સહેલું નથી

એમ કોઈને ભૂલવું સહેલું નથી

તૂટેલા કાચને જોડવું સહેલું નથી

*

દિલમાં જગ્યા પામવી સહેલી નથી

પામ્યા પછી નિકળવું સહેલું નથી

**

પ્રેમ તો બસ અજાણતાં થઈ જાય

થયા પછી વિસારવો સહેલો નથી

**

ઘા તલવાર કે છરીને હોય તો મટે

વાણીથી કત્લ રુઝાય સહેલું નથી

**

સ્પર્શની મૃદુતા હ્રદયને હચમચાવે

નયનો સ્પર્શ ઉચાપાત સહેલો નથી

**

પડછાયો કદી સાથ છોડતો નથી

શ્વાસ સાથ છૂટે અંત સહેલું નથી

પરિચય

પરિચય મારો તમે પૂછો છો ?

*

શું કહું મને વર્ષોથી ઓળખો છો .

*

હજુ હું મને નથી ઓળખી શકી

*

ત્યાં તમને શું મારો પરિચય આપું

*

માતા પિતાને પ્રણામ પૃથ્વી પર લાવ્યા

*

સમજુ જાણું પહેલાં ભાઈ બહેન બતાવ્યા

*

પ્રેમની ગંગામાં બોલતા વાંચતા શીખી

*

લખીને ગુજરાતી, ગણિત ગણતાં શીખી

*

મને ક્યાં હજુ ‘હું’ મળી શકી છું

*

હા દીકરી છું કહ્યું એટલે માન્યું

*

ભણી, ગણી. પરણી, મા, દાદી બની

*

હજુ મને મળવાની તક મળી નથી

*

અવનવી કલા શીખી ‘હું’ ક્યાં આવી ?

*

રોજ રાતના સૂતા પહેલાં વિચારું

*

ચાલ આજે મને ચોક્કસ મળું

*

મળતા પહેલા નિંદરને ખોળે સરું

*

ઊઠીને રોજની એજ રામાયણ શરું

*

હંમેશા મુજથી દૂર દૂર રહું

*

પ્રેમની ભાષા

આ વાત અત્યારે કેટલી નાદાનિયત ભરેલી લાગે છે. એ દિવસો બચપનના હતા. એ મસ્તી, એ નિસ્વાર્થતા આજે ક્યાં ગાયબ થઈ ગયા કોને ખબર? હ્રદયમાં ભંડારેલો પ્રેમ પુખ્ત બની પાંગરી રહ્યો છે. તે વખતનો પ્રેમ અને પ્રેમ વિષેની વ્યાખ્યા ઝરૂખામાં બેસી માણવાની એક મઝા હતી. આજે એ વાત ખૂબ ઉંડાણથી વિચારી, તેની ગહરાઈમાં ડૂબકી મારી મરજીવાની માફક મોતી અને પરવાળાં  મેળવવા જેવી લાગે છે.

એ પ્રેમ જેની માત્ર અનુભૂતિ રોમ રોમમાં પ્રસરી જાય છે. પછી ભલે એ વ્યક્તિ માટે કે વસ્તુ કાજે હોય. તેમાં ય જ્યારે એ પ્રેમ અને પ્રિતી સર્જનહાર કાજે હોય તો તે અલૌકિક આનંદનું વર્ણન ખૂબ અદભૂત હોય. નિઃસ્વાર્થ પ્રેમ અને તેની સાથે સંકળાયેલી હર એક ચીજ હ્રદયને પુલકિત કરે છે.

દુનિયાના કોઈ પણ ભગમાં ઝરૂખામાં બેસીને નિહાળશું તો એ જ આકાશ, વાદળાં, સૂરજ, ચાંદ અને તારલા નજરે પડશે!

નિહાળનારની દૃષ્ટી તેમાં મહત્વનો ભાગ ભજવે છે. પિયા મિલનની આશવાળીને પૂનમનો ચંદ્રમા સોળે કળાએ રિઝવી  તેનું  હૈયુ હિલોળે ચડાવશે. જ્યારે વિરહણીને અંગ અંગ દઝાડશે.પ્રેમનું વર્ણન ક્યાંથી શરૂ કરું?  જેને નથી  આકાર કે જે નથી  સાકાર. જેને નથી સુગંધ કે જેને નથી સ્વાદ. નિરાકાર અને રંગ વગરનો છતાંય અલૌકિક અને અદભૂત. જેનું વર્ણન અશક્ય નહી પણ નામુમકીન. પ્રેમની પવિત્રતાની શું વાત અંગે અંગ જેની અનુભૂતી થાય. જેના સ્પર્શની કલ્પના માત્રથી  સ્પંદન અનુભવાય છતાં અભડાય નહી. પ્યાર, જ્ઞાન અને બુધ્ધિથી પર છે. પ્રેમ એ એક એવી સ્થિતિ છે કે જે તમને  ભલુ કરવા પ્રેરે યા બૂરું કરવા. બે વચ્ચે તફાવત એટલો કે ભલું કરનાર બીજાને ચાહે છે જ્યારે બૂરુ કરનાર ખુદને.

પ્રેમ તો બસ પ્રેમ છે. કદી  પર્વતમાંથી વહેતું ઝરણું નિહાળ્યું છે? કેવું મસ્તીમાં વહે છે. શું ખબર છે તેને તે કઈ દિશા તરફ આગેકૂચ કરી રહ્યું છે. યા તો તેને તેની ગતિ નું ભાન છે ? છે તેને કોઇ રંગ યા સ્વાદ ? છતાંય ખળ ખળ ખળ વહે છે. મારગડે આવતા પથ્થર, કાંકરા યા ઝાડી સાથે કોઈ સંબંધ નથી. તેનાથી તે મલિન પણ થતુ નથી. તેનું સૌંદર્ય માણવું તે એક અલૌકિક લ્હાવો છે. બસ આવું જ કાંઇક પ્રેમ વિશે કહી શકાય.

પ્રેમને શાની ઉપમા આપીશું! પ્રભુની કે પ્રેયસીની? પ્રેમ તો તે બંનેથી પર છે. પ્રેયસી રૂઠે યા ત્યજે. પ્રેમ એક પક્ષી છે. તે ન રૂઠે ન ત્યજે. તમે આપો ન આપો તે અવિરત વહે. કોઈ બદલાની ભાવના નહી. કોઈ બંધન નહી.પ્રેમમા પ્રભુમય થવાય. પ્રભુ રીઝે કે નહી તેની પરવા નહી. માગ્યા ફળ મળે કે નહી તેની નારાજગી નહી. કોઈ સોદાબાજી નહી. પ્રેમથી શ્રધ્ધા અને ભક્તિ બંને વધે.

