાંતિ ક્યાંય નજરે પડતી નથી.. અરે ઘરમાં બેઠેલી પેલી સામે રહેતી બુઢ્ઢી માને ગોળી વાગીને મરણ પામી. દુકાનમાં પાન બીડી વેચતો પેલો કાસિમ, ખટારાની બ્રેક ફેલ જવાથી કચડાઈ મર્યો. કાસિમના નસિબમાં આવું કરૂણ મૃત્યુ લખાયું હશે ?

પેલો સર્જનહાર જાણે !

આ વિશાળ ધરતીના ફલક પર ક્યાંય જિંદગી સલામત નથી. માતાનું સ્તનપાન કરતું બાળ, માના સ્તનના વજનથી ગુંગળાઈને મરી ગયું. હવે આનાથી વધુ કરૂણ મોત શું હોઈ શકે ? દિવાળીના દિવસોમાં ફટાકડાને કારણે આગ લાગીને ઝુપડપટ્ટી આખી ભસ્મિભૂત થઈ ગઈ.

ભલે દુનિયામાં પૂર આવે, ધરતિકંપ થાય. પર્વત ધસી પડે, સુનામી આવે કે વા વંટોળ, કુદરતના ખોફને કોઈ ન પહોંચી શકે. છતાં પણ જીવન જીવવા જેવું તો ખરું !  ૮૪ લાખના ફેરામાંથી મંડ માંડ બહાર નિકળિએ ત્યારે આ અણમોલ માનવ જન્મ મળે છે. પછી ભલેને ગમે તેટલી વિકટ પરિસ્થિતિ કેમ ન હોય સામનો કરી લેવાનો. નહિ તો પાછા ૮૪ લાખ યોનીમાં ભટકવાનું તો નસિબમાં છે જ ! કદાચ સત્કર્મો કરીશું તો બેચાર જનમ ઓછા થશે ?

એવું નથી કે દરેક માનવી સારા કૃત્ય કરીને હરિ ૐ શરણ થાય છે ? દંગો, ફસાદ, લુંટફાટ, મારામારી, કોમી હુલ્લડો બધુ રોજ બને છે. અપહરણના કિસ્સાથી તો આખું અખબાર ભરેલું જણાય છે. છતાં પણ ‘જીવન તો જીવનછે !મનને મનાવું છું કે, અમાનવિય કૃત્ય કરનારની માનસિક સ્થિતિ કદાચ તેમના બાળ ઉછેરને કારણે હોઈ શકે ? બાળકનું ઉદરમાં આગમન ,તમે માનો કે ન માનો શારિરિક ભૂખને સંતોષવાનું છે ! આ જગે અવતરનાર દરેક બાલ માતા અને પિતાની સંમતિથી નથી આવતા એ હકિકત સ્વિકારવી રહી. ,

કોને ખબર કયા ચોઘડિયામાં જન્મ થયો હતો ? બધા બાળકો જન્મતાની સાથે રડે આ ઢીંગલી એક ડુસકું મુકીને પછી મંદ મંદ મુસ્કુરાઈ ઉઠી. જાણે અંદરની અંધાર કોટડીમાંથી તેનો છૂટકારો થયો  ન હોય! અંદર લહેર હતી પણ ચારે તરફ ઘોર અંધારું, કિરણના સ્પર્શ માટેની ઉત્કટ ભાવનાને કારણે પંદર દિવસ વહેલી  ટપકી પડી. પપ્પા તો તેનું મોહક મુખડું જોઈને હરખાઈ ઉઠ્યા. મમ્મીને કેમ જાણે પોતાની  આશા પૂરી ન થઈ એટલે ખુશી ઓછી થઈ. પણ વાંકડિયા ઝુલ્ફાં, ગાલમાં પડતાં ખંજને તેના મુખ પર લાલી ફેલાવી.  નવ મહિના મને પેટની તિજોરીમાં વહાલભેર સાચવી હતી ને ?  ત્રણ દિવસ હોસ્પિટલમાં રહી ઘરે આવી. દાદા અને દાદી તો મને જોઈને ગાંડા, ગાંડા થઈ ગયા હતા.

ફોઈબાની મરજી હતી મારું નામ ‘તનમન’ પાડે. મારા મમ્મી અને પપ્પાને ‘તન્વી’ રાખવું હતું. ફોઈબાને તો દાપુ મળે એમાં રસ હતો. ઓળી ઝોળી પિપળ પાન , ફોઈબાએ પાડ્યું,’ તન્વી’ નામ. તન્વી ધીમે ધીમે લાડકોડ પામીને મોટી થતી ગઈ. નાનું બાળક માત્ર દુધ પીએ અને ઉંઘે. તન્વી, ધાર્યા કરતા વધારે શાંત હતી. પેટ ભરીને જ્યારે માતાનું દુધ પીધું હોય તો ત્રણ કલાક સુધી ઘોડિયામાં હાલતી પણ નહી. મમ્મી, વારે વારે આવીને જોઈ જાય ‘હું ,જીવું તો છું ને?’  જરાય ચું કે ચા ન કરતી. સમય પાણીના રેલાની જેમ પસાર થઈ રહ્યો હતો.

ખબર નહી કેમ, અમૃત સમું સ્તનપાન કરતાં ખાંસી બહુ આવતી! તર્ક કરવા દિમાગ પ્રેરાયું,  , માતાના મનમાં ઉદભવતા અનેક તરંગ સમાન વિચારો. દીકરા માટેની ઘેલછા જેને કારણે તેનું ચિત્ત ક્યારેય મારામં લાગતું નહી. કદાચ હું ખોટી પણ હોઈ શકું ? ખેર હવે એ પ્રશ્ન અસ્થાને છે.

મારી વહાલી દાદીના બે દીકરા. એક પિતાજી અને બીજા મારા નાના કાકા.આખી જિંદગી દાદા અને દાદી દીકરી માટે વલખા મારતા હતાં. મારી માતાનું વહાલ ઘરના આપ્તજનો દ્વારા હું મહેસૂસ કરતી. છતાં અંતરના ભંડાકિયામાં તેની અપેક્ષા સતત રહેતી.

તેમની વાતો પરથી ! જ્યારે મારી માના કિસ્સામાં, તેની બે બહેનો, નાનાને એક લાડકી નાની બહેન, નાનીને બે બહેનો. જાણે દીકરાનો દુકાળ ન પડ્યો હોય !  મારી માને દીકરો આવે તેવા અરમાન હોય એમાં શું નવાઈ ? ! હવે સમજી શકાય  કેમ મારી માને હું ‘જરા ઓછી ગમતી ‘ ! એકવાર મારી માને મોઢેથી જ્યારે સાંભળ્યું કે મારી નાની કેટલી ખુદ્દાર હતી.

” મારા ત્રણે જમાઈ એવા લાવીશ કે તેમના જણ્યા પણ સુંદર હોય ” ! આવી નાની પર મને ખૂબ ગર્વ હતો. દીકરીઓ હતી પણ જીવવવાની ખુમારી સાથે. જ્યારે મારી મા ?

બાકી મમ્મીએ મને જે રીતે જોઈ હતી અને પરવરિશ કરતી હતી તેનો મારા દિલ અને દિમાગ પર ખૂબ ઊંડૅ ઊંડે સુધી રંજ હતો. છતાં પણ એ મારી મા હતી, એ શબ્દ અંતરે કોતરાયા હતા. શરૂઆતના દિવસો પાણીના રેલાની જેમ વહી રહ્યા. ફરક આંખોને ઉડીને વળગે તેવો ત્યારે જણાયો જયારે મારી માને, પગલીનો પાડનાર રન્નાદે એ આપ્યો. તે ખૂબ ખુશ હતી.  મારી ઉમર ત્રણ વર્ષ અને છ મહિનાની હતી. ખરું પૂછો તો બાળા હતી, કિંતુ મારી માને મન હું ,’મોટી થઈ ‘ગઈ હતી. જેને પરિણામે શાંત થતી ગઈ. કોઈ પણ ક્રિયાની પ્રતિક્રિયા કરવાનું બંધ થઈ ગયું . નાનો ભાઈ ઘરમાં આવ્યો, આખા ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત થઈ ગયું. મને પણ નાનો ભાઈ લો ખૂબ વહાલો લાગ્યો.

મારી સામું જોઈને એવું મધુરું હસે કે મારી નજર તેની સામેથી હટવાનું નામ ન લે . આવા સંજોગોની અસર બાળકના માસૂમ મન પર થાય એ સ્વભાવિક છે. તેની સાથે સદા રમતી પણ  હું ખૂબ ઓછું બોલતી. જેમ મોટી થતી ગઈ તેમ માના ન ગમતા વચનો અને પિતાનો અઢળક પ્રેમ પામતી. આખો વખત પુસ્તકોમાં માથૂં ઘાલી રાખતી. ભણવાનું મને ખૂબ ગમતું. વર્ગમાં શિસ્તનું પાલન કરતી તેથી શિક્ષકો તેમજ શિક્ષિકાઓ મારા વખાણ કરતા થાકતા નહી. ચાલો ક્યાંક તો મને ઠરવાની જગ્યા સાંપડી હતી. ઘરે આવું એટલે મા કામમા રગદોળે. કામ કરવું મને ગમતું, પણ રમવાનો સમય ન મળતો તેથી ધુંધવાતી. ખેર, ભાઈલાએ જીવનમાં બીજી બારી ઉઘાડી. સમય પ્રેમથી પસાર થતો ગયો. બાળપણ ક્યારે વિદાય થયું ખબર પણ ન પડી.

માને સામે જવાબ આપે તે બીજા. આમ મારી જીંદગીના બે પહલુ હતા, ઘરમાં અલગ અને શાળામાં અલગ. બારેક વર્ષની થઈ ,જીંદગીનો કયો પહલુ વધારે ધારદાર કરવો છે તેના વિચારોમાં ગરકાવ થઈ જતી. બાર વર્ષની ઉમર, પણ વિચારવાની શક્તિ પરિસ્થિતિને કારણે ખૂબ ખીલી હતી. ઈશ્વર ખૂબ દયાળુ છે. કોણ જાણે જીવનનું પ્રયોજન શું છે? એક શાંતિ હતી. કોઈ પણ પ્રવૃત્તિમાં જોડાવાનું મન થાય મા, ક્યારેય ના ન પાડતી. જેને કારણે જીવનમાં ભાત ભાતના રંગ પૂરાયા.

બદલી****૨ અમેરિકામાં કરેલી સહુથી છેલ્લી નોકરી.

22 01 2019

જતીન ચા સાથે થોડા ખારા બિસ્કિટ મૂકીને પોતાના કામ પર જવા નિકળી ગયો. આઇ.ટી. ના ક્ષેત્રમાં વર્ષોથી હતો. નોકરી ઉપર તેની અગત્યતા જણાતી. હમણા એક મોટા ‘પ્રોજેક્ટ’માં વ્યસ્ત હોવાને કારણે અનુ જાગે ત્યાં સુધી રાહ ન જોઈ. પ્રોજેક્ટ મેનેજરે સમયસર આવવું પડૅ, તેનું જતિનને ભાન હતું. તેણે ફ્લોરિસ્ટને ત્યાં ફોન કરીને સુંદર મજાના બુકે નો અર્જન્ટ ઓર્ડર આપ્યો. અનુને વધાઈ આપવાની હોય તેમાં દેર કરે તો ન ચાલે !

અનુ તો જાણે ઘોડા વેચીને સૂતી હતી. માંડ માંડ તેની આંખ  વહેલી સવારે લાગી હતી. અચાનક ઘરની બેલ વાગી.

‘જતિન બારણું ખોલ ને ‘.

જતિન હોય તો જવાબ આપે ને ! ફરીથી બેલ વાગી એટલે નાછૂટકે ઉભા થવું પડ્યું. કપડા વ્યવસ્થિત કર્યા. રોબ, ચડાવ્યો. ઘરના સી.સી. કેમેરામાં જોયું તો બારણામાં કોઈ ફુલોનો ગુલદસ્તો લઈને ઉભુ હતું.  ઝડપથી બારણું ખોલ્યું. અવાચક થઈ ગઈ.

‘આર યુ એટ ધ રાઈટ એડ્રેસ”?

ડિલિવરીવાળાએ કાગળ બતાવ્યો. ઓ.કે. બુકે લઈ લીધો અને બારણું બંધ કર્યું. ‘થેન્કસ.

હવે તેની ઉંઘ ઉડી અને વિચારવા લાગી આ શું છે? પહેલા પાણી પી લંઉ. સવારે લીંબુવાળું ગરમ પાણી પીવું ગમતું. માઈક્રોવેવ ખોલ્યું તો અંદર ચા, સાથે ખારી બિસ્કિટ જોઈને નવાઈ લાગી. સાથે ચિત્રકાર પતિદેવે ‘સ્માઈલી ફેસ” દોરેલું ચિત્ર મુક્યું હતું. અનુ માથુ ખંજવાળવા લગી. આજે આ શું ચાલી રહ્યું છે. જતિનને ફોન કરવા જતી હતી ત્યાં,  ફોન પાસે એક કાગળ પર જતિનના અક્ષરમાં કાંઇ લખ્યું હતું.

“ખૂબ ખૂબ અભિનંદન. આજે સવારે તું સ્વપનાની દુનિયામાં વિહાર કરતી હતી ત્યારે, એચ. આઈ. એસ. ડી.માંથી ફોન આવ્યો હતો. તને ‘સબસ્ટિટ્યુટ ટિચરની’ નોકરી મળી ગઈ છે. આશા છે, બુકે ડિલિવરીવાળાને ધમકાવ્યો નહી હોય. હું રાહ જોઈ શકું એમ ન હોવાથી આ રીતે મારો આનંદ વ્યક્ત કરવાનો ગુનો કરી રહ્યો છું. રાતના સજા ભોગવવા તૈયાર રહેજે’.

હવે અનુને સમઝ પડી. જતિનને ખુશ ખબર આપવા હતા તે વાત મનની મનમાં રહી ગઈ. આતો જતિને વધાઈ ખાધી કે મારી ‘બદલી’ની નોકરી પાકી થઈ ગઈ. સહુ પ્રથમ પતિએ બનાવેલી ચા ગરમ કરી અને સાથે ખારા બિસ્કિટ ખૂબ પ્રેમથી ખાધા. બુકે તો ખરેખર ખૂબ સુંદર હતો. પોતાના ભાગ્ય પર ઈતરાઈ રહી. ત્યાં ફોનની ઘંટડી રણકી ઉઠી.

‘હાય, હની કોણે કોને આશ્ચર્યમાં મૂકી દીધાં?’ કહીને અટ્ટાહાસ્ય કરી રહ્યો. ‘સાંભળ અત્યારે વાત કરવાનો સમય નથી સાંજે વાત કરીશ. હું ખૂબ ખુશ છું. ‘ કહીને ફોન મૂકી દીધો.

અનુએ પોતાના ગાલ પર ચુંટી ખણી. જેને માટે છેલ્લા પંદર દિવસથી અધિરી થઈ ગઈ હતી, તે સમાચાર તેને આવી રીતે જાણવા મળ્યા. સવારના પહોરમાં પતિદેવની બનાવેલી ચા પેટમાં પડી એટલે દિમાગ કાર્યરત થયું. સહુ પ્રથમ તો ખુશીની મારી પાગલ થઈ ગઈ. લગ્નના ૨૫ વર્ષ પછી પહેલીવાર નોકરીની ખોજ આરંભી હતી. તેમા સફળતા મળી એ જાણે પાણિપતનું યુદ્ધ જીત્યા જેટલી અગત્યની હતી. એકલી હતી ખુશીની મારી આંખો છલકાઈ ઉઠી.

બન્ને બાળકો કોલેજમા હતા, અત્યારે ફોન ન થાય. પતિદેવ કામમાં ગળાડૂબ હતા. અંતે તેને હું યાદ આવી.

સવારના પહોરમાં મારો ફોન રણક્યો એટલે મને અચરજ થયું. મોટે ભાગે અનુ સાથે સાંજના ચાર વાગ્યા પછી વાત કરવાનો નિયમ હતો. ખેર, જવાબ આપ્યો.

‘કેમ આજે સવારના પહોરમાં શું છે. હું તો જીમમાં જવાની તૈયારી કરી રહી છું ‘.

‘અરે યાર, માર ગોલી સીધી મારે ત્યાં ચાલી આવ. મેં વરજીની બનાવેલી ચા પીધી પણ તું આવ બીજો કપ સાથે ચડાવીશું . કોઈ સવાલના જવાબ નહી આપું. તુ આવ એટલે રૂબરૂ વાત કરીશ’ .કહીને ફોન ઠપકાર્યો.

