જાગીને જોઉ તો——-૭

૭. ઘરમાં આગમન
——————–

રીનાએ કંસાર રાંધ્યો. હા, રડતે મુખે બધાએ પ્રસાદ લીધો અને શ્રીજીબાબાને વિનંતી

કરી રોહનને જલ્દી સાજો કરે. જો કે એ કોઈના હાથની વાત ન હતી. ” શ્વાસ છે

ત્યાં સુધી આશ છે ! દવામાં તો ખાસ કંઈ નવિન લેવાની ન હતી પણ તેની સરવાર માટે

‘ફિઝિકલ થેરપિસ્ટ’ દરરોજ આવતો. સવાર અને સાંજ બે કલાક તેનું સેશન ચાલતું.

રોહન કશું જ કરી શકવા માટે અશક્તિમાન હતો. અરે, હજુ પોતાની મેળે શ્વાસ પણ લઈ

શકતો નહી. પ્રવાહી ખાવાનું નળી વાટે આપવાનું . જો ડોક્ટર આવે અને સઘળું બરાબર

ન લાગે તો તેને ગ્લુકોઝના બાટલા પણ આપવા પડતાં.

ઘરમાં ૨૪ કલાક બે માણસો રાખ્યા જેથી રોહનને કશી વાતની તકલિફ ન પડે. મારૂતિ અને

રમા બંને હોસ્પિટલમાં પણ તેની કાળજી કરતાં હતાં. જુવાન રોહનની આવી હાલતે તેમનું હૈયું

પણ હચમચી ગયું હતું. ખૂબ પ્રેમ અને લાગણી પૂર્વક તેનું બધું કામ કરતાં. રોહનને ઘરે

લાવ્યા પછી રીના ખૂબ પડી ભાંગી. આટલા દિવસ હોસ્પિટલમાં હતો, રોજની અવર જવરમાં

તેને વિચારવાનો સમય ક્યાં મળ્યો હતો? આ એ જ ઘર હતું એ જ રોહનનો રૂમ પણ રોહન ક્યાં?

હા, તેનું સ્થૂળ શરીર જરૂર ખાટલામાં પોઢ્યું હતું પણ રોહન સંપૂર્ણ પણે અનજાણ.

રીના, “હેં રાજેશ રોહન ક્યારે ભાનમાં આવશે?”

રાજેશ,” રીના પ્રિયે, જેટલી તને ખબર એટલી મને ખબર”. રાજેશ પણ યુવાન દીકરાની

આ હાલત જોઈ પરેશાન હતો.રીના તો રડીને પોતાનું દુઃખ હળવું કરી રહી હતી.એ

કોને કહે? રીનાને , પણ તેથી શું તેનું દુઃખ હળવું થશે ? અરે, રીનાનું દુઃખ વધશે.

રાજેશે ઝેરના ઘુંટડા ગળવામાં જ સહુની ભલાઈ ભાળી. કાંઈ પણ બોલ્યા ચાલ્યા વગર બસ

દરેકને સાંત્વના આપતો અને ઈશ્વરને પ્રાર્થના કરતો.રાજેશને માટે તો અનેકગણી જવાબદારી

ઉઠાવવાનું ભગીરથ કાર્ય નજર સમક્ષ ડાચું ફાડીને ઉભું હતું. રાજેશની હિમ્મત અને રીનાનો

પ્યાર ભર્યો વર્તાવ આ સંજોગોમાં આશિર્વાદ રૂપ પૂરવાર થયા હતા.સવારથી રોહન માટે

તૈયારી ચાલતી. ઘરમાં બે વ્યક્તિ તેની દેખરેખ રાખવા માટે હતા તેથી સવાર સાંજ પાંચ

માણસ અને ઘરમાં કામ કરવાવાળી બાઈ, કપડાં, વાસણ માટેનો એક માણસ. કિંતુ

રીનાના મુખ પર સદા નિખરતું સ્મિત.

ઈશ્વર જ્યારે જીવનમાં કપરા દિવસો દેખાડે છે ત્યારે સાથે સાથે સહન કરવાની શક્તિનું પણ

પ્રદાન કરે છે. તેના રાજ્યમાં જરા પણ આંધાધુંધી પ્રવર્તતી નથી.સ્વાર્થમાં ગળાડૂબ માનવ

હંમેશા પ્રભુને દોષિત ઠરાવે છે.જે સત્યથી જોજન વેગળું છે. રીના અને રાજેશ ,રોહન જીવિત

છે તેનાથી ખુબ ખુશ હતાં.તેના પોતના રૂમમાં,મનગમતા પલંગ ઉપર તેથી વધું શું જોઈએ.

