ડાબોડી

15 04 2021

વાંચવામાં આવ્યું કે ડાબોડી લોકો ખૂબ હોંશિયાર હોય છે. જમણે હાથે કામ કરતાં વધારે ચડિયાતા. ભાઈ વહેમની પણ કોઈ હદ હોય કે નહી? હવે આઈનસ્ટાઇન અને ન્યૂટન ડાબોડી હતા, એટલે શું બધા ડાબોડી એવા હોંશિયાર થવાના?

મને ડાબા કે જમણા હાથ વડૅ કામ કરનાર તરફ કોઈ પક્ષપાત નથી. હાથ, હાથનું કામ કરે. તેને અને મગજને કોઈ સીધો સંબંધ ખરો? હા, ડાબુ મગજ ,જમણી તરફના શરીરનું સંચાલન કરે છે. ડાબી બાજુનું મગજ ,જમણી બાજુના શરીરનું. શાળાના અભ્યાસ દરમ્યાન આપણે સહુ ભણ્યા હતાં.

એક મજાનો પ્રસંગ અમારા કુટુંબમાં હમેશા બનતો. બે ભાઈઓ બહાર જમવા જઈએ ત્યારે સાથે જ બેસે. મોટો ડાબોડી અને નાનો જમણા હાથેથી બધું કામ કરે. ખુરશી પર હમેશા વિચારીને બેસે, નહી તો બન્નેના હાથ ભટકાય અને પછી ભાઈઓની થાય મારામારી.

‘તેં મને કોણી મારી’.

‘તું અંદર રાખને’.

‘તને ખબર નથી હું ડાબા હાથે ખાંઉ છું’?

‘તો તું બહાર હાથ આવે તેમ કેમ નથી બેસતો’?

ધીરજથી હું કહું,’ ચાલો બન્ને જણા હાથ મિલાવો અને જગ્યા બદલો’.

વાતનું વતેસર થાય તે પહેલા બન્નેને ઠંડા પાડી દઈએ, એટલે મામલો બિચકતો અટકી જાય.

મારી મમ્મી નાના હતા ત્યારે જમણા હાથ પર ભાર મૂકતી. પશ્ચિમના સંડાસ તો આજે આવ્યા. યાદ છે ને આપણા જૂના અને જાણિતા સંડાસ.

ડાબા હાથવાળા મારા દીકરાની બુદ્ધિ સતેજ છે કે નહી તે જાણવા કરતાં મારે મારી બુદ્ધિ  સતેજ અને તિક્ષ્ણ રાખવી પડે ! બન્ને બાળકો માટે કાંઇ પણ ખરીદવા જાંઉ તે વખતે સદા યાદ રાખવાનું મોટાને માટે ડાબા હાથે વપરાય તેવી વસ્તુ લેવી. નહી તો બદલાવવા મારે જ પાછો ધક્કો ખાવો પડે.

બેઝબોલ રમતી વખતે એને માટે ‘ગ્લવ’  જમણા હાથનો લેવાનો. એ ડાબા હાથે બોલ ફેંકે અને જમણા હાથે પકડે.

ડાબા હાથે લખે , ડાબા હાથે જમે. જમવાની તેને હજાર વાર ના પાડી પણ માને નહી. હવે તેનો પણ શું વાંક કાઢવો. એ ‘ડાબોડી ‘ છે.

મને એમ લાગે છે તે ડાબોડી હશે કારણકે તેનું જમણું મગજ જરા વધારે પડતું સતેજ હશે. આ મારું અનુમાન છે. સાચું હોઈ શકે તેની કોઈ બાહેંધરી હું આપતી નથી !એક વસ્ત મેં ખાસ નોંધી છે. આપણા ગુજરાતીઓનું સહુથી વધુ મનગમતું ફરસાણ કયું ? વિચારો, જવાબ ખૂબ સરળ છે.

‘ભજીયા અને બટાટા વડા’.

હવે આ કહેવા પાછળનો મુદ્દો ખૂબ રમુજી છે. જે ડાબોડી હોય તે ભજીયા જમણા હાથે મૂકી શકે. તળાઈ રહે એટલે કાઢવા માટે ડાબે હાથે ઝારો પકડૅ અને કાઢે. સમજ્યા કે વિગતે બતાવું ! ભજીયા મૂકતા હાથ ખરડાય પણ ડાબે હાથે કાઢે એટલે તેમનો ઝારો ક્યારે ગંદો નો થાય ! આ તો થઈ રસોડાની રાણીની વાત. પેલા રાજાને કેમ વિસરાય ?

મારા પતિદેવ ખુદ ડાબોડી હતા. એમને હું જે પણ કાંઇ કહું તો મારે અરીસામાં બતાવવું પડે. મારી સાડીમાં પીન નાખવાનું તેમને હિમાલય ચડવા જેટલું કપરું લાગે. એમના માથામાં તેલ ઘસી દંઉ તે ખૂબ ગમે . પાછા કહે ડાબે હાથે કરને તો એ બાજુનું મગજ પણ ઠંડુ થાય.

હું કહેતી, ‘હું જમણે હાથે બન્ને બાજુ સરસ મસાજ કરી દઉં છું’ પણ તેઓ માને જ નહી !

મારી સાથે ભણતી સુલુ જ્યારે પરણવા બેઠી ત્યારે હસ્ત મેળાપ વખતે ડાબો હાથ આગળ ધર્યો. સુકેતુ મૂછમાં મલકાયો. ‘અરે પગલી લગ્ન વખતે તો જમણો હાથ મારા હાથમાં આપ.’ સુકેતુ બરાબર જાણતો હતો સુલુની પ્રવીણતા ઉપર તો વારી ગયો હતો. ઘણિવાર વિચારતો આટલી બધી આવડત તેનામાં કેવી રીતે ઠાંસી ઠાંસીને ભરી છે. સુલુ હસી પડી , ડાબો હાથ પાછો ખેંચ્યો અને જમણો હાથ સુકેતુના હાથમાં સરકાવ્યો. ગોર મહારાજ જ્યારે તેના પર ઉપરણો વીંટી રહ્યા હતા ત્યારે  બે હાથના મિલાપને કારણે ઉદભવેલા સ્પંદનોના અહેસાસે તેનું મુખ રાતુચોળ થઈ ગયું હતું.

જો કે ઘણી વ્યક્તિઓ એવી હોય છે બન્ને હાથે એક સરખું કામ કરી શકે. પણ એવું જવલ્લે જોવા મળે.

ડાબા હાથમાં ખંજવાળ આવે તો માનવામાં આવે છે કે ,’લક્ષ્મીની મહેરબાની વરસે’. જમણા હાથમાં આવે તો કેમ નહી ? મારા મત પ્રમાણે ડાબોડીઓની મહત્વતા વધારવા માટે આપણે ગુજરાતીઓએ આવું અર્થ ઘટન કર્યું છે.

પેલી રેશ્માને જોવા રાહિલ આવ્યો ત્યારે ખૂબ ગમ્મત થઈ હતી. રેશ્મા અને રાહિલ કોલેજમાં સાથે ભણતા હતા. રાહિલની મમ્મીને રેશ્મા ખૂબ ગમી ગઈ હતી. મળતાવડી પણ એવી કે વાત ન પૂછો. રેશ્માના ઘરમાં પણ દાદા અને દાદી હતા. તેને સંયુક્ત પરિવારનો શોખ હતો. હવે ૨૧મી સદીમાં આવી વિચારધારા ધરાવતી વ્યક્તિ દીવો લઈને શોધવા જઈએ તો પણ ન મળે.

રેશ્માને રાહિલ ખૂબ સારી રીતે ઓળખતો હતો. રાહિલના મમ્મી જાણતા હતા. પણ રેશ્માને ત્યાં કોઈને ખબર ન હતી. રેશ્માને ડર હતો કે જો મમ્મી અને પપ્પા જાણશે કે રાહિલ બ્રાહ્મણ નથી અને જૈન છે તો ?

રાહિલના પપ્પા અને મમ્મી સાથે આવ્યા હતા. રેશ્માના મમ્મી અને પપ્પા સહુને મળી પ્રભાવિત થયા. બધા સાથે ટેબલ ઉપર ગોઠવાયા હતા. ગરમા ગરમ નાસ્તા આવી રહ્યા હતા. રેશ્મા સહુને આપવા ઉઠી. આદત પ્રમાણે ડાબા હાથે પિરસતી હતી. રેશ્માના મમ્મી બોલ્યા, ‘બેટા, ડાબા હાથે ન પિરસાય”!

સાહિલના મમ્મી બોલી ઉઠ્યા, ‘મને રેશ્મા એટલે તો ખૂબ ગમે છે, તે પણ મારી જેમ ડાબોડી છે ‘.

‘તમને કેવી રીતે ખબર’ ?

‘રેશ્મા તો અમારે ત્યાં છેલ્લા છ મહિનાથી આવે છે. મને તેની ઘણી આદતની ખબર છે’.

બોલ્યા પછી થયું કે ,’કાચુ કપાઈ ગયું ‘!

રેશ્માના મમ્મીએ વાત ખૂબ સહજતાથી લીધી. મહેમાનોના ગયા પછી, રેશ્મા પોતાના રૂમની બહાર ન નિકળી.

ખબર હતી સવાર સુધીમાં મમ્મીનો પારો ઉતરી જશે. ‘ ભાંડો ફૂટી ગયો !

અરે ભાઈ ‘ડાબોડી હોય કે જમણોડી’, શું ફરક પડે છે ? ડાબોડી હોય તેનું જમણું મગજ ખૂબ કસાયેલું હોય . બધું સરખું જ છે ને . મૂકો ને પંચાત .

હું તો ડાબોડી નથી . તમે છો ?

આવ રે વરસાદ

21 07 2018

પતિઃ અરે, ઉતરીને ધક્કો માર ને !

પાછળ બેઠી છો ખબર નથી પડતી ?

પત્નીઃ  કોને તમને કે આપણી સ્કૂટીને ?

***

પત્નીઃ  આજે ઘરે જઈને જમવા નહી મળે.