મારી પાસે બોલવાના કોઈ શબ્દો ન હતા. જલ્દીથી નાહી ધોઈને તૈયાર થઈ અનુને ત્યાં પહોંચી ગઈ. અનુએ બસ બોલવાનું ચાલુ કર્યું, હું થાકી , ‘બસ હવે તારી બધી વાત ખબર પડી ગઈ. ખૂબ ખૂબ અભિનંદન. ક્યારથી નોકરી ચાલુ કરીશ’?

અનુ બોલી, ‘યાર સારું થયું તે પૂછ્યું. મારે ફોન કરીને ઓફિસને જણાવવાનું છે.   ખુશીની મારી અનુએ હજુ ઓફિસમાં ફોન પણ કર્યો ન હતો’.

‘શુભસ્ય શિઘ્રમ’

અનુએ ફોન ઉઠાવ્યો, સામે થી જવાબ આવ્યો, ‘ટુમોરો મોર્નિંગ. શાળાનું નામ પણ આપ્યું. સવારે સાડા સાતે પહોંચવાનું. અનુ ખૂબ ખુશ થઈ. મનમાં ભગવાનનો આભાર માન્યો. અમે બન્ને એ મસ્ત લંચ ખાધું  અને હું ઘર ભેગી થઈ.

જતિન સાજે આવતા અનુ માટે તેનો મનપસંદ આઈસ્ક્રિમ લઈને આવ્યો. બન્નેને ચાલુ દિવસોમાં બહાર જમવા જવું ગમતું નહી. અનુ સરસ મજાનું રાતનું જમવાનું બનાવી ટેબલ સજાવી જતિનની રાહ જોતી હતી. જમીને રાત કેમની ઉજવી એ દરેક વાચક પોતાની કલ્પના કરી લે. જતિનના દિમાગમાં શું ઘડા લાડવા હતા તેની તો મને પણ ખબર નથી !

સવારના પહોરમાં ફોનની ઘંટડી રણકી. ખૂબ ઉત્સાહથી અનુએ ફોન ઉઠાવ્યો. ગઈ કાલની વાત ફોને ફરીથી સંભળાવી.

બોલો બોલો બોલો શું ??????????? ૨૦૧૯ જાન્યુઆરી !

17 01 2019

 

એવી કઈ ગાડી છે ?

મુસાફરોથી ભરેલી છે ?

માત્ર આગળ જાય છે ?

‘બ્રેક’ નામના જાનવરથી અનજાણ છે ?

એક ડગલું પણ પાછી પાની કરતું નથી ?

રફ્તાર એક સરખી છે છતાં ક્યારેક ભાગતી લાગે છે તો

ક્યારેક મંથર ગતિએ ચાલતી દીસે છે.

જવાબ ન આવડે તો તેને શું કહીશું ??????????

ભજીયા

8 12 2018

‘અરે, પાછી મને ના પડે છે ‘?

‘હજુ રવીવારે સાંજના તો બનાવ્યા હતાં’.

‘તો શું થઈ ગયું ?’

‘ચાર દિવસમાં પાછા’ ?

અરે, વરસાદને કારણે આખો પલળી ગયો છું, શરદી ન થાય એટલે ગરમા ગરમ આદુ, ફુદીનો અને મસાલાવાળી ચા બનાવ, સાથે ચાર ભજીયા.  તારી બનાવેલી ખિચડી ખાવાની હું ના નથી પાડતો’.

જ્યારે પણ તુષારને ‘ભજીયા’ ખાવાનું મન થાય કે તુલના “કજીયા” કરે. તુષારને ભજીયા ખૂબ ભાવે. તુલનાને થાય ભજીયા યોગ્ય આહાર નથી. તુષાર ભજીયા માત્ર ચાર કે પાંચ જ ખાય. ભજીયા તળેલું તેલ ફેંકી દેવું પડે એ તુલનાને ગમતું નહી.જ્યારે મારી હાજરીમાં આ મીઠો કલહ થાય ત્યારે મને બાળપણમાં બનતો પ્રસંગ યાદ આવે.

અમારી બાજુવાળા શાંતિકાકાને ભજિયા ખૂબ ભાવતા, કમળાકાકી બનવતા પણ ખરાં . તેમને પોતાના પતિ નારાજ થાય તે ગમતું નહી. હવે શાંતિકાકાને ભજિયા કેટલા ખાવા જોઈએ એ તમારા માનવામાં નહી આવે. ગરમા ગરમ હોય એટલે બેસીને શાંતિથી ખાય પેટ એકદમ ભરાઈ જાય પછી, સૂઇ જાય અને પેટ ઉપર થાળી મૂકીને ખાય. એ જમાનામાં લોકો રકાબીમાં ન ખાય ,મોટી થાળી લે બધી જાતના ભજીયા બનાવડાવે. જો પછી ન ખવાય તો કહે, હમણાં હું સૂઈ જાંઊ છું ઉઠું એટલે ચા સાથે ઠંડા ભજિયા ખાઈશ. કમળાકાકી મલકાતા મુખડે ભજિયા ઉતારે. કાકાને ખાતા જોઈ ખુશ થાય.

હવે તુલનાને મારાથી આ વાત ન થાય. આ તો તમે રહ્યા ઘરના એટલે કહ્યું બીજા કોઈને ના કહેવાય !

ઘણીવાર વિચાર આવે કે ગુજરાતીઓ ખાવાનાના ખૂબ શોખિન, આ નિત નવું ખાવાનું બનાવવામાં ગુજરાતી  ગૃહિણી એકદમ પાવરધી. આટલી બધી વાનગીની શોધખોળો કોણે કરી હશે ? કયા ફળદ્રુપ ભેજાની ‘ભજીયા’ પેદાશ છે ? તમે ગણતા થાકી જશો ભજિયા શેના શેના બને છે. ચાલો ગણવા માંડો.

કાંદા, બટાકા, રીંગણા, મરચા, કેળા, કેરી. વિ. મિક્સ ભજીયા, મગની દાળના, ચણાની દાળના, મેથીની ભાજીના કોળાના, ગલકાના અને હવે આઇસક્રિમના. પાછા સ્ટ્ફ મરચાના ભજિયા થાય તે અલગ. ઘરમાં જે પણ શાક ગૃહિણીને દેખાય તેના ભજિયા બનાવીને આપે, ગરમ હોય એટલે ખાવાની મઝા પડી જાય.

“જે જીભને ભાવે તે પેટને ન સદે”.

આ વાક્ય સુવર્ણ અક્ષરે કોતરી રાખજો. મારા ધારવા પ્રમાણે બધાને ખબર છે. અમલ કોઈ વિરલા કરતા હોય છે. આમાં તો એવું છે ને જે પ્રેમથી આરોગે તે શૂરવીર કહેવાય. જે ખાવામાં ‘ધાંધિયા’ કરતા હોય તે નમાલા.  જે શૂરવીર હોય ને તેઓ ચાર કલાક પછી આંટા ફેરા મારવાના ચાલુ કરી દે.  (ક્યાં તે સમજી ગયા હશો)  પેટમાં ‘ગરબડ ગોટો’ થાય તે નફામાં. છાતીમાં બળતરા થાય તે વ્યાજ અને રાતના પથારીમાં સૂવાને બદલે આળોટે તેને શું નામ આપીશું ?

જેમણે ગણતરીના ખાધા હશે તેમને કોઈ વાંધો નહી આવે. તેઓ શાણા હોય છે, જીભ ઉપર સંયમ રાખવાનું જાણતા હોય છે. ભજિયા એવું નથી કે આપણે ગુજરાતી અને ભારતિય જ ખાઈએ છીએ. થોડા વર્ષો પહેલાં અમે થાઈલેંડ ગયા હતા. એક ઠેકાણે ખાવાનાની મઘમઘતી સુગંધ આવી. ત્યાં જઈને જોયું તો કશું તળાતું હતું. બાજુમાં કેળા પડ્યા હતા. ઈશારાથી મેં કહ્યું , ‘આના ટુકડા કરીને તારા ખીરામાં બોળીને તળી આપ’. ઠંદીનો સમય હતો ગરમા ગરમ કેળાના ભજિયા ખાવાની મઝા આવી ગઈ.

અરે ત્યાં ઉભેલા બધાએ ખાધા.

પાછી આજે એની એ રામાયણ ! રવીવાર હતો અને મિત્રો આવવાના હતા. બધી વાનગી તૈયાર હતી. આપણને સહુને ખબર છે ,હવામાનવાળા કહે,’ આજે સૂરજ પ્રકાશશે અને ખુશનુમા વાતાવરણ હશે’. બન્યું સાવ ઉંધું અચાનક પારો ૨૫ ૦ નીચો ઉતરી ગયો. એકદમ ઠંડિ થઈ ગઈ. પંદર મહેમાનો પધાર્યા. અમારા પતિદેવ, તમે ઓળખો છો ? ભજીયાના એકદમ રસિયા.

‘ મેમ સાહેબ’, કહે એટલે સમજી લેવું કે કંઈક ફરમાન આવશે. આવું ઠંડીનું વાતાવરણ એટલે મને અંદાઝ આવી ગયો, ભજીયાનું ફરમાન આવશે.

હવે જે વ્યક્તિ સાથે ૩૦ સુંદર વર્ષ ગાળયા હોય ત્યાં અંદાઝ સાચો પડે એમાં નવાઈ નહી. પ્રેમથી આવીને બધાની સામે કહે,’ યાર, ગરમા ગરમ ભજૉયા અને ચાથી બધાનું સ્વાગત કરી તો કેવું’. એમને તો માત્ર જીભ ચલાવવાની હોય , જાત કોણે ,સમજી ગયાને ? ના પાડી બધાની સામે તેમનું નીચું ન દેખાડાય.

‘બધું છે પણ તમારા મરચા નથી.

‘અરે. એમાં શું મોટી વાત છે. મિલન હજુ આવ્યો નથી એને કહું રસ્તામાં ક્રોગર આવશે , એ પાઉંડ બે પાંઉંડ લેતો આવશે’.

હવે મારુ કાંઇ ચાલ્યું નહી. ધીમે તાપે તેલ મૂક્યું અને બધો સામાન ફ્રિજમાંથી કાઢું તે પહેલાં ભજિયાનો લોટ પલાળ્યો. તમે નહી માનો દરેકના મુખ પર સંતોષની ઝલક જોઈ , મારું મન નાચી ઉઠ્યું. ભલે મને થોડી મહેનત પડી પણ સહુએ ધરાઈને ભજિયા ખાધા. પછી ‘બિન્ગો’ રમ્યા અને મોડેથી જમવા બેઠા. બીજે દિવસે રવીવાર હતો એટલે કોઈને જરા અ વાંધો ન હતો.

આમ ભજીયાએ રંગ રાખ્યો. લિજ્જત માણી અને મરચાનું   ભજીયું તો એક પણ વધ્યું નહી !

હવે આ ભજિયાની રામ કહાણી બહુ લાંબી નહી ચલાવું, તમને મન થઈ જશે. થાય તો બારણું ખખડાવજો ,પ્રેમથી ખવડાવીશ.

ઉખાણાના જવાબ ૨૦૧૮ (ઓગસ્ટ)

5 09 2018

આ ઉખાણા એવા છે ને, જ્યાં સુધી જવાબ ન મળે તો ચેન ન પડવા દે.

એક માસનો સમય આપ્યો હતો.

લો જવાબ આપ્યા.

**********************

 

૧.

મને દિનચર્યામાં શામિલ કરો.

આધિ યા વ્યાધિ ન થાય તેની બાંહેધરી આપું છું.

********

જવાબ ઃ  પ્રાર્થના

***********

૨.

ઉનાળો હોય અને ‘હું’ યાદ ન આવું ?

જરૂર તમે વિચારતા નથી !

*****

જવાબઃ   કેરી

*****

 

૩.

ચારે તરફ કોલાહલ, ગમે કે ન ગમે

સહન કરૉ જો જો આનંદ આવશે.

**********************

ભુલકાંઓથી ઉભરાતું ઘર

*********************

 

૪.

જુઓ ને કેટલી બધી ભીડ છે ?

ભીડ હોવા છતાં લોકો આવ્યા જ કરે છે.

**************

જવાબઃ   મુંબઈની લોકલ ટ્રેન

************

લો આવ્યા નવા ઉખાણા, ઓગસ્ટ ૨૦૧૮

31 08 2018

 

Just know hit 222,222  what a fantastic number .

Thanks a lot  friends  Giving  inspiration to do job better. Day by day.

———————————/—————-

 

૧.

મને દિનચર્યામાં શામિલ કરો.

આધિ યા વ્યાધિ ન થાય તેની બાંહેધરી આપું છું.

 

૨.

ઉનાળો હોય અને ‘હું’ યાદ ન આવું ?

જરૂર તમે વિચારતા નથી !

 

૩.

ચારે તરફ કોલાહલ, ગમે કે ન ગમે

સહન કરૉ જો જો આનંદ આવશે.

 

૪.

જુઓ ને કેટલી બધી ભીડ છે ?

ભીડ હોવા છતાં લોકો આવ્યા જ કરે છે.

ઝાકળના પાણીનું બિંદુ (પ્રકરણ ૧૩)

19 07 2018

dew

 

 

 

 

 

પ્રકરણ ૧૩ ઝાકળના પાણીનું બિંદુ

***********************************************************************************

તાજમાંથી નિકળતા રાતના ૧૨ વાગી ગયા. બેમાંથી કોઇને પણ ઘરે ચિંતા કરનાર કે રાહ જોનાર કોઈ હતું  નહી . નિકળ્યા ત્યારે પરિસ્થિતિ ખૂબ બદલાઈ ગઈ હતી. મગનું નામ મરી પાડવાની જરૂર ન હતી. બન્ને જણા સમજુ અને ઉમરલાયક હતા. એક અનુભવી જ્યારે બીજી સાવ નવા નિશાળિયા જેવી હતી. જતીનને સમજતા વાર ન લાગી કે ખૂબ સ્નેહ પૂર્વક જલ્પાનું દિલ જીતવું પડશે. સુહાનીની બિમારીને કારણે તેના વર્તનમાં ઘણો ફરક આવી ગયો હતો. અત્યારની પરિસ્થિતિ એકદમ અલગ હતી. પણ જલ્પા એ જીવનમાં ક્યારેય પુરૂષનો સહવાસ યા મૈત્રી ભાળ્યા ન હતા. અનુભવવાની વાત સાવ બાજુ પર રહી ગઈ હતી. સમય જ ક્યાં મળ્યો હતો ?

માતા અને પિતાનું પહેલું સંતાન. ભાઈ, બહેન અને દાદીથી ઘેરાયેલી જલ્પાને કોઈ પુરૂષ યા યુવાન મિત્ર મળ્યો ન હતો. ૨૦ વર્ષની ઉમરે ઘરનો ભાર ઉપાડવામાં ક્યાંય તેની આવશ્યકતા જણાઈ ન હતી. હરી ફરીને નવીન, જતીન અને મનપસંદના બન્ને યુવાનો સાથે સંબંધ બંધાયો હતો. તે પણ માત્ર ધંધાના કામ પુરતો ! હવે જ્યારે જતીન સાથે ના સંબંધે નવો માર્ગ અપનાવ્યો ત્યારે જલ્પાને  ગમ્યું.

જલ્પા અવઢવમાં હતી. તે પોતાની દિશા નક્કી કરી શકતી ન હતી. દિલ અને દિમાગ બન્ને શું ચાહતા હતાં તે કળવું મુશ્કેલ હતું. લાગણીઓ નિર્બંધ વહેવા તૈયાર હતી. જે અનુભવ ક્યારેય થયો ન હતો તેની માદકતા જલ્પાને ગમી. તે જાણતી હતી આ શરીરની જરૂરિયાત દર્શાવે છે.  જલ્પા ક્યારેય નજીકના ફાયદા માટે તત્પર ન રહેતી. લાંબા ગાળે તેની કેવી અસર થશે એ વિચારવાની આદત હતી.

દિલની ધડકન કાનમાં કાંઇ કહી રહી હતી. બદનમાં વ્યાપ્ત અહેસાસ મધુરો લાગતો હતો. મીઠી નિંદરમાં જાગતા સ્વપના જોવાના ગમતા હતા. સારું હતું બન્ને ભાઈ બહેન હમણાથી ઘરમાં હતા નહી. વરના જલ્પાના હાલ ભારે ભુંડા થાત. કહી શકત નહી અને અહેસાસ માણી શકત નહી. રવીવારે આવતા મોડું થયું હતું. સવારના નવીનને ફોન કરીને જણાવ્યું હતું, ‘માને જરા સારું નથી લાગતું હું આજે સ્ટોર પર મોડી આવીશ’.

નવીન હતો એટલે એને વાંધો ન હતો. જતીન જ્યારે સ્ટોર પર આવ્યો, ત્યારે નવીને સમાચાર આપ્યા, ‘બહેનને ઠીક નથી આજે મોડા આવશે. કદાચ ન પણ આવે તો હું સ્ટોર સંભાળી લઈશ’. જતીન જલ્પાના હાલ જાણવા જ ખાસ આવ્યો હતો. પાછો પોતાના સ્ટોર પર ગયો અને જલ્પાને ફોન કર્યો.

‘હલો જલ્પા. બધું બરાબર છે ને ? તારી તપાસ કરવા સ્ટોર પર ગયો, ત્યારે નવીને કહ્યું તું કદાચ મોડી આવીશ’.

‘જી’.

‘આજે આવવાનો વિચાર છે કે નહી ? નહી તો હું સાંજે ઘરે જતા તારે ત્યાં આવીશ. કાંઈ પણ બનાવજે. સાથે જમીશું’.

જલ્પાને આ પ્રસ્તાવ ખૂબ ગમ્યો. નવીનને કહી દીધું આજે મારો આવવાનો વિચાર નથી.

જતીને પહેલી વાર સામે ચાલીને જમવા આવવાનું કહ્યું હતું. જલ્પા ખૂબ ખુશ થઈ. હવે તો ઘરમાં એકલી હતી એટલે જે મનપસંદ હોય તે બનાવે. રાંધવાવાળા બહેનને તો વર્ષોથી વિદાય કર્યા હતા. આનંદનો અવધિ ઉછળ્યો. શું બનાવીશ તેની કલ્પનામાં સરી પડી. સાદું તો પણ ગમે તેવું બનાવવું હતું. આલુ પરાઠા, બુંદીનું રાઈતુ અને બિરિયાની બનાવવાનું નક્કી કર્યું. ગરમી હતી એટલે છેલ્લે કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રિમ . સાદુ અને મનભાવન.

જીદગીમાં પહેલીવાર ‘બે જણા’ માટે ટેબલ સજાવવાનું હતું. અવાર નવાર બહાર જમવા જતી તેથી તે બધા કામમાં હોંશિયાર હતી. બે મિણબત્તી પણ ગોઠવી. મનમાં હતું ,’જતીન ફુલોનો ગુલદસ્તો લીધા વગર નહી આવે”! બધું તૈયાર કરીને સરસ મજાના કપડાં પહેરી તૈયાર થઈ ત્યાં જતીને બારીમાંથી આવતો દેખાયો. હાથમાં ગુલાબના ફુલોનો ગુલદસ્તો લઈને આવી રહ્યો હતો. જલ્પાનું મોઢું મલકી ગયું.

જતીને આગળો ખટખટાવ્યો ત્યારે દોડીને પહોંચી ગઈ. જતીને હસીને ગુલદસ્તો આપ્યો. જલ્પાના ગાલ પર નિશાન લગાવવાની ઈચ્છા રોકી રાખી. હસીને આવકાર આપ્યો. ઘરમાં બે જ જણા હતા. પાણી આપીને ચાનું પૂછ્યું તો કહે, ‘સાંજના સાત પછી ચા નહી ફાવે.’

વાતની શરૂઆત દિવસ કેવો ગયો તેનાથી થઈ. વાતમાં ને વાતમાં બાળકો તેમજ જલ્પાના ભાઇ બહેનની વાતો પર ક્યારે ચડી ગયા ખબર પણ ન પડી.

જતીને એકદમ ધડાકો કર્યો. ‘ આપણી વાત તેમને કહીશું’?

જલ્પાએ કોઈ પણ ઉત્તર ન આપવામાં ડહાપણ માન્યું.  હજી તેની શરમ ઓછી થતી ન હતી. તે મનને મનાવવાની વ્યર્થ કોશિશ કરી રહી હતી, ‘જે બની રહ્યું છે તે સ્વપનું તો નથી ને? જલ્પાને પોતાના  જીવનમાં આવો મધુરો વળાંક આવશે તેની કલ્પના પણ ન હતી.  ખરેખર તો હવે તેને સાથી સાથે જીવવાના કોડ જાગ્યા હતા. જવાબદારી પૂરી થઈ ગઈ હતી. પૈસાની કોઈ ચિંતા હતી નહી.’

અચાનક જતીન બોલી ઉઠ્યો, ‘જમવા મળશે કે ભૂખ્યા જવું પડશે’.

જલ્પા તંદ્રામાંથી જાગી, બન્ને જણા ટેબલ પર ગોઠવાયા. ગુલાબના ગુલદસ્તાની બાજુમાં મિણબત્તીઓ પ્રકાશ રેલાવી રહી હતી. જલ્પાને ક્લાસિકલ સંગિતનો શોખ હતો. ધીમે ધીમે મધુરું સંગીત રેલાઈ રહ્યું હતું. જલ્પાની આગતા સ્વાગતા જતીનને સ્પર્શી ગઈ. સુહાની યાદ આવી પણ તેનું નામ  ઉચ્ચારવાની જતીને ભૂલ ન કરી. જમીને ઉઠ્યા. સુંદર ગ્લાસમાં કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રિમની મઝા માણી.

નોકર કામ કરવા સવારે આવવાનો હતો. બન્ને જણા એકલા જ હતા. જતીન આવીને બાજુમાં બેઠો. જલ્પાને ખૂબ ગમ્યું. જતીને અનુભવ્યું જલ્પા હવે સંકોચ દૂર કરી શકશે. જલ્પાનો સંકોચ સંપૂર્ણ પણે દૂર કરવા વાતને બીજા પાટા પર ચડાવવાની જરૂર હતી. જલ્પાનો મનગમતો વિષય એટલે એનો ‘સ્ટોર”.

‘હેં જલ્પા ૨૦ વર્ષ થયા હજુ સ્ટોર પર નિયમિત જાય છે. તેં ધંધો પણ ખૂબ વિકસાવ્યો છે. બજારમાં તારી કાબિલિયતની અને તારા સ્ટોરની  ગ્રાહકો માટેની સરભરા ખૂબ વખણાય છે’.

‘જતીન, મારા પપ્પાએ કહ્યું હતું, ધંધો ઈમાનદારીથી કરવો. ગ્રાહક ખુશ હશે તો બીજા બેને લઈને આવશે. હું તો કોલેજના ચાર વર્ષ દરમ્યાન બધી ઉનાળાની રજામાં પપ્પા સાથે જતી હતી. હું પપ્પાનો ‘જલારામ છું ‘.

‘વાહ, આ ‘જલારામ’ નામ મને બહુ ગમ્યું. હવે તારી એ ખૂબી અને કળા ઘર ચલાવવામાં વપરાય તો કેવું’?

‘જલ્પા ચમકી. વાતનો સંદર્ભ બદલાયો પણ તેને ગમ્યો. ભણતી હતી ત્યારે તેની મનની ઈચ્છા હતી, શાળામાં નોકરી કરવાની. અચાનક બોલી ઉઠી, હવે ધંધો સંભાળીને થાકી ગઈ છું. મને પાછું કોલેજમાં ભણવા જવું છે. બી.એડ. કરું તો શિક્ષિકા બની શકું. ‘

જતીન ખુશ થઈ ગયો. બોલ તું કહે ત્યારથી, આપણે કામ શરૂ કરીએ. સહુ પહેલા તું બી.એડ.નું ફોર્મ ભર. તેના માટે શેની જરૂરિયાત છે તેની તપાસ કર. તને ક્યાંય પણ મારી જરૂર જણાશે ત્યાં હું તારી પડખે છું’.

જલ્પાના જે દિલમાં હતું તે આજે કહેવાઈ ગયું. જતીન સાથેના સંબંધો વિકસી રહ્યા હતા. તેની દીકરીઓ તેમજ, જય અને જેમિનીને પણ જણાવ્યું. સંબંધમાં આવેલો સુંદર વળાંક બધાએ આવકાર્યો. જેમિનીનો હરખ માતો નહી. દીદી તેને માટે ‘મા’થી પણ અધિક હતી.

એક દિવસ બે બહેનો વાતો એ વળગી. ‘દીદી એક વાત કહું ‘?

જલ્પાએ આંખોથી હા, કહી.

‘દીદી, તેં ઘણા વર્ષો સુધી કામ કરીને અગરબત્તીની   માફક જલી અમારા જીવનમાં સુગંધ ફેલાવી છે. જો, જય હવે આ ધંધો સંભાળવાનો નથી. મારે માટે તો આ  સવાલ જ ઉભો થતો નથી. દીદી તું ધીમે ધીમે આ ધંધો સંકેલી લે યા વર્ષો જૂનો છે કોઈ ખરીદનાર મળે તો વેચી દે. તારું મનગમતું સપનું પૂરું કર. તને બાળકો વહાલા છે. એક વર્ષ  ભણીને બી.એડ.ની ડિગ્રી લઈ શાંતિથી જીવન પસાર કર. તારા મનને ગમે તે કર.’

જલ્પા તો જેમિનીએ આપેલું ભાષણ સાંભળી રહી. તેનામાં ઘણી કાબેલિયત હતી. પણ આવું સડસડાટ બોલી ન શકે. હવે તેની સમજમાં આવ્યું જલ્પા કેમ વકિલ થઈ ? જેમિનીની વાણીમાંથી નિકળતો દરેક શબ્દ પ્રેમથી છલકાતો હતો. તેની વાણીમાં સત્ય અને નિર્ભયતા ભારોભાર જણાયા. જલ્પા તેની બહેનની વાત સાથે સહમત થઈ. જય મળ્યો ત્યારે તેને પણ જણાવ્યું.

‘અરે, દીદી બસ હવે તમે આરામ કરો. હું છું ને . તમે બધી ફિકર ચિંતા છોડી તમારી જીંદગી પ્રેમથી જીવો. ‘

જલ્પા નાના ભાઈલાને મોઢે મોટી વાત સાંભળી રહી. તેને લાગ્યું બન્ને ભાઈ બહેનને પ્રેમથી ઊછેર્યા તેઓ જીવનમાં આગળ વધી માતા અને પિતાનું નામ ઉજાળશે. તેમના આશિર્વાદથી મને પણ જીંદગીનો નાવિક મળી ગયો. પ્રભુ તારી કેટલી બધી કૃપા છે.

બીજે દિવસે જતીન મળ્યો. પેટછૂટી વાત કરી. જતીન પણ જલ્પાનો ઈરાદો જાણી ખુશ થયો.

‘જલ્પા જ્યાં પણ મારી જરૂર પડૅ તો વિના સંકોચે કહેજે, હું તારી પડખે છું ‘.

આજે જલ્પાને આખી રાત ઉંઘ ન આવી. આનંદના અવધિમાં તેને ડુબકીઓ મારવાનું ગમ્યું. ભવિષ્યના સુંદર શમણા જાગતી આંખે જોવાનું તેને ગમ્યું. જલ્પા જે પણ કામ કરતી તેમાં પ્રાણ રેડતી. ૨૦ વર્ષથી સ્ટોર ચલાવ્યો હતો. અઠવાડિયાના છ દિવસ અંહી આવતી. જગ્યા સાથે , ધંધા સાથે માયા બંધાઈ જાય એ કુદરતી છે. પણ હવે એને જીવનમાં ઠરીઠામ થવું હતું. હવેની જીંદગી જતીનના સંગમાં પસાર કરવી હતી.

જેનું કદાચ તેને સ્વપનું પણ નહોતું આવ્યું એ હકિકત માણવી હતી. જીવનમાં મેઘધનુષના રંગ પૂરવા હતા. સંજોગો અનુકૂલ આવે ત્યારે જતીન સાથે ભારતના રમણિયય સ્થળો જોવા હતા. જતીન સાથે પરિચય વધતો ગયો, તેમ પ્રેમના બીજને ખાતર પાણી મળતાં નાનો સુંદર છોડ બન્યો. જતીનને જાણતી હતી વર્ષોથી, કિંતુ આ નવી પહેચાને તેના અંગં અંગમાં સ્ફૂર્તિ  ભરી અને ખુશીની ઝલક તેના મુખ પર ફેલાઈ ગઈ. જાણે પહેલાંની જલ્પા જ ન હોય !

સદા કામથી ઘેરાયેલી. મનમાં વિચારોની વણઝાર ચાલતી હોય. ચિંતાના વાદળ તેના મુખ પર સંતાકુકડી રમતા હોય. જલ્પાની જીંદગી જાણે એક કોયડો ન હોય ! જેની ભુલભુલામણીમંથી કાયમ બહાર આવવાનો માર્ગ શોધતી હોય. નાની વયથી કુટુંબની જવાબદારી નિભાવી રહેલી જલ્પાના મુખ પર હમેશા ગંભિરતા જણાતી. તેની જગ્યાએ આજકાલ ઉમંગ અને આનણ્દ લહેરાતા જણાતા. જેને કારણે જલ્પાની ઉમર હતી તેના કરતા ઓછી જણાતી. આમ પણ જ્યારે પ્રેમની લાલીમા મુખ પર તરતી જણાય ત્યારે કોઈ પણ યુવતી યા સ્ત્રી અતિ સુંદર દીસે. તેના હ્રદયના ભાવ સ્પષ્ટ રૂપે મુખ પર તરતા જણાય.

સહુ પ્રથમ, પ્રેમ કહીને થતો નથી. પૂછીને તો ન જ થાય. પ્રેમમાં પાગલની વર્તણુક અને બોલચાલ ખૂબ સૌમ્ય જણાય. તેનો આનંદ છુપ્યો છુપાય નહી. કહેવાની જરૂર ન પડે. તેનું મુખ ચાડી ખાય. પ્રેમની અસર અને ઝલક વ્યક્તિનું અંગ અંગ પ્રદર્શિત કરે.

આનંદના અતિરેકમાં ડૂબેલી જલ્પાને કોઈએ અંદરથી ધક્કો માર્યો. જલ્પાને એ ઝાટકો ચોટદાર લાગ્યો ! તેનું દિલ કશું કહેવા વ્યાકુળ થઈ ઉઠ્યું. જલ્પાએ લાંબો શ્વાસ લીધો. અંતરના અવાજને અવગણવાની આદત જલ્પાને ન હતી. શાંત થઈ અવાજ સાંભળવામાં તલ્લીન થઈ ગઈ.

‘અરે પણ શું છે”?

“તું ઘેલી થઈ છે”?

“માન્યું કે પ્રેમ જીવનમાં પહેલી વાર મળ્યો છે”.

“આટલા વર્ષોથી તારું મનમાન્યું કરતી હતી”.

“તારા નાના ભાઈ અને બહેન તારી સામે કદી બોલ્યા નથી”.

” તને પ્રેમે છાવરી છે”.

“તને લાગે છે જતીન , જે બે જુવાન દીકરીઓનો બાપ છે એ તને સમજી શકશે”?

જલ્પા ચમકી ગઈ, કોઈ પણ પુરૂષનો તેને અનુભવ ન હતો. જતીન સાથેકામ પડતું ત્યારે ખૂબાદર અને ઈજ્જતથી પેશ આવતો હતો. અંહી પરિસ્થિતિ અલગ હતી. જતીન એક બાપની ભૂમિકા પહેલી નિભાવશે !

“યાદ રાખજે, જરા પણ વિચારોમાં સમાનતા નહી હોય ત્યારે એની બાપની લાગણીઓ ઉછાળા મારશે”. મને જલ્પાને ઢંઢોળી.

‘એ હમેશા બન્ને દીકરીઓને ‘મા’ નથી કહી તેમની ઈચ્છાઓ સંતોષશે”.

“હા, આજે તને પ્યાર જતાવે છે. કારણ તેની ‘ઈંદ્રિયોની માગ’ છે” !.

“તને કોઈ પણ પુરૂષનો અનુભવ નથી “.

“અરે તું જ્યારે કોલેજમાં હતી ત્યારે કોઈ ‘દોસ્ત’ પણ બનાવ્યો ન હતો” !

‘અચાનક ઘરની ધુરા તારા હાથમાં આવી ગઈ”.

‘જો તારી આજ સુંદર છે ! આવતીકાલ આનાથી સુંદર હશે એ આશામાં આજને અવગણીશ નહી”.

