શ્રદ્ધા વગર કરેલું કોઈ પણ કાર્ય ધાર્યું પરિણામ ન આપી શકે !
વિરહીજનોની યાદ, કાયમ હેરાન પરેશાન કરે. આ શ્રાદ્ધના
દિવસોમાં તો ખાસ.
ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ અમાસ, શ્રાદ્ધના આ ૧૬ દિવસ.
દરેક વ્યક્તિ આ સોળ દિવસની અંદર પોતાનું પાર્થિવ શરીર ત્યજી
અજાણી યાત્રા પર નિકળી પડે છે. તેમને મારગનો ચીંધનાર મળી
રહે છે. કોણ ? એ પ્રશ્ન અનુત્તર છે.
ગુરુનાનક્ની ખૂબ યાદ આવે. શ્રાદ્ધ દરમ્યાન કોઈ હિંદુ પિતૃઓને
જલ અર્પણ કરતો હતો. જો સ્વર્ગ સુધી પાણી પહોંચે તો મારું ખેતર
બે ગઉ દૂર છે ત્યાં હું પાણી પહોંચાડીશ.
શ્રાદ્ધ એ ભાવના અને શ્રદ્ધાનો વિષય છે. એ દિવસો દરમ્યાન સહુને
યાદ કરી કંઈ સત્કર્મ થાય. કોઈની આંતરડી ઠરાય. કોઈ ભુખ્યાને
અન્ન અપાય. તો આપણને આત્મસંતોષ થાય. જનાર વ્યક્તિ તો
ગયા. નથી તેમનો કોઈ કાગળ કે નથી કોઈ સમાચાર.
માત્ર તેમની સુહાની યાદો યાદ કરવાની. આ સનાતન નિયમ છે. એમાં
કોઈ ફરક પડવાનો નથી. આમાં કોઈ અંધ શ્રદ્ધાને અવકાશ પણ નથી.
ખાલી હાથે આવ્યા હતા, ખાલી જવાના. જો આ દિવસો દરમ્યાન આપણે
” તેરા તુજકો અર્પણ “ની ભાવના સાથે કોઈ સારું આચરણ કરીશું તો
મનને શાતા જરૂર મળશે.
બાકી આપણે પણ એ જ માર્ગે આગળ ધપી રહ્યા છીએ. આજે અંહી
કાલે કહીં ? કોને ખબર ? આ દિવસો દરમ્યાન કોને યાદ કરું અને કોને
ન કરું ? સહુને વંદન. ભાવ ભરી મીઠી મધુરી યાદો દિલમાં જતન પૂર્વક
જાળવી રહી છું.
અંતરમાં યાદોનો ઘુઘવતો સાગર છે
દિલમાં પ્રેમની ગંગા ખળખળ વહે છે
જીવન રાબેતા મુજબ ગુજારી રહ્યું છે
સર્જનહાર તેની કૃપા સદા વરસાવે છે
તમારુ લખાણ ઉચ્ચતર થઈ રહ્યું છે. આજે મારી આંખે એક શબ્દ ભૂલ ચડી તો એ ભૂલી જાઉ એ પહેલાં બાતાવી દૌ! ખાલી હાથે આવ્યા હતા, ખાલી ????? જવાના