પતિઃ કેમ આ વરસાદમાં એવા પલળ્યા છીએ કે છીક ખાઈને પેટ ભરાઈ જશે !

..

પતિઃ આજે રાતના ઉંઘ સારી આવશે .

પત્નીઃ કેમ ?

પતિઃ તું ઠંડીમાં થથરે છે !

પત્નીઃ હાં, તો ?

પતિઃ તું મારા પડખામાં જરૂર ભરાવાની

લે ખા, બટાટા પૌંઆ **

26 05 2018

લે ખા, બટાટા પૌંઆ

આપણે સહુ ગુજરાતી છીએ તેનો પુરાવો, સહુને બટાટા પૌંઆ ભાવે છે ! એક ગુજરાતી એવો નહી મળે જેને નહી ભાવતા હોય. બટાટા પૌંઆ બનાવવાની રીત સહુની અલગ, એના ભિન્ન ભિન્ન સ્વાદ. રવીવારની સવારના જો તાજા ‘બટાટા પૌંઆ અને સાથે બાદશાહી ચા મળે તો જલસો થઈ જાય. કોઈને ઉપર ઝીણી સેવ ભાવે તો કોઈને કાંદા ઝીણા સમારેલાં. કોઈને લીંબુ અચૂક જોઈએ.

અંહી વાત કરવાની છે ‘અમેરિકન સ્ટાઈલ બટાટા પૌંઆની”. મોઢું વકાસતા નહી. વાંચો અને વિચારો પછી ખુલ્લા દિલે નિખાલસતા પૂર્વક તમારો જવાબ આપજો. આમ તો મને ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દોનો વપરાશ ગમતો નથી. કિંતુ અંહી પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે વાપર્યા વગર ચાલે તેવું નથી. પહેલેથી માફી માગી લઊં છું.

આ લેખ વાંચ્યા પછી ‘બટાટા પૌંઆ’ ભાવતા નથી કહેશો,, એ નહી ચાલે !’

અમોલ ના લગ્ન થયે બે વર્ષ થયા હતા. અનુષ્કા અમેરિકામાં જન્મી હતી. અમોલને ભારતની મુલાકાત દરમ્યાન ભટકાઈ ગઈ. બન્ને નો રમુજી સ્વભાવ આકર્ષણનું કેન્દ્ર બની ગયું. બન્ને એમ.બી.એ હતા. અમોલને આગળ સી.પી.એ થવું હતું. લગ્ન પછી હ્યુસ્ટનમાં વસવાટ ચાલુ કર્યો. અનુષ્કાના મમ્મી અને પપ્પા શિકાગોમાં હતા. તેને જ્યારે પણ જરૂર પડે ત્યારે મને ફોન કરતી. મારી પાસેથી બટાટા પૌંઆની રીત શીખી લીધી.

‘હની’ આજે બટાટા પૌંઆ બનાવું.’

અમોલને તો વિજળીનો કરંટ લાગ્યો હોય તેવો ભયંકર આંચકો લાગ્યો.

‘શું કહ્યું’ ?

‘યુ હર્ડ મી’.

‘તું બનાવીશ તો હું પ્રેમથી ખાઈશ’.

અમોલનો આનંદ માતો ન હતો. છેલ્લે મમ્મીના હાથના બટાટા પૌંઆ ખાધા પછી ભૂલી જ ગયો હતો કે ,બટાટા પૌંઆ નામની કોઈ વાનગી છે.

‘હની, વ્હેર ઈઝ ધેટ વૉક આપણે ‘બેડ બાથ એન્ડ બિયોન્ડ’માંથી લાવ્યા હતા?’

અમોલ વિચારમાં પડી ગયો. પછી અચાનક બોલ્યો, ‘હા છ મહિના પહેલા લાવ્યા હતા, એ તો બેઝ મેન્ટમાં છે’.

‘કેન યુ પ્લીઝ ગેટ ઈટ ફોર મી.’ અનુષ્કા અમેરિકામાં જન્મી હોવાથી ગુજરાતી સમજે પણ બોલવામાં અંગ્રજી વધારે હોય.

અમોલે વૉક નું બોક્સ શોધ્યું અને પછી લઈને ઉપર રસોડામાં આવ્યો.

‘થેન્ક યુ’.

અમોલ હજુ તો જવા જતો હતો ત્યાં. ‘વ્હેર ઈઝ પૌંઆ”?

એ તો પેન્ટ્રીમાં હશે’.

હની આઈ ફરગોટ હાઉ ધે લુક લાઈક’?

અરે, એમાં શું નવી વાત છે. હું તને હમણા પેન્ટ્રીમાંથી શોધી લાવીને બતાવુ. અમોલને તો ખ્યાલ હોય કે કેવા દેખાય. નાનપણમાં તેની મમ્મી બનાવતી. પેન્ટ્રીનો દરવાજો ખોલ્યો ને ચક્કર આવ્યા. અનુષ્કાને ‘શોપિંગ’નો ખૂબ શોખ.લાવે બધું પણ પછી ગોઠવવું પણ પડે ને ? લગભગ પાંચ બેગો હતી જેમની તેમ પેન્ટ્રીમાં ડાહી ડમરી થઈને બેઠી હતી. એક પછી એક બધી બેગ અમોલે ખંખોળવા માંડી. છેક છેલ્લી બેગમાં સહુથી નીચેની બેગમાં પૌંઆ મલકાઈ રહ્યા હતા. જ્યારે તેનસિંહને હિમાલય ચડ્યા પછી જે આનંદ થયો હતો તેવો આનંદ અમોલના મુખ પર પૌંઆની બેગ જોઈને ફેલાઈ ગયો.

પૌંઆ લઈને અનુષ્કા પાસે આવ્યો. ‘લુક ડાર્લિંગ ,આને પૌંઆ કહેવાય’.

અનુષ્કાએ પ્રેમથી સ્મિત અને આલિંગન આપ્યું. અમોલનો ઉત્સાહ એકદમ વધી ગયો. રવીવારની સવાર મધુરું સ્મિત અને પ્રેમભર્યું આલિંગન ,સ્વર્ગમાં વિહાર કરી રહ્યો. ત્યાંતો ‘અમોલ, આન્ટી ટોલ્ડમી ટુ ક્લીન વિથ _____વૉટ?’

અમોલ યાદ કરીને બોલ્યો “ચાળણી”.

‘હાઉ ડઝ ઈટ લુક લાઈક’?

‘આઈ થિંક ઈટ ઈઝ ઇન ધ ગરાજ’.

હજુ તો પેન્ટ્રીની સુગંધ નાકમાંથી છટકી ન હતી ત્યાં ગરાજમાં અમોલ દોડ્યો. મમ્મીએ આપેલી વસ્તુઓનો ત્યાં ખડકેલો હતો. અનુષ્કાને ‘જંક’ ઘરમાં ગમતું નહી. અમોલના મમ્મી જે પ્રેમથી આપે તેને ગરાજમાં સોહાવે. અમોલને વીસ મિનિટ પછી ચાળણી મળી.

‘ઓહ માય ગોડ, ઈફ યુ ડુ ધિસ ઈન ્કિચન, ધેર વિલ બી મેસ’.

‘ડાર્લિંગ કેન યુ પ્લિઝ ક્લિન ઈન ગરાજ. ટેક સમ ઓલ્ડ ન્યુઝ પેપર સો ઈઝી ટુ થ્રો ગાર્બેજ’.

અમોલને આવું કામ કરવું ગમે  ? પણ શું થાય આજે અનુષ્કા તેને ગરમા ગરમ બટાટા પૌંઆ બનાવીને ખવડાવવાની હતી. પૌંઆ સાફ કરતાં છીંકાછીંક થઈ ગઈ. આવું કામ તેણે ક્યારેય કર્યું ન હતું. સાફ કરીને મુખ પર હાસ્ય રેલાવી ઘરમાં આવી બોલ્યો, ‘જોબ ઈઝ ડન માય લવ’.

અનુષ્કા ખૂબ ખુશ થઈ. પછી પ્રવિણા આન્ટીએ આપેલી રેસીપી વાંચવા બેઠી. ઘરના ફ્રિજમાં કોથમરી અને લીલા મરચા ન હતા. ‘અમુ ડાર્લિંગ,’ હું બટાટા અને કાંદા કટ કરું, ટીલ ધેન કેન યુ ગો ટુ ગ્રોસરી સ્ટોર એન્ડ ગેટ સમ સિલાન્ત્રો અને હાલાપિનિયો’?

રવીવારની સવાર એટલે અમુ માટે સંપૂર્ણ આરામનો દિવસ. હવે પ્રિયતમાને કાંઈ ના પડાય ? જે આજે પ્રેમથી સવારના બટાટા પૌંઆ બનાવીને ખવડાવવાની હતી ! અમોલ રામે નાઈટ સુટ કાઢ્યો અને શોર્ટ્સ તેમજ ટી શર્ટ ચડાવ્યા. નજીકનો ગ્રોસરી સ્ટોર માત્ર પાંચ માઈલ દૂર હતો. કોથમરી સાવ વિલાઈ ગયેલી હતી. મરચા કેટલા લેવાના તે પૂછવાનું ભૂલી ગયો હતો. બે પાઉન્ડ લઈને આવી ગયો.

આટલા બધા મરચા જોઈને અનુષ્કા વિફરી , ‘યુ વોન્ટ ટુ કિલ મી’.

‘કેમ શું થયું’?

અમોલને આંચકો લાગ્યો.

ધીસ મચ હાલાપિનિયો. ?’

ધીરેથી બોલ્યો ,’ના જોઈએ તો ફેંકી દે’.

‘ધેર આર નો લેમન ઈન ધ ફ્રિજ’.

અમોલને આઈડિયા આવ્યો ,’ યુઝ લેમન જ્યુસ.’

અરે અમોલ રાઈ એટલે મસ્ટ્ર્ડ સીડ્સ કોને કહેવાય. અમોલના પપ્પાને આણંદમાં કરિયાણાની દુકાન હતી. નાનપણમાં રજાઓમાં પપ્પાને મદદ કરવા જતા જેને કારણે બધા અનાજ, પાણી, મસાલાની પરખ હતી. જાણે ધાડ મારતો હોય તેમ બોલ્યો,’લુક ધીસ બ્લેક સીડ્સ ,કોલ્ડ રાઈ, અરે મસ્ટર્ડ સિડ્સ’.