અચાનક જલ્પા નિંદરમાંથી સફાળી જાગી ગઈ. ઉઠીને ફ્રિજનું ઠંડુ પાણી પીધું. થોડું મ્હોં પર છાંટ્યું, કે ઉંઘ પાછી સતાવે નહી. ઉંઘમાં ચાલતા વિચારોનો દોર જાગતા જોડી રહી. જતીન ખૂબ ગમતો હતો. તેને આવા પ્રેમનો અનુભવ કદી થયો ન હતો.

“લગ્ન” એ પણ ૪૨ વર્ષની ઉમરે, જરાક વધારે પડતું લાગ્યું. લગ્ન સાથે જવાબદારી આવે ! જતીન અને તેની બન્ને દીકરીઓ ! જલ્પાએ માથું ધુણાવ્યું.   આજે સ્ટોરનું બધું કાર્ય પુરું થઈ ગયું હતું. જલ્પાને માથેથી દસ મણની શિલા ખસી ગઈ હતી. તેને જે હળવાશનો અનુભવ થયો તે આહલાદક હતો.

આજે જતીન સાથે રાતના ૬ થી ૯ ના શૉમાં સિનેમા જોવા જવાની હતી. ” નજદિક દૂરિયાં ” . ફિલ્મની પટકથા ખૂબ સુંદર હતી.  ફિલ્મ જ્યારે પરાકાષ્ટાએ હતી ત્યારે જે અણધાર્યો વળાંક વાર્તામાં આવે છે તે જોઈ જલ્પા ચોંકી ગઈ.  હસમુખી જલ્પા સિનેમા જોઈ એકદમ ગંભિર થઈ ગઈ. તેનું મન ચગડોળે ચડ્યું. જતીન પાસ તે પ્રદર્શિત ન થાય તેનું ચીવટતા પૂર્વક ધ્યાન રાખ્યું. બહારથી તેનું વર્તન સાધારણ હતું. અંદર ઉલ્કાપાત મચ્યો હતો.

કઈ રીતે સંયમ જાળવવો તે વિચારી રહી. જતીન ગમતો હતો. જતીનનો સાથ મનપસંદ લાગતો. દિલમાં અને દિમાગમાં મસ્તી છવાઈ જતી. ક્યારેય ન અનુભવેલી લાગણીઓ તેને સુખ આપતી.

અચાનક જતીનની પત્ની સુહાની નજર સમક્ષ આવી. જલ્પાને થયું એની જગ્યા તે કદી નહી લઈ શકે. જતીન અને સુહાનીએ લગભગ ૨૫ વર્ષનો સહવાસ માણ્યો હતો.  બે જુવાન દીકરીઓનો પિતા છે.  દીકરીઓ માતા નથી તેનું દર્દ સહી રહી છે. આમ પણ પિતાને દીકરીઓ ખૂબ વહાલી હોય છે.

‘ભવિષ્યમાં દીકરીઓની લાગણીમાં ખેંચાઈને જતીને ને દ્વિધા અનુભવવી પડે તો’ ?

જલ્પા અને દીકરીઓને આજે ભલે ફાવતું હોય તેમની માતાની બરાબરી જલ્પા કદી ન કરી શકે ! પોતાના ભાઈ અને બહેનની વાત જુદી હતી. ક્ષણિક સુખના આવેશમાં રાહ નથી ભૂલી રહીને ?

જલ્પા અંતરાત્માને ઢંઢોળી રહી.

પ્રશ્નની ઝડી વરસી રહી ! ઉત્તર મેળવવા અસમર્થ હતી !

ત્યાં જતીન બોલ્યો, ‘જલ્પા બોલ ક્યારે લગ્ન કરીશું”?

અનાયાસે જલ્પાના મુખમાંથી સરી પડ્યું ,”જરૂરી છે “?

જીવન વિષે વિચારી રાહ મુકરર કર્યો. જતીનની સાથે સુંદર પ્રેમ ભર્યો સંબંધ જાળવ્યો. જતીનની મૈત્રીને ખૂબ દાદ આપતી. ખુલ્લા દિલે તેની સાથે ચર્ચા કરતી. બી.એડ. કરી ફેલોશિપ સ્કૂલમાં શિક્ષિકા બની જીવન ગુજારી રહી. અંતે જે કરવાની ઈચ્છા હતી તે ફળીભૂત થઈ.

સવારના પડૅલાં ઝાકળના બિંદુ તેની સામે જોઈ મુસ્કુરાઈ રહ્યા. તડકો આવેને બાષ્પિભવન થવાને બદલે ઝગમગતા ઝુમી ઉઠ્યા. સૂરજને લાજ આવી વાદળ પાછળ મ્હોં સંતાડી ભરાઇ ગયો ! “ઝાકળનું બિંદુ ” ડાબે જમણે મસ્ત બની લહેરાઈ ઉઠ્યું.

 

******************************************************************************

 

 

 

પ્રણય પાંગર્યો : પ્રકરણ ૧૨: ઝાકળ બન્યું મોતી

13 07 2018

 

 

 

 

જતીન અને જલ્પાઃ

******************

બોલતાં તો બોલાઈ ગયું પણ પછી એકદમ સન્નાટો છવાઈ ગયો. જતીનને પણ મનમાં થયું , નજીવી ઓળખાણ પર આવું નહોતું કહેવું જોઈતું. વાણી એકવાર મુખમાંથી બહાર આવે પછી મનુષ્ય લાચાર છે. હવે આનો ઈલાજ શો ? જતીન તો મુંઝવાયો કિંતુ જલ્પા તેના કરતા અનેક ગણી દ્વિધામાં મૂકાઈ ગઈ. જતીન મનોમન વિચારી રહ્યો આનો ઈલાજ અને બેભાનપણામાં ગાડી તેજ ચાલી રહી !

જતીને ગાડી તાજ તરફ મારી મૂકી. મનના વિચાર તો તેનાથી પણ તેજ ગતિ પકડી ચૂક્યા હતા ! જલ્પાનું નિખરેલું રૂપ જોઈને તે ચકાચૌંધ થઈ ગયો હતો. સુહાની વગર તે નાવિક વગરની હોડીને મન ફાવે તેમ હલેસા મારતો હતો. ભલું થજો સુહાનીનું, જેણે જતીનના મનમાં ‘જલ્પા’ નામનું બીજ વાવ્યું. આ બીજને હજુ ખૂબ જતનથી સંવારવાનું હતું. તે જાણતો હતો ,’ઉતાવળે આંબા ન પાકે ” !

તાજના આંગણામાં આવીને ગાડી ઉભી રહી, જતીને ‘વેલે પાર્કિંગમાં” ગાડી આપી જલ્પા સાથે ચાલવા માંડ્યું. જલ્પાનો હાથ પકડવાનું મન થયું પણ અજુગતું લાગશે માની સીધા બન્ને જણા ‘ક્રિસ્ટલ રૂમમા” પહોંચ્યા. જતીન ખૂબ સાવધ બની ગયો. વાત બનતા પહેલાં બગડી ન જાય તેની તકેદારી રાખવાનું નક્કી કર્યું. જતીન તો ૨૫ વર્ષનું લગ્ન જીવન માણિ ચૂકેલો અનુભવિયો હતો.

જલ્પા માટે તો આ પ્રથમ અનુભવ હતો ! તેનું મોઢું સિવાઈ ગયું હતું. તેના દિલના ભાવ કળવા જતીન અસમર્થ હતો. તેને પણ મૌન રહેવાનું યોગ્ય લાગ્યું.  બન્ને જણા ખૂણાની ખુરશીઓમાં ગોઠવાયા. ત્યાંની ઝાકમઝોળ લાઈટ અને સુંદર વાતાવરણ આંખોથી માણવા લગ્યા. અચાનક બન્નેનિ આંખો ટકરાઈ અને જતીને સ્મિત રેલાવ્યું. જલ્પાએ પણ પ્રતિભાવ આપ્યો.

જતીનને લાગ્યું હવે ‘ગ્રીન સિગ્નલ’છે. બોલવામાં વાંધો નહી આવે. જલ્પાના હાસ્યમાં જતીનને મીઠો આવકાર જણાયો.

સંમતિની “લીલી ઝંડી’ ફરકતી જણાઈ !

‘હું તો ઘણા વખત પછી આવી રીતે બહાર ડીનર પર આવ્યો છું. સુહાનીની માંદગીને કારણે બધું વિસરાઈ ગયું હતું. તેની સંગમાં આ બધું જરૂરી પણ નહોતું લાગ્યું. ‘

‘મને પણ યાદ નથી, આવી રીતે હું ક્યારેય અંહી ડીનર પર આવી હોંઉ”.

‘તમને કેવું લાગે છે’?

‘ખબર નથી પડતી’.

જતીને અનુભવ્યું ધીરે ધીરે જલ્પાનો સંકોચ દૂર થશે. પૂછ્યું , ‘ઠંડુ પીણું કયુ મંગાવું’?

જલ્પાને ‘સ્વીટ લાઈમ સોડા’ ખૂબ ભાવતા.  જતીને બે ગ્લાસ નો ઓર્ડર વેઈટરને આપ્યો. સાથે વેફર્સ અને ખારા કાજુ પણ મંગાવ્યા. બન્ને જણાને વાતો કરવી હતી. શરૂઆત કોણ કરે ? જતીન અને જલ્પા ઘણા વખતથી ઓળખતા હતા. સુહાનીની માંદગી અને વિદાય પછી થોડા નજીક પણ આવ્યા હતા. હજુ જલ્પાના મનમાં શું ચાલે છે, તે કળવું મુશ્કેલ હતું.

જતીન તો જાણે નિરધાર કરી ચૂક્યો હતો,’યેને કેન પ્રકારેણ’ જલ્પાને રિઝવી તેની સાથે સંસાર શરૂ કરવો.  સુહાની અને દીકરીઓ વગર તેને ઘરમાં ગોઠતું નહી.

અનુભવી જતીન ખબર નહી કેમ આજે નવા નિશાળિયા જેવું વર્તન કરી રહ્યો. જેવી જલ્પાના દિલ અને દિમાગમાં હલચલ મચી રહી હતી એવો કોઈ અનુભવ જતીનને ન થાય એ સ્વાભાવિક હતું. ૧૯ વર્ષની બે દીકરીઓનો બાપ હતો. તાજેતરમાં પત્ની ગુમાવી હતી. હજુ તેની સ્થિતિ સામાન્ય ન હતી. તેમ છતાં સ્ત્રીના સાંનિધ્યને ઝંખતો હતો. એકલો રહેવાને ટેવાયેલો ન હતો. જલ્પા ભલે જાણિતી હતી પણ આ રીતે કદી નિહાળી ન હતી. મનમાં સુહાનીનું સ્મરણ કરી રહ્યો.

‘સુહાની મારી મદદે આવ’ !

જતીનને એવું લાગ્યું સુહાની તેની હાંસી ઉડાવી રહી છે. મનમાંથી વિચારોને તિલાંજલી આપી. સભાન પણે જલ્પાને નિહાળી રહ્યો. જલ્પાના મુખના હાવભાવ કંઈ જુદું કહી રહ્યા હતા. જાણે જતીનને કહી રહી. હોય, ‘મને આ સુખદ અનુભવ ગમ્યો’ !

જલ્પાને એકલા રહેવાની આદત હતી. છતાં તેનું મન રહી રહીને જતીનની નિકટતા ભોગવવા તરસતું હતું.

. ૪૦ની આસપાસ  પહોંચી હતી. ભાઈ અને બહેન હવે તેમની મંઝિલ પર મુસાફરી કરી રહ્યા હતા. માર્ગમાં કોઈ રૂકાવટ ન હતી.  જો તેને યોગ્ય સાથી મળે તો શાંતિનું જીવન જીવવાની તેની પણ તમન્ના હતી.  જતીને જ્યારે તાજમાં ડીનર પર જવાનું આમંત્રણ આપ્યું ત્યારે કેટલા બધા સ્વપના તેણે ખુલ્લી આંખે જોયા હતા. જ્યારે બન્ને સાથે હતા ત્યારે તેની જબાન પર ‘ગોદરેજનું તાળું’ વાગી ચૂક્યું હતું. જતીને તેને હળવેથી, મીઠી વાણી દ્વારા ખોલવાની જરૂર હતી.

જતીનના મનમાં શંકા જાગી, જલ્પાને તેનો સંગ ગમે છે ? શરમાળ જલ્પા તે કહેતા સંકોચાતી હતી. જતીને હિમત કરીને કહ્યું ‘જલ્પા, તમે આજે ડીનરનું આમંત્રણ સ્વીકાર્યું, તેથી મને ખૂબ આનંદ થયો’.

જલ્પાએ મીઠું સંમતિ સૂચક સ્મિત વેર્યું. હવે જતીનની હિમત વધી. તેને ખબર હતી, જલ્પા શરમાય છે. કામની વાત કરવા આવતી ત્યારે બે ધડક પોતાની મુશ્કેલીનું વર્ણન કરતી જલ્પા અને સામે સુંદર પરી જેવી લાગતી જલ્પામાં ખૂબ તફાવત હતો. જતીન સાથે વાત કરતાં પોતાનો અભિપ્રાય નિર્ભય પણે આપતી. આજે તે પહેલીવાર આવી રીતે જતીન સાથે આવી હતી એટલે સંકોચ અને લજ્જાના કોચલામાંથી બહાર આવી શકતી ન હતી. જેમ જેમ તે કોચલું તોડવાનો પ્રય્ત્ન કરતી હતી તેમ તે વધારે સકુડાતી હતી.

જતીન તેની લજ્જા કળી શક્યો. હિંમત કરીને તેની નજીક સર્યો અને હળવેથી હાથ પકડ્યો. જલ્પાને ગમ્યું પણ આંખો ઉંચી ન કરી શકી.

ધીરેથી તેની નજીક જઈ બોલ્યો,’જલ્પા હું જતીન છું. તું મને ઓળખતી નથી ?’

આ સવાલે જલ્પાની શરમ જરા ઓછી થઈ. મુસ્કુરાઈને જવાબ આપ્યો,’ તમારી સાથે આ રીતે પહેલીવાર છે. મને ખબર નથી પડતી કેમ મને આટલી બધી લજ્જાએ ઘેરી લીધી છે’.

‘કોઈ વાંધો નહી. આપણે અંહી શાંતિથી બેઠા છીએ. તું નિર્ભય બન’.

‘પ્રયત્ન કરીશ’.

‘ચાલ ,જો આ ડ્રિન્ક,  ચિપ્સ તેમજ કાજુ આવી ગયા છે. થોડું લે એટલે તને હિમત આવશે. ‘તારી મરજી યા સંમતિ વગર કોઈ પગલું હું નહી ભરું. તું મારા કહેવાનો અર્થ સમજે છે ને?’

જલ્પાએ ડોકું હલાવી હા પાડી. જતીનને જવાબ મળી ગયો. જલ્પાની ઈચ્છા જાણવાની તેને જરૂર ન લાગી.

જલ્પા વિચારી રહી, ‘આવું સુંદર વાતાવરણ, મનગમતો સંગાથ, હું કાંઈ નાની ૨૦ વર્ષની નથી કે આમ શરમાઈને સમયને હાથમાંથી સરી જવા દંઉ’. ખૂબ હિમત એકઠી કરી, મગજને શાંત કર્યું. હવે આગળ શું બનવાનું છે તેનો અંદાઝ આવી ગયો હતો. દિલમાં ઉમંગ વ્યાપ્યો. આ વિચાર તેને કોઈ દિવસ આવ્યો ન હતો. જ્યારે જતીનને આવ્યો અને આમંત્રણ મળ્યું ત્યારે ઘરમાં એકલી દર્પણ સામે નાચી ઉઠી હતી. જતીનને ઓળખતી હતી. ઉમર વચ્ચે માત્ર દસેક વર્ષનો ફરક હતો. જે તેને માન્ય હતો. દેખાવમાં ખૂબ સોહામણો હતો. આ તો સુહાની બિમારીને કારણે સાથ છોડી ગઈ, તેથી પોતે ભાગ્યશાળી બનવાની હતી’.

જલ્પાએ વિચાર ખંખેર્યા. આ બધું વિચારવા ઘર છે. અંહી આજે તાજના ‘ક્રિસ્ટલ હોલ’માં ડિનરની મઝા માણવાનું નક્કી કર્યું. ધીમેથી ઉંચુ જોયું અને જતીન તરફ જોઈ મુસ્કુરાઈ. જતીને પણ હસીને જવાબ વાળ્યો.  બન્ને જણા ડ્રિન્કની મઝા માણી રહ્યા. જતીનને શું બોલવું તે સમજ પડતી ન હતી. જલ્પાએ સામાન્ય વાતચીત ચાલુ કરી. ‘ આજે રજાનો દિવસ હતો એટલે આખો દિવસ શું કર્યું ?’ એવો સવાલ પૂછી બેઠી.

