હૈયું હલકું થયું

13 08 2021

હૈયુ ક્યારે ધબકવું બંધ કરશે ? ક્યારે અંતિમ શ્વાસ હશે ? ક્યારે આ ભાણું પરિવાર

સાથે છેલ્લે લેવાનું હશે ? ક્યારે વાળુ લીધા પછી, પાછું લેવાનું નસિબમાં હશે કે નહી ?

શું આ પ્રભાતનો સૂરજ અંતિમ વાર મને નિહાળવા મળ્યો છે ?

આ બધા પ્રશ્નોનો ઉત્તર નથી. કિંતુ “જો આ હોય મારો અંતિમ લેખ” ?

હૈયામાં હલચલ મચી ઉઠી. એ તો સભાન પણે કહી શકાય ! કદાચ કાલે લખવાનો

મોકો ન પણ મળે.

શ્રાવણ મહિનામાં આવો વિચાર કઈ રીતે આવ્યો ? લેખન પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહી જેને

કારણે જીવન રસમય બન્યું છે. મનને સારી કસરત મળે છે. વિચારો હંમેશા સાચી

દિશામાં વિહરે છે.

“હૈયુ” એ શરીરના કયા અંગનું નામ છે ? એને રીઝતા વાર નહીં . એને નંદવાતા વાર નહીં.

ચેતનાથી ખળભળતું, હંમેશા ધબકતું ક્યારેય આરામ ન કરતું એ હૈયાથી આપણે સહુ સારી

રીતે પરિચિત છીએ. એનો રંગ કેવો છે? એનું વજન કેટલું છે. એનો આકાર કયો છે. એનું કદ

તો વિચારી પણ ન શકાય.

હૈયુ સુખ દુખનો અનુભવ કોઈ પણ સંકોચ વગર કરે છે. એ ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર

કરે છે. હંમેશા સાચો રાહ બતાવે છે. કિંતુ આ અવળચંડુ મન તેને કોઈ વાર રાહ પરથી

વિચલિત થવાના ઠાલાં પ્રયત્ન કરે છે.

સૃષ્ટિનું નિયમન કઈ રીતે ચાલે છે ? તેની પ્રક્રિયા પાછળ કઈ પદ્ધતિ કાર્ય કરી રહી છે ? વિચાર

કરો ક્યારેય સૂર્ય અને ચંદ્ર ભટકાતા નથી. અત્યારે કોરોના માં જેમ છ ફૂટની દુરી રાખવાની તેમ

તે બંને વચ્ચેનું અંતર કાયમ રહે છે. આ નિયમન દરેક ગ્રહને પોત પોતાની મૂળભૂત જગ્યા પર

રાખી ભ્રમણ કરે છે. જેમ સૃષ્ટિના નિયમનમાં ફરક ન થઈ શકે તે પ્રમાણે માનવી જન્મથી મૃત્યુ

તરફ ગમન કરે છે એ પણ સનાતન સત્ય છે. એ નિયમને ઊની આંચ આવી શકે ?

આમાં મૂળભૂત નિયમો શું છે? એની શોધ સતત ચાલુ છે. એનો અંત પામવો મુશ્કેલ છે. હા, આ

જીવન અને મરણ, શરૂઆત અને અંત નરી આંખે દેખાય તેવા છે. સૃષ્ટિનો આ અકળ નિયમ

કળવો અશક્ય છે. બસ એ છે, એમ માનીને જીવન સરળ ગુજારવું એ મનુષ્ય ધર્મ છે.

અંતિમ નો વિચાર આરંભથી કરીએ ત્યારે ચિત્તને પરમ શાંતિનો અનુભવ થાય છે. જીવન દરમિયાન

અખંડ, અનંત, અદભૂત આનંદ પ્રાપ્ત થાય છે. એ જ તો આ જીવનનો ધ્યેય છે. ત્યારે એક એવો

વિચાર મનમાં ઝબકી જાય છે, કે કાવાદાવા કરતાં., બેઈમાની કરતા, લોકોને દિલમાં કંઈ નહી

થતું હોય ?

મનુષ્ય માત્ર માં સેવાની વૃત્તિ પ્રબળ હોય છે. હા, એમાં અપવાદ હોઈ શકે. સેવા પણ મેવા મેળવવા

કરાતી હોય છે. સ્વાર્થ, લોભ અને નામને કારણે સેવા, સેવા કરતા દંભ વધારે છે. તેને ‘સેવાના નામે’

માણસ ચરી ખાય છે. સેવા દ્વારા થતો આનંદ અવર્ણનિય છે. એને શબ્દમાં ઢાળવો કઠિન છે.

સેવા શુદ્ધ મનથી કરવી. સૂક્ષ્મ રીતે તેને જોઈ કરવી. સ્થિર ચિત્તે કરવી. ઉતાવળ યા બેબાકળા મને નિર્ણય

ન કરવા. સેવા પાછળની ભાવના નિર્મળ હોય તો તે કામની, વરના ઊંધો ઘડો ભરવાની ચેષ્ટા કહેવાય છે,

સેવાનું ફળ સેવા થશે, ઋતુ પ્રમાણે મેવા રે.

જીવનના બધા પહેલું આવરી લેવાની નાદાનિયત કરી રહી છું . પહેલી પંક્તિ યાદ છે ને ? જો આ લેખ મારો

‘જીવનનો અંતિમ લેખ હોય તો’ ?

ઈતિહાસ અને ભૂગોળ બાળપણમાં પ્રિય ન હતા. ગણિત અને વિજ્ઞાન ગમતા વિષય હતા. આજે બદલાઈ ગઈ

છું. વિજ્ઞાન કૂદકે અને ભૂસકે આગળ વધી રહ્યું છે. દોડી શકતી નથી. ગણિતમાં ધીરી થઈ ગઈ છું. હવે લાગે છે

ઈતિહાસની તત્વજ્ઞાન સંબંધી અદભૂત વાત કાલ્પનિક નથી. આ બધા જ સહયોગ એક સાથે કઈ રીતે થાય ? જે

ઈતિહાસ ભણ્યા હતા તે માહિતી ભેળસેળ વાળી હતી. સદંતર ખોટું ભણ્યા હતા એમ કહું તો અતિશયોક્તિ નહી

જણાય.

જીવનનો અર્થ શું ? આપણે જે કંઈ પણ કરવું હોય તો એ કે આપણા અંતઃકરણને પરિપૂર્ણ રીતે શુદ્ધ કરવું

જોઈએ. વિગતો બરાબર તપાસીને ચાલવું જોઈએ. સ્થિરતા પ્રાપ્ત કરવી આવશ્યક છે. જીવનમાં કશુંક એવું કરવું

તેને કારણે જીવન જીવ્યા અને આત્મ સંતોષ થાય. જીવન તો રેતીમાં પગલાં  સમાન છે. ક્યારે વાયરો વિંઝાશે

અને પગલું ભૂંસાઈ જશે. અર્થાત જીવન જીવ્યા નહીં તો આવ્યા, ગયા અને પંચમહાભૂતમાં વિલિન થઈ ગયા.

આખી જીંદગી એક વાક્ય પાછળ વેડફી, સુખની પ્રાપ્તિ, દુઃખની નિવૃત્તિ”! જે છે છતાં આંધળી દોટ મૂકી. હજુ મોડું

નથી થયું. અંત અનિશ્ચિત છે. હમણાં જ , અત્યારે થંભી જા અને શાંત ચિત્તે નિહાળ, પરમાનંદની પ્રાપ્તિ થશે. તેને

કારણે સર્વોત્કૃષ્ટ સેવા થશે. દુઃખનું નિવારણ થશે. જો તમારું દિમાગ સારા રાહ પર ચાલતું હશે, તિક્ષ્ણ મગજ હશે

તો તમને આ વાત હૈયા સોંસરવી ઉતરી જશે. નિત્ય અને પરિવર્તન શીલ આ સંસાર છે. ઉદાર દિલે સ્વીકાર કરો.

અગ્નિ ઉપર ઢંકાયેલી રાખ છે. હવાના ઝોકા થી રાખ ઉડી જશે અગ્નિ પ્રજ્વલિત થશે. સૄષ્ટીના પાયામાં જે છે તે સદા

રહેવાનું છે. તમે કે હું એમાં રતીભર ફેર કરવા અસમર્થ છીએ.

ધર્મ, આધ્યાત્મ એ બધા ઠાલાં શબ્દો છે. આપણી ગુલામીની મનોદશા નીકળતા હજી વાર લાગશે. નીકળવું અશક્ય

નથી, અતિ કઠિન છે. છતાં ચાલો આજથી શુભ શરૂઆત કરીએ. અખિલ બ્રહ્માંડ જે એકસૂત્રતા થી બંધાયેલું છે એ

રહસ્યનો પડદો ચીરવો નહીં તેમાં સંતાઈ જાઉં યા મુક્તપણે વિહરવું. બની શકે તો તેના તાલમાં તાલ મિલાવી જીવવું.

જીવનના બધા પહેલુ આવરી લેવાની નાદાનિયત કરી રહી છું . યાદ છે ને ? જો આ લેખ મારો ‘જીવનનો આખરી

લેખ હોય તો’ ?