અરે અમોલ આપણે ‘બેડ બાથ અને બિયોન્ડ’માંથી વૉક લાવ્યા હતા. તેમાં સરસ બટાટા પૌંઆ બનશે.

બડબડાટ કરતા અનુષ્કાએ વૉકમાં બનાવ્યા.

ખ્યાલ ન રહ્યો એટલે તેલ બમણું પડી ગયું. જો કે સ્વાદમાં સારા હતા.

‘અનુષ્કા ઘરમાં પેલી ભેળની ઝીણી સેવ છે. ગાર્નિશ વિથ ધેટ’.

છેવટે સુંદર વિચાર અમોલને આવ્યો. હની પેલી પેપર પ્લેટ જે ‘વૉલમાર્ટ’ માંથી લાવ્યા હતા ને તેમાં ખાઈએ. બધું તેલ એ પ્લેટમાં ‘સક’ થઈ જશે.

અનુષ્કા ,અમોલના આઈડિયા પર તાળી પાડી ઉઠી.

‘વોટ અ ગ્રેટ આઈડિયા’.

બન્ને જણા જ્યારે બેક ફાસ્ટ લેવા બેઠા ત્યારે ચા મૂકવાની કોઈનામાં ત્રેવડ ન હતી. ઘરમાં એ.સી. ૭૦ ૦ હતું તો પણ બન્નેને ખૂબ ગરમી લાગતી હતી. મિનિટ મેડનો ઓરેન્જ જ્યુસ સાથે લઈને બેઠા.

ત્યાં બારણાનો બેલ વાગ્યો.

દરવાજામાં અનુષ્કાનો ભાઈ ઉભો હતો. અમોલથી અણધારે બોલાઈ ગયું , ‘લે ખા બટાટા પૌંઆ” !

( મનમાં બબડ્યો તારી સિસ્ટરે બનાવ્યા છે) !

****************************************************************

૧લી એપ્રિલ, ૨૦૧૮

1 04 2018

‘અરે, આજે તમારે સુંવું હોય તેટલું સૂજો” !

આમ તો હું ઉંઘમાંથી જાગી ગયો હતો, પણ આંખો બંધ હતી. ‘શ્રીમતીજીનું આવું સુંદર વાક્ય સાંભળીને થયું, “મારા કાન તો બરાબર સાંભળે છે ને “?

હજુ ગયા અઠવાડ્યે લગ્નને ૫૦ વર્ષ થયા હતા. જીવનમાં પહેલીવાર આ વાક્ય સાંભળવા મળ્યું હતું. એક ખાનગી વાત કહી દંઉ, કદાચ તમે અનુભવી પણ હોય, ‘જે વાત આપણે પત્નીને કહેવી જોઈએ તે કોઈ દિવસ કહેતાં નથી. હા લગ્ન પહેલાં તો એવું ઘણું બધું કહ્યું હતું જે લગ્ન બાદ પત્ની સાંભળવા હમેશા ઉત્સુક હોય ‘!

આ વાત ૧૧૦ ૦/૦ પત્નીને પણ લાગુ પડે છે !

સવારના પહોરમાં ‘પલી દેવી પ્રસન્ન, ‘ચા’ તૈયાર કપ ‘સામે!

સાથે હીરાલાલ ભજીયાવાળાના ‘ફાફડા અને ચટણી’.

મોડો ઉઠ્યો, એટલે નળમાં પાણી મુંબઈમાં ન આવે !  ગિઝર હોય પણ શોભાનું ! ગરમા ગરમ પાણીની બાલટીઓ તૈયાર હતી. પીપડામાંથી ઠંડુ પાણી લઈને ઉમેરવાનું !

ઇસ્ત્રીવાળા કપડા પલંગ ઉપર શ્રીમતીજીએ ગોઠવેલા હતાં. અરે હાથ રૂમાલ પણ ઈસ્ત્રીવાળો !

જમવામાં ભાવતી ખાંડવી અને કાકડીનું રાઈતું.

‘સાલુ આજે છે શું ? મારી બૈરીને કાંઈક મોંઘામાં મોંઘી વસ્તુ જોઈતી લાગે છે ? ‘

અવળચંડુ મન જાત જાતના વિચારોમાં ગુંથાઈ ગયું.

એક સારો વિચાર પણ આવ્યો.

આજે સાંજે પાછા વળતી વખતે મોંઘામાં મોંઘો  ફુલોનો ગુલદસ્તો અને બ્યુટિફુલ પર્ફ્યુમ જરૂરથી લાવીશ. નામ એનું કામ મારું બનશે !

હજુ તો દાસ્તાન પૂરી નથી થઈ. ટિફિનમાંનો નાસ્તો જોઈ મારા મોંમા પાણી આવ્યું. સાથે  રાતના શોની બે ટિકિટ પણ પડી હતી.

‘ચલ મન આજે જંગ જીતી ગયા’.

જિંદગીનો યાદગાર દિવસ લાગ્યો.

‘મન માનતું ન હતું, આંખોને લાગ્યું ધોખો છે. હકિકત કાંઇ જુદું દર્શાવી રહી હતી. મૂકને લમણાઝીંક જે મળ્યું છે તુ માણ !’

અરે, માણી લે. આજનો લહાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે’.

“અરે, ગાંડા કાં કાઢો ! કોની સાથે રાસ રમો છો ? કાલ કોણે દીઠી છે ? આજ તો જુઓ  ? ‘હમણાં બતાવું છું આજે શું બનવાનું છે !

૧લી એપ્રિલ છે. પગાર સિધો ઘરે લાવજો ! મિત્રો સાથે દારૂ પીવા નહી જતા !” તમે નિકળો એટલે હું લાઈટનું બિલ ભરવા જાંઉ. પાછા આવતાં ધોબીના કપડા લેતી આવીશ .

ચિલ્લર

4 11 2017

 

આપણા દેશમાં “ચિલ્લર”ની કોઈ કિંમત ખરી ?

‘જી ના” !

ચિલ્લરના બદાલામાં ચોકલેટ ! અરે ટેક્સી ડ્રાઈવરો જે ભાડેથી ટેક્સી ચલાવી, રોજી રોટી કમાતા હોય છે, તેઓ પણ ‘ચિલ્લર’ જતું કરી બીજા ભાડાંને બેસાડે છે. સામાન્ય માનવીના દિલની ઉદારતાનો આના સિવાય બીજો શો દાખલો હોઈ શકે ?

માથે ટોપલા ઉંચકી પતિની હારોહાર કામ કરતી પેલી શાકવાળી, ‘લે બહેન ચાર ભીંડા વધારે, પણ ચિલ્લર પાછું ન માગીશ’. પેટ્રોલ પંપ વાળો ચિલ્લર પાછું ન આપે , ગલ્લામાં ઘાલે ! આપણા દેશની પ્રજા કેટલી ? અ ધ ધ ધ ધ ! રોજના કમસે કમ ૪૦ થી ૫૦ પૈસા, બોલો કેટલા રૂપિયા થયા?  આ તો કમ સે કમ, આપણા દેશની પ્રજા કેટલી ,’ગણ્યા ગણાય નહી આભલામાં માય નહી તોય મારી જન્મભૂમિ ભારતમાં માય”  ? છે આ પૈસાનો કોઈ હિસાબ ?  કે આ રૂપિયા ક્યાં જાય છે ?

બુદ્ધીશાળી લોકોની બનેલી સરકાર જેમાં ભેજાંબાદ લોકો ભેગા થયા છે. સામાન્ય જ્ઞાન કેમ નથી ધરાવતાં કે પરચુરણની લેવડદેવડ કરવી પડે એવા ભાવ શું કામ રાખવા. જ્યારે પરચુરણની લેવડ દેવડ કરવી જ ન હોય તો શામાટે કોઈ પણ વસ્તુ ખરિદવા જઈએ ત્યારે દુકાનદારે ભાવ ૧૫ રૂપિયા ૭૫ પૈસા રાખવા ? બધી વસ્તુઓના ભાવ છેલ્લે ‘૦૦’ આવે એવા રાખીએ તો સુલભ પડે.

અરે પેલા જેઠા કાકા સવારના પહોરમાં શાક અને ફળ લેવા નિકળે. ઘરે પેલી હિટલર જેવી જસુમતિ રોજ તેનો ધોયલો ધુએ.

‘આજે પાછા બે રૂપિયા ઓછા કેમ છે હિસાબમાં’?

‘ હું શું કરું શાકવાળા અને ફળવાળા  છૂટા પૈસાના બદલામાં નાની વસ્તુ આપે છે. શાકવાળીએ ધાણા આપ્યા અને ફળવાળા એ તારું ભાવતું આ કેળું આપ્યું.’

ઢળતી ઉમરે રોજ જસુમતિ, જેઠા કાકાને શાકની થેલી બઝાડે. ઘરે આવે ત્યારે તેમના ભેજાંનું દહી થઈ જાય. વળી શાકવાળી તેમજ ફળવાળા સાથે ઝઘડો , ટંટો થાય એ નફામાં.

મારું વહાલું પહેલાંના જમાનામાં કેટલું સુખ હતું, એક આનાના શિંગ ચણા મળતા અને બે આનાની ચોકલેટ. આજે તો ભિખારીને પણ પાંચ રુપિયા આપીએ તો કહેશે, ‘સાહેબ ચાના પણ હવે ૧૦ રુપિયા લાગે છે.’

બિચારા પરચુરણની કોઈ કિમ્મત જ નથી. ચિલ્લર હવે ખિસામાં ખણકતું પણ નથી. પેલો થનગનાટ કરતો રૂપિયો આમ ફેંક્યો હોય તો કાનને મધુર અવાજ સંભળાય. આજે ૧ રૂપિયાની નોટ ગડી વાળેલી પડી હોય તો ઓળખાય પણ નહી. આ ચિલ્લરની એક મજેદાર વાર્તા સાંભળવા મળી. ઉનાળાની રજા હતી. નટુએ વિચાર કર્યો, ચાલને કાંઈ બખડજંતર કરું. હવે ૧૪ વર્ષનો નટુ વધારે તો શું કરી શકે. બાજુના મકાનમાં બેંક હતી.

