ટપાલી

 

મિત્રો આ શબ્દ આજે શબ્દકોષમાંથી ભુંસાતો જાય છે. “ટપાલી” જેવા સુંદર શબ્દને કમપ્યુટરે એવી જોરદાર ટપલી મારી કે તેના માથામાં એકે ય વાળ સલામત ન રહ્યા. ટકો થતાં, થતાં રહી ગયો. હા, રળ્યા ખળ્યાં પેલાં  બે ચાર વાળ આખી ટાલમાં દેખાય તો નવાઈ નહી. આપણા ભારત દેશમાં તો ટપાલખાતા ખૂબ બિસ્માર હાલતમાં આવી ગયા છે. આમ જ્યારે કમપ્યુટર ન હતાં ત્યારે પણ તેમની હાલત વખાણવા જેવી ન હતી. અને આજે જો ભૂલે ચૂકે ત્યાં જઈએ તો આંખમાંથી ધસી આવતા ઘોડા પૂર રોકવા મુશ્કેલ થઈ જાય.

એક જમાનામાં, ખાખી વર્દીમાં જ્યારે ‘ટપાલી’, પોસ્ટ કાર્ડ, આંતરદેશિય પત્ર કે પરબિડિયું બારણામાંથી સરકાવતો ત્યારે ખૂબ આનંદ આવતો. પોસ્ટ કાર્ડ તો લાજ શરમ વગર સહુ વાંચી શકતાં . જાણે ખુલ્લં ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો., જેવા હતાં. જે લખ્યું હોય તે વાંચવાથી ચોરી પણ ન ગણાતી ,યા એમાં કોઈની ખાનગી વાત પણ ન હતી.

બાળપણમાં મને યાદ છે , મારી દાદી બાલાસિનોર રહે અને નાની ગોકુળ ,બન્નેને પત્ર લખવાનો લ્હાવો મેં ભરપૂર માણ્યો છે. જો કે અમારા સમયમાં કોઈ ભેદભાવ ન હતો. બન્ને “મોટીબા” હતાં. એવું કદીય જાણ્યું યા અનુભવ્યું ન હતું કે, મમ્મીની બા વહાલી અને મોટાભાઈની બા નહી ! બન્ને  આવે ત્યારે તેમને મુંબઈમાં હાથ પકડી ફેરવવાના. તેમને કોઈક વાર સિનેમા જોવા લઈ જવાના.

એક વાત કહું ખાનગી છે. મમ્મીની ‘બા’ને સુજાતા જોવા ઓપેરા હાઉસમાં થિયેટરમાં લઈ ગઈ હતી. જરા મોડા હતાં. લલિતા પવારે હાથમાંનું  બાળક ફેંક્યું.  કારણ તેને ખબર પડી બાળક હરિજનનું છે. સામે કોઈએ પકડ્યું , બા બોલી, ‘હાય હાય જો તો બાળક ફેંક્યું’.

મેં કહ્યું બા,’ એ બાળક હરિજનનું છે.’

આભડછેટમાં ભરપૂર માનનારી મારી વહાલી બા બોલી, ‘શું થઈ ગયું , બાળક છે’.

વાત કોની હતી અને શું લખાઇ ગયું.  આમ બન્ને બાને ઘણા પત્રો લખ્યા હતા. જ્યારે ટપાલી તેમના પોસ્ટ કાર્ડ લાવે ત્યારે મમ્મીને હું વાંચી સંભળાવતી. તેમના કાગળની રાહ મમ્મી કાગડોળે જોતી. તેમને જોઈતી કોઈ પણ વસ્તુઓ મોકલવાની હોય તો, મમ્મી લાવી આપે. હું સરસ પડીકું બનાવી આપતી , ત્યાં જતા સગાવહાલાના સંગાથ શોધી તેમને ત્યાં આપવા હું જતી. આમ ટપાલી જાણે દેવદૂતનું કાર્ય કરતો. હમેશા હસતાં હસતાં કાગળ આપે. દિવાળી વખતે તેમને ‘બોણી’ આપવાનો લહાવો હું પ્રેમ પૂર્વક માણતી. જો કોઈ સારા પ્રસંગનો પત્ર હોય તો અવશ્ય બક્ષિસ મોટાઈ પાસેથી લઈ તેમને હોંશભેર આપતી.

મઝા તો ત્યારે આવતી જો કોઈ ના મૃત્યુના સમાચાર ટાપાલી લાવે તો મને બતાવે, ‘બિટિયા, જો ઉપર શું લખ્યું છે’

” લુગડાં ઉતારીને વાંચજો’ અશુભ સમાચાર છે. હું સમજી જતી મમ્મીને સમય જોઈને વાંચી સંભળાવતી. એ જમાનામાં જ્યારે કોઈ સગા યા વહાલાનું ગામમાં અવસાન થાય તો તરત જ મારી મમ્મી તો નહાતી પણ અમને પણ નવડાવતી. આ બધી છે બાળપણની  ખાટી મીઠી વાતો.

