નિવૃત્તિ પછી

3 04 2018

 

 

“નિવૃત્ત થયા પછી” ઘણી બધી ચરી પાળવાની.  અરે, આ તો જીંદગી છે, મરજીમાં આવે તેમ જીવવાની. બાળપણમાં માતા અને પિતાની આજ્ઞા માનવાની, શાળાએ જઈએ ત્યારે શિક્ષકોને સાંભળી તેમના કહ્યા પ્રમાણે અનુસરવાનું. પરણ્યા એટલે પ્યારી પત્નીની  ગુલામી કરવાની.  નહી તો, “હું મારે પિયર જઈશની લુખી ધમકી આપે” તે સાંભળવાની. બાળકો મોટા થાય એટલે તેમની મરજી મુજબ કારણ “આપણે ઘરડા થઈ ગયા”. આ ગણિત મારી સમજમાં નથી આવતું.

નિવૃત્ત થયા, તમે તમારા મનના માલિક. જુવાનીમાં કમાયા હતા, હવે વિમાનમાં ફરો કે ફાઈવ સ્ટાર હોટલમાં રહો તમને કોણ રોકનાર છે ? હા નસિબ હોય અને પતિ ,પત્ની બન્ને હો તો  સ્વર્ગ ઢુંકડું છે. કેટલું સરસ લાગ્યું ને ? નિવૃત્ત  થયાનો આ તો સહુથી મોટો લાભ છે. નિવૃત્ત થયા પછી શું ? એ પ્રશ્ન દરેકને સતાવે છે. તુંડે તુંડે મતિઃ ભિન્ન . દરેક વ્યક્તિના અભિપ્રાય અલગ હશે. અંતે તો  સહુનો   ધ્યેય એક જ છે ! નિવૃત્ત થયા પછી, “હાશકારો”. બસ કોઈની ગુલામી નહી. સમયની પાબંધી નહી.

નિવૃત્તિ એટલે નોકરી ન કરવી ! બાકી પ્રવૃત્તિમાં બાધ નથી. જો બિમાર પડવું હોય, દર્દ અને રોગને ખુલ્લા દિલે આવકારવા હોય તો ‘નિવૃત્તિમાં સોફા શોભાવજો’ ! બાકી જે ખ્વાઈશ હોય તે પૂરી કરવાનો સમય એટલે નિવૃત્તિ !  બાળપણ ગયું મસ્તી તોફાનમાં , જુવાનીમાં પ્રેમ કર્યો, બાળકો થયા , ઘરસંસાર ચલાવ્યો, સુંદર કામગીરી કરી પતિને બે પૈસા રળવામાં મદદ કરી. હર્યા, ફર્યા આનંદ કર્યો. આધેડ વયે બાળકો ઠેકાણે પડે તેની ચિંતા કરી. હવે આવ્યો જીવનમાં ‘હાશકારો’ જેનું બીજુ સુંદર નામ ‘નિવૃત્તિ’. ક્યારે પેલો ઉપરવાળો બોલાવશે ખબર નહી ? પળભરનો વિલંબ પણ નહી સહી શકે. બસ આ જીવનને સન્માર્ગે વાળો, લાખેણા મનખા દેહને એવો રૂડો બનાવે કે સર્જનહારને આપણા પર ગર્વ થાય !

શું જોઈએ છે ?

“જીવનમાં શાંતિ”.

“કોઈને નડવું નહી”.

” પતિ, પત્નીની અને પત્ની, પતિની સાથે આનંદમય જીવન ગુજારે”. ( જો નસિબદાર હોય અને બન્ને ડોસા, ડોસી સાથે  હોય તો!”)

શેષ રહેલા જીવનનું સરવૈયુ કાઢી તાળો મેળવે”.

“જો એકલા હોય તો જાત સાથે સંધિ કરી જીવનને સફળ બનાવે”.( સાથીની યાદ સતાવે એમાં બે મત નથી !)

સ્વામી સચ્ચિદાનંદ, ઓશો કે મોરારીબાપુ કહે તેમાંથી આપણને યોગ્ય લાગે તે ગ્રહણ કરવાનું. બાકી જીવનની ઢળતી સંધ્યાએ આપણા  વાળ ‘નથી ધુપમાં ધોળા કર્યા કે  વગર મહેનતે મફતની ટાલ  પાડી”. આપણી મરજી પ્રમાણે જીવવાનું. પ્રભુ ભજનમાં મઝા આવતી હોય તો તેમાં મસ્ત રહેવાનું. સતકાર્ય કરવા ગમતા હોય તો તેમાં પ્રવૃત્ત રહેવાનું. “પસંદ અપની અપની ખયાલ અપના અપના”.

બાળકોને તેમની સ્વતંત્રતા આપી ,આપણો મારગ જુદો ચાતરી લેવાનો. જો તેમને આપણી જરૂર હોય તો અડધી રાતે પણ તૈયારી બતાવવાની. મનમાં મુંઝાઈને કે તેમની ગુલામી નહી ચલાવવાની. દરેક લેખકોના મંતવ્યો વાંચ્યા.  તેમની પરેશાની જોઈ દુઃખનો અહેસાસ થયો. ખેલદિલ લોકો સત્ય લખે છે. બાકી બધા સત્યનું મહોરું પહેરી ફરે છે. શાને માટે ?  સત્ય બોલજો, અંતરમાંથી, “કાઢ્યા એટલા કાઢવા છે ખરા”?

