મૈત્રી  

મૈત્રી શબ્દ કાને પડતાં સંગીતના સૂર સંભળાય છે. આજે ઝરુખામાં બેઠી હતી ને ૬૫ વર્ષથી જે મૈત્રી અકબંધ છે એવી મિત્રના ફોનની ઘંટડી રણકી !

રોજનો ઝરૂખામાં બેસવાનો ક્રમ , સ્વ સાથે તાલ છેડવાની મઝા આજે માણવી મુશ્કેલ હતી.અનરાધાર વર્ષાની હેલી થંભવાનું નામ લેતી નહી. બાલ્કનીમાં બેઠી અને વર્ષાની ઝાપટે ભિંજાઈ. થોડો  સમય ગમ્યું પણ પછી બિમાર પડવાની તૈયારી ન હતી તેથી કમને ઘરમાં આવી. કપડાં બદલ્યા. ગરમા ગરમ ચા પીધી અને ખુરશી બારી પાસે ખસાડીને બેઠી.

અંદર હું, તેથી બહારનું દૃશ્ય જોવાની મજા માણી રહી. આ ગગનના વાદળો ધરતીને કેટલો પ્રેમ કરે છે. જરા સમજીને પ્રેમ કરતા હોય તો ? હસી પડી .  પ્રેમ કાંઇ પૂછી ને થાય? પ્રેમને કાંઈ સિમાડા હોય? પ્રેમ નિઃસ્વાર્થ હોય !  પ્રેમ તો બસ થઈ જાય.  વાદળાને ક્યાંથી સમઝણ હોય ! માનવી થોડાં છે? ભાર સહન ન થાય એટલે ન રાત જુએ ન દિવસ, જરૂરત છે કે નહી ની તેમને ક્યાં ગતાગમ છે. તેથી તો રણને સુકાં ભઠ્ઠ રાખે છે ને બધે સરખાં વરસતા નથી.

ક્યાંક જોઈએ તો પાણીની તંગી. અમુક જગ્યાએ જળબંબાકાર. હજુ ગયા મહિને જ હ્યુસ્ટનમાં એક દિવસમાં ૨૦ ઈંચ વરસાદ વરસ્યો. તોબા રે તોબા ! ચાલો આપણે સામાન્ય વાત કરીએ. આપણને ભગવાને વિચાર શક્તિ આપી છે. બધા તેનો ઉપયોગ કરે છે તેની ખાત્રી ન આપી શકાય. આજે આ ગગનમાં ટહેલી રહેલાં વાદળા, રાતના ટમટમતા તારલાં, પૂનમનો કે બીજનો ચાંદ, ઝબૂકતી વિજળીના ઝબકારા, સાત ઘોડાના રથ પર સવાર સૂરજ અને રંગબેરંગી મનમોહક રંગનું મેઘધનુ. આ બધું નિરખવાનો સમય કોની પાસે છે? એ સમય કાઢીશું તો જીવન હર્યુ ભર્યું બની લહેરાઈ ઉઠશે. રોજ સવાર પડે ને સાંજ એ જ જીવનની ઘટમાળ. શું પામ્યા?


ચાંદ, તારા, સૂરજ, વાદળાં અરે પેલી ઝબુકતી વિજળી પણ જાણે એક કુટુંબના સભ્ય ન હોય તેમ આભમાં વસી રહ્યા છે. મિત્રતા ગણો તો તેપણ કેટલી ગાઢ ! તેઓ જાણે છે ‘સંપ ત્યાં જંપ’. તેવું જ માનવ જીવનમાં પણ છે. જ્ન્મતાની સાથે ‘કુટુંબ’ આપો આપ મળે છે. પ્રેમ સતત વહે જાય છે. તેમાં ભરતી ઓટ આવે પણ કદી સૂકાઈ ન જાય. જો કદાચ સ્વાર્થ અને અહં સામસામે ટકરાય તો તે પણ શક્ય બને. ખાસ યાદ રાખવું હિતાવહ છે. “ડાંગે માર્યા પાણી જુદા ન થાય” અને લોહી હમેશા પાણી કરતાં વધારે ઘનતા ધરાવે છે !

દિમાગમાં વિચારોનું વાવાઝોડું ચાલતું હતું, ફોનની ઘંટડી એ ધ્યાન ભંગ કર્યું. મિત્ર સાથે વાત કરતાં કરતાં જીવનમાં મૈત્રી શું સ્થાન ધરાવે છે તે વિચાર ઝબક્યો. જીવનમાં મૈત્રીનું સ્થાન મહત્વનું છે. વાત ટુંકાણમાં પતી ગઈ. વિચારો પીછો છોડતા ન હતાં.

