હોસ્પિટલના નાના કમરામાં બસ ક્યારે ઉંવા ઉંવા સંભળાય તેની ઈંતજારી હતી. જે સ્ત્રી નવજાત બાળકને જન્મ આપવાની તૈયારીમાં હતી, તેનો દર્દનાક અવાજ ઓરડામાં ઘુમરાઈ રહ્યો હતો. અસહ્ય યાતનાથી ચીસો નાખતી તપસ્યાનું દર્દ ડોક્ટર તથા નર્સથી જોઈ શકાતુ નહતું. તેનો પતિ ભાગવત તો, આ દૃશ્ય જોઈ શકતો ન હતો.
પોતાની જાતને કોસી રહ્યો, ” શામાટે તપસ્યાને આવી હાલતમાં મૂકી”? જો કે આ ફેંસલો બન્ને નો હતો . લગ્નને સાત વર્ષ થયા બન્નેને બાળકની તીવ્ર ઝંખના હતી.
‘ધન્ય છે, સ્ત્રીજાતને જે બાળકને નવ મહિના પેટમાં પોષે છે. અંત સમયે અકથ્ય વેદનાનોનો સામનો કરી છૂટકારો પામે ત્યારે તેનું વદન કમળ આનંદથી ઉભરાતું જણાય છે. ‘ વેદનાનો અવાજ શાંત થયો અને થોડીવારની શાંતિ પછી વાતાવરનમાં ઉંવા, ઉંવા ગુંજી રહ્યું. કેટલું કષ્ટ વેઠ્યું હતું ? બે દિવસથી તપસ્યા, હોસ્પિટલના ખાટલામાં હતી. કોને ખબર કેમ તેને ‘સિઝેરિયન’ કરાવવાનો ખૂબ ડર હતો. ભલેને અનહદ વેદના સહેવી પડે તેના માટે તે તૈયાર હતી.
જેવું એણે ‘શ્લોક’નું સુંદર મુખડું જોયું કે તેનું બધું દર્દ ગાયબ થઈ ગયું. દર્દ વિસરી ગઈ પણ અશક્તિ !
શ્લોક પણ જાણે ડાહી ડમરી ન હોય તેમ રડવાનું નામ લેતી નહી. જેમ માને તકલિફ પડી તેમ તેને પણ ઘણો ત્રાસ સહ્યો હતો. તે ખૂબ થાકેલી હતી. આખો દિવસ બસ નર્સ પિવડાવે એ દૂધ પીને સૂઈ રહેતી. શ્લોક જ્યારે સૂતી હોય ત્યારે તપસ્યા તેને પોતાના રૂમમાં રાખતી. તેને નિરખતાં ધરાતી નહી.
જે પારેવડાને નવ મહિના ઉદરે પોષી હતી તે બાજુમાં ઘોડિયામાં સૂતી છે. તેને ગોદમાં લેવા તરસી રહી હતી. અશક્તિ પુષ્કળ હતી. ધિરજ ધરવાની હતી. શ્લોકને ગોદમાં લેવાની તેને અમૃત સમાન દૂધનું પાન કરાવવાની પ્રબળ ઈચ્છા હતી. ક્યારે ડોકટર હા પાડશે !
તપસ્યા અને ભાગવતે ખૂબ મહેનત કરી ત્યારે આ ફળ મળ્યું હતું. જોકે ભાગવતના માતાજીને દીકરો જોઈતો હતો. હજુ મારા ભેજામાં નથી ઉતરતું કે , તપસ્યા સ્ત્રી, ભાગવતની માતા પણ સ્ત્રી તો પછી દીકરા માટે નો આગ્રહ શામાટે? તપસ્યાના પણ મનમાં દીકરાની ખ્વાઈશ હતી. માત્ર ભાગવત જાણતો હતો. છતાં પણ દીકરી શ્લોકને જોઈ તેને આનંદ થયો હતો.
ડોક્ટરે બે દિવસ દૂધ આપવાની ધસીને ના પાડી. ‘પહેલાં તમારામાં શક્તિ આવવા દો, પછી વાત.’
આજે તપસ્યાને એમ લાગ્યું કે એનામાં થોડી શક્તિ આવી છે. શ્લોક ત્રણ દિવસની થઈ. ડોક્ટરે, તપસ્યાની હાલત જોઈ. “આખરે” ડોક્ટરની હાજરીમાં તપસ્યાને, પહેલીવાર ‘શ્લોક’ને તેની ગોદમાં લેવાનો લહાવો મળ્યો !