‘સાચું કહું, કે ગપ્પુ મારું’.

‘તમારી મરજી.’

‘ના. તો સાચું કહીશ. સવારથી ઘડિયાળમાં સાંજ ક્યારે પડશે તેની રાહ જોતો હતો. મને લાગ્યું કે આ ઘડિયાળ આજે ચાલે છે કે નહી?’ તો હવે તું પણ કહે તેં શું કર્યું ‘?

જલ્પા ગભરાઈ ગઈ. મેં, મેં શું કર્યું ? કાંઇ નહી’.

‘આ તારો જવાબ ખોટો છે’.

‘કેમ એમ લાગ્યું’.

‘હું તને છેલ્લા બાર કરતા પણ વધારે વર્ષોથી ઓળખું છું. હા, પરિચય સામાન્ય છે.  માત્ર કામ પૂરતો હતો.   આ તો સુહાનીને કારણે આપણે થોડા નિકટ આવ્યા.  તેના ગયા પછી તો મિત્રતા વધી ગઈ. હવે તેં આખો દિવસ કાંઈ નથી કર્યું એ હું કેવી રીતે માનું’. જો તારો કહેવાનો ઈરાદો ન હોય તો હું જબરદસ્તી નહી કરું, ‘કહી હસવા લાગ્યો.

જલ્પાએ સ્મિત રેલાવી ,પોતે જુઠું બોલી રહી છે તે કબૂલ કર્યું. ‘જો સાચું કહું , આમ જોઈએ તો મેં કશું જ નથી કર્યું’ . એક રૂમમાંથી બીજા રૂમમાં પંદર આંટા માર્યા. સાંજે કઈ સાડી પહેરીશ એ નક્કી કરવામાં બાકીનો સમય પસાર કર્યો.’

‘શું પહેરીશ ‘? એ પ્રશ્ન દરેક સ્ત્રી માટે સામાન્ય તેમજ ગહન છે. સુહાનીની આદત પણ એવી જ હતી. સુહાનીનું નામ સાંભળતા જલ્પાના મુખ પરના ભાવ બદલાઈ ગયા. તે જોઈ, જતીને મનોમન નક્કી કર્યું ,બને ત્યાં સુધી હવેથી ક્યારે પણ ,સુહાની અને જલ્પાની સરખામણી કરવાની ભૂલ નહી કરવાની. સુહાની સંગેનું જીવન જતીન માટે  સુનહરો ભૂતકાળ હતો.

જલ્પાને,  જતીન તેની આજ અને આવતી કાલ સંવારવા માટે આમંત્રી રહ્યો છે’. ભૂતકાળ અને ભવિષ્યકાળ ક્યારેય દોસ્ત બની શકે નહી ! સહુ સહુના સ્થાન પર યોગ્ય છે. ‘ જતીને આ વાતની ગંભિરપણે નોંધ લીધી. સુહાની તેની ગઈ કાલ હતી. જલ્પા તેની જીંદગીમાં પ્રવેશ પામી તેની આજ અને આવતીકાલ સંવારી સુખ પામવા  અને આપવા મથી રહી છે. જેણે ૪૦ વટાવી હોવા છતાં કોઈ પણ પુરૂષને નિકટતાથી જાણ્યો તથા પિછાણ્યો નથી. ‘

જતીનના સંગ તેનામાં આનંદનો અવધિ ઉછળી રહ્યો હતો. તેનું કાળજું ખૂબ ઋજુ હતું. તેને સ્નેહથી સંવારવાનું હતું. કુટુંબની જવાબદારીનો ભાર વહન કરતાં જલ્પા પોતાની જાતને વિસરી ગઈ હતી. આજે એ સૂતેલાં અરમાન ફરીથી સજીવ થઈ તેની સમક્ષ નૃત્ય આદરી રહ્યા હતા. પ્રેમ કાંઇ ઉમર જોઈને થતો નથી. એ તો પર્વતમાંથી નિકળતા ઝરણા જેવો પવિત્ર છે. બસ ખળખળ વહે છે. ન ખબર હોય તેને ગતિની કે ન ભાન હોય તેને દિશાનું. પ્રેમ પૂછીને પણ થતો નથી. હજુ જલ્પાના હ્રદયમાં તેના ઝીણા ઝીણા અંકુર ફૂટી રહ્યા હતા. જલ્પા પોતે પણ તે ભાવ કળવાને અસમર્થ હતી. છતાં પણ હ્રદયમાંથી ઉભરાતા ભાવની ગંગામાં સ્નાન કરવું જલ્પાને ગમતું હતું.

જતીન અને જલ્પા સુંદર પીણાનો આસ્વાદ માણી રહ્યા હતાં. ઘણી વખત શબ્દો કરતાં ‘મૌન’ ખૂબ વાતોડિયું જણાય છે. શબ્દોની સીમા સિમિત છે. જ્યારે મૌનને કોઈ બંધન યા સીમા જકડી શકતી નથી.  મૌનનો ઘોંઘાટ અને ઘુઘવાટ જો માણવો હોય તો સુંદર રળિયામણા સ્થળે મનગમતી વ્યક્તિ સાથે બેસજો. એ અનુભવની સુંદરતા કોઈ પણ વ્યક્તિ આલેખવા સમર્થ નહી બની શકે. તેનો અહેસાસ આહલાદક છે. જલ્પાને બસ આજનો દિવસ, સ્થળ અને સંગ મન ભરીને માણવા હતા. વર્ષોની પ્યાસ તેની બુઝાવવી હતી. જે સંજોગની કલ્પના પણ ન હતી તેનો અનુભવ લેવો હતો. બસ કાંઇ બોલવું ન હતું. માત્ર અહેસાસ કરવો હતો. જુવાનીમાં જે અનુભવ પામવાનો વિચાર સુદ્ધાં જલ્પાના મનમાં સ્ફૂર્યો ન હતો. તેનું મન આકબૂલ કરવા તૈયાર ન હતું. છતાં મનને મનાવ્યા વગર ન ચાલ્યું કે ,’આ હકિકત છે’.

જતીન જલ્પાની ભાવના સમજી શકવાને અસમર્થ હતો. તેના પોતાના હાલ પણ કંઇ વખાણવા જેવા ન હતા, સુહાની અને જલ્પા વચ્ચે ઝોલા ખાતો હતો. અટવાતો હતો. ભૂતકાળ ભૂલવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો. પણ એમ કાંઈ જીવનના ૨૫ વર્ષ ભુંસાય ખરા ? તો પછી જલ્પાનો સંગ માણાય કઈ રીતે ? જલ્પાના રૂપે તેણે સુંદર મિત્રની પ્રાપ્તિ થઈ હતી. જેણે હ્રદયમાં સ્થાન આપવાનું હતું. મિત્ર રૂપે તો જીવન સાથે છેલ્લા દસેક વર્ષથી વણાઈ હતી. આ તો મધદરિયે સુહાનીએ સાથ ત્યજ્યો એટલે એકલતા દૂર કરવાનો માર્ગ હતો. જે સુંદર અને મનગમતો હતો. મન અને શરીરની માગ વચ્ચે ઘર્ષણ ચાલતું હતું. આજે જલ્પા સાથે તાજમાં બેઠો હતો અને માનસ પટ પર સુહાની છવાઈ હતી. સુહાનીનો દોરવાયો અંહી સુધી આવ્યો તો ખરો ! પણ નક્કી કરી ન શક્યો એ શું ઝંખે છે ?

ચાલતા ચાલતા મંઝિલ પર સાથી નો હાથ છૂટી જાય અને નવો પ્રવાસી મળે તો તેની સાથે મનમેળ તેમજ પ્યાર થતા સમય લાગે એ સ્વભાવિક છે. જલ્પાને જોતા જતીન ધરાતો ન હતો. તેના મુખ પરના ભાવ વાંચવામાં તેને નિષ્ફળતા મળી. અચાનક જલ્પાને થયું જતીને તેને તાકી રહ્યો છે. જલ્પાએ જાત ઉપર કાબૂ મેળવ્યો અને  વાતચીતમાં પરોવાનો પ્રયાસ આદર્યો. એક પણ શબ્દ ગળાની બહાર નિકળી શક્યો નહી.  જતીન આખરે હકિકતની હરિયાળીમાં લહેરાવવા તૈયાર હતો. તે જલ્પાની વહારે ધાયો.

જતીનને લાગ્યું, પહેલ તેણેજ કરવી પડશે. ‘ચાલો તો ડીનરમાં શું મંગાવશું’?

જતીને પૂછેલા પ્રશ્નના જવાબમાં જલ્પાએ સામો પ્રશ્ન કર્યો. ‘ તમને ખબર હશે અંહી કઈ વાનગી સરસ મળે છે’. આજે જલ્પા જતીન જે પણ કરે તેમાં ઉત્સાહ સભર સાથ આપવા કટીબદ્ધ થઈ. એવો સુંદર જવાબ આપતી કે છેલ્લો નિર્ણય જતીને જ કરવો પડે. જતીને તો સવારથી કાંઈ ખાધું ન હતું. બસ સાંજની ઈંતજારીમાં ભૂખ ભાગી ગઈ હતી. જલ્પાના હાલ તેનાથી સારા ન હતા. મનમાં ઉઠતા ઉમંગના ફુવારામાં સ્નાન કરી રહી હતી. ભૂખ જાણે આજે દિવસ દરમ્યાન  ભાગી ગઈ હતી તે અત્યારે ડ્રાંઉ ડ્રાંઉ કરી રહી.

જતીને સારામાં સારા બે પંજાબી શાક, રૂમાલી રોટી અને બિરિયાની મંગાવ્યા. પાપડ, કચુંબર અને ભજીયા ભૂલ્યા વગર પહેલા લાવવાનું કહ્યું. જલ્પા જતીનના મુખ પરના બદલાતા ભાવ નિરખી રહી. સમય . સમયનું કામ કરે છે. ક્યારેક વહેલું ક્યારેક મોડું એમ માનવીને લાગે છે. ખરું જોતા યોગ્ય સમયે તે થયા વગર રહેતું નથી. આજની મધુર સાંજ જલ્પા અને જતીનને નામ !

બન્ને જણા આ પરિસ્થિતિને પોત પોતાની રીતે યાદગાર બનાવવા પ્રય્ત્ન આદરી રહ્યા.

જલ્પા અને જતીન બન્ને ખુશ દેખાતા હતા. જલ્પાને જતીનનો સંગ ગમતો હતો. જીવનમાં પહેલીવાર ‘પ્રેમ’નો અર્થ સમજી હતી.  પ્રેમ થાય ત્યારે કેવી લાગણી ઉદભવે, શરીરમાં કેવા સ્પંદનો ઉઠે, અણુ અણુ પ્રેમ માટે તરસે આ બધું ખૂબ ગમ્યું હતું. જતીન માટે આ નવું ન હતું તે તો પાકો અનુભવિયો હતો. બે જુવાન જોધ દીકરીઓને બાપ હતો. જલ્પાની હાલત જોવી તેને ગમતી હતી. તેની આંખો પામી ગઈ હતી કે જલ્પાને સ્પર્શ અને સહવાસ દ્વારા કેટલો રોમાંચ થઈ રહ્યો છે.

જલ્પા ખુલ્લા દિલે પોતાના મનના ભાવ કોઈની પાસે ઠાલવી શકતી ન હતી.  બન્ને ભાઈ બહેન નાના હતા. મીઠી મુઝવણની માદકતા અનુભવતી હતી. જતીન માટે આ અહેસાસ નવો ન હતો.

આજે રહી રહીને જલ્પાના  મનમાં વિચાર ઝબકી ગયો, ‘મારી ગાડી છૂટી ગઈ હતી” !

હા, જીવનમાં  તેણે ઘણું મેળવ્યું હતું . તેની સામે તેણે ઘણું ગુમાવ્યું પણ હતું. સંજોગો આગળ માનવી, સારા અને નરસાની તુલના કરી  પોતાનો રાહ તય કરે છે. જલ્પાને લાગ્યું હવે સાચી કેડી પર પગરણ માંડી રહી છે. કંઈ પામવા કશુંક ખોવું પણ પડે !

 

 

 

ઝાકળનું બન્યું મોતી — 3 કુટુંબ પર આવેલી અણધારી આફત. 

7 06 2018

 

આખી બસ સઘળાં યાત્રીઓ સાથે ખીણમાં ધસી પડી .જનક , જયા તેમજ બધા યાત્રીઓ અને બસના ડ્રાઈવર ,કંડક્ટર સહિત હિમાલયની ગોદીમાં સદાને માટે પોઢી ગયા. બરફનું તોફાન ખૂબ લાંબુ ચાલ્યું અને તેમનું કોઈ ઠામ ઠેકાણું જડ્યું નહી. બે દિવસ પછી જે ટૂરમાં  ગયા હતા તે કંપનીનો રાતના નવ વાગે ફોન રણક્યો. પાકી ખાત્રી કરીને દુખદ સમાચાર આપ્યા. જલ્પા ચોંકી ઉઠી. દાદી બધી વાત સાંભળતી હતી. એના તો માનવામાં ન આવ્યું. આભ ફાટ્યું હોત  તો પણ જલ્પાને નવાઈ ન લાગત. તેને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. એકદમ દિશા શૂન્ય થઈ ગઈ. રાતના ટાણે આવી ક્રૂર મશ્કરી કોઈ  ન કરે !

જય અને જેમિની હમણાં જ જંપ્યા હતા.  સૂતા હતાં. જલ્પા ગભરાઈ ગઈ,’ દાદી શું આ સમાચાર સાચા છે?’ આવા દુઃખદ સમાચાર માટે બન્નેમાંથી એક પણ તૈયાર ન હતા. દાદી એ જલ્પાને ધીરજ બંધાવી.

‘બેટા, સવારે ટૂરવાળાની ઓફિસ ખૂલે એટલે પાકા સમાચાર લઈ આવજે. આ તો દિલ્હીથી ફોન આવ્યો છે. અત્યારે સૂઈજા’.

દાદી બોલી તો ખરી પણ તેની ઉંઘ વેરણ થઈ ગઈ હતી. દીકરા વહુને જાત્રા પર જવાનું સૂચન તેનું હતું. તેનું હૈયુ હાથ ન રહ્યું. જલ્પા દાદીના ખોળામાં માથું મૂકીને પડી હતી.

‘આવા સમાચાર ખોટા ન હોય’!

બીજે દિવસે શનિવાર હતો. ટૂરવાળાની ઓફિસમં તો લોકોએ હલ્લો બોલાવ્યો હતો. દરેકને શાંતિથી જવાબ આપી રહ્યા હતા. બરફની શીલા ધસી પડે, એવા કુદરતી અકસ્માત આગળ માનવીનું શું ચાલે ?

સહુને સમજાવવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યા હતા.  “હિમાલય ટૂર’નું નામ સારું હતું. આ ટૂરમાં ખાવા પીવાની કોઈ તકલિફ નહોતી પડતી. હોટલોમાં સુવિધા પણ સારી આપતાં. હા, બીજી સસ્તી ટૂર કરતાં થોડા પૈસા વધારે લેતાં પણ તેની સામે સગવડ સારી મળતી. હિમાલયની ઠંડીમાં મુસાફરો માંદા સાજા થાય તો તેમની સગવડ પણ સચવાતી. દરેકનો એક લાખ રૂપિયાનો વિમો પણ ઉતારતા.

જલ્પા ઘરે આવી. બદ્રીકેદાર સુધી જવાનો કોઈ અર્થ ન હતો. એક તો ખબર બે દિવસ પછી પડી . તેમાં બરફનું ભયંકર તોફાન, ઊંડી ખીણ  બધું નામ શેષ થઈ ગયું હતું. ડ્રાઇવર, કંડક્ટર અને યાત્રીઓ સહિત ૪૨ માણસોએ જાન ગુમાવ્યા હતા. ત્યાં જાય તો પણ ફાયદો શો હતો ? જનક અને જયા શું પાછા આવવાના હતાં?

અરે  જનક અને જયાની અંતિમ ક્રિયા પણ ખૂબ સાદાઈથી તેમનો ફોટો મૂકીને કરી. જલ્પા સાનભાન ગુમાવી બેઠી હતી. દાદી, જય તેમજ જેમિની સહુની જવાબદારી તેના શીરે આવી હતી. દાદીની તબિયત આ સમાચાર સાંભળીને લથડી ગઈ હતી. જલ્પાને હોશ સંભાળવા સિવાય કોઈ ચારો હતો નહી. શાળાનું છેલ્લું અઠવાડિયું બાકી હતું. જય અને જેમિનીને ગળે વાત ઉતારતા ખૂબ તકલિફ પડી.