અવાચક

10 08 2021

“અરે અભિષેક, તું રોજ હમણાંથી ઓફિસમાં સ્લિપર પહેરીને જાય છે ” ?

અભિષેક અવાચક થઈ ગયો. આ ઝરણા શું બકી રહી છે. જેને ઓફિસમાં થ્રી પીસ સુટ , ટાઇ

અને બુટ પહેરીને જાવાનું હોય ત્યાં આવું કેવી રીતે કહી શકાય.

ઉતાવળ હતી એટલે કોઈ પ્રતિ ઉત્તર ન આપ્યો. ડ્રાઈવર ગાડી લઈને આવી ગયો હતો. થયું આજે

સાંજે પૂછી જોઈશ.

વાત એમ હતી કે ઓફિસમાં નવી મેનેજર રાખી હતી. ખૂબ હોંશિયાર ,સાથે સાથે બધા કાર્ય ચીવટ

પૂર્વક કરવાની આગ્રહી. અભિષેકને એની પદ્ધતિ ખૂબ ગમી ગઈ હતી. જેને કારણે એના કામઆં

ચીવટ ને ચતુરાઈ જણાતા હતાં.

રોજ નોકરી પરથી આવે, ત્યારે એક બૂટ ડાબી બાજુ, બીજો જમણી બાજુ હોય. મોજાં ખિસામાં મારે

યા સોફા પર. ઝરણા ત્રાસી ગઈ હતી. પણ સાંભળે તે બીજા!

ઝરણાને દરરોજ મોજા જાણે કહેતા ન હોય, ” મને ધોવાની બાસ્કેટમાં નાખ નહી તો અભિષેક આ

મોજા કાલે પણ પહેરશે.

સાંજે ઘરે આવ્યો. મોજા ધોવાની બાસ્કેટમાં નાખ્યા. બૂટ બરાબર ખાનામાં ગોઠવ્યા. ઝરણા આવી

ત્યારે ભાઈ સાહેબ સોફા પર લાંબા થઈને નસકોરાં બોલવતા હતા.

ઝરણા આવતાંની સાથે તડૂકી, ‘પાછો સ્લીપર પહેરીને નોકરી પર ગયો હતો”.

અભિષેક, હવે વાતનો મર્મ સમજ્યો. હળવેથી આંગળી બૂટના ખાના તરફ કરી અને મોજા ઈશારાથી

સમજાવ્યું કે ધોવાની બાસ્કેટમાં છે.

હવે “અવાચક” થવાનો વારો ઝરણાનો હતો !

શું કરું ?

7 08 2021

“મારી દીકરી ગુજરાતીને કે કોઈ પણ દેશીને નહી પરણે”.

ભારતમાં જન્મેલી, ૩૦ વર્ષે અમેરિકા આવેલી નિલીમા એના પતિ નિરજને

કહી રહી હતી. નિરજ દાંતનો ડોક્ટર હતો અને નિલીમા ‘ગાયનેકોલોજીસ્ટ’.

અમેરિકા આવીને નાના ગામમાં રહ્યા હતા. જ્યાં તેમણે નામના અને ડોલર

બન્ને પ્રાપ્ત થયા હતા. ખરું પૂછો તો યોગ્ય સમયે આવ્યા હતા એટલે ડોલરની

રેલમછેલ હતી.

નિલીમાનું બાળપણ સામાન્ય હતું. પિતા અને માતા મધ્યમ વર્ગના હતાં. બાળાને

ભણવાનો શોખ હતો એટલે ડોક્ટર થઈ. તેની સાદગીએ નિરજને આકર્ષિત કરી

અને પરણીને અમેરિકા લઈ આવ્યો. ન જોયાનું જોયું એટલે નિલીમાને પાંખો આવી.

ડોક્ટર, ઉપરથી પૈસા નિલીમાનો રોફ જોયો હોય તો માય નહી. યથા સમયે બે

બાળકોથી સંસાર હર્યો ભર્યો થયો હતો. બાળકો નાના હતા ત્યારથી ઘરમાં નેની,

કુક અને હાઉસ કીપર હતાં. ખાનગી શાળામાં ભણતા મોટે ભાગે અમેરિકન

મિત્ર મંડળ હતું. એમને માટે ભારત એ દુનિયાના કયા છેડામાં આવ્યું છે એ

પ્રશ્ન હતો .

એમના ગામમાં પંદર ભારતિય કુટુંબ વસતા હતાં. નિલીમાને તેમને મળવામાં

નાનમ લાગતી. રોય અને રીંકીને તેઓની સાથે ખૂબ ગમતું પણ નિલીમા તેમને

રોકતી. તેમની સાથે હળવા મળવા દેતી નહી.

હાઈસ્કૂલ ગ્રેજ્યુએટ થયા પછી બન્ને ભાઈ બહેન આગળ ભણવા માટે ઓસ્ટિન

અને સેંટ લુઈસ ગયા. જ્યાં ઠંડી ખૂબ પડે. કોલેજમાં રીંકીને, રીયા સાથે દોસ્તી થઈ

ગઈ. રીયા સેંટ લુઈસમાં રહેતી હતી તેથી શનિ રવી ઘરે જાય તો રીંકીને સાથે લઈ

જાય. રીયાના મમ્મી અને પપ્પા રીંકી જેટલા પૈસાપાત્ર ન હતા કિંતુ રીંકીને એમના

ઘરનું વાતાવરણ ખૂબ ગમતું.

ઘર ઘર જેવું લાગતું. રાતના સહુ સાથે જમવા બેસે. પ્રાર્થના કરે. રીંકીના મમ્મી અને

પપ્પાને તો પાર્ટીઝ અને મિટિંગોમાંથી સમય ન મળતો. રોય અને રીંકી મિત્રોની સાથે

રજાઓમાં હોય.

રીયા, તારી મમ્મીએ કેવું સરસ જમવાનું બનાવ્યું છે’.

હા, મારા પપ્પાને બહારનું ખાવાનું ખાસ ગમતું નથી.

રીયા તને રસોઈ કરતા આવડૅ છે?

હા, વેકેશનમાં સમય મળે ત્યારે હું મમ્મીને મદદ કરતી હોંઉ, જોઈને શિખતા બહુ

વાર ન લાગે,

રીંકિએ તો પોતાની મમ્મીને ક્યારેય રસોઈ કરતી જોઈ જ ન હતી.

રીયાની મમ્મી કમપ્યુટર એંજિનિયર હતી. મેનેજરનો હોદ્દો શોભાવતી હતી. એના

પપ્પા એકાઉન્ટન્ટ હતા. રીયાની બહેન માયા યુનિવર્સિટી ઓફ ટૅક્સાસ આવી હતી.

રીયાની માસીનો દીકરો ભારતથી ભણવા આવ્યો હતો. રીંકીને તેના મારફત ભારતની

વાતો જાણવા મળી. બન્ને વચ્ચે દોસ્તી થઈ ગઈ ક્યારે પ્યારમાં પરિણમી ખબર પણ ન

પડી.

રીયા, રીંકી અને રોહન જીગરી બની ગયા. રીંકીની માને તો ભારતિય છોકરો જ જોઈતો

ન હતો. આ તો ૧૧૦ ટકા ભારતિય હતો. રોહનને જરા પણ ચિંતા ન હતી. એને વિશ્વાસ

હતો કે રીંકીની મમ્મીને મનાવી શકશે.

રોહનને ગળા સુધી ખાત્રી હતી ભારતમાં તેના માતા અને પિતાને જરા પણ વાંધો નહી આવે.

ભારતમાં એ સુખી ઘરનો હતો. પિતાજીનો ધંધો ખૂબ સરસ ચાલતો હતો. એટલે તો એને અમેરિકા

ભણવા મોકલ્યો હતો. માસી હતી એટલે ચિંતાનો સવાલ જ ન હતો. એને હતું જો રીંકીને ભારતમાં

નહી ફાવે તો કોઈ રસ્તો શોધી લઈશું.

રીંકી બધી દીકરીઓ હોય છે એમ પપ્પાની આંખનો તારો હતી. પપ્પાને પટાવવા એ તેને

માટે ડાબા હાથનો ખેલ હતો. સહુ પ્રથમ બન્ને એ ભણવાનું પુરું કરવાનું નક્કી કર્યું. આ વર્ષે

સ્નાતક થયા. રીંકી, રોહનને આગ્રહ કરીને પોતાને ત્યાં લાવી. રીંકીની મમ્મીને તો ફુરસદ જ

ન હોય પણ પપ્પાજીને લાડકી દીકરીનો મનોભાવ સમજતા વાર ન લાગી. એમણે રીંકીને

બદલે રોહન સાથે વાત કરી. રોહનને રીંકીના પિતાજી ખૂબ પ્રેમાળ અને મળતાવડા લાગ્યા.

રોહને દિલખોલીને વાતો કરી. પોતાનો ભવિષ્યનો વિચાર પણ જણાવ્યો. રોહનની નિખાલસતા

અને તેની આવડત રીંકીના પપ્પા નિરજને ખૂબ ગમ્યા. હવે વાત અટલે એમ લાગતું હતું કે

નિલીમાને કેમ કરીને મનાવવી ?