મને નથી લાગતું કોઈની મરજી હોય !

સાથીની ગેરહાજરી સાલે, જરૂર તેમાં બે મત નથી. ત્યારે પેલું બ્રહ્મ વાક્ય ડોકિયું કરે, “એકલા આવ્યા એકલા જવાના”. સગાં કે વહાલા બધા સ્મશાનેથી પાછા વળવાના. કિંતુ નિવૃત્ત જીવનમાં એવી પ્રવૃત્તિ પણ દેખાઈ આવે છે જીવનને સફળ કરવામાં સહાય રૂપ થાય. દરેક વ્યક્તિને એક ત્રાજવે ન તોલાય. દરેકની પ્રવૃત્તિમય જીંદગીની વ્યાખ્યા અલગ હોઈ શકે.

આપણે સહુએ સાંભળ્યું છે ૧,૮૪,૦૦૦ જન્મ પછી આ માનવ દેહ પ્રાપ્ત થાય છે. હવે આ જન્મ એળે જવા દેવાનો ? શું કામ ? આંબો વાવનાર ક્યારેય એમ નથી વિચારતો કે ‘હું આ કેરી ક્યાં ખાવાનો છું ?’ વૃક્ષ દરેકને છાંયડો આપે છે. જરાય વેરો આંતરો નથી કરતો. કેટલાયના કાળજા ઠારે છે. કેટલા અગણિત પક્ષીઓ તેના પર માળો બાંધી પોતાના બાળ બચ્ચા ઉછેરે છે .

નિવૃત્તિ વેળાએ આપણે અઢળક ધન કમાયા હોઈએ તો બાળકોને આપ્યા પછી .હૉસ્પિટલ ,શાળા કે અનાથાશ્રમ બંધાવવું એ ખોટો વિચાર તો નહી જ ગણાય. મતલબ કે સારી રીતે તે ધનનો ઉપયોગ કરવો. વિદ્યા પાછળ વિનિમય કરવો. તે પહેલા એક મંત્રનું રટણ કરવું.

“પહેલું સુખ તે જાતે નર્યા”.

સ્વાસ્થ પાછળ ધ્યાન આપવું. ઘડપણમાં ન જોઈતી આપત્તી આવે તો તેનો સામનો કેવી રીતે કરવો તે માટે સજ્જ રહેવું. જો જુવાનીમાં બાળકોને સારા સંસ્કાર આપી ઉછેર્યા હશે તો તેમનો સાથ અને સહકાર મળશે તેમાં બે મત નથી. ઘરડૅ ઘડપણ તો પતિ અને પત્નીને એક બીજાની આદત પડી જાય. તેની મજા નસિબદાર માણે. છતાંય પોતાની આગવી પ્રતિભા રાખી ઝળકે એ સુખી “જોડા”ની લોકો ઈર્ષ્યા પણ કરે. એકલ દોકલ હોય તે અફસોસ કરવાને બદલે પોતાના જીવનની કેડી કંડારે.

, જીવનમાં હકારાત્મક વલણ અપનાવો. બાકી જનમ્યા ત્યારથી એક જ દિશામાં સહુની સતત ગતિ રહી છે. આ સમય દરમ્યાન તેનો સદઉપયોગ કરવો આપણા હાથમાં છે.

આપણી અનુકૂળતાએ કોઈની આંતરડી ઠારવી, કોઈને માટે જાત ઘસવી, કોઈના આશિર્વાદ લેવા, કોઈને સહાય કરવી, કુટુંબમાં સ્નેહ પ્રસરે, ઈર્ષ્યાને તિલાંજલી આપવી, ચારે બાજુ જીવન જીવ્યાની સાર્થકતા લાગે એવું વાતાવરણ હોય કોને ન ગમે ? બાકી રેતીમાં પગલું ટકે એટલી આ જીવનની કહાની છે. બધા કાંઇ પૂજ્ય ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, લોકમાન્ય તિલક કે મીરા થવા સર્જાયા નથી!

 

Advertisements
૧લી એપ્રિલ, ૨૦૧૮

1 04 2018

‘અરે, આજે તમારે સુંવું હોય તેટલું સૂજો” !

આમ તો હું ઉંઘમાંથી જાગી ગયો હતો, પણ આંખો બંધ હતી. ‘શ્રીમતીજીનું આવું સુંદર વાક્ય સાંભળીને થયું, “મારા કાન તો બરાબર સાંભળે છે ને “?

હજુ ગયા અઠવાડ્યે લગ્નને ૫૦ વર્ષ થયા હતા. જીવનમાં પહેલીવાર આ વાક્ય સાંભળવા મળ્યું હતું. એક ખાનગી વાત કહી દંઉ, કદાચ તમે અનુભવી પણ હોય, ‘જે વાત આપણે પત્નીને કહેવી જોઈએ તે કોઈ દિવસ કહેતાં નથી. હા લગ્ન પહેલાં તો એવું ઘણું બધું કહ્યું હતું જે લગ્ન બાદ પત્ની સાંભળવા હમેશા ઉત્સુક હોય ‘!

આ વાત ૧૧૦ ૦/૦ પત્નીને પણ લાગુ પડે છે !

સવારના પહોરમાં ‘પલી દેવી પ્રસન્ન, ‘ચા’ તૈયાર કપ ‘સામે!

સાથે હીરાલાલ ભજીયાવાળાના ‘ફાફડા અને ચટણી’.

મોડો ઉઠ્યો, એટલે નળમાં પાણી મુંબઈમાં ન આવે !  ગિઝર હોય પણ શોભાનું ! ગરમા ગરમ પાણીની બાલટીઓ તૈયાર હતી. પીપડામાંથી ઠંડુ પાણી લઈને ઉમેરવાનું !

ઇસ્ત્રીવાળા કપડા પલંગ ઉપર શ્રીમતીજીએ ગોઠવેલા હતાં. અરે હાથ રૂમાલ પણ ઈસ્ત્રીવાળો !

જમવામાં ભાવતી ખાંડવી અને કાકડીનું રાઈતું.

‘સાલુ આજે છે શું ? મારી બૈરીને કાંઈક મોંઘામાં મોંઘી વસ્તુ જોઈતી લાગે છે ? ‘

અવળચંડુ મન જાત જાતના વિચારોમાં ગુંથાઈ ગયું.

એક સારો વિચાર પણ આવ્યો.

આજે સાંજે પાછા વળતી વખતે મોંઘામાં મોંઘો  ફુલોનો ગુલદસ્તો અને બ્યુટિફુલ પર્ફ્યુમ જરૂરથી લાવીશ. નામ એનું કામ મારું બનશે !

હજુ તો દાસ્તાન પૂરી નથી થઈ. ટિફિનમાંનો નાસ્તો જોઈ મારા મોંમા પાણી આવ્યું. સાથે  રાતના શોની બે ટિકિટ પણ પડી હતી.

‘ચલ મન આજે જંગ જીતી ગયા’.

જિંદગીનો યાદગાર દિવસ લાગ્યો.

‘મન માનતું ન હતું, આંખોને લાગ્યું ધોખો છે. હકિકત કાંઇ જુદું દર્શાવી રહી હતી. મૂકને લમણાઝીંક જે મળ્યું છે તુ માણ !’

અરે, માણી લે. આજનો લહાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે’.

“અરે, ગાંડા કાં કાઢો ! કોની સાથે રાસ રમો છો ? કાલ કોણે દીઠી છે ? આજ તો જુઓ  ? ‘હમણાં બતાવું છું આજે શું બનવાનું છે !

૧લી એપ્રિલ છે. પગાર સિધો ઘરે લાવજો ! મિત્રો સાથે દારૂ પીવા નહી જતા !” તમે નિકળો એટલે હું લાઈટનું બિલ ભરવા જાંઉ. પાછા આવતાં ધોબીના કપડા લેતી આવીશ .

સ્વાગત

29 03 2018

 

કહુ છું જવાનીને પાછી વળી જા (રાગ)
******************************

 

કહું છું બુઢાપાને સ્વાગત છે તારું
ઘડપણના દ્વારેથી પ્રવેશી ચૂકી છું
*
જુવાનીનું ગાંડપણ ને બાળપણની મસ્તી
ઘડપણનું શાણપણ ફાવી ગયું છે
*
ઉન્માદ છૂટ્યોને સ્વાર્થ કર્યો વેગળો
ડહાપણની દુનિયામાં જામી પડી છું.
*
જુવાનીને રામ રામ ઘડપણ તને સલામ
બાળકોનો કલબલાટ માણી રહી છું
*
પંચમાહાભૂતનું આ પાર્થિવ તનડું
ત્યજવાનો સમય આવી ગયો છે.
*
હા, કહું છું બુઢાપાને સ્વાગત છે તારું
ઘડપણના દ્વારેથી પ્રવેશી ચૂકી છું.

ઠેરના ઠેર

26 03 2018

 

 

કાન મારા માનવા તૈયાર ન હતા.

‘શું આ હું અમેરિકાના મંદિરમાં બેસીને સાંભળી રહી છું’ ?

મારી સામેના ટેબલ પર બેઠેલી ૨૨થી ૨૫ વર્ષની યુવતિ જે બે સુંદર બાળકોની માતા પણ છે.  અમે સામસામે ટેબલ પર જમવા  બેઠા હતાં. બધું સ્પષ્ટ મને સંભળાતું ન હતું. કિંતુ એ છોકરી હાવભાવ અને આંખો દ્વારા દર્શાવી રહેલી લાચારી મને દેખાઈ. તેના અવાજમાં કરૂણતા અને અસહાયતા ટપકતા હતા.