સંપૂર્ણ ધિરજ રાખીને તેની સારવારમાં મશગુલ રહેતાં.આજકાલ કરતા ઘરે આવ્યે છ મહિના

થઈ ગયાં. જ્યારે અચાનક તેની તબિયતમાં ફરક જણાતો ત્યારે ડૉક્ટરોની વણઝાર ચાલુ

થઈ જતી. હોસ્પિટલમાં ‘ચેકઅપ’માટે લઈ જતાં તકલિફ જણાતી પણ તેથી શું ફરક પડે છે ?

ઘણીવાર તેમને થતું ‘હે પ્રભુ આ બાળક તારે શરણે છે’. બસ તેને દુખ ન પહોંચે તે જોજે.

અમને સદાય ધિરજ આપજે જેથી તેની સારવારમાં કચાશ ન રહે.’

દાદા અને દાદી ધિરજ બંધાવી પાછાં બેંગ્લોર ગયા. અંહી રહી તેમને વધારે મુશ્કેલીમાં મૂકવા

માગતા ન હતા. નાના અને નાની ખડે પગે હોસ્પિટલમા સાથે હતા અને ઘરે આવ્યા પછી

દિવસનો એક આંટો જરૂર મારતા. તેમનો જીવ કળીએ કપાતો કિંતુ લાચાર હતા. નાના

જ્યારે આવે ત્યારે ફળોનો કરંડિયો લેતા આવે. નાની શાકભાજીનો થેલો ભરીને આવે જેથી

રીનાને રાહત રહે. રોહન આખો દિવસ ખાટલામાં હોવાથી તેનું શરીર બેહદ ન વધી જાય

તેનું રીના ચોક્કસ પણે ધ્યાન રાખતી. સવાર સાંજ ફળ અને શાકભાજીના રસ પિવડાવવા

સુપ બનાવવા આખો દિવસ અને રાતભર રોહનના વિચારોમાં મગ્ન. “ક્યારે મારો રોહન

પગભેર થઈ કોલેજ જાય.”

આ સપનું તો ઘણું દૂરનું હતું.હાલમાં તો તેનો નિત્ય ક્રમ સરસ રીતે ગોઠવ્યો હતો.સવારના

પહોરમાં મારૂતિ એને બ્રશ કરી મોઢું સાફ કરે. રીના એ સરસ મજાની આદુ,એલચી અને

મસાલાવાળી ચા બનાવી હોય તે નળી વાટે પિવડાવે. હમણાંતો માત્ર પ્રવાહી જ લઈ શકતો.

મારૂતિને રોહન પોતાના બાળક જેવો લાગતો. રમા તેના કપડાં સાફ કરવાના હોય તેનો

ખ્યાલ રાખે. બંને જણા વારાફરતી પોતાનો સવારનો નાસ્તો કરવા જાય જેથી રોહન

પળવાર પણ એકલો ન હોય.

રમા એકલી હતી. ઘણા વર્ષો પહેલાં તેનો વર બીજીના લફરામાં તેને છોડીને જતો

રહ્યો હતો. બે બાળકો હતા.રમા નર્સિંગનું ભણી બંને બાળકોને ભણાવી ગણાવી

પરણાવ્યા. રમાની મહેનત દીપી ઉઠી બાળકો તેમના સંસારમાં સરસ રીતે ગોઠવાયેલાં

હતા. કામ વગર તેને ગમે નહી તેથી આ નોકરી તેને ફાવી ગઈ.રમાને બાકી જીંદગી

એકલાં ગાળવાની હતી તેની ખબર હતી.દીકરી તેના ઘર સંસારમાં અને દીકરો તેના ઘર

સંસારમાં ગળાડૂબ હતા. ઘણીવાર રમાને થતું તેનું કોણ? અંતરાત્મામાંથી જવાબ મળતો.