આ વખતે ‘પ્રેમ’ ઉપર લખવાનું મુખ્ય કારણ છે. માતૃભૂમિ પ્રત્યે આદર અને પ્રેમ. ભારત યાત્રા દર વખતે આનંદદાયક રહી છે. આ વર્ષે તે અનોખી રહી. કદી ન મળેલાં મિત્રોની મુલાકાત રસપ્રદ અને પ્રેમ છલકતી.આંખમાં સ્નેહ અને હૈયે ઉમળકો. તેથી વધારે શું જોઈએ? આ જીવનમાં પ્રેમની ઉણપ એ કરૂણ કથની છે. તેથી પ્રેમ ભરેલા માનવી મળ્યા નો આનંદ અનેરો છે. નામ લખીશ તો યાદી ખૂબ લાંબી છે. સહુને સ્નેહ અને આભાર. જેને કારણે નાના, મોટા, નાપસંદ પ્રસંગોની કોઈ  દ્વિધા મનને સતાવતી નથી. જે જીવનમાં ગૌણ બની જાય છે. જીવનને રસમય અને કિમતી બનાવવા માટે તે પ્રસંગોની આવશ્યકતા નકારી ન શકાય. ગરમી પડે ત્યારે ઠંડીની અગત્યતા સમજાય. ધોધમાર વરસાદમા છત્રી અચૂક યાદ આવે !

અજાણ્યા રાહદારી  હસી ખુશીથી વાત કરી દિલનું દર્દ બાંટે  એ ખરેખર આપણા દેશની કમાલ છે. તેમાં ઉમરને કોઈ બાધ આવતો નથી. બેંગ્લોર જ્યાં ૧૬ વર્ષ પહેલાં ‘યોગ’ વિષે અભ્યાસ કર્યો હતો ત્યાં ફરીથી જવાની અંતરની અભિલાષા પૂરી કરી. ખૂબ શાંતિ પ્રિય રમણિય સ્થળ. જાણે ૫૦ વર્ષ પહેલાંના ભારતમાં હોઈએ તેવું લાગે.

સ્વામી વિવેકાનંદ, પૂ.રામકૃષ્ણ પરમહંસ અને શારદામણીનો જ્યાં ત્રિવેણી સંગમ થયો હોય એવું પવિત્ર સ્થાન.’ એસ. વ્યાસ યુનિવર્સિટિ’માં અનેક વ્યક્તિઓને મળી. આનંદ પૂર્વક ૨૦ દિવસ ગુજાર્યા. સાચું કહું તો ‘ભારત દર્શનની’ ખેવના પૂરી થઈ. જુવાન, અબાલ વૃદ્ધ સહુની સાથે વાત કરવાનો મોકો મળ્યો. તેમની લાગણીનો અનુભવ અને સમસ્યાના ઉકેલ કાજે સક્રિય બની. ખરા ‘ભારત’ની ઓળખાણ પામી.  એક એવા નતિજા પર આવી જેને હું વર્ષોથી સમર્થન આપતી આવી છું’.

” મારું ભારત ગામડાંમાં ધબકે છે. શહેરોમાં તો અમેરિકા અને ઈગ્લેંડ દેખાય છે.” તમે પણ કદાચ આના પર મંજૂરીની મહોર મારશો ?અમદાવાદના એરપૉર્ટ પર પ્રથમ વાર ઉતરી. જન્મ મુંબઈમાં અને ઉછેર પણ ત્યાં. લગ્નના ૧૨ વર્ષ પછી અમેરિકા. જેણે અમદાવાદ સ્વપનામાં પણ જોયું ન હોય ત્યાં અનહદ પ્રેમ મેળવી મન પુલકિત થયું. બાળપણથી અમદાવાદ વિષે જાતજાતની વાતો સાંભળી હતી. અનુભવ તેથી વિરૂદ્ધ થયો. ગમે તેમ તો ગુજરાત, જે હિંદનો એક ભાગ તેની ગૌરવશાળી પ્રતિભાથી છલકાય તેમાં નવાઈ શું? જે પ્રાંતે પૂ.મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્રી મોરારજી દેસાઈ અને આપણા લાડીલા વડા પ્રધાન શ્રી.નરેન્દ્ર મોદીને જન્મ આપ્યો હોય તે પાવન ભૂમિને પ્રણામ.

પ્રેમ માત્ર અમદાવાદમાં પામી એવું નથી. મારું જન્મ સ્થળ મુંબઈ, ગુજરાતમાં આવેલું નાનું મજાનું ફણસા ગામ, પૂના,બેંગ્લોર અને આણંદ. દરેક સ્થળે આદર અને આવકાર મળ્યા. આનું માત્ર એક કારણ સ્પષ્ટ જણાય છે. ‘જેવી દૃષ્ટી તેવી સૃષ્ટી.’જીવનના એવા મુકામે પ્રભુ કૃપાથી આવી ઉભી છું, કે ક્યાંય ખામી જણાતી નથી. સર્જનહારની આ અપ્રતિમ  કૃતિ ખૂબ લાવણ્યમય દીસે છે. કોઈ પણ સ્થળ યા તેની આજુબાજુની સૃષ્ટી સઘળું નયન રમ્ય ભાસે છે. કુટુંબીજનોને મળવાનો અણમોલ લહાવો માણ્યો. નવા મિત્રો બન્યા. જૂના વચ્ચે પ્રેમનો સેતુ મજબૂત બન્યો. કેટલાક મિત્રો સાથેની મૈત્રી ૬૦ વર્ષથી ઉપર છે. માત્ર પ્રેમનો સેતુ કાચા સૂતરના તાણાવાણાથી વણાયેલો છે. જે ૨૧મી સદીના ચીનની બનાવટ યા કમાલ નથી!

આ પૃથ્વીમા અવતરનાર દરેક મનુષ્ય સાચા પ્રેમનો અધિકારી છે. જો ન પામે તો આ જીવન ધિક છે.જેઓ પામ્યા તેમના જેવું કોઈ શ્રીમંત નથી. પ્રેમને હીરા, મોતીથી ન તોલશો!  તિજોરીમાં સંઘરેલ નોટોની થપ્પીનું તેની પાસે કોઈ મૂલ્ય નથી. તે હવાથી હલકો છે. તે પૃથ્વીથી ભારે છે. બસ પ્રેમ કર્યે જાવ. કોઈ અપેક્ષા વગર————

 

ફેરો સફળ થાય

journey

 

 

 

 

 

વહાલાં શ્રીનાથજી ને

મારા યમુના મહારાણી

મહાપ્રભુજીને દંડવત થાય

લક્ષ ચોર્યાસી  ફેરો સફળ થાય

**

આંખડી ખુલેને ભાળું શ્રીનાથજી

યમુનાષ્ટકનું સુમિરન થાય

લક્ષચોર્યાસીનો ફેરો સફળ થાય

**

આઠે પ્રહર માણું કૃપા શ્રીજીની

અષ્ટાક્ષર કદી ના વિસરાય

લક્ષચોર્યાસીનો ફેરો સફળ થાય

**

ચંપારણ્ય, નાથદ્વારા ને ગોકુળ

જાગતાં, સૂતાં સ્વમાં જણાય

લક્ષચોર્યાસીનો ફેરો  સફળ થાય

**

અલિપ્તતામાં દિલ પરોવાય

જગની માયા છૂટી જાય

લક્ષચોર્યાસીનો ફેરો સફળ થાય

**

અંત ઘડીએ શ્રીજી દર્શન થાય

સ્મિત રેલાવતાં બંધન  ત્યજાય

લક્ષચોર્યાસીનો ફેરો સફળ થાય

**************

 

મૈત્રી  

મૈત્રી શબ્દ કાને પડતાં સંગીતના સૂર સંભળાય છે. આજે ઝરુખામાં બેઠી હતી ને ૬૫ વર્ષથી જે મૈત્રી અકબંધ છે એવી મિત્રના ફોનની ઘંટડી રણકી !