‘મારી સાસુ આમ, ને મારી સાસુ તેમ, મારા પતિને પણ એમ જ કરે આવું આવું કાંઇ ભાંગ્યું તુટ્યું હું સમજી શકી. મારા કાન અને દિમાગ સરવા થયા. મને લાગ્યું આ તાજેતરમાં જ ભારતથી આવી છે. તેના દીદાર ચાડી ખાતા હતા કે ગામડામાંથી આવી હશે. આ બધું અનુભવી આંખોને પારખતાં વાર ન લાગે !

મારો જમવામાંથી રસ ઉડી ગયો. મને થયું આ દીકરીને બે શબ્દો કહું, ‘બેટા ધીરજ રાખજે, સાસુને એની સાસુએ ખૂબ દુખ દીધાં લાગે છે’.

જમીને ઉઠી, જાણી જોઈને મારી બહેનપણીઓને આગળ જવા દીધી. ધીરેથી મેં એને પૂછ્યું, ‘બેટા ભારતથી ક્યારે આવી ?”

‘આન્ટી બે વર્ષ થયા’.

ખૂબ નાદાન  અને ભોળી લાગતી હતી.

‘આ બન્ને સુંદર બાળકો તારા છે’?

તેના મુખ પર લાલિમા પ્રસરી ગઈ. ‘હા આન્ટી’.

‘તો વાંધો શો છે ?’

‘મારી સાસુ પૈસા માગે છે. લગ્ન કર્યા ત્યારે ખબર હતી હું સાધારણ માતા અને પિતાની દીકરી છું .’

‘તારા પતિ તને ત્રાસ આપે છે ?’

‘ના, આન્ટી એમને તો હું અને બાળકો ખૂબ વહાલા છીએ’. પણ—

‘પણ શું બેટા?’

એમની નોકરી ખૂબ સામાન્ય છે. મારે બાળકો છે એટલે નોકરી કરવા ન જવાય’.

મારું મન વિચારમાં પડી ગયું. ભારતથી ૧૦,૦૦૦ માઈલ દૂર આવેલી આ છોકરીની શું હાલત થશે. અંહી તેને આશ્વાસન દેનાર કોણ ? તેની વાત સહાનુભૂતિથી કોણ સાંભળશે ? તેને કોણ સમજી શકે ? સાચું કહ્યું છે, “સ્ત્રીની મોટામાં મોટી દુશ્મન બીજી સ્ત્રી “. એમાંય આ  તો સા————સુ. ! ધીરે રહીને કહ્યું, ‘બેટા, સાસુનો પ્રેમથી દિલ જીતવાનો પ્રયાસ કર. એ પણ એક સ્ત્રી છે. એક વાતનું ધ્યાન રાખજે, તને તારા માતા અને પિતા વહાલા છે ને’?

‘હા, આન્ટી’.

‘તેમ તારા પતિને ગમે તે કરશે, તેને પણ માતા અને પિતા વહાલા છે. ગમે તે થાય . તેમની સામું બોલીશ નહી. તારો પતિ નહી સાંખી શકે. થોડી ધીરજ રાખજે તારી સાસુનું વર્તન બદલાશે’.

મને લાગ્યું તેના હાવભાવ જોઈને કે કદાચ મારી વાત તેને ગળે ઉતરી હશે.

આ  એક સળગતો પ્રશ્ન છે. આપણા સમાજનો !

“ક્યારે આ દાનત સુધરશે કે ,”તું તારા બાપને ત્યાંથી શું લાવી”. ‘બાપનું ઘર, વહાલી માતા અને ભાઈ બહેન છોડીને આવી તે ઓછું છે ?

‘તમે યાદ કરોને તમારા માબાપે તમને શું આપ્યું હતું ?’

“યાદ છે, ગધેડું ગંગા નાહ્યે ઘોડું ન થાય” ! ભલેને લગ્ન કર્યે ગમે તેટલા વર્ષ થાય, “તારા બાપે શું આપ્યું”? એ વાક્ય પથ્થરની લકિર સમાન છે. આપણા સમાજમાં. અણઘડ પરિવારોમાં. શું તમારા દીકરામાં કમાવાની તાકાત નથી ?

આપણી પ્રજા વિમાનમાં બેસીને અમેરિકા આવી એટલે સુધરી ગઈ. ે બાળપણના સંસ્કાર, એ સમાજના રીતરિવાજ અને એ ખોટી અપેક્ષાઓ આપણને ક્યાં લઈ જશે ?  હવે અભણ પ્રજા તો ન સુધરે પણ ભણેલા પણ જ્યારે આવું વર્તન કરે છે ત્યારે શરમથી મસ્તક ઝુકી જાય છે.

હજુ ગઈ કાલની વાત છે, એક જજે જીવનના દસ નુસખા બતાવ્યા કે, ‘વહુ આવે પછી માતા અને પિતાએ કેવું વર્તન કરવું ‘.

હવે જજ જેવો જજ પણ સત્ય નથી કહી શક્તો તો બીજાની શું વાત કરવી ?

એ ભૂલી ગયો કે ‘દીકરી પરણાવ્યા પછી તેના માતા અને પિતાએ દીકરીના ઘરમાં દખલ ન કરવી અને દીકરીને પતિના માતા તેમજ પિતા વિષે કાન ન ભંભેરવા. કારણ દીકરીને ખબર છે, મારી મા ખોટું ન કહે ‘ ? દીકરીના માતા અને પિતા પોતાનું મનફાવતું વર્તન કરે અને ઉપરથી સલાહ આપે, દીકરાના માતા અને પિતાએ શું કરવું ?