એક દિવસ બેંકમા પપ્પાજી સાથે આવ્યો હતો ત્યારે વાતવાતમાં નટખટ નટુએ બેંકના મેનેજરનું દિલ જીતી લીધું હતું  એક દિવસ જ્યારે બેંકમાં ગિર્દી ન હોય ત્યારે મેનેજર પાસે આવ્યો. પોતાની બુદ્ધિનો પરચો બતાવ્યો.

‘મેનેજર સાહેબ, આજકાલ ચિલ્લરન કોઈ કિમત નથી’!

‘હા, સાચી વાત.’

‘પણ લોકોના ઘરોમાં પુષ્કળ ચિલ્લર પડ્યું છે.’

‘તેનું શું ‘.

સાહેબ મારે ઉનાળાની રજા છે. જો તમે મને એ ચિલ્લરના રૂપિયા કરવામાં મદદ કરી શકો. ‘

‘મેનેજર જાણતા હતાં કે ‘ધાતુ’ની કિમત પૈસાની મૂળ કિમત કરતા વધારે છે.

‘બોલ તારો શું વિચાર છે”.

‘સાહેબ હું બધું લોકોને ત્યાંથી ચિલ્લર ભેગું કરી લાવું . લોકોને રૂપિયાના ૮૦ પૈસા આપવાના. તમે મને ૯૦ આપજો . બેંકને અને મને બન્નેને ફાયદો થશે. સામાન્ય જનતાને ઘરમાં ચિલ્લર દૂર કર્યાનો આનંદ થશે. ‘

મેનેજરને લાગ્યું , વાત મુદ્દાની છે. ‘

નટુએ પપ્પાને વાત કરી . દર રૂપિયે જો નટુ ૧૦ પૈસા કમાતો હોય તો વિચાર ખોટો ન હતો. ‘

આમ લોકોનો માથાનો દુખાવો ઓછો થાય. મેનેજર શાણો હતો. પૈસા ગાળીને બનતી ધાતુમાંથી સારા પૈસાનું વળતર મળી શકે તેમ હતું.

નટખટ નટુએ સહુથી પહેલાં ઘરના ગલ્લા પર હાથ માર્યો. દાદા અને દાદીના જમાનાથી ‘થાન’ની બરણીમાં પૈસા ભેગા થતાં. બે બરણી તો ભરાયેલી પડી હતી. ત્રીજી બસ ભરાવાની હતી ત્યાં ચિલ્લરની લવડ દેવડ લગભગ બંધ થઈ ગઈ હતી.

પપ્પા સાથે ગાડીમાં નટુ ગયો. સખારામને પાંચ રૂપિયા આ પી ત્રણેય ગલ્લા ગાડીમાં મૂકાવી બેંકમાં ગયો. મેનેજરને તો નવાઈ લાગી.

‘સાહેબ ગલ્લો મારા ઘરથી ચાલુ કર્યો છે’.

મેનેજર ખુશ થયો. બેંકમાં પાછળ એક રૂમ હતી. ચિલ્લર ગણવાનું મશીન નટુને બતાવ્યું કેવી રીતે વપરાય. બધા પૈસા અલગ અલગ થેલામાં પડતાં.  નટુ તો ઉત્સાહમાં આવી ગયો. રજામાં મજાનું કામ શોધી કાઢ્યું. દરરોજ સવારે ચાર કલાક કામ કરવાનું નક્કી કર્યું.

પોતાના ઘરના પૈસા ગણાયા ત્યારે ખબર પડી ૧૫,૫૦ રૂપિયા અને ૭૪ પૈસા કુલ મળીને થયા. દાદા અને દાદીના જમાનાના પૈસા હતા. મેનેજરની ચાલાક આંખો એ નોંધ્યું તેમાં ખણખણતી ચાંદીના રૂપિયા પણ હતાં.  આ તો વર્ષોની બચત હતી. આજે પહેલો દિવસ હતો. પૈસા નટુના પોતાના હતાં. જેમાં અનેક ચાંદીના રૂપિયા પણ હતાં. મેનેજરે ઉદારતા દાખવી, નટુને રૂપિયા દીઠ ૧૦ પૈસા આપ્યા.

નટુ તો ખુશ થઈ ગયો. લગભગ ૧૫૫ રૂપિયા તેને મળ્યા. અ ધ ધ ધ ધ આટલા બધા રૂપિયા. નટૂને લાગ્યું મને લોટરી લાગી ગઈ. નટુ  રૂપિયા લઈ ઘરે આવ્યો તો પપ્પા અને મમ્મી પણ ખુશ થયા. મમ્મીને થયું હાશ ઘરમાં જગ્યા થઈ. પપ્પાને ખબર પડીકે નટુને  રૂપિયા મળ્યા કે તરતજ એ જ બેંકમાં તેનું ખાતું ખોલાવી દીધું. તેમને ખબર પડીકે મેનેજરે  નટુને ૧૦ પૈસા રૂપિયા દીઠ આપ્યા તો ખુશ થઈ ગયા. દીકરાની નાની ઉમરમાં પહેલી કમાઈ હતી. મમ્મી તો બીજે દિવસે આવેલા પૈસાની ખરીદી કરવા નિકળી ગઈ.

બીજા દિવસથી નટુનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો. નટુના પપ્પાએ પોતાના મિત્રને વાત કરી. ચિલ્લરના બદલામાં ૧ રૂપિયે ૮૦ પૈસા મળે છે. દરેક વ્યક્તિને ચિલ્લર ઘરમાં આંખના કણાંની જેમ ખુંચતું હતું. તેની કોઈ કિમત ન હતી.  કોઈ ઠેકાણે તે વ્યવહારમાં વપરાતું ન હતું. પેલા ચીમન કાકાએ પોતાના ઘરનો ગલ્લો આપ્યો. ઘણા વર્ષોથી ભેગો કર્યો હતો. આવી ટેવને કારણે આપનને ખબર છે કાયમ વ્યવહારમાં ચિલ્લરની કમી વરતાતી હતી. તેમના ગલ્લામાંથી ૧૨૦૦ રૂપિયા નિકળ્યા. ૧૨૦ રૂ. નટુને મળ્યા અને ૧૨૦ રૂ. મેનેજરને.

પપ્પાના મિત્ર ચીમનભાઈને થયું ઘરમાં બેઠું બેઠું ચિલ્લર સડતું હતું. રૂપિયા શું કડવા લાગે ?  ૧૨૦૦ રૂપિયાના બદલામાં ૯૬૦ રૂપિયા મળ્યા. વર્ષોથી ઘરમાં પડ્યું હતું. શું કરવું તેની ખબર પડતી ન હતી. ‘ચિલ્લર’ ગયું તેનો આનંદ અનેરો હતો. આમ નટુભાઈએ બુદ્ધિ દોડાવી ઉનાળાની રજામાં મોજ માણી. નટુના પપ્પા ગટુ તો દીકરાની આવડત પર ફિદા થઈ ગયા. હવે જ્યારે રજા પડે ત્યારે નટુને પૈસા કમાવાનો સરળ રસ્તો મળી ગયો.

ચાલાક નટુએ મિત્રોને વાત કરી દર રૂપિયે બે પૈસા તેમને આપી ધંધાનો વિસ્તાર કર્યો. બેંકનો મેનેજર શાણો હતો, કોઈ પણ છોકરો સીધો આવે તો તેને કહે, “આ સત્તા નટુની છે. તેને મળો”.

જ્યારે આપણે ચિલ્લર ભેગું કરતા હતાં ત્યારે ઘણા શેખચલ્લીના વિચાર કર્યા હતાં. અચાનક  ચિલ્લર ચલણમાંથી ગાયબ થઈ ગયું. આજકાલની વ્યસ્ત પ્રજાને ક્યાં  સમય છે. આ તો નટુ હોય નહીને એમની મુશ્કેલી દૂર થાય નહી. ગટુભાઈને  નટુનું હવિષ્ય ઉજળું જણાયું. તેમને હમેશા થતું , ‘આ દીકરો મોટો થઈને શું કરશે ?’

ન હસો તો !

26 10 2017

શાંતિથી જીવવાનો કિમિયોઃ

૧. પત્ની સાથે વાટાઘાટમા ન પડો. તે જે કહે તેમાં હા !

૨. બાળકોના પ્રશ્નો પત્ની ઉકેલે. સમાજના અને દેશના તમે !

૩. નોકરી કરતાં હો તો ‘દિમાગ’ ઘરે મૂકીને જાવ !

૪. ધંધો કરતાં હો તો ‘તમારો કક્કો’ ખરો કરાવો.

૫. માથા પર બરફ ફેક્ટરી ખોલો.

 

મરવાનો સરળ રસ્તોઃ

૧.

સિગરેટ પીઓ.

દસેક વર્ષ આયુષ્ય ઓછું થશે.

*

૨.

દારૂ પીઓઃ (વધારે પડતો)

જીવનના ૩૦ વર્ષ ઓછાં થશે.

*

૩.

કસરત ન કરોઃ

હેરાન પરેશાન થઈને મરશો !

*

૪.

ખાવામાં બેદરકારીઃ

રોગી થઈને ‘રામ બોલો ભાઈ રામ ” થશે.

*

૫.

કોઈને હ્રદયપૂર્વક પ્રેમ કરોઃ

રોજ રોજ મરવું પડશે.

**************************

બુદ્ધિશાળી અને કમબુદ્ધિવાળામાં  ઝાઝો ફરક નથી.

**********

કમ બુદ્ધિવાળોઃ  સ્ત્રીને વારે વારે કહેશે. તું ખૂબ બોલે છે. જરા શાંત રહેને .

*

બુદ્ધિશાળીઃ અરે જ્યારે તારા બન્ને હોઠ સાથે હોય છે ત્યારે તારો ફોટો ખૂબ સરસ લાગે છે.