રોજનો ઝરૂખામાં બેસવાનો ક્રમ , સ્વ સાથે તાલ છેડવાની મઝા આજે માણવી મુશ્કેલ હતી.અનરાધાર વર્ષાની હેલી થંભવાનું નામ લેતી નહી. બાલ્કનીમાં બેઠી અને વર્ષાની ઝાપટે ભિંજાઈ. થોડો  સમય ગમ્યું પણ પછી બિમાર પડવાની તૈયારી ન હતી તેથી કમને ઘરમાં આવી. કપડાં બદલ્યા. ગરમા ગરમ ચા પીધી અને ખુરશી બારી પાસે ખસાડીને બેઠી.

અંદર હું, તેથી બહારનું દૃશ્ય જોવાની મજા માણી રહી. આ ગગનના વાદળો ધરતીને કેટલો પ્રેમ કરે છે. જરા સમજીને પ્રેમ કરતા હોય તો ? હસી પડી .  પ્રેમ કાંઇ પૂછી ને થાય? પ્રેમને કાંઈ સિમાડા હોય? પ્રેમ નિઃસ્વાર્થ હોય !  પ્રેમ તો બસ થઈ જાય.  વાદળાને ક્યાંથી સમઝણ હોય ! માનવી થોડાં છે? ભાર સહન ન થાય એટલે ન રાત જુએ ન દિવસ, જરૂરત છે કે નહી ની તેમને ક્યાં ગતાગમ છે. તેથી તો રણને સુકાં ભઠ્ઠ રાખે છે ને બધે સરખાં વરસતા નથી.

ક્યાંક જોઈએ તો પાણીની તંગી. અમુક જગ્યાએ જળબંબાકાર. હજુ ગયા મહિને જ હ્યુસ્ટનમાં એક દિવસમાં ૨૦ ઈંચ વરસાદ વરસ્યો. તોબા રે તોબા ! ચાલો આપણે સામાન્ય વાત કરીએ. આપણને ભગવાને વિચાર શક્તિ આપી છે. બધા તેનો ઉપયોગ કરે છે તેની ખાત્રી ન આપી શકાય. આજે આ ગગનમાં ટહેલી રહેલાં વાદળા, રાતના ટમટમતા તારલાં, પૂનમનો કે બીજનો ચાંદ, ઝબૂકતી વિજળીના ઝબકારા, સાત ઘોડાના રથ પર સવાર સૂરજ અને રંગબેરંગી મનમોહક રંગનું મેઘધનુ. આ બધું નિરખવાનો સમય કોની પાસે છે? એ સમય કાઢીશું તો જીવન હર્યુ ભર્યું બની લહેરાઈ ઉઠશે. રોજ સવાર પડે ને સાંજ એ જ જીવનની ઘટમાળ. શું પામ્યા?


ચાંદ, તારા, સૂરજ, વાદળાં અરે પેલી ઝબુકતી વિજળી પણ જાણે એક કુટુંબના સભ્ય ન હોય તેમ આભમાં વસી રહ્યા છે. મિત્રતા ગણો તો તેપણ કેટલી ગાઢ ! તેઓ જાણે છે ‘સંપ ત્યાં જંપ’. તેવું જ માનવ જીવનમાં પણ છે. જ્ન્મતાની સાથે ‘કુટુંબ’ આપો આપ મળે છે. પ્રેમ સતત વહે જાય છે. તેમાં ભરતી ઓટ આવે પણ કદી સૂકાઈ ન જાય. જો કદાચ સ્વાર્થ અને અહં સામસામે ટકરાય તો તે પણ શક્ય બને. ખાસ યાદ રાખવું હિતાવહ છે. “ડાંગે માર્યા પાણી જુદા ન થાય” અને લોહી હમેશા પાણી કરતાં વધારે ઘનતા ધરાવે છે !

દિમાગમાં વિચારોનું વાવાઝોડું ચાલતું હતું, ફોનની ઘંટડી એ ધ્યાન ભંગ કર્યું. મિત્ર સાથે વાત કરતાં કરતાં જીવનમાં મૈત્રી શું સ્થાન ધરાવે છે તે વિચાર ઝબક્યો. જીવનમાં મૈત્રીનું સ્થાન મહત્વનું છે. વાત ટુંકાણમાં પતી ગઈ. વિચારો પીછો છોડતા ન હતાં.

‘મૈત્રી’  કેવી કૃષ્ણ અને સુદામા જેવી? કેવો મધુર શબ્દ છે. નસિબદાર હોય તેને  જીવનમાં સુંદર મિત્રો પ્રાપ્ત થાય છે. મૈત્રી ભાવનાથી ભરપૂર જે સ્વાર્થની દુર્ગંધથી લાખો જોજન દૂર હોય ! શું મિત્રતા અને દુશ્મની એક સિક્કાની બે બાજુ છે? મારા હિસાબે નહી પણ સાંસારિક વાતાવરણ જોતાં તેના ગર્ભમાં  સત્ય ભંડારાયેલું  છે.

જે આજે તમારા મિત્ર હોવાનો દાવો કરે છે એ કદાચ કાલે તમારા દાના દુશ્મન થાય તો નવાઈ ન લાગે. તે પણ કેવી મામૂલી ચીજ માટે ! તે કદાચ તુચ્છ અહંકાર હોઈ શકે યા બેરહમ પૈસો ! કિંતુ એક વસ્તુ સદા યાદ રહે દુશ્મન ‘દાનો’ જે મૈત્રી દરમ્યાનની વાતોનાં રણશિંગા ન ફૂંકે. તેને સાદી  ગુજરાતી ભાષામાં ગદ્દારી કહેવાય.