“ઈશ્વર”.આ દુનિયામાં જે પતિ પર વિશ્વાસ મૂક્યો હતો, જો તેણે વિશ્વાસ ઘાત કર્યો, તો

હવે શામાટે કોઈની પણ આશા રાખવી ? હા, માનવ સ્વભાવને કારણે કોઈક વાર ઓછું

આવી જતું પણ સ્વયં પર કાબૂ લાવી વિચારો બીજી દિશામાં વાળતી. અંતે તેને પ્રભુ શરણમાં

શાંતિ લાધતી. તેને ખબર હતી આ, જીંદગી જીવવી તો પડશે ? બીજો કોઈ ઈલાજ નથી.

તો પછી શામાટે કામકાજમાં વ્યસ્ત ન રહેવું? બની શકે તેટલા સત્કાર્ય કરવા. રોહનની દશા

જોઈ તેને રીના અને રાકેશ પ્રત્યે ખૂબ અનુકંપા જન્મી હતી. તેનો સ્વભાવ જ લાગણીશીલ હતો.

કોઈનું દર્દ જોઈ તેનું હૈયું દ્રવી ઉઠતું. રોહનની હાલત જોઈને તેને થયું આ નોકરી લાંબી ચાલશે.

આમ પણ ઘરમાં એકલી હતી.રીનાને ધિરજ બંધાવાનું કામ પણ આસાનીથી કરતી. રમાને

રોહન ઉપર અંતરથી પ્રેમ સ્ફૂર્યો હતો. જુવાન જોધ છોકરો અકસ્માતમાં સપડાયો હતો.તેની

દિલ દઈને સેવા કરતી.પૈસા મળતા તે ગૌણ હતા. તેનું અંતર કકળી ઉઠ્યું હતું. રોજ પ્રભુને

પ્રાર્થના કરતી ‘રોહન’ જલ્દી સાજો થાય. પણ શું આ શક્ય હતું? રોહનની ઈજા કળી

શકાય તેવી ન હતી.કોને ખબર હતી આમને આમ રોહનના પથારીમાં કેટલા વર્ષ

નિકળશે? કહેવાય છે,’ જ્યાં દવા કામ નથી કરતી ત્યાં દુઆ કામ કરેછે.’ માત્ર ધિરજ

ધરવાની જરૂર હોય છે.

રીનાની સવારથી સાંજ ક્યાં થઈ જતી ખબર જ પડતી નહી. તેના મગજમાં એક જ ધૂન

સવાર હતી.”ક્યારે, મારો રોહન હરતો ફરતો થાય.”સવારથી રોહનને માટે તાજાં ફળોનો

રસ કાઢવો, સૂપ બનાવવા . રોહનને ભાવતી ભાતભાતની અને જાતજાતની વાનગીઓ

બનાવી તેને જ્યુસના રૂપમા ફેરવવાની .રોહને આંખ પણ ખોલી ન હતી. ચાવીને ખાઈ પણ

શકતો નહી. નળી વડે મારુતિ ખવડાવતો. જો મારુતિ બીજા કામમાં રોકાયેલો હોય તો

રમા ખૂબ પ્રેમથી નળી વાટે ખવડાવતી. રીનાને મન થતું પણ નર્સ હોવાને નાતે રમા કરે

તે તેને ગમતું.

રમા અને મારુતિ ઘરના હોય એ જ રીતે વ્યવહાર કરતાં તે બંને કુટુંબમાં એવા હળીભળી

ગયા હ્તાં કે રાજેશ અને રીનાએ નિષ્ફિકર બની તેમના હવાલે ‘રોહન’ સોંપ્યો હતો. તાળી

બે હાથે વાગે. રીના બંનેને ખૂબ સારી રીતે સંભાળતી.

જ્યારે ‘ફિઝિકલ થેરપિસ્ટ ‘ આવે ત્યારે રીના ને રૂમમાં રહેવાની પરવાનગી ન હતી. ગમે

તેમ તો એ’મા’ હતી. અમુક વસ્તુઓ તે જોઈ ન શકે તેથી બારણું બંધ કરી તેની સારવાર

થતી. વળી પાછું એક દિવસ નરમ તબિયતને કારણે ‘મગજના’ ઓપરેશનનો પ્લાન થયો.

રોહનને પાછો પંદર દિવસ હોસ્પિટલમાં રાખવો પડ્યો.

આ્જે રોહન ઘરે આવ્યો. ઓપરેશનથી ખાસ બહુ ફરક ન પડયો. રીના રાજી થઈ,

દીકરો ઘરે આવે ત્યાર કયા માતા પિતા રાજી ન થાય? રોજ સવારે ભગવદ સ્મરણ

કરવા જાય ત્યારે આશા રાખે ‘આજે મારો દિકરો જવાબ દેશે પણ નિરાશા સાંપડે.’