*

સામાન્ય બુદ્ધિવાળોઃ  જો મને સમાચાર સાંભળવા દઈશ તો, સિનેમા જોવા લઈ જઈશ.

**************

ઝડપથી સંદેશો કેવી રીતે ફેલાયઃ

વાયરા દ્વારા

*

‘ટેલિફોન

*

ટેલિવિઝન

*

ટેક્સ્ટ મેસેજ

*

વૉટ્સ અપ

*

કોઈ સ્ત્રીને કહેવું ,’આ વાત કોઈને કરતી નહી’.

ઝડપનો અંદાઝ લગાવવો તમારા ગજાની બહાર છે.

************

તમારી મોટામાં મોટી ભૂલ કઈ ?

**

ગોરમહારાજ સાવધાન, સાવધાન, સાવધાન ત્રણ વખત બોલે છતાં તમારો પ્રિય મિત્ર પરણે

“ત્યારે”

તમે તેને ખુશીથી ઉછળી  ઉછળીને અભિનંદન આપો !

****************

પત્નીઃ આજે સાંજે સિનેમાની ટિકિટ લાવી છું.

પતિઃ અંહ .(ગુનગુનાયો)

સ્ત્રીઃ મેં કહ્યું, તે તમે સાંભળ્યું ?

પતિઃ ૨૫ વર્ષથી આ તો કરી રહ્યો છું.

*****

પતિ. ” હાશ, આજે નોકરી પર રજા લીધી છે. ”

પત્ની.” અરે, તમે પણ રજા લીધી છે !”

પતિ. ” વિચારી રહ્યો હવે પાછા નોકરી પર કેવી રીતે જવાય” ?

 

 

 

 

 

 

 

વાટકી વહેવાર

28 07 2017

આજના યુગમાં આ શબ્દ જાણે કયા ગ્રહનો છે એવું તો નથી લાગ્યું ને ? જી, છે તો આ ધરાનો, તેમાંય ગુજરાતીઓનો. જો તમે અમદાવાદ કે વડોદરાના હો તો આનો અર્થ બરાબર  જાણો છો. બાકી મુંબઈના હો તો તેઓ ‘ઉછીનું’ બોલતા હોય. ઉછીનું લાવેલા હોય એટલે, પાછું આપવાની શરતે !

ગેસ ઉપર ચાનું પાણી ઉકળતું હોય અને ઘરમાં મહેમાન બેઠા હોય, અચાનક ખબર પડે ચાની ભૂકી તો સવારના ખલાસ થઈ ગઈ હતી. બજારમાં  જઈ જે વસ્તુ લાવવાની યાદી હતી તેમાં પહેલી ‘ચા’ લખી હતી. હવે શું ? પાછલે બારણેથી સરકી બાજુવાળાને ત્યાંથી ચાની ભૂકી ઉછીની લઈ આવી ચા બનાવી. સાંજના બજારેથી આવે સહુ પ્રથમ બાજુ વાળાની ચાની ભૂકી પરત કરી. આ છે ઉછીનું લાવવાની પધ્ધતિ.

‘વાટકી વહેવાર ‘ તો આને ક્યાં ય ટક્કર મારે એવો છે. આજે મારા વરજીને ભજિયા ખાવાનું મન થયું. ઘરમાં બધો સામાન હતો. ગરમા ગરમ ભજિયા બનાવી વરજી ઓફિસેથી આવે તે પહેલ મારી બાજુવાળી બહેનપણીને ત્યાં થાળી ભરીને મોકલાવ્યા.   બીજે દિવસે મંદિરે જતા કહે ,’ભજીયા બહુ સરસ હતા. અમે પ્રેમથી ખાધા’.

અંહી વાતને પૂર્ણ વિરામ નથી આવતું. હવે એ બહેન તળેલું બહુ બનાવતા નહી. તેમના પતિદેવને તળેલું ગમે નહી. તેમને ત્યાં હાંડવો ને મુઠિયા  વધારે બને. તેમણે જ્યારે મુઠિયા મોકલાવ્યા તો પેલી બહેનના પતિદેવે મોઢું બનાવ્યું. આપણા ભજિયા પ્રેમથી ઝાપટ્યા અને આ કોબીના મૂઠિયા મોકલ્યા. હજુ મેથીના હોત તો સમજ્યા મારા ભાઈ.

આમાં ચડસા ચડસી થાય કે કોની વસ્તુ સારી હતી. કોણે કેટલી મોકલાવી. આ કહેવાય વાટકી વહેવાર પણ અંહી થઈ ગયો થાળી વહેવાર. પેલા બહેને તેમની થાળી પાછી મોકલવાની હતી.

ઘણિવાર વિચાર આવે છે આને ‘વાટકી વહેવાર’ કેમ કહેવાતો હશે? આ પ્રથાની શરૂઆત કોણે કરી હશે? શું આ માત્ર ગુજરાતીઓમાં જ પ્રચલિત છે કે દરેક જાતની પ્રજામાં. આની ખૂબ બારિકાઈથી જાંચ કરવાનો વાહિયાત વિચાર પણ આવ્યો. પછી થયું, મૂકને માથાકૂટ , આવી નજીવી બાબતમાં શું સમયની બરબાદી કરવી. અણુ યુગ અને સ્પુટનિકના યુગમાં આવા વિષય પર વિચાર કરવો. લોકો ગાંડા ન ગણતા હોય તો કદાચ ગાંડાની જમાતમાં નામ જરુર લખી નાખે !

બાકી વાટકી વહેવારને આધુનિક શણગાર કરી ઘણા નામ આપી શકાય.

વાટકી વહેવાર ચાલુ થયો હતો, ચા, ખાંડ, કે કોથમરીથી પણ જેમ આધુનિકતા આવતી ગઈ તેમ પદાર્થ પણ બદલાવા લાગ્યા. તરક્કી થઈને આવ્યા, બાજુવાળનું છાપુ માંગવા પર. ત્યાર પછી, ‘મારે ત્યાં મહેમાન છે, તમારી બે ખુરશી લઈ જાંઉ. આમ ઉત્ક્રાંતિ દરેક પધ્ધતિમાં આવે તે સ્વભાવિક છે.

આગળ વધીને કોલેજમાં ભણતા ત્યારે નોટ્સ ઉધાર માગીને લેતા. પાછી આપીએ ત્યારે એની હાલત રડવું આવે તેવી હોય. એક કદમ વધારે આગળ વધીને પુસ્તક માગીએ. મારી બહેનપણીના પિતાજી હમેશા કહેતાં ‘ પુસ્તકં વિત્તં પર હસ્તં ગતં, ગતં, ગતં,, ન આગતં.  એવી રીતે કોઈની સાથે પૈસાની લેવડ દેવડમાં પડવું નહી. જો આપવા હોય તો ગયા સમજીને આપવાના. જેથી મન દુખ ન થાય.

આ તો આધુનિકતાનો જમાનો છે. વાટકી વહેવાર તો જૂના જમાનામાં હતો. હવે, બહાર રજાના દિવસે મિત્રો સાથે જમવા  ગયા. સહુ પોત પોતાના પૈસા આપે એ વ્યાજબી ગણાતું. હવે સુધરેલા જમાનાના, ખૂબ પૈસા કમાતા હોય એટલે એક જણ બિલ ચૂકવે એવો જમાનો આવ્યો.  કોઈ વાર મોટી હોટલમાં જાય તો કોઈ વાર સાધારણ . દરેક વખતે સરખું બિલ આવે એવું તો ન હોય.

મોટો ફાંકો રાખનારા, ‘મેં બિલ ચૂકવ્યું ત્યારે તો બે વ્હીસ્કીના પેગ ચડાવ્યા હતા. પોતાનો વારો આવ્યો ત્યારે મને આજે મરજી નથી. પણ હા, તમે બધા જે પીવું હોય તે પીઓ.’ આમ કહી બીજાની વાતો કરતા થાકતા ન હોય.

ભાઈ માથાજીક મૂકોને સહુ પોત પોતાના પૈસા આપે તેમાં ખોટું શું હતું ?

આ તો બૈરાઓ વાટકીની કે થાળીની ઝંઝટ કરે , વધારે ભણેલા મર્સિડિઝ  ચલાવવા વાળા બિલની લમણાઝીંક કરે. થયું તો બધું એકનું એક જ ને !

નાનપણમાં મારી મમ્મી ક્યારેય પાડોશીને ત્યાં માગવા જવા દેતી નહી. હમેશા અમને કહેતી ,’જાવ દાદરો ઉતરો નીચે બધું મળે છે.’ તેની એ વાત આજે ગળે ઉતરે છે. એક વાત ચોક્કસ કહીશ, ભલે એ જમાનામાં માતા માત્ર ચાર ચોપડી ભણી હતી. તેની દીર્ઘ દ્રષ્ટિની વાતો આજે યાદ આવે છે અને ગૌરવપૂર્વક તેને મસ્તક નમી પડે છે.

એક રસપ્રદ વાત કહીને તમને છુટ્ટી આપીશ. બાજુના મકાનવાળી પાડોશણ દહી લેવા આવી. હવે સાસુમા મંદિરે ગયા હતા. વહુએ કહ્યું કે દહી હમણા આખર્યું છે. કાલે સવારે થશે. ઘરમાં જરાય નથી. પાડોશણ જતી હતી ઘરે, ત્યાં સાસુમા મળ્યા.

‘કેમ છો’?

અરે તમારે ત્યાં દહી લેવા ગઈ હતી. વહુએ કહ્યું નથી. ‘

‘એમ’.

‘ચાલો પાછા. ‘

ઉપર આવી સાસુમાને ખબર હતી , નથી, તેમણે ના પાડી, પછી કહે ‘એ કોણ તમને ના પાડનારી’.

આમ બીજાને ત્યાં માગવા જઈએ તો આવા ફજેતા પણ થાય. મારી સલાહ માનો જે કાંઇ પણ જોઈતું હોય, એ બધું બજારમા મળે છે. બસ  ભારતમાં હો તો ચાલતી પકડો ! ( નોકરને મોકલો)  અમેરિકામાં હો તો ગાડી ચાલુ કરો.