મૈત્રી કરવી આસાન છે. મૈત્રી નિભાવવી એ કૌશલ્ય માગી લે તેવી વાત છે. એમાં ‘હું’ ગૌણ બની જાય છે.
મૈત્રીની વચ્ચે એક ખૂબ પાતળી રેખા છે. એ કદી ઓળંગવાનો પ્રયત્ન ન કરવો. મિત્રની નબળાઈ છતી ન કરવી. ખૂબ કુનેહ પૂર્વક તેમાં તેની લાગણી ન દુભાય તેનો ખ્યાલ રહે! નબળાઈ દરેક વ્યક્તિમાં હોય એ સ્વાભાવિક છે.

એ લક્ષમણ રેખા એટલે મિત્રની જાતિય જીંદગીમાં દખલ ન દેવી. આ એક એવી રહસ્યમય વાત છે. કે સામે વાળી વ્યક્તિ કળી નથી શક્તિ ક્યારે એ લક્ષ્મણ રેખા પાર કરે છે. કદી મિત્ર પર સાચું યા ખોટું આળ ન ચડાવવું. પ્રશ્ન હોય તેનું નિરાકરણ કરવું.આપસમાં માન અને સન્માનનું ધ્યાન રાખવું. આ બધું અઘરું નથી. લખીએ ત્યારે ભારેખમ લાગે બાકી સરળ અને સહજ વર્તન મુશ્કિલ નથી.

‘જો તમારી પાસે કોઈ ચપ્પુ માગે અને તમે તેને મુઠ પકડાવો છો કે ધાર  એ તમારી મૈત્રીની અગ્નિ પરીક્ષા છે.’  જો ધાર આપશો તો તમે તમારી જાતને મહત્વ આપ્યું એ સૂચવે છે. જો મુઠ આપશો તો તમે મિત્રની સુરક્ષાના આગ્રહી છો એ સાબિત થશે.’ સાધારણ કાર્ય પણ તેમા કેટલો ગુઢ સંદેશ !

મિત્રતા હંમેશા લાગણી સભર હોય. જે મૈત્રીનો આત્મા છે. મિત્રતાના પાયામા હું’ ગૌણ છે. ‘તું’ છે તો હું સાથે સરવાનો. મૈત્રીના વર્તુળનું મધ્ય બિંદુ ‘હું’ નથી. ‘મિત્ર’ છે. જે તેના પ્રત્યેનો પ્રેમ ભાવ અને આદર વ્યક્ત કરે છે.  મિત્રતામાં સ્વાર્થ અને પૈસો પ્રવેશે છે ત્યારે તેનું પતન નિશ્ચિત છે.

જ્યારે શત્રુતા યા દુશ્મનીમાં તેનાથી વિરૂદ્ધ છે. ‘સહુ ભાડમાં જાય મને ઉની આંચ ન આવવી જોઈએ.’ મિત્રતા અભયની જન્મદાત્રી  છે. દુશ્મની સદા શંકા કુશંકાથી ઘેરાયેલી હોય છે. મનની શાંતિને હણે છે.

મિત્રતા કરવી ખૂબ સરળ છે. ખરી પરીક્ષા તેને નિભાવવામાં છે. મિત્રતામાં પ્રથમ આવે છે અહંકારનો ક્ષય. વિશ્વાસ એ તેના જડમૂળમાં જડાયેલો છે. અવિશ્વાસની લહેરખી પાસેથી ગુજરી શકતી પણ નથી. શંકા ને તો સ્થાન જ નથી!

કહેવાય છે જૂનું તે સોનું. જૂના મિત્રો સોના જેવા નવા હીરા જેવા. યાદ રહે હીરાને જડવા સોનાની આવશ્યકતા છે.

એક પ્રસંગ અંહી જણાવીશ. મિત્રની બાબતમાં ઇશ્વરે ખૂબ કૃપા કરી છે. એક વખત બીજા મિત્રને ઈર્ષ્યા આવી. મને મારા મિત્ર માટે ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો. ‘મેં તરત જ જવાબ આપ્યો, મને મારા મિત્ર ઉપર ગળા સુધી વિશ્વાસ છે. જો હું એના ખોળામાં માથૂ મૂકીને સૂતી હોંઉ અને મારું ગળુ કાપે તો એમ માનીશ કે તેમાં જરૂર મારું કંઈક ભલું તેના દિલમાં હશે.’ જે વ્યક્તિએ મને કાંઈ કહેવું હતું તેનો એક શબ્દ બોલ્યા વગર  વિદાય થઈ ગયો.

“વિશ્વાસ, ભરોસો અને શ્રદ્ધા એ મિત્રતાના લક્ષણ છે.” મિત્રતામાં ‘ગુણ યા અવગુણ’ પર ઢાંક પિછોડો નથી હોતો. માત્ર તે સહી લેવાની ક્ષમતા ધરાવે છે. યથા સમયે તેનો ઉલ્લેખ કરી જીવનનો સાચો રાહ દર્શાવે છે.

બાકી તાળી મિત્રો, પાર્ટી મિત્રો અને સ્વાર્થ સાધવાવાળા મિત્રોની તંગી નથી. મૈત્રીમાં મારું, તારું નથી હોતું. મૈત્રી એક અહેસાસ છે. અનુભવ છે. મૈત્રી જીવનની વીણાનું સરતું  સૂરીલું સંગીત છે.

સાંભળે છે ?

આમ વાતે વાતે ગુસ્સો કેમ આવે છે ? શું બધા મારું સાંભળે અથવા માને એ શક્ય છે ?

ઉત્તર છે, “ના”. 

તો પછી શાને આગ્રહ રાખે છે ?

“ગુસ્સો’ એ ભ ભયાનક છે. સાચા ખોટાનું ભાન ગુમાવી બેસે છે. 

માની લેને સામેવાળી વ્યક્તિ સાચી છે ! 

‘તારા બાપનુ 

“અરે, પણ એવું તો શું આભ ટૂટી પડ્યું કે તું હવે મારી સાથે નહી બોલે” !

 માનવના દિમાગમાં ‘ગુસ્સો’ ખૂબ ખતરનાક છે. જ્યારે માનવી તેનો શિકાર બને છે ત્યારે કિનારા તોડેલી નદીની જેમ બેફામ વર્તે છે. ‘

ગુસ્સો આવે એ સ્વભાવિક ક્રિયા છે !

તેનો અંજામ પણ ભોગવવો પડે છે !

એટલું કહીશ ‘ગુસ્સો આવ્યો એનું કારણ શાંતિ પૂર્વક શોધવું’. 

હા, મારી વાત ન ગમી પણ તેનો આટલો બધો, ગુસ્સો —– !

વર્ષોના સંબંધ પર પાણી ફેરવી નાખ્યું.

‘બધી વાત ગમે એવું કોઈ ગણિત ખરું’?

અરે, ભલા ભાઈ ન ગમતી વાત હતી તો જબાન બંધ રાખવાની, માત્ર કહી દેવાનું, ‘મને આ વાત પસંદ નથી’!