‘દીદી, હવે મમ્મી અને પપ્પા યાત્રા પરથી પાછા નહી આવે’? જેમિની પૂછી રહી.

‘દીદી, હું હમણા ભલે નાનો છું , પણ મોટો થઈ તારું ,દાદીનું અને જેમિનીનું ધ્યાન રાખીશ’. જય થોડું સમજ્યો હતો.

બધાને મનાવતી, તેમની વાત સાંભળતી અને દાદીને કહેતી, ‘આપણે બધા છીએ ને દાદી  આ મુશ્કેલીમાંથી પાર ઉતરીશું. ‘જય અને જેમિનીને શાળામાં ઉનાળાની રજા પડી હતી. જલ્પાની છેલ્લા વર્ષની પરીક્ષા મમ્મી અને પપ્પા જાત્રાએ નિકળ્યા એ પહેલા પૂરી થઈ હતી. દસેક દિવસ થઈ ગયા. રાતના પપ્પા સ્વપનામં આવ્યા, ‘ જલારામ બેટા, સ્ટોર ઉપર જવાનું ચાલુ કર. મેનેજરને ભરોસે બહુ દિવસ ન રખાય.’

જલ્પા અચાનક ઉંઘમાંથી જાગી ગઈ. સવારના પહોરમાં, દાદીને જણાવ્યું, ‘દાદી રસોઈ તૈયાર થાય એટલે હું ટિફિન લઈને સ્ટોર ઉપર જઈશ’. આત્યાર સુધીના આઘાતમાં સ્ટોર વિસરાઈ ગયો હતો. મનોમન નિશ્ચય કર્યો, ‘જલ્પા હવે તારે સાવધ બન્યા સિવાય કોઈ આરો નથી. તું ઠંડે કલેજે વિચાર કર, દાદી શું કરી શકે. તેણે તો પોતાની હાજરીમાં જુવાન દીકરો અને વહુ ગુમાવ્યા. જય અને જેમિની હજુ નાના છે.’

‘તને જવાબ મળી ગયો. પિતા તને ‘જલારામ’ ખાલી નહોતા કહેતાં. હવે સાર્થક કરવાનો સમય આવી ગયો છે’.

દાદીને ગમ્યું કે આજે પહેલીવાર જલ્પાએ કહ્યું, ‘દાદી આજથી હું સ્ટોર પર જઈશ’. હવે ઘર ચલાવવાની જવાબદારી જલ્પા પર આવી હતી. ભલું થજો જનકે , જલ્પાને ઘણું બધું શિખવાડ્યું હતું. એકાઉન્ટ્સ ભણતી જલ્પા ‘બુક્સ’  જોઈને સમજવાને કાબિલ હતી. મેનેજરે પોતાના અનુભવને કારણે જલ્પાને સહાય કરવાની પોતાની ઈચ્છા પ્રદર્શિત કરી. જલ્પાએ મનમૂકીને કામ કરવાનું ચાલુ કર્યું. થાકી જતી હતી.

જય અને જેમિની અચાનક પાંચ વર્ષ મોટા થઈ ગયા હતા. દાદીને ઘરમાં સતાવતા નહિ. રજાઓમાં પોતાનું કામ જાતે કરતા. જય, જેમિનીનું ધ્યાન રાખતો. દર રવીવારે સ્ટોર બંધ રહેતો. ઘરમાં બધા સાથે બેસીને જમતા. મમ્મી અને પપ્પાની વાતો કરતા ધરાતા નહી. જલ્પા સાંજે બધાને આઈસક્રિમ ખાવા લઈ જતી. જય, જેમિની કરતાં ત્રણ વર્ષ મોટો હતો. રજામાં તેને થોડું ભણવા માટે પ્રોત્સાહન આપતો. જેમિની નાની હોવાને કારણે રમતિયાળ હતી. જયને થોડું જવાબદારીનું ભાન થયું. દાદી બધાને વહાલ આપતી. બાળકો દેખતાં રડતી નહી. જલ્પા કોઈક વાર રાતના જય અને જેમિની સુતાં હોય ત્યારે દાદીના ખોળામાં માથું મૂકી રડી લેતી. આમ સહુ એકબીજાને ધિરજ બંધાવતાં.

‘ જો બેટા હવે રડે કોઈ કામ સરવાનું નથી. આપણે સહુએ સાથે મળીને જીવન જીવવાનું છે. જયને સાચવવાનો અને જેમિનીને ભણવામાં રસ પડે તેમ કરવાનું. જલ્પાની આંખ ક્યારે મિંચાઈ ગઈ ખબર ન પડી. દાદીએ હવે પોતાની જાત સંભાળી હતી. જલ્પાને ખૂબ સારી શિખામણ આપતી.

“જલ્પા બેટા, તને યાદ છે ને તું એકલી હતી ત્યારે ઘણીવાર રાતના સમયે, મારી પાસે આવીને લપાઇ  બાજુમાં સૂઈ જતી”. જલ્પા ચમકી અરે આ તો મમ્મીનો અવાજ છે. ઉઠીને જેમિનીની બાજુમાં સૂઇ ગઈ. ઉંઘમાં તે ડૂસકાં ભરતી હતી. તેને વહાલ કરી શાંત કરી. ઉંઘમાં પણ નાની જેમિની બોલી ઉઠી,’ દીદી, સારું થયું તું આવી . મને બીક લાગતી હતી’.

જય તો પોતાની બાજુમાં , ‘કેપ્ટન ગુરખા’ને લઈને સૂતો તેથી તેને રાતના ડર ન લાગતો. જલ્પા ચોકન્ની થઈ, બન્ને નાનકાઓને પ્યાર આપતી. અચાનક તે તેમની મા બની ગઈ. ૨૦ વર્ષ જેણે માતા અને પિતાનો પ્યાર બે હાથે મેળવ્યો હોય તે એ સુનહરા દિવસો કેવી રીતે ભૂલી શકે. પોતાની જાતને ભૂલી ગઈ. શાળાઓ ચાલુ થઈ. બધું બરાબર તપાસી તેમને શાળાએ જવા રવાના કર્યા. દાદી , ‘હું સ્ટોર પર જાંઉ છું. તું તારી તબિયતનું ધ્યાન રાખજે. ‘સાવિત્રી’ ઘરનું બધું કામ કરશે.  શાળા ચાલુ થયા પછી સાવિત્રીને ઘરકામ તથા રસોઈ માટે રાખી હતી. દાદી બધું ધ્યાન આપતી. સાવિત્રીને સલાહ આપતી. તેના પર ચાંપતી નજર રાખતી.  ધીમે ધીમે સાવિત્રી ઘરના સભ્યની જેમ રહેવા લાગી. જેથી દાદીનું કામ સરળ થઈ ગયું.

દાદી,’તું જય અને જેમિની આવે એટલે તેમને એકલું ન લાગે તે જો જે. ‘દાદી ખૂબ પ્રેમાળ હતી. પોતાના જનક કરતાં આ ત્રણેયનું વધારે ધ્યાન રાખતી.  છૂટે હાથે પ્રેમ આપી તેમને હુંફ આપતી. જાણે તેને જુવાની પાછી ન મળી હોય? આમ જલ્પાની જીવન ગાડી ચાલી રહી હતી. જય અને જેમિનીના શાળાના પ્રમાણ પત્ર ઉપર ધ્યાન આપતી. ભણવામાં જરા પણ કચાશ ચલાવતી નહી. જરૂર પડ્યે શિક્ષકોને મળી તેમના અભ્યાસ વિષે ખબર રાખતી.

જય તોફાની બારકસ હતો. સારો થવા પ્રયત્ન કરતો પણ ઉછળતું લોહી હતું , જલ્પા વિચારતી ધીમે ધીમે સરખો થઈ જશે.જ્યારે આઠમા ધોરણમાં આવ્યો ત્યારે એકદમ બદલાઈ ગયો. જેમિની બોલતી  ઓછું પણ કામ તેમ જ અભ્યાસમાં નિયમિત હતી. તેના તરફથી જલ્પાને શાંતિ હતી.

દાદી જરા ઢીલી થતી જતી હતી. જલ્પા. ‘દાદી તેં આજે વિટામિન્સની ગોળીઓ નથી લીધી. ‘

‘ના, બેટા લીધી’.

‘દાદી, જો આ રહી.’

‘ ઓ, હું ભૂલી ગઈ’?

જલ્પાનું ધ્યાન કોણ રાખે? આજે થાકેલી જલ્પા સૂવા ગઈ . આંખ મિંચાઇ ત્યાં પપ્પાનો અવાજ સંભળાયો,’ ‘ઓ મારા જલારામ , ધંધાનો બરાબર હિસાબ રાખે છે ને ? પેલા મેનેજર પર નજર રાખજે. તે થોડો અવળચંડો છે. ‘

જલ્પા ચીસ પાડી ઉઠી, ‘હેં પપ્પા તમને બધી કેવી રીતે ખબર પડે છે’.

‘ બેટા મને તારી ફિકર રહે છે’ . યાત્રા કરવા ગયા ત્યારે થોડી ખબર હતી કે આવું થશે?’ જલ્પા રડી પડી.

જલ્પાને સવરે ઉઠતાં મોડું થયું. પપ્પા વહેલી પરોઢિયે સ્વપનામાં આવ્યા હતાં. પછી આંખ મિંચાઇ ગઈ.

‘દીદી, ઉઠને, મારા મોજા નથી મળતાં. જલ્પાને પપ્પાની સાથે ખૂબ વાતો કરવી હતી. ઉઠ્યા વગર પણ ચાલે તેમ ન હતું. આજે જય અને જેમિનીની છમાસિક પરિક્ષા હતી. સવારે સ્ટોર પર જતાં પહેલાં તેમને રિક્ષામાં બેસાડી શાળામાં મૂકી આવી. ‘શાંતિથી પેપર લખજો. ‘

સાંજના ઘરે આવી. થાકેલી હતી પણ બન્ને જણા સાથે વાત કરી. આવતીકાલની પરિક્ષા વિષે જાણ્યું. જેમિની , ગણિતના દાખલા કર્યા પછી બરાબર તપાસજે. ઉતાવળમાં ભૂલ નહી કરતી’.
‘દીદી, ઉતાવળ નહી કરવાનું તો ભાઈલાને કહેવાનું, એ ખૂબ શેતાન છે. હું તો ખૂબ શાંતિથી દાખલા ગણું છું. ‘

જય ઉભો થઈને જેમિનીના વાળ ખેંચવા લાગ્યો.

જલ્પાએ હસીને કહ્યું, ‘વાળ છોડાવવા હોય તો ભાઇની માફી માગ’.

‘સારું સારું. કહી અંગુઠો બતાવી ભાગી ગઈ.’

દાદી આ બધું જોઈ રાજી થતી. તેને જલ્પા પર ખૂબ ગર્વ થતો. ‘આ મારી દીકરી ઘરને સાચવશે. ‘

એકવાર દાદી બોલી, જલ્પા બેટા તારે પરણવાનું?

જલ્પા નારાજ થઈ, ‘દાદી આજે બોલી તો બોલી ફરી પાછો એ શબ્દ ઉચ્ચારતી નહી. તું , જય અને જલ્પાએ મારો સંસાર’. પરણવું એ શબ્દ જલ્પાના શબ્દકોષમાં હતો નહી. અચાનક જલ્પાને માથે જે જવાબદારી આવી હતી તેના વિષે હમેશા વિચારતી. દાદીની વધતી જતી ઉમર. નાનો જય અને જેમિનીનું કોણ ? આમ બે વર્ષ થઈ ગયા. જેમિની સાતમા ધોરણમાં આવી અને જયે દસમું ધોરણ પાસ કર્યું . તોફાની ગણાતો જય જ્યારે ૯૦ ૦/૦ માર્ક્સ લાવી પાસ થયો ત્યારે જલ્પાની આંખમાં બે બિંદુ આવીને અટકી ગયા.

પપ્પા અને મમ્મીના ફોટા પાસે જઈને પગે લાગી. ‘પપ્પા , તમારું સ્વપનું પુરું કરીશ. આપણા ઘરનું ખૂબ ધ્યાન રાખીશ. તમે અને મમ્મીએ મને ખૂબ પ્રેમ આપ્યો હતો. જય અને જેમિનીને જરા પણ ઓછું નહી આવવા દંઉ. ‘

દાદી પાછળ ઉભી રહીને સાંભળી રહી હતી. જલ્પા બેટા , તું મારા જનક કરતા મને વધારે વહાલી છે. દાદી જાણતી હતી જનાર વ્યક્તિ તો જતા રહ્યા, પાછળ રહેનારને જીવ્યા વગર છૂટકો નથી. આનંદનો અતિરેક તો ત્યારે થયો જ્યારે જય, આઈ.આઈ.ટી.ની અઘરી પરીક્ષામાં પાસ થઈ એડમિશન મેળવી લાવ્યો.

વાહ, મારો ભાઇ, તેં તો આપણા ઘરનું નામ રોશન કર્યું. ‘કેપ્ટન ગુરખા’ વગર સૂતો નહતો એ ભાઈ આજે આઈ.આઈ ટીમાં એડમિશન લઈ આવ્યો. જલ્પાનો હરખ માતો ન હતો. પૈસાની ચિંતા હતી નહી. સ્ટોર ચલાવામાં ધીરે ધીરે ફાવટ આવી ગઈ હતી.

“ઝાકળનું બિંદુ સૂરજ જોઈને રડૅ તો તેનું બાષ્પિભવન થઈ જાય. આતો સૂરજને જોઈને ખિલ્યું હતું. તેની સાથે ગેલ કરતું હતું”. જલ્પાને કઈ માટીની બનાવી હતી કદાચ તે મિશ્રણ સર્જનહાર પણ ભૂઈ ગયો હશે. દાદી હરખાઇ. બધા સાથે મળીને ભાઇને મૂકવા પવઈ ગયા. પેલી ‘ઝમકુ’ ખૂબ રડી, જેમિની માટે હવે ભાઇ આદર્શ બની ગયો.

‘ દીદી, અમે તારું નામ રોશન કરીશું’.

‘મારું નહી , પગલી મમ્મી અને પપ્પાનું, દાદી આવ જો મમ્મી અને પપ્પા ફોટામાં મુસ્કુરાય છે’. બોલી મ્હોં ફેરવી લીધું . કોઈ આંસુ જોઈ ન જાય. દાદી સમજી ગઈ પણ બોલી નહી. જયે કોલેજમાં બરાબર ભણીશ કહી સહુને વિદાય કર્યા.

 

 

ઝાકળ બન્યું મોતી. ( પ્રથમ પ્રકરણ )

30 05 2018

 

પ્રિય મિત્રો

**********

શ્રી કૃષ્ણાય નમઃ

શ્રી ગોપીજન વલ્લભાય નમઃ

આચાર્ય ચરણકમલેભ્યો નમઃ

આજથી નવી નવલકથા તમને વાંચવા મોકલું છું. વાંચી તમારો અભિપ્રાય જણાવશો તો આભારી થઈશ.

પ્રવિનાશ

ઝાકળ બન્યું મોતી.

૨૦ વર્ષની કાચી ઉંમરમાં નાના ભાઈ અને બહેન તેમજ પ્રિય દાદીની જવાબદારી ઉપાડી જલ્પાને કેવી રીતે જીવનમાં મોતીની માફક ચમકવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયું.

**************************************************************************************************************************************************

ઝાકળનું બિંદુ* પ્રકરણ ૧
**********************

વરંડામાં હિંચકે ઝુલતી જલ્પા ખુશ મિજાજમાં હતી. મુખ ઉપરના ભાવ,’ તે સુખી છે’, કહેવા તલપાપડ થઈ રહ્યા હતાં. ૪૨ વર્ષની ઉમરે આટલું બધું પામશે એવો તો તેને સ્વપને પણ ખ્યાલ ન હતો. ૨૦ વર્ષ સુધી માતા અને પિતાની છત્રછાયા હતી.  અચાનક પછીના વર્ષોમાં જે તુમુલ યુદ્ધ ખેલ્યું તેનો અંદાઝ કાઢવો મુશ્કેલ છે. જેને કારણે તેના મુખ પર પ્રસરાયેલી આભા જોઈને પેલો સૂરજ સ્મિત વેરતો વિદાય થયો અને ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠ્યો.