નિરજે બીડું તો ઝડપ્યું, પણ અંદરથી થોડો ડર હતો. નિલીમા પશ્ચિમના રંગે રંગાઈ હતી. અરે

પોતાના માતા અને પિતા અંહી આવે તો ૨૪ કલાક કટ કટ કરતી. તેની નાની બહેન અને ભાઈ

મોટી બહેનની હા માં હા ભરતા. નિરજ ગાંજ્યો જાય એવો ન હતો. નિલીમાનો સારો મિજ્જ

જોઈ રીંકીના લગ્નની વાત છેડી.

નિલીમા તો રાહ જોતી હતી. ફટાફટ પોતાની અમેરિકન બહેનપણિઓના છોકરાઓને ઘરે

પાર્ટીમાં બોલાવવાનો વિચાર જણાવ્યો. મોટાભાગનાને રીંકી ઓળખતી હતી. તેમના ઘણા

કારસ્તાનથી પણ વાકેફ હતી. અચાનક નિરજ બોલ્યો,’ આ રોહન કેવો લાગે છે’?

નિલીમાના ચહેરાના હાવભાવ જોઈ ગભરાયા વગર નિરજ બોલ્યો.” શું કરું ” ?

રીંકીની પસંદ છે !

જીવનની દિશા બદલી ( ટર્નિંગ પોઈન્ટ)

4 08 2021
આવા સુંદર વિષય ઉપર લખવાનો પ્રસંગ સાંપડ્યો એ આનંદની વાત છે. દરેકના જીવનમાં ક્યારેક
એવી પરિસ્થિતિ આવીને દ્વાર ખખડાવે છે ,જ્યારે માનવી વિચારોના સાગરમાં ડુબકી લગાવી નક્કી
કરે છે, ” આ પાર કે પેલે પાર ” ! જે  ઘડીને સમજુ લોકો વધાવી મક્કમ મને નિર્ણય કરે છે. આવી
સોનેરી તક હાથમાંથી સરી જવા દેવી ન જોઈએ. ઈશ્વર અર્પિત આ જીવનનો કશો તો મતલબ હશે ?
જીવનના આ તબક્કામાં સાચા માર્ગ પર પગલું ભરવામાં કોઈ ભય નથી !
  દરેક વ્યક્તિને  જીવનમાં  કશુંક કરવાની તમન્ના હોય છે. સ્વપના જોવાનો અધિકાર સહુને એક
સરખો હોય છે. પ્રસંગ દ્વારા એ સંદેશો સ્પષ્ટ જણાવે છે, ‘આ એ જ તક છે જેનો તને ઈંતજાર હતો” !
પરિસ્થિતિ, સંજોગ અને અનુકૂળતાના ત્રિભેટા પર આવી ઉભેલી વ્યક્તિને સમજતા વાર નથી
લાગતી કે ‘અંહી જીવનમાં વળાંક” આવશ્યક છે. જો કે બહાના બનાવવા એ મનુષ્યનો સ્વભાવ છે.
આવેલી તકને ઝડપી લેવામાં અને જીવનને પ્રગતિના સોપાન સર કરવામાં ખરી ખુમારી છે.  જીવન
તબક્કઓમાં વહેંચાયેલું છે.
ભોળપણ ભરેલું બાળપણ,
થનગનતું શૈશવ,
સ્વપનોથી ઉભરાતી યુવાની,
ધમધમતી આધેડ વય
આખરે જીવનની યથાર્થતા વિચારતી સંધ્યા !
” લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મ્હોં ધોવા ન જવું”. આ ઉક્તિ માત્ર પૈસા પૂરતી મર્યાદિત નથી.
જીવન જીવવા માટેનું ઉત્તમ ઉદાહરણ છે. જીવનમાં જ્યારે પણ ફેંસલો કરવાનો હોય ત્યારે તમારે
‘વિવેકબુદ્ધિ’ વાપરવી જરૂરી છે ! એકધારું, ગાડરિયા પ્રવાહ જેવું જીવન, શું માનવ માટે નિર્મિત
છે ?
વિવેકાનંદ, ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે આવું વિચાર્યું હોત તો ? જીવનમાં બધા એ પદ
ન પામી શકે, તેથી તો કહેવાય છે, ‘હું માનવી માનવ થાંઉ તો ઘણું’. બસ આ વાક્યએ સલોનીની
ઉંઘ ઉડાડી. એક જીવન જીવવાનું છે . શામાટે એળે જવા દેવું ?
સલોનીએ પતિ લગભગ ૫૫ વર્ષની ઉમરે ગુમાવ્યા. તેના સદમમાંથી નિકળતા દસ વર્ષ લાગ્યા !
એ સમયે તેને ઘણા પ્રતિકુળ અનુભવો થયા. જેણે જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો. આજે
યાદ કરે છે ત્યારે ને સઘળાં અંગમાંથી એક લખલખું પસાર થઈ જાય છે. કિંતુ ભૂતકાળની ભુતાવળ
હવે તેને જરા પણ સતાવતી નથી. યાદ આવે તો પતિ સાથેના સુહાના વર્ષો. તે પણ માત્ર મન
બહેલાવવા માટે. એ દસ વર્ષના ગાળામાં ચિંતન કરવાનો સમય મળ્યો. જેણે જીવનને સાચે માર્ગે
વાળવા માટે શક્તિ આપી.
પતિ ગુમાવ્યો એનાથી વધારે કયો આંચકો જીવનને લાગી શકે ? સલોની મક્કમ મનની હતી. તેણે
મન મનાવ્યું બસ હવે જીવન જીવવાની દિશામાં ધરમૂળથી ફેરફાર કરવા આવશ્યક છે. વિચાર કરીને
આગળનું જીવન જીવવા માટે કટિબદ્ધ થઈ.
સલોની લેખન તરફ વળી. ચાંદ કે સિતારાની મેળવવાની ઉંડે ઉંડૅ પણ કોઈ આશા યા અભિલાષા
નથી. માત્ર ‘માનવ’ બનવાનો નમ્ર પ્રયાસ છે. આ જીવન શું છે ? પાણીનો પરપોટો ! ક્યારે ફુટી જશે
અને તેનું અસ્તિત્વ બ્રહ્મમાં વિલિન થઈ જશે. પાણી પર દોરેલી લકીર જેટલું તેનું અસ્તિત્વ છે. જેને
કારણે જીવનમાં જે વળાંક પામી તેનો છૂટથી ઉપયોગ કરી  સાચી દિશામાં કૂચ કરી રહી છે.
એક વસ્તુ પર ધ્યાન જરૂર દોરીશ, જીવનમાં આવેલા વળાંકે કેટલી બધી બાધાઓને લુપ્ત કરી છે.
દરેક વ્યક્તિ કે પરિસ્થિતિને જોવાનો આખો અભિગમ બદલાઈ ગયો છે. હા, સામાન્ય માનવી
હોવાને કારણે ક્યારેક મનને દુઃખ અથવા નિરાશાનો અનુભવ જરૂર થાય !કિંતુ એક જ મિનિટમાં
એ વિચાર ખંખેરી દિલ પર કાબૂ મેળવવાનો પ્રયાસ જારી રાખવાનો. એ વિચાર વધારે દૄઢ કરી રહી
છે.
બહોળું, સુખી અને સમૃદ્ધ કુટુંબ એ સર્જનહારની કૃપા છે. જીવનમાં સુખ અને શાંતિ, ગુફામાં કે
અલગારી બનવાથી નથી પ્રાપ્ત થતાં ? એ તો મળે છે ,અંતરના ઓજસથી. જેની ચાવી સહુની પાસે
છે. જેને કારણે જીવનના હર મુસિબતના તાળાં ખુલી જાય છે. બસ એ ચાવીને વાપરતા આવડે એ
કળા છે. પછી એ ચાવી ભલે સોનાની, ચાંદીની, પિત્તળની કે તાંબાની કેમ ન હોય ? જીવનમાં જ્યારે
‘વળાંક’ આવે છે ત્યારે જીવનની આખી બાજી પલટાઈ જાય છે. જીવનની મહત્વતા સમજાય છે.
તમારો દૃષ્ટિકોણ આખે આખો અલગ નજારો જુએ છે. જીવનમાં મારું, તારું અને સ્વાર્થ ગૌણ બની
જાય છે.
કુદરત સાથે ગાઢ મૈત્રીનો રોમાંચક અનુભવ થાય છે. પ્રકૃતિનું કણ કણ તેમાં છુપાયેલું મધુર સંગિત
કર્ણ પ્રિય બને છે. દૃષ્ટિની મલિનતા, પાવનતામાં બદલાઈ જાય છે. સંસારમાં પડતી બાધાઓ પ્રગતિની
સીડીના પગથિયા ભાસે છે.  નાની નાની વાતો તથ્ય વિનાની લાગે છે. મનોમન સર્જનહારનો આભાર
માનીએ છીએ કે, ‘વણ માગ્યે તેં કેટલું બધું આપ્યું છે, ઉપરથી સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ સમજાવ્યો.’
તારી ઋણી છું. જેના ઈશારા પર સંસારનું ચક્ર ચાલે છે, વસંત અને પાનખર તેની મરજી મુજબ દેખા દે છે.
કોની તાકાત છે કુદરત સામે માથુ ઉંચકવાની ? એ કુદરત જ્યારે જીવનમાં વળાંક આપે ત્યારે એ ઈશારા
ઝિલવા દરેકે પ્રયત્નશિલ રહેવું આવશ્યક છે ! જે હમેશા સાચી દિશા તરફ જ પ્રયાણ આદરે છે. બાકી
હજાર રસ્તા છે જીવતરને વેડફવા માટે !
સલોનીમાં આવેલું આ પરિવર્તન દિલનું અને વિચાર શૈલીનું હતું. માત્ર આંખોથી જોનાર વ્યક્તિને આનો
અંદાઝ  નહી લગાવી શકે ! બહારથી તો તમે હો, એ જ જણાવ. એમાં મિનમેખ થવાનો નથી. તમારો
અંતરાત્મા તમને હમેશા સત્ય જણાવશે. તેની પરવા કરવાની પણ જરૂર નથી. દેખાડો તો બિલકુલ નહી.
આ બધાથી પર થવું એ વિરલા જ કરી શકે. જે હિમત સલોનીએ બતાવી એ પ્રસંશનિય છે. ઉમંગ તો એ
વાતનો છે એ દિશામાં આગળ ને આગળ ધપી રહી છે.
પ્રગતિ કેટલી સાધી એ કહેવાની સલોનીને જરા પણ જરૂર જણાતી નથી. બાકી તેના દિલને સંતોષ છે.
એમાં લેશમાત્ર શંકા નથી. સાહિલ જોડે વિતાવેલાં મધુરા વર્ષોની સોડમ હજુ તેના જીવનમાં પ્રસરી રહી
છે. જેને કારણે જીવનનો બાગ મઘમઘી ઉઠ્યો છે. માયા અને મમતા ઓછા કરવાના સાતત પ્રયત્નોમાં
સલોની ઝૂઝી રહી છે.
સલોની ઝાઝી વાત કરવામાં માનતી નથી. “તમે ન બોલો તમારું વર્તન બોલશે”. એ પ્રમાણે એને નજીકથી
જાણનાર બરાબર સમજે છે. મારું, તારું શું કામનું. હા, જીવન છે જીવવા માટેની આવશ્યક્તાઓ હોવી
જરૂરી છે. સંસાર છોડવો એના કરતા સંસારમાં રહી વિરક્ત બનવાનો પ્રયાસ સતત ચાલુ રાખ્યો છે.
એક સામાન્ય વાત,સલોની બહુ સુંદર રીતે સમજાવે છે. ‘ તમે જે છો તે મનાવવાની કોઈને પણ જરાયે જરૂર
નથી. કારણ સામાન્ય છે ,સામે વાળી વ્યક્તિના મનનો પૂર્વાગ્રહ તમે કાઢી ન શકો. તો શામાટે ખોટો સમય
બરબાદ કરવો’ !
સલોની પોતાની ધુનમાં મસ્ત રહે છે.  જે સાચો રાહ સાંપડ્યો છે તેના પર હળવે હળવે ડગ ભરતી રહી. મુસાફરી
ચાલુ રાખી. એક દિવસ નિયત સ્થળે પહોંચવાની તે નક્કી છે. સલોનીની અંતરની ઈચ્છા આ જગેથી શાંતિ પૂર્વક
જવાની છે. એને ખબર છે, ઈશ્વર તેની આ ઈચ્છાને માન્ય રાખશે !
તારી જો હાક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે !
મને બોલવા દે !