ચાલો હવે વધારે લખીને મારે તમારું માથું નથી દુખાડવું.  બાકી તમે સમજુ છો અને ‘સમજુ કો ઈશારા કાફી’.

 

ભાષાની ભેળ

7 06 2017

 

 

 

 

 

 

************************************************************************************************************************************************

ભેળ શબ્દ સાંભળતાં મોઢામાં પાણી આવે. એમાં જો તમે મુંબઈગરા હો તો સવારના નાસ્તામાં ભેળ ખાઈ શકો. મુંબઈવાળાની બે વસ્તુ મનગમતી એક ભેળ અને બીજી ચોપાટી.  ્ચોપાટીની ભેળ તેમાંય પેલા લાલ ડબ્બાવાળાની બસ વાત જ ન પૂછશો. ભેળ માટેના ખ્યાત નામ સ્થળ મુંબઈમાં, ચોપાટી, કોલાબા, તારાબાગ ,શેટ્ટી અને અંતમાં ઘરે ઘરે ખુમચા લઈ ફરતો ભેળવાળો. બોલો આવી ગયુંને તામારા મ્હોંમાં પણ પાણી. બસ અંહી સુધી વાત બરાબર છે. આજે આપણે કરીશું વાત ભાષાની ભેળની.

જો જો સમજતાં કે મારે ત્યાં આમંત્રણ આપીને તમને મિજલસ માણવા બોલાવું છું. આ તો તમે ત્યાં અને હું અંહી છતાં પણ મોજ માણવા મળશે. સાપ ગયા ને લિસોટા રહ્યાની જેમ અંગ્રેજોને  ૧૯૪૭માં આપણે ખદેડી મૂક્યા. આપણા જેવા મહાન માણસો હજુ તેમની ‘ભાષા’ના ભૂતને વળગી રહ્યા. રોજ એની એવી ભેળ બનાવીએ કે પેલી સાચી ,સેવ, મમરા, કાંદા, બટાકા, પૂરી, ગળી ચટણી, તીખી ચટણી અને લસણની ચટનીવાળી ભેળ પણ ફિક્કી લાગે.

પેલી ભાનુ દેશમાંથી સીધી અમેરિકા આવેલી. દેખાવડી હતી એટલે બાલુ તેના પર મોહી પડ્યો. બાલુભાઈને અમેરિકા ખૂબ ગમી ગયું ડોલરમાં કમાણી હોય કોને ન ગમે ! દેશમાંથી સસરાજીનો ફોન આવ્યો. ભાનુ બહેને ફોન ઉપર લાજ કાઢી.

અંગ્રેજી બોલવાનો શોખ કાંઈ શહેરીને હોય એવું નથી. નાના, મોટાં ,અબાલ, વૃદ્ધ, શહેરી કે ગામડિયા સહુને એમ છે કે અમે અંગ્રેજી બોલીએ એટલે આધુનિક ગણાઈએ.

‘વહુ બેટા બાલુને ફોન ગિવ ને’ ?

ભાનુ શરમાઈ ગઈ, ‘બાપુ એ ઘાંસ કાપે છે’. બાલુભાઈના પિતા એટલે દૂર ઉછળ્યા. શું મે મારા બાલુને એટલે મોટો કર્યો હતો. કાંઇ ન મળ્યું તે ઘાંસ કાપે છે. હવે ભાનુ, એ લોન મુવ કરે છે એ શબ્દ ભૂલી ગઈ.

આજે ભાનુ અને બાલુને વર્ષગાંઠની પાર્ટિમાં જવાનું હતું. ખૂબ ઠાંસી ઠાંસીને ખાધું .ઘરે આવું બધું બનાવે તો ‘ડીશીઝ” કોણ કરે? ઘરે જતાં યજમાને કહ્યું ‘જેને જોઈતું હોય તો ઘરે ડોગી બેગ લઈ જાવ’.

ભાનુ રાડ પાડીને બાલુને કહે , ‘મારે નથી જોઈતું, આપણે ઘરે ડોગ નથી”.  આજુબાજુ કહેવાતા સુધરેલાં હસી પણ ન શક્યા.

પેલા રમણના બાપા જ્યારે ભારતથી ફોન કરે ત્યારે અંગ્રેજીમાં બોલે. રમીલાને થોડું થોડું અંગ્રેજી આવડતું. રવીવારે  રમણને ભજીયા ખાવાનું મન થયું. ઘરમાં તેલ ખલાસ થઈ ગયું હતું. સસરાજીનો ફોન આવ્યો ત્યારે રમીલાએ ફોન લીધો.

‘બેટા રમણ ‘શોપિંગ’ કરવા ગયો છે’?

‘હા, તેલ લેવા ગયા છે’.

અરે, આ ફેસબુક અને વોટ્સ અપ વાળાઓએ તો હદ કરી. વરસાદ ઈંચમાં નહી,’ ૬ જીબી’માં પડે છે. તળાવ છલકાતાં નથી ‘મેમરી ફુલ’ થાય છે. વાહન વ્યવહાર ખોરવાતો નથી ‘હેંગ’ થાય છે. હવે આ ભેળ ‘ગોલ્ડન’ છે કે ચટપટી એ સમજવું પણ  ્મુશ્કેલ છે. જો તમને ન ખબર હોય તો ‘ગોલ્ડનનૉ ભેળ’ ખાવા મુંબઈમાં સિક્કાનગર જવું.

મારી એક સહેલી ગુજરાતી, અંગ્રેજીમાં લખે. વળી તેમાં ‘શોર્ટ’ ફોર્મ વાપરે. મારા ભેજાંની કઢી થઈ જાય તેનું લખેલું વાંચતા !

મુશળધાર વરસાદથી બચવા નિરાશ્રિતોને ઉંચાણવાળા વિસ્તારમાં ‘સેન્ડ’ કર્યા. રેતી નહી કર્યા, મોકલ્યા. આ ભેળમાં તો હવે મમરાને બદલે પૌંઆ નાખ્યા હોય તેવું લાગે છે.

એક સરદારો તો વળી ભેજાબાદ ભગુભાઈ નિકળ્યો. એને પૂછ્યું પ્રશ્ન તરીકે ‘બારસલોના’ નું ઉંધુ શું?

પટ દઈને બોલ્યો’ અંદર સે દોના”.

ગામડાની શાળાના શિક્ષકો વિદ્યાર્થીને અંગ્રેજી શિખવાડતા હતાં. અચાનક મારે ત્યાં જવાનું થયું હતું. તેમના ઉચ્ચાર સાંભળીને મને થયું. મને ‘લીડ’માં પાણી આપો હું ‘સિન્ક’ થઈ જાંઉ. જોયું ને મને પણ તેમનો ચેપ લાગ્યો. ઢાકણીમાં પાણી આપો ડૂબી મરું.

હવે જેમને ત્યાં મહેમાન હતી એ બહેનને અંગ્રજીમાં મને જોઈને શૂરાતન ચડ્યું હતું. ” જુઓ ને મારું અંગ્રેજી કેવું છે’. મારે વારવા પડ્યા. બહેન હું અમેરિકાથી ભારત આપણા ગામડાની દુનિયા માણવા આવી છું.

‘અરે તમે પાછા જાવ ત્યારે તમને યાદ રહેવું જોઈએને. કે ભારતના ગામડાંની સ્ત્રીઓ કેવું સુંદર ફટાફટ અંગ્રેજી બોલે છે’. તેમનો દીકરો અમેરિકા હતો. મને આગ્રહ કરીને કહ્યું હતું, મારા માતા અને પિતાને મળજો, શિયાળામાં તાજો પોંક ખાઇને જ પાછાં આવજો.’

તેમના પ્રેમને નકારી ન શકી. હવે મારે સાંભળ્યા વગર છૂટકો ન હતો.

શાંતા બહેને વાર્તા કહેવાનું સરું કર્યું. નાનપણની પેલી બિલાડીની વાર્તા.

મેં એક પાળી છે ‘કેટ’

તેણે પહેરી છે સફેદ ‘હેટ’.

તેનો રંગ છે એકદમ ‘ફેર’.

તેણે પહેરી સાડી ‘વ્હાઈટ’

તે કરવા ગઈ તળાવમાં ‘સ્વીમ’

એક મગર હતો એ ‘લેકમાં’

મગર ગયો’કેટને’ ઈટ’.

આવા ચક્કરમાં એવી તો ફસાઈ ગઈ કે મને આવડતું હતું એ ગાયન પણ હું ભૂલી ગઈ. બે મિનિટ પછી મેં ગાવાનું શરૂ કર્યું.

મેં એક બિલાડી પાળી છે

તેણે પહેરી ધોળી સાડી છે

તે રગે બહુ રૂપાળી છે.

‘હા, હા એજ કવિતા મેં તમને અંગ્ર્જીમાં કહી બતાવી. બોલો મને અંગ્રેજી કેવું આવડે છે?’ હું એમની સામે એક્ટક જોઈ રહી. શબ્દો મારા મુખેથી ન નિકળ્યા. જાણે તાળું ન વાગ્યું હોય. હજુ મારે બે દિવસ એ ગામમાં રહેવાનું હતું. પેલા ૮૦ વર્ષના લીલી માસી અમેરિકા દિકરી અને જમાઈને ત્યાં ગયા હતાં. મને અમેરિકાથી આવેલી જોઈ ખુશ થયા.

‘બોન, તમારું અમેરિકા ખૂબ મજાનું’.

‘એમ, તમને ત્યં શુ ખૂબ ગમયું’?

‘અરે બોન, શું વાત કરું તમારે ત્યાં તો બધાય ભણેલાં’.

‘હેં’.

‘અરે તમે ત્યાં રો તમને નથી ખબર,મુઆ બધાય અંગ્રેજીમાં બોલે’.

આટલું કહીને એમનો ઉત્સાહ બેવડાયો. અરે મારા હિમાંશુ અને ચમેલીની ચકલી પણ અલગ.”

હવે મને સમઝ પડી નહી.’ હેં માસી એ કેવી રીતે’?

