પ્રેમની ભાષા

આ વાત અત્યારે કેટલી નાદાનિયત ભરેલી લાગે છે. એ દિવસો બચપનના હતા. એ મસ્તી, એ નિસ્વાર્થતા આજે ક્યાં ગાયબ થઈ ગયા કોને ખબર? હ્રદયમાં ભંડારેલો પ્રેમ પુખ્ત બની પાંગરી રહ્યો છે. તે વખતનો પ્રેમ અને પ્રેમ વિષેની વ્યાખ્યા ઝરૂખામાં બેસી માણવાની એક મઝા હતી. આજે એ વાત ખૂબ ઉંડાણથી વિચારી, તેની ગહરાઈમાં ડૂબકી મારી મરજીવાની માફક મોતી અને પરવાળાં  મેળવવા જેવી લાગે છે.

એ પ્રેમ જેની માત્ર અનુભૂતિ રોમ રોમમાં પ્રસરી જાય છે. પછી ભલે એ વ્યક્તિ માટે કે વસ્તુ કાજે હોય. તેમાં ય જ્યારે એ પ્રેમ અને પ્રિતી સર્જનહાર કાજે હોય તો તે અલૌકિક આનંદનું વર્ણન ખૂબ અદભૂત હોય. નિઃસ્વાર્થ પ્રેમ અને તેની સાથે સંકળાયેલી હર એક ચીજ હ્રદયને પુલકિત કરે છે.

દુનિયાના કોઈ પણ ભગમાં ઝરૂખામાં બેસીને નિહાળશું તો એ જ આકાશ, વાદળાં, સૂરજ, ચાંદ અને તારલા નજરે પડશે!

નિહાળનારની દૃષ્ટી તેમાં મહત્વનો ભાગ ભજવે છે. પિયા મિલનની આશવાળીને પૂનમનો ચંદ્રમા સોળે કળાએ રિઝવી  તેનું  હૈયુ હિલોળે ચડાવશે. જ્યારે વિરહણીને અંગ અંગ દઝાડશે.પ્રેમનું વર્ણન ક્યાંથી શરૂ કરું?  જેને નથી  આકાર કે જે નથી  સાકાર. જેને નથી સુગંધ કે જેને નથી સ્વાદ. નિરાકાર અને રંગ વગરનો છતાંય અલૌકિક અને અદભૂત. જેનું વર્ણન અશક્ય નહી પણ નામુમકીન. પ્રેમની પવિત્રતાની શું વાત અંગે અંગ જેની અનુભૂતી થાય. જેના સ્પર્શની કલ્પના માત્રથી  સ્પંદન અનુભવાય છતાં અભડાય નહી. પ્યાર, જ્ઞાન અને બુધ્ધિથી પર છે. પ્રેમ એ એક એવી સ્થિતિ છે કે જે તમને  ભલુ કરવા પ્રેરે યા બૂરું કરવા. બે વચ્ચે તફાવત એટલો કે ભલું કરનાર બીજાને ચાહે છે જ્યારે બૂરુ કરનાર ખુદને.

પ્રેમ તો બસ પ્રેમ છે. કદી  પર્વતમાંથી વહેતું ઝરણું નિહાળ્યું છે? કેવું મસ્તીમાં વહે છે. શું ખબર છે તેને તે કઈ દિશા તરફ આગેકૂચ કરી રહ્યું છે. યા તો તેને તેની ગતિ નું ભાન છે ? છે તેને કોઇ રંગ યા સ્વાદ ? છતાંય ખળ ખળ ખળ વહે છે. મારગડે આવતા પથ્થર, કાંકરા યા ઝાડી સાથે કોઈ સંબંધ નથી. તેનાથી તે મલિન પણ થતુ નથી. તેનું સૌંદર્ય માણવું તે એક અલૌકિક લ્હાવો છે. બસ આવું જ કાંઇક પ્રેમ વિશે કહી શકાય.

પ્રેમને શાની ઉપમા આપીશું! પ્રભુની કે પ્રેયસીની? પ્રેમ તો તે બંનેથી પર છે. પ્રેયસી રૂઠે યા ત્યજે. પ્રેમ એક પક્ષી છે. તે ન રૂઠે ન ત્યજે. તમે આપો ન આપો તે અવિરત વહે. કોઈ બદલાની ભાવના નહી. કોઈ બંધન નહી.પ્રેમમા પ્રભુમય થવાય. પ્રભુ રીઝે કે નહી તેની પરવા નહી. માગ્યા ફળ મળે કે નહી તેની નારાજગી નહી. કોઈ સોદાબાજી નહી. પ્રેમથી શ્રધ્ધા અને ભક્તિ બંને વધે.