સામેવાળી વ્યક્તિની ઈજ્જત ધુળધાણી કરી એલફેલ બોલવું એ શું શોભાસ્પદ છે’?

ક્યાં ગઈ તમારી પંડિતાઈ?

ક્યાં ગયો શિષ્ટાચાર?

ઉમરનો કોઈ મલાજો ખરો કે નહી’?

ગુસ્સા પર કાબૂ રાખવો આવશ્યક છે !

આમાં નુકશાન માત્ર તને જ નહી, પણ તારા સંપર્કમાં આવેલાં સહુ તેનો ભોગ બને છે. 

‘તું સાંભળે છે’ ?

જરા શાંતીથી વિચાર કરી જો !

ધરતીમાંથી ફાટેલો દાવાનળ શાંત થાય પછી  ફળદ્રૂપ જમીનમાં પરિવર્તન પામે છે, 

તેમ ક્રોધ જ્યારે વિદાય થાય છે, ત્યારે શાંત મનમાં સુમ્દર વિચારોનું પ્રાગટ્ય થાય છે. 

અરે એણે તારું અપમાન કર્યું. તારો વિશ્વાસ ભંગ કર્યો! શું તેને દુઃખ નહી થયું હોય ?

આગ બંને બાજુ બરાબર લાગી છે !

વાંક કદી એક જણનો નથી હો તો ?

એ સંજોગમાં તું હોત તો તારું વર્તન કેવું હોત ?

હંમેશા દર્પણમાં મુખ જોવું . 

દર્પણ ક્યારે પણ ખોટું નહી બોલે !

દર વખતે “બીજી; વ્યક્તિની ભૂલ હોય તે શક્ય નથી !

ભૂલી ગઈ, ‘ભૂલ તો ભગવાનથી પણ થાય”. 

ભૂલ ભુલશું નહી તો નુક્શાન આપણને જ છે, એમાં બે મત નથી!

ખેર, ચાલો રાત ગઈ બાત ગઈ.

અસંભવ

જીવનમાં કશું અસંભવ નથી. માત્ર પ્રયત્ન ચાલુ રાખવા. મહેનતનું ફળ અવશ્ય મળશે! માત્ર ફળની આશાથી કોઈ પણ કાર્ય આરંભ કરવું નહી. સનાતન સત્ય છે, આપ્યા વગર શાંત થતું નથી !

જ્યારે આકાશે પોતાની મા મીતાના આશિર્વાદથી નાનો ધંધો ચાલુ કર્યો ત્યારે બે ટંક રોટલો ખાવા મળશે તેવી આશા હતી. મહેનત કરવામાં પાછું વળી જોતો નહી. મા દીકરો પ્રેમથી જીવતા હતા. પિતા ગુમાવ્યા એટલે ભણતર પુરું ન કરી શક્યો .

પિતાના ગયા બાદ સંસારે જે રંગ બતાવ્યા તેનાથી ભયભિત થઈ ગયો હતો. મા, ખબરદાર હતી. તેને ખબર હતી આકાશ હજુ પરિપક્વ થયો નથી. જેને કારણે તે ઢાલની માફક તેનું રક્ષણ કરતી. મીતા, કોલેજમાં હતી. તેની માતા મૃત્યુ પામી એટલે નવી માએ માનવ સાથે તેના લગ્ન કરી નાખ્યા.

મીતા અને માનવનો પુત્ર આકાશ ભણવામાં એક્કો હતો. માનવનું સ્કૂટર અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. આકાશ, રાતો રાત ઘરનો મોભ થઈ ગયો. મીતાના સાથ અને સહકાર સાંપડ્યા. આકાશના જીવનમાં પિતાએ પ્રેમથી સિંચન કર્યું હતું. આકાશ બારમીની પરીક્ષા આપીને આવ્યો. પરિણામ આવે તે પહેલાં પિતાનો અકસ્માતમાં સ્વર્ગવાસ થઈ ગયો.

અકસ્માત કંપનીના કામે જવા દરમિયાન થયો હતો એટલે મીતાને માનવના ગયા પછી સારો એવો દલ્લો સાંપડ્યો હતો. મીતાને બાળપણમાં નવીમાના હાથ નીચે દુનિયાનો અનુભવ કર્યો હતો. આકાશની ચારે બાજુ કવચ બનીને તે રહી. દીકરો હજુ ૧૭ વર્ષનો હતો. માનવના પ્રેમાળ વર્તનથી મીતા જીવનમાં ઘણું શીખી હતી. દુનિયાદારી અપરમાતાએ શિખવી, પતિના પ્રેમે વિશ્વાસ અને સાહસ શીખવ્યા.

દુઃખ ઘણું થયું કિંતુ પુત્રના ઉજ્જવલ ભવિષ્યને લક્ષ બનાવ્યું. નાના પુત્રને ભણાવવો અને ઘર ગૃહસ્થી સરસ રીતે ચલાવવી અસંભવ હતી કિંતુ મીતા હિમત હારે તેવી ન હતી. તેણે કમર કસી. આકાશની માતા અડિખમ હતી. જગતના અનુભવ નાનપણથી થયા હતા. જેને કારને તે ખૂબ સાહસી બની ગઈ હતી.

માનવના સથવારે ૨૦ વર્ષ ગાળ્યા હતાં. પહેલે દિવસથી તે સમજણી હતી. માનવે મીતાને કવચમાંથી બહાર કાઢી, મુક્ત રીતે દુનિયામાં હરતા ફરતા શિખવ્યું હતું. ભલે એ અનુભવ થોડા વર્ષોનો હતો. મીતા તેમાંથી ઘણું બધું શીખીને તૈયાર થઈ ગઈ હતી. આવી સુંદર રીતે માનવના હાથ નીચે ઘડાયેલી મીતા ઈશ્વરનો આભાર માનતી. બાકી તેની માતા કે પિતા તરફથી આશા મૂકી દીધી હતી.

માનવના માતા અને પિતા બહુ દાદ ન દેતાં ,મીતાને માનવના વિમાના તેમજ બચતના બધા પૈસા મળ્યા હતા. એ પૈસા તો મીતાનો સહારો હતા. આકાશને મજબૂત બનાવવાનો હતો. ભલે ભણતર છોડવું પડ્યું પણ ધંધામાં કુશળ બને તેવી આશા મીતાએ સેવી હતી.

આકાશ માતાની બધી વાત ધ્યાનંથી સાંભળતો તેમાં પોતાના આધુનિક વિચારો ઉમેરતો. તેની ઉમર ભલે નાની હતી, પિતા પાસેથી ચીવટતા શિખ્યો હતો. કોઈ પણ વસ્તુ હોય તેની બારિકાઈથી નિરક્ષણ કરી તોડ કાઢતો. માનવના ગુણ તેને લોહીમાં મળ્યા હતા.