‘મૈત્રી’  કેવી કૃષ્ણ અને સુદામા જેવી? કેવો મધુર શબ્દ છે. નસિબદાર હોય તેને  જીવનમાં સુંદર મિત્રો પ્રાપ્ત થાય છે. મૈત્રી ભાવનાથી ભરપૂર જે સ્વાર્થની દુર્ગંધથી લાખો જોજન દૂર હોય ! શું મિત્રતા અને દુશ્મની એક સિક્કાની બે બાજુ છે? મારા હિસાબે નહી પણ સાંસારિક વાતાવરણ જોતાં તેના ગર્ભમાં  સત્ય ભંડારાયેલું  છે.

જે આજે તમારા મિત્ર હોવાનો દાવો કરે છે એ કદાચ કાલે તમારા દાના દુશ્મન થાય તો નવાઈ ન લાગે. તે પણ કેવી મામૂલી ચીજ માટે ! તે કદાચ તુચ્છ અહંકાર હોઈ શકે યા બેરહમ પૈસો ! કિંતુ એક વસ્તુ સદા યાદ રહે દુશ્મન ‘દાનો’ જે મૈત્રી દરમ્યાનની વાતોનાં રણશિંગા ન ફૂંકે. તેને સાદી  ગુજરાતી ભાષામાં ગદ્દારી કહેવાય.

મૈત્રી કરવી આસાન છે. મૈત્રી નિભાવવી એ કૌશલ્ય માગી લે તેવી વાત છે. એમાં ‘હું’ ગૌણ બની જાય છે.
મૈત્રીની વચ્ચે એક ખૂબ પાતળી રેખા છે. એ કદી ઓળંગવાનો પ્રયત્ન ન કરવો. મિત્રની નબળાઈ છતી ન કરવી. ખૂબ કુનેહ પૂર્વક તેમાં તેની લાગણી ન દુભાય તેનો ખ્યાલ રહે! નબળાઈ દરેક વ્યક્તિમાં હોય એ સ્વાભાવિક છે.

એ લક્ષમણ રેખા એટલે મિત્રની જાતિય જીંદગીમાં દખલ ન દેવી. આ એક એવી રહસ્યમય વાત છે. કે સામે વાળી વ્યક્તિ કળી નથી શક્તિ ક્યારે એ લક્ષ્મણ રેખા પાર કરે છે. કદી મિત્ર પર સાચું યા ખોટું આળ ન ચડાવવું. પ્રશ્ન હોય તેનું નિરાકરણ કરવું.આપસમાં માન અને સન્માનનું ધ્યાન રાખવું. આ બધું અઘરું નથી. લખીએ ત્યારે ભારેખમ લાગે બાકી સરળ અને સહજ વર્તન મુશ્કિલ નથી.

‘જો તમારી પાસે કોઈ ચપ્પુ માગે અને તમે તેને મુઠ પકડાવો છો કે ધાર  એ તમારી મૈત્રીની અગ્નિ પરીક્ષા છે.’  જો ધાર આપશો તો તમે તમારી જાતને મહત્વ આપ્યું એ સૂચવે છે. જો મુઠ આપશો તો તમે મિત્રની સુરક્ષાના આગ્રહી છો એ સાબિત થશે.’ સાધારણ કાર્ય પણ તેમા કેટલો ગુઢ સંદેશ !

મિત્રતા હંમેશા લાગણી સભર હોય. જે મૈત્રીનો આત્મા છે. મિત્રતાના પાયામા હું’ ગૌણ છે. ‘તું’ છે તો હું સાથે સરવાનો. મૈત્રીના વર્તુળનું મધ્ય બિંદુ ‘હું’ નથી. ‘મિત્ર’ છે. જે તેના પ્રત્યેનો પ્રેમ ભાવ અને આદર વ્યક્ત કરે છે.  મિત્રતામાં સ્વાર્થ અને પૈસો પ્રવેશે છે ત્યારે તેનું પતન નિશ્ચિત છે.

જ્યારે શત્રુતા યા દુશ્મનીમાં તેનાથી વિરૂદ્ધ છે. ‘સહુ ભાડમાં જાય મને ઉની આંચ ન આવવી જોઈએ.’ મિત્રતા અભયની જન્મદાત્રી  છે. દુશ્મની સદા શંકા કુશંકાથી ઘેરાયેલી હોય છે. મનની શાંતિને હણે છે.