હવે ચકલી એટલે નળ તેની મને ખબર ન હતી.

‘બોન, એમની બાથરૂમ ખૂબ મોટી. તેમાં એક ચકલી પર ‘એચ’ અને બીજી ચકલી પર ‘સી’ લખેલું હતું.

હું તો સ્તબ્ધ થઈ ગઈ. મારા હાથમાં હતો એ ચાનો કપ ન મોઢે માંડી શકી ન પાછો ટેબલ પર મૂક્યો.  આવા તો કેટલાં અનુભવ કહી શકું. હવે મને તમારી દયા આવે છે. તમે કહેશો, અમારું અંગ્રેજી કાં તો ‘સ્પોઈલ’ થઈ જશે.  યા તો અમે બોલવાનું ‘શટ’ કરી દઈશું !

 

 

નાક

16 05 2017

*********************************************************************************

“અરે તારા નાક પર શું બેઠું છે?’

‘શું તમને મારું નાક, ખુરશી દેખાય છે’.

‘ના રે ના, પણ દૂરથી બરાબર દેખાતું નથી એટલે એમ લાગ્યું કે કાંઈક બેઠું છે’.

‘લો, આ નજીક આવી હવે શું દેખાય છે?’

‘અરે, એ તો તારા હાથ લોટ વાળા હતાં ને એટલે લોટનો લચકો ત્યાં ચોંટી ગયો છે’.

જાવ જાવ હવે’.

‘ઉભી રહે ,એક મિનિટ આ મારા હાથમાં અરીસો છે ને  જો દેખાય છે તને’.

‘હા, વાત તો તમારી સાચી છે. સાફ કરવા ગઈ ત્યાં  બીજો લોટનો લુંદો ચોંટ્યો’.

‘ઉભી રહે તું હાથ ધોવા નહી જાય મને ખબર છે. હજુ પૂરીનો લોટ બંધાયો નથી. મારા હાથમાં નેપકિન છે . હું તને સાફ કરી આપું’.

કહી મેં જેવો હાથ લંબાવ્યો કે, તેણે પણ હાથ લંબાવીને મારા નાક પર લોટનો લુંદો ચોંટાડ્યો.’

નાનો ટીકલુ આ તોફાન જોઈ રહ્યો હતો. હાથમાં ફોન હતો. તરત ફોટો ખેંચી લીધો. હવે તો સજ્જડ પૂરાવો થઈ ગયો કે અમારા બન્નેના નાક પર લોટભાઈ ઝુલતા હતાં.’

‘નાક એ શરીરનું એવું અંગ છે કે સહુ પ્રથમ કોઈ પણ વ્યક્તિનું ધ્યાન તેના તરફ દોરાય. ‘નાક’ , શરીર પરના આ અંગને હોવું જોઈએ એના કરતાં આપણે વધારે મહત્વ આપ્યું છે. નાક નાનું છે, ચીબું છે, અણોયાળું છે, ગાડીનું પૈડું ફરી ગયું છે, ટીંડોળા જેવું છે. અરે મોટા માટલાને ઉંધું પાડ્યું હોય ને તેવું દેખાય છે. ઘણાનું નાક તો એટલું મોટું હોય કે મોઢા પર તેના સિવાય કશું દેખાય નહી. ઘણાના નાકને તો વળી કૂતરાના નાક સાથે સરખાવીએ તો ખૂબ ખુશ થાય.

આનંદો, કે ‘પ્લાસ્ટિક સર્જન’. એ બધાનો ઈલાજ કરી શકે છે. મારા એક મિત્રની દીકરીનું નાક સાવ ચીબુ હતું. નાકની જગ્યાએ માત્ર બે કાણા હતાં. પરણાવતા ખૂબ મુશ્કેલી પડતી હતી. મેં ઉપાય બતાવ્યો તો ખુશ થઈ ગયા.  ડોક્ટર પાસે ગયા. ઉનાળાની રજા હતી તેથી તેને કોલેજ જવાનું ન હતું. ત્રણ અઠવાડિયા ઘરમાં રહેવું પડ્યું. સર્જરી પછી નાક પર પ્લાસ્ટર હતું. જ્યારે પ્લાસ્ટર કાઢ્યું અને અરીસામાં તેણે મોઢું જોયું તો તેની આખી સિકલ ફરી ગઈ હતી. કેવું સરસ ‘નાક’ થઈ ગયું કે બે અઠવાડિયા પછી તેમા માગા આવવા માંડ્યા.

એક ભાઈને ધંધામાં ખોટ આવી. લેણદારો પૈસાની ઉઘરાણી કરવા આવતાં.

‘અરે, મારા નાકનો સવાલ છે’.  સવાલ હોય પૈસાનો, વચનનો કે પછી પરિસ્થિતિનો. તેમાં એ બે ઈંચનું નાક ક્યાં વચ્ચે આવ્યું.

‘ જો જે મારું નાક ન કપાય’. કોની માએ સવાશેર સુંઠ ખાધી છે કે જીવતે જીવ તમારુ નાક કાપી નાખે’ !

‘એનું નાક તો કૂતરા જેવું છે’. જો માનવીનું નાક કૂતરા જેવું હોત તો ? વિચાર કરી જુઓ. તમે એ વ્યક્તિથી સો ગજ દૂર રહેશોકે નહી ?

આ એ જ નાક છે જેને જોઈને પુરૂષો સ્ત્રી પર મોહિત બને છે. ચિત્રકાર તેને કુશળતા પૂર્વક પીંછી વડે ચિતરે છે.  બાળકની સુંદરતા આંખને સ્પર્શે છે. જેના ઉપર હીરા જડિત ‘ચુની’ સોહી ઉઠે છે. નથણી જેના ઉપર ઝુલા લેતી જણાય છે. જે નાક કદાચ બે ને બદલે ત્રણ ઈંચ હોય તો લોકો તેને જોઈ દૂર ભાગે છે. નકશીદાર હોય તો જુવાનિયા ઝુમી ઉઠે છે. અને જે નાક પર પૈડુ ફરી ગયું હોય તેવી વ્યક્તિથી દૂર ભાગે છે.

એક કન્યા, પરણવા જેવડી થઈ. જે પણ મૂરતિયો આવે તે નાક જોઈને ઉભી પૂછડીએ ભાગે . એટલું બધું મોટું કે કદાચ હાફૂસ કેરી તેની પાસે નાની લાગે. હવે મારી પાસે આવ્યા તેના મા અને બાપ. તમને થશે નાક વિષે જેને મુશ્કેલી હોય છે તે મારી પાસે કેમ આવે છે? વાત એમ છે ને કે કહીશ તો તમે પણ હસશો. મારું નાક આમ તો સાધારણ હતું. જ્યારે સામેથી ફોટો પાડે ત્યારે સારો લાગે. બાજુમાંથી ફોટો લે ત્યારે સરખો ન આવે. મારી સહેલીના પિતાજી પ્લાસ્ટિક સર્જન હતાં. તેમણે મને કહ્યું બે દિવસ અમારે ત્યાં રહેવા આવી જા. તારા નાકનો આખો ઈતિહાસ બદલી આપીશ.

મમ્મીની પરવાનગી લંઉ તો વઢે. બસ વાંચવાનું બહાનું કરીને પહોંચી ગઈ. બે દિવસમાં તો મારી આખી મોઢાની ભુગોળ ફેરવાઈ ગઈ. ઘરે ગઈ તો મામી કહે,’બેટા તું આજે કેમ જુદી લાગે છે’.

‘એ તો મ્મ્મી તેં મને બે દિવસ જોઈ ન હતીને એટલે. જોજે કાલથી તને હું પહેલા જેવી લાગીશ. મારી ભોળી મા  માની ગઈ.’

બસ ત્યારથી જેને નાકની કોઈ પણ તકલિફ  તે મારો સંપર્ક કરે.

અરે એક મઝેદાર વાત કહું. મારી બાજુવાળા મહેશભાઈ પરણીને ગામડાની ગોરી લાવ્યા. ખુબ સુંદર . તેની પત્ની મારી બહેન પણી બની ગઈ. એક દિવસ આવીને મારા કાનમાં કહે ,’હું મા બનવાની’. હવે તેની પેટ પર સૂવાની ટેવ મને ખબર હતી. મારે બે બાળકો હતાં. વણમાગી એક સલાહ આપી, ડાબી યા જમણી બાજુ સુવાની આદત રાખજે. અરે ન ફાવે તો પીઠ પર. સાંભળે તે બીજાં. મને થતું આ સ્ત્રી પેટમાં બાળક સાથે કેવી રીતે ઉંધી સૂતી હશે. તમે નહી માનો તેનું બાળક જાણે કોઈએ મોઢા પર જોરદાર મુક્કો માર્યો હોય તેવું અવતર્યું. મોઢા પર નાક શોધવું પડે તેવા હાલ હતાં.

હવે આ નાક ભગવાને આગળ કેમ આપ્યું અને તે પણ બરાબર મુખ ઉપર વચમાં. પ્રયત્ન કરી જો જો નાકને પાછળ યા કપાળ પર કે દાઢી પર મૂકીને. ગમે તેવા શિખાઉ ચિત્રકાર હશો ને તો પણ આવું ચિત્ર તમે સફળતા પૂર્વક દોરી શકશો. તમને પોતાને એ કોઈ પણ સ્થળે નહી ગમે. બરાબર મુખ ઉપર વચમાં અને તે પણ સપ્રમાણ જ ગમશે.

હવે સપ્રમાણ અને સુંદર નાકના ફાયદા જુઓ, ગણતા થાકી જશો. જેના વડે શ્વાસ લઈએ છીએ આપણી જીવાદોરી ટકી રહી છે તેવું આ નાક શરીરનું ખૂબ મહત્વનું અંગ છે. નાક તમારી રક્ષા કરે છે. તમે શ્વાસમાં લીધેલી હવાને ફેફસાં સુધી પહોંચાડી લોહીને શુદ્ધ બનાવે છે.  તમારા અવાજને આકર્ષક બનાવે છે. મહત્વનું જો તમારું નાક સુડોળ હશે તો પ્રિતમ તમારી ઉપર વારી જશે.