જવું હોય જાપાન અને આવી ઉભા રહીએ ચીન, તો કેવા હાલ થાય? જલ્પાને એ વાતનો જરા પણ અફસોસ ન હતો. તેના મુખ પર સંતોષની આભા પ્રસરી રહેલી હતી.  શિક્ષિકા તરિકે સુંદર કામગિરી  બજાવી, બની શકે તો નાના બાળકોના ભવિષ્ય સુધારવાની લગની લાગી હતી. જલ્પાને ઓળખનાર સહુ વિચારતા,’ કઈ માટીની આ સ્ત્રી બનેલી છે’. જે પણ કાર્ય હાથમાં લે,  તેમાં પારંગત બને છે.  જીવનમાં ફરિયાદ કરતાં તે શીખી ન  હતી. જીવનને ખૂબ નજીકથી મળી હતી. પિછાણ્યું હતું, તેની રગે રગ ઓળખી ગઈ હતી. નાની વયે જીવન સાથે હાથ મિલાવી,ગાઢ દોસ્તી કરી અણજાણ પગદંડી પર કૂચ માંડી હતી. ગમે તે પરિસ્થિતિમાં હોય, જલ્પા પોતાનો માર્ગ શોધી લેતી. સંસ્કારી માતા અને પિતાની દીકરી સંજોગને લક્ષમાં લઈ વિચાર કરીને બીજું કદમ ઉઠાવતી.

સ્ત્રી અને પુરૂષ બન્નેનું રસાયણ તદ્દન ભિન્ન છે. ૨૧મી સદીમાં સ્ત્રી, પુરૂષ સમોવડી બનવા ખુલ્લે આમ દોટ મૂકી રહી છે. સ્ત્રીનું ગૌરવવંતુ પદ તો ક્યાંય ઉંચું છે. પુરૂષ તેને કોઈ કાળે આંબી શકે તેમ નથી. સ્ત્રી જે કરી શકે છે તે પુરૂષ કોઈ કાળે કરી ન શકે. કદાચ એટલે જ પોતાનું અહં સંતોષવા સ્ત્રી ઉપર માલિકીનો દાવો કરતો હશે? સ્ત્રીને યાતના આપવામાં ગૌરવ અનુભવતો હશે. આ ચર્ચાનો વિષય નથી. માત્ર સમજણપૂર્વક વિચાર જરૂર માગી લે છે. સ્ત્રી અને પુરૂષ તેમાં કોઈ ચડિયાતું નથી. કોઈ ઉતરતું નથી. બન્ને એકેબીજાના પૂરક છે. શામાટે એક બીજા તરફ આદર ન ધરાવવાનો હોય ?

અભિમન્યુ માતાના ઉદરમાં સાત કોઠા વિષે શીખીને આવ્યો હતો. અભિમન્યુએ મહાભારતના યુદ્ધમાં કોઠા જીત્યા. જલ્પાએ જીવનમાં પ્રાપ્ત થયેલી દરેક અવસ્થામાંથી ઉગરવાનો માર્ગ શોધ્યો.   જલ્પા જીવનમાં આવતા વિકટ પ્રશ્નો વિષે ખૂબ શાંતિથી વિચારી પોતાનો માર્ગ ચાતરી લેતી. હામ હારે તેવી ન હતી. જે પણ કાંઈ વિઘ્ન યા સંકટ આવતા તે હલ કરી સ્ટોર ચલાવવામાં સફળતા પ્રાપ્ત કરી  હતી. હવે તો આઠ વર્ષ પણ થઈ ગયા. મમ્મી અને પપ્પા હવે સ્વપનામાં કામ વગર ન આવતા. તેમને દીકરી પર ભરોસો હતો કે બધુ થાળ પાડે એવી છે. તે જ્યારે થાકતી, હારતી ત્યારે સાંત્વના આપવા આવી જતા.

૪૨ વર્ષની ઉમરે જતીન  જેવો જિગરજાન મિત્ર પામી જલ્પા ખુશીના અવધિમાં લહેરાઈ રહી હતી ! જ્યારે પણ જતીન કામકાજ માટે બહારગામ જાય ત્યારે જલ્પાને એકલતા ખાવા ધાતી. આ વખતે તે એક અઠવાડિયા માટે ગયો હતો. એકલી જલ્પા વરંડામાં ઝુલતી ભૂતકાળમાં સરી ગઈ. એ દિવસોમાં ખૂબ પરેશાન રહેતી. બાજુમાં કોના સ્ટોર છે તેના પ્રત્ય ઉદાસી દાખવતી. એ તો સમય વિત્યો અને પોતે જરા થાળે પડી પછી તેને ખ્યાલ આવ્યો.

પોતાના  સ્ટોરની એક બાજુ જતીનનો ‘આધુનિક ઉપકરણો’નો સ્ટોર હતો. ત્યારે બીજી બાજુ એક ‘ફાસ્ટ ફુડ’ રેસ્ટોરન્ટ હતી. ત્યાં બધી જાતનું ચટાકેદાર ખાવાનું મળતું. નામ પણ એવું અલમસ્ત હતું કે લોકો નામ વાંચીને પણ એક વખત ખાવા લલચાય. નામ હતું ‘મનપસંદ” . જે મનપસંદ વાનગી માગો દસ મિનિટમાં તમારા ટેબલ પર હાજર હોય. તેનું નામ ખૂબ જાણિતું હતું. તેને કારણે ઘણિવાર જલ્પાએ ફાલતુ લોકોનો ધસારો પણ સહન કરવો પડતો. તેના માલિક  બે જુવાન હતા. અધુરામાં પુરું પરણેલા પણ ન હતા.

બે મિત્રો એ રેસ્ટોરન્ટ ચલાવતાં. જીગરી મિત્રો હતાં. વહેલી સવારે ખોલતાં, જેથી લોકો નોકરી પર જતાં પહેલાં ચા કે કોફી પીવા આવે. દરરોજ સવારના ગરમા ગરમ બટાટા પૌંઆ અને ઉપમા તૈયાર કરી રાખે. ચોખ્ખાઈ તો તેમની જ જોઈ લો. જ્યારથી જલ્પા સ્ટોર પર આવતી થઈ ત્યારથી તે બન્નેના આંટા અંહી વધી ગયા. જલ્પા પણ જુવાન હતી. પેલા બન્ને જેવી આછકલી ન હતી. જેવા એ લોકો સ્ટોરમાં આવે કે તરત જ નવીનને કાઉન્ટર પર બોલાવી પોતે પાછળ કામ કરવા જતી રહે.

પેલા બન્ને રોમિયો જલ્પાની આ ચાલ સમજી ગયા. જલ્પાને થતું ‘પાણીમાં રહેવું અને મગર સાથે વેર’ શામાટે? જરૂર પડ્યે ખૂબ ઠાવકાઈથી વાત કરતી. બન્ને માંથી એકેયને ‘ઘાંસ ન નાખતી’. જુવાની દિવાની હોય. હવે તો પાંચ વર્ષ પણ થઈ ગયા હતા. જલ્પાએ જરા પણ સંબંધ વધાર્યો નહી. જલ્પાએ જતીન પાસેથી ઘણા બધા મશીનો અને કમપ્યુટર ખરીદ્યા હતા. તેની નિખાલસતાને કારણે બન્નેમાં મિત્રતા વધી ગઈ હતી. જતીન સુખી, સંસારી હતો. તેના તરફથી કોઈ ભય ન હતો.

એક વખત  જલ્પાએ  જતીનને બાજુવાળા નિરવ અને જીગરની વાત કરી. જતીનમાં ખૂબ સજ્જનતા જલ્પાને જણાતી. તેની સાથે વાત કરવામાં સંકોચ ન અનુભવતી.  જતીનના માનવામાં ન આવ્યું કે આટલા વર્ષોથી બાજુમાં રહી ધંધો કરનાર આવું વર્તન કેવી રીતે કરી શકે? જતીનની પત્ની અવાર નવાર બિમાર રહેતી હતી. જેને કારણે જતીન તેમને ત્યાંથી ઓર્ડર આપી ખાવાનું લઈ જતો હતો. જતીન, જલ્પાની કુનેહભરી વર્તણુક અને આગવી ધંધાની કાબેલિયતને કારણે ખૂબ પ્રભાવિત હતો. તેણે જલ્પાને સમજાવી, નિરવ અને જીગર સાથે  વાત કરશે એમ કહી હૈયા ધારણા આપી.

નિરવ અને જીગર , જતીનની આમન્યા રાખતા. નિરવ હજુ ગયા વર્ષે પરણ્યો હતો. જીગર હજુ તેની ‘અમી’ની શોધમાં હતો. જલ્પાને માટે ‘પરણવું’ એ શબ્દ તેના શબ્દકોષમાં ન હતો. નાનો જય, ઢીંગલી જેવી જેમિની અને ‘દાદી’ સહુનો આધાર હતી,’ જલ્પા’. જતીનને આજે દસ વર્ષ પછી જલ્પાના સ્વભાવ વિશે ખ્યાલ આવી ગયો હતો. ‘તેણે જીગરને સમજાવ્યો.

‘આપણે બાજુમાં રહી ધંધો કરવો છે. ભલું સહુનું છે, જો શાંતિથી રહીએ અને એકબીજાને જરૂર વખતે કામમાં આવીએ. જલ્પા ખૂબ સ્વમાની અને ઈજ્જતદાર છે. તારી ખેરિયત ચાહતો હો તો, તેને કનડવાનું છોડી દે. તેનામાં રહેલા ગુણોની કદર કર.  જે છોકરી માતા અને પિતા ગુમાવી પૂરા કુટુંબને સાચવી રહી છે’.

જીગર સમજી ગયો. એણે વિચાર્યું ,’આટલી મોટી દુનિયા છે. મુંબઈ શહેરમાં ઘણી છોકરીઓ છે. શામાટે ,જે વ્યક્તિને રસ નથી તેને કનડવી’.

જો કે જલ્પા હતી ખૂબ સુંદર અને છટાભેર. કોઈની પણ દાનત બગડૅ ! જીગરે મિત્રતા માટે પહેલ કરી. જલ્પાને મિત્રતામાં જરા પણ વાંધો ન હતો. પાણીમાં રહેવું અને મગર સાથે વેર શામાટે. જલ્પાને કામથી કામ. તેના દિમાગમાં ધુન હતી. નાનો ભાઈ, બહેન અને દાદી તેના પર આશા રાખી જીવતા હતાં.

જલ્પાના હૈયે ટાઢક થઈ. આજુબાજુવાળા ત્રણે સ્ટોરના માલિકો હવે મિત્ર બની ગયા. તહેવારોની ઉજવણી પણ સાથે કરવા લાગ્યા. દિવાળી દરમ્યાન સ્ટોરને બહાર અને અંદરથી શણગારવાનો કોન્ટ્રાક્ટ એક રૂસ્તમ બાવાજીને સોંપ્યો. પારસી બાવો હતો તો ૬૫ થી ૭૦ વર્ષનો. દીલનો દિલાવર અને મોઢાનો મીઠો. જલ્પાને ડીકરા, ડીકરા કહીને બોલાવે. જલ્પાને પણ બાવાજી ખૂબ ગમતા. તેને એમનામાં પિતાજી દેખાતા. બાવાજીની આમન્યા રાખતી. તેમનું ભાવતું ધાનશાક દિવાળીમાં ખાસ તેમને માટે બનાવી ,ડબ્બો ભરીને લાવતી’.

બાવાજી દિવાળી નિમિત્તે મિઠાઈનું પડીકું અચૂક લાવતા. જલ્પાની કુનેહ અને આવડતના તે ચાહક હતા. બાવાજી આજે જલ્પાને ત્યાં આવ્યા હતા. જલ્પાને નવાઈ લાગી. કારણ વગર તેઓ આવતા નહી. ફોન ઉપર વાત કરી પોતાને જોઈતું મંગાવી લેતા. જલ્પા માણસ મોકલી તેમનો સામાન પહોંચાડી દેતી. બાવાજીના મુખ પર ચિંતા જણાતી હતી. જલ્પા દ્વિધામાં હતી પૂછવું કે નહી. જલ્પાની ભર જુવાની હતી, ધંધો ખૂબ કુનેહથી કરતી. દરેક સાથે માત્ર કામ પૂરતા સંબંધ હોય. કોઈને એમ ન લાગવું જોઈએ કે જલ્પાની દાનત ખરાબ છે. જેમ જલ્પાએ દાદીને માન સહિત જણાવ્યું હતું, તેમ તેની આજુઅબાજુની બધી વ્યક્તિઓ જાણતી કે ,’જલ્પા સાથે કામથી કામ’. ખોટી આડી અવળી યા  મજાક મશ્કરીની વાત નહી કરવાની. ક્યારે જલ્પાની કમાન છટકે અને અપમાન કરી બેસે તેનો ભરોસો નહી !

જો આવી પ્રતિભા ન રાખે તો લોકો જલ્પાની સાથે બેહુદી વાતો કરતા જરા પણ ન અચકાય. તેની ચારે બાજુ અભેદ કિલ્લો હતો. તેની કાંગરી, પણ દસ વર્ષમાં ખરવા પામી ન હતી. જતીનને તેથી તો જલ્પા માટે ખૂબ આદર હતો. જલ્પાની જીંદગીનો ધ્યેય નક્કી હતો. તેનો મારગ ધોરી મારગ જેવો હતો. રસ્તામાં ક્યાંય ખાડા કે ટેકરા ન હતા. છતાં પણ ખૂબ સાવધાની પૂર્વક પગલા માંડતી. તેને નહોતું ખાડામાં ગબડવું કે નહોતો ચડવો હિમાલય. લક્ષ હતું ‘ જય અને જેમિની’નું ભવિષ્ય . દાદીને વધતી જતી ઉમર સાથે પ્રેમ અને કાળજી પિરસવા હતા. માતા અને પિતાનું નામ રોશન કરવું હતું. પોતે જે પ્રેમ પામી હતી, તેવો પ્રેમ બાંટવો હતો.

પેલો બાજુવાળો જીગર પણ હવે સમજી ગયો હતો.  આ જીગરે ‘બાવાજીની’ નાની દીકરી રોશન સાથે સંબંધ કેળવ્યો હતો. બાવાજી રહ્યા પારસી, તેમને શું ખબર પડે કે આ જુવાન કેવો છે? આમ પણ પારસીઓ એવું માને કે તેમણે પારસીને પરણવું. પારસી પ્રજા ધીરે ધીરે નામશેષ  થઈ રહી છે. પારસી કોમને પણ તેની ચિંતા છે. મુખ્ય કારણ પારસી પ્રજા ખૂબ મોટી ઉમરની થાય ત્યાં સુધી પરણતી નથી. પછી તેમને બાળકો કરવા માટૅ ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણાને બાળક થતા પણ નથી.

જલ્પાને બચપનથી  સુવાક્યો વાંચવાની આદત હતી. એક વખત ક્યાંક  વાંચવામાં આવ્યું હતું,” ઈશ્વર તેને જ મુસિબત યા તકલિફ આપે છે જેનામાં તે પાર પાડવાની શક્તિ હોય છે. ‘મા કહેતી, ‘સંકટમાંથી ઉગરવાનો માર્ગ પણ   ઈશ્વર દર્શાવે છે”. જતીનની ગેરહાજરી જલ્પાને સાલતી હતી.જતીન સાથેની દોસ્તી ગાઢ બની ચૂકી હતી. તેનું દિમાગ આડેધડ વિચાર કરી રહ્યું હતું.

તેની આંખ સમક્ષ  જીવન ચિત્રપટની માફક પસાર થઈ રહ્યું હતું. બંગલાના વરંડામાં બેઠી હતી.  કોણ જાણે કેમ આજે સવારથી તેને ચેન ન હતું. તેણે જીંદગીને ખૂબ નજીકથી પિછાણી હતી. જીંદગી બતાવે એ બધા દાધા રંગ જોયા હતાં. હવે માંડ ઠરીઠામ થઈ હતી. ભાઈ અને બહેન મોટા થઈ પોતાની જીંદગીમાં ગોઠવાયા હતા. ૨૦ વર્ષની ઉમરથી તેણે જવાબદારી વેંઢારી હતી. હવે તે બસ શાંતિની જીંદગી જીવી મનમાન્યું કરી શકે તેવી સ્થિતિએ પહોંચી હતી. જતીને તેને મિત્ર તરિકે અપનાવી હતી!  એણે જલ્પાને  જીવનના હર હાલમાં જોઈ હતી. તેના પ્રત્યે હમદર્દી તેમ જ આદર હતો.