આજે સમાજ પર નારાજગી દર્શાવવાની તક સાંપડી. મરજી ન હતી પણ ગઈ કાલનો પ્રસંગ એવો હતો એ ભોળી દીકરીનું મુખ  આંખ સમક્ષ તરવરી રહ્યું છે.

જો કોઈની લાગણી દુભવી હોય તો માફ કરશો. થોડામાં ઘણું કહેવાનો પ્રયત્ન આદર્યો છે. યોગ્ય લાગે તો અપનાવશો. જેને લાગુ પડે તેના માટે છે. બાકી સામાન્ય વ્યક્તિની વાત ગણી અવગણશો.

 

 

 

ટોકો*****ટેકો

24 03 2018

 

 

 

 

 

બન્ને શબ્દમાં બધું જ સરખું છે. એકમાં કાનો અને માત્રા છે જ્યારે બીજામાં માત્ર માત્રા છે. જેને કારણે અર્થમાં આસમાન જમીનનો ફરક મહેસૂસ થાય છે. કોઈને ‘ટોકો” અને કોઈને ‘ટેકો’ આપો. માનવમાંથી દાનવ બની શકે. બીજો માનવમાંથી દેવ બની શકે. દરેકના જીવનમાં એવી ઘડી જરૂર આવે જ્યારે કોઈને ટેકો આપી શકીએ યા કોઈનો ટેકો લઈ શકીએ.

ટોકવાનો અનુભવ આપણે સહુએ કર્યો હશે. જો કોઈ ટોકે તો કેટલાને ગમશે ? કેટલો સીધો અને સાદો કાયદો છે. જો કોઈ ટોકે તો ન ગમે તો પછી કોઈને પણ ટોકવાનો કોઈ અર્થ ખરો ? અરે નાનું બાળક હજુ માંડ બોલતા શિખ્યું હશે તેને પણ જરા ટોકી જો જો. તમારી પાસે નહી આવે ! તેને સમજાવવાની આખી પ્રક્રિયા અલગ છે.

હવે ચંપલ પહેરીને ઘરમાં ન ફરાય ,તે વાત આવનારને ટોકવાને બદલે તેનું બોર્ડ બનાવી એવી રીતે મૂક્યું હોય કે આંગતુકની નજર તેના પર પડે. બોલો, ટોકવાની જરૂર ખરી. છતાં પણ ઘણાને ત્યાં જૈએ અને અંદર આવીએ તે પહેલાં, “તમારા ચંપલ યા બૂટ કાઢી નાખજો”. શબ્દોથી તમારું સ્વાગત થાય ! તરત જ મનમાં ધસી આવે ,’શામાટે અંહી આવ્યો ?’ જરાક ધીરજ રાખી હોત યજમાને તો તમે દરવાજામાં પડૅલા જૂતા જોઈ સમજી ગયા હોત !

મોટે ભાગે ટોકવાથી વ્યક્તિનું અહં ઘવાય છે.  ઘણિવાર અહં ઘવાતા કરતાં  વ્યક્તિને થાય , જરા ધીરા પડો મારું વર્તન જુઓ તો ખરા પછી યોગ્ય ન લાગે તો કહેજો.

મારા મિત્રને ત્યાં જાંઉ, તેને નાના બાળકો ચે. હજુ તો ઘરમાં પગ નથી મૂક્યો ત્યાં, એય મારા બાળક માટે ચોકલેટ લાવ્યો હોય તો આપીશ નહી. તેને ખાંસી થઈ છે’. હવે મિત્ર તરિકે હું ચોકલેટ ક્યારેય નથી ખરીદતી, કારણ સહજ છે. દરેક માતા અને પિતાને બાળક માટે ચોકલેટ કોઈ પણ લાવે તે પસંદ નથી. પેકેટમાંથી એવી સરસ રમત નિકળી કે બાળક હાથમાં આવતાની સાથે રમવામાં મશગુલ થઈ ગયું.

ઉતાવળને કારણે પ્રતિભાવ રૂપે તેનું વર્તન યા બોલવું સહજ નથી હોતું. આવનાર વ્યક્તિને તે અયોગ્ય જણાય છે. ધારોકે હું તમારે ત્યાં આવી અને ચમચીને બદલે હાથેથી ખાંઉ તો તમને કદાચ ન રૂચે. એ સમયે ટોકવાને બદલે પ્રેમથી કહી શકાય, ‘શાક રસાવાળું છે. એક ચમચી દૂધપાક માટે છે. તમને બીજી આપું ? એમાં આવનાર વ્યક્તિનું માન સચવાય અને તમારી ઈચ્છા પ્રદર્શિત થાય’.