દસ વર્ષનો થયો ત્યારે માનવે આકાશને પોતાનું કમપ્યુટર અપાવ્યું હતું. આકાશ નવરાશના સમયમાં કમપ્યુટર પર ઘણું બધું શિખતો. શાળાનું ઘરકામ કર્યા પછી બે કલાક બહાર રમવા જવાનું. બાકીના સમયમાં કમપ્યુટર તેનો મિત્ર હતો. માનવે જોયું હતું દીકરાને આમાં ખૂબ રસ છે. સમય મળ્યે નવું શિખવતો પણ ખરો. બાપ દીકરા મિત્રની જેમ વર્તન કરતા.

મીતાની મહેનત રંગ લાવી. પાંચ વર્ષ ખૂબ મહેનત કરી ‘ઈલોક્ટ્રોનિક્સ’ નો ધંધો વિકસાવ્યો. આકાશ કમપ્યુટરનો રસિયો હતો. તેનું મગજ તેમાં તેજ ચાલતું. મીતાને ઘણિવાર નવાઇ લાગતી, આટલો નાનો આ બધું કેવી રીતે જાણે છે.

મીતા ભૂલી ગઈ હતી કે આજકાલના બાળકો માના દૂધ સાથે ‘કમપ્યુટરની’ કમાલ પણ શીખીને આવે છે. કમપ્યુટર તેમના ડી. એન. એ. માં શામિલ હોય છે. આકાશ જ્યારે ૨૫ વર્ષનો થયો ત્યારે ધંધામાં ઠરી ઠામ થઈ ગયો હતો.

સમય મળ્યે કમપ્યુટરના એડવાંસ ક્લાસિસ પણ કરતો. જેથી નવી સિસ્ટમથી પરિચિત રહેવાય. તેને ત્યાં વર્ષા કરીને એક ગ્રાહક આવતી. જે કમપ્યુટરમાં સ્નાતક થઈ હતી. આકાશની હોંશિયારીથી આકર્ષાઈ તેના પ્રેમમાં પાગલ થઈ.

આકાશે પોતાની હકિકતથી તેને વાકેફ કરી. વર્ષાને કોઈ ફરક પડતો ન હતો. આકાશ સાથે પરણી. મીતાને હવે રાણીની જેમ રાખતા. ઘરની માલિકણ મીતા બની ગઈ. જીવનમાં સારી નિયત રંગ જરૂર લાવે છે.

મનની ભીતરમાં

રોજ ઝરૂખામાં બેસવાની સુંદર આદત આજે પણ ચાલુ છે. ઝરૂખામાં બેસીને બહારની દુનિયાને નિહાળતાં ક્યારે ભિતરમાં સરી જવાય તેનો ખ્યાલ નથી રહેતો. બાળપણના એ દિવસો હતાં રોજ અરબી સમુદ્રનાં મોજાં નિહાળતી. તેનો સુંદર અવાજ મને કર્ણપ્રિય હતો. પૂનમની રાતના તેના ઘુઘવતાં મોજાનો અવાજ કાનને સુરીલો લાગતો. અમાસની રાતની નિરવ શાંતિમાં ખોવાઈ જતી. સમયનું ભાન પણ ન રહેતું. આમને આમ દિવસો, મહિના અને વર્ષોના વહાણા વાયા,

આજે જીવનના સંધ્યા ટાણે બેસું ઝરૂખામાં અને અંદર ઉતરી તલાશ કરું . આ ઘુઘવાટ હવે શાંતિમાં પરિણમ્યો છે. બસ કેવી રીતે સમાજ ઉપયોગી કાર્ય કરું, તેના વિચારોમાં ખોવાઈ જાંઉ છું. એકાંત સાથે ગાઢ મૈત્રીનો અનુભવ કરું છું. ભીડમાં ખોવાઈ જાંઉ છું. જીવનના દરેક તબક્કા દરમ્યાન જુદા જુદા અનુભવમાંથી પસાર થવાનો  લહાવો માણ્યો છે. જીવનસાથીનો સંગ મધદરિયે ગુમાવ્યો છતાં વિયોગના આઘાતમાંથી બહાર આવી જીવન સફળ કરવાનો નિર્ધાર કર્યો.  પ્રેમાળ બાળકોની પ્રગતિ જોઈ સંતોષની લાગણી અનુભવતાં.

‘બેટા તું નોકરી પર જા. હું છું ને ઘરમાં પછી શાની ચિંતા કરે છે?’ અનિતા બોલી રહી. નિવૃત્તિમા પ્રવૃત્તિમય જીવન જચી ગયું હતું. હવે  ન નોકરીએ જવાની ધમાલ કે ન કોઈના લંચ બૉક્સ તૈયાર કરવાનાં. ઘરમાંથી બધા આઠ પહેલાં વિદાય થઈ જાય. પછી નિરાંતે ચા બનાવે અને છાપું લઈને વાંચવા બેસે. રોજ ‘સુડોકૂ’ સોલ્વ કરવાનું. જમ્બલ વર્ડસ બનાવવાના. ખૂબ ગમતું દિમાગને કસરત મળે એ નફામાં. અચાનક વિચાર સ્ફૂર્યો ૨૧મી સદીમાં માનવી ‘પૈસાને’ આટલું બધું મહત્વ કેમ આપતો હશે? હા,તે જીવનની જરૂરિયાતની વસ્તુ છે ! તેમાં  શંકાને સ્થાન નથી ?

કિંતુ સારા ચારિત્ર સમાન કોઈ પવિત્ર ધન નથી. માણસ પૈસાથી ધનવાન કહેવાય તેના જેવી કોઈ કરૂણતા નથી. જે દિવસે પૈસો માનવને માપવાનું બેરોમિટર ગણાશે તે દિવસે આ ધરા પર અમાસના અંધારા છવાશે. મહાપુરૂષો, ઋષિઓ તેમના ચારિત્રથી શોભાયમાન છે. જેને કારણે સદીઓ અને યુગો પછી પણ તેઓ પંકાય છે.

પૈસો યા લક્ષ્મી ચંચળ છે. તેને પામવી યા ગુમાવવી આસાન છે. પૈસા વગરનો માનવ કંગાલ નથી ગણાતો.ચારિત્ર વગરના માનવની કશી કિમત નથી. ચારિત્ર કોઈ પણ ભોગે સુરક્ષિત હોવું જોઈએ. ચારિત્રહીન માનવ ભલેને પૈસામાં આળોટતો હશે તો પણ તેની કશી કિમત નહી હોય. સામાન્ય માનવ, જેની પાસે સવારે ખાધા પછી રાત્રે મળશે કે નહી એવો પ્રશ્ન ઉભો હોય છતા તે જો ચારિત્રવાન હશે તો આદર પામશે. પૈસો સર્વસ્વ છે એ વિચાર અસ્થાને છે. ધનવાનો ખુલ્લે આમ જાણતા હોય છે કે ‘આ હું નથી બોલતો મારો પૈસો બોલે છે !’તેમને આદર અને સન્માન માત્ર સ્વાર્થ સાધવા પૂરતા હોય છે. સ્વાર્થ સર્યો અને ‘હું કોણ તું કોણ ‘જેવા હાલ થાય છે. જો પૈસા સાથે ચારિત્રનું બળ હોય તો ‘સોનામાં સુગંધ’ જેવું લાગે. જે દિવસે પૈસાથી માનવીની કિંમત અંકાશે ત્યારે એ સમાજ ક્યાં જઈને અટકશે એ ગહન પ્રશ્ન છે !

પૈસાથી બધું ખરીદી શકાય ? ઉંઘ અને શાંતિ પૈસો કદી મેળવી નહી આપે ! ચારિત્રની  વાત બહુ દૂર રહી. મનુષ્યએ પ્રયત્ન દ્વારા કેળવેલી સજાગવૃત્તિથી ચારિત્રનું રક્ષણ કરવું. પૈસો તો હાથનો મેલ છે. ક્યારે છેહ દેશે તેની કોઈને ખબર નથી. માનવ ગુમાવેલ પૈસો મેળવવા શક્તિમાન છે. જેનું ચારિત્ર અનિતીનો પૈસો કમાવામા સિથિલ થાય છે તેનું પતન નિશ્ચિત છે. તેનું રક્ષણ કરવા પ્રયત્ન રહેવું જરૂરી છે. પૈસો તો આજે છે ને કાલે નથી. જે ગુમાવ્યા પછી પાછો મેળવી શકાય. પૈસો ગુમાવવાથી આદર અને સન્માન ખોવાતા નથી. કિંતુ ચારિત્ર સિથિલ થાય પછી આદર સન્માન પાછાં મેળવવા મુશકેલ છે. માનવનું પતન તેનાથી સંભવિત બને તે હકિકત છે. ‘યેન કેન પ્રકારેણ’ કદાચ માનવી પૈસો પ્રાપ્ત કરી શકે. સ્વના ચારિત્રનું રક્ષણ તેને સદાબહાર ઈજ્જત અને આદર આપવા સમર્થ છે. પૈસાની ઝાકમઝોળ તેને સ્પર્શી શકતી નથી.

ભૌતિકવાદના આજના યુગમાં કદાચ આ વાત કાનને સ્પર્શી ન શકે. અંતરાત્માનો અવાજ અવગણવો શક્ય નથી. પસીનાનો રોટલો રળી ખાનાર આરામથી હાથનું ઓશિકું બનાવી નસકોરાં બોલાવી શકે છે. જ્યારે અનિતીથી કે ગદ્દારીથી મેળવેલા પૈસા પાત્ર વ્યક્તિ, ૪૦ હજારના પલંગમાં શિમળાના રૂની તળાઇ પર આળોટવામાં પસાર કરે છે.

યાદ આવે છે એક ભાઈની જુવાન દીકરીથી રસ્તા પર અકસ્માત થયો કહેવું આવશ્યક નથી કે પૈસાપાત્ર હતા. નવી નવી ગાડી ચલાવતાં શીખી હતી. રાતનો સમય હતો. રસ્તા પર ટ્રાફિક થોડો ઓછો હતો.

‘પપ્પા હું ગાડી ઘર સુધી ચલાવું’?

‘સાચવીને ચલાવીશ’?

‘હા, પપ્પા’.

પપ્પાને થયું થોડી પ્રેક્ટિસ થશે. ભલેને ચલાવતી, હું બાજુમાં બેઠો છું.

દીકરી જરા વધારે પડતી ખુશ થઈ.  કોઈ ગરીબનો જાન ગયો. અંધારામાં ફુટપાથ પર સૂતેલો માન પછી તો પાંદડાની માફક કાંપતી હતી. પપ્પાએ પોલિસ આવે ત્યાં સુધી સંભાળી. રાતાના કોઈ બેઘર રસ્તા પર સૂતો હતો. લોકોનું ટોળું ભેગું થાય એ પહેલાં પોલિસને પૈસા આપી દીકરીને બચાવી ભાગી છૂટ્યા. સવારે એ લત્તામાં ચાલતાં ગયા. કાન બધી વાતો સાંભળતાં હતાં.  એ જુવાન ગામથી આવ્યો હતો., મુંબઈમાં રોટલો રળવા. તેના માતા અને પિતાનો ‘ચિરાગ’ કાયમ માટે ઓલવાઈ ગયો. તેઅને ખૂબ દુંખ થયું. અજાણ્યા રાહી બની, આજુબાજુવાળા માણસો પાસેથી બધી વાત કઢાવી. તકલિફ જરૂર થઈ. ચેન પામવા માટે તેની બધી વિગતો ભેગી કરી. દીકરી ખૂબ ગભરાઈ ગઈ હતી. ‘પપ્પા’ આપણે શું કરીએ? તમે ભલે જેલમાં જતી બચાવી! મારું દિલ મને ડંખે છે’. મને ચેન પડતું નથી! આ મારાથી શું થઈ ગયું?’

‘બેટા, તું ધીરજ ધર. આ કૃત્ય તેં જાણી જોઈને કર્યું નથી.’ જરૂર કોઈ રસ્તો શોધીશ. તારા મનને મનાવ, મારા પપ્પા મને સહાય કરશે.’ આખરે એ શેઠે તે જુવાનની બધી વિગત એકઠી કરી. દીકરીને જણાવ્યું. દીકરીએ સાથે આવવાનો આગ્રહ સેવ્યો. પપ્પા પોતાની દીકરીને નારાજ કરવા નહોતાં માગતા. બાપ દીકરી  તે જુવાનના ગામમાં જઈ તેના માલિક તરિકે ઓળખાણ આપી. ૧૫ લાખ રૂપિયા આપી આવ્યા. જુવાનના માતા અને પિતાએ ઉદાર દિલે અકસ્માત કરનારને માફ કર્યા. તેમને ખબર હતી દીકરો તો ગયો પણ જ્યાં નોકરી કરતો હતો એ શેઠે આવીને હાથ ઝાલ્યો. એ માતા પિતાને તેઓ જણાવી ન શક્યા કે ‘તેઓ કારણ ભૂત હતાં’! ઈશ્વરને મનમાં ને મનમાં પ્રાર્થના કરી,  હે પ્રભુ ક્ષમા કરજે , આ વાત બતાવી નહી શકાય’!

આજે એ શેઠને અને તેની દીકરીને ગામથી પાછાં આવતા ગાડીમાં બેઠાં બેઠાં ઉંઘ આવી ગઈ ! જુવાન દીકરીના  મુખ પર શાંતિ વરતાતી હતી. તેને પસ્તાવો ઘણો થયો હતો. એવું કૃત્ય થઈ ગયું હતું જે ભૂલવા મથીએ તો પણ ન ભૂલાય. તે અજાણ્યા યુવાનના માતા અને પિતાએ અકસ્માત કરનારના ગુનાને માફ કર્યો હતો.  ગયેલો પુત્ર કોઈ પણ કિમતે પાછો આવવાનો ન હતો. એમ મન મનાવવું રહ્યું કે મોત વિધાતાએ એ પ્રમાણે લખ્યું હશે !

ગુડી પડવો

ચૈત્ર સુદ એકમ અને ગુડી પડવો. બાળપણની સ્મૃતિ દિમાગમાં દોડી આવે. પાડોશી મરાઠી હતા. મુંબઈમાં મરાઠી પાડોશી હોય તે સ્વભાવિક છે. કિંતુ તેઓ માછલી ખાય એટલે વાડકી વહેવાર સદંતર બંધ.

વૈષ્ણવના ઘરમાં કાંદા. લસણ અને ડાલ્ડા પણ ન આવતું હોય ત્યાં માછલીની વાસ મારી મમ્મીથી જરા પણ સહન ન થાય.

સારિકા મારી સાથે ગુજરાતી શાળામાં ભણતી. મરાઠી હોવા છતાં એને ગુજરાતી ખાવાનું ભાવતું> માછલીની સુગંધ તેને પણ ન ગમતી. શું કરે ! ઘરમાં બધા ખાય પણ તે ક્યારેય ન અડકે.

જેને કારણે મારી મમ્મીને તે બહુ ગમતી. અમે બન્ને સાથે શાળાનું ઘરકામ કરતાં. અઠવાડિયામાં ચાર દિવસ તે મારી સાથે જમતી હોય. મારી મમ્મીની રસોઈ પણ તેને બહુ ભાવે.

આજે બાળપણની તે સખીની યાદ આવી ગઈ. સાચું કહું તો સારિકા જીવનમાં સહુથી પહેલી મારી સખી હતી.

ખબર નથી આજે તે ક્યાં હશે. આજ કાલ કરતાં મને પણ અમેરિકામાં ૪૮ વર્ષ થઈ ગયા. જ્યાં હોય ત્યાં તેની યાદમાં “ગોડ ગોડ બોલા’ !

ઉંહકારા

બસ હવે ક્યારે હોસ્પિટલ જવું પડશે તેની ઝરણાને ખબર ન હતી. પહેલું બાળક ઝરણાનો અને નિરવનો ખુશનુમા અનુભવ . ઝરણા પોતે હોસ્પિટલમાં જાય ત્યારે નિરવને ખાવાની તકલિફ ઓછી પડૅ તેના માટૅ દુધીના થેપલા બનાવી રહી હતી. સરસ મજાનો ચેવડો બનાવી જસુને માર્ગદર્શન આપી રહી’ બરણીમાં ભરી બરાબર બંધ કરજે’. તેને હવા ન લાગવી જોઈએ.

નિરવ બપોરે જમવા ઘરે આવ્યો. ઝરણાએ ઈશારાથી સમજાવ્યું ,’ડ્રાઈવરને કહે ઊભો રહે ,પુરંદર હોસ્પિટલમાં જવાનો સમય થઈ ગયો છે’.

નિરવે ઝરણાના હાથમાંથી કામ લઈ લીધું. કપડાની તૈયાર કરેલી બેગ સાથે બંને જણા ગાડીમાં બેસી હોસ્પિટલ પહોંચી ગયા. નિરવથી ઝરણાની ચીસો સાંભળી શકાતી નહી. ડોક્ટરે સૂચના આપી’કદાચ આખી રાત પણ નિકળી જાય. પ્રથમ બાળક છે ખબર ન પડૅ. ‘

છેલ્લી ટ્રેન જતી રહે પછી નિરવને ઘરે જવાની તકલિફ પડે એટલે સવારે છ વાગે આવીશ કહી ઘરે ગયો.

આખી રાત પ્રસુતિના ટેબલ પર સૂતેલી ઝરણા બૂમો પાડતી રહી. પહેલું બાળક હતું. ઝરુણા પોતે માતા પહેલીવાર બનવાની હતી. અનુભવ સાવ અલગ હતો. ‘વેણ’ ઉપડૅ ત્યારે ચીસ નીકળી જાય. બાળક સહેલાઈથી બહાર આવતું નથી. જે સ્ત્રી માતા થઈ હોય તેને એનો અનુભવ હોય છે. બાળકનું સુંદર મુખ જોતાં બધી વેદના વિસરી જાય છે.

આ સનાતન સત્ય છે. કિંતુ ઝરણાના નસિબમાં એ ન હતું. આખી રાત ચીસો પાડી તે થાકી ગઈ હતી. આખરે સવારે થાકીને આંખ મિંચાઈ ગઈ. હજુ તો માંડ કલાક થયો હશે ત્યાં પાછી વેદના શરૂ થઈ. શું કરવું તેન પ્રશ્ન મુંઝવતો હતો.

ઝરણાનું અસહ્ય દર્દ તેને થકવી ગયું હતું. તેનામાં કોઈ તાકાત રહી ન હતી. આખરે ડો. બલસારાએ સી. સેક્શન કરવાનું નક્કી કર્યું. જો વધારે મોડું કરે તો બાળક અંત સમયે ખોડખાંપણ વાળું આવે યા પ્રાણ ગુમાવે!

નિરવની રાહ જોયા વગર ઝરણાએ સંમતિ આપી દીધી. ડોક્ટરે પણ ત્વરિત નિર્ણયનો અમલ કયો. બાળકીને બચાવી લીધી. ઝરણાના દર્દનો અંત આવ્યો. નર્સ દીકરીને સાફ કરી સુંદર કપડામાં લપેટી ઝરણા પાસે આવી. તે સમયે નિરવ પણ પ્રવેશ્યો. એકબીજાને અભિનંદન આપવાની વાત વિસરાઈ ગઈ.નિરવને મુંબઈના પરામાંથી આવતા વાર થઈ. દીકરીને જોઈ નિરવ અને ઝરણા પાગલ થઈ ગયા. થાકેલી ઝરણામાં અચાનક ક્યાંથી આટલી સ્ફૂર્તિ આવી તેની ખબર ન પડી.

ઝરણાએ પ્રેમથી બાળકીને પેટભરી દૂધ પિવડાવ્યું. તેનો આનંદ ચરમ સીમાએ પહોંચ્યો હતો. જ્યારે નર્સ તેને કપડાં બદલાવવા લઈ ગઈ ત્યારે નિરવ તેને ગઈ કાલની લીધેલી વિડિઓ બતાવી રહ્યો હતો. જેમાં ઝરણાની ચીસો અને ઉંહકારા સંભળાઈ રહ્યા હતા.

ઝરણાએ ફોન છીનવી લીધો અને વિડિયો ડીલીટ કરી નાખી.