મારી એકની એક માસી પાડોશી પાસે કાગળ લખાવતી. મોટી બહેન એટલે મારી મમ્મી મુંબઈ રહે તેથી જોઈતું કરતું મંગાવતી. મારા સહુથી મોટા ફોઈ અમદાવાદ રહે તેમને પણ અવારનવાર કાગળ લખવાનો લાભ મને મળ્યો હતો. આમ ટપાલી ‘જીવાદોરી” જેવો હતો. આજે તો તેનું નામોનિશાન ભુંસાઈ ગયું છે એમ કહેવામાં અતિશયોક્તિ નહી લાગે.

આવી હાલત અમેરિકામાં પણ થઈ છે, છતાં અંહી પોસ્ટ ઓફિસ પાર્સલ કરવા , જાત જાતના ચોપાનિયા આપવા અને ફંડ ફાળૉ ઉઘરાવવામાં વ્યસ્ત હોય છે. ભારત કોઈ વાર કાગળ, કાર્ડ યા નાના પાર્સલ કરવા હોય તો પોસ્ટ ઓફિસમાં જવું પડૅ છે. ટપાલી ને અંહી ‘મેઈલ મેન’ કહેવાય છે.

એક ખાનગી વાત કહું , આપણા ભારતિયોને જો પોસ્ટ ઓફિસમાં નોકરી મળે તો ખૂબ નસિબદાર ગણાય છે. હા, પાળીમાં કામ કરવું પડૅ. પગાર ઘણો સારો હોય છે. પરિક્ષા આપી પાસ થવું પડે છે. એક ભાઈ વર્ષોથી ‘મેઈલ મેન’ હતાં.

આપાણિ આદત પ્રમાણે તેમના નામ પાછળ “ટપાલી” શબ્દ લગાવી દીધો. આપણા સમાજમાં તેઓ ટપાલીને નામે પંકાઈ ગયા. જો કે હવે તો તે ભાઈ નિવૃત્ત થઈ સુંદર નિવૃત્ત જીવન ગાળે છે. આખી જીંદગીની મહેનતના મીઠા મધુરા ફળ ભોગવે છે. નિવૃત્ત ‘મઈલ મેન’ને ખૂબ લાભ મળતા હોય છે.

૨૧મી સદીમાં ભલે ને ટપાલી શબ્દ લગભગ ભું સાઈ ગયો હોય. તેમની ઈજ્જત અને મોભો સ્વિકારવો રહ્યો. હવે તે નવા વાઘા પહેરીને આપણી સમક્ષ નૃત્ય કરે છે. ‘ફેડરલ એક્સપ્રેસ’, યુ.પી.એસ. ડી..એચ .એલ જેવા અવનવા નામ સાથે જણાય છે. જે કામ પહેલાં ટપાલ ખાતું કરતું હતું એ હવે આ બધી ખાનગી કંપનીઓ નવા ઢંગ થી કરે છે. જેને કારણે ‘ટપાલી’ ના કામ મંદ થઈ ગયા છે.

જો કે નવી કંપનીઓનો ધંધો ધમધોકાર ચાલે છે.  તમારે ઘરે આવી ને પાર્સલ લઈ જાય, આપી જાય. હા આવી સર્વિસ આપવાને કારણે પૈસા પણ તોડી ને લે. જો સમય સર વચન આપ્યા પ્રમાણે પાર્સલ ન પહોં ચે તો, “પૈસા પાછા”. એવી આકર્ષક યોજના અમલમાં મૂકે.

‘૨૪ કલાકમાં” પાર્સલ પહોંચતું થાય.

આ નવા “ટપાલીઓ” ડિલિવરી મેન તરિકે ઓળખાય છે. અમેરિકામાં તો હજુ પણ ટપાલીઓ પહેલાં કરતાં ઓછા છતાં જણાય છે. એમને ‘ક્રિસમસ’ પર ચોકલેટ અને કાર્ડ આપીએ ત્યારે ખૂબ રાજી થાય છે.

આપણે ત્યાં ટપાલીઓની હાલત આંખમાં આંસુ લાવે તેવી છે. પોસ્ટ ઓફિસ વિષે તો ન લખવામાં જ માલ છે. હજુ પણ અંગ્રેજોના જમાનાનો ખડિયો અને કલમ ત્યાં નજરે ચડે છે ! નવાનું સ્વાગત અને જુનાની અવહેલના એ હ્રદયદ્રાવક જણાય છે.

“ટપાલી” તમારી બાળપણની સ્મૃતિ હજુ હૈયામાં ભંડારી છે.

 

Leave a comment