તેને બદલે , તમને ખાવામાં શિસ્ત નથી આવડતું. ચમચી આપી છે, જોવા માટે નહી. ઉપયોગ કરવા માટે !’ તમે જ કહો કઈ રીત અપનાવવા જેવી છે. આપણે કાણાને કાણો ન કહી શકીએ. તેનું સ્વમાન ઘવાય. પણ પ્રેમથી પૂછી શકીએ શાને કારણે આંખમાં તકલિફ થઈ.  તે વ્યક્તિ ઉમળકાભેર  થઈ ગયેલા પ્રસંગનું કદાચ ૨૫મી વાર પુનરાવર્તન કરતં હશે. તે પણ હોંશથી.

મારી બાજુમાં ચાલતી યુવતી ઉંચી એડીના ચંપલને કારણે પડી ગઈ. હાથનો ટેકો આપી ઉભી કરી. આભારની લાગણિ તેની આંખોમાં સ્પષ્ટ જણાશે. મોઢેથી ‘થેન્ક યુ’ શબ્દ પણ સરી પડે. ચાર આંખ મળે અને સ્મિતની આપ લે થાય. કોઈ પણ જાતની પહેચાન વગર. આ છે ટેકો ! ખૂબ સામાન્ય વાત હતી. ધંધામાં ખોટ ખાનારને થોડી મદદ કરી, પૈસાનો ટેકો આપી ઉભા કરી જો જો. તમારું ઋણ જીવનભર નહી ભૂલે. જો વ્યક્તિ સમજુ અને શાણી હશે તો સમય આવે બીજા કોઈને પણ જીંદગીમાં ટેકો આપી પગભર થવામાં મદદ કરશે.

કારણ ભલે, નજીવું હોય યા મોટું.  ટેકો ખૂબ ચેપી રોગ છે. એકવાર જો સાંપડ્યો હોય તો તેની અસર ચાલુ રહેવાની. જેને પણ ટેકો પ્રાપ્ત કર્યો હોય તે બીજાને આપવા હમેશા ઉત્સુક હોય !

તા. ક.  ઉપરના બન્ને ચિત્રોમાંથી તમારું મનગમતું કયું ?   જરૂર જણાવશો.

અણમોલ લહાવો **પ્રીતિ સેનગુપ્તા

22 03 2018

મિત્રો આજે  સહર્ષ રજૂ કરું છું યાદગાર મુલાકાત શ્રીમતિ પ્રીતિ સેન ગુપ્તાસંગે. હ્યુસ્ટનમાં તેમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એક રાત તેમની સાથે પસાર કરવાનું  સદભાગ્ય સાંપડ્યું. પ્રીતિ સેનગુપ્તાનો પરિચય તેમના જ શબ્દોમાં કહીએ તો ,

‘મૂળ ભારતિય, થડ ગુજરાતી, શાખા બંગાળી, પાંદડા અમેરિકન અને ફૂલ ખીલે તે સમય અને સ્થળ પ્રમાણે રંગરંગના.

તેમનું વતન અમદાવાદ, વસવાટ ન્યૂયોર્ક અને વહેવાર આખી દુનિયા સાથે.

મૂળ ભારતિય,  તેનો અર્થ, જન્મ  અને ઉછેર ગુજરાતમાં માસ્ટર્સ કયું ત્યાં સુધી. શાખા બંગાળી, બંગાળીબાબુ સાથે લગ્ન ગ્રંથીથી જોડાયા.  પાંદડા અમેરિકન, લગ્ન પછી ન્યૂયોર્કમાં લાંબા ગાળાનો વસવાટ. અને ફૂલ ખીલે તે સમય અને સ્થળ પ્રમાણે રંગરંગના, મતલબ આખી દુનિયાનો પ્રવાસ કર્યો. ત્યાંના વતનીઓની સાથે હળીમળી પરિચય કેળવ્યો. મુસાફરીની કદી ન સંતોષાય એવી ભૂખને કારણે, સમગ્ર વિશ્વમાં ૧૧૫ વાર પ્રવાસ ખેડ્યો. પ્રવાસના ઢેર સારા  પુસ્તકો લખ્યા. હમેશા શાકાહારી હોવાથી પડતી તકલિફોને હસતે મુખડે વધાવી જાતને ઉન્નતિને પંથે વાળી. તન અમદાવાદી, વસવાટ ન્યીયોર્ક અને વહેવાર આખી દુનિયા સાથે.  વિચાર આધુનિક અને વર્તન વટેમાર્ગુ જેવું. કલ્પના પણ કેટલી રોમાંચક છે. આ તો પ્રીતિ બહેને અનુભવેલી વાતો છે.

વિશ્વ ગુર્જરી એવૉર્ડ અને કુમાર ચંદ્રક. વિશિષ્ટ વ્યક્તિત્વ,અને સાહસિક સ્વભાવ ધરાવતા પ્રીતિ સેનગુપ્તા.

પ્રીતિ સેનગુપ્તા એટલે વિશ્વ પ્રવાસી.

પ્રીતિ સેનગુપ્તા એટલે પ્રવાસ ,નિબંધો, કાવ્યો અને નવલક્થાના સર્જક.

પ્રીતિ સેનગુપ્તા એટલે ભારતના, ગુજરાતના પ્રથમ મહિલા પ્રવાસી જેમણે ૧૧૫ દેશોનો પ્રવાસ ખેડ્યો છે. ઉત્તર ધ્રુવ ઉપર ભારતનો ત્રિરંગો લહેરાવનાર પ્રથમ ભારતિય મહિલા.