જતીનના બે બાળકો કોલેજમાં ભણતા તેથી રજા દરમ્યાન ઘરે આવતાં. ઘણી વખત તો ” સ્ટુડન્ટ એક્સચેન્જ”ના પ્રોગ્રામમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે લંડન જતાં. જલ્પાના, પોતાના ભાઈ બહેન આખરે જીંદગીમાં સ્થાઈ થઈ ગયા હતા. જલ્પા મોટી બહેન હતી પણ તેમને માટે માતા સમાન ગણાતી. જેને કારણે વિકટ પરિસ્થિતિમાં તેઓ મનગમતું ભણી જીંદગી સુંદર રીતે ગુજારી શકે તેવા સ્થાને હતાં.જલ્પા તેમની જીંદગીમાં મોટી બહેન તરિકે ન હોત તો ? એ વિચાર પણ તેમને ભયભીત કરવા માટે પૂરતો હતો.

જતીન સાથે મૈત્રીને કારણે તેના બાળકોને માની ખોટ સાલવા ન દેતી.  નાની ઉમરમાં જહેમત કરી જય અને જેમિનીને ઠેકાણે પાડ્યા હતાં. બાળકો ગમતાં તેથી  બી.એડ. કર્યું અને ફેલોશિપ શાળામાં શિક્ષિકા બની. બાળકો તેને ખૂબ પ્રેમ અને આદર આપતા.  દિલ દઈને ભણાવતી. તેના વર્ગમાં બધા બાળકોએ સરખું ભણવાનું. તે મહેનત પણ પુષ્કળ કરતી. જો કોઈ બાળક ફરિયાદ કરે કે પાછળ પડી ગયું હોય તો તેમના ઉપર વધારે ધ્યાન આપે. ગણિત અને અંગ્રેજી તેના બે મુખ્ય વિષય. ગણિત શિખવવાની તેની પદ્ધતિ આગવી હતી. ખૂબ રસમય રીતે બન્ને વિષયો ભણાવતી.

મોટે ભાગે બાળકોને ગણિત વિષય ગમતો નથી. જો તેમને સુંદર રીતે ભણાવવામાં આવે તો તેના જેવો કોઈ રસપ્રદ વિષય નથી. જલ્પા તે જાણતી તેથી ગણિત સાથે ગમ્મતનું એવું મિશ્રણ કરતી કે બાળકોને મઝા આવે. જો કોઈ બાળક પાછળ પડી જાય તો તેને મદદ કરી હોંશિયાર બનાવતી. બાળકો તેની કમજોરી હતા.બાળકોની નિર્દોષતા તેના અંતરને ઠારતી. તેમનું રમતિયાળપણું તેને પોતાને જીવંત રાખતું. નાની ઉમરે જવાબદારી વહન કરી હતી. જેને કારણે તેને બાળકોની નિખાલસતા ગમતી. તોફાની બારકસોને ઠેકાણે લાવવાની કળા તેને વરી હતી.

જતીનના બાળકો પ્રમાણમાં મોટા હતાં. જલ્પાના હ્રદયની ભાવનાને પિછાણી ગયા હતાં. તેઓ જલ્પાને ખૂબ ઈજ્જત અને માન આપતાં. જતીનને જે ડર હતો તે નાબૂદ કરવામાં જલ્પા સફળ રહી.  જતીન સંસારનું સુખ પામી ચૂકેલો અનુભવી માણસ હતો. પોતાની પત્ની પ્રત્યે અનહદ પ્રેમ હતો. તેની યાદગીરી સમાન બે સુંદર પુષ્પો તેના જીવનમાં ખિલ્યા હતા.

જતીન લગભગ ‘૫૨’ નો હતો અને પોતે ‘૪૨’ વર્ષની. જલ્પાના નસિબમાં ‘માતા’ બન્યા વગર બાળકોનું અઢળક સુખ હતું.  જો કે તેને તેનો અફસોસ પણ ન હતો. માતૃત્વની ભાવના વહાવવાની દિશા તેને મળી ગઈ હતી. ‘શું માત્ર પોતાના બાળકો જ સુખ આપી શકે?’ પ્રથમ નાના ભાઈ અને બહેન, પછી જતીનની બે દીક્રીઓ અને હવે ફેલોશિપ સ્કૂલના બાળકો !

જલ્પાને કલ્પના પણ ન હતી કે ૪૨ વર્ષની થયા પછી તેને આવો જતીન જેવો પ્રેમાળ મિત્ર મળશે? જતીનનું લગ્ન જીવન સુખી હતું. આ તો તેણે અધવચ્ચે જીવન સંગિનીનો સાથ ગુમાવ્યો. તેની એકલતા દ્દૂર કરવા તેને જલ્પા ખૂબ વ્યાજબી લાગી. જેને તે પત્નીની હયાતિમાં પણ જાણતો હતો. જલ્પાને પણ ક્યારેય પુરૂષ મિત્રનો પરિચય ન હતો. ખરું જોતા તેના જીવનમાં પિતા અને હવે જતીન બે જણાએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. જો નાની ઉમરમાં સ્થાયી થઈ હોત તો વાત જુદી હતી. આધેડ વયે સુંદર મિત્ર પામી પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગી !

જલ્પાને ધંધામાં મુશ્કેલી આવતી ત્યારે વિના સંકોચે જતીનની સલાહ લેતી. જતીનને જલ્પાના પિતા સાથે પણ ગાઢ સંબંધ હતો. જલ્પાની આવડત તેમજ  બહાદૂરી જોઈ તેને નવાઈ લાગતી. હજુ તો કોલેજમાંથી સ્નાતક થઈ તે પહેલાં આખા કુટુંબની જવાબદારી એને શીરે આવી હતી. માતા અને પિતાના બસ અકસ્માતના અવસાન પછીની ૨૦ વર્ષની જીંદગીથી જતીન માહિતગાર હતો. જતીનની જાતિય જીંદગીથી જલ્પા અજાણ હતી. તે સુંદર બે દીકરીઓનો પિતા હતો.  તેની પ્રેમાળ પત્ની હતી. જ્યારે લગ્નના ૨૦ વર્ષ પછી જતીનની પત્ની કેન્સરનો ભોગ બની ત્યારે જલ્પાને જાણ થઈ. તે લગભગ ૧૦ કરતા વધારે વર્ષોથી હેરાન થતી હતી.

જલ્પાને તો કામકાજમાં ગળાડૂબ હોવાને કારણે પરણવાનો વિચાર પણ કદી આવ્યો ન હતો. દાદી પણ  જય અને જેમિની ભણી પરવારે તે પહેલાં   ગામતરુ કરી ગઈ હતી. જય અને જેમિની તેમની જીંદગીમાં ગોઠવાઈ ગયા હતા. હવે જલ્પાને પૈસાની બહુ અગવડ લાગતી નહી. ઘર ખાલી થઈ ગયું હતું. આટલાં વર્ષોમાં જલ્પા અને જતીન સારા મિત્ર બની ગયા હતાં. બે વર્ષ પહેલાં તેની પત્ની કેન્સરમાં વિદાય થઈ ત્યારે જતીન ભાંગી પડ્યો હતો. આ સમયે જલ્પાએ મિત્ર તરિકેની ફરજ પ્રેમથી નિભાવી. જુવાન હતા, એકેમેક પ્રત્યે લાગણી ધરાવતા હતાં. અધુરામાં પુરું એકલા હતા. એકલતામા આવો મધુરો સંગાથ ગાઢ મિત્રતામાં પરિણમ્યો !

બન્ને દીકરીઓ કોલેજમાં  એક બેંગ્લોર અને બીજી સૂરત ભણતા હતાં. જલ્પાએ જતીનને બનતી બધી મદદ કરી હતી.  જલ્પા ધીરે ધીરે સ્ટોર સમેટવામાં પડી હતી. તેને થતું એકલી માટે હવે આટલી બધી પળૉજણ શામાટે ? પોતાની હોંશિયારીથી સ્ટોર ખૂબ સધ્ધર થઈ ગયો હતો. સ્ટોર વેચે તેને સારા પૈસા મળવાના હતા. તેને આગળ ભણી હવે શાળામાં ‘૯ થી ૫ ‘ની નોકરી કરી શાંતિનું જીવન જીવવું હતું. જતીન આ બધી વાતોથી વાકેફ હતો. છેલ્લા બે વર્ષમાં એકલતાને કારણે જતીન, જલ્પાની બધી વાતોમાં રસ ધરાવતો. જલ્પાના પ્રેમાળ, લાગણિભર્યા સ્વભાવનો તે શિકાર બની રહ્યો હતો. પત્ની વગર દીશા ભૂલેલાને જલ્પાએ સુકાની બની સંભાળ્યો હતો. તે પણ જુવાન હતી. સંજોગોને કારણે યથા સમયે પરણી ન હતી. હવે એક સહ્રદય મિત્રને પામવાનો સુનહરો અવસર પ્રાપ્ત થયો હતો.

જતીન આજે અચાનક જલ્પાને ફોન કરી આમંત્રણ આપી રહ્યો. ‘જલ્પા, ચાલને આજે ‘ક્રિમ સેન્ટર’માં જઈએ’. જતીન ફોન ઉપર જલ્પાને કહ્યું.

‘કેમ આજે કાંઈ ખાસ પ્રસંગ છે’?

‘બસ , એમ જ.’

જલ્પા વિચારી રહી. રવીવારની સાંજ છે.  બહાર જઈશ તો મન નિર્મળ થશે. એટલે તેણે જતીનને હા પાડી.

જતીને કહ્યું ,’હું તને આઠ વાગે લેવા આવીશ’.

‘સારું’.

જલ્પા અને જતીન દોસ્ત હતાં તેનાથી વધુ કાંઇ નહી.  ઘણા વખતે આમ કોઈની સાથે ડીનર પર જવાનું હતું. જલ્પાને જરા અજુગતું લાગ્યું. આજે ક્યાંથી વિચાર ઝબકી ગયો કે,  ‘જો હું પરણી હોત તો મારે પણ બાળકો અને પોતાનો સંસાર હોત’.  ‘ પછી હસી પડી ‘પાગલ તારી પાસે સમય જ ક્યાં હતો કશું વિચારવાનો’?

વિચાર ખંખેરી ઘડિયાળમાં જોયું. ચાલ હવે તૈયાર થા. જલ્પા ખુબ સુંદર હતી. ક્યારેય આ બધું વિચારવાનો મોકો મળ્યો ન હતો. તૈયાર થઈને અરીસામાં જોઈ બોલી, ‘હજુ, આકર્ષક તો છું . ૪૨ની ઉમર કાંઇ બહુ મોટી ન કહેવાય.’ પ્રસંગ પણ એવો હતો કે ખુશી જલ્પાના અંગમાંથી નિતરી રહી હતી.

ત્યાં ગાડીનો હોર્ન સંભળાયો અને જલ્પા પર્સ લઈ નીચે આવી. જતીને ક્યારેય  જલ્પાને આવી રીતે અને આ નજરે નિહાળી ન હતી. બન્ને જણા ક્રિમ સેંટરમા આવ્યા. જમીને નરિમાન પોંઈન્ટ તરફ ફરવા નિકળ્યા. જતીનના દિમાગમાં તુમુલ યુદ્ધ ચાલતું હતું. જલ્પાને અણસાર આવ્યો કે જતીનને કંઈ કહેવું છે, પણ બોલી શકતો નથી.

વાતાવરણ હળવું કરવા બોલી. ‘જતીન આપણે એકબીજાને લગભગ ૧૫ વર્ષથી ઓળખીએ છીએ. મને જ્યારે જરૂર હતી ત્યારે તેં મને ખૂબ મદદ કરી છે. જો તને કોઈ પ્રશ્ન સતાવતો હોય તો ખુલ્લા દિલે કહી દે. આપણે બન્ને મળીને તેનો ઈલાજ કરીશું’.

જતીનને લાગ્યું તેની ચોરી પકડાઈ ગઈ. જલ્પાને ખબર પડી ગઈ છે કે ‘,મારે કાંઈ પૂછવું છે, પણ હું બોલી શકતો નથી’.

ખૂબ ધીરેથી બોલ્યો, ‘જો જલ્પા મારે કાંઇ પૂછવું છે, એ હકિકત છે. આશા રાખું કે તું નારાજ નહિ થાય ?’

‘હું શું કામ નારાજ થાંઉ’ !

‘વચન આપ.’

‘આપણા વચ્ચે એવી પરિસ્થિતિ ક્યારેય ઉભી થઈ નથી, આજે શું કામ ?

હવે જતીનને જરા ઠંડક વળી. ‘ જલ્પા તને ખબર છે. જ્યોતિને ગયે પાંચ વર્ષ થયા.  જો તને વાંધો ન હોય તો હું —‘

જલ્પાએ જતીનને આગળ બોલવા ન દીધો. ‘જતીન આ વિચાર મને પણ આવ્યો હતો. ‘

જતીન હવે ચોકખું બોલ્યો. ‘તો શું, હું તારી હા, સમજું’.

જલ્પાએ નજર નીચી ઢાળી દીધી. જલ્પાના મગજમાં શું હતું ને જતીન શું સમજી બેઠો એ કળવું મુશ્કેલ હતું.

જે વાત કરવા જતીન ખૂબ તરફડતો હતો તે આટલી સરળતાથી થઈ જશે, એ જાણી ખુશ થયો. જલ્પાને જોરથી ભેટવાનો આવેલો ઉમળકો રોકી રહ્યો.

બસ પછી તો જતીને સ્ટોર વેચવામાં સહાય કરી. સારા પૈસા મળ્યા. જય અને જેમિની પણ ખૂબ ખુશ થયા. તેમને એમ કે દીદી હવે “ઠેકાણે પડશે” !

જતીન ભલે બે બાળકોનો પિતા હતો, પણ તેની સજ્જનતા અને ખાનદાની વિષે કોઈ શંકા ન હતી. બન્ને એકેબીજાને વર્ષોથી ઓળખતા હતાં.

જલ્પાને હવે પોતાની મનગમતી રીતે જીવન જીવવું હતું. બી.એડ. કર્યું અને ફેલોશીપ શાળામાં નોકરી લીધી. જતીનને જલ્પા પર પૂર્ણ વિશ્વાસ હતો. તેને ખાત્રી હતી જલ્પા દરેક કદમ સંભાળીને ભરશે. તેણે જલ્પાને ૨૦ વર્ષની છોકરી હતી ત્યારથી નિહાળી હતી. ગાઢ પરિચય છેલ્લા છ વર્ષથી હતો. જ્યોતિની બિમારી વખતે જલ્પાએ જતીનને હિમત આપવાનું કાર્ય કર્યું હતું. તેથી તો જતીને પહેલીવાર,’ ક્રિમસેન્ટરમાં ડીનર પર જઈએ’, કહેવાની હિમત કરી હતી.

હજુ પણ મગનું નામ મરી પડ્યું ન હતું. જલ્પા ખૂબ ચેતીને ચાલનારી સ્ત્રી હતી. જેણે સમઝણ આવી ત્યારથી જવાબદારીની ધુંસરી ગળે ભરાવી હતી !

જતીન ગામમાં હતો નહી.  જલ્પાને હવે જતીનની આદત પડી ગઈ હતી. તેનો સંગ ખૂબ હુંફાળો અને મનભાવન હતો.  ભૂતકાળમાંથી પાછી જલ્પા ‘આજ’માં પાછી ફરી. સવારે ઉઠીને  હિંચકે બેઠી. હિંચકો તેને બાળપણથી પ્રિય હતો. સૂરજનું પહેલું કિરણ પેલા ઝાકળના બિંદુ સાથે ગેલ કરી રહ્યું હતું.  જલ્પાને એ દ્રશ્ય ખૂબ ગમ્યું. તે જાણતી હતી સૂરજનો તાપ જેવો તીવ્ર થશે કે ઝાકળના બિંદુનું અસ્તિત્વ ભુંસાઈ જશે. ઉભી થઈ ઝાકળના બિંદુનું બાષ્પિભવન થાય એ પહેલાં બે હાથ વડે તેને ઢાંકી દીધું.  ઝાકળનું બિંદુ મલકાઇ રહ્યું , ઝીણું ઝીણું ગાઈ રહ્યું. જાણે સૂરજને કહી રહ્યું હોય, ‘ મને સમજનાર કોઈ મળ્યું છે’.  જલ્પાની સમક્ષ નજર નાખી મોતીની માફક ઝળહળી રહ્યું.

હજુ પણ બે જણ વચ્ચે શું સંબંધ છે એ નક્કી થયું ન હતું. મિત્રતાના મઘમઘતા સૂર રેલાઈ રહ્યા હતા !