આ વખતે ‘પ્રેમ’ ઉપર લખવાનું મુખ્ય કારણ છે. માતૃભૂમિ પ્રત્યે આદર અને પ્રેમ. ભારત યાત્રા દર વખતે આનંદદાયક રહી છે. આ વર્ષે તે અનોખી રહી. કદી ન મળેલાં મિત્રોની મુલાકાત રસપ્રદ અને પ્રેમ છલકતી.આંખમાં સ્નેહ અને હૈયે ઉમળકો. તેથી વધારે શું જોઈએ? આ જીવનમાં પ્રેમની ઉણપ એ કરૂણ કથની છે. તેથી પ્રેમ ભરેલા માનવી મળ્યા નો આનંદ અનેરો છે. નામ લખીશ તો યાદી ખૂબ લાંબી છે. સહુને સ્નેહ અને આભાર. જેને કારણે નાના, મોટા, નાપસંદ પ્રસંગોની કોઈ  દ્વિધા મનને સતાવતી નથી. જે જીવનમાં ગૌણ બની જાય છે. જીવનને રસમય અને કિમતી બનાવવા માટે તે પ્રસંગોની આવશ્યકતા નકારી ન શકાય. ગરમી પડે ત્યારે ઠંડીની અગત્યતા સમજાય. ધોધમાર વરસાદમા છત્રી અચૂક યાદ આવે !

અજાણ્યા રાહદારી  હસી ખુશીથી વાત કરી દિલનું દર્દ બાંટે  એ ખરેખર આપણા દેશની કમાલ છે. તેમાં ઉમરને કોઈ બાધ આવતો નથી. બેંગ્લોર જ્યાં ૧૬ વર્ષ પહેલાં ‘યોગ’ વિષે અભ્યાસ કર્યો હતો ત્યાં ફરીથી જવાની અંતરની અભિલાષા પૂરી કરી. ખૂબ શાંતિ પ્રિય રમણિય સ્થળ. જાણે ૫૦ વર્ષ પહેલાંના ભારતમાં હોઈએ તેવું લાગે.

સ્વામી વિવેકાનંદ, પૂ.રામકૃષ્ણ પરમહંસ અને શારદામણીનો જ્યાં ત્રિવેણી સંગમ થયો હોય એવું પવિત્ર સ્થાન.’ એસ. વ્યાસ યુનિવર્સિટિ’માં અનેક વ્યક્તિઓને મળી. આનંદ પૂર્વક ૨૦ દિવસ ગુજાર્યા. સાચું કહું તો ‘ભારત દર્શનની’ ખેવના પૂરી થઈ. જુવાન, અબાલ વૃદ્ધ સહુની સાથે વાત કરવાનો મોકો મળ્યો. તેમની લાગણીનો અનુભવ અને સમસ્યાના ઉકેલ કાજે સક્રિય બની. ખરા ‘ભારત’ની ઓળખાણ પામી.  એક એવા નતિજા પર આવી જેને હું વર્ષોથી સમર્થન આપતી આવી છું’.

” મારું ભારત ગામડાંમાં ધબકે છે. શહેરોમાં તો અમેરિકા અને ઈગ્લેંડ દેખાય છે.” તમે પણ કદાચ આના પર મંજૂરીની મહોર મારશો ?અમદાવાદના એરપૉર્ટ પર પ્રથમ વાર ઉતરી. જન્મ મુંબઈમાં અને ઉછેર પણ ત્યાં. લગ્નના ૧૨ વર્ષ પછી અમેરિકા. જેણે અમદાવાદ સ્વપનામાં પણ જોયું ન હોય ત્યાં અનહદ પ્રેમ મેળવી મન પુલકિત થયું. બાળપણથી અમદાવાદ વિષે જાતજાતની વાતો સાંભળી હતી. અનુભવ તેથી વિરૂદ્ધ થયો. ગમે તેમ તો ગુજરાત, જે હિંદનો એક ભાગ તેની ગૌરવશાળી પ્રતિભાથી છલકાય તેમાં નવાઈ શું? જે પ્રાંતે પૂ.મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્રી મોરારજી દેસાઈ અને આપણા લાડીલા વડા પ્રધાન શ્રી.નરેન્દ્ર મોદીને જન્મ આપ્યો હોય તે પાવન ભૂમિને પ્રણામ.