કોને ખબર ક્યારે આંખો ખોલશે ? ધિરજ ભરેલી, સદા મુખ પર હાસ્ય રેલાવતી

રીના દિકરાને આવી હાલતમાં જોઈ અંદરથી દુખી થતી પણ કદી દેખાડતી નહી.

તે જાણતી હતી કે રાજેશના કેવા હાલ થશે ! ખરું પૂછો તો બંને એકબીજાની ચિંતા

વધુ કરતા હતા.

એમ કરતાં સાત મહિના થઈ ગયા, ડોક્ટરોની દોડધામ રોજ નવા નવા રિપોર્ટ પણ

કોઈ ઇંધાણ જણાતા નહી. રાજેશ નાની ઉમરમા મહેનત અને સારી દાનતને કારણે

બે પાંદડે થયો હતો. ધંધામાં તકદીરે યારી આપી હતી. અગમ બુદ્ધિ વાણિયાની માફક

પૈસા સારે ઠેકાણે રોક્યા હતા. કૂદકે અને ભુસકે વધતી મોંઘવારીને કારણે સારે ઠેકાણે

રોકેલા પૈસા ઉગી નિકળ્યા હતા.

માનવ કરતાં કુદરત ઘણી સમજદારી પૂર્વક વર્તે છે. જગ્યાઓમાં અને ધંધામાં

પૈસા સારું વળતર બતાવતા. જેથી રોહનની તજવીજમાં કોઈ કમી ન જણાતી.

રીના પણ “એક રૂપિયાના ત્રણ અડધા લાવે તેવી ઘરરખ્ખુ ગૃહિણી પૂરવાર થઈ.’

રોહનને ક્યાં કોઈ ફરક પડતો હતો? તેને ક્યાં ભાન હતું કે તે કઈ પરિસ્થિતિમાંથી

પસાર થઈ રહ્યો છે. કર્મ કરવાનું મનુષ્યના હાથમાં છે. કોઈ પણ કર્મ ફળ આપ્યા

વગર શાંત રહી શકતું નથી. મોટે ભાગે રીના ઘરમાં રહેતી હોવાથી “ગીતા”નો

અભ્યાસ ચાલુ કર્યો હતો. જેના કારણે તેના વિચાર અને આચરણમાં ઘણું પરિવર્તન

જણાતું. રાજેશને પણ રાતના સમયે સમજાવવામાં સફળતા મેળવી રહી હતી. બંને

પતિ પત્ની એક બીજાના પૂરક થઈને આવેલ સમયમાં શક્તિ કેળવી શકતા. બીજી

વ્યક્તિ ઢીલી ન થાય તેનું સહ્રદય પૂર્વક નિરિક્ષણ કરતાં.

દીકરી રીયા ઘણી સમઝુ હતી. રોય જેમ પોતાની મમ્મીની કાળજી કરતો તે પ્રમાણે રાજેશ

સાથે ખભે ખભો મિલાવી તેની પડખે રહેતો.પિતા ગુમાવ્યાની ખોટ પૂરવાનો પ્રયત્ન રહેતો.

રવીવારની સાંજ હતી બધા બાલ્કનીમાં બેઠાં હતાં. રોહન ભલેને બોલે કે ચાલે નહી પણ તેની

હાજરી ખૂબ સુખપ્રદ જણાતી. જાણે સમજતો નહોય ? વાતોનું કેંદ્ર હંમેશા રોહન બની જતો.

તેના મુખ પરથી એવું જણાતું જાણે તે બધું સમજે છે .પ્રત્યાભાવ આપી શાકવા તે અસમર્થ હતો. જ્યારે

હસતો યા કિસ આપવાની ચેષ્ટા કરતો ત્યારે રીના આનંદથી ઝુમી ઉઠતી. પળભર વિસરી જતીકે

રોહન આ બધું સમજવા કે તેનો જવાબ આપવાની ક્ષમતા ધરાવતો નથી.

ડોક્ટરો પણ બધું સમજાવવા અશક્તિમાન હતા. બસ એમ લાગતું કે કળિયુગમાં પ્રભુ કોઈ ચમત્કાર

કરે! ===================

2 thoughts on “જાગીને જોઉ તો——-૭

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: