પાછો પેલો યુવાન હૈયાને પાગલ કરતો દિવસ
આવી ગયો. જો કે વર્ષે એકવાર આવે છે અને
જુવાનિયાઓને ગાંડાતૂર બનાવે છે. પ્રેમનો
મહિમા ગાય છે. યાદ અપાવે છે “તું પ્રેમનું
પવિત્ર પુષ્પ છે”.
હા, માન્યું કે જુવાની દીવાની છે, મારે પણ એક દિવસ હતી.જુવાની ! ક્યારેય બેહુદું કે
અણછાજતું વર્તન કર્યાનું યાદ નથી, એ કદાચ બાળપણના સંસ્કાર હશે ? હા,
મારું અસ્તિત્વ પ્રેમનો અહેસાસ છે.
ખરું પૂછો તો ‘વેલન્ટાઈન ડે’ દરરોજ હોવો જોઈએ ! હા, કારણ પ્રેમ જીવનમાં આવશ્યક
છે. નવાઈ લાગી ને ? શામાટે ? સાંજના કામ પરથી થાકેલા આવેલા પતિ અને પત્ની
એકબીજાનું મલકતું મુખડું જોઈ આખા દિવસનો થાક વિસરી જાય ! પ્રેમ સહ અસ્તિત્વની
અભિવ્યક્તિ છે.
બાળકો શાળાએથી આવેલા હોય ,માતા અને પિતાને નિહાળી કેટલાં ખુશ થાય ?
અંદાઝ છે ? બસ ભૂલી ગયાને ? પ્રેમ તારો ધબકાર છે
તમારા પોતાનું બાળપણ નજર સમક્ષ વિચારો, યાદ આવી જશે ! પ્રેમ પુષ્પની જેમ પાંગર્યો છે.
મને યાદ છે શાળાએથી આવતી મમ્મીને જોઈ ,આખા દિવસમાં થયેલું બકી જતી. અરે,
મારા બાળકોનું માથું પકવતી.
” શાળામાં દિવસ કેવો રહ્યો. “?
“હોમવર્કમાં શું આપ્યું છે” ?
‘ આજના દિવસ દરમ્યાન ટિચરે શું કહ્યું”, વિગેરે, વિગેરે.
પતિ ઓફિસથી આવે કે જમવાની થાળી તૈયાર, ભાવતી દાળ અને શાક જોઈ ખુશ.
દાળ ઢોકળી હોય ત્યારે પૂછવું જ શું ? પ્રેમ અને તું એકમેકમાં સમાયેલા છે.
‘વેલન્ટાઈન ડે’ ને દિવસે ફુલોનો ગુલદસ્તો આવતો ત્યારે ખુશખુશાલ થઈ જતી. જો કે
બધી વ્યક્તિ એક સરખી ન હોય એ હું જાણું છું, પણ પ્રેમની અભિવ્યક્તિ અલગ અલગ
પ્રકારે થાય એ તો સય છે, ચાલો,’વેલન્ટાઈઅન ડે’ને દિવસે ઉમળકો જોરદાર જણાય. કિંતુ
એ પ્રેમનો ઝરો એ દિવસે સતત વહે અને બાકીના દિવસોમાં સૂકાયેલા રણ જેવો હોય તો
જીવનની મધુરતા ક્યાંય ખૂણામાં સંતાયેલી દેખાય ! પ્રેમ આપવો તારો ધર્મ છે
વેલન્ટાઈન ડે એ મજાનો દિવસ છે. ચારે તરફ ઉલ્લાસનું વાતાવરણ જણાય છે. રિસાયેલા
પતિ અથવા પત્નીને સુમેળ સાધવાનું સુંદર બહાનું છે, દિલની વાત કહેવા કાજે સ્થળ યા
સમયનું બહાનું શોધવું પડતું નથી. પ્રેમ તારો ધબકાર છે.
જુવાનિયાઓ આ તમારો દિવસ છે. પરણિત યુગલ કાજે દિલના ભાવ પ્રસ્તુત કરવાની
સુવર્ણ તક છે, પ્રેમની સરિતા તુજમાં વહે છે.
નસિબદાર આધેડ યુગલ કાજે જીવનની મધુરતા અને ઐક્યતા દર્શાવતી અમૂલ્ય ક્ષણો
છે. અંતરની ઉર્મિ દર્શાવવા માટે ઉમરનો બાધ હોતો નથી ! ખુલ્લા દિલે એકરાર કરો. ભલે
ને હમેશા જતાવતા હો, આજના દિવસે તેની મધુરતા હ્રદય સ્પર્શી જણાય છે. પ્રેમ કાજે વલખાં
ન માર.
મને વેલન્ટાઈન દિવસ ખૂબ પ્યારો છે. મારા પ્યારની મધુરતા ઘરમાં પ્રસરી રહે છે, જાણે અજાણ્યે
ચારેકોર હાજરી અનુભવું છું. સુખી સંસારના નિર્માતાને મનોમન વંદુ હું. પ્રેમથી પરમાનંદ પ્રાપ્ત થાય.
પ્રેમ છે તો સૃષ્ટિ છે.
તાજેતરની ટિપ્પણીઓ