પ્રેમ માત્ર અમદાવાદમાં પામી એવું નથી. મારું જન્મ સ્થળ મુંબઈ, ગુજરાતમાં આવેલું નાનું મજાનું ફણસા ગામ, પૂના,બેંગ્લોર અને આણંદ. દરેક સ્થળે આદર અને આવકાર મળ્યા. આનું માત્ર એક કારણ સ્પષ્ટ જણાય છે. ‘જેવી દૃષ્ટી તેવી સૃષ્ટી.’જીવનના એવા મુકામે પ્રભુ કૃપાથી આવી ઉભી છું, કે ક્યાંય ખામી જણાતી નથી. સર્જનહારની આ અપ્રતિમ  કૃતિ ખૂબ લાવણ્યમય દીસે છે. કોઈ પણ સ્થળ યા તેની આજુબાજુની સૃષ્ટી સઘળું નયન રમ્ય ભાસે છે. કુટુંબીજનોને મળવાનો અણમોલ લહાવો માણ્યો. નવા મિત્રો બન્યા. જૂના વચ્ચે પ્રેમનો સેતુ મજબૂત બન્યો. કેટલાક મિત્રો સાથેની મૈત્રી ૬૦ વર્ષથી ઉપર છે. માત્ર પ્રેમનો સેતુ કાચા સૂતરના તાણાવાણાથી વણાયેલો છે. જે ૨૧મી સદીના ચીનની બનાવટ યા કમાલ નથી!

આ પૃથ્વીમા અવતરનાર દરેક મનુષ્ય સાચા પ્રેમનો અધિકારી છે. જો ન પામે તો આ જીવન ધિક છે.જેઓ પામ્યા તેમના જેવું કોઈ શ્રીમંત નથી. પ્રેમને હીરા, મોતીથી ન તોલશો!  તિજોરીમાં સંઘરેલ નોટોની થપ્પીનું તેની પાસે કોઈ મૂલ્ય નથી. તે હવાથી હલકો છે. તે પૃથ્વીથી ભારે છે. બસ પ્રેમ કર્યે જાવ. કોઈ અપેક્ષા વગર————

 

One thought on “પ્રેમની ભાષા

  1. પ્રેમ અંગે નવી માહિતી માણી.પ્રેમ સનાતન અને અન્ય ધર્મોનો સાર છે…તેને લવ કહો કે ઇશ્કે હકીકી.

    આ દૈનિક પ્રાર્થના આપને ગમશે

    हे परम प्रियतम पूर्णतम पुरूषोत्तम श्रीकृष्ण। तुम से विमुख होने के कारण अनादिकाल से हमने अनन्तानंत दुःख पाए एवं पा रहे हैं। पाप करते करते अन्तःकरण इतना मलिन हो चुका है कि रसिकों द्वारा यह जानने पर भी कि तुम अपनी भुजाओं को पसारे अपनी वात्सल्यमयी दृष्टि से हमारी प्रतीक्षा कर रहे हो, तुम्हारी शरण में नहीं आ पाता।
    हे अशरण -शरण! तुम्हारी कृपा के बिना तुम्हें कोई पा भी नहीं सकता। ऐसी स्थिति में, हे अकारण करूण, पतितपावन श्रीकृष्ण! तुम अपनी अहैतुकी कृपा से ही हमको अपना लो।
    हे करूणासागर! हम भुक्ति -मुक्ति आदि कुछ नहीं माँगते, हमें तो केवल तुम्हारे निष्काम प्रेम की ही एकमात्र चाह है।
    हे नाथ! अपने विरद की ओर देखकर इस अधम को निराश न करो।
    हे जीवनधन! अब बहुत हो चुका, अब तो तुम्हारे प्रेम के बिना यह जीवन मृत्यु से भी अधिक भयानक है। अतएव

    प्रेमभिक्षां देहि, प्रेमभिक्षां देहि, प्रेम भिक्षां देहि।

Leave a comment