પ્રીતિ સેનગુપ્તા એટલે જેમણે સાતેય ખંડોમાં ઘુમી અનુભવોનો ખજાનો એકઠો કર્યો છે.

“કોઈ મારગ વગર દૂર પહોંચ્યું પણ હોય અને થાકે નહી ” એટલે પ્રીતિ સેનગુપ્તા.

એકલતા સીંચીને ખિલ્યા ફૂલો ભલે રંગોના નામ વણપૂછ્યા  રહ્યા.

એ પ્રીતિબહેન સાથે માણેલી સુવર્ણ તકોની ફુલછાબ અંહી રજૂ કરું છું. સ્વભાવે મિલનસાર. આટલા બધા મહાન છતાં ખૂબ સરળ અને સહજ. તેમની સમક્ષ અમારો એક નાનો પ્રયોગ દર્શાવ્યો ત્યારે તેમાન મુખેથી

“WOW” સાંભળી આનંદની અનુભૂતિ થઈ. ગુજરાતી સાહિત્ય સરિતાને કારણે પ્રકાશિત કરેલું પુસ્તક “માતૃભાષાનું સંવર્ધન” પુસ્તક જોઈ તેમણે હર્ષ પ્રદર્શિત કર્યો. અ ધ ધ ધ,’ ૧૨૫૦૦’ પાનાનું પુસ્તક અને તેને માટે રાખવાનું સ્ટેન્ડ જોઈ તેમનું મુખ મલકી ગયું.

કેટલાય એવોર્ડ મેળવી ચૂકેલા પ્રીતિ સેનગુપ્તા સાથે સુંદર સમય પસાર કર્યો. તેમના સ્વાગત માટે કરેલી તૈયારીને દાદ આપી. સવારના બાલ્કનીમાં બેસીને સાથે કરેલો ચા અને નાસ્તો સંભારણું બની ગયા.

પ્રીતિ સેનગુપ્તા વિષે  એટલું કહીને મારી કલમને રજા આપીશ. મને અંતરમાં  અવર્ણનિય આનંદ થયો !

 

આંગણાની તુલસી !

20 03 2018

 

 

 

આજે પહેલી વાર લગ્ન પછી સોના પિયર આવી હતી. બાળપણની બધી યાદો ગાડીની મુસાફરી દરમ્યાન દિમાગમાં ધમાલ કરી રહી હતી. આ આંગણુ જ્યાં રમીને મોટી થઈ હતી. અરે પેલા પગથિયા રમતી હતી એ નિશાન તો હજુ ભુંસાયા પણ નથી. પેલી ખૂણામાં પડેલી રકાબી જ્યાં ચકલી પાણી પીવા આવતી હતી. કોઈએ તાજું  પાણી તેમાં રેડ્યું છે. પેલો ડાઘિયો આવીને બેઠો છે. રોટલી ન આપું ત્યાં સુધી જતો નહી. ચાલ આજે પાછી મારા હાથે રોટલી તેને આપીશ.

સવારના પહોરમાં ગાડી આવી પહોંચી હતી. આમ તો પિયર અને સાસરી એક જ શહેરમાં હતા. પરામાં જવાનું હોય એટલે ટ્રાફિકથી બચવા વહેલા નિકળે તો સમય ઓછો લાગે.  સોનાને તેનો રોજનો નિત્ય ક્રમ બરાબર યાદ હતો. છ મહિના પહેલાંજ તેની ડોળી ઉઠી હતી. છ મહિનામાં કાંઈ ૨૪ વર્ષની યાદો ભુંસાઈ જાય ? અરે એ બધું તો અસ્થિ સાથે જાય.

‘મમ્મી હું આવી ગઈ છું. બેસ, તારી ચા મુકું’.

સુનોજ તો સોનાનું નવું રૂપ જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. આવ્યો હતો સોનાને મૂકવા. અઠવાડિયા પછી પાછો લઈ જવાનો હતો. સોનાના મમ્મી અને પપ્પાના આગ્રહને કારણે બે દિવસ રહેવાનો હતો. સોના ત્યાં તિતલીની જેમ ઉડાઉડ કરતી હતી. પપ્પાતો બોલ્યા વગર સોનાને સુનોજ સાથે જોઈ હરખાતા હતા. મમ્મીના મોંની ચમક જુદી હતી. સોનાના આગ્રહને માન આપી બેસી ગઈ. સોના ચા બનાવીને લાવી. મમ્મીએ ગરમા ગરમ મસાલાની પુરી અને સુકીભાજી બનાવ્યા હતા. સોનાએ આગ્રહ કરીને કહ્યું હતું, ‘મમ્મી સુનોજને એ રજાને દિવસે નાસ્તામાં ખૂબ ભાવે છે’.