જો બદબૂ આવતી હશે તો તમે તરતજ નાક પકડી લેશો. અને સુગંધ આવતી હશે તો મન ભરીને માણશો. નાક ઉપરથી તમે કદાચ તારવી શકો કે વ્યક્તિ કયા પ્રદેશમાંથી આવે છે. જેવાં કે ચીનાઓ, હબસી અને ભારતના. નાકને તમે કાચુંપોચું ન સમજશો. પેલી રાવણની બહેન યાદ છે ને ,’સૂર્પણખા’ જેનું લક્ષ્મણે તલવારથી નાક વાઢી નાખ્યું હતું. જેને કારણે રાવણે સીતાનું હરણ કર્યું. ઘણા નાકવાળા આજે પણ સમજી નથી શકતાં એ ‘હરણની સીતા ક્યારે થઈ”?

સાચવજો, જીવ સટોસટે  આ સુંદર, સુડોળ અને સોહામણા નાકનું રક્ષણ કરજો.

સંભારો

28 04 2017

 

 

 

 

 

 

 

 

************************************************************************************************************************************

નામ સાંભળતાં મોઢામાં પાણી આવે. કેરીની ઋતુ ચાલુ થઈ ગઈ છે. આપણા દેશની રાજાપુરી અથાણાની કેરી યાદ આવી જાય. કાચી કેરીમાં નાખ્યો સંભારો ને પછી ગરમા ગરમ ભાખરી ખાવાની લહેજત આવે. આવી ગયું ને મોઢામાં પાણી?

આજે વાત કાંઇ અલગ કરવાની છે. મિત્ર સાથે વાત કરતી હતી. ઘણા વખત પછી મુલાકાત થઈ ફોન ઉપર. હાથમાં લાકડી અને ઉમર અચાનક વધી ગયેલી લાગી. કારણ, ડોક્ટરોના પંજામાં ફસાયા. એમના હ્રદયનો ઉભરો કાઢતા હતા. વાતમાં ને વાતમાં કહે,’ મારી તબિયતનો સંભારો કરી નાખ્યો છે.’

મારાથી રહેવાયું નહી પૂછી બેઠી, ‘કોણે’?

‘અરે આ અમેરાકાના ડોક્ટરેસ્તો’.

મારી તો બોબડી બંધ થઈ ગઈ. વગર પૂછ્યે તેમણે બોલવાનું ચાલુ કર્યું.

‘અરે, બહેન ચાલવાની પણ તકલિફ થઈ ગઈ છે’.

‘અચાનક’.

‘શું વાત કરું પગમાં દુખાવો હતો ડોક્ટરને બતાવવા ગયો કહે છે , મસલ્સ ટેર થઈ ગયા છે.’

‘હા, પણ તેનો તો સાદો પ્રોસિજર છે’.

‘શું વાત કરો છો, એણે તો આઉટ પેશન્ટ તરિકે બોલાવ્યો. કુલ મળીને છ દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું.’

‘રોજ નવા ટેસ્ટ કરવાના. નવી દવા આપે. અંતે ખબર પડી વધારે ડેમેજ તો ઘુંટણની ઢાંકણીને છે’.

‘તો શું હવે ની રિપ્લેસ કરવાની.’

‘હાસ્તો, બીજું શું?’

‘એ કરાવીને આવ્યા. દુખાવો ખૂબ રહેતો. પાછું રીહેબમાં જવાનું ચાલુ થયું. પછી વજન ઉતારવાનો ધખારો ચાલુ કર્યો. જેથી ઘુંટણ પર દબાવ થોડો આવે. વજન ઉતારવાના ચક્કરમાં બ્લડ પ્રેશર એકદમ ઘટી ગયું. એટલે એની ગોળીઓ ચાલુ કરી. ‘

મને તો આ પરીકથા જેવું લાગતું હતું. ‘બકરી કાઢતા ઉંટ પેઠું’.  હજુ તો એમની રામ કહાણી પૂરી થઈ ન હતી. મને લાગ્યું કે ડોક્ટરોએ તેમની તબિયતની ન જોઈતી ઉપાધિમાં મૂકી દીધાં.

‘બહેન, તમે કાંઈ ન બોલશો આ અમેરિકાના ડોક્ટરોએ મારી તબિયતનો સંભારો બનાવી દીધો’. સામાન્ય માનવીના દિમાગમાં ભુસુ ભરાયું છે કે, ડોક્ટરો બધા પૈસા ખાઉ છે. તમને ખોટા રવાડે ચડાવે છે, તમારી પાસેથી યા ઈન્શ્યોરન્સ વાળા પાસેથી પૈસા પડાવવા ખૉટી ટેસ્ટ કરાવે છે. દર્દીને હેરાન પરેશાન કરી મૂકે છે.

આ શબ્દ મને થોડો અવાસ્તવિક લાગ્યો.  કારણ એ ભાઈને સંભારો ખૂબ ભાવતો અને ડોક્ટરે તેમને અડકવાની પણ ના પાડી હતી.

‘બહેન મને સંભારો બહુ ભાવે. ડોક્ટરે કહી દીધું મીઠું અને મરચું ઓછું ખાવ. ‘

પાછો એમની વાતમાં સંભારો આવી ગયો.

‘તે શું તમે બંધ કર્યું’.

‘અરે, હોતું હશે. બધી રસોઈમાં  મીઠું અને મરચું નહી નાખવાનો અનુને આદેશ આપ્યો. સલાડ ઉપર મીઠું અને મરીનો પાવડર નહી ભભરાવવાનો’.

‘અનુ’?

‘હા, ભૂલી ગયા, મારી ધર્મપત્ની. ‘.

‘માફ કરશો, નામ યાદ ન હતું.’

‘ખેર, જમવા કે નાસ્તો કરવા બેસું ત્યારે સંભારાની બાટલી જોડે હોય’.

‘કેમ’ ?

‘બધામાં એ છૂટથી ઉમેરીને ચટાકેદાર ખાવાનું ખાઉં છું’.

‘ડોક્ટરે હા પાડી’.

‘એની દવાઓની સાઈડ ઈફેક્ટ નથી થતી ?  જો ડોક્ટરનું બધું કહ્યું માનું તો ‘મારું રામ નામ સત્ય હૈ’ થઈ જાય. દવાની સાઈડ ઈફેક્ટના નામ પર ચરી ખાંઉ છું.’

‘તમે, આવું ન કરતા હો તો’?

‘અરે ડોક્ટરે તો મારું જીવન  બરબાદ કર્યું છે. આ સંભારો એનાથી વધારે નુક્શાન નહી કરે’.

મારા મનમાં થયું જો ડોક્ટરોએ તબિયતનો સંભારો બનાવ્યો તો જીભને કેમ કાંઇ અસર થઈ નહી. બધી વાતે ડોક્ટરને દોષ દેતાં વિચાર ન કર્યો કે ક્યાંક પોતાનો પણ વાંક હશે. પગમાં તકલિફ થવાનું કારણ, કદાચ “ઓછું વજન” પણ હોઈ શકે. તમે હોંશિયાર છો ઈશારો સમજી ગયાને. કોઇને કહેશો નહી. પાછું તેમણે પ્રવચન ચાલુ કર્યું.

“બહેન તમને એક સલાહ આપું”.

મેં કહ્યું, ‘બોલો ભાઈ’.

‘તમે ડોક્ટરના ચક્કરમાં નહી પડતાં’.

હું’  જોરથી હસી પડી’.

‘કેમ તમને મશ્કરી લાગે છે’?

“ભાઈ મારા, હવે આ જન્મે તો શક્ય નથી. મારા ઘરમાં ત્રણ ડોક્ટર છે’. બોલો હું ક્યાં જાંઉ. મારાથી ડોક્ટરોની બદનામી બહુ સહન ન થઈ.

‘ઓહ ,ભલે હોય પણ તમે યોગ કરજો. નિયમિત ચાલવાનું રાખજો. ખાવા પીવાનું સાત્વિક રાખજો. બની શ્કે તો ડોક્ટરોના પલ્લે પડશો નહી.’

‘આ તો ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ દે, એવું થયું’.

‘તમે જે કહ્યું એ બધું હું વર્ષોથી કરું છું. ‘

‘તો તો બહુ સારું’.

ધીરે રહીને મેં કહ્યું, ‘મારી મનની મુરાદ જણાવું’.

‘બેશક.’

‘મોટાભાગની વ્યક્તિઓને તંદુરસ્ત જીવન જીવવું હોય છે. મારે સાજા નરવા રહીને મરવું છે. અરે, હું ગળ્યુ પણ ખાઉને ત્યારે તેમાં સંભારો નાખું છું. તેની ગમે તે અસર થાય પણ આ ડોક્ટરની દવાઓ કરતાં ભુંડી નહી હોય.’

‘અરે ગળ્યામાં પણ સંભારો?’

‘નાખીને ખાઈ તો જો જો’?

‘મારે, તમારી સલાહ માનીને વહેલાં મરવું નથી’ ડોક્ટરની દવા ખાઇને મરીશ પણ શ્રીખંડમાં સભારો ઉમેરીને નહી’.

‘હા, બહેન મરવામાંથી કોઈનો છૂટકારો થવાનો નથી’.

‘એ તો જનમ લઈને આ ધરા પર આવ્યા ત્યારથી ખબર છે”.

‘પણ ક્યારે’?

ચાલો ત્યારે બીજી એક મહત્વની વાત કહીને ફોન મૂકું.

આ જીંદગીનો ગાળો,’ પ્રથમ શ્વાસ અને અંતિમ શ્વાસ વચ્ચેનો છે’.

‘હેં’

સારું થયું મને એમ ન કહ્યું કે ,’બહેન સંભારો ખાઈ જુઓ, મૃત્યુ પણ મજેથી આવશે’.

અંતે ભલે તમારા બાળકો ડોક્ટર હોય ચેતીને ચાલજો, કહી ફોન ઠપકાર્યો. એમને જાણે ન ગમ્યું કારણ હું, ડોક્ટરોથી ઘેરાયેલી છું.