મિત્રતા કરવી ખૂબ સરળ છે. ખરી પરીક્ષા તેને નિભાવવામાં છે. મિત્રતામાં પ્રથમ આવે છે અહંકારનો ક્ષય. વિશ્વાસ એ તેના જડમૂળમાં જડાયેલો છે. અવિશ્વાસની લહેરખી પાસેથી ગુજરી શકતી પણ નથી. શંકા ને તો સ્થાન જ નથી!

કહેવાય છે જૂનું તે સોનું. જૂના મિત્રો સોના જેવા નવા હીરા જેવા. યાદ રહે હીરાને જડવા સોનાની આવશ્યકતા છે.

એક પ્રસંગ અંહી જણાવીશ. મિત્રની બાબતમાં ઇશ્વરે ખૂબ કૃપા કરી છે. એક વખત બીજા મિત્રને ઈર્ષ્યા આવી. મને મારા મિત્ર માટે ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો. ‘મેં તરત જ જવાબ આપ્યો, મને મારા મિત્ર ઉપર ગળા સુધી વિશ્વાસ છે. જો હું એના ખોળામાં માથૂ મૂકીને સૂતી હોંઉ અને મારું ગળુ કાપે તો એમ માનીશ કે તેમાં જરૂર મારું કંઈક ભલું તેના દિલમાં હશે.’ જે વ્યક્તિએ મને કાંઈ કહેવું હતું તેનો એક શબ્દ બોલ્યા વગર  વિદાય થઈ ગયો.

“વિશ્વાસ, ભરોસો અને શ્રદ્ધા એ મિત્રતાના લક્ષણ છે.” મિત્રતામાં ‘ગુણ યા અવગુણ’ પર ઢાંક પિછોડો નથી હોતો. માત્ર તે સહી લેવાની ક્ષમતા ધરાવે છે. યથા સમયે તેનો ઉલ્લેખ કરી જીવનનો સાચો રાહ દર્શાવે છે.

બાકી તાળી મિત્રો, પાર્ટી મિત્રો અને સ્વાર્થ સાધવાવાળા મિત્રોની તંગી નથી. મૈત્રીમાં મારું, તારું નથી હોતું. મૈત્રી એક અહેસાસ છે. અનુભવ છે. મૈત્રી જીવનની વીણાનું સરતું  સૂરીલું સંગીત છે.

One thought on “મૈત્રી  

  1. ..મૈત્રીમાં મારું, તારું નથી હોતું. મૈત્રી એક અહેસાસ છે. અનુભવ છે. મૈત્રી જીવનની વીણાનું સરતું  સૂરીલું સંગીત છે…વાતે યાદ આવે–

    ઋષી પતંજલીએ કહ્યું છે કે મૈત્રી કરુણા મુદિતા ઉપેક્ષા મૈત્રીભાવ રાખવો. મૈત્રીભાવ એટલે શું માત્ર મિત્રતા નહીં, પરંતુ મિત્રતા ના દુખમાં દુ:ખીને, મિત્ર સુખમાં સુખી થવું, સારાહના કરવી મિત્રો વચ્ચેનું ઐકય આત્મીયભવ ઈર્ષા નહીં. કરૂણા:- એટલે માત્ર દયા નહીં

    વિપશ્યના સાધના દરમિયાનનુ પ્રવચન યાદ આવે-‘ગેરમાર્ગે દોરાએલા વ્યક્તિઓ પાસે નૈતિકતા, મૈત્રી, કરુણા અને સદભાવનાનો છાંટો પણ ના હોય તેવું બની શકે છે અને છતાંય તેઓ એવી ધારણા હેઠળ રહેતા હોય કે તેઓ ધાર્મિક વ્યક્તિ છે કારણ કે તેઓએ અમુક કર્મકાંડ કરી લીધા છે અથવા કારણ કે તેમને અમુક માન્યતામાં સંપૂર્ણ વિશ્વાસ છે. તેઓ હકીકતમાં તો પોતાને ભ્રમિત કરી રહ્યા હોય છે અને ધર્મના ખરા સારના અભ્યાસનું અમૃત ખોઈ રહ્યા હોય છે.

    યાદ આવે

    મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે;

    શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે ꠶ટેક

Leave a comment