31 07 2021

આજે ખબર નહી કેમ દિવસ લોઢાના પાયે શરૂ થયો હતો. સવારના ઉઠતા મોડું થઈ ગયું. ૯

કલાક ને ૧૦ મિનિટની ડબલ ફાસ્ટ વિરારથી ઉપડૅ તે ચૂકી ગઈ. જો સિંગલ ફાસ્ટ હોય તે ચર્ચગેટ

પહોંચાડતા દોઢ કલાક કરે. બાપુની ગાડી પાકા બે કલાક લે. બોરિવલીથી ચર્ચગેટ રોજ જવાનું.

ડબલ ફાસ્ટ લેવાની આદત હતી.

નોકરી પર ગયા વગર છૂટકો તો હતો નહી. નિરાંતે જમીને નિકળી. ‘મમ્મી, મોડી જાંઉ છું એટલે

રાતના આવતા મોડું થશે. ‘જ્યારે મારું મગજ ઠેકાણે ન હોય ત્યારે મમ્મી મને પરેશાન ન કરતી.’

સોમા વિચારી રહી અને મનમાં ખુશ થઈ.એક તો નોકરી પર જવાબદારી ભર્યું કામ અને ઘરે

આવે એટલે પપ્પાજીની રોજની રામાયણ ,’હવે ક્યારે પરણવું છે’?

સોમાને થતું શું પરણવું ફરજિયાત છે ? જ્યાં સુધી ખોટું કામ નથી કરતી. સુંદર ભણતરનો સદ

ઉપયોગ કરું છું . પપ્પાજીને વાંધો ક્યાં આવે છે. કેટલી મહેનત કરીને મને અને મારા નાનકા

ભાઈને ભણાવ્યા.

મનમાં થતું, બે પૈસા કમાઈને પપ્પજી અને મમ્મીનું ભવિષ્ય સદ્ધર કરું પછી પરણવાનો

વિચાર કરીશ. સોમાને મિત્રો ઘણા હતા. સહુ જાણતા કે સોમાનો હમણા પરણવાનો

વિચાર નથી. મિત્રતા બાંધી ખુશ રહેતાં. સોમા ખૂબ દૃઢ વિચાર ધરાવતી આધુનિક યુવતી

હતી. માતાના સુંદર સંસ્કાર પામી હતી. જાણતી હતી પરણ્યા પછી , પતિના માતા અને

પિતાને પ્યાર આપવો પડશે. તેના માટે તૈયાર પણ હતી. સોમા એ ઘરમાં દાદા અને દાદી

જોયા હતા. નાના અને નાની પાસે કોઈક વાર જઈને રહી પણ હતી.

આજે નોકરી પર મોડી પહોંચી, તેનો ઉપરી જરા ગુસ્સામાં હતો. સોમાનું કામ વ્યવસ્થિત

અને સંપૂર્ણ હતું એટલે બોલવાની જગ્યા ન જણાઈ. સોમા ત્રાંસી આંખે તેને નિહાળી રહી

હતી. મનમાં ગુનગુનાઈ,’કામમાં ભૂલ હોય તો કાઢી બતાવ”. સાંજની મિટિંગ માટેની તૈયારી

જોઈ તેનો ઉપરી મોઢામાં આંગળા નાખી ગયો. તેને એમ હતું કે ,સ્ત્રી છે એટલે વધુમાં વધુ શું

કરી શકશે ?

સોમાએ આ વાત ખોટી પૂરવાર કરી. આખી ઓફિસમાં સોમાના કામના વખાણ થવા લાગ્યા.

આજે કંપનીનો માલિક પણ ખૂબ મોડો આવ્યો હતો. કામમાં ચોકસાઈ જોઈને ખૂબ ખુશ થયો.

સોમાને પોતાની ઓફિસમાં બોલાવી. તેના કામના બે મોઢે વખાણ કર્યા. સોમા શાંતિથી સાંભળી

રહી હતી.

સોમા જાણતી હતી કે કંપનીનો માલિક તેના પર ફિદા છે. સોમાના કોઈ કામમાં કચાશ રહેતી નહી.

એણે મનમાં નક્કી કર્યું હતું કે વફાદારી અને સમજદારીથી કામ કરીશ તો તેનું પરિણામ ધાર્યું આવશે.

સોમા જેટલી કામની પક્કી હતી તેટલી દિલની સાફ અને પ્રેમાળ પણ હતી. માતા, પિતા અને ભાઈને

ખૂબ પ્યાર કરતી. ભાઈ નાનો હતો ,જ્યાં સુધી પગભર ન થાય ત્યાં સુધી તેણે વણ કહે જવાબદારી

શિર પર લીધી હતી.

કંપનીના માલિકનો દીકરો સોમાના બધા કામની નોંધ લેતો. તેના કાર્યનો પ્રશંશક પણ હતો. સોમાનું

માત્ર કામ નહી સોમા પણ તેને ખૂબ પસંદ હતી. સોમા જુવાન એ પણ જુવાન , તેના વર્તન પરથી

સોમાને ગંધ તો આવી હતી.

સૌરભ જાણતો હતો, સોમા કામથી કામ રાખે છે. દિલની વાત દિલમાં રાખતો. સોમા સાથે જ્યારે કામ

કરવાની તક સાંપડતી ત્યારે તેનું વર્તન છતું થઈ જતું. સોમા આંખ આડા કાન કરતી. કિંતુ નોંધ જરૂર

લેતી.

સોમાના પિતા કુટુંબમાં મોટા હતા એટલે ઝાઝુ ભણવાનો મોકો ન પામ્યા. નાનો ભાઈ અને બે

બહેનોને પરણાવી ઠેકાણે પાડી. સોમાએ સંયુક્ત કુટુંબ બાળપણથી નિહાળ્યું હતું. પિતાએ આપેલા

બલિદાનની તેના મનમાં ખૂબ કદર કરતી. પિતાને ભગવાન રૂપ માનતી. મા અગરબત્તીની સમ જલીને

સહુનો ખ્યાલ કરતી. તેને સોમાના લગ્નની ખૂબ હોંશ હતી. સોમાનો મનસૂબો બીજો હતો. પિતાની

સ્થિતિ સદ્ધર કરવાની ઠાની હતી.

સોમાની ઉપર કંપનીના માલિકનો દીકરો જાન છિડકતો. કિંતુ સોમા પાસે કોઈ કાંઈ બોલી શકતું નહી.

આજે કંપનીએ કરેલા કરોડોના ફાયદાની પ્રસંશા કરવાને કારણે મિટિંગ હતી. મિટિંગ મોડૅ સુધી ચાલે

એવો અંદાઝ પણ હતો. એક પછી એક બધાના કાર્યની પ્રસંશા થઈ રહી હતી. સારો નફો થયો હતો

તેનો લાભ સહુને મળવાનો હતો. સોમા આવા બધામાં બહુ પડતી નહી. ઓફિસનું કામકાજ પુરું થયું.

ઓફિસના ‘કોન્ફરન્સ હોલ’માં સવારથી હલચલ ચાલી રહી હતી.

એક પછી એક સહુ કોન્ફરન્સ રૂમમાં ભેગા થયા. કંપનીનો માલિક પણ તેની ધર્મ પત્ની, દીકરો સૌરભ

અને દીકરી સુહાની સાથે આવી પહોંચ્યા. સુંદર સજાવટ હતી. સહુ પહેલાં મનોરંજનનો કાર્યક્રમ અને

પછી સુંદર જમવાનું આવ્યું. દરેકને સ્ટેજ પર બોલાવી તેમના કાર્યની પ્રસંશા કરી. સોમાને સાવ છેલ્લે

બોલાવવાનો પહેલેથી ઈરાદો જણાઈ આવ્યો.

સોમા આવી અને શેઠને નમન કર્યું. કંપનીના માલિકે તેના બે મોઢે વખાણ કર્યા. સોમાએ ભજવેલા

અગત્યના ભાગની ખુલ્લા દિલે પ્રશંશા કરી. એના કારણે જે કરોડોનો ફાયદો થયો હતો તેનો ઉલ્લેખ

કર્યો. હાજર રહેલાં સહુ મોઢામાં આંગળા નાખી ગયા. હજુ તો માંડ ૨૫ વર્ષ ઓળંગી રહી હતી ને

આટલું બધું શાણપણ !

કંપનીના માલિકે નફામાંથી સોમાને ભાગ આપ્યો, જેની સોમાને કલ્પના પણ ન હતી. સોમાનો હરખ

માતો ન હતો. તેના કામની આટલી બધી કદર થશે તેનો અહેસાસ સોમાની આંખમાં બે બીંદુ રુપે

જણાઈ આવ્યો. સોમાને પિતા માટે જે જોઈતું હતું તે સઘળું મળ્યું.

અંતે સૌરભ ઉભો થયો, આટલા વખતથી દબાવી રાખેલી પોતાની ઉર્મી બધા સમક્ષ ઠાલવતા સોમાની

આંખમાં આંખ પરોવીને બોલ્યો, ” સોમા આજે મને બોલવા દે” !

સોમા પાણી પાણી થઈ ગઈ. તેની નજર શરમની મારી ઝુકી ગઈ.

કોણ ચડૅ ?

28 07 2021

આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે સાથે સાથે સામાન્ય પણ છે. માણસનો

સ્વભાવ છે, વારે વારે બીજાની સાથે હરિફાઈ કરવી યા તારા કરતાં

‘હું ચડિયાતો’, એ સિદ્ધ કરવા સદા પ્રવૃત્ત રહેવું. આમાં છુપાયેલો

અહંકાર સ્પષ્ટ છે. સહુ પોત પોતાની જગ્યા પર ઉત્તમ છે એ માનવા

મન તૈયાર નથી. બીજાને કાયમ “નાનો’ છે એ બતાવવું છે. આમાં બીજું

કશું નહી પણ વ્યક્તિનું અજ્ઞાન પ્રદર્શિત થાય છે.

ચાલો ત્યારે હું તમને સમજાવું. ડોક્ટર તેના કાર્યમાં સફળતા પામે. ક્યારેય

વિચાર્યું હતું એની પાછળ તેણે કેટલા વર્ષનો અભ્યાસ કર્યો હતો. રાતોની

નિંદ ગુમાવી હતી. પરિવાર સાથેનો કિમતી સમય ન ગણકારતાં ભણવામાં

સદા પ્રવૃત્ત રહ્યા હતા. જરા ગણી જોજો કેટલાં વર્ષોના અભ્યાસ પછી ડૉ.ની

ડિગ્રી પ્રાપ્ત થાય છે. હા, તેઓ ખોટે માર્ગે જાય ત્યારે જરૂર દુઃખ થાય.

એ પ્રમાણે ગાડીનું સમારકામ કરનાર કારીગર કેટલી મહેનત કરીને તેને ચાલુ

કરવા માટે નિપુણતા પ્રાપ્ત કરે છે. એ શિખવું સહેલું નથી. પછી જ્યારે તે એમાં

હોશિયારી મેળવે છે પછીએ કોઈ પણ નામની ગાડી ચાલુ કરી શકે છે.

અનુભવથી તે નામના પણ પ્રાપ્ત કરે છે. એ કામ પણ આસાન નથી. દરેક જણ

પોતાની જગ્યા પર ઉત્તમ છે.

એક વખત મારી ગાડીમાં તકલિફ જણાઈ. રજાનો દિવસ હતો. ડોક્ટર મહેતા

વિચારી રહ્યા. ચાલને આજે મિકેનિક પાસે ગાડી લઈ જાંઉ. વર્ષોથી એક મિકેનિકના

ગેરેજમાં જતા હતા. મિકેનિક મિત્ર જેવો હતો. ડોક્ટરને જોઈ ખુશ થઈ ગયો.

‘અરે, યાર આજે ઉતાવળ નથી, તું ગાડીનું કામ કર હું નિરાંતે કમપ્યુટર પર મારું કામ

કરીશ.’

ડોક્ટર સાહેબ આટલા પ્રેમથી બોલ્યા એટલે મિકેનિક ઉત્સાહમાં આવી ગયો. સારું,

બેસો સાહેબ તમારું કામ પહેલાં કરીશ. તમને કાલે પાછા આવવાનું કહી ધક્કો નહી

ખવડાવું. ડોક્ટરે મૈત્રી પૂર્વક તેનો ખભો થાબડ્યો.

પોતાનો જમવાનો સમય હતો. વિચાર્યું, પછી ખાઈશ પહેલાં આ કામ પુરું કરી લેવા દે.

મિકેનિકને કામ કરતાં અઢી કલાક થઈ ગયા. ડોક્ટર તો પોતાના કામમાં મશગુલ હતાં.

તેમને તો સમયનું ભાન ન રહ્યું. મિકેનિકે આવીને કહ્યું,’સાહેબ તમારી ગાડી તૈયાર થઈ

ગઈ છે’.

ડોક્ટર એના કામથી ખુશ થઈ ગયા. મિકેનિકે માગ્યા એટલા પૈસા આપ્યા. ભાવ તાલ

કરવાની તેમની આદત ન હતી. મિકેનિક ખુશ થઈ ગયો.

ડોક્ટર સાહેબ એક વાત પુછું. ડોક્ટર કહે પૂછ કોઈ તકલિફ હશે તો દૂર કરવાનો ઈલાજ

બતાવીશ.

સાહેબ મારી તબિયત સારી છે, આ તો એક પ્રશ્ન મનમાં ઉઠ્યો . બોલને ભાઈ શું વાત છે ?

મિકેનિક ડોક્ટરની બાજુમાં બેઠો. સાહેબ ‘તમે ડોક્ટર છો. લોકોના હ્રદયની તકલિફ દૂર

કરો છો. તમારી ભાષામાં કહું તો હું ગાડીનો ડોક્ટર છું. તમે જોયું , તમારી આ ગાડીના

એન્જીનને સુધારવા માટૅ મેં અઢી કલાક લીધા’.

‘હા, તો તેનું શુ છે ?’

‘સાહેબ વિચાર કરો તમને આ અઢી કલાકના કેટલા પૈસા મળે, અને મને કેટલા મળ્યા’ ?

ડોક્ટર મહેતા વિચારમાં પડી ગયા. આ વાત તો સાચી છે. જો મિકેનિક મારી ગાડી ને ચાલુ

ન કરે તો કાલથી શું થાય ?

આ તો ડોક્ટર છે. ભગવાને વિચારવાની બુદ્ધિનું તેમને પ્રદાન કર્યું છે. વિચાર કરીને બોલ્યા,

‘ જો ભાઈ હું જ્યારે માનવીના એન્જીન સાથે કામ કરું છું ને ત્યારે એ, ચાલતું હોય છે. મારે

તે ચાલુ રહે એ જોઈને કામ કરવાનું હોય છે. તું જ્યારે ગાડીના એંન્જીન સાથે કામ કરે ત્યારે

તે બંધ હોય છે. પછી સમારકામ કરી તું એને ચાલુ કરે છે’.

મિકેનિકે બે હાથ જોડીને કહ્યું , “સાહેબ માન લિયા આપકી બાતો મેં દમ હૈ’.

મિકેનિકને ભગવાને વિચારવાની ક્ષમતા બક્ષી હતી, કોણ ચડે એ પ્રશ્નની વ્યર્થતા સમજી ગયો !

સિમરન ઝુમી ઊઠી

26 07 2021

આજે સિમરન ખૂબ ઉલઝનમાં હતી. તેને થયું હવે માર્ગ કેવી રીતે શોધવો.

પોતાની જાતને પૂછી રહી,તે કોણ છે ? અમેરિકન કે ભારતિય ? ભલેને મોટા

ભાગના મિત્રો અમેરિકન હોય પણ મમ્મી અને પપ્પા કહેતા, આપણે પહેલાં

હિંદુસ્તાની પછી અમેરિકન.

અમેરિકામાં જન્મેલી, અભ્યાસ ખાનગી શાળામાં કર્યો. જેને કારણે ચર્ચ વિષે

જાણવા મળ્યું. જન્મથી જાણતી હતી, તે ભારતિય માતા અને પિતાની પુત્રી છે.

ઘરમાં કૃષ્ણનું નાનું મંદીર હતું, જે છડી પોકારીને કહેતું તે હિંદુ કુટુંબમાં જન્મી છે.

બસ આટલું પરિચિત હતું. મમ્મી ડોક્ટર અને પપ્પા વકિલ ,ઘરમાં ડોલરની વર્ષા

વરસતી. અછત નામના શબ્દથી અપરિચિત. ખૂબ સુંદર આવાસ અને રહેવા માટે

શહેરનો સહુથી વૈભવશાળી લત્તો.

ઘરમાં બાળપણથી મોટી કરનાર તેની અમેરિકન નેની, રસોઈ કરવા માટે એક દેશી

બહેન આવતા. દરરોજ નેની તેને ગાડીમાં લાવતી અને સાંજે પાછી મૂકી આવતી. એક

વાત આંખે ઉડીને વળગે તેવી હતી, સિમરનની મમ્મીને નોન વેજ જોઈએ, પપ્પાજીને

આપણું દેશી ખાવાનું પસંદ હતું.

સિમરનને બન્ને જાતનું ખાવાનું ભાવતું. મોટેભાગે મિત્ર મંડળ અમેરિકન હોવાને કારણે

પોતાની માતૃભાષાનો ઉપયોગ નહિવત હતો.

આ બધા સંજોગોથી તમને વાકેફ કરવાનો મારો ઈરાદો સાફ છે. એમ.બી.એ. પાસ થઈને

સિમરન અમેરિકન,’ સેમ ‘સાથે જોડાઈ. વિધિની વિચિત્રતા જુઓ સેમને ભારત પર ખૂબ

પ્રેમ હતો. ભારત વિષે જાત જાતના સવાલ પૂછી સિમરનને મુઝવતો. સિમરન પણ ૨૧મી

સદીની હતી. પોતાને બહુ ખબર ન હોવાથી ,’ગુગલ ડોક્ટર’ પર જોઈ જવાબ આપતી.

સેમ કહેતો, તને આ જવાબ ગુગલ પરથી મળ્યો છે. એ તો મને પણ જોતાં આવડે છે. મારે

તારો અનુભવ અને તારા વિચાર જાણવા છે.

સિમરન કઈ રીતે કહી શકે મને આ વિષે કોઈ જ્ઞાન નથી ! બાળપણમાં માતા અને પિતા પાસે

સમય ન હતો. સમય હોય તો પણ અમેરિકન સમાજમાં ગોઠવાવા માટે અંહીના વિષે જાણવાની

કોશિશ કરતાં. ભારતની વાતો તેમને વાહિયાત લાગતી. કોઈક વાર ભારત જતી તો ત્યાં નાના

ઘરોમાં ફાવે નહિ એટલે પપ્પા ‘ફાઈવ સ્ટાર હોટલમાં’ ઉતરે. એરકન્ડીશન ગાડી ભાડે રાખી બધે

ફરે. કુટુંબ અને મિત્રોને જાત જાતની મોટી હોટલોમાં પાર્ટી આપી બોલાવે અને જમાડે.

હવે સિમરનને આમાં ભારત ક્યાં દેખાય ?

દાદીમા ગુજરાતના ગામડામાં રહે તો પપ્પા સવારથી સાંજ મળીને પાછા મોટા શહેરમાં લઈ આવે.

કોને ખબર કેમ પપ્પાજીને ખાવાનું પોતાની માના હાથનું ભાવતું, પણ અમેરિકા રહ્યા પછી ત્યાંનું

પાણી ચડ્યું હતું. મા જાણતી પણ બોલતી કાંઈ નહી. શોખ તો તેને જ બહુ હતો દીકરાને અમેરિકા

મોકલવાનો. વકિલાતનું ભણતા અમેરિકન ડોક્ટર છોકરીનું માગું તેણે ખૂબ આગ્રહ કરીને સ્વીકાર્યું

હતું. દીકરાને માતા તેમજ પિતા છોડીને જવું ન હતું. હવે ચોરની મા કોઠીમાં મ્હોં ઘાલીને રુવે તેવી

હાલત થઈ હતી.

આ વર્ષે સિમરન સેમ સાથે ગામ આવી હતી. સેમના આગ્રહને વશ થઈ દાદીના ઘરે ગામડામાં રહ્યા.

સેમને તો આ જીંદગી ખૂબ ગમી ગઈ. ઘરના પરસાળમાં એક ગાય હતી. તેનું તાજુ દૂધ પીવા મળે.

સીમમાં ખેતર હતા, માણસો બધું કામ કરે પણ સેમને આ બધું ખૂબ ગમતું. ધીમે ધીમે સિમરનને પણ

દાદી સાથે રહીને ગુજરાતી આવડી ગયું.

દાદી ગામમાં રહેતી પણ દુનિયાથી અજાણી ન હતી. ઘરમાં બધી સગવડ હોવાને કારણે સિમરનને

અને સેમને દાદીને ત્યાં મજા આવતી. હજુ બાળકો થયા ન હતાં. સિમરને ભારત વિષે ઘણું બધું શીખી.

કહેવાય છે જમણો હાથ મ્હોં તરફ જાય. દાદીની લાડકી સિમરન ભારતમાં રજાઓ ગાળતી. સિમરને

મનોમન નક્કી કર્યું ભારતના ગામડાંઓમાં છુપાયેલી ભારતિય સંસ્કૃતિ પર પી.એચડી કરું.

સેમે હા પાડી અને સિમરન ખુશ ખુશાલ થઈ ઝુમી ઉઠી.

ગુરુ પૂર્ણિમા

23 07 2021
May be an image of 2 people and text that says 'Il गुरुब्रम्हा गुरुविष्णु गुरुदेवो महेश्वरा Il Il गुरु साक्षात् परब्रम्ह तस्मय श्री गुरवे नमः |l गुरु पूर्णिमा की आप को हार्दिक शुभकामनाये. f Inm @mansukhmandviya ® www.mansukhmandaviya.in'

ગુરુનું સ્થાન જીવનમાં ખૂબ ઉંચુ છે. અષાઢી પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરિકે

ઉજવવામાં આવે છે. ગુરુ અને ગોવિંદ જો બન્ને બાજુમાં ઉભા હોય તો સહુ

પ્રથમ ગુરુને પ્રણામ કરવાની પ્રણાલિકા આપણા શાસ્ત્રમાં જણાવે છે.

શાસ્ત્રમાં માનો કે ન માનો એ આપની મરજી. એક વાત તો કબૂલ કરવી પડશે

ગોવિંદને મળવાનો રાહ ગુરુ બતાવે છે. કોઈ પણ વિદ્યા આપણે શિખીએ તે

શિખવાડનાર વ્યક્તિ ગુરુનું સ્થાન પ્રાપ્ત કરે છે.

જીવનમાં સાચા ગુરુની પ્રાપ્તિ ખૂબ કઠિન છે. ૨૧મી સદીમાં ગુરુને નામે ઠગવાનો

ધંધો ફુલ્યો ફાલ્યો છે. યાદ રહે કોઈની ચુંગલમાં ન ફસાવ તેને માટૅ આંખ અને કાન

ખુલ્લા રાખવા આવશ્યક છે. સાચા ગુરુની શોધ માટૅ અંતરમાં ઉત્કટ ઈચ્છા હોવી

અગત્યની છે. બાકી આજકાલના ગુરુઓ ,કાંઇ કહેવું આવશ્યક નથી સમજતી.

એક વખત અમે બધા કુટુંબીઓ બેઠા હતા. અચાનક અંધ શ્રદ્ધા ધરાવતી વ્યક્તિ

બોલી ઉઠી, ” શું ગુરુની સેવા તન, મન અને ધનથી કરવાની’? સાંભળનારા બધા

અચંબામાં પડી ગયા. આ શું બોલે છે ? એક શાણી અને સમજદાર મહિલાએ તેને

માર્ગ દર્શન આપ્યું. ધન અને મનથી કરવાની, તનથી કદાપિ નહી.

ચાલો ગુરુ પૂર્ણિમાનો મહિમા જાણિએ. ગુરુ કયારે પણ શિષ્ય શું આપશે તેને લક્ષમાં

રાખી શિક્ષા આપતા નથી . તેમને તો યોગ્ય શિષ્ય મળે અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરી

સંસારમાં વિદ્યા અને સાચું જ્ઞાન ફેલાવે તેની ઈચ્છા હોય છે. બદલામાં શિક્ષા પ્રાપ્ત

કર્યા પછી ગુરુને દક્ષિણા આપવાનો રિવાજ છે.

યાદ હશે એકલવ્યએ ગુરુ દ્રોણને પોતાનો અંગુઠો માગ્યો તે જરા પણ અચકાયા વગર

આપ્યો હતો. આમાં ગુરુ દ્રોણે અપરાધ કર્યો હતો એ સહુ જાણે છે. એમનો શિષ્ય અર્જુન

બાણાવળી કહેવાય એ તેમનો સ્વાર્થ હતો. શિષ્યએ પોતાનો ગૌરવ જાળવ્યો. એકલવ્ય

જેને લીધે અમર સ્થાન પામ્યો.

આજના દિવસે જીવનમાં પ્રાપ્ત થયેલા સહુ ગુરુના ચરણોમાં દંડવત પ્રણામ

ગર્વીલો

22 07 2021

સમર્થ છ મહિના પછી ઘર ભેગો થઈ રહ્યો હતો. શું તેની પ્રતિભા હતી. તેની હિંમતના કરીએ તેટલાં વખાણ ઓછા હતાં. મોઢા પરથી સ્મિત રિસાઈ ગયું હતું. ઘરે જવાનો ઉમળકો અદ્રૂશ્ય હતો. જો કે ઘર ભેગાં થવાનું હોય ત્યારે કયા વીર સૈનિકના દિલમાં ઉમળકો ન હોય ?

પરિસ્થિતિ વિપરિત હોવાને કારણે ઉમંગ હોવા છતાં છલકાતો જણાતો ન હતો. તે મનમાં જાણતો હતો કે ભલેને હાલત ગમે તેટલી ખરાબ કેમ ન હોય ,તેનું ઉમળકા ભેર સ્વાગત નક્કી હતું. પણ આ શું, તેના દિલને કોણ સમજાવે. સાથે ન હતી વહાલસોયી માતા કે આછી આછી થઈ જતી પ્રેમાળ પત્ની. વહાલસોયી માતા અને પત્ની તેનું ઉલ્લાસ ભેર સ્વાગત કરવા દિલ્હી આવી પહોંચ્યા હતા. રસ્તામાં તેમની ગાડીને અકસ્માત થયો.

એવું તો શું હતું કે સમર્થ શ્રદ્ધા ગુમાવીને નિરાશ વદને બેઠો હતો. શાલ ઓઢી હતી એટલે તેની હાલતનો ચિતાર  પામવો મુશ્કેલ હતો. કોઈને

કહીને પણ શું ફાયદો. સમર્થના મુખ પર ન કળી શકાય તેવા ભાવ હતા.

પ્લેનમાં બેઠો હતો. એર હોસ્ટેસે પાણી કે થમ્બસ આપવા વિષે પૂછ્યું તો આદર સહિત ના પાડી. તેની બાજુમાં બારી પાસે એક દસેક વર્ષની બાળા બેઠી હતી. તેને આશ્ચર્ય હતું કે આ માણસ કેમ શાલ ઓઢીને બેઠો છે. એને તો જરા પણ ઠંડી લાગતી ન હતી.

નિર્દોષતા પૂર્વક બોલી ,’અંકલ તમને ઠંડી લાગે છે”?

સમર્થે હસીને જવાબ આપ્યો કે, ‘ના’.નાની બાળાનો નિર્દોષ પ્રશ્ન સમર્થના મુખ પર સ્મિત લાવવામાં કામયાબ રહ્યું.

બાળા હસી પડી,’ તો પછી શાલ કેમ ઓઢી છે’.

સમર્થે હસીને જવાબ આપ્યો, ‘હું જાદુગર છું’.

બાળા ખડખડાટ હસી પડી. આવો સરસ જવાબ સાંભળીને તેની કૂતુહલતા શમી ગઈ. પોતાની પાસે હતી એ રમત રમવામાં તલ્લીન

થઈ ગઈ.

એટલામાં સમર્થની બાજુમાં એક સુંદર યુવતી આવીને બેઠી. તેના મુખ પર ગર્વ છલકાઈ રહ્યો હતો. તેનો વેશ કહી આપતો હતો કે તે આધુનિક વિચાર ધરાવનારી પૈસા પાત્ર યુવતી હતી. તો પછી પ્લેનમાં ,’બિઝનેસ ક્લાસ્માં ‘ કેમ ન બેઠી ?

કારણ વ્યાજબી હતું. છેલ્લી ઘડીએ ટિકિટ લીધી હતી તેથી ટિકિટ ન મળી.

સમર્થે જબરદસ્તીથી મુખ પર હાસ્ય ફરકાવ્યું. આવી સુંદર નારી જોઈ ઘણા વખતે અને તે પણ ત્રણ કલાક સુધી બાજુમાં બેસશે એટલે તેના મુખ પર જરા ચમક આવી. પણ પેલી ઘમંડી અને ઉદ્ધત જણાતીએ પ્રતિકાર ન આપ્યો.

જો કે કોલેજકાળ દરમ્યાન સમર્થ ઉપર કોલેજની બધી છોકરીઓ મરતી હતી. જેના જીવનમાં કોઈ ધ્યેય હોય એવો સમર્થ  કોઈ પણ યુવતિને બહુ ભાવ ન આપતો . અંતે તેનું મન જ્યારે માનુનીએ જીત્યું ત્યારે પોતાના  દિલની વાત કરી. માનુએ કહ્યું ,’તારી જે મરજી હોય તે પૂરી કરવાની તને છૂટ છે’. એક શરત મારી પણ છે.

સમર્થે તે શરત સ્વિકારી. માનુ સાથે લગ્ન બંધનમાં બંધાયો જતાં પહેલાં તેને એક બાળકની માતા બનવા માટે ભાગ્યશાળી બનાવી.

‘બસ, હવે અમે તારી કાગડોળે રાહ જોઈશું’.

‘તું નિશ્ચિંત રહેજે’. માનુના વિદાયવેળાના શબ્દો સમર્થને અંતરે કોતરાઈ ગયા હતા.

સમર્થને ખૂબ હર્ષ થયો કે તેની સઘળી મનોકામના પૂરી થશે.

દિવા સ્વપનામાંથી સમર્થ હકિકતની હરિયાળીમાં પછડાયો. ઘર તરફ વિમાન જઈ રહ્યું હતું , પણ સમર્થના મુખ પર આનંદ કેમ નથી ?

ત્યાં તો બાજુમાં બેઠેલી પેલી રૂપાળી  યુવાન ઢિંગલી એર હોસ્ટેસ સાથે રકઝક કરી રહી હોય તેમ લાગ્યું.

નાની બાળા તો આભી બનીને જોઈ રહી હતી.  તેને ખબર ન પડી કે કેમ આ બાઈ આવી રીતે વર્તે છે.

એર હોસ્ટેસે તે સુંદર યુવતીને શાંતિથી સમજાવ્યું કે,’  પ્લેનમાં કોઈ જગ્યા નથી.  તમારે શામાટે જગ્યા બદલવી છે’ ?

પેલી યુવતી અભિમાનમાં ચકચૂર હતી..

“ત્રણ કલાક હું આવી વ્યક્તિની બાજુમાં નહી બેસી શકું ‘.

‘કેમ શું વાં ધો છે.?’

‘મને લાગે છે કે આ વ્યક્તિને બે હાથ નથી’.

હવે સમર્થ ચમક્યો. ,’અરે આ તો મારી બાજુ માં બેસવાની પણ ના પાડે છે’.

તેના નિરાશ વદન પર અપમાનની સુરખી પ્રસરી ગઈ.

તેને મનમાં વિચાર આવ્યો. ‘ભારતમાતાની રક્ષા કાજે હું છ મહિનાથી ઝઝુમી રહ્યો હતો. જો કે અત્યારે તેના બદન પર જવાનના કપડા ન હતાં. આખરે તેનું દિલ એક સૈનિકનું હતુ. તે  લશ્કરમાં કેપ્ટનનો દરજ્જો સંભાળતો હતો. આ તો પોતાના ટ્રુપના સૈનિકોની જાન બચાવતાં બે હાથ ગુમાવવાનો સમય આવી પહોંચ્યો હતો. એક હાથ પૂરો અને બીજો પંજાની નીચેનો ગુમાવ્યો હતો. ”

સમર્થને મનમાં થયું, શું આવી મારી ભારતની પ્રજા છે’. જેમના જીવની રક્ષા માટે મેં ભોગ આપ્યો. મારા કિમતી હાથનું બલિદાન આપ્યું’.

તે મનમાં ધુંધવાઈને બેસી રહ્યો. એક પણ શબ્દ બોલવું નહી તેવો પાક્કો નિર્ધાર કર્યો. આખરે હતો તો ભારતમાતાનો સપુત’! અભિમાની દેશની રક્ષા કરતો જવાન ! સમર્થને આ યુવતિની દયા આવી. જેને માત્ર પોતાના રૂપ ઉપર અભિમાન હતું. કદાચ પૈસા થોડા વધારે હશે

પણ પૈસાના શું ફાકા મારવાના હોય ?

પેલી યુવતીની રકઝક વધી ગઈ. તેના અવાજમાંથી હવે તિરસ્કારની બદબૂ આવી રહી હતી. એર હોસ્ટેસથી મામલો થાળે ન પડ્યો તે જઈને કેપ્ટનને બોલાવી લાવી.

કેપ્ટન પાંચ મિનિટ પછી આવ્યો. બધી વાત શાંતિથી સાંભળી. એને ખબર હતી. યુવતીની બાજુમાં બેઠેલી વ્યક્તિ કોણ હતી ? જો કે ખબર ન હોત તો પણ પોતાની ફરજ બરાબર તે જાણતો હતો.

એણે પેલી યુવતીને સમજાવીને કહ્યું ,’ મને જોવા દો હું શું કરી શકું. ‘

લગભગ પદરેક મિનિટ પછી એર હોસ્ટેસ આવી, યુવતીને થયું મારી સિટ અપગ્રેડ કરવાના સમાચાર લાવી છે કે શુ ? એણે પોતાની પર્સ હાથમાં પકડી ઉઠવાની તૈયારી કરવા માંડી. મોઢા પર લિપ્સ્ટિક લગાવી. મુખ પર વિજેતાનું હાસ્ય ફરકી રહ્યું. સમર્થ તરફ એવી નજર ફેંકી જાણે તે કોઈ અછૂત ન હોય.

એર હોસ્ટેસે તે યુવતી તરફ એક ઉડતી નજર નાખી અને સમર્થ સાથે વાતોએ વળગી. એર હોસ્ટેસ ,સમર્થ સાથે ખૂબ ઈજ્જતથી વાત કરી રહી હતી.

‘સર આપ ચલો, તમને અમે ફર્સ્ટ ક્લાસમાં જગ્યા કરી આપી છે”. એર હોસ્ટેસના મુખેથી સરી રહેલા શબ્દો પેલી અભિમાની યુવતીએ બરાબર સાંભળ્યા.

”  આપકા સામાન મૈં ઉઠા લુંગી. કેપ્ટનને આપકો ફર્સ્ટ ક્લાસમેં બેઠનેકા અનુગ્રહ કિયા હૈ”.

સમર્થ શાંતિથી ઉભો થયો અને એર હોસ્ટેસના જણાવ્યા પ્રમાણે નવી જગ્યા પર બેસવા જવા માટે રવાના થયો ! ભારત માતાના

ગર્વીલા સુપુત્રનું ઈજ્જત ભેર એરોપ્લેનના પાઈલટે સનમાન કર્યું. એર હોસ્ટેસના મુખ પર એક લશ્કરના કેપ્ટનનો સામાન ઉંચકવાનું

ગૌરવ ઝળકી રહ્યું હતું.

સુહાનો અવસર

22 07 2021

નાની સોના ઉનાળાની રજામાં કાકાને ત્યાં આવી હતી. કાકીની લાડકી હોવાને

કારણે મનગમતું બધું મળતું. નરેશ કાકાને બાળકો હતા નહી. નાનાભાઈની દીકરીને

લઈને મમ્મી નીપા દરેક ઉનાળામાં આવતી. દાદા,દાદી અને કાકા તેમજ કાકી મુંબઈમાં

રહેતાં. નાનોભાઈ તેની પત્ની નીપા અને દીકરી સોના સાથે પૂના રહેતો.

નીપા અને સોના આવતા ત્યારે ઘરનો નકશો બદલાઈ જતો. કાકા દુકાને મોડા વહેલા જાય.

સોનાને લઈને દરરોજ સવારે બગિચામાં ફરવા જાય. હિંચકા પર બેસાડે. સોના લસરણી પર

લપસવાની મઝા માણે. આ મુંબઈનો કમલા નહેરૂ પાર્ક વર્ષોથી જાણિતો છે. કાકા, ગાર્ડન પર

‘મીરા’માં રહેતાં. ઘરની સામે જ હેંગિગ ગાર્ડન આવ્યું છે.

આજે સોનાને ઠીક લાગતું ન હતું.

‘મારે, આજે ફરવા નથી જવું’.

‘કેમ, શું થયું મારી દીકરીને’?

‘કાકા થોડો તાવ લાગે છે.’

‘સારું ,કાલે મોસંબી લાવ્યો હતો. કાકી તારા માટે રસ કાઢે એટલે પીને પાછી સૂઈ જજે’.

‘કાકા, તમે મારી બાજુમાં બેસો ને’.

‘ચાલ બેટા આજે હું, દુકાને નથી જતો.’કહીને કાકા દીકરીને માથે હાથ ફેરવી રહ્યા. ખૂબ

લાગણી ભર્યો હાથ ફરતો હોવાથી સોના સૂઈ ગઈ.

સોના તાજો રસ પીને સૂઈ ગઈ. કાકા પોતાનું કામ ફોન અને કમપ્યુટર પર કરી રહ્યા. દાદીમા

પૂજા ઘરમાંથી પરવારીને આવ્યા. સોના એકની એક પૌત્રી હતી. સોનાની મા, ફરીથી મા

બનવાની હતી. ઘરમાં સહુ ખુશ હતા. શાંતાબાના મોટા દીકરાને લગ્ન કર્યે દસ વર્ષ થયા

હતા. બાળકના કોઈ એંધાણ જણાતા ન હતાં.

બે વર્ષ પછી નાનો ભાઈ નિરજ, નીપાને પરણ્યો. તેને પણ બે વર્ષ થઈ ગયાને પારણું ન

બંધાયું તો ઘરના સહુ ચિંતિત હતા. પાંચ વર્ષ પછી સોના આવી. સોના પણ આજે ચાર

વર્ષની હતી. વળી પાછું પારણું બંધાશે. સોના પણ ખૂબ ખુશ હતી.

આમ પરિવાર એક તાંતણે બંધાયેલો રહેતો. શાંતાબા ને હૈયે ટાઢક હતી. મોટો દીકરો અને

વહુ ખૂબ સમજુ અને પ્રેમાળ હતા.

સોનાને ઠીક થતાં પાંચેક દિવસ નિકળી ગયા. કાકા અને કાકી ચાકરી કરવામાં જરા પણ

કમી રાખતા ન હતા. સવાર સાંજ તેની આજુબાજુ આંટા મારે અને તેને આનંદમાં રાખવાનો

પ્રયત્ન કરે. સોનાને તેમના પ્યારમાં ભિંજાવું ખૂબ ગમતું. કાકા અને કાકી સોનાની નરમ તબિયતને

કારણે તેની બાજુમાંથી ખસતા નહી.

અંહી આવે ત્યારે સોના મમ્મીને ભૂલી જાય. આજે સોના સજી થઈ ગઈ હતી. કાકીના ખોળામાં

માથુ રાખીને સૂતી હતી.

‘કાકી તમે મને ખૂબ ગમો છો ‘.

‘બેટા તું પણ મારી વહાલી દીકરી છે.’

બાળક કેટલું નિર્દોષ હોય છે આપણે સહુ જાણિએ છીએ. આજે સોનાના મોઢામાંથી અચાનક

નિકળી ગયું.

‘કાકી તમને ખબર છે ,તમે મને કેમ ગમો છો’?

‘ના’.

મારી મમ્મી જુઓને,’ તેનું પેટ કેટલું બધું મોટું છે ‘?

એ તો છે ને , ‘ બેટા મમ્મી તારી સાથે રમવા નાનો ભાઈલો કે બહેની લાવવાની છે ને એટલે’.

‘તો, કાકી આવતે વર્ષે હું આવું તો મારી સાથે રમવા અંહી પણ ભાઈ કે બહેન આવશે ને ‘?

કાકી બોલી કશું નહી, માત્ર મુસ્કુરાઈ ઉઠી. આવો સરસ પ્રશ્ન નાના બાળક્ને મોઢેથી સાંભળીને

એનું અંતર હચમચી ગયું.

વહાલથી સોનાને ભેટી બચ્ચીઓની ઝડી વરસાવી.

કુદરત બાળકના મોઢેથી ઘણીવાર ભવિષ્ય વાણી ઉચ્ચારે છે. સોના અને નીપા એક મહિનો રહીને

પાછા પૂના આવી ગયા.

બીજા મહિને કાકીએ ફોન કર્યો.

‘મારે, મારી લાડલી સોના સાથે વાત કરવી છે’.

સહુ પ્રથમ આ સમાચાર કાકીએ સોનાને આપ્યા.