લાડકી દીકરીનું ફરમાન હોય તો કઈ મા તેને અવગણે ? બધા સાથે ચા અને નાસ્તાની મોજ માણવા બેઠા. નાની ચંદ્રા અને બાદલ હજુ સૂતા હતા. ઘરમાં અવાજ સાંભળીને ઉઠી ગયા. દીદીના આવવાની જાણ હતી. પણ મનમાં ખેવના હતી દીદી આવીને વહાલથી જગાડશે. દીદી આવી તેમના મનગમતી વસ્તુઓ લાવી હતી તે આપી. દીદીના ખોળામાંથી ઉતરવાનું નામ લેતા નહી. સુનોજને તો આ પાવન દૃશ્ય માણવાની મજા આવી. વારે ઘડીએ સોના તેની તરફ નજર નાખી, આંખથી આંખ મેળવી પોતાની ખુશી દર્શાવી રહી હતી.

બધાએ સાથે બેસીને ચા નાસ્તાને ન્યાય આપ્યો. મંછા તાજો મોસંબીનો રસ બધાને આપીને જતી રહી. અંતે મમ્મીનો બનાવેલો ગરમા ગરમ બદામનો શીરો બધાએ ખાધો.

સુનોજથી બોલ્યા વગર રહેવાયું નહી, ‘હવે બપોરનું જમવાનું નહી’! અત્યારે મનપસંદ ખૂબ ખાધું છે.

સોના બોલી, ‘બપોર તો પડવા દે, તારા પેટમાં કુરકુરિયા બોલશે. મમ્મી, તેનું કહ્યું સાંભળતી નહી’.

મમ્મી અને પપ્પા ખડખડાટ હસી પડ્યા.

સુનોજ વિચારી રહ્યો, ‘સોના છે જ એવી, ઘરે પણ મમ્મી અને પપ્પાને કેટલો પ્રેમ આપે છે. ‘ મમ્મી તો કહે મારે, મારી સોના પહેલી પછી સુનોજ’.

સોના વકીલ હતી. કિંતુ દિમાગમાં પારો ન હતો. પોતાની કાબેલિયત એણે કોર્ટ કચેરીમાં બતાવવાની હોય. ઘરમાં તો દીકરી અને વહુનું પાત્ર સફળતા પૂર્વક ભજવવામાં માનતી. દરેક ઉમર અનુસાર પાત્ર ભજવવાનું સહુને હોય છે. જે કાર્ય કરવાનું જ છે તો પછી દિલથી શું કામ નહી ?

સોના જાણતી હતી, આ જીવન વિષે. તે ભણી હતી સાથે ગણી પણ હતી. ઘરમાં મમ્મી, દાદી, નાની, કાકી, ફોઈ, માસી બધાને જોયા હતા. તેની ચકોર નજર સહુમાં સારું જોતી અને ગ્રહણ કરતી. શું દીકરી હતી ત્યારે માતા અને પિતાને ફરિયાદ હતી ? તો પછી સુનોજની પત્ની બન્યા પછી સુનોજના માતા અને પિતાને શામાટે ફરિયાદ કરવાનો મોકો આપવો ! સુનોજ તો બે દિવસમાં જતો રહ્યો.

સોના તો જાણે આ ઘર છોડીને ગઈ હતી તેવું  લાગ્યું જ નહી. ‘મમ્મી હું અઠવાડિયું છું તું આરામ કર. ‘

મમ્મી હરખાઈને બોલી, ‘બેટા દીકરી પિયર આરામ કરવા આવે છે’.

‘કેમ મમ્મી શું મને સાસરે આરામ નથી મળતો ? મમ્મી તું નહી માને, ત્યાં પણ મારી બધી જરૂરિયાત પૂરી થાય છે.  હું બધાને પ્રેમ આપું છું મને સામે વ્યાજ સાથે પાછો મળે છે’.

મમ્મી ઘરમાં નાના ભાઈ અને બહેનને મારે ખૂબ વહાલ કરવું છે. ત્યાં તો હું સહુથી નાની છું ‘.

આમ વાત વાતમાં અઠવાડિયું પસાર થઈ ગયું. ચંદ્રા અની બાદલ જીજાજીને વિંટળાઈ વળ્યા.’ દીદીને જલ્દી પાછી મોકલજો. અમને બહુ યાદ આવે છે’.

સુનોજે મશ્કરીમાં કહ્યું .’ચાલો હું પણ દીદી ્સાથે અંહી રહી જાંઉં. ‘

એવું બોલ્યો એટલે બધા હસી પડ્યા. સોના ઘરે જવા તૈયાર હતી. સોના જેમ પિયરના આંગણાની તુલસી હતી તેવીજ સોહામણી સાસરીના આંગણામાં રોપાઈ હતી. કોણ કહી શકે કે ,દીકરી આંગણાની તુલસી છે તો વહુ આંગણાની વેલી છે’.

બન્ને જ્યાં જાય ત્યાં શોભામાં અભિવૃદ્ધિ કરે છે. પિયરમાં દીકરી અને સાસરીમાં વહુ એ તો જગતનો ક્રમ છે. કહેવાય છે ને, સોનાની કટારી ભેટમાં રખાય ,પેટમાં ન ખોસાય’. દીકરી પરણીને બાપના ઘરનું નામ ઉજ્જવલ કરે તેનાથી અધિક માતા અને પિતાને શું આનંદ હોઈ શકે !